વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને
વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને નરસિંહ મહેતા |
વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.
લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,
લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે ... વારી જાઉં.
લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે ... વારી જાઉં.
લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,
ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે ... વારી જાઉં.
લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે ... વારી જાઉં.
એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડામોડ રે ... વારી જાઉં.