વેળા વેળાની છાંયડી/હું લાજી મરું છું

← મૂંગી વેદનાની મુસ્કરાહટ વેળા વેળાની છાંયડી
હું લાજી મરું છું
ચુનીલાલ મડિયા
પાણી પરખાઈ ગયું →





૨૨

હું લાજી મરું છું
 


રાજકોટ જંક્શનના પ્લૅટફૉર્મ ઉપર વૈશાખ મહિનાની લૂ વરસતી હતી. ઓતરાચીતરાનાં દનિયાં તપતાં હતાં અને બળબળતો વાયરો ફૂંકાતો હતો છતાં પ્લૅટફૉર્મ અત્યારે પ્રવાસીઓથી ભરચક થઈ ગયું હતું, કેમ કે મેઇલ ટ્રેનની રાહ જોવાતી હતી.

આટલા ઉતારુઓમાં રમકડાં ખરીદનાર કોઈ ઘરાક ન મળવાથી કીલો પોતાની રેંકડી પર કોઈ શહેનશાહની અદાથી પલાંઠી વાળીને બેઠો હતો. પાણીની પરબને છાંયડે પડેલી એ રેંકડીની બાજુમાં નરોત્તમ ઊભો હતો. દાવલશા ફકીર ભીંતને અઢેલીને પડ્યો હતો અને થોડી થોડી વારે પોતાના ઓલિયાઓને યાદ કરતો હતો. ભગલો ગાંડો એની આદત મુજબ, અહીંથી પસાર થનારા લોકો સાથે અસંબદ્ધ વાર્તાલાપ કરી રહ્યો હતો.

કીલા સાથે મીઠીબાઈનાં દર્શન કરી આવ્યા પછી અને કીલાએ પોતાનો ભેદી ભૂતકાળ થોડોઘણો ખુલ્લો કર્યા પછી નરોત્તમ એના પ્રત્યે વધારે આત્મીયતા અનુભવી રહ્યો હતો. કીલામાં નરોત્તમને જીવતરનો બળ્યોજળ્યો પણ હમદર્દ માણસ દેખાતો હતો અને એ હમદર્દીને કારણે એ હવે પહેલાં કરતાં વધારે હૂંફ અને નિકટતા અનુભવી રહ્યો હતો. માત્ર કીલો જ નહીં, હવે તો કીલાના આ નિત્યસંગાથીઓ—ફકીર અને ગાંડો— પણ નરોત્તમના નિકટના મિત્રો બની રહ્યા હતા.

‘મોટા, જરાય મૂંઝાતો નહીં,’ કીલો વારે વારે નરોત્તમને કહ્યા કરતો હતો.

હવે નરોત્તમની મૂંઝવણ પોતાના વિચ્છિન્ન વેવિશાળ વિશે નહોતી પણ અર્થપ્રાપ્તિ અંગેની હતી. વાઘણિયેથી અહીં આવ્યાને આટલા દિવસ થયા છતાં હજી ક્યાંય નોકરીધંધો મળતાં નહોતાં તેથી એ મનમાં મૂંઝાયા કરતો હતો.

‘મોટા, તને કહું છું કે આ કીલો બેઠો છે ત્યાં લગી તારે કોઈ વાતની મનમાં મૂંઝવણ રાખવી નહીં. આખો દિવસ નોકરી નોકરી શું કર્યા કરે છે ? તારા જેવો હોશિયાર માણસ પારકાંનાં વાણોતરાં કરે તો આ કીલો લાજે. તને તો મારે મોટો શેઠિયો બનાવવો છે, શેઠિયો. રાજકોટના તખતમાં તારા નામની આસામી ઊભી ન કરું તો આ કીલો મૂછ મૂંડાવી નાખે, મૂછ—’

કીલાએ જ્યારે લાખ લાખની એ વાતો કરવા માંડી ત્યારે નરોત્તમ હસી પડ્યો:

‘હજી તો હું કામધંધા વિનાનો તમારા રોટલા બગાડું છું, ત્યાં તો તમે મોટી આસામીની વાતો કરવા માંડી !’

‘ખોટી વાત નથી કરતો, મોટા, આ તો, આટલા દિવસ મારે તારી પરીક્ષા કરવી’તી, પાણી માપવું’તું, એટલે મારી ઓરડીએ બેસાડી રાખ્યો. હવે મેં તારું હીર પારખી લીધું છે. તું જોજે તો ખરો, તારા હાથ નીચે ભલભલાને વાણોતરાં કરાવું છું કે નહીં ! મને તું હજી ઓળખતો નથી, મોટા ! હું કોણ ? કીલો કાંગસીવાળો—’

‘આજે જ વાઘણિયેથી મોટા ભાઈનો કાગળ આવ્યો છે. એમાં મારી ફિકર કરે છે. આટલા દી લગી કાંઈ કામધંધા વિના હું દુઃખી થતો હોઈશ એમ સમજીને ભાભી મને પાછો વાઘણિયે તેડાવે છે.’

‘અરે ગાંડાભાઈ, એમ તો કાંઈ વાઘણિયે પાછું જવાતું હશે ?’ કીલો બોલ્યો, ‘આવો ને આવો ધોયેલા મૂળા જેવો જઈને ઉંબરે ઊભો રહે તો તો ગામમાં સહુ એમ જ કહે ને કે શહેરમાં જઈને ડેલે હાથ દઈ આવ્યો !’

‘ડેલે હાથ દીધા જેવું જ થાશે એમ લાગે છે.’ નરોત્તમે ખિન્ન અવાજે કહ્યું.

‘અરે, એવું થાય તો તો કીલો આ મૂછ મૂંડાવી નાખે, મૂછ !’ કીલાએ મૂછ પર તાવ દેતાં દેતાં કહ્યું, ‘કામધંધો તો માણસનું મોઢું જોઈને ગોતવો જોઈએ ને, મોટા ! તને જેવુંતેવું કામ ગોતીને બેસાડી દઉં તો તારી તો ઠીક, આ કીલાની પણ આબરૂ જાય. તને શું હું ઓળખતો નથી ? તારું કુટુંબ કયું ? તું ફરજંદ કોનું ! માણસ જ્યાં શોભતો હોય ત્યાં શોભે. તને જેવેતેવે ઠેકાણે મેલું તો કાલ સવારે તારા મોટા ભાઈનો ઠપકો આ કીલાને સાંભળવો પડે, સમજ્યો ?’

નરોત્તમને આ સાથીદારની વાતોમાંથી હવે શ્રદ્ધા ઓસ૨વા માંડેલી તેથી એ કશું બોલવાને બદલે મનમાં હસી રહ્યો.

પ્લૅટફૉર્મ ઉપર ઉતારુઓની ભીડ વધી ગઈ હતી. આવતી ટ્રેનને સિગ્નલ અપાઈ ગયું હોવાથી મજૂરો સરસામાન ઉપાડવા સજ્જ થઈને પ્લૅટફૉર્મ ઉપર ઊભા હતા. કીલાએ પણ પોતાની રેંકડી છાંયડી તળેથી બહાર કાઢી. ‘હાલ, ભાઈ, બેપાંચ રમકડાંનો વેપલો કરી નાખું,’ કહીને એણે એક પચરંગી ઘૂઘરો હાથમાં લઈને વગાડવા માંડ્યો.

પ્લૅટફૉર્મની ફરસબંધી ઉપર મંથરગતિએ ચાલતી રેંકડીની પડખે પડખે નરોત્તમ પણ ચાલતો હતો. ઘૂઘરો વગાડી વગાડીને રેંકડીમાંના રમકડાંની જાહેરાત કરતો હતો એ જોઈને નરોત્તમના મનમાં આજે પહેલી જ વાર એક સવાલ ઊઠ્યો: ‘જેના બાપદાદાઓએ પેઢી દરે પેઢી રજવાડાંઓનું કામદારું કર્યું છે એ માણસ અત્યારે મામૂલી રમકડાંની રેંકડી ફેરવે છે એ એનું સાચું સ્વરૂપ છે કે માત્ર સ્વાંગ છે ? એક વેળાનો નાણાંવાળાનો નબીરો અત્યારે મુફલિસ માણસનો સ્વાંગ સજીને દુનિયાને છેતરી રહ્યો છે કે પછી પોતાની જાતને છેતરે છે ?

‘એ… આ મહુવાનાં રંગીન રમકડાં !’

‘એ… આ ઘંટી ને ઘોડાં—’

‘એ… આ સૂંઢાળો હાથી ને કળાયેલ મોરલો.’

‘એ… આ પચરંગી પૂતળી ને પોપટ લાકડી—’

ધોમધખતા તાપમાં એક હાથે ૫૨સેવો લૂછતો, બીજા હાથે ઘૂઘરો વગાડતો અને મોઢેથી આવી જાહેરાતો ઉચ્ચારતો કીલો સળંગ પ્લૅટફૉર્મ ઉપર ધીમે ધીમે રેંકડી ઠેલતો જતો હતો.

નરોત્તમ વિચારતો હતો: પચરંગી રમકડાં વેચનારા આ માણસના જીવનનો સાચો રંગ કયો ? —કેસરિયો કે ભગવો ? આ મરમી માણસને ઓળખવાનું એંધાણ કયું !—કંકુ કે આસકા ? કે પછી જીવનનાં બંને તત્ત્વો આ મસ્ત દેખાતા માણસના જીવનપટમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે ? એ બંને એંધાણ એકબીજાથી ઓળખી ન શકાય એ રીતે એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં છે ? ન જાણે !

કીલાએ એકાએક રેંકડી થંભાવી દીધી. રમકડાંની જાહેરાતોનો ઉચ્ચાર અટકી ગયો અને કીલો કોઈક ઊંડા વિચારમાં ઊતરી ગયો.

‘મોટા, તને ટેસન ઉપર સરસામાન ઉપાડવાની મજુરી કરતાં આવડે ?’ કીલાએ ગંભીર ભાવે પૂછ્યું.

નરોત્તમ તો ડઘાઈ ગયો. થોડી વારે બોલવા ખાતર જ બોલી ગયો: ‘એમાં આવડવાનું વળી શું હતું ?’

‘એમ નહીં,’ કીલાએ કરડાકીથી કહ્યું, ‘સાચું બોલ, તને સરસામાન ઉપાડતાં આવડે કે નહીં ?’

નરોત્તમ વધારે ગભરાયો. બોલ્યો: ‘એમાં વળી શીખવા જવું પડતું હશે, કીલાભાઈ ?’

‘શીખવાનું તો કાંઈ નથી હોતું, પણ મજૂરી કરવામાં માણસને શરમ બહુ લાગે છે—જાણે કે નીચા બાપના થઈ ગયા જેવું લાગે છે. ઉજળિયાતને આવાં કામ કરવામાં નીચાજોણું લાગે છે.’ કીલાએ ફરી વાર પૂછ્યું, ‘તને તો આમાં શરમ જેવું નહીં લાગે ને ?’

આ પ્રશ્નનો જવાબ આપવાનું નરોત્તમ માટે સહેલું નહોતું, પણ કીલાની આંખનો તાપ જોઈને એણે અચકાતાં જ કહી દીધું:

‘ના, નહીં લાગે.’

‘વાહ બહાદુર, વાહ !’ કીલો ખુશ થયો.

ગાડી યાર્ડમાં દાખલ થઈ. એન્જિનના ફાડા અને ડબ્બાઓના ખખડાટ-ભભડાટથી જ ભડકી જઈને ઉતારુઓ એક-બે ડગલાં પાછાં હઠી ગયાં.

ટ્રેનની ગતિ ધીમી પડી. ડબ્બાઓનાં બારણાં ઊઘડવા લાગ્યાં.

કીલાએ મોટે અવાજે રમકડાંની જાહેરાતો પોકારવા માંડી.

ગાડી થોભી. ઊઘડેલાં બારણાં ૫૨ આવનાર-જનાર પ્રવાસીઓનો ધસારો થયો.

કીલો રમકડાંની જાહેરાત કરતાં કરતાં એકાએક અટકી ગયો અને સામેના ડબ્બામાંથી ઊતરતા એક પરિચિત સજ્જનને જોઈને પોકારી ઊઠ્યો:

‘જેજે, શેઠિયા ! જેજે !… ગામતરે જઈ આવ્યા ?’

સામેથી ‘હા’ એટલો જ ઉત્તર મળ્યો.

તુરત કીલાએ એ ઉતારુને કહ્યું: ‘સરસામાનની ફિકર કરશો મા… આપણી પાસે માણસ છે… ખડકી લગી મેલી જાશે.’ અને પછી નરોત્તમને ઉદ્દેશીને સૂચના આપી: ‘મોટા, શેઠનો સામાન ઉપાડી લે ને ભીમાણીની ખડકી લગી મેલી આવ !’

આટલું ઝડપભેર કહીને કીલાએ ઘૂઘરો વગાડવા માંડ્યો ને રમકડાંના ઘરાક શોધવા રેંકડી ઠેલતો ઠેલતો એ આગળ નીકળી ગયો.

પોતાના સાથીદારની આ સૂચના સાંભળી નરોત્તમ તો સ્તબ્ધ થઈ ગયો. હજી ઘડી વાર પહેલાં કીલાએ મજૂરી કરવાની તૈયારી વિશે પૂછેલું ત્યારે નરોત્તમને કલ્પના પણ નહોતી કે એ વાતચીતનો અમલ આટલો વહેલો થશે. પણ હવે એ વિશે વધારે વિચાર કરવાનો અવકાશ જ નહોતો, કેમ કે, કીલો જેમનો સરસામાન ઊંચકવાની ભલામણ કરતો ગયેલો એ સજ્જને તુરત જ નરોત્તમને આદેશ આપી દીધો:

‘આ પેટી ઝટ ઉપાડતો હો તો ઉપાડી લે, ભાઈ, નહીંતર બીજો મજૂર ગોતી લઉં. એક તો ગાડી મોડી થઈ છે ને એમાં તું વધારે મોડું કરાવીશ તો ઘરે પહોંચતાં જ સાંજ પડી જાશે.’

નરોત્તમનું ચિત્તતંત્ર એવું તો ડહોળાઈ ગયું હતું કે આ સજ્જન શું બોલી રહ્યા છે એ એને સમજાય એમ જ નહોતું. એને માત્ર સામાન ઊંચકી લેવાનો આદેશ જ સમજાયો હતો. અને એના સાથીદારની સૂચનાને શિરસાવંદ્ય ગણીને એણે તો આ ઉતારુનો સરસામાન પણ શિર ઉપર મૂકી દીધો.

અને એ સામાન ઉપાડીને શેઠની પાછળ પાછળ એણે તો ચાલવા પણ માંડ્યું.

દરવાજા ઉપર ટિકિટ કલેક્ટરે આ પરિચિત માણસને પૂછ્યું:

‘કેમ મનસુખભાઈ, ક્યાં જઈ આવ્યા ?’

‘મેંગણી,’ કહીને મનસુખભાઈ આગળ વધ્યા.

હવે નરોત્તમને આ માણસના નામઠામ અંગે લવલેશ શંકા ન રહી. કીલાએ આજે અજાણતાં પણ મને ભેખડે ભરાવી દીધો એમ લાગતાં એ મૂંગો મૂંગો આગળ વધ્યો.

અને હવે જ નરોત્તમને ખ્યાલ આવ્યો કે ટ્રેનમાંથી એક નહીં પણ બે ઉતારુઓ ઊતર્યાં છે. મનસુખભાઈની સાથે એમનાં ઘરવાળાં પણ ઊતર્યાં હશે, જે ધીમી ચાલે આ મજૂરની પાછળ ચાલ્યાં આવે છે. મનસુખભાઈ વારંવાર પાછળ જોઈને ખાતરી કરી લે છે કે ઉપડામણિયો તેમજ પોતાની અર્ધાંગના બંને, પાછળ પોતાને પગલે પગલે આવી રહ્યાં છે.

નરોત્તમને લાગ્યું કે રખે ને આ અજાણ્યો મજૂર સરસામાન સાથે રફુચક્કર થઈ જાય એવા ભયથી શેઠનાં ઘરવાળાં હેતુપૂર્વક પાછળ જ રહ્યાં છે. એટલું વળી સારું છે કે આ લોકો મને દીઠ્યે ઓળખતાં નથી, નહીંતર તો અત્યારે કીલાભાઈએ મારી આબરૂના કાંકરા જ કરાવી નાખ્યા હોત.

નરોત્તમના માથા ઉપર સરસામાનનો બોજો તો હતો જ. એમાં વળી આવા વિચારોનો વધારાનો બોજો ઉમેરાતાં એની ધીમી ચાલ વધારે ધીમી પડી.

મનસુખભાઈએ પાછળ જોઈને આ મજૂરની ધીમી ચાલ અંગે ફરિયાદ કરી:

‘કીલાએ પણ ઠીક આવું ઠોબારું વળગાડી દીધું છે ! પછી મોટેથી આદેશ આપ્યો, ‘એલા ભાઈ, આમ રૂપિયે ગજને હિસાબે હાલીશ તો અમને ઘેર પહોંચતાં જ સાંજ પડી જશે.’

અને પછી, મજૂરની પાછળ પાછળ આવતી યુવતીને સૂચના આપી: ‘ચંપા, જરાક પગ ઉપાડ, બહેન ! તારી મામી વાટ જોતાં હશે.’

આ સૂચના સાંભળીને ચંપાના પગ વધારે ઝડપથી ઊપડ્યા કે કેમ એ તો પોતે જ જાણે, પણ નરોત્તમના પગ તો ક્ષણવાર થંભી ગયા.

એણે કુતૂહલથી પાછળ જોયું અને ચંપાની ચાલ પણ થંભી ગઈ, ક્ષણાર્ધમાં ચાર આંખ મળી ગઈ અને ચંપાના મોઢામાંથી શબ્દ સરી પડ્યા:

‘અરે ! તમે ?… તમે ?’

‘હા,’ એટલો જ એકાક્ષરી ઉત્તર આપીને નરોત્તમે મોં ફેરવી લીધું અને વધારે ઝડપે મનસુખભાઈની પાછળ પાછળ ચાલવા માંડ્યું. હવે તો આમેય ધીમી ચાલ ધરાવનાર ચંપાએ આ યુવાનને ઠપકો આપવા તેની પાછળ દોડ્યા વિના છૂટકો જ નહોતો. એ ઉતાવળે ઉતાવળે બોલવા લાગી :

‘અરે !… આ શું પણ ?… આ તમને શું સૂઝ્યું ?’

‘સંજોગે સુઝાડ્યું’ એટલું જ કહીને મજૂર તો આગળ વધ્યો.

‘મેલી દિયો સામાન !… ફેંકી દિયો સામાન !… આ તમને શોભે ? પાછળથી અવાજ આવ્યો.

આગળથી ઉત્તર અપાયો: ‘સંધુંય શોભે.’

પાછળથી ફરિયાદ થઈ: ‘અરે, પણ તમે તો મારા—’

‘હવે કાંઈ નહીં,’ ફરિયાદ અરધેથી જ કપાઈ ગઈ એ સારું થયું. નહીંતર, ‘તમે તો મારા—’ પછી સગપણનો કયો શબ્દ બોલવો એની મૂંઝવણ એ યુવતીને જ થઈ પડી હોત.

વળી થોડી વારે એણે આજીજી કરી: ‘કહું છું કે પેટી ઉતારી નાખો—આ તમને નથી શોભતું… હું લાજી મરું છું.’

આ વખતે તો યુવાન જ થોભ્યો અને પાછળ જોઈને જવાબ આપ્યો:

‘તમારે શું કામ લાજવું પડે ભલા ? હવે મારે ને તમારે શું સંબંધ રહ્યો છે ?’

‘કાંઈ સંબંધ નથી રહ્યો ?’

‘હતો ત્યારે હતો. હવે તો… હવે તો તમે—’

‘હવે હું તમારી કાંઈ નથી રહી ?’ ચંપાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો.

‘મારાથી કેમ કહેવાય ? વહેવારને નાતે તો—’

‘વહેવાર પડ્યો ચૂલામાં… તમારી માલીપાનું મન શું કહે છે ?’

નરોત્તમ આ સચોટ પ્રશ્ન સાંભળી રહ્યો. શો ઉત્તર આપવો એનો નિર્ણય કરી શકે એ પહેલાં તો સામે નાકું વળોટતા મનસુખભાઈની બૂમ સંભળાઈ:

‘એલા ભાઈ, ઝટ અમને ઘેર પુગાડ્ય ઝટ !’

યુવક-યુવતી બંને મૂંગાં થઈને ઉતાવળે ચાલવા લાગ્યાં. બંનેનાં હૃદય મૂંગી વેદનાથી વલોવાતાં હતાં પણ અત્યારની વિચિત્ર પરિસ્થિતિમાં અને વિચિત્ર વાતાવરણમાં એ વેદનાને વાચા સાંપડી શકતી નહોતી.

આખરે ભીમાણીની ખડકી આવી.

મનસુખભાઈએ ડેલીનાં તોતિંગ કમાડ ઉઘાડ્યાં.

મહેમાન આવી પહોંચ્યાં છે એમ જાણીને ધીરજમામી ઝડપભેર બહાર આવ્યાં ને ‘આવો ચંપાબેન, આવો !’ કરતાંકને ચંપાને અંદર લઈ ગયાં.

ચંપા જતાં જતાં પણ નરોત્તમની આંખમાં આંખ પરોવતી ગઈ.

મનસુખભાઈએ મૂંગા મૂંગા ખિસ્સામાંથી પાકીટ કાઢીને આ મજૂરને મજૂરી ચૂકવી દીધી અને ઉંબરેથી પોતે જ સામાન ઉપાડીને ડેલીમાં દાખલ થઈ ગયા. મૂલી-મજૂ૨ જેવાં વસવાયાં વરણને ઉંબરાની અંદર દાખલ કરવામાં આ ડહાપણડાહ્યા શેઠ જોખમ સમજતા હતા.

નરોત્તમ ક્યારનો ખડકીની અંદર ઊભેલી એક વ્યક્તિ તરફ તાકી રહ્યો હતો. તે ડેલીનાં કમાડ જોરદાર અવાજ સાથે બંધ થયાં ત્યારે જ જાગ્રત થયો.

અને જાગીને જોયું તો પોતાના પગ પાસે જ એક પાકીટ પડ્યું હતું.

કુતૂહલથી એણે ચામડાનું એ ખિસ્સા-પાકીટ ખોલી જોયું તો એમાં એક બાજુના ખાનામાં દસ દસ રૂપિયાની નોટોની થોકડીઓ અને બીજામાં પરચૂરણના સિક્કા ભર્યા હતા.

નરોત્તમ થોડી વાર તો અનાયાસે સાંપડી ગયેલાં આ નાણાં સામે ટગર ટગર જોઈ રહ્યો. એને સમજાતાં વાર ન લાગી કે શેઠે મજૂરી ચૂકવવા માટે પાકીટ ખોલેલું એ પાછું ઉતાવળે ડગલાની અંદરના ખિસ્સામાં મૂકવા જતાં, એ ખિસ્સામાં ઊતરવાને બદલે ડગલા સોંસરવું સીધું નીચે જ સરી પડેલું.

થોડી વાર તો નરોત્તમ ખડકીનાં બિડાયેલાં કમાડ તરફ તાકી રહ્યો. એની આંખમાં, એક વ્યક્તિ માટેની ઉત્સુકતા હતી, બીજી આંખમાં બીજી એક વ્યક્તિ પ્રત્યેનો ભારોભાર તિરસ્કાર હતો.

આખરે એણે ડેલીની સાંકળ ખખડાવી.

બારણું ઊઘડ્યું ને મનસુખભાઈ ‘કોણ છે ?’ કરતાકને બહાર આવ્યા.

‘આ તમારું પાકીટ અહીં પડી ગયું લાગે છે.’

‘અરે ! પાકીટ ?’ મનસુખભાઈનો શ્વાસ અધ્ધર ચડી ગયો.

નરોત્તમ તો પાકીટ સોંપીને ચાલવા જ માંડ્યો.

‘એલા ભાઈ, ઊભો રહે ! જરાક ઊભો રહે !’ શેઠે મજૂરને જરા થોભવાનો આદેશ આપ્યો.

નરોત્તમ આ આદેશ અનુસાર ઊભો રહ્યો. એ દરમિયાન મનસુખભાઈએ અધ્ધર શ્વાસે પાકીટમાંની નોટોની થોકડી ગણવા માંડી.

નરોત્તમને થયું કે શેઠે મને આ પાકીટ પાછું સોંપવા બદલ કંઈક બક્ષિસ આપવા બોલાવ્યો છે.

પણ મનસુખભાઈએ તો નોટો ગણી રહ્યા પછી છૂટું પરચૂરણ પણ હથેળીમાં કાઢીને ગણવા માંડ્યું.

નરોત્તમ મૂંઝવણ અનુભવી રહ્યો. પાકીટ પાછું મળ્યાની ખુશાલીમાં શેઠ કેવડીક મોટી બક્ષિસ આપી દેશે એની કલ્પના કરી રહ્યો. અને સાથોસાથ, કદાચને બક્ષિસ આપવા માંડે તો એ સ્વીકારવી કે કેમ એ અંગે પણ વિમાસણ અનુભવી રહ્યો.

પણ સદ્ભાગ્યે, નરોત્તમની આ મૂંઝવણ ટળી ગઈ. પાકીટમાંની પુરાંત પાઈએ પાઈ સુધ્ધાં મળી રહી અને આ મજૂરે એમાંથી કશું કાઢી નથી લીધું એની ખાતરી થઈ કે તુરત મનસુખભાઈએ એને જવાની રજા આપી: ‘બસ, હવે જા તું તારે—’

નરોત્તમ હસતો હસતો સ્ટેશન ભણી જતો હતો ત્યારે મનસુખભાઈ હસતાં હસતાં ઘરમાં સમાચાર આપતા હતા:

‘બચી ગયાં ! બચી ગયાં !’

ધી૨જમામીએ પૂછ્યું: ‘શું થયું ? શું થયું ?’

‘અરે ઘરમાં ધામો પડતો રહી ગયો ! ગલઢાવનાં પુન્ય આડાં આવ્યાં, એમાં બચી ગયાં !’

‘મામા, શું થયું ? શું વાત છે ?’ ચંપાએ પૂછ્યું.

‘અરે, હું તો સાવ ભુલકણો જ ! ઓલ્યા મજૂરને મજૂરી ચૂકવીને પાકીટ ખિસ્સામાં મેલવા ગયો ત્યાં સીધું નીચે જ પડ્યું—’

‘હા… પછી ?’ ધીરજમામી અને ચંપા પૂછવા લાગ્યાં.

‘ઓલ્યા મજૂરના હાથમાં આવ્યું.’

‘મજૂ૨ ઉપાડી જાતો’તો કે શું ?’ ધીરજમામીએ પૂછ્યું.

‘અરે એની દેન છે કે એમ પાકીટ ઉપાડી જાય ? સીધો પોલીસમાં લઈ જઈને કડી જ પહેરાવી દઉં નહીં !’ મનસુખભાઈ ગર્વભેર બોલતા હતા: ‘એણે તરત ખડકી ઉઘડાવીને પાકીટ સોંપી દીધું. બચી ગયાં. ગઢલાવનાં પુન્યથી બચી ગયાં ! પેઢીની આખી પુરાંત પાકીટમાં જ હતી… બચી ગયાં, ભગવાને બચાવ્યાં.’

‘મજૂરે એમાંથી કાંઈ ચોરી ન લીધું એ નવાઈ કહેવાય ! પાકીટ આપ્યું એ જ એની ભલમનસાઈ,’ પત્નીએ કહ્યું.

‘એના બાપનો માલ હતો તે ચોરી લીયે ? સીધો પોલીસના પાંજરામાં જ ન પુરાવી દઉં ?’

‘પણ મામા, એણે ખડકી ઉઘડાવીને પાકીટ પાછું સોંપી દીધું એટલી એની ખાનદાની ગણવી જોઈએ,’ ચંપા બોલી, ‘મજૂર માણસમાં આટલી બધી ખાનદાની હોય ?’

‘આપણું હક્કનું નાણું હતું એટલે પાછું આવ્યું. અણહક્કનું હોત તો હાલ્યું જાત,’ હવે ધી૨જમામીએ પોતાના પ્રત્યાઘાત વર્ણવ્યા.

‘પણ મામા, એ માણસે આખું પાકીટ પાછું આપી દીધું તે એને તમે કાંઈ ઈનામ-બિનામ આપીને રાજી કર્યો કે નહીં ?’ ચંપાએ પૂછ્યું.

‘અરે એમ જેને તેને રાજી કરવા બેસીએ તો તો સાંજ મોર દીવાળું નીકળે, સમજી ?’ મનસુખભાઈએ જવાબ આપ્યો.

‘ચંપા, તને હજી આ શહે૨ના જીવનનો અનુભવ નથી. આ મેંગણી નથી, રાજકોટ છે, રાજકોટ, સમજી ?’

અને પછી, આ ઉપરથી જ યાદ આવતાં, એમણે પત્નીને સૂચના આપી:

‘કાલ સવારમાં એક મુરતિયો ચંપાને જોવા આવશે. બરાબર તૈયારી રાખજે.’