વીરક્ષેત્રની સુંદરી/સોનીએ પ્રાણ કેવી રીતે ગુમાવ્યો ?

← વીરક્ષેત્રની સુંદરી વીરક્ષેત્રની સુંદરી
સોનીએ પ્રાણ કેવી રીતે ગુમાવ્યો ?
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વિકારવશ કનૈયાલાલ →


સેાનીએ કેવી રીતે પોતાનો પ્રાણ ગુમાવ્યો ? તેની કથા

“આપણા ઘરનાં ઘરેણાં ઘડનાર સોની હમેશાં ઘરમાં જતા આવતા હતા, તેને જોઈને તમારી જેઠાણીનું મન તેનામાં મુગ્ધ થયું, અને તે કામાતુર થઈ ગઈ. પરંતુ તેને એકાંતમાં મળવાનો પ્રસંગ મળી શકતો ન હોવાથી નિરુપાય થઈને જૂના દાગીનાની તોડફોડ કરી તે નિમિત્તથી તે નિત્ય તેને ઘરમાં બોલાવ્યા કરતી હતી. એક દિવસ દેવડીપર વધારે માણસો ન હતાં, માત્ર એક જ સિપાહી પહેરો ભરતો હતો, તેને પણ દાસીએ રૂપિયા આપીને તેના પૈસા લાવવાના નિમિત્તથી બહાર મોકલી દીધો. તેના જવા પછી સોનીને ઇશારો કરીને અંદર બોલાવી લીધો અને તેનો કોઈને પત્તો ન મળી શકે એટલા માટે તેને સંતાડી દીધો. તેના ખાનપાનની વ્યવસ્થા પણ તે કરતી હતી. તે સોનીના ઘરમાં તેનાં બાલબચ્ચાના પોષણ માટે જે કાંઈ પૈસો ટકો જોઈએ તે પણ દાસીના હાથે તે પોતે જ મોકલી દેતી હતી. છેવટે પાપને છુપાવવાના અનેક પ્રયત્ન કરવા છતાં પાપ છાનું ન રહ્યું તે ન જ રહ્યું. તેની દાસીના મુખથી જ એ વાતનો ગણગણાટ તેના પતિના કાનમાં પહોંચી ગયો અને તેથી શંકાશીલ થઈ ઘરમાં તપાસ કરતાં તે ચોર તરત મળી આવ્યા. એ પછી રાત્રે કોઈના પણ જાણવામાં ન આવે તેવી રીતે તમારા જેઠે બંનેનો શિરચ્છેદ કરી નાખ્યો અને તેમનાં મડદાંને પાછલા આંગણામાં જ ખાડો ખેાદીને સાથે દાટી દીધાં. બીજે દિવસે પોતાની પ્રતિષ્ઠાને જાળવવા માટે બહાર તેણે એમ જાહેર કર્યું, બાયડીને તેનાં પિયરિયામાં મોકલી છે. એવી રીતે લોકાપવાદનું નિવારણ કરીને કેટલાક દિવસ જવા દઈ લાગ જોઈને તેણે દાસીને પણ યમધામમાં પહોંચાડી દીધી. બાઈસાહેબ ! આ કુકર્મનું આવું પરિણામ થાય છે, માટે એમાં પોતાના ચિત્તને પ્રાણ જતાં પણ પરોવશો નહિ. તમારા પ્રાણનાથ મહા સ‌દ્‌ગુણશાળી અને મદનમૂર્ત્તિ હોવાથી તમે આવા માર્ગમાં પદસંચાર કરી તેમના પૂર્વજોની નિષ્કલંક કીર્તિને કલંકિત કરશો નહિ. હવે જો બીજીવાર મારી આગળ આવી વાત કાઢશો, તો હું તમારા પતિને તે કહી દઈશ. એથી થશે એમ કે, તમારી સોક્યનું સન્માન થશે અને તમારૂં નિત્ય અપમાન થયા કરશે. સ્વામીના અપમાનને સહન કરીને મરવું તેના કરતાં યોગ્ય માર્ગમાં ચાલી સદ્વર્તનથી વર્ત્તવું, એ વિશેષ ઉત્તમ નથી કે શું ? જો સદાચરણથી ન રહી શકાય, તો આત્મહત્યા કરીને પાપી પ્રાણનો ત્યાગ કરી દેવો, એજ વધારે કલ્યાણકારક માર્ગ છે.”

દાસીનાં આવાં કઠોર વચનો સાંભળી તે સુંદરી અત્યંત ખિન્ન થઈ ગઈ. તથાપિ એકવારની હારથી હિંમત હારી ન બેસતાં તેણે એ વિશેના પોતાના પ્રયત્નને ચાલૂ જ રાખ્યો. તે દાસીને નિત્ય આર્જવતાથી કહ્યા કરતી હતી કે;–“મારી વ્હાલી સખી ! ગમે તે જોખમે અને ગમે તે ઉપાયે માત્ર એકજવાર એકાંતમાં અમારો મેળાપ કરાવી દે. તારે આ કાર્ય કરતાં અધિક ભય રાખવાની અગત્ય નથી. પૂર્વે અનિયંત્રિત રાજસત્તા અને અંધાધુંધીનો કાળ હોવાથી મારી જેઠાણી અને તેના યારને મારી નાખ્યા ને તેની ખબર ન પડી. પણ હવે આ કાળમાં તેમ થવું અશક્ય છે; કારણ કે અત્યારે તો દેશી રાજાઓ પણ કૃપાળુ અને ન્યાયપરાયણ અંગ્રેજ સરકારના માંડલિક છે. એ કારણથી આજના કાળમાં પ્રાણીમાત્ર પોતાના જીવન માટે નિર્ભય છે. હું તને છેલ્લી વાત હવે જણાવી દઉ છું કે, મારી આટલી આર્જવતા છતાં પણ જો તારાથી આ કાર્ય ન જ થઈ શકે તેમ હોય, તો હું આ ઘરને સદાને માટે છોડીને પલાયન કરી જઈશ. કારણ કે, હવે મારા પ્રાણનો મને લેશ માત્ર પણ ભય રહ્યો નથી.” અનુભવી દાસી શેઠાણીનાં આ નિશ્ચયદર્શક વાક્ય સાંભળી મનમાં વિચાર કરવા લાગી કે;–“ખરેખર જો આ મદનાતુર માનિનીનો મનોરથ પૂરો નહિ થાય, તો અવશ્ય એ ભાગી જવાનું કે મરી જવાનું સાહસ કરવાની જ અને એ નહિ હોય, તો મને અનાથાવસ્થામાં રહેવાનો વખત આવશે. અર્થાત્ એકવાર એકાંતમાં બંનેનો મેળાપ કરાવી તો દેવો, પછી ભલે જે થવાનું હોય તે થાય.” મનમાં આવા પ્રકારનો વિચાર કર્યા પછી તેણે શેઠાણીને કહ્યું કે; “બાઈ સાહેબ ! તમે આમ ઉતાવળાં અને અધીર ન થાઓ. તે પુરૂષ ક્યાં રહે છે તે આ દાસીને જણાવો એટલે હું મારાથી બની શકતા સર્વ યત્ન કરીશ.” આ આશાથી તે મદનાતુરાના મનમાં કાંઈક શાંતિનો પ્રવેશ થયો.

અનંગભદ્રા ! હવે મારી શી દશા હતી તે સાંભળ, મારા દેહભાનનો પણ લોપ થઈ ગયો. મધ્યાહ્નનું ભોજન રાતે અને રાતનું ભોજન સવારમાં ખાવાનો ક્રમ ચાલુ થઈ ગયો. નોકરી, પૈસા ટકા અને આબરૂ ઇત્યાદિ સર્વ વસ્તુઓની આશાને છોડી દઈને બંને વખત હું તેનાં દર્શન માટે આતુર થઈ શિવાલયમાં સાધુ પ્રમાણે બેસી રહેતો હતો અને તેના દેવદર્શન અને પૂજન આદિ કાર્યની સમાપ્તિ થતાં તેની પાછળ નગરના વસતિવિભાગમાં સંચાર કરી તે પોતાના ગૃહમાં પ્રવેશ કરી અદૃશ્ય થાય એટલે પછી બહુ દુઃખ પામી નીચું મોઢું કરી પાછો પોતાના ઉતારામાં આવી લાગતો હતો. માર્ગમાં આવતાં જ્યાં જ્યાં તેનાં ચરણોનાં ચિહ્નો દેખાતાં ત્યાં જરાવાર ઊભો રહીને હું શોકમગ્ન થતો હતો. કામાંધની ચેષ્ટાઓ ગુપ્ત રહી શકતી નથી, એટલે અમે બંનેની આવી ચેષ્ટાઓ જોઈને કેટલાક તીવ્ર દૃષ્ટિવાળા લોકોના મનમાં અમારા વિશે સંશયનો ધીમે ધીમે પ્રવેશ થવા માંડ્યો.

એક વાર તે દાસીએ પોતાની શેઠાણી – મારી મનૌહારિણી-ને શોકાતુર મુદ્રાથી કહ્યું કે:-“બાઈ સાહેબ ! તમને એ પરપુરુષનો આટલો બધો મોહ લાગી ગયો છે, એથી મને તો એમ જ જણાય છે કે, આપણા ત્રણેના મરણનો અવસર બહુ જ પાસે આવી લાગ્યો છે, એટલે કે, આ કાર્ય કરવાના નિશ્ચય પર આવવા સાથે આપણા ત્રણેએ જીવવાની આશા તો રાખવાની જ નથી. હવે મારી પ્રાર્થના માત્ર એટલી જ છે કે, એ પુરુષ સાથે મેળાપ થવા પછી આ ચાલતા ગૃહસ્થાશ્રમને ત્યાગી તેની સાથે પલાયન કરી ન જવાનું વચન આપો, તો હું આ પ્રાણધાતક કાર્ય કરી આપની આશા પૂર્ણ કરવાનું બીડું ઝડપું.”

દાસીનાં આ વચનોથી શરીરમાં નવીન જીવનનો સંચાર થતાં તે સુંદરીએ દાસીને બેક નવાં વસ્ત્રો આપીને વશ કરી લીધી, અને તેને વળતે દિવસે નિત્ય પ્રમાણે બ્રાહ્મણ તથા તે દાસીને સાથે લઈને તે રમણી દેવદર્શન કિંવા પ્રિયતમદર્શન માટે શિવાલયમાં આવી પહોંચી. દેવપૂજાની સમાપ્તિ થવા પછી ઈશારાથી દાસીને મારો પરિચય કરાવી તેને પાછળ રાખીને પોતે ઘેર જવા માટે વીજળીના ઝબકારાની પેઠે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.

આજે હું તે સુંદરીની પાછળ ન જતાં દાસીના મુખથી તેનો સંદેશ સાંભળવાને ત્યાંજ રહી ગયો. શિવાલયના બહારના ભાગમાં એક ઝાડના થડની આસપાસ ઓટલો બાંધેલો હતો તે પર વૃક્ષની છાયામાં હું બેઠો એટલે તે આસપાસમાં બીજું કોઈ માણસ ન હોવાથી મારી પાસે આવી અને જરાક દૂર ઊભી રહીને કહેવા લાગી કે;–“સિપાહી દાદા ! મારે ત્યાં ગાય દૂઝે છે, માટે જો ગાયનું દૂધ જોઈએ, તો પધારજો.” એના ઉત્તરમાં મેં જણાવ્યું કે;-“ જો તે દૂધ અમારા પીવા જોગું હોય, તો ભલે આપજો. પણ પ્રથમ આપનું ઘર ક્યાં છે તે બતાવો એટલે રોજ મારૂં માણસ આવીને દૂધ લઈ જશે.”

તે દાસી મને પોતાને ઘેર લઈ ગઈ અને ત્યાં જાજમ પાથરીને તે પર મને બેસાડ્યો. ત્યાં બીજાં માણસો બેઠેલાં હોવાથી મને તેણે પૂછ્યું કે;–“આપ ક્યાંના નિવાસી છો ? આપનું નામ શું છે અને આપનો વ્યવસાય શો છે ? વડોદરામાં આ૫ શા કારણથી પધાર્યા છો અને તમારી પાછળ કુટુંબ કેટલુંક છે વારૂ ? આપ પરણ્યા છો કે હજી કુંવારા છો ? આપને ત્યાં રસોઈ કોણ કરે છે ? હાથે તો નથી બનાવતા ? આ રંગીલા નગરમાં આપને કેટલાક દિવસ રહેવાનો વિચાર છે ?” એ પ્રશ્નોના મેં સમયનો વિચાર કરી યોગ્ય ઉત્તર આપ્યાં અને તે સાથે માર્મિકતાથી મારો ગુપ્ત વૃત્તાંત પણ કેટલોક અંશે જણાવી દીધો. તે સાંભળીને તે બોલી કે;–“વારૂ ત્યારે આજે કૃપા કરીને અહીંજ ભોજન લેજો; કારણ કે, અતિથિનો સત્કાર અમે ગૃહસ્થાશ્રમી હોવાથી અમારે કરવોજ જોઈએ.” એટલે મેં કહ્યું કે;– “હું જો કે બહુ દિવસનો ક્ષુધાતુર છું, પણ મને મારી ઇચ્છા પ્રમાણેનું ભોજન મળી શકતું નથી. જે દિવસે ઇચ્છિત ભોજન અને ઇચ્છિત પીરસનાર મળશે, તે દિવસે અહીં ભોજન કરીશું. અન્ન તો રંધાઈને તૈયાર છે, પરંતુ તેને થાળીમાં પીરસીને થાળી લાવી આપનારની જ ખોટ છે અને તેથી નિત્ય એકાદશી વ્રતનું પાલન કરવું પડે છે. જે દિવસે યજમાનની કૃપા થશે, તે દિવસે જ આ ક્ષુધાતુર વિપ્રની તૃપ્તિ થવાની, નહિ તો જેમ આટલા દિવસ વીતાડ્યા છે, તેવીજ રીતે પ્રાણોત્ક્રમણ સુધીનો બીજે અવશિષ્ટ કાળ પણ વીતાડી નાખવાનો આપણે તે દૃઢ નિશ્ચય જ કરી રાખ્યો છે.”

બીજાં જે બે ત્રણ માણસો હતાં તે હવે ઊઠી ગયાં હતાં એટલે તે ચતુર દાસી કાંઈક સ્પષ્ટ વાણી અને સ્પષ્ટ ભાવદર્શક શબ્દોથી કહેવા લાગી કે;–“ડૉકટર સાહેબ ! તમે ચતુર, સદ્ભાવી, સદ્ગુણી અને બુદ્ધિમાન્ પુરુષ હોવા છતાં આવા વિષયમાં ચિત્તને કેમ ચોંટાડો છો, એ હું સમજી શકતી નથી. કારણ કે, આ કૃત્ય એવું છે કે, જેણે રાવણ અને કીચક જેવાઓનો પણ જોતજોતામાં વિનાશ કરી નાખ્યો હતો. છતાં તેમને અનુક્રમે સીતા અને દ્રૌપદીની પ્રાપ્તિ થઈ શકી નહોતી. તો પછી તમારા જેવાની શી ગણના વારૂ ? તમે ગમે તેટલો ખજાનો ખર્ચી નાખો અથવા પ્રાણ પણ કાઢી નાખો, છતાં એ કિલ્લો તમારા હાથમાં આવવાનો નથી. જો આ આશાને ધારી બેસી રહેશો, તો પ્રાણનાશ વિના બીજો તમને કશો પણ લાભ મળવાનો નથી. અનેક વર્ષ પર્યન્ત ઘરબાર છોડી દિલે ભભૂત ચોળી બાવા બની એના નામનો અખંડ જાપ જપશો, તો પણ એ વસ્તુની પ્રાપ્તિ વિશેનો તમારો મનોરથ સિદ્ધ નથી થવાનો તે નથીજ થવાનો. સિદ્ધરાજે જૂનાગઢને બાર વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હતો છતાં તેનાથી જૂનાગઢનો કિલ્લો લેવાયો નહોતો, તે પ્રમાણે તમે ચોવીસ વર્ષ સુધી મોર્ચો માંડીને ગોળા ગબડાવશો, તો પણ આ મજબૂત કિલ્લો તૂટે તેમ નથી. વિના કારણ તમે પોતાની લક્ષ્મી, પ્રતિષ્ઠા અને કાયાનો નાશ કરશો, એટલુંજ. કારણ કે, અહીં તમારો એવો કોઈ પણ પ્રાણપ્રિય મિત્ર નથી કે જે એ થાળને પીરસીને તમારા મોઢા આગળ લાવી રાખે અને આ વાતને પાછી સદાને માટે છુપાવી રાખે ! વળી આજ સુધીમાં જે સ્ત્રીપુરુષ વ્યભિચારના માર્ગમાં ચાલ્યાં છે, તેમનો છેવટે ભૂંડી રીતેજ અંત આવ્યો છે, કેટલાકો જીવથી નહિ ગયાં હોય તે નિર્ધન અને રોગિષ્ઠ થયાં હશે અને કેટલાકો તો ખરેખર મરી પણ ગયાં છે તે પણ વળી મહા ભૂંડી રીતે. તમે જેની આશા રાખો છો, તે બજારની મીઠાઈ નથી, એ એક દુર્ગ અને તે પણ અજેય દુર્ગ છે, એમજ તમારે સમજી લેવું એ દુર્ગનો દુર્ગપતિ મહા શૂરવીર અને કાળનો અવતાર છે. એ સર્વ કારણોથી તમારૂં ધારેલું કાર્ય સફળ થાય, એવો રંગ મને તો દેખાતો નથી. એ દુર્ગની બાંધણી દૃઢ અને અચલ છે અને તે સાથે તેનો રક્ષક પણ મહાચતુર અને ઓજસ્વી છે. તેના દુર્ગને લેવાની જે કોઈ પણ દુષ્ટ ધારણા કરે તેને તત્કાળ મારી નાખવાને તે પૂર્ણ સમર્થ છે, જ્યારે તમે એ દુર્ગને દૂરથી જોઈને એટલા બધા ધાયલ થઈ ગયા કે અન્નજલને ત્યાગી ધરબારને પણ ભૂલી ગયા, તો પછી એ દુર્ગમાં નિરંતર નિવાસ કરનારને એ દુર્ગમાં કેવો અને કેટલો બધો પ્રેમ હશે, એની કલ્પના તમે પોતેજ કરી શકો એમ છો. હવે જો કિલ્લાના ચોકીદારો નિદ્રાધીન હોત અથવા બુર્જોના પાયા ઢીલા થઈને બુર્જો પડી ગયા હોત, તો કિલ્લેદાર આટલો ચોકી પહેરો રાખત જ નહિ અને તેથી કિલ્લો સહજ તમારા હાથમાં આવી જાત. કારણ કે, જૂની વસ્તુની કોઈ એટલી બધી સંભાળ રાખતું નથી. નવીન વસ્તુમાં સર્વજનોને વિશેષ પ્રેમ હોય છે. એમાં પણ વળી એ દુર્ગનાં રૂપરંગ અત્યુત્તમ હોવાથી કદાચિત એના પર કોઇની નજર દોડશે, એવા ભયથી દુર્ગેશ બહુ જ ચોકસી અને તપાસ રાખ્યા કરે છે. જેવી રીતે કૃપણની ધન પર અને ક્ષુધાતુરની અન્ન પર દૃષ્ટિ હોય છે, તે જ પ્રમાણે તરુણ પુરુષની સ્ત્રીના સૌન્દર્ય પર દૃષ્ટિ હોય છે. એટલા માટે તરુણ સુંદરીની બધા જીવની પેઠે જાળવણી કર્યા કરે છે. મારા કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે, તમે પોતાનાં ઘરબાર ભેળા થઈ જાઓ અને પેાતાની સ્ત્રીમાં સ્નેહ રાખો એટલે તમારું પણ કલ્યાણ થશે અને તમારાં કુટુંબીય જનોને પણ સુખનો ઉપભેાગ મળી શકશે !”

મેં તેના ઉપદેશથી સર્વથા વિરુદ્ધ દિશામાં જઈને કહ્યું કે,- “ભદ્રે ! એ તો તમે જાણો જ છો કે, કામાતુરને ભય અને લજ્જા આદિ હોતાં જ નથી. પરંતુ મને તો એ દુર્ગે પોતે જ આશાનો રંગ બતાવ્યો છે. અને હું જ્યારે નોકરી, ચાકરી, આબરૂ, પૈસા અને ઇષ્ટ મિત્ર આદિને ત્યાગીને પોતાના માથાને હાથમાં લઈ હું એ દુર્ગને સર કરવાના ધ્યાનમાં લીન થયો છું; તો પછી ઈશ્વર જે વેળાયે કૃપાળુ થઈને એ દુર્ગમાં મારા અધિકારની સ્થાપના કરશે, તે વેળાએ જ મારા દુ:ખનો લોપ થવાનો. આ પ્રાણ રહે કે જાય, પણ ભોજનથી તૃપ્ત થયા વિના તો હું વીરક્ષેત્રમાંથી જવાનો નથી જ, એવો મારો કૃતનિશ્ચય છે. તેનો ક્ષણ માત્રનો વિયેાગ પણ મને હવે અસહ્ય થઈ પડ્યો છે. ભદ્રે ! તેના ભાષણ કે અંગસ્પર્શનો લાભ મળ્યા વિના જ હું આટલો બધે ગાંડો બની ગયો છું, એનું કારણ શું છે એ હું, પોતે પણ સમજી શકતો નથી. મેં સાંભળેલું છે કે, સ્ત્રી અને પુરુષને કેટલાક કાળપર્યન્ત સમાગમ થયા પછી બન્નેનો પરસ્પર પ્રેમ દૃઢ થાય છે, કિંવા સ્ત્રી પુરુષ એકબીજાને મોહિની મંત્ર આદિક વડે પોતામાં આસક્ત બનાવે છે; પણ આ અપ્સરાએ તો મને માત્ર નેત્રકટાક્ષથી જ વશ કરી લીધો છે, મને ઘાયલ અને જખ્મી બનાવી દીધો છે ! જો તલવારનો જખમ થયો હોત અથવા અગ્નિથી ઘર બળ્યું હોત, તો તે બધાના જોવામાં આવી શકત; પરંતુ આ હૃદયમાં પ્રકટેલો કામાગ્નિ અને કામબાણનો જખમ કોઈના જોવામાં આવી શકતો નથી અને મારૂં શરીર અંદર ને અંદર દિનરાત બળ્યા કરે છે. અત્યારે એ કામાગ્નિને ચાતુર્ય જળથી શાંત કરનાર કોઈ બુદ્ધિમાન મિત્ર મારી પાસે નથી, એટલા માટે જો કોઈ ઉપાય હોય તો એજ ઉપાય છે કે, જે દિવસે અમો બન્નેને એક ક્ષણ માત્રનો જ એકાંતવાસ પ્રાપ્ત થશે અને ચાર વાતો કરવાને પ્રસંગ મળશે, તે વેળાયેજ આ નિર્જીવ શરીરમાં જીવનનો આવિર્ભાવ થશે અને મારી વેદનાનો અંત આવશે. જો એમ નહિ થાય, તો પછી મારા જીવનની આશા છે જ નહિ. હવે તમેજ કહો કે, આ દુઃખનું કારણ શું અને કયું છે તે ?”

“ડોકટર સાહેબ ! એનું કારણ એજ કે આ પ્રેમ એક માયા છે અને તે સૌન્દર્ય, તારુણ્ય, મંજુલ ભાષણ, દ્રવ્ય, ગાયન અને ચિત્રલેખન ઇત્યાદિ નાના પ્રકારનાં મોહજનક સાધનોથી સ્ત્રીપુરુષોના હૃદયમાં વિકારની જ્વાળા સળગાવે છે અને તેના યોગે સ્ત્રી પુરુષ એકાંતમાં સંલગ્ન થાય છે. સંલગ્ન થઈને તેઓ પોતાના મનોરથને પૂર્ણ કરે છે. એમાં પણ એવા મનોરથને પૂર્ણ કરવામાં સ્ત્રીઓ તો બહુજ ઉતાવળી થઈ જાય છે. સ્ત્રીને અનેક બાળકો થઈ ગયાં હોય અથવા તો વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થઈ હોય, તો પણ તેના કામભાવની શાંતિ થઈ શકતી નથી. માત્ર તેનામાં લજ્જાનો અધિક આવિર્ભાવ થાય છે. જે સુંદરીને પોતાના સ્વામીમાં સ્નેહ હોતો નથી, તે એ વિષયમાં ચંચળ થઈને પરપુરુષને પોતાના યૌવનવનનો માળી બનાવે છે અને પોતાના પાતિવ્રત્યરત્નને ગુમાવી છેવટે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે સ્ત્રીએ પ્રથમથી જ પોતાના પતિમાં પ્રીતિ રાખવી જોઈએ; અને જો સ્ત્રીને પોતામાં પ્રેમ ન હોય, તો તે લગ્નની સ્ત્રી હોય તો પણ પતિએ તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. કારણ કે, ડોકટર સાહેબ ! જો સ્ત્રીના હૃદયમાં પુરુષનો પ્રેમ ઉદ્ભવતો હોત, તો પોતાના વિવાહિત પતિ અને ગૃહસ્થાશ્રમને ત્યાગી કોઈ પણ સ્ત્રી કદાપિ પર પુરુષના પ્રેમમાં નિમગ્ન થાત નહિ. અર્થાત્ કામવિકાર નેત્ર અને તારુણ્યમાં રહીને મનમાંથી સંગ થવા પૂર્વે જ ઉત્પન્ન થાય છે. એ કેવળ દૃષ્ટિનો જ ખેલ છે, એમ નથી; કારણ કે, આંધળાને નેત્ર ન હોવા છતાં પણ તેઓ કામવિકારમાં લીન થઈ જાય છે. અર્થાત્ વિકારનું મૂળ જન્મસ્થાન મન જ છે. પૂર્વે છેલબટાઉ અને મોહના રાણી, સદેવંત સાવળીંગા, હીરરાંઝા, યુસુફ જુલયખા અને લયલીમજનૂ આદિ પ્રેમી જોડા એક બીજાના પરિચય કે સંગવિના જ એક બીજામાં મુસ્તાક થઈને આંધળાં ભીત બની ગયાં હતાં, અને છેવટે સંગના સમયમાં એક કે બીજી રીતે મરણને આધીન થયાં હતાં, અર્થાત્ આવા પ્રકારનો પ્રેમ તે મનોદ્ભૂત વિકાર છે. તમે બંનેના તારુણ્ય અને મનોદેવે ઘણા જીવોના નાશની યોજના કરી રાખી છે, એટલા માટે હું એક ઉત્તમ કથા આપને કહી સંભળાવું છું તે સાંભળી સારનો સ્વીકાર કરીને પોતાના મૂળ જન્મ સ્થાનમાં ચાલ્યા જાઓ. નહિ તો છેવટે આપને પણ એક મોટા શાહૂકારના દીકરા કનૈયાલાલની પેઠે અવશ્ય પશ્ચાત્તા૫ જ થવાનો.”

આમ કહીને તે દાસી નીચેની વાર્તા કહેવા લાગી;-