વેળા વેળાની છાંયડી/વિપદ પડે પણ વણસે નહીં

← આ તો મારા જેઠ ! વેળા વેળાની છાંયડી
વિપદ પડે પણ વણસે નહીં
ચુનીલાલ મડિયા
મારો દકુભાઈ ! →





૧૮

વિપદ પડે પણ વણસે નહીં
 


ઓતમચંદ વધારે સ્વસ્થ થઈને એભલ તથા હીરબાઈ સાથે સુખદુઃખની વાતોએ વળગ્યો હતો ત્યાં જ બારણામાં ચંપા આવીને ઊભી રહી. એના એક હાથમાં થાળી હતી અને થાળી ઉપર સાડલાનો છેડો ઢાંક્યો હતો.

હીરબાઈએ જોયું કે ઓતમચંદની હાજરીમાં ચંપા અંદર પ્રવેશતાં અચકાય છે તેથી તેઓ પોતે જ ઊઠીને ઓસરીમાં ગયાં.

‘અરે ! ચંપા તો તમારે સારુ થાળી પીરસીને લઈ આવી છે !’ હીરબાઈ ઉત્સાહભેર મોટે અવાજે બોલી ઊઠ્યાં.

‘ધીમે, ધીમે, હીરીકાકી !’ ચંપાએ હળવે સાદે હીરબાઈને કહ્યું.

‘ઘેરેથી છાનીમાની આવી છું. કોઈને ખબર પડવા દેજો મા… ના, મહેમાનનેય નહીં, કોઈને કાને નહીં… ના, ના. ઘરમાં હોળી સળગેલી જ છે એમાં ઠાલું વધારે સળગશે…’

‘શું થયું છે ?’ હીરબાઈએ સચિંત અવાજે પૂછ્યું.

‘સંધીય વાત નિરાંતે સમજાવીશ.’ કહીને ચંપાએ મણ એકનો નિસાસો નાખ્યો:

‘મારાં અભાગણીનાં નસીબ જ વાંકાં છે. એમાં કોઈ શું કરે ?’

આટલા શબ્દો ૫૨થી તો હીરબાઈ ઘણું ઘણું સમજી ગયાં. સાંજે થયેલી વાતચીતનો તંતુ પણ તેઓ પકડી શક્યાં. તેઓ જોઈ શક્યાં કે ચંપાનું અંતર રડી રહ્યું છે. એ ક્રંદન મૂંગું હોવાને કારણે વધારે કરુણ લાગતું હતું.

‘મહેમાનને ડિલે હવે કેમ છે ?’ ચંપાએ પૂછ્યું.

‘માર ઠીકાઠીકનો લાગ્યો છે એટલે હાથેપગે હજી કળ વળી નથી. આખું અંગ તૂટે છે,’ હી૨બાઈએ કહ્યું: ‘ફરીથી ખરડ કરીને હાથપગ શેકવા પડશે.’ અને પછી સહેજ સંકોચ સાથે પૂછ્યું: નવરી હો તો આ છીપરડી ઉ૫ર ખરડ વાટી દઈશ ?’

‘હં… ક… ને, શું કામ નહીં વાટી દઉં ?’ ચંપાએ હરખભેર કહ્યું, ‘મારે ઘેર જઈને કઈ હૂંડી વટાવવાની છે ? લાવો, અબઘડીએ વાટી નાખું.’

ઓસરીમાંથી છીપરડી ઉ૫ર ચંપા ખરડનો ભૂકો વાટતી હતી ત્યારે ખાટલામાં બેઠો બેઠો ઓતમચંદ પોતાની સામે ધરાયેલ ભોજનથાળને ભાવપૂર્વક અવલોકી રહ્યો હતો. હીરબાઈએ આપેલા અહેવાલ ઉપરથી એ સમજી ગયો કે ચંપા ઘરનાં માણસોથી છૂપી રીતે આ ભોજનથાળ અહીં લાવી છે. પરિણામે આ અર્ધ્યનું મૂલ્ય ઓતમચંદને મન અનેકગણું વધી ગયું.

જમતાં જમતાં ઓતમચંદે વાઘણિયે જવાની વાત છેડી ત્યારે એભલે કહ્યું: ‘હજી હાલતાચાલતા થ્યા મોર્ય વાઘણિયે કેમ કરીને જાશો?’

‘હું મારે ધીમે ધીમે પૂગી જઈશ.’

‘ના… રે, એમ તો હું તમને ગાડે બેસારીને મૂકી જાઈશ.’ એભલે કહ્યું.

‘પણ હવે આમેય બે દી મોડા ને આમેય બે દી મોડા જાવ એમાં શું ખાટુંમોળું થઈ જાવાનું છે?

‘ઘેરે સહુ વાટ જોઈ રિયાં હશે—કાગને ડોળે વાટ જોવાતી હશે—’

‘કાલ સવારમાં જ ગાડાવાળા હારે વાઘણિયે વાવડ મોકલાવી દઉં કે શેઠની વાટ જોશો મા, બેચાર દી રઈને આવી પૂગશે—’

‘ના, ભાઈ, ના. વાઘણિયે કાંઈ વાવડ મોકલજો મા,’ ઓતમચંદ કહ્યું:

‘ઠાલાં સહુ ફિકરમાં પડી જાય. એ તો એની મેળે જાણશે કે વજે જોખવા ગયા છે એટલે બેચાર દી વહેલુંમોડું થઈ જાય.’

ઓતમચંદ ઘરનાં માણસોને પણ આ વિચિત્ર ઘટનાની જાણ કરવા માગતો નથી. એ જાણીને બહાર ઓસરીમાં બેઠેલી ચંપાને વધારે કૌતુક થયું. મનસુખમામા કહ્યા કરે છે એ ચો૨ીની વાત સાચી હશે ? દકુશેઠની ઓસરીમાંથી ઓતમચંદ જેઠ સાચે જ કોથળી ચોરી આવ્યા હશે ? પોતે મેંગણીમાં આવી પડ્યા એવી વાત ઘરમાં કોઈને ન કરવાના મારી પાસે સમ ખવરાવ્યા-વહાલામાં વહાલાના સમ ખવરાવ્યા–એની પાછળ શો ભેદ હશે ?

અને ‘વહાલામાં વહાલાના સમ’ શબ્દો યાદ આવતાં ચંપાનાં કલ્પનાચક્ષુ સામે પ્રિયતમ પાત્રની—નરોત્તમની—મૂર્તિ રમી રહી. અત્યારે ક્યાં હશે એ ? કેવી સ્થિતિમાં હશે ? સુખમાં હશે કે દુઃખમાં ? હું એની યાદમાં રાતોની રાતો ઉજાગરા કરીને જીવ બાળ્યા કરું છું, પણ એ મને આવી રીતે યાદ કરતા હશે ખરા ?

ઘેરથી કોઈને જાણ કર્યા વિના છૂપી છૂપી ભોજનથાળ લઈ આવેલી ચંપા અંગે ઓતમચંદ વિચારતો હતો: ‘આવા ગુણ ને આવી ગરવાઈવાળી ગૃહલક્ષ્મી મારું આંગણું ઉજાળશે ? નરોત્તમના ભાગ્યમાં આવી જોગમાયા સમાશે ?’

ભોજન પૂરું થયા પછી હીરબાઈએ ઓતમચંદને કહ્યું:

‘ભાઈ, તમને ફરીથી સારીપટ ખરડ કરી દઉં, એટલે સવાર પડતાં ડિલ હળવું થઈ જાય—’

આટલા ટૂંકા પરિચયમાં હીરબાઈએ આ આગંતુકને ‘ભાઈ’ જેવા આત્મીયતાભર્યા શબ્દ વડે સંબોધવાનું શરૂ કરી દીધું હતું.

‘બેન, તમને તો મેં દાખડામાં નાંખી દીધાં !’ ઓતમચંદે પણ એટલી જ આત્મીયતાથી હીરબાઈને જવાબ આપ્યો.

‘એમાં દાખડો શેનો, ભાઈ ? માણસનું કામ માણસ નહીં કરે તો બીજું કોણ કરશે? માણસને માણસ ખપમાં આવે.’

ચંપા ચોસરીમાં બેઠી બેઠી કુતૂહલથી આ ‘ભાઈબહેન’નો સંવાદ સાંભળતી હતી.

‘તમે તો મને નવી જિંદગી દીધી, બેન ! ખળખળિયાને કાંઠે પડ્યો રહ્યો હોત તો દીપડે સાચે જ ફાડી ખાધો હોત.’

‘જિંંદગી દેનારો તો ઉપર બેઠો છે—હજાર હાથવાળો. એની પાસે આપણું શું ગજું ?’

‘તમારા આ ઉપકારનું સાટું તો મારાથી કેમ કરીને વળશે !’

‘એમાં વળી ઉપકાર શેનો, ભાઈ ! માણસ માણસને ખપમાં નહીં આવે તો કોને આવશે ?’ હીરબાઈએ ફરી સાવ સાદું સત્ય ઉચ્ચાર્યું.

‘પણ હું તમને કે’દી ખપમાં આવીશ ?’

‘તમારે ટાણે તમેય આવશો. માણસ ઊઠીને માણસનું કામ કરે, એ કોઈ દી અબાર ન જાય, સમજ્યા ને ભાઈ !’

‘પણ ક્યાં પડ્યું વાઘણિયું ને ક્યાં પડ્યું મેંગણી !’ ઓતમચંદે કહ્યું: ‘આપણા તો ફરી પાછા કે’દી ભેટા થવાના !’

‘સાચી મમતા હશે તો ઘણીય વાર ભેટો થાશે, ભાઈ ! હીરબાઈ બોલ્યાં, ‘સાચી હેત-પ્રીત હોય તો હજાર ગાઉથી માણસના મોં-મેળ થાય.’

યજમાનોના નિર્વ્યાજ લાગણીપૂરમાં ઓતમચંદ અવાક બનીને નાહી રહ્યો.

થોડી વારે હીરબાઈએ કહ્યું: ‘મારે સંધીય વાતનું સુખ છે, પણ એક વાતનું મનમાં દુઃખ રિયા કરતું’તું—’

‘શી વાતનું બેન ?’

‘મારે પિયરિયાંમાં કોઈ નથી. પિયરના નામની દશ્ય દેવાઈ ગઈ છે. મારે માનો જણ્યો ભાઈ નથી એટલે તમને જ આજથી ધરમના ભાઈ ગણું છું—’

‘ભલે બેન, ખુશીથી ગણો તમતમારે,’ ઓતમચંદે લાગણીશીલ અવાજે કહ્યું.

આટલી વાતચીત પછી હીરબાઈ પણ લાગણીશીલ બની ગયાં હતાં, થોડી વારે એમણે કહ્યું:

‘મારે એક ભાઈ હતો—જુવાનજોધ. પણ પરારની સાલ મરકી આવી એમાં પાછો થયો. એના મોઢાનો અણસાર બરોબર તમારા જેવો હતો. તમને જોઉં છું ને ઈ યાદ આવી જાય છે. એટલે હું તમને મારા ધરમના ભાઈ ગણીને થાપું છું—’

‘ભલે બેન, ઘણી જ ખુશીથી—’

હવે એભલ બોલ્યો:

‘તમે આમ ઓચિંતા અમારે આંગણે આવ્યા તેમાં ઉપરવાળાની કાંઈક ગણતરી જ હશે. માણસ માણસના મેળાપ કાંઈ અમથા નથી થતા—’

‘ભગવાને જ તમને મોકલ્યા હશે, ભાઈ ! મારા જેવી ન-ભાઈને ધરમનો ભાઈ જડી રિયે એટલા સારુ—’ હીરબાઈ બોલ્યાં.

‘ઈશ્વરની લીલા તો અકળ છે, બેન ! એમણે મને જીવતો રાખવો હશે તે તમારો ભેટો કરાવી દીધો,’ ઓતમચંદે આભારવશ અવાજે કહ્યું:

‘નહીંતર આવી કાળી રાતે ખળખળિયાને કાંઠે ભેંકાર જગ્યામાં પડ્યો હોત તો કોને ખબર છે મારું શું થયું હોત ! તમારો તો જનમ જનમ ઓશિયાળો રહીશ. તમારો તો જેટલો પાડ માનું એટલો ઓછો જ ગણાય.’

‘પાડ માનો પરમેશ્વરનો, ભાઈ !’ હીરબાઈએ કહ્યું, ‘સંધ્ય કરતો કારવતો તો ઉપરવાળો કિરતાર છે. એના હુકમ વિના ઝાડનું પાંદડુંય નથી હાલતું. આપણી કાળા માથાના માનવીની શી મજાલ છે ! આપણે તો ઠાલાં એંકાર કરીએ છીએ કે આ મેં કર્યું, મેં કર્યું…’

‘હીરીકાકી !’ બહારથી ધીમો અવાજ આવતાં હીરબાઈ ઊઠ્યાં ને ઓસરીમાં ગયાં.

ચંપાએ છી૫રડી ૫૨ ખરડ વાટીને તૈયાર કરી નાખ્યો હતો.

‘હવે હું જાઉં ?’ કહીને ચંપાએ ઘેર જવાની રજા માગી: મારે મોડું થાશે તો બા વઢશે.’

‘ખુશીથી જા, દીકરી ! કોઈ વઢે એવું ન કરવું.’ હીરબાઈએ રજા આપી.

‘કાંઈ કામકાજ હોય તો બીજલ હારે કેવરાવજો,’ ચંપાએ જતાં જતાં કહ્યું, ‘સવારમાં વહેલી આંટો આવી જઈશ.’

મોડું થયું હોવાથી ચંપા ઝડપભેર ઘ૨ ત૨ફ ઊપડી. પોતે કોઈને કશું કહ્યા વિના આવી હતી તેથી ઘેરથી ઠપકો મળશે એવો એને અંદેશો હતો.

રાતે કામકાજમાંથી પરવાર્યા પછી ઓસરીમાં મોઢિયો દીવો મેલીને આહી૨ દંપતી ફરી પાછાં અતિથિ સાથે વાતોએ વળગ્યાં હતાં. નાનકડો બીજલ વાડાના વિશાળ ફળિયામાં રમી રહ્યો હતો. ઘડીક વાર એ વાંસળી વગાડતો હતો, ઘડીક એ કાષ્ઠઘોડા ઉપર સવારી કરતો હતો.

ઓતમચંદ કોઈક વિચિત્ર કુતૂહલથી બીજલનાં આ ઘરગથ્થુ રમકડાં અવલોકી રહ્યો હતો. થોડી વારે એણે છોકરાને પોતાની પાસે બોલાવ્યો:

‘બીજલ !’

પણ પાવો વગાડવામાં મશગૂલ બીજલે આ અવાજ જાણે કે સાંભળ્યો જ નહીં તેથી ઓતમચંદે ફરી વાર પ્રેમભર્યા અવાજે હાક મારી:

‘બીજલ !’

છતાં બીજલ ન આવ્યો ત્યારે હીરબાઈએ મોટે અવાજે હાકલ કરીને પુત્રને પાવો વગાડતો અટકાવ્યો ને કહ્યું:

‘બેટા બીજલ, મામા બરકે છે. અહીં ઓરો આવ્ય !’

હીરબાઈએ ‘મામા’ શબ્દ એવો તો ભારપૂર્વક ઉચ્ચાર્યો હતો કે એ સાંભળીને ઓતમચંદ ધન્યતા અનુભવી રહ્યો. એણે બીજલને જાણે કે સગો ભાણેજ સમજીને પ્રેમપૂર્વક ખોળામાં બેસાડ્યો. માથા પર વહાલસોયો હાથ ફેરવતાં પૂછ્યું:

‘બીજલ, મને તારાં રમકડાં બતાવીશ, બેટા ?’

‘ના, નહીં બતાવું,’ બીજલે કહ્યું.

‘મામાને ના કહેવાય, બેટા ?’ આ વખતે એભલે પણ મહેમાન માટે ‘મામા’ શબ્દ વાપર્યો.

‘મને જોવા તો દે, તારાં રમકડાં !’ ઓતમચંદે બીજલને ફોસલાવવા માંડ્યો.

પણ પોતાનો અમૂલ્ય ભંડાર લૂંટાઈ જશે એવી બીકથી બીજલ વધારે ને વધારે મક્કમ બનતો ગયો.

આખરે મહેમાને તેમજ માબાપે અનેક લાલચો આપી ત્યારે જ આ બાળક પોતાનાં રમકડાંનો ખજાનો બતાવવા તૈયાર થયો.

કોઠલામાં ભરી રાખેલાં જાત જાતનાં ને ભાત ભાતનાં રમકડાં જોઈને ઓતમચંદ પ્રસન્ન થયો. આ આખી પ્રવૃત્તિ પાછળ એનો વ્યૂહ તો એવો હતો કે પોતાના પુત્ર બટુક માટે બેચાર સારાં રમકડાં લઈ જવાં, વાઘણિયે જતાં ઘરના ઉંબરામાં પગ મેલતાં જ બટુક તરફથી જે માગણી થવાની હતી એ પૂરી પાડવા ઓતમચંદ અત્યારથી જ પ્રયત્ન કરી રહ્યો હતો.

‘બીજલ, અમારે ઘેર તારા જેવો જ એક ભાઈ છે. એનું નામ બટુક.’

‘ભગવાન એને સો વરસનો કરે !’ હીરબાઈએ આશીર્વાદ ઉચ્ચાર્યા.

‘બટુક સારુ તારાં એકાદબે રમકડાં આપીશ મને ?’ બીજલને સારી પેઠે હુલાવી-ફુલાવીને ઓતમચંદે પૂછ્યું.

તુરત બીજલે વિરોધમાં ચીસ પાડી — જાણે કે પોતાનો અમૂલ્ય ભંડાર આ ઘડીએ જ લૂંટાઈ જતો હોય એમ સમજીને ફૂટપાથ ૫૨ પથારો કરી બેઠેલો ફેરિયો પોલીસના આગમનના સમાચાર સાંભળીને સંકેલો કરવા માંડે એમ બીજલ પણ પોતાનો અસબાબ પાછો કોઠલામાં ભરવા માંડ્યો પણ હીરબાઈએ એને અટકાવ્યો.

‘મામાના દીકરાને સારુ રમકડાં આપવાની ના પડાય, બેટા ?’

ઓતમચંદે કહ્યું:

‘તું બટુક સારુ પાવો આપીશ તો બટુક પણ તને હાથી મોકલશે.’

આ જાતનો બદલાનો સોદો બીજલને ગળે ઊતર્યો ખરો. દૂર દૂરના ગામમાં વસતા એક અણદીઠ ને અજાણ્યા ભાઈબંધ માટે એણે એક પાવો ફાજલ પાડ્યો ખરો.

પછી તો પુત્રની આ ઉદારતાનો વધારે લાભ લેવા હીરબાઈએ બીજલને ખૂબ ફોસલાવ્યો, પટાવ્યો, ને બીજાં પણ ચાર-પાંચ રમકડાં બટુક માટે કઢાવી આપ્યાં.

‘તને પણ હું ઢગલોએક રમકડાં મોકલીશ, હો બેટા !’ ઓતમચંદે આનંદપૂર્વક બીજલને ખાતરી આપી.

આ પ્રસંગ ઉપરથી હીરબાઈએ મહેમાનના ઘરસંસાર વિશે પૃચ્છા શરૂ કરી અને થોડી વારમાં તો બંને કુટુંબો વચ્ચે જાણે જૂનીપુરાણી ઓળખાણ હોય એટલી આત્મીયતા એમની વચ્ચે કેળવાઈ ગઈ.

આ આત્મીયતાથી પ્રેરાઈને જ હીરબાઈ બોલ્યાં: ‘ભાઈ. એક વાત કરું ?’

‘કરોની, બેન’

‘પોર સાલ અખાતરીજે આ બીજલનાં લગન થાશે—’

‘આવડા છોકરાનાં વળી લગન થાશે ?’

‘બીજલ તો બહુ મોટો થઈ ગયો છે. અમારે આયરમાં તો ઘોડિયે લગન થાય ને કાંખમાં બેહીને વરકન્યા ચોરીએ ચડે,’ હીરબાઈએ કહ્યું, ‘આ તો મારો ભાઈ પાછો થયો એનો શોક આવી પડ્યો, એમાં બીજલનાં લગન આઘાં ઠેલાતાં ગયાં. પણ હવે આવતી સાલ તો એને ઘોડે ચડાવવો જ પડશે.’

‘બહુ રાજી થવા જેવું, બેન !’

‘એવો મોઢાનો રાજીપો મારે ન જોઈએ,’ હીરબાઈએ જરા લાડભર્યા અવાજે કહ્યું, ‘તમે પંડ્યે લગનને અવસરે આવી પૂગો તો સાચો રાજીપો સમજું—ને તો જ તમને સાચા ભાઈ ગણું—’

‘ખુશીથી આવી પૂગીશ, બેન !’

‘સાચોસાચ ?’

‘હા…’

‘ને મારી ભુજાઈને તેડીને ?’

‘તમારી ભુજાઈનેય ભેગી તેડતો આવીશ. પછી છે કાંઈ ?’ ઓતમચંદે ઉમંગભેર વચન આપ્યું.

હવે હીરબાઈએ હિંમત કરીને છેલ્લી માંગણી મૂકી દીધી:

‘ને ભેગાભેગું બીજલના લગનનું મામેરુંયે લેતા આવશો ને ?’

મામેરંય ભેગું લેતો આવીશ,’ ઓતમચંદે ખાતરી આપી. ‘તમને મેં ધરમની બેન ગણ્યાં પછી ભાણિયાના લગનનું મામેરું તો વગર કીધે કરવું જ પડે ને !’

હીરબાઈના હરખનો પાર ન રહ્યો. બીજલના મામેરાનો ખ્યાલ આમ વાત વાતમાં વાસ્તવિક બની જશે એની તો એમને કલ્પના પણ નહોતી. આનંદાવેશમાં અરધાં અરધાં થઈને એમણે કહ્યું:

‘એક લીલું નાળિયેર ને ચૂંદડી લઈ આવીને ઊભા રહેશો ને, તોય હું જાણીશ કે મારો ભાઈ મામેરું કરવા આવ્યો.’

‘ફિરક કરો મા, બેન ! તમે મને નવી જિંદગાની આપી, તો હું ગરીબ માણસ ગજાસંપત ૫રમાણે મામેરું નહીં કરું ?’

‘જીવતા રિયો, મારા વીર !’ બહેને આંતરડીના આશીર્વાદ આપ્યા. ‘તમને ગોઠણ સમાણી જાર થાય… …ભગવાન તમારી આડીવાડી વધારે ને સંધીય વાતે સુખી કરે.’

આ હેતાળ ગૃહજીવનમાં ઓતમચંદને જે હૂંફ અનુભવવા મળી એને પરિણામે એની શારીરિક વેદના જાણે કે વિસારે પડી ગઈ.

રાતે મોડે મોડે સુધી સહુ સુખદુઃખની વાતો કરતાં રહ્યાં.

એભલ બજારમાં જઈને, વહેલી સવારે કપાસ ભરીને સ્ટેશને જનાર એક ગાડાવાળા સાથે વાતચીત કરી આવેલો ને એ ગાડામાં મહેમાનને અમરગઢ સ્ટેશન સુધી પહોંચાડવાનો બંદોબસ્ત પણ કરી આવેલો. એ અનુસાર, મોડે મોડે સૂતેલા ઓતમચંદે માંડ એકાદ ઊંઘ ખેંચી હશે ત્યાં ગાડીવાને શેરીમાંથી સાદ કર્યો:

‘એભલભાઈ, મહેમાનને સાબદા કરજો ! હું અબઘડી માલ ભરીને આવું છું.’

હીરબાઈએ ઝટપટ મહેમાનને દાતણપાણી કરાવ્યાં, શીંકેથી દહીંનું દોણું ઉતાર્યું, કોઠલામાંથી રોટલા કાઢ્યા.

ઓતમચંદને શિરામણ પીરસીને હીરબાઈ ઓસરીમાં આવ્યાં ત્યાં તો ડેલીના ઉંબરામાં, ઉષાની તાજગી ઝીલીને પ્રફુલ્લદલ બનેલ ચંપકફૂલ સમી ચંપા હાથમાં દૂધનો કળશો લઈને ઊભી હતી.

હીરબાઈને નવાઈ લાગી. પૂછ્યું:

‘આજ તો અટાણના પહોરમાં ?’

‘દૂધ લેવા આવી છું—’ ચંપાએ કહ્યું.

‘પણ હજી તો મેં ઢોર દોયાં નથી—’

‘તો બેસો ઝટ દોવા,’ ચંપાએ હુકમ ફરમાવ્યો.

‘કેમ ભલા, કાંઈ લગન આવ્યાં છે તી આટલી ઉતાવળ કરે છે ?’

‘લગન તો આવશે જેનાં આવવાનાં હશે એનાં,’ ચંપાએ કહ્યું. ‘પણ આજે તો મનસુખમામા રાજકોટ જાય છે એટલે આટલી વહેલી દૂધ લેવા આવી છું.’

‘પણ ગામગામતરે જાવા ટાણે દૂધ ન પિવાય એટલી તારામાં અક્કલ છે કે નહીં ?’ હીરબાઈએ કડક અવાજે કહ્યું, ‘દૂધ તો અપશકન—’

‘પણ મામા દૂધ નથી પીતા: ચા પીએ છે.’

‘શું બોલી ? શું પીએ છે ?’

‘ચા… ચા…’ ચંપાએ કહ્યું. ‘શહેરમાં હમણાં નવી ભાત્યનું પીણું આવ્યું છે—મામા તો સાહેબલોકની પેઢીમાં કામ કરે છે ને, એટલે ચા પીએ છે.’

આ નૂતન પીણા અંગે સાવ અનભિજ્ઞ એવાં હીરબાઈ તો આ વિચિત્ર નામ સાંભળીને ગમ ખાઈ ગયાં. થોડી વાર મૂંગાં મૂંગાં વિમાસણ અનુભવી રહ્યાં. પછી પૂછ્યું:

‘ચા પીવામાં કાંઈ ધરમનો બાધ નહીં આવતો હોય ને ?’

‘ના રે ના !’ ચંપા ફરી હસી પડી. ‘મામા તો પાણીની જેમ ચા પીએ છે. શહેરમાં તો હવે સહુ શેઠિયાને ઘે૨ શિરામણને બદલે ચા-પાણી જ પિવાય છે.’

‘તું જાણે બાઈ ! બાકી ગામપરગામ પરિયાણ ક૨વા ટાણે દૂધ તો અપશુકન ગણાય —’

‘પણ મામા તો ગામડાંમાં ક્યાં રહે છે ? શહેરના માણસને શકન-અપશકન નડે જ નહીં.’

‘તો ઊભી રહે થોડીક વાર,’ હીરબાઈએ કહ્યું, ‘પહેલાં પરથમ અમારા મહેમાનને ગાડે બેસાડવા દે. પછી તારા મહેમાન સારુ દૂધ ભરી દઈશ.’ અને પછી વધારે સ્પષ્ટતા ખાતર ઉમેર્યું: ‘તારા જેઠ આજે વાઘણિયે જાય છે… સમજી ?’

ઓતમચંદ વિશેનો ઉલ્લેખ સાંભળીને આજે પહેલી જ વાર ચંપાનું મોઢું પડી ગયું. ‘તારા જેઠ’ શબ્દોએ આ યુવતીના સંતપ્ત હૃદયમાં વધારે વેદના જગાડી. આગલી રાતે જ ઘરમાં લાંબી લાંબી વિચારણાઓને અંતે લેવાઈ ગયેલો નિર્ણય યાદ આવતાં ચંપા પોતાના મનમાં ને મનમાં પ્રશ્ન પૂછી રહી:

‘હવે એ મારા જેઠ ગણાય ખરા ?’

લોકવહેવારે તો હવે ચંપાને આ અતિથિ સાથે કશી સગાઈ નહોતી. પણ પ્રેમસગાઈ એમ સહેલાઈથી થોડી તૂટી શકે એમ હતી ? આગલી રાતે એભલે ગાડાનો બંદોબસ્ત કરેલો એ વાત ચકોર ચંપાની જાણ બહા૨ ૨હી શકી નહોતી. તેથી જ તો, એ પ્રેમસગાઈથી પ્રેરાઈને, વડીલની વિદાય પ્રસંગે એ અમસ્તું દૂધ લેવાનું બહાનું કાઢીને વહેલી વહેલી અહીં આવી પહોંચી હતી ને !

‘શું વિચારમાં પડી ગઈ, ગગી ?’ હીરબાઈએ લાડપૂર્વક પૂછ્યું.

‘કાંઈ નહીં, કાંઈ નહીં' કહીને ચંપાએ આદત મુજબ વાત રોળીટોળી નાખી.

‘મારાથી કાંઈક છાનું રાખ છ એમ લાગે છે,’ હીરબાઈ સમજી ગયાં.

‘ના, ના, કાકી, તમારાથી મેં કાંઈ છાનું રાખ્યું છે ?’

ચંપા બોલતી હતી ત્યાં ઓતમચંદ બહાર ઓસરીમાં આવી પહોંચ્યો તેથી એ શરમાળ યુવતી માથા ૫૨થી સાડલાનો છેડો કપાળ પર ઓરો ખેંચીને બાજુમાં ખસી ગઈ.

એ મૂંગા અભિનય ૫રાથી તો ઓતમચંદ ઘણું ઘણું સમજી ગયો.

શેરીમાં ગાડું આવી પહોંચ્યાનો ખડખડાટ થયો ને સાદ પણ સંભળાયો:

‘એભલભાઈ, હાલો ઝટ !’

ઓતમચંદે ચોપભેર તૈયારી કરવા માંડી.

હી૨બાઈએ ગોળપાપડીનું ભાતું એક ડબલામાં ભરીને ભેગું બંધાવ્યું.

આછા ઘૂંઘટમાંથી ચંપા આ બધી ક્રિયાઓ ચકોર નજરે અવલોકી રહી હતી. એના અંતરની વેદનાથી ઓતમચંદ અજાણ નહોતો—બલકે, એનું સમદુઃખી હૃદય આ યુવતીની અંતરવ્યથાની અનુભૂતિ કરી રહ્યું હતું. બંને જણ મૂંગાં હતાં–એકે મૂંગી વિદાય લેવાની હતી, બીજાએ મૂંગી વિદાય દેવાની હતી.

ભારે હૃદયે ને ભારે પગલે ઓતમચંદે ડેલીની દિશામાં ડગ માંડ્યાં ત્યારે ચંપાએ અજબ હિંમત કરીને ઘૂમટાભેર ગોઠણભર થઈને વિદાય થતા વડીલને વંદન કર્યાં.

આ દૃશ્ય જોઈને ઓતમચંદનાં ડગ થંભી ગયાં. મિશ્ર લાગણીઓ અનુભવી રહેલું એનું હૃદય એવું તો હલમલી ઊઠ્યું કે કયા શબ્દોમાં આશીર્વચન ઉચ્ચારવાં એ પણ એને ન સૂઝ્યું. આખરે ગદ્‌ગદિત અવાજે એટલું જ બોલ્યો:

‘સુખી થાજે, દીકરી !’

આશીર્વચનમાં રહેલો સહૃદય સચ્ચાઈનો રણકો સાંભળીને ચંપાએ કૃતાર્થતા અનુભવી. ઊભી થઈને એણે હીરબાઈને કહ્યું:

‘હીરીકાકી, જેઠજીને કિયો કે ચંપાનાં અન્નજળ તમારે ખોરડે જ લખ્યાં છે—’

પોતાના અંતરના અવાજને કોઈ પારકી જીભે અક્ષરશઃ વાચા મળે ત્યારે માણસ જે આશ્ચર્ય અનુભવી રહે એવું જ આશ્ચર્ય ઓતમચંદે અનુભવ્યું. આભારવશ અવાજે બોલ્યો:

‘જેવા લખ્યા લેખ… ને જેવી લેણાદેણી, દીકરી !… બાકી અટાણે તો અમારા ખોરડા ઉપર આકરી વેળા પડી છે—’

‘પણ હીરીકાકી, તમતમારે કઈ દિયો કે મારા નસીબમાં તો વાઘણિયાનું એક જ ખોરડું લખ્યું છે—’

‘મનેય એમ જ લાગે છે દીકરી !—મારી માંયલો પણ એમ જ કીધા કરે છે કે આમાં બીજો મીનમેખ નહીં થાય…’

‘નહીં જ થાય—’ ચંપા હજી પણ લાજના ઘૂમટામાંથી હિંમતભેર બોલતી જતી હતી.

‘રંગ છે બેટા !’ ઓતમચંદ પણ હવે પુલકિત સ્વરે બોલી ઊઠ્યોઃ

‘વેળા તો વાદળાંની જેમ આવે ને જાય. એના કાંઈ વસવસા ન હોય. વિપદ પડ્યેય વણસે નહીં એનું નામ માણસ.’

અને પછી, જતાં જતાં ધન્યતા અનુભવી રહેલ ઓતમચંદ છેલ્લું વાક્ય ઉચ્ચારતો ગયો:

‘તારા જેવી લખમી અમારા રાંક ઘરનું આંગણું અજવાળશે—’

શ્વશુરગૃહના શિરછત્ર સમા વડીલને આ રીતે મનોમન કોલ આપીને ચંપા ધન્યતા અનુભવી રહી.

ગાડામાં બેસતી વેળા ઓતમચંદ પણ આ ત્રણ-ચાર દિવસની મંત્રણાઓના આવા સુમધુર સમાપનથી જાણે કે સઘળી મનોવેદનાઓ વીસરી ગયો. આ શ્રદ્ધાળુ જીવ શાશ્વત ‘શુભ’માં અચળ આસ્થા મૂકીને અમરગઢના મારગે આગળ વધ્યો.