વિવેકી નરને એમ વિચારીને જોવું
વિવેકી નરને એમ વિચારીને જોવું દેવાનંદ સ્વામી |
પદ ૭ રાગ એજ.
વિવેકી નરને, એમ વિચારીને જોવું;
કુપાતરને દાન દેવું તે, બીજ ખારમાં બોવું રે... વિવેકી꠶ ૧
કામી ક્રોધી લોભી લંપટ, કૂડા બોલા કા’વે;
અન્ન ધન વસ્ત્ર તેને આપે, તે શેકી(ને) બી વાવે રે... વિવેકી꠶ ૨
ઇંદ્રી પાંચ છઠ્ઠું મન જીત્યા, તે હરિદાસ કહાવે;
વા’લી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે રે... વિવેકી꠶ ૩
દુર્બળ સુદામે આણી દીધા, મુષ્ટી તાંદુલ મેવા;
કંચન મો’લ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા રે... વિવેકી꠶ ૪
દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરિને હાથે;
દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યાં દીનાનાથે રે... વિવેકી꠶ ૫