વીરક્ષેત્રની સુંદરી/ચંદુલાલ અને બાજપક્ષી

← વ્યભિચારિણી વારુણી વીરક્ષેત્રની સુંદરી
ચંદુલાલ અને બાજપક્ષી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
અનંગભદ્રાની જિજ્ઞાસા →


રાજા ચંદુલાલ અને બાજપક્ષી

હે સુંદરી! પૂર્વે મહાસાગર નામક નગરમાં ચંદુલાલ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેને મૃગયાનો એટલો બધો છંદ લાગ્યો હતો કે જેનો અવધિ થએલો જ કહી શકાય. એક દિવસ તે અરણ્યમાં મૃગયા કરતો કરતો પોતાના સૈન્યથી જૂદી પડી આગળ વધીને પુરંદર નામના વનમાં આવી લાગ્યો. મધ્યાહનો સમય હોવાથી તે તૃષાથી મહાવ્યાકુળ થયો અને તેથી એક ટેકરી પર ચઢીને આસપાસ ક્યાંય પાણી હોય તો તેનો શોધ કરવા લાગ્યો. એટલામાં એક વૃક્ષમાંથી પાણીનાં બિંદુ ટપકતા તેના જોવામાં આવ્યા, એટલે તે સ્થળે જઈ ઝાડનાં પાંદડાનો એક દડિયો બનાવી તેની નીચે ધરીને થોડુંક પાણી તેણે એકઠું કર્યું. એટલામાં તેની સાથે શિકારી બાજપક્ષી હતો તેણે ઝડપ મારીને તે પાણી ઢોળી નાખ્યું. રાજાને ક્રોધ તો થયો, પણ ક્રોધને શમાવીને પાછો તેણે પડિયો ધર્યો અને થોડું જળ એકત્ર કર્યું; પણ પુનઃ તે બાજપક્ષીએ તે પડિયાને ઉંધો વાળી પાણી ઢોળી નાખ્યું. એ વેળાએ રાજાનો કોપ અનિવાર્ય થવાથી તેણે તે પક્ષીને પકડીને તત્કાળ તેનો ઘાત કરી નાખ્યો, અને ત્રીજીવાર પડિયાને તે ટપકતા જલબિંદુ નીચે રાખ્યો. એ પછી રાજાના મનમાં અચાનક વિચાર આવ્યો કે, બાજપક્ષીએ બે વાર પાણી ઢોળી નાખ્યું તેનું કારણ શું વારૂ? જરા તપાસ તો કરવો જ જોઈએ. એમ વિચારીને તે તપાસ કરવા લાગ્યો એટલે ઝાડ પર એક મોટો નાગ આડો પડ્યો છે અને અત્યંત ઉષ્ણતા થવાથી મોઢું નીચું કરી ઝેરી લાળ ટપકાવે છે, એવો દેખાવ તેના જોવામાં આવ્યો. આ દેખાવ જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયો અને વૃક્ષ પરથી નીચે ઉતરી બાજ પક્ષીના મુખને ચૂમતો બોર બોર જેવડાં આંસુ વર્ષાવીને રોવા લાગ્યો. અને મનમાં કહેવા લાગ્યો કે;-“આજે જો આ પક્ષી મારી સાથે ન હોત, તો આ સર્પવિષના પ્રાશનથી અવશ્ય મારો નાશ થઈ જાત !” એ પછી એ રાજા જ્યાં સુધી જીવ્યો ત્યાંસુધી તે પક્ષીનો સર્વ કાળ ઉપકાર માનીને શોક કર્યા કરતો હતો. તે જ પ્રમાણે હે પ્રિયતમે ! જો તું મને મારી નાખીશ, તો તું પણ અત્યંત પશ્ચાત્તાપમાં પડી જઈશ; અને મને જો આ બંધમાંથી મુકત કરી જીવનદાન આપીશ, તો તારૂં કલ્યાણ થઈ જશે.”

આ વાર્તાનું તે વેશ્યાના હૃદયમાં કાંઈ પણ પરિણામ ન થતાં તે બાજઠ પરથી ઉઠી તલવાર ઉગામીને પુનઃ તેનું ગળું રેંસવાને આગળ વધી એટલે પુન: તે પરાધીન અને નિરાધાર રાજકુમાર તેને અનેક પ્રકારે પ્રાર્થના કરીને જીવનનું તેની પાસેથી દાન માગવા લાગ્યો.

X X X

અનંગભદ્રા અને મારો આટલો વાર્તાલાપ ચાલ્યો એટલામાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા, એટલે મેં અનંગભદ્રાને કહ્યું કે;- "હવે અરુણેાદયનો સમય થવા આવ્યો છે એટલે તમે પોતાને ઘેર જાઓ, તો સારું અને હવે પછી આવા રાત્રિના સમયમાં કદાપિ મારે ત્યાં આવશો નહિ. શ્વશુર પક્ષ અને પિતૃ પક્ષના લોકોની ઇચ્છા પ્રમાણે વર્તી સદાચારથી ચાલશો, તો જ તમારું કલ્યાણ થશે, કદાપિ કોઈની જોડે વૈર બાંધશો નહિ અને ઇશ્વરથી ડરીને ચાલજો. આ દુષ્ટ મદન- રિપુનો જરા પણ આદરસત્કાર ન કરશો અને મારા ઉપદેશનું નિરંતર સ્મરણ કર્યા કરજો.” એમ કહીને અનંગભદ્રાને મેં જવાની પ્રાર્થાના કરી. મારૂં આ ભાષણ સાંભળી તે નમ્રતાથી કહેવા લાગી કે;-"દાકટર સાહેબ! અત્યારે એકલાં જવાની મારી છાતી થતી નથી, એટલા માટે આપ મારી સાથે આવી મને ઘર સુધી પહોંચાડી જશો તો આપનો મોટો ઉપકાર થશે; કારણ કે, જો હું એકલી જઈશ અને માર્ગમાં મને કોઈ મારાં વિશિષ્ટ લક્ષણોથી સ્ત્રી તરીકે ઓળખી લેશે, તો આ મુસલમાનોનું રાજ્ય હોવાથી કોઈ મુસલમાન મારી આબરૂના કાંકરા કરી નાખશે.”

તેની આ ભીતિ યથાર્થ હોવાથી મેં મારી ગાડી જોડાવી અને તેમાં તેને બેસાડી ઠેઠ તેના ઘર આગળ તેને હું મૂકી આવ્યો. હું ત્યાંથી પાછો ફર્યો એટલામાં દિવસ ઊગવાને વખત થઈ ગયો. ત્યાર પછી ઘેર આવી નિત્ય કર્મથી મુક્ત થઈ અમીર સાહેબની સલામે જઈ આવ્યો અને ત્યાર પછી કેટલાક રોગીઓની પ્રકૃતિ જોઈ લગભગ દશ વાગે ઘેર આવી લાગ્યો. બીજે દિવસે દોઢ પ્રહર રાત જતાં પુનઃ પુરુષવેશમાં અનંગભદ્રા મારે ઘેર આવી અને કુરસી પર બેસી થોડી વાર વિશ્રાંતિ લીધા પછી તેણે મને મારી મધુર નિદ્રામાંથી જાગૃત કર્યો, જાગૃત થઈ તેને જોતાં જ મહા કોપથી હું કહેવા લાગ્યો કે:- અનંગભદ્રા ! ગઈ રાત્રે મેં તમને જે આટલો ઉપદેશ આપ્યો, તે સર્વ વ્યર્થ ગયો, એટલે એથી જણાય છે કે, તમે સદ્બોધને પાત્ર નથી. તમારાં આવાં આચરણોથી મને તો એમજ ભાસે છે કે, તમારા પર ઈશ્વરનો કોપ જ ઊતરેલો હોવો જોઈએ. જેવી રીતે રાજ ચોરી કરવાને નીકળતો ચોર એક દિવસ અવશ્ય પકડાઈ જાય છે, તેજ પ્રમાણે તમે પણ અવશ્ય પકડાશો, એટલું જ નહિ, પણ સાથે મારા પ્રાણની પણ હાનિ કરી નાખશો. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે, તમે પાછાં પોતાને ઘેર ચાલ્યાં જાઓ અને હવે પછી ભૂલે ચૂકે પણ મારા ઊંબરામાં પગ મૂકશે નહિ.”