← ત્રણ જુવાન હૈયાં વેળા વેળાની છાંયડી
રંગમાં ભંગ
ચુનીલાલ મડિયા
નણંદ અને ભોજાઈ →




રંગમાં ભંગ
 


બીજે દિવસે ઓતમચંદને ઘેર વધારે મહેમાનો આવ્યા. ખોબા જેવડું વાઘણિયું ગામ માણસોથી ઊભરાઈ ગયું.

વાસ્તવિધિ સાથે મોટો જમણવાર પણ હતો તેથી ગામ આખામાં એક પ્રકારનું ચેતન ફેલાઈ ગયું. આખા પંથકના વછિયાતી વેપારીઓને ઓતમચંદે આ શુભ પ્રસંગે પોતાને આંગણે નોતર્યા હતા. બજારો અને શેરીઓ બહારગામના માણસોથી ભરચક્ક લાગતી હતી.

ગામલોકોને આ પ્રસંગનું મોટામાં મોટું આકર્ષણ તો અલબત્ત, જમણવારનું જ હતું. ગામમાં ઓતમચંદ જેવા શ્રીમંતો તો આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. બાકી ગામની વસ્તી એકંદરે ગરીબ જ હતી. તેથી જ ગરીબગુરબા તથા વસવાયાં સહુ આ મોટે ખોરડે થનાર જમણવારની રાહ જોતાં દાઢ કકડાવીને બેઠાં હતાં. મેડીનું વાસ્તુપૂજન મોટી ધામધૂમથી થવાનું છે એ સમાચાર ફેલાતાં આજુબાજુનાં ઉપરવાડિયાં ગામડાંમાંથી પણ માગણલોક મોટી સંખ્યામાં વાઘણિયામાં આવી પહોચ્યાં હતાં. બીજી રીતે શુષ્ક લાગતાં ગામવાસીઓનાં એકધારા જીવનમાં શ્રીમંતોને ઘે૨ થતાં આવાં જલસા-જયાફતો પણ રસનું સિંચન કરતાં હતાં.

વહેલી સવારથી જ નવી મેડીમાં શરણાઈ-નોબત વાગવા માંડી હતી. દરવાજાની કમાન પર, બારણાની બારસાખે તેમજ ટોડલે આસોપાલવનાં તોરણ ટિંગાતાં હતાં. ગામનો શંભુ ગોર યજ્ઞકુંડની આજુબાજુ વાસ્તુપૂજન માટે પૂજાપાની સામગ્રીઓ ગોઠવી રહ્યો હતો.

ઓતમચંદ પોતાના લગન વખતે સિવડાવેલો રેશમી ડગલો પહેરીને પૂજા માટે પાટલા ૫૨ બેઠો હતો. બાજુમાં બેઠેલી લાડકોરે પણ લગન વખતનું ઘરચોળું પહેર્યું હતું.

બાજુના ૨સોડામાં જમણવા૨ની ધમાલ ચાલતી હતી, તેથી માણસોની અવરજવર વધી ગઈ હતી. પણ એમાં ક્યાંય દકુભાઈનાં દર્શન ન થતાં ઓતમચંદને આશ્ચર્ય થતું હતું.

આ આશ્ચર્ય અવધિએ પહોચ્યું ત્યારે ઓતમચંદે મુનીમને નજીક બોલાવીને ચાલુ પૂજનવિધિએ પૂછ્યું:

‘દકુભાઈ ક્યાં છે ?’

ખંધો મુનીમ બોલ્યો: ‘મને ખબર નથી,’ અને પછી મર્મયુક્ત મુસ્કરાહટ કરીને ચાલ્યો ગયો.

શંભુ ગોર શ્લોકો ગગડાવતો જતો હતો, ઓતમચંદ મૂંગો મૂંગો એ સાંભળી રહ્યો હતો, અને ગોર મહારાજ તરફથી જે જે વસ્તુના ‘સમર્પયામિ’ આદેશ મળે તે તે વસ્તુઓનું સમર્પણ કરતો જતો હતો. બધું યંત્રવત્ જ. ઓતમચંદનું ચિત્ત આ યજ્ઞવિધિમાં નહોતું ચોટતું.

દકુભાઈની ગેરહાજરીએ ઓતમચંદને અકળાવી મૂક્યો હતો. બેચાર જણાને પૃચ્છા કરી જોઈ પણ કોઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં એ નાસીપાસ થયો. આવા શુભ પ્રસંગે પોતાના સગા સાળાની ગેરહાજરી સહેતુક હોવા અંગે ઓતમચંદને અંદેશો ઊપજ્યો.

આ બધા સમય દરમિયાન સમજુ લાડકોર એકધારું મૌન જાળવી રહી હતી. પણ પૂજનવિધિએ જ્યારે ઓતમચંદે દકુભાઈ અંગે વધારે પડતી પૂછગાછ ક૨વા માંડી ત્યારે લાડકોરથી ન રહેવાયું. પોતાના સ્વભાવ પ્રમાણે એણે પતિને પ્રેમાળ પણ મક્કમ અવાજે મીઠો ઠપકો આપ્યો:

‘તમે મૂંગા રિયો ને ! પૂજા ક૨વા ટાણે તો જીવને શાંતિ રાખો !’

‘પણ દકુભાઈ ક્યાંય દેખાતો નથી !’

‘દેખાશે એની મેળે… ક્યાંક આઘોપાછો ગયો હશે, જરાક—’ લાડકોરે મર્મવાણી ઉચ્ચારી અને ફરી એ જ મીઠાશભર્યો અવાજે આદેશ આપ્યો: ‘હવે પૂજા ટાણે બહુ બોલ બોલ કરો મા, ને ગોર મા’રાજ કહે તેમ કરતા જાઓ.’

પ્રેમાળ પત્નીની આ આજ્ઞાને આધીન થયા વિના ઓતમચંદને હવે છૂટકો જ નહોતો. એ મૂંગો તો થઈ જ ગયો-બોલ બોલ બંધ કરી દીધી. પણ એનું ચિત્ત અસ્વસ્થ થઈ ગયું. દકુભાઈની ભેદી ગેરહાજરીએ ઓતમચંદના મનમાં અનેકાનેક આશંકાઓ ઉત્પન્ન કરી.

વાસ્તુવિધિ આગળ વધતો ગયો અને જેમ જેમ શંભુ ગોરને મોઢેથી ‘સમર્પયામિ’ના સૂત્રોચ્ચાર વધતા ગયા તેમ તેમ ઓતમચંદના મનમાં આ આશંકાઓ વધારે ને વધારે પ્રબળ બનતી ગઈ. પણ પડખે બેઠેલી પ્રેમાળ પત્નીએ આપેલો મૌન જાળવવાનો આદેશ એવો તો અસરકારક નીવડેલો કે લાડકોરની આજ્ઞા કદાપિ ન ઉથાપનાર ઓતમચંદ અત્યારે પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યો નહીં.

પૂજનવિધિ પૂરો થયો અને ગોર મા’રાજે ઊભા થવાની છૂટ આપી કે તરત જ ઓતમચંદે હાક મારી: ‘બાલુ !’

પણ બાલુએ ક્યાંયથી હોંકારો ન દીધો. ફરી ઓતમચંદે હાક મારી અને આજુબાજુ ઊભેલા માણસોને પૂછ્યું: ‘બાલુ ક્યાં ગયો ?’

‘હમણાં ઘર ઢાળો જાતો જોયો,’ એક ખેડૂતના છોકરાએ કહ્યું.

ઓતમચંદનો વિચાર દકુભાઈને બોલાવવા માટે બાલુને દોડાવવાનો હતો, પણ બાલુ પોતે પણ ઘેર ગયો છે એમ જણાતાં તરત એમણે એક કણબીને કહ્યું: ‘ટપૂ, જા ઝટ, ઘેર જઈને દકુભાઈને તેડી આવ.’

દકુભાઈની હાજરી માટેનો પતિનો આ વધારે પડતો ઉત્સાહ જોઈને લાડકોર મનમાં જરા ખિજાતી હતી, પણ કશું બોલી શકતી નહોતી. વળી, એ એક પ્રકારની મૂંઝવણ પણ અનુભવી રહી હતી. દકુભાઈ અત્યારે શા માટે ગેરહાજર છે એનું કારણ લાડકોર તો જાણતી જ હતી. પણ પતિને એ અંગે વાકેફ કરતાં એ અચકાતી હતી. સાળાની ગેરહાજરીથી ઓતમચંદ આટલા બધા અકળાઈ ઊઠશે એવી તો લાડકોરને કલ્પના પણ નહોતી.

લાડકોર કામે વળગી પણ કામમાં એનું ચિત્ત ચોટ્યું નહીં.

દરમિયાન દકુભાઈને તેડવા ગયેલા ટપૂ કણબીએ આવીને ઓતમચંદને સમાચાર આપ્યા:

‘દકુભાઈને સુવાણ નથી એટલે સૂતા છે. એણે કીધું છે કે મારી વાટ જોજો મા.’

પડખેના ઓરડામાં લાડકોરે આ વાક્ય સાંભળ્યું અને સગા ભાઈની આવી વિચિત્ર વર્તણૂક જાણીને એ મનમાં ને મનમાં સળગી રહી.

હવે લાડકોરને લાગ્યું કે પતિને સાચી હકીકતની જાણ કરવાની જરૂ૨ છે. જે વાત વહેલી કે મોડી છતી થયા વિના રહેવાની જ નથી એને હવે છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન શા માટે કરવો ? આમ વિચારીને લાડકોર બહાર ઓશરીમાં આવી ત્યાં તો મકનજી મુનીમે કહ્યું:

‘શેઠ તો ગયા દકુભાઈને ઘેર… પગમાં પગરખાં પહેરવાનુંય ભૂલી ગયા…’

લાડકોર મૂંગી મૂંગી સાંભળી રહી. મુનીમ વધારે મર્માળાં વાક્યો ઉચ્ચારતો રહ્યો:

‘પગરખાં તો ભુલાઈ જ જાય ને ! દકુભાઈ પથારીએ પડ્યા છે એમ સાંભળ્યા પછી શેઠનો જીવ કેમ હાથ રહે ?’

મુનીમ આ બધું દાઢમાંથી બોલે છે એ સમજતાં ચતુર લાડકોરને વા૨ ન લાગી. મુનીમ અને દકુભાઈ મૂળથી જ મળતિયા હતા એ હકીકત લાડકોર જાણતી હતી. અને આજે સવારે બની ગયેલ બનાવની પણ દકુભાઈએ મુનીમને જાણ કરી દીધી છે. દકુભાઈની ગેરહાજરીનું કારણ મુનીમની જાણ બહા૨ નથી જ, એ વાત લાડકોર પામી ગઈ.

અને સવારના પહોરમાં બનેલા એ અઘટિત બનાવ બદલ લાડકોર વ્યથા અનુભવી રહી. એનું વ્યથિત હૃદય પોતાના વર્તન બદલ થોડી વિમાસણ અનુભવી રહ્યું. આજના મંગલ પ્રસંગે આવો અઘટિત બનાવ ન બન્યો હોત, પોતે ભોજાઈ સમક્ષ જે આકરાં વેણ બોલી નાખ્યાં એ ન બોલાયાં હોત તો સારું હતું એમ લાંબો વિચાર કરતાં લાડકોરને લાગ્યું.

પણ હવે શું થાય ? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય. છૂટેલાં વેણે પણ જે હોનારત સર્જાવાની હતી એ તો સર્જી નાખી હતી, હવે તો એના પ્રત્યાઘાતો જ ભોગવવાના રહ્યા હતા.