વેળા વેળાની છાંયડી/મારો માનો જણ્યો !

← કીલો કાંગસીવાળો વેળા વેળાની છાંયડી
મારો માનો જણ્યો !
ચુનીલાલ મડિયા
‘મલકનો ચોરટો’ →





૧૪

મારો માનો જણ્યો !
 


કાકાએ મોકલેલી ઘોડાગાડી જોઈને બટુક તો ગાંડોતૂર થઈ ગયો. ‘કાકાએ રાજકોટથી ગાડી મોકલી,’ એમ કરતો કરતો એ શેરીમાં સહુ ભાઈબંધોને આ નવીન રમકડું બતાવી આવ્યો.

પુત્રને આ રીતે આનંદિત જોઈને ઓતમચંદ તથા લાડકોર પણ પોતાની અંતરવેદના વીસરી જતાં લાગ્યાં. બટુક તો આ રંગીન રમકડાની સોબતમાં કોઈક નવી દુનિયામાં વિહરવા લાગેલો. લાકડાની ગાડી અને લાકડાના ઘોડા સાથે એને દિલ્લગી બંધાઈ ગઈ. એ નિર્જીવ વસ્તુ સાથે એ વાર્તાલાપ કરતો, મસ્તીતોફાન કરતો, મહોબત પણ કરતો. પુત્ર આ રીતે રમકડામાં ૨મમાણ રહે છે એ જોઈને લાડકોરની આંખ ઠરી. કાળજે વાગેલો કારમો જખમ હવે જાણે કે રુઝાઈ ગયો. ભૂતકાળનાં વસમાં સંભારણાં વિસરાઈ ગયાં. બેવફા નીવડના૨ ભાઈ-ભોજાઈ પ્રત્યેનો રોષ પણ ઓસરી ગયો. લાડકોરના વત્સલ હૃદયમાં સહુ સગાંસ્નેહીઓ પ્રત્યેના સ્નેહની સરિતાઓ પૂર્વવત્‌ વહેવા લાગી. જીવનમાં જાણે કે કશો ઝંઝાવાત આવ્યો જ નથી, પૂર્વરંગમાં જરાય ફરક પડ્યો જ નથી, એવી પરિતૃપ્તિ લાડકોર અનુભવી રહી.

આ દરમિયાન દકુભાઈ પણ મોલમિનની એક ખેપ કરીને ઈશ્વરિયે આંટો આવ્યા હતા. મોલમિન જેટલે દૂરથી બહુ ટૂંકી ખેપ ક૨ીને ઓચિંતા તેઓ શા માટે પાછા આવી પહોંચ્યા એ અંગે ઈશ્વરિયામાં તરેહવા૨ અટકળો થતી. દકુભાઈની પુરાણી શાખથી જેઓ પરિચિત હતાં તેઓ તો કહેતાં હતાં કે બર્મામાં પણ આ કાબો કશુંક બખડજંતર કરીને આવ્યો છે. એથી વધારે જાણભેદુઓ વળી જુદી જ વાત કહેતા હતા: દકુભાઈના કંધોતર અને કરમી દીકરા બાલુએ બાપની ગેરહાજરીમાં ગામમાં કબાડું કરેલું — લોકવાયકા પ્રમાણે કોઈ આહીરાણીને ‘હરામના હમેલ’ રહી ગયેલા—તેથી પુત્રના એ પરાક્રમને ભીનું સંકેલવા પિતાએ અંતરિયાળ દેશની વાટ પકડવી પડેલી. એક અનુમાન એવું પણ હતું કે ઓતમચંદના ઘ૨માં ધામો મારીને કાયદાની બીકે બર્મા ભાગી ગયેલા દકુભાઈને હવે કોર્ટનું કાંઈ લફરું થવાની બીક ન હોવાથી બેધડક પાછા આવતા રહ્યા હતા. ગમે તેમ હોય, પણ દકુભાઈ આ ફેરે ઓટીવાળ દીકરાને વરાવી–પરણાવીને ઠેકાણે પાડવા કૃતનિશ્ચય બનીને આવ્યા હતા એ તો ચોક્કસ; કેમ કે, ઈશ્વરિયામાં પગ મેલતાંની વાર જ એમણે મકનજી મુનીમને બાલુ માટે કાણી-કૂબડી, બાડી-બોબડી કોઈ પણ કન્યા શોધી લાવવાનું ફરમાવી દીધેલું, અને કહ્યાગરો મુનીમ પણ દકુભાઈ શેઠની સમૃદ્ધિનાં ગુણગાન દિગંતમાં ફેલાવતો ફેલાવતો ગામડે ગોઠડે ફરવા લાગેલો.

દકુભાઈની આ નૂતન સમૃદ્ધિની ખ્યાતિ કર્ણોપકર્ણ લાડકોરના કાન સુધી આવી પહોંચેલી. જે જમાનામાં ગોરા સાહેબોની મડમો સિવાય બીજાં કોઈ લોકો બાળકોને બાબાગાડીમાં બેસાડીને ફરવા નીકળતાં જ કૌતુકભર્યું વિદેશી વાહન કોઈ અપવાદરૂપ પારસી કુટુંબ સિવાય હિંદમાં હજી અપનાવાયું નહોતું, એવે સમયે દકુભાઈ પોતાના નાનકડા બાબા માટે છેક બર્માથી રંગીન બાબાગાડી લેતો આવેલો અને આખા ઈશ્વરિયાનાં લોકોને આંજી નાખેલાં. પહેલે દિવસે નાનકડા બાબાને આ ગાડીમાં બેસાડીને દકુભાઈ ઈશ્વરિયાની ઊભી બજારે નીકળ્યો ત્યારે બજારનો રસ્તો જાણે કે એને સાંકડો પડતો લાગ્યો. જન્મારામાં પણ જે લોકોએ બળદગાડાં સિવાય બીજું કોઈ ગાડું જોયું નહોતું એમને આ નવતર વાહન વિસ્મયકારક લાગેલું. આ ઉપરાંત દકુભાઈ બર્મી બનાવટનાં જે રંગબેરંગી રમકડાં લાવેલો એ જોવા માટે તો એમને આંગણે દિવસો લગી ગામના ખેડૂતોની લંગાર લાગેલી. સમરથવહુ તો આમેય ધરતીથી એક વેંત ઊંચી ચાલવાને ટેવાયેલી જ હતી, એ આ નૂતન સમૃદ્ધિથી ચકચૂર બનીને જાણે આભમાં પાટુ મારવા લાગેલી, અને ગભરુ ગામલોકોને ગર્વભેર ધમકી પણ આપવા લાગેલી કે, ‘જોજો તો ખરાં, હજી તો અમારે આંગણે મોલિમનથી મોટર આવશે મોટર, તેલ પૂરીને હંકારાય એવી મોટર !’

દકુભાઈની સાહ્યબીની આવી આવી વાતો લાડકોરને કાને આવતી ત્યારે એ નર્યો આનંદ જ અનુભવતી અને ઊંડો સંતોષ વ્યક્ત કરતી: ‘ભલે કમાણો મારો વી૨. દકુભાઈ પણ મારો માનો જણ્યો ભાઈ જ છે ને ! પારકો થોડો છે ? ભાઈના ઘરમાં આવતો દી હશે ને હાથ પહોંચતો હશે તો અમને કળોયાંને કાપડું સાંપડશે. ભગવાન એને હજીય ઝાઝી કમાણી દિયે ! સગાંનો હાથ પહોંચતો હશે તો અટક્યેસટક્યે પૈસા માગવાય જવાશે. પારકાં પાસે થોડો હાથ લાંબો કરાશે ?’

અને સાચે જ, દકુભાઈ પાસે હાથ લાંબો કરવા જવું પડે, એવો કરુણ પ્રસંગ લાડકોરના જીવનમાં આવી ઊભો.

એક દિવસ સાંજે બહુ મોડેથી દુકાન વધાવીને ઓતમચંદ ઘેર આવ્યો. સામાન્ય નિયમ — અથવા કહો કે રાબેતો — એવો હતો કે આ સમયે હસમુખી લાડકોર ઉંબરામાં જ ઊભી હોય અને એની અમીવર્ષણ આંખો પતિને મૂંગો આવકાર આપતી હોય. પણ આજે દુકાનેથી થાક્યાપાક્યા આવેલા ઓતમચંદે પત્નીને આંગણામાં કે ઉંબરામાં ન જોતાં એને નવાઈ લાગી. આજે મારે મોડું થયું છે. એટલે વાટ જોઈ જોઈને થાકી ગયાં હશે, એમ સમજીને ઓતમચંદે આજે પોતાનું ગૃહાગમન જાહે૨ કરવા સાંકેતિક ખોંખારો ખાધો.

આમ તો પતિનો પગરવ સાંભળતાં વાર નવોઢા જેટલી ઉત્સુકતાથી પગથિયાં પર દોડી આવતી પત્નીનાં દર્શન આજે હજી સુધી ન થયાં તેથી પતિના મનમાં આશ્ચર્ય સાથે શંકા પણ ભળી. શું થયું હશે, એવા સાહજિક કુતૂહલથી ઓતમચંદ ચોંપભેર ઓસરીમાં દાખલ થયો તો ઘરમાં દીવો પણ ન દેખાયો, ભૂખરી સંધ્યાના આછેરા ઉજાશમાં એણે જોયું તો લાડકોર ઓસરીને એક છેડે માથા પર સાડલાની સોડ તાણીને બટુકને ગોદમાં લઈને સૂતી હતી.

ઓતમચંદ થોડી વાર સુધી તો વિસ્ફારિત આંખે આ દૃશ્ય જોઈ રહ્યો.

લાડકોરના ગળામાંથી દબાયેલું ડૂસકું સંભળાયું ત્યારે ઓતમચંદનો જીવ હાથ ન રહ્યો. એણે પત્નીને ઢંઢોળીને પૂછ્યું: ‘શું થયું ? શું થયું ? ડિલ સારું નથી ? સુવાણ નથી ?’

પતિ આવી પહોંચ્યા છે એમ જાણતાં જ લાડકોર સફાળી બેઠી થઈ ગઈ, સાડલાના છેડાવતી ઝટપટ ભીની આંખ લૂછી નાખી ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે અંધારું થઈ ગયું હોવા છતાં હજી ઘરમાં દીવો નથી કર્યો. પહેલાં એણે ઝટપટ ગોખલામાં ગણપતિ સમક્ષ ઘીનો દીવો કર્યો અને મૂંગાં મૂંગાં હરિકેન ફાનસ પેટાવ્યું.

ઓતમચંદે ફરી પ્રશ્ન કર્યો: ‘કેમ ભલા, આજે ડિલ સારું નથી ?’

હજી લાડકોર મૂંગી જ રહી ત્યારે ઓતમચંદે ફરી પૂછ્યું: ‘બટુક કેમ આજે વહેલો ઊંઘી ગયો ?’

કશો જવાબ આપવાને બદલે લાડકોરે રાંધણિયામાં જઈને વાળુ કાઢવા માંડ્યું ત્યારે ઓતમચંદે ફરી પૂછ્યું: ‘આજે શું થયું છે ? કોઈ માઠા સમાચાર આવ્યા છે ?’

પણ લાડકો૨ને ગળે એવો તો ડૂમો ભરાયો હતો કે એ કશો ઉત્ત૨ આપવા ધારે તોપણ આપી શકે એમ નહોતી. એણે તો યંત્રવત્‌ પતિ માટે થાળી પી૨સી દીધી અને પોતે લમણે હાથ દઈને બેસી ગઈ.

હાથ-મોં ધોઈને ઓતમચંદ પાટલા ૫૨ બેઠો તો ખરો પણ પત્નીની રડમસ સૂરત જોઈને એ કોળિયો ભરી શક્યો નહીં. હંમેશના નિયમ મુજબ એણે પૃચ્છા કરી: ‘બટુકે જમી લીધું છે ને ?’

લાડકોરે એકાક્ષી ઉત્તર આપ્યો: ‘ના.’

સાંભળીને ઓતમચંદની શંકાઓ વધારે ઘેરી બની. પૂછ્યું: ‘કેમ જમ્યો નથી ? તાવબાવ ભરાણો છે ?’

‘ના,’ લાડકોરે કહ્યું.

‘તો પછી ખાધું કેમ નહીં ?’

‘ખાતાં ખાતાં કથળી પડ્યો ને પછી રોઈ રોઈને ઊંઘી ગયો.’ લાડકોરે ખુલાસો કર્યો.

થાળીમાંથી કોળિયો ભરવા લંબાયેલો ઓતમચંદનો હાથ થંભી ગયો. પત્નીની ઉદાસીનતાનું રહસ્ય પણ એ પામી ગયો.

‘ખાતાં ખાતાં શું કામ કથળ્યો ?’ ઓતમચંદે પૂછ્યું: ‘તમે કાંઈ વઢ્યાં ?’

‘હું શું કામને વઢું ભલા ?’ લાડકોરે કહ્યું, ‘છોકરો તમને વહાલો છે ને મને કાંઈ દવલો છે ?’

‘તો પછી ભૂખ્યો ને ભૂખ્યો શું કામે સૂઈ ગયો ?’

‘એ તો એણે દૂધપેંડાનો કજિયો કર્યો. સાંજરે સોનીના છોકરાના હાથમાં દૂધપેંડો જોયો હશે એટલે બટુકે પણ વેન લીધું: ‘દૂધપેંડો આપો તો જ ખાઉં, નીકર નહીં. અણસમજુ છોકરાને કેમ કરીને સમજાવાય કે—’

લાડકોરે વાક્ય અધૂરું મેલી દીધું. પત્ની બટુકને શી વાત સમજાવવા માગતી હતી એ ઓતમચંદ આછી ઇશારતમાં જ સમજી ગયા. ઘ૨ના સંજોગોની વાસ્તવિકતાની યાદ તાજી થતાં એ મૂંઝવણ સાથે વિમાસણ પણ અનુભવી રહ્યો.

હવે ઓતમચંદને ભોજનમાંથી સ્વાદ ઊડી ગયો. ભોજનથાળ ઠંડો થતો રહ્યો અને આ દુખિયારાં દંપતી વ્યવહારના અત્યંત નાજુક પ્રશ્નની ચર્ચાએ ચડી ગયાં.

‘આમ ને આમ કેટલા દિવસ કાઢશું ?’ લાડકોર પૂછતી હતી.

‘ક૨મમાં માંડ્યા હશે એટલા,’ ઓતમચંદ ફરી ફરીને એક જ ઉત્તર આપ્યા કરતો હતો.

ભૂખ્યે પેટે ઊંઘી ગયેલા પુત્રનું દુઃખ જોઈને આ દંપતી એવાં તો વ્યગ્ર બની ગયાં કે ઓતમચંદ પી૨સેલ ભાણેથી આખરે ઊભો થઈ ગયો. લાડકોરને પણ જમવામાં સ્વાદ ન રહ્યો.

મોડી રાતે ગજર ભાંગી ગયો અને અડોશપડોશમાં બધેય બોલાશ બંધ થઈ ગયો ત્યારે પણ આ ઘરના શયનખંડમાં પતિ-પત્ની વચ્ચે એક ગંભીર પ્રશ્ન પર ગોષ્ઠી ચાલી રહી હતી.

પતિને સાવ હતાશ થયેલો જોઈને લાડકોર હિંમત આપતી હતી: ‘તમે ભાયડાની જાત ઊઠીને આમ ચૂડલાવાળાની જેમ સાવ પોચા કાં થઈ જાવ ? હોય એ તો. મલકમાં આપણા સિવાય બીજા કોઈને વેપારમાં ખોટ નહીં આવતી હોય ? દુનિયા આખીમાં કોઈ દેવાળાં નહીં કાઢતા હોય ? વેપારધંધા કોને કહે ! એ તો તડકાછાંયા છે… કાલ સવારે બટુકનાં નસીબ ઊઘડશે તો પાછાં તરતાં થઈ જશે… એ જ અગાશીવાળી મેડી લુવાણા પાસેથી પાછી લઈ લઈશું… દી આવતો થાશે તો સંધુંય પહેલાંના કરતાં સવાયું સુધરી જાતાં વાર નહીં લાગે.’

ઓતમચંદ તો જાણે કે કશું સાંભળતો જ ન હોય એમ અન્યમનસ્ક બનીને મૂંગો રહ્યો.

પતિની મૂંઝવણ ઓછી કરવા લાડકોરે અચકાતાં અચકાતાં સૂચન કર્યું:

‘તમે એક વાર ઈશ્વરિયે જઈને મારા દકુભાઈને વાત તો કરો—’

સાંભળી ઓતમચંદની આંખનો ડોળો ફરી ગયા. પણ એ રોષ વાણી વાટે વ્યક્ત કરીને પત્નીને નારાજ કરવાનું એને યોગ્ય ન લાગ્યું

પતિના મૌનને સંમતિ સમજીને લાડકોરે ફરી વાર એ સૂચન કર્યું.

‘તમે અબઘડીએ જ ઈશ્વરિયે જાવ… મારો દકુભાઈ તમારો હાથ પાછો નહીં ઠેલે —’

ઓતમચંદે સ્વસ્થ ચિત્તે ટૂંકો જ ઉત્તર આપ્યો: ‘કોઈનું આપ્યુંને તાપ્યું કેટલા દી બેઠું રહે ?’

‘પણ ક્યાં કોઈ પારકા પાસે માગવા જાવાનું છે ?’ લાડકોરે કહ્યું, ‘આ તો મારો માનો જણ્યો દકુભાઈ —’

‘ભાણાની ભાંગે… ભવની નહીં.’ ઓતમચંદ મિતાક્ષરી ઉત્તર આપીને ફરી મૂંગો થઈ ગયો.

‘અટાણે તો ભાણાની ભાંગે તોય ભગવાનનો પાડ માનવા જેવો સમો છે,’ લાડકોરે ઘરની કંગાલિયત એક જ વાક્યમાં ૨જૂ કરી દીધું.

‘એમ જ હાલે. આપણો સમો બદલ્યો તેમાં કોઈનો શું વાંક ?’

‘પણ બટુકે આજે તો એક ચીજનો કજિયો કર્યો, કાલ સવારે ઊઠીને બીજું કાંઈક માગશે…’ લાડકોરે કહ્યું, ‘સાત ખોટના દીકરાનાં બોર બોર જેવડાં આંસુ મારાથી જોયાં નહીં જાય.’

‘બિચારો ગભૂડો છોકરો કાંઈ સમજે છે કે કઈ ચીજ મગાય ને કઈ ચીજ ન મગાય ?’

‘એટલે તો કહું છું કે, બીજા કોઈ સારું નહીં તો આ ગભૂડા છોકરાની દયા ખાઈને પણ મારા દકુભાઈને વાત કરો.’ લાડકોર ભૂખ્યા પેટે ઘસઘસાટ ઊંઘતા બટુક તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘સગો મામો ઊઠીને આ ભાણેજને ભૂખ્યો નહીં રહેવા દિયે… સાસ્તરમાં સો ભામણ બરાબર એક ભાણેજ કીધો છે. મારો દકુભાઈ —’

લાડકોરે ‘મારો દકુભાઈ’ની જ્યારે મોંપાટ જ લેવા માંડી ત્યારે ઓતમચંદથી મૂંગું ન રહેવાયું. એણે પોતાના એક હાથનો પોંચો સીધો કરીને પત્નીને પૂછ્યું: ‘આ શું કહેવાય ?’

‘આંગળાં, બીજું શું ?’ લાડકોરે ઉત્તર આપ્યો.

‘બરોબર… ને આ શું કહેવાય ?’

‘નખ વળી.’

‘એ પણ બરોબર,’ કહીને ઓતમચંદે એક વિલક્ષણ પ્રશ્ન પૂછ્યો: ‘પણ આ આંગળાંથી નખ છેટા છે ?’

અને પછી પત્નીના ઉત્તરની રાહ જોયા વિના જ ઓતમચંદે ભારેખમ અવાજે ચુકાદો આપી દીધો:

‘દકુભાઈ આપણો સાત સગો હોય, પણ આંગળીથી નખ વેગળા એટલે વેગળા જ. એટલામાં સંધુંય સમજી જાવું.’

‘મારો માનો જણ્યો દકુભાઈ સગી બેન હારે આવી જુદાઈ જાણતો હશે ?’ લાડકોરે જરા છણકો કર્યો, ‘તમે મારાં પિયરિયાંને સાવ ભૂખ સમજી બેઠા છો ?’

‘ભગવાન કોઈને ભૂખ ન આપે !’ ઓતમચંદે સ્વાનુભવથી દુઆ ગુજારી. પછી ઉમેર્યું: ‘પણ હું તો એમ કહેતો હતો કે આમ પારકું આપ્યું ને તાપ્યું તે કેટલા દી બેઠું રહે ? એમ માગ્યે ઘીએ ચૂરમા થાય ? અને પછી પોતાને જ સંભળાવતો હોય એમ ધીમે અવાજે ઉદ્‌ગાર કાઢ્યો: ‘માગતાં તો મુક્તાફળ મળે, પણ ભીખને માથે ભટ્ટ !’

‘વાહ રે તમારી વાત !’ લાડકોરે અજબ સ્ત્રૈણ લટકા સાથે ફરી છણકો કર્યો: ‘સગા ભાઈ આગળ બેન હાથ લાંબો કરે એ તમારે મન ભીખ ગણાતી હશે ! અમ કળોયાં તો જીવીએ ત્યાં સુધી ભાઈ પાસે માગીએ. અમારો તો લાગો લેખાય.'

ઓતમચંદ પત્નીના ભોળપણ ૫૨ મનમાં હસી રહ્યો.

ક્ષમા અને ઔદાર્યની મૂર્તિ લાડકોર, પોતાના દકુભાઈએ કરેલો હજી ગઈ કાલનો દ્રોહ આજે ભૂલી ગઈ હતી ! એ તો, ઉત્સાહભેર પોતાના ભાઈની આર્થિક પ્રગતિનું વર્ણન કરી રહી હતી:

‘ને મારા દકુભાઈનો હાથ તો હવે સારીપટ પોંચતો થયો છે. આ ખેપે તો મોલિમનથી ગાંસડા ને ગાંસડા ઢસરડી આવ્યો છે. દસકો આવતો થયો તે કેવો તરી ગયો, જોતા નથી ! ઈશ્વરિયેથી આવનાર સહુ માણસ વાત કરે છે કે મારી સમરથભાભીને તો પગથી માથાં લગી સૂંડલે સોને મઢી દીધી છે. ને મારા ભત્રીજા બાલુ સારુ તો મોટા મોટા નગરશેઠની છોકરીઓનાં નાળિયેર દકુભાઈને ઉંબરે પછડાય છે એ તમને ખબર છે ?’

‘હા. હમણાં ટોપરાનું બજાર તેજ છે ખરું,’ ઓતમચંદે કહ્યું, ‘મને ખબર નહીં કે તારા દકુભાઈએ નાળિયે૨નો ખેલો માંડ્યો છે !’

આફત અને ચિંતાઓથી ઘેરાયેલા ઓતમચંદમાંથી રમુજવૃત્તિએ હજી વિદાય લીધી નહોતી.

ઈશ્વરિયે જવું કે ન જવું, એની ચર્ચા મોડી રાત સુધી ચાલી. દકુભાઈનાં કરતૂકો બરાબર જાણી ગયેલ ઓતમચંદ એ બે દોકડાના માણસ પાસે હાથ લંબાવવા જતાં અચકાતો હતો. એનો ખ્યાલ એવો હતો કે રાજકોટ ખાતે કમાવા ગયેલ નરોત્તમ થોડી થોડી રકમ મોકલતો થશે તો થોડા દિવસમાં જ અહીંનું ગાડું પાટે ચડી જશે, વેપાર પણ થોડો વધારી શકાશે અને કોઈ પારકાંની ઓશિયાળી કરવી નહીં પડે. પણ લાડકોરમાં એટલી ધી૨જ નહોતી — ખાસ કરીને તો ગઈ સાંજે બની ગયેલા બનાવ પછી એ સ્ત્રીસહજ અકળામણ અનુભવી રહી હતી અને તેથી જ, ઓતમચંદને ઈશ્વરિયે જવા માટે ઊંબેળી રહી હતી.

અને છતાં, ઈશ્વરિયે જવું કે ન જવું, એની દ્વિધામાં ઓતમચંદે ઘણો સમય ગાળ્યો. પણ આખરે પ્રેમાળ પત્નીનો વિજય થયો. લાંબી મથામણને અંતે, પત્નીનું મન સાચવવા, તથા કહેવાતી મોલમિનની કમાણીથી શાહુકાર બની બેઠેલા સાળાનો દાણો દાબી જોવાના ઉદ્દેશથી ઓતમચંદ ઈશ્વરિયે જવા તૈયાર થયો. જોકે, છેવટ સુધી એના મનમાં ઊંડે ઊંડે ક્ષોભ તો રહ્યા જ કરતો હતો કે દકુભાઈએ હવે સઘળો સંબંધ અને વ્યવહાર તોડી નાખ્યો હોવાથી એને આંગણે વણનોતર્યા જવું એમાં નામોશી ગણાય. પણ અત્યારે ‘માના જણ્યા દકુભાઈમય’ બની ગયેલી લાડકોર આવી દલીલ સાંભળવા તૈયા૨ જ ક્યાં હતી ?

જામેલા વેપારના દિવસોમાં વછિયાતી ઉઘરાણી પાછળ જે ઘોડી પરથી જીન ન ઊતરતાં એ પવનવેગી ચંદરી તો દેવાળું કાઢ્યા પછી લેણદારોને ખંડી આપવી પડેલી. તેથી ઓતમચંદે પગપાળા જ પંથ કાપવાનો હતો. ઘરમાંથી ઘી જેવી ચીજનો તો સ્વાદ જ જાણે કે ભુલાઈ ગયો હતો તેથી ગોળપાપડીનું ભાતું બાંધવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. લાડકોરે વહેલી પરોઢમાં જ સાથવાનો ભૂકો શેકી નાખ્યો અને સાથે ગોળનો ગાંગડો બાંધીને ઓતમચંદ માટે રસ્તે ખાવાનું ભાતું તૈયાર કરી નાખ્યું.

વહેલી સવારમાં વિદાય થતી વેળા બટુક જાગી ગયો હોવાથી એણે પિતાને પૂછ્યું: ‘ક્યાં જાવ છો ?’

ઓતમચંદ બાળાભોળા બટુકને સાચો ઉત્તર આપતાં અચકાયો, પણ લાડકોરે તુરત હરખભેર કહી દીધું: ‘બેટા, મામાને ઘેર જાય છે…’ અને પછી પુત્રને રીઝવવા માટે માતાએ ઉમેર્યું: ‘તારે સારુ વાવા લાવશે, રમકડાં લાવશે. ઘણું ઘણુંય લાવશે…’

માતાએ આપેલાં મોટાં મોટાં વચનોથી બટુક રાજી થઈ ગયો.

પુત્રના ચહેરા પરની મુસ્કરાહટને ફિલસૂફની ગમગીન નજરે અવલોકતાં ઓતમચંદે ઈશ્વરિયાનો કેડો લીધો.