← પારેવાં લ્યો વેણીનાં ફૂલ
નીંદરભરી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
વીરડો →





નીંદરભરી


નીંદરભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે !

નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અંકાશી હિંચકાની હોડી કરી – બેનીબાની૦

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી – બેનીબાની૦

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરીયા દૂધના કટોરા ધરી – બેનીબાની૦

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,
કળીઓ નીતારીને કચોળી ભરી – બેનીબાની૦

સીંચ્યાં એ તેલ મારી બેનીને માથડે
નાવણ દેતી રે ચાર દરિયાપરી – બેનીબાની૦

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા,
બેસીને બેન જાય મુસાફરી – બેનીબાની૦

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સુરજ ઉગ્યો ને બેન આવ્યાં ફરી – બેનીબાની૦