← કોથળીનો ચોર કોણ ? વેળા વેળાની છાંયડી
બંધમોચન
ચુનીલાલ મડિયા
બાપનો વેરી →





૩૭

બંધમોચન
 


‘શું છે, મોટા?’ મુંબઈના શું સમાચાર છે?’ કીલાએ લહેરી અદાથી નરોત્તમને પૂછ્યું.

‘મુંબઈના તો બહુ સારા સમાચાર છે. પણ તમારા શું સમાચાર છે?’ નરોત્તમે સામો સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘મારા પણ બહુ સારા સમાચાર છે,’ કીલાએ કહ્યું.

‘શું છે, કહો જલદી.’

‘ના. પહેલાં મુંબઈના સમાચાર કહી સંભળાવ, પછી મારા.’

‘મુંબઈ તે હાલકડોલક છે,’ નરોત્તમે કહ્યું.

‘શેમાં હાલકડોલક છે?’

‘તેજીના તડાકામાં. નાણાંની છાકમછોળ ઊડે છે. મુંબઈમાં નાણું સોંઘું થાય છે, પણ માણસ મોંઘાં થઈ ગયાં છે. રૂની ગાંસડી જેટલાં મોંઘાં…’

‘એટલે જ અત્યારે મંચેરશા અહીં દેખાતા નથી,’ કીલાએ બંગલામાં આમતેમ નજ૨ ફેરવીને કહ્યું. ‘રૂના વેપારમાં લખપતિ થઈ ગયા એટલે હવે આ જૂના ભાઈબંધનો ભાવ પણ નહીં પૂછે—’

‘મંચે૨શા એની અગિયારીએ ગયા છે. હમણાં આવી પહોંચશે,’ નરોત્તમે કહ્યું. ‘કીલાભાઈ, મુંબઈમાં હમણાં જમીન ને મકાનમાં નાણાં રોકવાનો એવો તો વાય૨ો ચાલ્યો છે, કે મંચેરશા વતી એક માળાનો સોદો કરતો આવ્યો છું—’

‘મંચેરશા માળાવાળા થાશે, ત્યારે એનો ભાગીદાર માળા વિના રહેશે?’ કીલાએ પૂછ્યું. અને પછી હસતાં હસતાં સૂચન કર્યું, તું પણ મુંબઈના પાદરમાં મેલાત ઊભી કરી દે!’

‘ના ભાઈ, આપણે તો ભલું આપણું વાઘણિયું, ને ભલી આપણી નિંજરી—’

‘પણ આવડી મોટી પેઢીના ભાગીદાર ૫રભુલાલ શેઠનો મોભો શું?’

કીલાનો કટાક્ષ સાંભળીને નરોત્તમ હસી પડ્યો, પણ તરત એણે ગંભી૨ ભાવે કહ્યું: ‘કીલાભાઈ, મોટાં માણસની મેડી જોઈને આપણાં ગરીબનાં ઝૂંપડાં પાડી ન નખાય. પણ મેં મોટા ભાઈને લખ્યું’તું કે આપણું જૂનું ઘર ઓછેઅધકે પાછું જડે એમ હોય તો લઈ લેજો, આજના કાગળમાં સમાચાર છે, કે આપણી જૂની મેડીનો ને ભેગાભેગો ઘોડાગાડીનો પણ સોદો પતી ગયો છે…’

‘સરસ!’ કીલાએ ઉદ્‌ગાર કાઢ્યો.

‘આવતે અઠવાડિયે ભેળસીના ટકા ભરાઈ જાશે, એટલે ઘરનો કબજો જડી જાશે—’

‘શાબાશ!’

‘ને કબજો જડશે કે તરત જ રહેવા જશે—’

‘કમાલ! કમાલ!’ કીલો પોકારી ઊઠ્યો.

‘વધારે કમાલ તો ઘોડાગાડીની થઈ, કીલાભાઈ!’ નરોત્તમે હરખભેર સમાચાર આપ્યા. ‘બટુકને જે ઘોડાગાડી બહુ વહાલી હતી એ જ ગાડી ને એ જ ગાડીવાન વશરામ પાછા આપણે ઘેર આવી ગયા. પરમ દિવસે મોટા ભાઈ ઘરની ઘોડાગાડીમાં બેસીને મેંગણીના ઠાકોરને મળી આવ્યા—’

‘ગાડી આવી ગઈ, તો હવે ભેગાભેગી લાડી પણ આવી જશે—’ કીલાએ મર્મવાક્ય ઉચ્ચાર્યું.

નરોત્તમ મૂંગો મૂંગો પૃચ્છક નજરે તાકી રહ્યો એટલે કીલાએ ઉમેર્યું: ‘પરમ દિવસે મનસુખભાઈ પાછા કોઠીમાં આવ્યા હતા. અખાત્રીજે એની નાની ભાણેજનાં લગન છે—’

‘કોનાં? જસીનાં?’ નરોત્તમે પૂછ્યું.

‘નામ તો કોણ જાણે. પણ ચંપાની નાની બેનનાં લગન છે,’ એમ કહ્યું, મને કહે, ‘પરભુલાલ શેઠને લઈને મેંગણી આવો—’

‘હજી એ માણસે પરભુલાલ શેઠને ઓળખી નથી કાઢ્યા?’ નરોત્તમે પૂછ્યું.

‘એ માણસ એવો તો બુડથલ છે, કે જિંદગી આખી તને ન ઓળખે’ કીલાએ કહ્યું, ‘હવે તારે પરભુલાલ શેઠ તરીકે એના ભેગા મેંગણી જાવાનું—’

‘તમે તો મારું નામ બદલીને ભારે ગોટાળો ઊભો કર્યો!—’

‘મારે એક ગોટાળો ઉકેલવાનો હતો, એટલે બીજો ગોટાળો ઊભો કર્યા વિના છૂટકો જ નહોતો. પગમાંથી કાંટો કાઢવા માટે કાંટો જ કામ આવે. તારો ગોટાળો ઉકેલવામાં આ નવો ગોટાળો કામ આવશે—’

‘પણ આ ૫રભુલાલ શેઠનો વેશ ક્યાં સધી ટકશે?’ નરોત્તમે જરા ગભરાતાં પૂછ્યું.

‘મેંગણીના પાદર સુધી—’

‘પછી? પછી તો ફજેતો જ થાશે ને?’

‘આપણો નહીં, એ લોકોનો.’

‘પણ આપણું આ નાટક ઉંઘાડું પડી જાશે ત્યારે શું કરશું?’

‘આ કીલો સૂત્રધાર બધું સંભાળી લેશે—’

‘મને તો આમાં કંઈ સમજણ નથી પડતી, નરોત્તમે અકળામણ વ્યક્ત કરી. ‘મને તો ભારે મૂંઝવણ થઈ પડશે—’

‘મૂંઝવણ તો થાશે મનસુખભાઈને ખરેખ૨ી!’ કીલાએ કહ્યું, ‘પરભુલાલ શેઠનું આંધળે બહેરું કૂટી માર્યું, એની ઠીકાઠીકની રોનક જામશે!’

‘તમને તો આવી ગંભીર વાતમાંય રોનક જ સૂઝે છે!’

‘મોટા, જિંદગી આખી રોનક છે, જો જીવતાં આવડે તો.’ કીલાએ પોતાનું જીવનસૂત્ર સમજાવ્યું, ‘જેને રોનકથી જીવતાં ન આવડે એને પછી જિંદગી આખી રોવાનું જ રહે છે—’

‘પણ તમને રોનક થાશે, ને મારી રેવડી થઈ જાશે, એનું શું?’

‘વાતમાં શું માલ છે?’ કીલાએ ગર્વભેર કહ્યું, ‘આ કીલો બેઠો હોય ત્યાં લગી તારી રેવડી થાય એ વાતમાં શું માલ છે? મોટા, તું મૂંગો મૂંગો જોયા કરજે આ કીલાની કરામત!’

કીલાની આત્મશ્રદ્ધા પ્રત્યે આદર દાખવીને નરોત્તમ થોડી વાર તો મૂંગો રહ્યો. પણ આખરે બોલ્યા વિના ન રહેવાયું: ‘તમે ગમે તેમ કહો, પણ મને તો આમ નાટક ભજવવું ગમતું નથી.’

‘અરે મોટા, નાટક ભજવવાનું તો મનેય નથી ગમતું. પણ શું કરીએ? દુનિયાને સાચું જોવા કરતાં નાટક જોવામાં જ વધારે મઝા આવે છે. એટલે તો, મારે કામદાર મટીને કાંગસીવાળાનો વેશ ભજવવો પડ્યો’તો. ને તારી પાસે મેં નરોત્તમને બદલે ૫રભુલાલ શેઠનો પાઠ ભજવાવ્યો,’ કીલોએ સમજાવ્યું. ‘ને ખૂબી તો એ થઈ કે લોકોને કામદાર કરતાં કાંગસીવાળો વધુ વહાલો લાગતો’તો એમ આ મનસુખભાઈને ને કપૂરશેઠને પણ નરોત્તમને બદલે ૫રભુલાલ મનમાં વસી ગયો — ઓળખ્યા પારખ્યા વિના જ.’ આટલું કહીને એણે વળી એક વ્યવહારોક્તિ કહી સંભળાવી, ‘મોટા, દુનિયાનો રિવાજ છે… સાચાં કરતાં સ્વાંગ વધારે ગમે… વસ્તુ કરતાં વેશ વધારે વહાલો લાગે—’

‘પણ આ ભૂંગળ વિનાની ભવાઈમાં મારો વેશ રંગલા જેવો થઈ જાશે, એનું શું?’

‘રંગલાનો નહીં, મિયાંબીબીનો વેશ થાશે, તું જોજે તો ખરો!’ કીલાએ જાણે કે આગાહી કરતો હોય એ ઢબે નરોત્તમનો વાંસો થાબડીને કહ્યું, ‘આ મિયાં મેંગણી પહોંચે એટલી જ વાર. બીબી તો ત્યાં બેઠાં જ છે. ને મિયાંબીબી બેય જણાં રાજી જ છે તો પછી વચમાં કાજી શું કરવાના છે?’

‘તમે તો જાણે કે ભવિષ્ય ભાખતા હો, એમ બોલો છો!’

‘ને એ પણ કુંડળી જોયા વગર!’ કીલાએ પોરસભર્યા અવાજે કહ્યું, ‘હું કહું એમાં મીનમેખ થાય તો મૂછ મૂંડાવી નાખું. હું કોણ? ઓળખ્યો મને? કીલો કાંગસીવાળો!’

‘હા, ઓળખિયો! ઓળખિયો! પગથી માથા લગી ઓળખિયો!’ બા૨ણામાંથી મંચેરશા હસતા હસતા દાખલ થયા, અને કીલાને ઉદ્દેશીને બોલ્યા: ‘તું ઠીક આજે અહીંયાં જ મલી ગયો. હું હમણાં અગિયારીમાંથી બહાર નીકળતો હતો ત્યાં મુનસફ સાહેબની ઘોડાગાડી નીકળી. મને જોઈને સાહેબે ગાડી ઊભી રાખી, ને પૂછવા લાગિયા કે મેં તમને સોંપેલા કામનું શું કીધું? કીલાભાઈ સાહેબે શું જવાબ આપીયો?’

‘કીલાભાઈ સાહેબે?’ કીલાએ ‘સાહેબે’ શબ્દ ઉપર ભાર મૂકીને આશ્ચર્ય બતાવ્યું.

‘તું તો હવે એ. જી. જી. સાહેબનો આસિસ્ટન્ટ થઈ ગયો, એટલે મુનસફ તો તને સાહેબ કહીને જ બોલાવે ને!’

‘મરી ગયા હવે સાહેબ થઈને.’

‘મેં મુનસફને કીધું કે કીલો આજકાલમાં જવાબ આપશે. બોલ, હવે તારો શું જવાબ છે?’

‘હું પણ ક્યારનો એ જ પૂછું છું, પણ કીલાભાઈ આડીઅવળી વાત કર્યા કરે છે,’ નરોત્તમે કહ્યું.

‘ના, આજે તો હવે સીધેસીધી જ વાત કહેવા આવ્યો છું.’ કીલાએ અજબ સ્વસ્થતાથી કહ્યું, ‘મેં પરણવાનું નક્કી કરી નાખ્યું છે—’

‘શાબાશ! શાબાશ! જીવતો રહે ડીકરા!’ મંચે૨શા પોકારી ઊઠ્યા અને ઉમંગભેર પૂછ્યું: ‘મુનસફની પોરી જોડે જ કે?’

‘ના,’ કીલાએ મક્કમતાથી કહ્યું.

‘તો પછી નગરશેઠની?’

ફરી વાર કીલાએ નકારમાં ડોકું ધુણાવ્યું.

‘તો પછી કોને?’ મંચેરશાએ મૂંઝવણમાં પૂછ્યું: ‘તલાટી સાહેબની—’

‘ના, એ પણ નહીં !’

ત્રીજા પ્રશ્નનો પણ નકારમાં ઉત્તર સાંભળીને મંચેરશા અને નરોત્તમ બંને જણ વિમાસણમાં પડી ગયા. થોડી વાર તો તેઓ વધારે મૌખિક પ્રશ્ન પૂછવાને બદલે કુતૂહલભરી આંખે કીલા સામે તાકી જ રહ્યા. મંચેરશાની અને નરોત્તમની ચાર-ચાર આંખ જાણે કે મૂંગા પ્રશ્નાર્થ ફેંકી રહી: કોણ? કોણ? કોણ? કોણ?

આ અવ્યક્ત કુતૂહલ સંતોષવા જ કીલાએ મંચેરશાને ઉદ્દેશીને કહ્યું, ‘તમે આપણા જૂઠાકાકાને ઓળખો છો ને?—આપણે નાના હતા ત્યારે વાડીએ પોંક ખાવા લઈ જતા એ?—’

‘બેરિસ્ટરકાકાની દફતર-પેટી ઉપાડતા, એ જ કે?’

‘હા, એ જ—’

‘તે એવન હજી લગી જીવતા છે કે?’

‘હા, પણ મરવાને વાંકે—’

‘શું કરે છે એ?’

‘અહીં અપાસરામાં પગીની નોકરી કરે છે. સંજવારી કાઢે, સાધુ-સાધ્વીની સેવા કરે, મકાનની દેખરેખ રાખે.’

ચકોર નરોત્તમ આટલી વિગત ઉપરથી ઘણું ઘણું સમજી ગયો. એને યાદ આવ્યું કે તે દિવસે હું કીલાભાઈ પાસે બેઠો હતો ત્યારે આ ડોસા કશીક ખાનગી વાત કરવા આવેલા અને મને બહાર બેસાડવામાં આવેલો.

મંચેરશા ઉત્કંઠ બનીને અધખૂલા મોંએ આ ડોસા વિશે વધારે વિગતો સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા, એને કાને શબ્દો અથડાયા:

‘એ જૂઠાકાકાની દીકરી મોંઘી સાથે હું આવતી કાલે પરણવાનો છું—’

નરોત્તમને આ સમાચારમાં બહુ આશ્ચર્ય ના લાગ્યું, પણ મંચેરશા તો જાણે કે અવાક થઈને કીલા સામે જોઈ જ રહ્યા. એમને લાગ્યું કે કીલાના આ નિર્ણયમાં જરૂ૨ કશુંક રહસ્ય છે.

વિચિત્રતા એ બની કે પોતાના એકરંગી જીવનની એકધારી મજલમાં હવે નવી પગદંડી પર પ્રસ્થાન કરી રહેલો કીલો સંપૂર્ણપણે સ્વસ્થ હતો, ત્યારે એ સમાચાર સાંભળનાર મંચેરશા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.

કદાચ પોતાના જિગરજાન મિત્રની આ અસ્વસ્થતા પારખી જઈને કીલાએ બધો ઘટસ્ફોટ કર્યો. મોંઘીની વિષમ પરિસ્થિતિની વિગત આપી. જૂઠાકાકાની સંકડામણ સમજાવી, અને એક માસૂમ માતૃત્વ નિષ્કલંક રાખવા પોતે લીધેલા નિર્ણયનું વાજબીપણું પ્રતીતિકર રીતે રજુ કર્યું, ત્યારે મંચેરશાની અસ્વસ્થતા ઓછી થઈ—બલ્કે એમને સંતોષ થયો.

આજ સુધી નરોત્તમના હ્રદયમાં કીલા માટે અસાધારણ અહોભાવ હતો. આજ સુધીમાં એણે આ સાથીદારને જુદા જુદા સ્વરૂપમાં નિહાળ્યો હતો. એના જીવનનાં ઘણાં પાસાંનો એને પરચો થઈ ચૂક્યો હતો, પણ આજે એનો જે પરિચય થવા પામ્યો એ અભૂતપૂર્વ હતો. બાહ્ય સ્વરૂપે રૂક્ષ, રમતિયાળ, રંગીભંગી જેવો જણાતો આ માણસ આટલો બધો મૃદુ, ધીરગંભીર અને ધીટ છે, એવી તો નરોત્તમને કલ્પના પણ નહોતી. કોને ખ્યાલ હતો કે કટુભાષી કીલાનું હૃદયઝરણું આટલું મિષ્ટ હશે? કોને ખબર હતી કે એના જીવનના ઉપરટપકે દેખાતા કઠણ કાળજામાં માનવપ્રેમનાં આવાં મીઠાં મીંજ ઝરણાં ભર્યાં હશે? અને તેથી જ કીલાનું આ અજાણ્યું જીવનપાસું જોયા પછી નરોત્તમનો એના પ્રત્યેનો અહોભાવ હવે પૂજ્યભાવમાં પલટાઈ ગયો. આ પૂજ્યભાવ એટલો તો હૃદયગત હતો, આત્મલક્ષી હતો કે નરોત્તમ એને શબ્દો દ્વારા વાચા આપી ન શક્યો. માત્ર અંતરથી જ આ પૂજ્ય વ્યક્તિને એ પ્રણિપાત કરતો રહ્યો.

મંચે૨શાનું અંતરવહેણ પણ આ જ દિશામાં વહી રહ્યું હતું. એ જ૨થોસ્તી જીવ તો હર્ષોલ્લાસથી ગળગળા થઈ ગયા હતા. આખરે નરોત્તમ જે હૃદયભાવ વ્યક્ત નહોતો કરી શક્યો એને મંચેરશાએ વાચા આપી. કીલાને વહાલપૂર્વક ભેટી પડતાં એમણે કહ્યું:

‘કીલા, દોસ્ત, તું ખોદાયજીનો મનીસ છે, ખોદાયજીનો—’

નરોત્તમે આ અભિપ્રાયમાં મૂક સંમતિ આપી. કીલો વિનમ્રભાવે નીચું જોઈ રહ્યો.


બીજે દિવસે સ્ટેશનનાં પગથિયાં પાસે બે ઘોડાવાળી ચકચકતી ફેટન આવીને ઊભી રહી. ગાડી થોભાવતાં પહેલાં કોચમૅન મારગમાંથી એકબે ભિખારીઓને બાજુ પર હઠાવવા પગ દાબીને ટણણણ કરતી મધુર ઘંટડી વગાડેલી એનો અવાજ સાંભળીને પ્લૅટફૉર્મના બાંકડા પર ઊંઘતો એજન્સીનો પોલીસ બેબાકળો જાગી ઊઠ્યો. ગણવેશ સમોનમો કરીને એ ઊભો થયો અને જોયું તો ગાડીના આગલા ભાગમાં સરકારી પોશાક પહેરેલ કોચમૅન દેખાયો તેથી એ બમણો ગભરાયો. અત્યારે ટ્રેનનો ટાઇમ નથી છતાં કોઠીમાંથી કયા અમલદાર આવ્યા હશે, શું કામે આવ્યા હશે, એમ એ વિચારતો હતો ત્યાં જ ગાડીનું બારણું ઊઘડ્યું, અને એમાંથી નખશિખ અમલદારી પોશાકમાં સજ્જ થયેલો કીલો ઊતર્યો.

સ્ટેશનનાં પગથિયાં ચડીને કીલો સીધો પ્લૅટફૉર્મ પર ગયો અને રમકડાંની રેંકડી ૫૨ સૂતેલા દાવલશાને ઢંઢોળવા લાગ્યો: ‘ઊઠો, સાંઈ, ઊઠો ! આમ ધોળે દિવસે ઊંઘતા રહેશો તો રેંકડીનું ઉઠમણું થઈ જાશે.’

ફકીરે જાગ્યા પછી ફરી પડખું ફરીને ઊંઘવા માંડ્યું ત્યારે કીલાએ કહ્યું: ‘લ્યો આ ચલમ. બેચાર સટ ખેંચી લ્યો, એટલે ઊંઘ ઊડી જાશે—’

દાવલશાને પરાણે જાગ્રત કર્યા પછી કીલાએ પૂછ્યું: ‘ક્યાં ગયો ભગલો ગાંડો?’

હજી ફકીરને બોલવાના હોશ નહોતા તેથી તેણે આંગળી ચીંધીને દૂરના એક બાંકડા ઉપર પછેડીની સોડ તાણીને સૂતેલી વ્યક્તિ બતાવી, એટલે કીલાએ ત્યાં જઈને એની પછેડી ખેંચી લીધી. બોલ્યો:

‘ઊઠ એય કુંભકરણ! બેઠો થા ઝટ, નીક૨ બે લાફા પડશે—’ પોતાના બંને જૂના સ્વજનોને સાબદા કરીને કીલાએ હુકમ કર્યો: ‘ચાલો, બેસી જાવ ગાડીમાં—’

‘ક્યાં લઈ જાવ છો?’ દાવલશાએ પૂછ્યું, ફકી૨ને હંમેશાં બીક રહ્યા કરતી કે મને કોઈ પોલીસ પકડી જશે.

‘ચોકી ઉપર નથી લઈ જાતો,’ કીલાએ કહ્યું, ‘મારાં લગ્નમાં લઈ જાઉં છું—’

દાવલશાએ ગભરાઈને પૂછ્યું: ‘તમારાં લગનમાં?’

‘મારાં નહીં તો શું તમારાં લગનમાં?’ કહીને કીલાએ બંને સાથીદારોને પરાણે ગાડીમાં ઘુસાડ્યા અને એમની વચમાં પોતે બેઠો પછી કોચમૅનને હુકમ આપ્યો: ‘મંચે૨શાને બંગલે.’

રસ્તામાં દાવલશાના ઓલિયા જીવથી પૂછ્યા વિના ન રહેવાયું ‘કીલાભાઈ, આ શાદી કરવાનું તમને ક્યાં સૂઝ્યું!’

‘સંજોગે સુઝાડ્યું, સાંઈ!’ કહીને કીલો મૂંગો થઈ ગયો.

મંચે૨શાને બદલે લગ્ન-સમારંભમાં ગામનાં મહાજન સાથે કીલાના આમંત્રિતોમાં આ બે જૂના સાથીદારો ઉપરાંત માત્ર પોલિટિકલ એજન્ટ અને એમનાં પત્ની જ હતાં. મેમ સાહેબે કીલાના પૂર્વજીવનની રજેરજ વિગત જાણી લીધેલી, અને એ જીવનસૃષ્ટિમાં પોતે કલાકારની જેમ રસ લેતાં હતાં, તેથી રેલવે સ્ટેશન પરના કીલાના આ બે વિલક્ષણ જોડીદારોને તેઓ વિશેષ રસપૂર્વક અવલોકી રહ્યાં.

ખુદ મહાજનના મોવડીઓને આજનો વિચિત્ર શંભુમેળો જોઈ અચરજ થયું હતું. એક બાજુ મંચેરશા અને પરભુલાલ શેઠ, બીજી બાજુ વૃદ્ધ જૂઠાકાકા અને એમનાં આપ્તજનો, ત્રીજી બાજુ ફકીર દાવલશા અને ભગલો ગાંડો. ચોથી બાજુ ગોરા લાટસાહેબ અને એમનાં પત્ની. એમની વચ્ચે હરફર કરતા કીલાનું વિલક્ષણ વ્યક્તિત્વ જોઈને મહાજનના શેઠિયાઓ માંહોમાંહે કાનસૂરિયાં કરીને સુગલ અનુભવતા હતા પણ સત્તા આગળ શાણપણ નકામું, એ ન્યાયે સત્તાધારી શિરસ્તેદારની શેહમાં દબાઈને કશી ટીકા કરી શકતા નહોતા.

લગ્નવિધિ શરૂ થતાં પહેલાં મંચેરશાને અને નરોત્તમને બોલાવીને કીલો અંદરના ઓરડામાં ગયો અને મૂંગા મૂંગા બારણું વાસી દીધું.

નરોત્તમ તો કીલાભાઈ હવે શું કરવા માગે છે એનાં અનુમાનો કરતો કુતૂહલપૂર્વક બધું જોઈ રહ્યો. બારણું વાસીને કીલાને શી મસલત કરવાની હશે એનો મંચેરશાને પણ ખ્યાલ ન આવી શક્યો.

કીલાની મુખમુદ્રા ગંભીર હતી. એણે ધીમે રહીને બાલાબંધી અંગરખાની કસ એક પછી એક છોડવા માંડી તેથી નરોત્તમનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું.

કીલાએ સાવ સાહજિક રીતે ડિલ ઉ૫૨થી અંગરખું ઉતારી નાખ્યું.

ઉઘાડી માંસલ ડોકમાં મોટા મોટા રુદ્રાક્ષની મણકાવાળી એક માળા શોભી રહી.

‘જુવો મંચેરશા, સાંભળ મોટા, બદરી-કેદારના સ્વામીજીએ મને સાધુજીવનની દીક્ષા આપેલી એની આ માળા છે,’ કીલાએ કહ્યું, ‘હું સાધુ તો ક્યારનો મટી ગયો’તો; મઠમાંથી ભાગી છૂટીને પાછો આપણી દુનિયામાં આવતો રહ્યો’તો, પણ સાધુજીવનની માયા સાવ નહોતી. છૂટી, એટલે જ અંગરખાની આડશમાં આ માળા પહેરી રાખેલી—’

મંચેરશા અને નરોત્તમ માળાના મણકા ત૨ફ ટગર ટગર તાકી રહ્યા.

‘આજે હવે હું સાચેસાચ સંસારી થાઉં છું, એટલે હવે આ માળા—’

નરોત્તમે ધાર્યું કે હવે કીલાભાઈ આ માળા ઉતારી નાખશે, પણ ત્યાં તો એણે બે હાથ વડે ઝાટકો મારીને હવે આ માળા તોડી નાખું છું.’ કરતાકને મણકા વેરવિખેર કરી નાખ્યા.

મંચે૨શા ‘અરે અરે! કીલા આ શું?’ કરતા રહ્યા અને માળાના મણકા જમીન પર વેરણછેરણ થઈ ગયા.

‘આ માળા મારી છાતી ઉપર સીસાની જેમ બેઠી હતી.’

કીલાએ સમજાવ્યું, ‘એક વાર સંસા૨ કડવો ઝેર લાગ્યો ત્યારે આ માળા ડોકમાં ઘાલી’તી. પણ સાધુજીવન નજરે જોયા પછી તો એમાં સંસાર કરતાંય વધારે સડો ને વધારે ગંદવાડ લાગ્યો. એના કરતાં તો સંસારજીવન ક્યાંય અદકું, ઊજળું ને ઉજમાળું છે. સાધુ થઈને કાયાનું કલ્યાણ કરવાનાં ને પરલોકનું ભાથું બાંધવાનાં પડળ મારી આંખે બાઝ્યાં હતાં, હવે લાગે છે કે સંસારમાં રહીને જ કાયાનું ને આત્માનું કલ્યાણ થઈ શકે છે. સાધુજીવનની હેડમાંથી હવે હંમેશનો છૂટો થાઉં છું, ને તમારી બેય જણની સાક્ષીએ આ ડોકમાં પડેલી બેડી તોડી નાખું છું—’

બારણા પર ટકોરા પડ્યા. ગોર મહારાજનો અવાજ સંભળાયો: ‘કીલાભાઈ, સાબદા થાવ ઝટ!—ચોઘડિયું વહી જાશે—’

અને કીલાએ ચોંપભેર અંગરખું પહેરીને કસ બાંધવા માંડી.