વીરક્ષેત્રની સુંદરી/વિવરસ્થ વનિતા

← રાજકુમાર રક્તસેન વીરક્ષેત્રની સુંદરી
વિવરસ્થ વનિતા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વ્યભિચારિણી વારુણી →


વિવ૨સ્થ વનિતાની વાર્તા

પૂર્વે અવંતી નામક નગરીમાં મત્સ્યેન્દ્ર નામનો એક શાહુકાર રહેતો હતો. તેનો ગોપીનાથ નામનો સેવક વયમાં તરુણ અને સ્વરૂપે અતિશય સુંદર હતો. તેનો મત્સ્યેન્દ્રના વ્યાપારમાં ભાગ હોઈને તે લોકોની હુંડી પત્રીઓ સ્વીકારતો હતો. તેની પાસે બહુ સંપત્તિ થવાથી તેના મનમાં પરણવાનો વિચાર સ્ફુરી આવ્યો, પરંતુ પ્રમદાઓ પાપિની અને વ્યભિચારિણી હોય છે, એવો તેનો નિશ્ચય થએલો હોવાથી પ્રથમ યોગ્ય પરીક્ષા કરી જો કોઈ સારી સ્ત્રી મળે તો જ તેની સાથે લગ્ન કરવું અથવા તો સ્ત્રીને એવા સ્થાનમાં રાખવી કે જ્યાં તેને પર પુરુષનું દર્શન જ ન થઈ શકે. આવા વિચારથી તે ગૃહસ્થે એક પર્વતના વિવરમાં ગૃહ ચણાવીને તેમાં અન્નોદક આદિની વ્યવસ્થા કરી રાખી. ત્યાર પછી કાશીમાં જઈને માત્ર એક વર્ષના વયની એક કન્યા સાથે લગ્ન કરી તેને તે વિવરસ્થ ગૃહમાં લઈ આવ્યો અને ત્યાં તેના રક્ષણ માટે બે દાસીઓ અને દૂધ પાવા માટે ધાવ મળીને ત્રણ સ્ત્રીઓને રાખી. કેટલાંક વર્ષ પછી તે કન્યા તારુણ્યમાં આવ્યા પછી ગોપીનાથ ત્યાં નિત્ય જઈને તે સ્ત્રીના યૌવનનો ઉપભોગ લેતો હતો. એકવાર તે વ્યાપારના કાર્ય માટે કોઈ દૂરના દેશમાં ગયો હતો, અને એક દિવસ તેની પત્ની મુક્ત વાયુનો સ્વાદ લેવા માટે વિવરમાંથી બહાર આવી હતી. એટલામાં એક સરદાર પુત્ર શિકાર કરતો તે સ્થળે આવી લાગ્યો અને તેના સૌન્દર્ય તથા તારુણ્યને જોઈને તેનામાં લુબ્ધ થઈ ગયો. તે વનિતા તે તરુણને પોતાના વિવરમાંના મંદિરમાં લઈ આવી. ત્યાં તેની સાથે ભોગ વિલાસ કરી તે પર્વતમાં પાછળના ભાગમાં બીજો માર્ગ કરી ત્યાંથી તેણે તેને વિદાય કરી દીધો. ત્યાર પછી તે સરદારપુત્ર નિત્ય તે માર્ગેથી આવીને તેની સાથે રંગ ભોગ કરતો હતો અને તેથી વખત જતાં તેમને પરસ્પર અત્યંત ગાઢ પ્રેમ બંધાઈ ગયો.

એક દિવસે તે સરદાર પુત્ર સાથે તે સ્ત્રીએ એવી સલાહ કરી કે;–“મારા ધણીને જીવથી મારી નાખીએ અને પછી આપણે નિર્ભયતાથી મદનના ઉદ્યાનમાં વિહાર કરીએ. જો આમ નહિ કરીએ અને આપણા આ ગુપ્ત વ્યભિચારની વાત જો મારા ધણીના જાણવામાં આવશે, તો તે આપણ બન્નેને અવશ્ય મારી નાખશે.” તેની આ ઇચ્છા જાણીને સરદાર પુત્રે કહ્યું કે, “ના હવે આવા વિચાર માત્રને પણ મનમાં લાવીશ નહિ. જે પતિએ આજ અનેક પ્રકારે તારૂં પાલન પોષણ કર્યું છે, તેને તું મારી નાખવા ઇચ્છે છે, એ તારી કૃતિ યોગ્ય નથી. આ નિંદ્ય કર્મ સર્વથા ત્યાજ્ય છે.” એવી રીતે તેણે બહુબહુ બોધ આપ્યો, પણ તેને ધ્યાનમાં ન લઈને એક દિવસ પોતાના પતિને નિદ્રાધીન અવસ્થામાં અને અસાવધ જોઈ પોતાના જારને પકડીને તે ત્યાં લઈ આવી અને મ્યાનમાંથી તલવાર કાઢી તેના હાથમાં આપીને કહેવા લાગી કે;“ લે તલવાર અને કરી નાખ ઠાર !'- અચાનક મનમાં ઇશ્વરનો ભય થવાથી મૂર્ચ્છાગત થઈ સરદારપુત્ર ધરણીપર ઢળી પડ્યો, કેટલીકવાર પછી સાવધ થઈને તે બોલ્યો; કે “સુંદરી ! અા પાપાચાર મારાથી થવાનો નથી !”

જારને ભયભીત થયેલો જોઈ તે નાગિનીએ તલવાવારને પોતાના હાથમાં લઈ એક જ વારથી પતિના શરીરના બે કટકા કરી નાખ્યા. તેની આવી ક્રૂરતાને પ્રત્યક્ષ નિહાળી તે સરદારપુત્ર કહેવા લાગ્યો કે, “આ પુરુષે અત્યાર સુધીમાં તારૂં લેશમાત્ર પણ અહિત કર્યું નથી. તારા માટે એ પોતાના કુટુંબ અને સર્વ મિત્રોને ત્યાગી અરણ્યમાં આવીને રહ્યો, અનેક કષ્ટો સહન કર્યા અને તારા લાડકોડ પૂર્યા; પણ છેવટે તેં જ પોતાને હાથે એ બિચારાના પ્રાણ લીધા. આની આવી અવસ્થા થઇ, અને મેં તો તારૂં કશું પણ કલ્યાણ કર્યું નથી, તો પછી મારી તારા હાથે કોણ જાણે ભવિષ્યમાં કેવી અવસ્થા થાય, એની અત્યારે કલ્પના પણ કરી શકાતી નથી. આપણા તને આજથી છેલ્લા રામ રામ છે !” એમ બોલી અત્યંત ભયભીત થઈને તે સરદાર- પુત્ર ત્યાંથી પોતાને ઘેર જવા માટે પલાયન કરી ગયો. મરણ પતિનું થવાથી અને જાર છોડીને ચાલ્યો જવાથી તે સ્ત્રી ચિંતા અને પશ્ચાત્તાપથી ઝૂરવા લાગી અને બુદ્ધિમાં એક પ્રકારનો ભ્રમ થતાં ઉન્માદિની થઈને કેટલોક બકવાદ પણ કરવા લાગી. અરણ્યમાં પતિના મરણ પછીથી અન્ન અને જળ આદિનો ત્રાસ થતાં તે કોઈ ગામમાં જવા માટે ત્યાંથી નીકળી એટલામાં રસ્તામાં એક હડકાયું શિયાળવું તેને કરડ્યું અને તેથી વધારે ગાંડી થઈને તે નાગી જ જંગલમાં ભટકવા લાગી. તે આવી અવસ્થામાં જંગલમાં ભટકતી હતી એવામાં એક દિવસે અવંતી નગરીનો રાજકુમાર ત્યાં મૃગયા માટે આવી લાગ્યો અને તે તેની સુંદરતાથી મુગ્ધ થઈ તેને પોતાના મહાલયમાં લઈ આવ્યો. ત્યાં હડકવા લાગુ પડવાથી તે સ્ત્રીએ ઘણાકોને બટકાં ભર્યા અને તેથી કેટલાંક માણસો મરી ગયાં, છેવટે રાજકુમારે તેને મારાઓના હાથમાં સેાંપી ગામ બહાર મોકલીને તેનો શિરરછેદ કરાવી નાખ્યો.

અનંગભદ્રા ! જોયું - કોઈ મનુષ્ય એ દુષ્ટ સ્ત્રી પાસેથી પાપનો બદલો ન લઈ શક્યો, તો છેવટે ઈશ્વરે પોતે જ ચમત્કારિક રીતે તેનો નાશ કરી નાખ્યો. એવી રીતે જ્યાં સુધી પાપનો ઘડો ભરાય છે, ત્યાં સુધી પાપીઓ મોજમઝા કર્યા કરે છે અને જ્યારે તે ઘડો કાંઠા સુધી ભરાઈ જાય છે, એટલે પરમાત્મા તત્કાળ તેને ફોડી નાખે છે.

અા વાર્તા સંભળાવીને રક્તસેન તે વેશ્યાને કહેવા લાગ્યો કે;– “હે રમણી ! જો તું માત્ર પોતાના સ્વાર્થનો જ વિચાર કરી મને મારી નાખીશ, તો રાજા એ ખૂનનો બદલો તારી પાસેથી લેશે. અને ત્યાંથી ધાર કે, તું છૂટીશ, તો પણ પરમેશ્વરના હાથમાંથી તો તારો છૂટકો થવાનો નથી જ. એટલા માટે મારો ઘાત કરવો, એ કૃત્ય તારા માટે કલ્યાણકારક નથી. આ મનુષ્યાવતાર જેવો સુખપૂર્ણ અવતાર બીજો કોઈ પણ નથી, એટલા માટે તને જે વસ્તુ જોઈએ છે તે લે અને મને જીવતો રહેવા દે !” તેનાં આ વાક્યો સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;-“તમને મારી નાખવાની મારી ખાસ ઇચ્છા નથી; પણ જો તમને જીવતા રાખીશ, તો તમે મારી ખરાબી કરી નાખશો, એમાં તો સંશય છે જ નહિ અને એટલા માટે તમારા પ્રાણ મારે અવશ્ય લેવા જ જોઈએ.” એના ઉત્તરમાં રાજકુમારે જણાવ્યું કે;–“પ્રમદે ! આ કુકલ્પનાને હૃદયમાં સ્થાન આપતી જ નહિ, કારણ કે, સ્ત્રીહત્યા મહા પાપ છે એટલે હું તને મારવાનો નથી; છતાં તને મારા વચનમાં વિશ્વાસ ન આવતો હોય, તો મારી પાસેથી વચન લે; કારણ કે, ક્ષત્રિયો પ્રાણ જતાં ૫ણ વચનનો ભંગ નથી કરતા, એ તો તું સારી રીતે જાણેજ છે. અાટઅાટલી પ્રાર્થના કરવા છતાં, જો તું મને મારી નાખીશ, તો શેઠ ધર્મકાન્તની પત્નીને જેવો અસહ્ય પશ્ચાત્તાપ થયો હતો, તેવો જ પશ્ચાત્તાપ તને પણ થશે અને તે વેળાએ પોતાનું જીવન પણ તને અકારૂં થઈ પડશે.” એમ કહીને રક્તસેને ધર્મકાન્ત શેઠની પત્ની વારુણીની કથાનો નીચે પ્રમાણે વિસ્તાર કર્યો;–