વેળા વેળાની છાંયડી
નિવેદન
ચુનીલાલ મડિયા
લોકજીવનનો અધ્યાસ →





નિવેદન


‘જનશક્તિ’ દૈનિકના તંત્રી શ્રી રવિશંકર વિ. મહેતાએ એમના અખબાર માટે નવલકથાની માગણી કરી, ત્યારે મને કલ્પના નહોતી કે દર અઠવાડિયે એકેક હફતો લખવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો નવલકથા અરધે પહોંચી ત્યારે જ ખબર પડી. પછી તો એવું પણ બનતું કે અંક પ્રગટ થવાને આગલે દિવસે એનું પ્રકરણ લખાતું હોય. શ્રી લક્ષ્મણ વર્મા અગાઉથી ચિત્ર તૈયાર કરી નાખે, એના બ્લૉક ગોઠવાઈ જાય પછી એનું લખાણ તૈયાર થાય એવું પણ ઘણી વાર બન્યું છે. કથાની હેમખેમ પૂર્ણાહુતિ કરવામાં શ્રી રવિભાઈ ઉપરાંત ચિત્રકાર શ્રી લક્ષ્મણ વર્મા, ‘જનશક્તિ’ તંત્રીમંડળના ભાઈઓ શ્રી. દોલત દેસાઈ, શ્રી ભગવાનદાસ કાપડિયા, શ્રી ઈશ્વર પંચોલી, શ્રી હરીન્દ્ર દવે, શ્રી ચંદ્રવદન શુક્લ, શ્રી અનિલ કોઠારી, શ્રી રમેશ તિજોરીવાળા, શ્રી જશ શાહ, શ્રી શકુન્ત રાવળ, શ્રી રજનીકાન્ત ઉપાધ્યાય, શ્રી ભાવસાર તથા ‘ફ્રી પ્રેસ જર્નલ’વાળા શ્રી શાંતિલાલ શાહનો પણ હિસ્સો છે.

ચુનીલાલ મડિયા
 



પુનર્મુદ્રણ પ્રસંગે

‘જનશક્તિ’ અખબારમાં તૈયાર થયેલી આ નવલકથાનું પુનર્મુદ્રણ શક્ય બનાવનાર મારા ચાહક વાચકોનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું.
શ્રી રવિભાઈ વિ. મહેતાએ આ કથાનું અવલોકન આ પુનર્મુદ્રણમાં પણ સામેલ કરવાની રજા આપી છે એ બદલ એમનો ઋણી છું.

ચુનીલાલ મડિયા
 



બીજું પુનર્મુદ્રણ

જાણીતા ચલચિત્ર-નિર્માતા શ્રી સોહરાબ મોદીએ આ કથા પરથી ‘સમય બડા બલવાન’ નામે હિન્દીમાં ચિત્ર ઉતાર્યું હતું, એની સાભાર નોંધ આ બીજા પુનર્મુદ્રણ પ્રસંગે લઉં છું.

ચુનીલાલ મડિયા
 



[આ નવલકથાના અનુવાદ તેમજ નાટ્યકરણ સહિત સર્વ અધિકારો લેખકને સ્વાધીન છે. લેખકના પરિવારની અનુમતિ વિના આ કથાના કોઈ પણ પાત્રનો કે પ્રસંગોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થયો જણાશે તો કૉપીરાઈટનો ભંગ થયો ગણાશે.]