← જાતભાઈઓ વેરાનમાં
રોજ સાંજે
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
મારા પુત્રની ઇજ્જત →


રોજ સાંજે
 


જીકની એક ગલીને નાકે બે ઓરતો ઊભી રહે છે: રોજેરોજ : બરાબર સાંજના ચાર બજે : સામેના છાપખાના ઉપર તાકીને ઊભી રહે છે.

જાહેર રસ્તા પર રોજેરોજ સાંજના સમયે મુકરર કલાકે બે ઓરતનું ઊભા રહેવું ! રાહદારીઓનું ધ્યાન ખેંચાય છે. ઉંચી બારીઓમાંથી આંખો મંડાય છે.

ભિખારણો છે ?

નહિ, શરીર પર સાફ પોશાક છે, હાથ લંબાતા નથી, શબ્દ બોલાતા નથી. બીજી કોઈ બાબત પર એની દષ્ટિ નથી. ચારે આંખો છાપખાનાનાં બારણાંપર ચોટી છે.

છુપી પોલીસની જાસુસો છે.

નહિ, જાસુસો તો ચબરાક હોય. પોતાનું હોય તે સ્વરૂપ તો છુપાવે. શંકાને કે કુતૂહલને એ ન નોતરે. આ બન્ને તો પ્રગટ ઊભી છે. અનિષ્ટ માનવીઓ છે ?

નહિ, નહિ; રૂપ નથી, કુચેષ્ટા નથી, નખરાં નથી. સજ્જનતા નીતરે છે. છતાં તીણી ને ભયભીત નજરે બેઉ જણીઓ મકાનની બારીઓમાં શા સારુ ટાંપે છે ? કોને શોધે છે ? કોની ચોકી કરે છે ?

વખત જાય છે, સૂર્ય નમે છે, છાપખાનાનાં સંચા શાંત પડે છે, તેમ તેમ બેઉ જણીઓની વ્યાકૂલતા વધે છે, સાવધાની સતેજ બને છે, બેઉ મકાનની નજીક આવે છે.

કંઈક વાતો કરે છે :

“મા, એણે સંચો બંધ કર્યો. હવે મોં ધોવા જાય છે.”

“એ હવે કપડાં પહેર્યાં. ”

“મા, જલદી જો, પાછલે બારણેથી ન નીકળી જાય.”

“બેટા, માર મારે તો પણ છોડતી ના હો ! આજે જ પગાર મળ્યો છે એને.”

બન્ને ઓરતો જાણે કોઈ ચોરને ડાકુને પકડનારની પોલીસ બની ગઈ.

—ને ઘડીઆળના છ ટકોરા પૂરા થયે એ આદમી બહાર નીકળ્યો.

એની આાંખે ફરતાં કાળાં કુંડાળાં છે. એ કુંડાળાંમાં દારૂના કેટલા સીસાઓ ઠલવાયા હશે !

એ નાસતો હતો. દીકરી આડી ફરી : “નહિ બાપુ ! કદી નહિ બની શકે. ઘેર ચાલો.” બાપ કહે “એક વાર, બેટા, એક વાર જઈ આવું.”

“જઈ તે ક્યાંથી આવશો ?”

એટલું કહીને સ્ત્રીએ એના શરીરને પોતાના હાથમાં ઝકડ્યું.

મા દીકરી મળીને એ મજૂરને ઘેર લઈ ગઈ-લઈ ગઈ નહિ, ઘસડી ગઈ.

રોજેરોજ સાંજે : મા દીકરી આવે છે, ગલીને નાકે ઊભી રહે છે. છાપખાનાની બારીઓમાં ચોરને શોધે છે, ને છુટ્ટી વેળાએ એને બાથમાં ઝકડીને ઘેર તેડી જાય છે.

રોજ સાંજે !