વેળા વેળાની છાંયડી/હું તો વાત કહું સાચી

← જીવનરંગ વેળા વેળાની છાંયડી
હું તો વાત કહું સાચી
ચુનીલાલ મડિયા
ભાભીનો દિયર →





૧૧

હું તો વાત કહું સાચી
 

‘ઓતમચંદ એ જ લાગનો હતો… હાથે કરીને હેરાન થયો.’

વાઘણિયેથી પાછા ફર્યા બાદ કપૂરશેઠના પ્રત્યાઘાતો આવું વલણ પકડી રહ્યા હતા.

‘આગળપાછળનો જરાય વિચાર કર્યો નહીં ને હાથે કરીને પાયમાલ થયો.’

‘કેટલોય સમજાવ્યો કે જમાનો બારીક આવતો જાય છે. ખાધાંજોગું થોડુંક સગેવગે કરી દિયો, પણ છેવટની ઘડી લગી સમજ્યો નહીંં ને અંતે સંધુંય ખોઈ બેઠો.’

પિતાના શ્રીમુખેથી વારંવાર ઉચ્ચાર પામતા આવા આઘાત-પ્રત્યાઘાતો ચંપા મૂંગી મૂંગી સાંભળ્યા કરતી હતી.

‘એમાં આપણે શું કરીએ ? આપણે તો સગાં સમજીને એને રસ્તો દેખાડવા ગયા. પણ ઓતમચંદને તો પોતાની પાછળના શું ખાશે એની પડી જ નહોતી. એને તો પોતાનું નાક રાખવું હતું ને !’

‘ઓતમચંદ તો સતવાદી થાવા ગયો ! એને તો આ કળજુગમાં રાજા હરિશ્ચંદ્ર થાવું છે ! તો ભલે થાતો હરિશ્ચંદ્રથી સવાયો ! ને ભલે સગા દીકરાને અને નાના ભાઈને શકોરું લઈને ભીખ માગવી પડે !’

કપૂરશેઠ દાઝે બળ્યા આવાં વાક્યો ઉચ્ચારતા હતા અને ચંપાને એના શબ્દે શબ્દે અંતરદાહ ઊઠતો હતો. પોતાના સસરાપક્ષ ૫૨ શી આસમાન સલતાની વીતી ગઈ એનો ચંપાને હજી પૂરેપૂરો ખ્યાલ આવી શક્યો નહોતો. કપૂરશેઠે ક્રોધાવેશમાં ઉચ્ચારેલી છૂટીછવાયી વક્રોક્તિઓ ૫૨થી એ એટલું જાણી શકી હતી કે ઓતમચંદે આ આપત્તિમાં અપ્રામાણિકતા આચરવાનો ઇન્કાર કર્યો હતો. સગાંવહાલાંઓની આર્થિક સહાય સ્વીકારવાની પણ એણે ઘસીને ના પાડી હતી. ઓતમચંદના આવા અક્કડ વલણથી કપૂરશેઠ ઉશ્કેરાઈ ગયા હતા પણ ચંપાના અંતરમાં તો પોતાના શ્વશુ૨૫ક્ષ પ્રત્યે ઊંડો આદર જ ઉત્પન્ન થયો હતો.

દિવસો જતા ગયા તેમ કપૂરશેઠની અસ્વસ્થતા વધતી ગઈ. અસ્વસ્થતાનું કારણ એ હતું કે ચંપાનું વેવિશાળ કર્યાને આટલા મહિના થઈ ગયા છતાં વેવાઈઓ ત૨ફથી કપડાં-દાગીના આવ્યાં નહોતાં. આ અસ્વસ્થતા સાથે એમનો ઉશ્કેરાટ પણ વધતો ચાલ્યો.

‘હવે એ ભિખારચોટ્ટો શું દાગીના ઘડાવવાનો હતો ! ઘ૨માં ચંપાના સમુરતાનો પ્રશ્ન ચર્ચાય ત્યારે કપૂરશેઠ ઉશ્કેરાટ અનુભવીને આખી ચર્ચાનું ભરતવાક્ય ઉચ્ચારી નાખતા.

ચંપા છાને ખૂણે ઊભી ઊભી માતાપિતા વચ્ચેનો ખાનગી સંવાદ સાંભળતી.

‘હવે તો ગામ આખું પૂછ પૂછ કરે છે કે ચંપાનું સમુરતું કેમ નથી આવ્યું… ?’ સંતોકબા ફરિયાદ કરતાં.

‘અરે, હું તો બજાર વચ્ચે ઊંચું માથું લઈને ચાલી નથી શકતો.’ કપૂરશેઠ કહેતા. ‘મારા વાલીડા વેપારી પણ વાતમાં ને વાતમાં પૂછે છે: ‘કાં, વાઘણિયાવાળા વેવાઈના શું વાવડ છે ? સાકરચૂંદડી ચડાવવા કેદી આવે છે ?’

‘સહુ પૂછે તો ખરા જ ને !’

‘આમાં તો આપણી ને વેવાઈની બેયની આબરૂ ભેગી રહી. એટલે હું જેમતેમ ગોળ ગોળ જવાબ આપી દઉં, એમ એમ તો મારા દીકરાવ વધારે ને વધારે દાઢમાં બોલતા જાય: હમણાં સોનાનો ભાવ તેજ છે એટલે ઢાળિયો પડાવવા જતાં આપણો જ ઢાળિયો થઈ જાય એવું છે… સોનાની દુકાનનો ઉંબરો ચડવા જેવો આ સમો નથી… આવાં આવાં વેણ બોલી બોલીને સહુ ચેષ્ટારી કર્યા કરે છે…’

‘કરે જ તો, પા૨કી પંચાત કોને મીઠી ન લાગે ?’ વહેવા૨કુશળ સંતોકબા કહેતાં. ‘આપણે ધીરજ ધરવી સારી. વેવાઈ પણ એના વેતામાં જ હશે ને ? ત્રેવડ થાશે કે તરત આવી પૂગશે—’

‘પણ ત્રેવડ કે’દી થાશે ?’ કપૂરશેઠ તાડૂકી ઊઠતા. ‘આમ ને આમ આપણી છોક૨ીનો અવતાર પૂરો થઈ જાશે તે દી ? વરાવેલી કન્યા આટલા દી લગણ સાકરચૂંદડી વિનાની રહી હોય એવું સાંભળ્યું છે ક્યાંય દુનિયામાં ?’

આ તબક્કે ચંપાને વચ્ચે બોલવાનું મન થઈ આવતું કે, ‘બાપુજી, શા માટે ફિકર કરો છો ? મારે દાગીના-ઘરેણાં નથી જોઈતાં… સોનું પહેર્યા વિના હું શું ભૂંડી લાગું છું… પણ વડીલો સમક્ષ આવી વાત ઉચ્ચારવાની એ ગભરુ કન્યામાં હિંમત નહોતી તેથી એ મનમાં ને મનમાં સમસમી રહેતી.

દિવસે દિવસે ચંપાની માનસિક યંત્રણા વધવા લાગી. વડીલોનું વલણ વણસતું ગયું તેમ તેમ ચંપાને ભાવિ પણ વધારે ને વધારે અનિશ્ચિત લાગવા માંડ્યું. નરોત્તમ શું વિચારતો હશે ? એને પણ મારા જેવી જ મનોવેદના થતી હશે ?… પણ એના સમાચાર તો શી રીતે મળી શકે ?…

સમાચાર ! હમણાં હમણાં ચંપા ટપાલ આવવા સમયે રોજ આતુરતાપૂર્વક ડેલીનાં બારણાં ભણી તાકી રહેતી. અલબત્ત, નરોત્તમનો પત્ર આવવાની તો આશા જ નહોતી, છતાં કોણ જાણે કેમ એનું વ્યથિત હૃદય ટપાલને સમયે હંમેશાં પત્રની પ્રતીક્ષા કરવા માંડતું.

‘કાં ? કપૂરબાપા !…’

એક દિવસ બરોબર ટપાલને સમયે જ ડેલીનાં બારણામાં બૂમ પડતાં ચંપાએ રસોડામાંથી ડોક ઊંચી કરીને જાળિયામાંથી જોયું તો ટપાલીને બદલે એક રુક્ષ ચહેરાવાળો માણસ લઘરવઘર વેશે ઊભો હતો. ચંપા તો એને ઓળખી ન શકી પણ ત્યાં તો હિંડોળે હીંચકતા પિતાજીએ એને ‘આવો, આવો, મકનજીભાઈ’ કહીને આવકાર આપ્યો એ ઉપરથી સમજાયું કે આ તો વાઘણિયામાં જોયેલો એ ઓતમચંદ શેઠનો મુનીમ છે.

‘કેમ, કાંઈ ઓચિંતા જ આ તરફ ?’ મહેમાનને આસન આપ્યા પછી કપૂરશેઠે પૂછ્યું.

‘જાતો’તો ઈશ્વરિયે… દકુભાઈને ઘેર… કીધું કે કપૂરબાપાને જેજે કરતો જાઉં…’

‘ભલે, ભલે આવ્યા… તમારું જ ઘર છે…’ કહીને કપૂરશેઠે રસોડા ત૨ફ મોઢું ફેરવીને હુકમ છોડ્યો: ‘અરે સાંભળ્યું કે ? મકનજીભાઈ આવ્યા છે… પાટલા નાખજો…’ અને પછી મહેમાનને ભોજન માટે તૈયાર થવા સૂચવ્યું: ‘હાલો, ઊઠો, હાથમોઢું ધોઈ લો, સૂઝતા આહાર ઉપર જ તમે આવી પૂગ્યા છો.’

જમતાં જમતાં વાઘણિયાની વાત નીકળી. ઓતમચંદ ઉપર આવી પડેલી અણધારી આપત્તિ અંગે મકનજીએ સિફતપૂર્વક પોતાનો શોક વ્યક્ત કર્યો. કપૂરશેઠ આ નાજુક પ્રશ્ન છેડવા નહોતા માગતા, છતાં પોતાના વેવાઈ વિશે સાચી હકીકત જાણવાનું કુતૂહલ પણ રોકી શકતા નહોતા. એમણે હોશિયારીપૂર્વક આ વાત છેડી:

‘ઓતમચંદ શેઠને આટલો મોટો મા૨ કેમ કરતાં લાગી ગયો ?’

‘વધારે પડતો પથારો કરી બેઠા એનાં આ પરિણામ,’ મકનજીએ એક પછી એક કારણ રજૂ કરવા માંડ્યાં. ‘લાભ થાય એમ લોભ વધે. માણસ લખપતિ હોય તો કરોડપતિ થવાનું મન થાય. ઓતમચંદ શેઠને પણ અમે બહુ વાર્યા કે ભાઈ, ઝાઝો પથારો કરવો રહેવા દિયો, ઝાઝા વેપારમાં ઝાઝું જોખમ, પણ તૃષ્ણા એવી ચીજ છે કે માણસનું મન હાથ ન જ રહે…’

કપૂ૨શેઠ જે ખુલાસો સાંભળવા ઉત્સુક હતા એ વિશે તો મુનીમ એક હરફ પણ ઉચ્ચારતો નહોતો તેથી એમણે પોતે જ એ નાજુક પ્રશ્ન છેડ્યો:

‘આમાં દકુભાઈને કોઈ—’

‘અરે દકુભાઈ વળી એટલા નસીબદાર સમજો કે વેળાસર છૂટા થઈ ગયા. નહીંતર તો આમાં દકુભાઈને શકોરું લેવાનો વારો આવત…’

મકનજીની એક આંખ જમવાની થાળી ઉપર હતી, બીજી આંખ ઊના ઊના ફૂલકા પીરસી રહેલી જસી ઉપર હતી. એક જ બટકે ઉદરસ્થ થઈ જતા એ ઘીમાં તરબોળ ફૂલકાનાં વખાણ કરવાં કે સબ સબ ક૨ીને ચાલતી અને વીજ-ઝબકારા કરતી જસીનાં વખાણ કરવાં, એ મકનજીને માટે મહા વિકટ કોયડો થઈ પડેલો. ઉત્તરોત્તર વધારે ઝડપથી એ રોટલી પર હાથ મારી રહ્યો હતો અને પી૨સવા માટે હ૨ફર કરી રહેલી જસીને ઝીણી નજરે અવલોકી રહ્યો હતો. કોળિયે કોળિયે બિસ્મિલ્લાહ પોકા૨ના૨ની જેમ મકનજી પણ રોટલીને બટકે બટકે મનમાં ઝંખી રહ્યો હતો: આ બાઈનું ભાગ્ય દકુભાઈના બાલુ હારે જોડાય તો રંગ રહી જાય !

‘કેમ ધીમા પડવા, મકનજીભાઈ ?’ ફૂલકા ઝાપટવાની મુનીમની ઝડપ જરી ધીમી પડી હોવાનો વહેમ જતાં કપૂરશેઠે ટકોર કરી.

આ ટકોર થઈ ત્યારે જ મકનજીને ખ્યાલ આવ્યો કે પોતે જસી અને બાલુની જોડી જોડવાના ઘોડા ઘડી રહ્યો હતો એ દરમિયાન થાળી પર ઝાપટ બોલાવનાર એનો હાથ જરા ધીમો પડી ગયો હતો. પણ તુરત એણે બમણી ઝડપ કરીને, થાળીમાં એકઠી થઈ ગયેલી રોટલીનો જથ્થો સાફ કરી નાખ્યો.

આ દરમિયાન રસોડામાં ચંપાએ મુનીમના જઠરાગ્નિથી ચેતી જઈને રોટલીના લોટની કણક ફરી વાર બાંધી લીધી હતી અને સંતોકબા ઉંબરા ઉપર બેઠાં બેઠાં મહેમાનના મોઢા સામે ડોળા ફાડીને તાકી રહ્યાં હતાં.

જીભ જરાક નવરી થઈ કે તરત મકનજીએ કપૂરશેઠને મર્મભર્યો પ્રશ્ન પૂછ્યો: ‘બેનનાં લગન ઓણ ક૨શો કે પો૨ ?’

મુનીમના આવા મુત્સદ્દીગીરીભર્યા પ્રશ્નનો જવાબ આપવાનું કામ કપૂરશેઠ માટે કઠિન-અતિકઠિન-હતું.

વ્યવહારડાહ્યા કપૂરશેઠે મૂંગા રહેવાનું જ મુનાસિબ ગણ્યું.

સંતોકબાની આંખો મુનીમ તરફ વધારે રોષ ઠાલવતી રહી.

પણ મુનીમ આવી નાજુક વાતનો છેડો એમ સહેલાઈથી છોડે એમ નહોતો. પોતાના પ્રશ્નનો યેનકેન પ્રકારેણ ઉત્તર મેળવવા માટે એણે ઉસ્તાદ ધારાશાસ્ત્રીની અદાથી ઊલટતપાસ કરતો આડકતરો પ્રશ્ન ફેંક્યો: ‘વાઘણિયેથી લૂગડાં-દાગીના ચડાવી ગયા કે ?’

કપૂરશેઠ સમજી ગયા કે મુનીમ આ બધા પ્રશ્નો દાઢમાં પૂછી રહ્યો છે. તેથી, એમણે મિતાક્ષરી—કહો કે એકાક્ષરી—ઉત્તર જ આપી દીધો: ‘ના.’

‘બહુ મોડું કર્યું ઓતમચંદ શેઠે તો.’ મુનીમે વાત આગળ વધારી. ‘સમુરતું ચડાવવામાં આટલી ઢીલ થાતી સાંભળી છે ક્યાંય ? દાગીના ઘડાવવામાં શું દસ-બાર વરસ લાગતાં હશે ?’

કપૂરશેઠને લાગ્યું કે મારા અંતરની વાતને જ આ મુનીમ વાચા આપી રહ્યો છે. છતાં આ પારકા માણસ સાથે લોલમાં લોલ કરવાં કપૂરશેઠને ખાનદાની આડે આવતી હતી.

૨સોડામાં રોટલી વણી રહેલી ચંપા સ૨વા કાન કરીને ઓસરીમાં થતી વાતચીતો સાંભળી રહી હતી. પણ મકનજીએ હવે પ્રશ્નનું હાર્દ પકડ્યું હોવાથી એણે વાતની નાજુકાઈને કારણે પોતાની નૂક્તેચીનીનો સૂર જરા નીચો ઉતારી નાખ્યો હતો. પરિણામે ચંપાને કાને મુનીમનાં તૂટક તૂટક વાક્યો જ સંભળાતાં હતાં:

‘એ તલમાં હવે તેલ નથી… એટલામાં સમજી જાવ !… ઘ૨માં ખાવાનાં ધાંધિયાં છે એમાં ઘરેણાં ક્યાંથી ઘડાવશે ? લાડકોર શેઠાણીની ડોકમાંથી મંગળસૂતર સિક્કે ઉતારી લેવું પડ્યું છે, એ હવે સમુરતું કેમ કરીને ચડાવે ?… હતી તે દી સરગાપુરી જેવી સાહ્યબી હતી. હવે મોતીનાં પાણી ઊતરી ગયાં, એટલામાં સમજી જાવ !… દીકરી દઈને તમે તો ભારે ભાઠમાં પડી ગયા, શેઠ… ઘરણપાણીની જ વાત… નહીંતર ચંપા જેવી કન્યાને તો ફૂલફૂલિયા મુરતિયા જડી રહેતા… હવે તો બગડી બાજી સુધારી લેતાં આવડવું જોઈએ… હું તો વાત કહું સાચી… પેટનાં જણ્યાંનો ભવ બગડે એ માબાપથી દેખ્યું કેમ જાય ? હું તો વાત કહું સાચી… રસ્તો ?… રસ્તો તો ગોતીએ તો સૂઝી જાય… હજી તો સગપણ થયું છે… ક્યાં હથેવાળો થઈ ગયો છે ? ચાર ફેરા ફરી લીધા હોય તો વળી ફિકર… વેશવાળ તો હજી મોઢાની વાત ગણાય… ફ૨જંદનું હિત જોવું હોય તો વાત ફેરવી વાળવી પડે… હું તો વાત કહું સાચી… આબરૂ ?… આબરૂ બાબરૂ તો સંધુંય સમજ્યા હવે… આપણે તો આપણા સંતાનનો ભવ સુધારવો છે કે બગાડવો છે ?… ગામને મોઢે તો ગળણું ન બંધાય… બે દિવસ વાત કરીને પછી બધુંય ભૂલી જય… ધણીને સૂઝે ઢાંકણીમાં… હા, હું તો વાત કહું સાચી… નરોત્તમના નામનું માંડી વાળો… એ તલમાં હવે તેલ નથી… હું તો વાત કહું સાચી…’

કથરોટમાંની કણકમાંથી છેલ્લી રોટલી વણાઈ રહી ત્યાં સુધી ચંપાએ મુનીમની આ ‘સાચી વાતો’ સાંભળ્યા કરી. એની આંસુભીની આંખમાંથી જે છેલ્લે આંસુ ખર્યું એ પણ રોટલીમાં વણાઈ ગયું. એ રોટલી વડે મુનીમને ધ૨ાવ થયો અને ‘હવે બસ !’ કહ્યું ત્યારે જ ચંપાએ નિરાંત અનુભવી.

જમ્યા પછી મકનજીએ હિંડોળા ઉપર કપૂરશેઠની બાજુમાં બેઠક લીધી. ભોજન દરમિયાન એણે ચંપાનાં લગ્નનો અધ્યાય પૂરો કર્યો હતો તેથી હવે સૂડી-સોપારી આપવા આવેલી જસી સામે એ ટગર ટગર જોઈ રહ્યો. થોડી વાર પછી એણે મમરો મૂક્યો:

‘હવે આ નાનકડીને તો કોઈ સારું ઠેકાણું જોઈને વરાવજો—’

‘હવે કમાડની આડશે ઊભીને સરવા કાને વાતો સાંભળવાની વારો જસીનો હતો.’

‘તમારા ધ્યાનમાં કોઈ સારું ઠેકાણું હોય તો બતાવો—’ કપૂરશેઠે કહ્યું.

‘સારાં ઠેકાણાં ગોતવાનું મારા જેવા ગરીબ માણસનું ગજું શું ?’

‘તમે મલક આખામાં ફરો છો એટલે તમારા ધ્યાન બહાર કાંઇ હોય નહીં.’ કપૂરશેઠ વિવેકવાણી વાપરતા હતા.

હવે પછી મકનજીને શ્રીમુખેથી ખરનારા શબ્દો ઝીલવાની જસીની જિજ્ઞાસા વધી ગઈ. અને એક પછી એક શબ્દાવલિ સંભળાવી લાગી :

‘મારા ધ્યાનમાં તો દકભાઈનો દીકરો બાલુ છે… છોકરો ભારે હોશિયાર… કાંઈ કહેવાપણું નહીં. ગોતવા જાઈએ તો ન જડે એવું ઠેકાણું… ના રે ના, એ તો કોઈ હાંડલાફોડે ગપાટા હાંક્યો હશે… છોકરો પાંચે આંગળીએ ચોખો… કાંઈ કહેતાં કાંઈ કહેવાપણું ન નીકળે… હું કહું છું ને. ચાલચલગત સાવ ચોખી… તમને ભરમાવી દીધા લાગે છે શેઠ… હું તો વાત કહું સાચી. જેમ તમારી દીકરી એમ મારી પણ દીકરી જ છે… એનું અહિત થાય એવી વાત જ હું ન કરું… બાલુ જેવો છોકરો તો દીવો ગોતવા જાવ તોય ન જડે… કહેણ માને ન માને એનો એ તો દકુભાઈની મુનસફી ઉપર… એને ઘેર તો સવાર પડે સત્તરસો ઘરનાં માગાં આવે છે… હું તો વાત કહું સાચી… આપણાં નસીબ સવળાં હોય તો વળી કદાચ પાટો બાઝી જાય… કન્યાએ પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હોય તો આવું ઠેકાણું પામે. હું તો વાત કહું સાચી… દકુભાઈ હા પાડશે કે કેમ એ તો હું નથી કહી શકતો, પણ તમારો આગ્રહ છે તો હું એને કાને વેણ નાખીશ ખરો… હા, હા, જરૂર, જરૂર. હું મારાથી થશે એટલી ભલામણ કરીશ, એમાં વળી કહેવાપણું હોય?… શેઠ, તમારું અનાજ મારી દાઢમાં છે… સવળે શકને વાત કરીશ તો દકુભાઈ ના નહીં પાડે…’

મકનજીની વિદાય પછી અંદરના ઓરડામાં જસી-ચંપા સામસામાં મળી ગયા ત્યારે જસીની આંખમાંથી આનંદ ઊભરાતો હતો, ચંપાની આંખમાંથી આંસુ.