વાટ જુએ છે મીરાં રાંકડી

વાટ જુએ છે મીરાં રાંકડી
મીરાંબાઈ


પદ ૧૧.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.—
મુનિવર સ્વામી મારે, મંદિર પધારો રે;
સેવા કરીશ દિન-રાતડી રે.—
ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે;
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે.—
પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે;
ઘેબર જલેબી તલ-સાંકળી રે.—
લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે;
એલચી દોડા ને તજ પાંખડી રે.—

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે;
રમવા આવો તો જાય રાતડી રે.—
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર;
જોતાં ઠરે છે મારી આંખડી રે.—