← ઉષાની રંગોળી વેળા વેળાની છાંયડી
ચંપાનો વર
ચુનીલાલ મડિયા
ગમે ત્યાંથી ગોતી કાઢો ! →





૨૬

ચંપાનો વર
 


‘તોબાહ, તારાથી તો ?’

‘તારાથી તો હવે વાજ આવ્યાં !’

‘આવડી નખ જેવડી છોકરીએ અમને થકવી નાખ્યાં !’

મનસુખભાઈ ધુંઆપૂંઆ થઈને તાડૂક્યા કરતા હતા. મામાની સિંહ સમી આવી ઉગ્ર ગર્જનાઓ સામે ગભરુ હરિણી સમી ચંપા હળવા સાદે બોલતી હતી:

‘પણ મામા, એમાં મારો શું વાંક ?’

‘તમે ઠાલા મારા ઉપર ખિજાવ છો.’

‘મામા, મેં તમારું શું બગાડ્યું છે ?’

ચંપાની ક્ષમાયાચક ઉક્તિઓ સાંભળીને મનસુખભાઇનો રોશ દ્વિગુણિત બન્યો:

‘અમારું તો તું શું બગાડવાની હતી ? તારું પોતાનું ભાગ્ય બગાડી રહી છો ?’

‘મારા ભાગ્યમાં તો માંડ્યું હશે એમ થાશે !’

‘લ્યો, બોલ્યાં બેનબા !—મારા ભાગ્યમાં માંડ્યું હશે એમ થાશે !’ મનસુખભાઈએ ફરી મિજાજ ગુમાવ્યો. ‘તું તો બાળબુદ્ધિમાં ગમે એમ બોલી નાખે, પણ અમારાથી બાળક હારે બાળક થોડું થવાય છે ? અમારે તો તારું હિત જોવું જોઈએ ને ?’

‘કોઈ વાર હિત જોવામાં અહિત થઈ જાય છે.’

‘શું બોલી ?’ મનસુખભાઈએ ફરી ત્રાડ પાડી, ‘જીભ કાંઈ બહુ વધી છે ?’

મામાની આ ગર્જના સાંભળીને ચંપા એવી તો થરથરી ઊઠી કે કશું જ બોલી શકી નહીં. ભાણેજનું આ મૌન જ મનસુખભાઈ માટે વધારે ઉશ્કેરણીજનક બની રહ્યું.

‘તારાથી તો હવે અમે ગળા લગી ભરાઈ રહ્યાં છીએ.’ મામાએ પ્રકોપ ઠાલવ્યો. ‘તેં તો અમારી આબરૂના કાંકરા કરાવ્યા.’

‘તમારી આબરૂના કાંકરા હું શું કામ કરાવું ? મને તમારી આબરૂ વાલી નહીં હોય ?’ ચંપા હળવે સાદે બોલતી હતી. ‘તમારી ને મારી આબરૂ વળી જુદી છે કાંઈ ?’

‘પણ મારું નાક કપાઈ ગયું, એનું શું ?’

‘કેવી રીતે ?’ ચંપાથી પૂછતાં પુછાઈ ગયું.

‘કેવી રીતે ? હજી તારે વળી રીત જાણવાની બાકી રહી ગઈ છે ? મામાએ કહ્યું, ‘મુનસફના છોકરાને ના પાડીને તેં અમારું નાક કપાવ્યું.’

ચંપાના હોઠ ઉપર શબ્દો આવી ગયા: ‘નાક કપાઈ ગયું તો હવે નવે નાકે દિવાળી કરજો—’ પણ પ્રસંગની ગંભીરતા સમજીને એ મૂંગી જ રહી.

‘અમારે તો હવે તો હવે ડૂબી મરવા જેવો સમો આવી ગયો. મુનસફ જેવા મોટા અમલદાર આગળ ઊંચી આંખે ઊભવા જેવું તેં રહેવા ન દીધું.’ મનસુખભાઈ એકની એક વાત જુદી જુદી રીતે કહ્યા કરતા હતા: ‘તેં તો અમારી લાખ રૂપિયાની આબરૂ કોડીની કરી મેલી—’

‘પણ મામા, એમાં હું શું કરું ? મારો શું વાંક ?’

‘હજી મારે તને તારો વાંક સમજાવવો પડશે ? અરે, તું એમ તો વિચાર કર કે મુનસફ જેવા મોટા સાહેબનું ખોરડું રેઢું પડ્યું છે ? ને એ, મામૂલી માણસનું કહેણ કાને ધરેય ખરા ? આ મારી શાખ સાંભળીને એણે કોક સવળા શકનમાં હા પાડી, ને મુરતિયો વળી તને જોવા આવ્યો. ને વળી તારાં નસીબ સવળાં હશે ને મારી હથેળીમાં જશ લખ્યો હશે તે છોકરાએ તને પાસ કરી પણ ત્યાં બેનબા પોતે જ ના કહીને ઊભાં રહ્યાં !’

‘ના ન કહું, તો બીજું શું કહું ?’

‘ના સંભળાવવા સારુ એને અહીં બોલાવ્યો હતો ? અમારું નાક વઢાવવા એને અહીં લાવ્યા હતા ?’

‘પણ આમાં મારો શું વાંક ?’

‘ના ના, વાંક તારો નહીં, અમારો જ. અમે જ મોટે ઉપાડે આ બધું ગોઠવેલું,’ કહીને મનસુખભાઈએ ફરી જીભના ચાબખા લગાવવા માંડ્યા. ‘તારાં ફૂટેલા નસીબમાં આવું મોભાવાળું ઘર ક્યાંથી હોય ! ગારાના દેવને તો કપાસિયાની જ આંખ શોભે. તારા નસીબમાં તો મુનસફનું ખોરડું નહીં, ઓલ્યા નરોત્તમ જેવા મુફલિસ જ હોય.’

‘મામા, બીજું બધુંય બોલજો, પણ એનું કાંઈ ઘસાતું ન બોલજો.’

‘કેમ ભલા ? નરોત્તમનું કાંઈ બહુ પેટમાં બળે છે ?’

‘હા.’

‘શું બોલી ?’

‘હા, હા…’

‘હજી ? બધું પતી ગયા પછીય ?’

‘હા,’ ચંપાએ હિંમતભેર કહી દીધું.

સાંભળી મનસુખલાલ ગમ ખાઈ ગયા. એમણે દેખાવે ડરપોક લાગતી ચંપા પાસેથી આવા મિજાજી ઉત્તરની અપેક્ષા નહોતી રાખી.

ચંપા લાગણીના આવેશમાં આ શબ્દો બોલતાં તો બોલી ગઈ પણ એને સમજાયું કે મેં ઉતાવળમાં બહુ સાહસ કરી નાખ્યું છે. આ દુઃસાહસના શિરપાવ તરીકે હમણાં જ મામા તરફથી મોટો તોપ-ધડાકો સંભળાશે એવો ભય એ અનુભવી રહી.

પણ એ ભય ખોટો ઠર્યો. મનસુખભાઈ એક અક્ષરેય બોલ્યા નહીં.

ચંપા આશ્ચર્ય અનુભવી રહી.

 મામા મૂંગા રહ્યા એટલું જ નહીં, થોડી વારમાં જ, જાણે કે કશું બન્યું જ નથી એવી સ્વસ્થતા ધારણ કરીને ઓરડામાંથી બહાર નીકળી ગયા.

હવે જ ચંપાએ ખરો ભય અનુભવ્યો. મામાનું મૌન જ આ ગભરુ યુવતી માટે અકળામણનું કારણ બની રહ્યું.

‘કાં ગગી, ધીરી ! કેમ છો દીકરા ?’

બપોર પછી કામકાજથી પરવારીને ધીરજમામી ઓસરીમાં પગ ઉપર પગ ચડાવીને નિરાંતે સોપારી કાતરતાં બેઠાં હતાં ત્યાં ખડકીનાં અધખૂલાં બારણાંમાંથી પરિચિત અવાજ આવ્યો.

‘કોણ્ ? કીલાભાઈ ? આવો. આવો !’ ધીરજે આવકાર આપ્યો. ઝાઝે દિવસે તમે તો મોઢું દેખાડ્યું. કંઈ નવી ભાત્યની કાંગસી લઈ આવ્યા છો ?’

‘હું કાંગસીય નથી લાવ્યો, ને ખંપારાય નથી લાવ્યો. તારા જેવી મોટી, શેઠાણી હવે મારી પાસેથી કાંગસી થોડી લિયે ?’ કીલાએ કહ્યું. હું તો ખાલી હાથે આણી કોર નીકળ્યો’તો ને ખડકીમાંથી તને દીઠી કે હાલ્ય, ગગીની ખબર કાઢતો જાઉં—’

‘ભલે, ભલે, બેસો. બેસો.’

‘તને કિયે સગપણે ગગી કહું છું. એની ખબર છે તને ?’ કીલાએ પુછ્યું.

‘ના’

‘તારું મોસાળ કિયે ગામ ?’

‘રાણસીકી.’

‘ને કુટુંબ ?’

‘દેવાણી.’

‘બસ. આપણે બેય એક જ ગોતિરયાં. મારું મોસાળ પણ રાણસીકીનું દેવાણી કુટુંબ. તારા બાપુ ને હું આઘી સગાઈએ ભાઈ થાઈએ.’

‘સાચે જ ?’

‘હા,’ કીલાએ કહ્યું, ‘તને તો ક્યાંથી સાંભરે. પણ તું નાની હતી ત્યારે મેં તને કાખમાં તેડીને રમાડી છે.’

‘સાચે જ ?’ ધીરજ આનંદી ઊઠી.

‘હા, તું કાલું કાલું બોલતી ને મને ‘કાકા કાકા’ કર્યા કરતી—’

કીલાના ફળદ્રુપ ભેજાએ આવું સગપણ ઉપજાવી કાઢ્યું અને થોડી ક્ષણમાં જ નિકટતા સ્થાપી દીધી.

મનસુખલાલ પેઢી પર પહોંચી ગયા છે એની ખાતરી કરી લીધા પછી જ અહીં આવી પહોંચેલા કીલાએ અલકમલકની આડીઅવળી વાતો કરવા માંડી. આજ સુધી આ વેપારીના ગ્રાહકવર્ગમાંનો મોટો ભાગ સ્ત્રીઓનો જ હોવાથી એમની સાથે વાત વાતમાં જ ઘરોબો કેળવી દેવાની કલા તો લાંબા અનુભવને પરિણામે એને સુસાધ્ય બની ગઈ હતી. ન હોય ત્યાંથી સગાઈ-સગપણો શોધી કાઢીને સામા માણસને વાતચીતના પ્રવાહમાં તાણી જવાની કરામત હવે કીલાને સહજ થઈ ગઈ હતી. અત્યારે પણ અસંબદ્ધ વાતો કરતાં કરતાં પણ એની નજર તો ઓસરીને ચારેય ખૂણે અને ઓરડાની ઊંડે ઊંડે પણ ફર્યા જ કરતી હતી.

‘આવી ઠોસરા જેવી કાંગસીથી તારું માથું ઓળે છે ?’ ધીરજની નજીકમાં પડેલી કાંગસી જોઈને કીલાએ પૂછ્યું.

‘આનાથી સારી કાંગસી તો તમે આપી જાવ તો થાય !’ ધીરજ બોલી.

‘હું આપી જાઉં ? અરે, તારે તો મુંબઈથી મંગાવવી જોઈએ મુંબઈથી,’ કીલાએ કહ્યું, ‘આવું ઠોસરું જોઈને તો તારે બદલે હું લાજી મરું છું.’

‘અમારે ગરીબ માણસને એવા શોખ ન પોસાય—’

‘તમે ગરીબ માણસ છો ? મનસુખભાઈની શેઠાણી ગરીબ કહેવાય ? વિલાયતી પેઢીના મુનીમ ! અપાસરાના અગ્રેસર !―ધરમના થાંભલા ! મનસુખભાઈ એટલે તો મહાજનના મોવડી ! મોટા ભા !’

મનસુખભાઈને બિરદાવતાં બિરદાવતાં કીલો એકાએક થંભી ગયો. અંદરના ઓરડામાં એક વ્યક્તિની હરફરનો ઓછાયો દેખાતાં એણે પૂછ્યું:

‘કોઈ મહેમાન આવ્યાં છે ?’

‘હા, મેંગણીથી ભાણેજ આવી છે—ચંપા.’

‘બહુ સારું, બહુ સારું !’ કહીને કીલાએ સાવ સાહજિક ઢબે પૂછી નાખ્યું: ‘મામાને ઘેર ફરવા આવ્યાં હશે !’

‘આવ્યાં છે તો કામે, પણ કામ પાર પડે એમ લાગતું નથી―’

જાણે કશું સાંભળ્યું જ નથી એવી સ્વસ્થતાથી કીલાએ વધારે પૃચ્છા કરી: ‘કિયે ગામ પરણાવ્યાં છે ભાણીબેનને ?’ આટલી વારમાં કીલાએ અજાણી વ્યક્તિને ‘ભાણીબેન’ પણ કહી દીધી.

જવાબમાં ધીરજે કૃત્રિમ નિસાસો મૂક્યો: ‘અરે કરમમાં અંતરાય ન આવ્યા હોત તો આજે બિચારાં પરણી-પષટીને બેસી ગયાં હોત—’

‘પણ શું ? કાંઈ વિઘન આવ્યું ?’

‘વિઘન તો એવું છે કે કહેવાય નહીં ને સહેવાય પણ નહીં—’

ધીરજનું આ વાક્ય સાંભળીને બે વ્યક્તિઓની જિજ્ઞાસા જાગ્રત થઈ. પોતાને વિશે શી વાત થઈ રહી છે એ જાણવા ચંપા અંદરના ઓરડાનાં કમાડની આડશે લપાઈને ઊભી રહી. અને નરોત્તમની એક વેળાની વાગ્દત્તાનું જીવન વહેણ ક્યાં સુધી પહોંચ્યું છે એનો તાગ લેવા કીલો ઉત્સુક બની રહ્યો.

અને પછી તો કીલો અસાધારણ કૌશલથી ધીરજને વાર્તાલાપમાં તાણી ગયો. પોતાને આ પ્રશ્ન સાથે કશી જ નિસ્બત નથી એવો દેખાવ કરીને એણે પૂછવા જેવું ને ન પૂછવા જેવું પણ ઘણું ઘણું પૂછી નાખ્યું. અને ધીરજે પણ ચંપા વિશેની રજેરજ વાત કહી નાખી.

‘આટઆટલા છોકરા બતાવ્યા એમાંથી એકેય એને મનમાં ન ગોઠ્યો. મુનસફના છોકરાની વાતમાં પણ ચોખ્ખી ના કહી દીધી, પછી બીજા કોઈનું તો પૂછવું જ શું ?

‘એનું કારણ શું ભલા ?’

‘કોણ જાણે ભાઈ !’ ધીરજે કહ્યું, ‘કોઈનું મન કેમ વાંચી શકાય ?―મનમનનાં કારણ !’

કીલાને લાગ્યું કે લાંબી મથામણને અંતે વાતચીતની ગાડી ધાર્યા પ્રમાણે પાટા ઉપર ચડી ખરી. હવે પોતાનો ધાર્યો લક્ષ્યવેધ કરવા એણે એ જ દિશામાં વાત ચાલુ રાખી અને એમાં ધીરજને મોઢેથી જ પ્રશ્ન પુછાવ્યો:

‘કીલાભાઈ, તે દિવસે સ્ટેશન ઉપરથી સામાન ઉપાડ માણસને તમે મોકલ્યો હતો ?’

‘હા, કાંઈ આછું આછું યાદ આવે છે ખરું.’

અંદરના ઓરડામાં લપાઈને ઊભેલી ચંપા આ સંવાદ સાંભળીને ચમકી ઊઠી, એણે વધારે ધ્યાનપૂર્વક ઓસરી તરફ કાન માંડ્યા.

‘એ માણસ કોણ હતો ? ખબર છે ?’ ધી૨જે વધારે પૃચ્છા કરી.

‘સ્ટેશન ઉપર તો હજાર માણસ આવે ને હજાર જાય. હું બધાંયની ખબર તો કેમ કરીને રાખું ?’

‘એનું નામઠામ કાંઈ જાણો છો ?’

‘હું તો માણસનો ચહેરોમહોરો જ યાદ રાખું. નામઠામ નહીં,’ કીલાએ કહ્યું, ‘નામ તો હું મારું પોતાનુંય હવે ભૂલી ગયો છું.’

‘એ માણસ હજી સ્ટેશન ઉપર છે ખરો ?’

‘સ્ટેશન ઉપર કોઈ માણસ કાયમ રહે ખરો ? એ તો ધરમશાળા જેવી જગ્યા ગણાય. ગાડીના ભારખાનાની જેમ માણસ આવે ને જાય. હરાયાં ઢોર પણ રોજ નવાંનોખાં આવે છે, સમજી ગગી !’ કહીને કીલાએ ઉમેર્યું: ‘સ્ટેશન માસ્તરની ને ટિકિટચેકરનીય વારે ઘડીએ બદલી થયા કરે. સ્ટેશન ઉપર કોઈ ચીજ કાયમ નથી રહેતી. ફક્ત આ કીલો, દાવલશા ફકીર ને ભગલો ગાંડો કાયમના અડિંગા લગાવીને બેઠા છીએ.’

‘પણ તમે જે માણસને મોકલ્યો તો એનું સાચું નામઠામ ક્યાંયથી જાણવા મળે ખરું ?’ ધીરજે પૃચ્છા ચાલુ રાખી.

‘એવા મૂલી-મજૂરનાં નામઠામ જાણવાની તારે શું જરૂર પડી, ગગી ?’

‘મારે જરૂર નથી પડી—’

‘તને નહીં તો કોને ? મનસુખભાઈ શેઠને ?’

‘ના, એનેય નહીં—’

‘તો પછી ?’

હવે આ નાજુક પ્રકારની પૃચ્છા આગળ લંબાવવી કે કેમ એ અંગે ધીરજ થોડી વાર વિમાસણમાં પડી ગઈ. પણ જિજ્ઞાસાનું જોર કેમેય કર્યું નાથી શકાયું નહીં તેથી એ આગળ વધી:

‘વાત જરાક પેટમાં રાખવા જેવી છે—’

‘એમાં આ કીલાને કહેવું ન પડે, ગગી !’

કીલાએ ધીરજને ‘ગગી, ગગી !’ કહીને અત્યાર સુધીમાં એટલી તો આત્મીયતા કેળવી નાખી હતી કે અત્યારે ધીરજનો ક્ષોભ ઓછો થઈ ગયો.

‘વાત એમ છે, કે એ માણસ અમારી ખડકી લગી આવીને સરસમાન મૂકી ગયો તે દિવસથી…’

ફરી ધીરજ અટકી ગઈ.

‘તે દિવસથી શું થયું છે ? બોલને ગગી, એમાં ગભરાય છે શું કામે ?’

‘તે દિવસથી અમારી ચંપાબેને એનું વેન લીધું છે…’

‘સાચે જ ? મજૂરનું વેન લીધું છે ?’

‘મજૂર તો કેમ કહેવાય ?’

‘મજૂરી કરે એ મજૂર. એમાં શું નવાઈ ?’

‘પણ અમને એ મજૂર જેવો ન લાગ્યો.’

‘મજૂર જેવો ન લાગ્યો તો વળી કેવોક લાગ્યો ?’

‘વાત છાની રાખો તો કહું.’

‘આ કીલાને એમાં કહેવું ન પડે, ગગી !’

‘એ માણસ ચંપાબેનના વર જેવો લાગ્યો.’

સાંભળીને કીલો ખડખડાટ હસી પડ્યો. બેવડ વળી વળીને હસી રહેલા કીલાને જોઈને ધીરજને નવાઈ લાગી. સારી વાર સુધી હસાહસ કર્યા પછી કીલો બોલ્યો:

‘ગાંડી રે બાઈ ગાંડી ! તેં તો ગધેડાને તાવ આવે એવી વાત કરી ! ચંપાનો વર શું કાંઈ મજૂરી કરે ?’

‘અમનેય માન્યામાં તો નથી આવતું, પણ ચંપા પાકે પાયે માને છે. ને એને લીધે જ—’

‘શું ? એને લીધે જ શું ?—’

ફરી ધીરજ અટકી ગઈ. સાદ વધારે ધીમો કરીને કહ્યું:

‘એને લીધે જ એનું મન ચગડોળે ચડ્યું છે. જાગતાં ને ઊંઘતાં એનું જ રટણ કર્યા કરે છે.’