વેણીનાં ફૂલ/સાગરમાં વસનાર
← વાદળમાં વસનાર | વેણીનાં ફૂલ સાગરમાં વસનાર ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
ગામડાંના વીસામા → |
પેલાં સાગરમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ, માડી ! મને રમવા બોલાવે
છાનાં કહે મારા કાનમાં
અમે ભમવા તે જાતાં,
દેશ વિદેશને કાંઠડે
રૂડાં ગાયન ગાતાં.
આજે આંહી આવી નીકળ્યાં,
કાલે ક્યાં વળી જાશું !
કોઇ હિસાબ ન રાખતું,
ક્યાંયે રાત રોકાશું !
હું રે પૂછું, મને તેડશો,
તમ સંગમાં ગાવા ?
હૈયે મારે ઘણા કોડ,
દેશ વિદેશમાં જાવા.
આંખ વીંછી વીરા ! પાણી –
ડાંમાં ઉતરજે તું ના’વા;
તેડી જશું અમ દેશમાં,
તને ભમવા ને ગાવા.
ના રે બાપુ ! મારી માવડી
ઝૂરી જીવ જ દેશે !
સૂણી સાગર કેરાં બાલૂડાં,
હસી જાય વિદેશે.
હું મોજું જળનું બનું, તું પરદેશી તીર
દેશાટન કરતો ફરૂં, તારે સકળ શરીર
– માડી ! મને બાળ બોલાવે !
એવાં સાગરમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.
એવાં વાદળમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.
🙖