વેળા વેળાની છાંયડી/ઘોડાગાડીના ઘૂઘરા

← લોકજીવનનો અધ્યાસ વેળા વેળાની છાંયડી
ઘોડાગાડીના ઘૂઘરા
ચુનીલાલ મડિયા
વગડા વચ્ચે →





ઘોડાગાડીના ઘૂઘરા
 


વાઘણિયાની સીમમાં અત્યારે ઓતમચંદ શેઠની ઘોડાગાડીના ઘૂઘરા વાગતા હતા. વાઘણિયાથી અમરગઢ સ્ટેશન સુધીનો ગાડામારગ ગાજી ઊઠ્યો હતો.

આડે દિવસે તો આ મારગ ઉપર ભાગ્યે જ એકાદબે ગાડાં, બે-ચાર પગપાળા ખેડૂતો કે ખેપિયા, સરકારી ‘બીંડલ’ લઈને જતો અસવાર અને ટપાલ ખાતાનો પગપાળો હેલકારો પસાર થતાં હોય. એ સિવાય સીમમાં સામાન્ય રીતે સૂનકાર જ છવાયો રહેતો. કોઈ વાર ભરવાડનો છોકરો દર્દભરી વાંસળી વગાડે, કોઈ રડીખડી ગાય બાંબરડું નાખે કે ધણખૂંટ ભાંભરે, એ સિવાય આખી સીમ જાણે કે સૂની જ રહેતી.

પણ અત્યારે અસલ જાતવંત ઘોડાના ડાબલાએ દિશાઓ ગજાવી મૂકી હતી. વેંત વેંત ઊંડા ધૂળના થર ભરેલ એ કાચા મારગ પર ઘોડાના ડાબલા પડતાં ખેપટ ઊડતી હતી.

માથોડું માથોડું ઊંચી ચડતી ડમરીમાંથી ધૂળના રજકણ ઊડીને ઘોડાગાડીની અંદર આવતા હતા અને ચારપાંચ વરસની ઉંમરના એક કિશોરની આંખમાં ભરાતા હતા. પણ કિશોર ઘોડાગાડીની સહેલનો એવો તો શોખીન હતો અને અત્યારે મારગની બેય બાજુએ પથરાયેલાં હરિયાળાં ખેતરોનાં દૃશ્યો જોવામાં એ એવો તો ગુલતાન હતો કે ધૂળના ગોટાને એ ગણકારતો નહોતો.

‘કાકા, કાકા, ઓલ્યું જાય એ શું કે’વાય ?’ ખેતરમાં ઝડપભેર પસાર થતા એક ચોપગા પ્રાણી તરફ આંગળી ચીંધીને કિશોરે ગાડીમાં બેઠેલા એક મોટેરા માણસને પૂછ્યું.

‘એનું નામ હરણ… …’ કાકાએ સાવ સરળ જવાબ આપ્યો.

ગાડીની અંદર કાકો-ભત્રીજો આવી ગોષ્ઠી કરી રહ્યા હતા ત્યારે આગલી બેઠક પર ગાડી હાંકનાર વશરામે ગેલમાં આવી જઈને પોતાને મનગમતા નાટકના ગીતની લીટી છેડી હતી:

સુણો દિલ્લી તખત ધરનાર
ક્ષત્રી કલંક કેમ લેશે રે…
મારે ઘેર છે પતિવ્રતા નાર,
ક્ષત્રી કલંક કેમ લેશે રે…

‘કાકા, મારે ગાડી હાંકવી છે,’ કિશોરે રઢ લીધી.

‘ગાડી ન હંકાય, પડી જવાય.’

‘ના, ન પડાય. મારે ગાડી હાંકવી છે,’ રુદનનો અભિનય કરીને કિશોરે આગ્રહ કર્યો.

વશરામે પોતાના પ્રિય ગીતની લીટી અધૂરી મેલીને કહ્યું: ‘નાના શેઠ, બટુકભાઈને રોવરાવો મા. ભલે મારા ખોળામાં બેસે. ઘડીક લગામ ઝાલશે તો એનું વેન ભાંગશે.’

ગાડી ઘડીક વાર ઊભી રહી. વશરામે પાછળ ફરીને બટુકને તેડી લીધો અને ‘હાલો, ગાડી હાંકો, બટુકભાઈ !’ કરતોકને એને પ્રેમપૂર્વક પોતાના ખોળામાં બેસાડી દીધો.

બટુક રાજી રાજી થઈ ગયો. એના ટચૂકડા હાથમાં વશરામે ઘોડાની લગામ પકડાવી–બલકે પકડાવી હોવાનો દેખાવ કર્યો. અને ફરી ગાડી અમરગઢ સ્ટેશનને મારગે મારમાર કરતી ઊપડી.

ધૂળિયા રસ્તા પર પડતા ઘોડાના ડાબલાના પેલા તબડક તબડક અવાજ અને ડોકે બાંધેલ ઘૂઘરાના ઘેરા રણકાર સાંભળીને મારગના કાંઠા પરનાં ખેતરમાં કામ કરતા ખેડૂતો ઘડીભર કામકાજ છોડીને શેઢે આવી ઊભા રહેતા અને આ રજવાડી વાહન જોઈને ક્ષણભર આનંદ, આશ્ચર્ય અને અહોભાવ અનુભવી રહેતા. કાઠિયાવાડની ધરતી પર હજી ‘તેલની ગાડી’-મોટર–નું આગમન નહોતું થયું. ઓતમચંદ શેઠની આ ‘ફેટન’ ઘોડાગાડી પણ હજી મોટાં મોટાં રજવાડાં અને ગણ્યાગાંઠ્યા ધનિકોને આંગણે જ આવી શકી હતી. બળદગાડીની સંસ્કૃતિમાં ઘોડાગાડી પણ એક કૌતુક હતું.

તેથી જ, આ કૌતુક જોવા માટે ભથવારીઓ માથા પરની દોણી–તાંસળી ઝાલીને ઊભી રહી જતી હતી. વગડો કરવા નીકળેલી ડોસીઓ અડાયાં-કરગઠિયાંનો ભારો હેઠો મેલીને કપાળ પર હથેળીનું છાજું ગોઠવી, આ ચાર પૈડાંવાળી નવતર ગાડીનું નિરીક્ષણ કરી રહેતી અને પછી ઉદ્‌ગારો કાઢતી:

‘આ તો વાઘણિયાવાળા ઓતાશેઠની ગાડી…’

‘ને માલીપા બેઠો’તો ઈ કોણ ?’

‘ઈ ઓતાશેઠનો નાનો ભાઈ, નરોત્તમભાઈ.’

‘નાનો ભાઈ ? પેઢીમાં તકિયે બેહે છે ઈ ? છોકરો મોટો થઈ ગયો !’

‘વરહને જાતાં શું વાર લાગે ? માબાપ તો બચારાને સાવ નાનકડો મેલીને મરી ગ્યાં’તાં. ઓતાશેઠે નાના ભાઈને ઉછેરીને મોટો કર્યો. ભાઈ માનો જણ્યો હતો, પણ ભોજાઈ તો પારકી જણી કે’વાય ને ! પણ લાડકોર શેઠાણીએ નાનકડા દેરને સગા દીકરાથી સવાયો ગણીને ઉછેર્યો. આજે આ છોકરે વેપારનો સંધો ભાર ઉપાડી લીધો.

વશરામ મસ્ત બનીને ગીત ગાતો હતો. બટુક આ ગાડીવાનના ખોળામાં કૂદી કૂદીને ઘોડાને જાણે કે પોતે જ દોડાવી રહ્યો હોય એવો સંતોષ અનુભવતો હતો. નરોત્તમ થોડી વારમાં જ ટ્રેનમાંથી ઊતરનાર અમરગઢના મહેમાનો અંગે કલ્પનાઓ કરી રહ્યો હતો.

વચ્ચે આવતા કોઈ ગામડાના પાદરમાં રમતી નાગાંપૂગાં છોકરાંની ટીણિયાંટોળી આ જાજરમાન ઘોડાગાડી જોઈને આનંદની ચિચિયારી કરી ઊઠતી હતી. કોઈ કોઈ ભારાડી છોકરા તો આ નવતર વાહનની સહેલગાહ માણવા ગાડીની પછવાડે ટિંગાઈ પણ રહેતા હતા.

બટુકને આજે આનંદનો દિવસ હતો. જ્યારથી ઓતમચંદ શેઠે ઘરઆંગણે ગાડી બાંધી ત્યારથી વશરામે આ કિશોરને ઘોડાગાડીનો – અને પોતાનો પણ – એવો તો હેવાયો કરી મેલ્યો હતો કે અણસમજુ બટુક આખો દિવસ ગાડીમાં જ ફર્યા કરતો. વહાલસોયા વશરામે બટુકને માત્ર ગાડીમાં બેસવાનું જ નહીં, ગાડી હાંકવાનું પણ બંધાણ કરાવી દીધું હતું.

અત્યારે પણ બટુકને ઘોડાની લગામ પકડવાથી જ સંતોષ નહોતો થતો. થોડી વારમાં એણે વશરામને હુકમ કર્યો:

‘સોટી લાવો, સોટી !’

વયોવૃદ્ધ વશરામે આ બાળાશેઠને રાજી કરવા એના ટચૂકડા હાથમાં નેતરની સોટી પકડાવી દીધી.

હવે બટુક ખરેખર રંગમાં આવ્યો હતો. ‘ચાલ, ઘોડા, ચાલ ! કરીને ઘોડાની પીઠ પર સબોસબ સોટી સબોડતો જતો હતો.

હટાણે નીકળતા પરિચિત ખેડૂતો ગાડી હાંકતા આ બાળકને ઓળખી કાઢતા અને કહેતા હતા: ‘કોણ બટુકભાઈ કે ?’ અને પછી પ્રશંસા અને આનંદ વ્યક્ત કરતા હતા: ‘વાહ બહાદુર, વાહ !’

કોઈ વછિયાતી વેપારી સામે મળતાં પૂછતા હતા:

‘કાં નરોત્તમભાઈ ? કેની કોર ?’

નરોત્તમ જવાબ આપતો: ‘મેંગણીવાળા કપૂરશેઠ ટેસણે ઊતરે છે, સામો જાઉં છું.’

‘વાસ્તુ ઉપર આવતા હશે !’

‘હા, હા.’

‘ભલે, ભલે ભાઈ, પૂગો ઝટ. આજે રેલ અઢી જ કલાક મોડી છે એટલે અબઘડીએ આવી પૂગશે.’

 રાબેતા મુજબ અઢી કલાક ‘લેટ’ની ગણતરીએ જ વાઘણિયાથી નીકળેલા નરોત્તમને થયું રખેને ટ્રેન અઢી કલાકથી વધારે મોડી ન થાય તો તો કદાચ ચૂકી પણ જવાય. એણે વશરામને હુકમ કર્યો:

‘હવે બટુકને ખોળામાંથી હેઠો ઉતારીને જરાક ઝપાટો કર. ગાડી આવી પૂગશે ને આપણે મોડા પૂગશું તો કપૂરશેઠને માઠું લાગશે…’

વશરામે અનિચ્છાએ બટુકના હાથમાંથી લગામ લીધી. બટુકે એ સામે ઘણો વિરોધ કર્યો પણ હવે તો ઝડપભેર સ્ટેશન પર પહોંચ્યા વિના છૂટકો જ નહોતો. વશરામે ગીત ગાવાનું પણ માંડી વાળી ગાડીની ઝડપ વધારી.

‘જગડિયાની સીમમાં ધુંવાડા દેખાય છે, નરોત્તમે દૂર દૂર દેખાતી ટ્રેન અંગે વશરામને નિર્દેશ કર્યો.

વશરામે બટુકના હાથમાંથી પોતાની સોટી પાછી લઈ લીધી અને ઘોડાની પીઠ ઉપર સબોડી. ગાડી પૂરપાટ ઊપડી…

…અને સાથે સાથે નરોત્તમના ચિત્તમાં વિચારસંક્રમણ પણ પૂરપાટ શરૂ થયું.

નરોત્તમ વિચારતો હતો: ઉતારવા જવા માટે તો મોટા ભાઈએ મકનજી મુનીમને તૈયાર કર્યો જ હતો… પણ છેલ્લી ઘડીએ ભાભીએ મુનીમને બદલે મને શા માટે આ કામ સોંપ્યું હશે ?’

‘કાકા, કાકા, કાગડો !’ ગાડીમાં બેઠેલો બટુક બોલતો હતો, પણ અત્યારે એ અણસમજુ છોકરાને ‘હા બેટા, કાગડો !’ જેવો ઔપચારિક ઉત્તર આપવાનો પણ કાકાને અવકાશ ક્યાં હતો !

ઓછાબોલાં અને સગી માતાથીયે અદકાં પ્રેમાળ લાડકોરભાભી ભાગ્યે જ કોઈ વાર પોતાના અધિકારની રૂએ લાડકા દિયરની મશ્કરી કરતાં. પણ આજે વાઘણિયેથી ઘોડાગાડી ઉપાડતાં પહેલાં ભાભીએ નરોત્તમને નજીક બોલાવીને આંખો નચાવતાં નચાવતાં કાનમાં જે હળવી ફૂંક મારેલી એ શબ્દો સાંભળીને નરોત્તમના કાનની બૂટ લાલ લાલ થઈ ગયેલી. અત્યારે પણ ભાભીનું એ વાક્ય યાદ આવતાં નરોત્તમ ગાડીમાં બેઠો બેઠો જાણે કે મુગ્ધાની જેમ શરમ, સંકોચ, ક્ષોભ અને એ સહુને પરિણામે કોઈક વિચિત્ર પ્રકારનો આહ્‌લાદ પણ અનુભવી રહ્યો હતો.

આવા વિચિત્ર રીતે નિશ્ચિત ભાવો અનુભવવાનું કારણ એ હતું કે અમરગઢ સ્ટેશને ઊતરનાર મહેમાનો અંગે નરોત્તમ કલ્પનાના ઘોડા દોડાવી રહ્યો હતો.

‘કાકા, ઓલ્યું ઝાડ ઉપર બેઠું છે એને શું કહેવાય ?’

વિચારોના સુમધુર સંક્રમણમાં આ અણસમજુ કિશોર ખલેલ કર્યા કરતો હતો, પણ નરોત્તમ અત્યારે કલ્પનાના કેફમાં આવી ખલેલોને ગણકારતો નહોતો.

પણ બટુક આજે કાકાના કલ્પનાવિહારમાં સતત વિઘ્નો નાખવાનો નિર્ધાર કરીને જ બેઠો હતો. મૌખિક પ્રશ્નના ઉત્તરો ન મળતાં એણે આખરે કાકાને બે હાથ વડે હલબલાવી હુકમ કર્યો:

‘કાકા, મારી આ પી-પી ખોટકાઈ ગઈ, વાગતી નથી. સમી કરી આપો ને !’

કલ્પનાના ઉડ્ડયનમાંથી ધરતી પર ઊતર્યા વિના નરોત્તમને છૂટકો જ નહોતો. બટુકનો બંધ પડી ગયેલો પાવો ફરી વાગતો કરવા માટે એમાં ફૂંક મારીને કચરો સાફ કરતાં કરતાં નરોત્તમની નજર દૂર દૂર દેખાતા રેલવે સિગ્નલ ઉપર ગઈ અને એ એકદમ બોલી ઊઠ્યો:

‘વશરામ, વશરામ, પણે જો, હાથલો પડી ગયો છે. ગાડી આવતી લાગે છે. દબાવ જરા, દબાવ !’

વશરામે ઘોડાને એક વધારે સોટી લગાવી. પાણીપંથો ઘોડો તો આમેય પૂરપાટ જતો જ હતો પણ હવે એનો વેગ અદકો વધ્યો.

અને છતાં નરોત્તમને લાગતું હતું કે ગાડી આજ સાવ ધીમી ચાલે છે.

વશરામ સમજતો હતો કે નાનાશેઠને અમરગઢ સ્ટેશને આંબવાની ઉતાવળ છે—મહેમાનોને ઉતારીને ઘોડાગાડીમાં બેસાડવાની ઉતાવળ છે. સાચી ઉતાવળ શી હતી એ તો એકલો નરોત્તમ જ જાણતો હતો.