← વછોયાં વ્યાજનો વારસ
અધિકારી
ચુનીલાલ મડિયા
અજર–અમર →





[૩૮]


અધિકારી

મજાઈ ગઈ. રજેરજ વાત સુલેખાને સમજાઈ ગઈ. આડીઅવળી ઘટનાઓના તાણાવાણા મળી રહ્યા અને સળંગ શૃંખલાબદ્ધ ઘટનાક્રમ નજર સમક્ષ આવી ઊભો.

આ પોતે જ રિખવનો પ્રાણપ્રવાહ. આ રહ્યું એનું વારસાપ્રતીક સમું લાખું; આ એનું જીવન્ત પુદ્‌ગળ, એ રહ્યો એનો આબેહૂબ અણસાર; આ દેખાય એની એક્કેએક રેખા; એ જ મદભરી આંખ, એ જ અણિયાળી હડપચી... કેટલી નસીબદાર છું, કે રહી રહીને પણ છેવટે રિખવનું જીવંત પ્રાણ–પ્રતીક જોવા પામી !

પામી ગઈ ! શું ? બે વસ્તુઓ; જેને માટે આટલાં વર્ષ પ્રતીક્ષામાં ગાળ્યાં હતાં, એ પોતાના ચિત્ર માટેનું અવલંબનપ્રતીક; અને અન્નક્ષેત્રનો સઘળો સંચાલન-ભાર વહોરી શકે એવો એક અધિષ્ઠાતા.

બાળનાથે રવાના થવા માટે રજા માગી.

સુલેખાએ એને રોકી પાડ્યો.

ત્રણ ત્રણ દિવસની વિનવણીઓ, આગ્રહભરી આજીજીઓ અને છેવટ કાકલૂદીઓને અંતે બાળનાથે અન્નક્ષેત્રના અધિષ્ઠાતા તરીકે રહેવાનું સ્વીકાર્યું.

સુલેખાના માથા ઉપરથી સંચાલનનો સઘળો ભાર ઓછો થઈ ગયો. ભેરવનાથની મૂળ ગાદીનો વારસો બાળનાથે પોતાથી નાના ગુરૂ–બંધુને સોંપ્યો, અને પોતે આ નવો વારસો સ્વીકાર્યો. કારણ  કે, અહીં એને ‘બેટા !’ કહીને બાઝી પડનાર એક વ્યક્તિ સાંપડી ગઈ હતી.

બાળનાથને સુલેખાએ રોકી દીધો તેથી વધુમાં વધુ આનંદ તો રઘીને થયો. વેલથી વછોયું બનેલ પાંદડું એને પાછું મળતું લાગ્યું. અને એ મૂરઝાવા બેઠેલી વેલ પોતાની સંપત્તિની પુનઃપ્રાપ્તિને પરિણામે નવું પોષણ મળ્યું હોય એમ નવપલ્લવિત બનવા માંડી.

બીજી બાજુ, બાળનાથના આગમનથી અન્નક્ષેત્ર પણ નવપલ્લવિત બની રહ્યું છે. આ અન્નક્ષેત્ર અને એના અધિષ્ઠાતા મહંતની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી ગઈ છે. એને કારણે એનો લાભ લેનાર અભ્યાગતોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. પરિણામે, સદાવ્રત તેમ જ ભોજન પાછળ થતા ખર્ચની રકમ પણ દિવસે દિવસે વધતી જાય છે.

અને છતાં હજી સુલેખાને ઊંડે ઊંડે અસંતોષ રહ્યા કરે છે. આપમેળે જ આવ્યા કરતી વ્યાજની અઢળક આવકમાંથી અન્નક્ષેત્ર પાછળ તો બહુ જ ઓછી રકમ ખર્ચાય છે. જેમના તરફથી એ નાણું આવે છે, એ સઘળું જ તેમને પાછું નથી પહોંચી શકતું. હજીય મોટી રકમ ફાજલ પડી રહે છે. એનો નિકાલ કરવાનું સુલેખા રાતદિવસ વિચારી રહી છે.

પુત્રીએ ઉપાડેલ આ માનવતાના કાર્યમાં લશ્કરી શેઠનો પૂરે પૂરો સહકાર છે. બીજું કાંઈ નહિ તો આ નિમિત્તે પણ દીકરી વૈધવ્ય જીવનનું દુઃખ ભૂલી જાય એવી લશ્કરી શેઠની ગણતરી છે. એ ઉદ્દેશથી પ્રેરાઈને જ એમણે ફરી વીસપુરવાળા વાણોતરોને પેઢી ઉપર મોકલી આપ્યા છે. તેઓ દલુને શક્ય તેટલી સહાય કરે છે અને જૂનાં લેણાં પતાવે છે.

આ સઘળી પલટાતી સૃષ્ટિ જોઈને અમરતનું ગાંડપણ બેહદ  વધી ગયું છે. હવે તો ઓરડાની ચાર દીવાલો વચ્ચે બંધાયા છતાં એના જીવને શાંતિ નથી. જે મિલકતની પ્રાપ્તિ અર્થે પોતે આટઆટલાં વર્ષ મથામણ કરી હતી, આટઆટલી જિંદગીઓ વેડફી નાખી હતી, અને છેવટે પોતાની જિંદગી પણ હાથે કરીને રોળી હતી, એ મિલકતનો આવો પરમાર્થી વપરાશ થતો જોઈને એનો જીવ કપાઈ જાય છે. અન્નક્ષેત્રના ચોગાનમાં ભિક્ષુઓ ભોજનાર્થે બેઠા હોય ત્યારે તો એ દૃશ્ય અમરતથી જીરવી શકાતું નહિં. એવે સમયે એ બારીના સળિયા સાથે માથું પછાડી પછાડીને પોતાનો વિરોધ વ્યક્ત કરતી.

દિવસે દિવસે સુલેખાને લાગતું જાય છે કે દલુ પોતાની માતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે. સુલેખાએ આદરેલા આ માનવકાર્યમાં દલુ તનતોડ મહેનત કરી રહ્યો છે. જે માણસનો આજ દિવસ સુધી ગામલોકોએ કાંકરો કાઢી નાખ્યો હતો, એ માણસ આજે પોતાની લાયકાત પુરવાર કરી રહ્યો છે.

ફરી આભાશાના ઘરમાં એક વાર ભૂતકાલીન જાહોજલાલીની રોનક ચમકી ગઈ. રોજિંદા કલેશ અને કંકાશ ટળતાં ફરી લક્ષ્મી હસી ઊઠી. ‘શ્રીયેવ રન્તું પુરુષોત્તમેન જગત્કૃતાઙ્‌કારી વિલાસવેશ્મ’ જેવી રિદ્ધિસિદ્ધિ અને સુખાકારી ફરી આ ઘરમાં સ્થાપિત થઈ. સ્વાર્થમૂર્તિ અમરતે જે ઘરને સ્મશાનમાં પલટાવી નાખ્યું હતું એને કલાધરી સુલેખાએ હિજરાતી માનવતાનાં બહુમાન કરતું મંગલધામ બનાવી દીધું.

સુલેખાએ પોતાના તપોવનના એક્કેએક પથ્થરમાં જાણે કે રિખવનો આત્મા જાગ્રત કર્યો છે. માનવશુશ્રૂષામાં હાડ નિચોવતાં એ રિખવના આત્મા સાથે તાદાત્મ્ય અનુભવી રહી છે. અન્નક્ષેત્રને આંગણે ઢૂકતા દરેક ક્ષુધાર્તની માતા બની રહી છે. જીવની અનેક અણપૂરી મનીષાઓ એ આવી રીતે સંતોષી રહી છે.  ‘સુરૂપકુમાર’નું ચિત્ર હવે ઝડપભેર આગળ વધી રહ્યું છે. સદાવ્રત લેવા આવનાર એક્કેએક રગતપીતિયો પણ સુલેખાને પ્રકૃતિનો જ બાળ લાગે છે અને એ કદરૂપી સુન્દરતાનાં મંગલદર્શનો એ પીંછીમાં ઉતારી રહી છે.

સુલેખા આટલે વર્ષ જીવનની ધન્યતા અનુભવી રહી છે.

ઉસ્તાદ ઐયૂબખાનને તો રિખવના મૃત્યુ પછી તરત રજા આપવામાં આવી છે, પણ શાસ્ત્રી માધવાનંદજી હજી પણ સુલેખાને સંસ્કૃત ગ્રંથોનું પરિશીલન કરાવી રહ્યા છે.

વાર્ધકને આરે પહોંચી ચૂકેલા વિમલસૂરી એક દિવસ ઓચિંતા જ ગોચરી વહોરવા આવી ચડ્યા. હમણાં થોડાં ચોમાસાં સૂરીજીએ મારવાડ તરફ વ્યતીત કર્યાં હોવાને કારણે આ તરફ તેઓ આવ્યા જ નહોતા.

સૂરીજી સીધા અન્નક્ષેત્રના ડેલામાં દાખલ થયા અને બાળનાથ સમક્ષ ઊભા રહ્યા. તેમના શરીર ઉપર ઝડપભેર આવતા જતા વાર્ધક્યે બહુ અસર કરી હતી.

હાથમાં દંડ અને રજોહરણ લઈને ઊભેલી કોઈ વ્યક્તિને જોતાં સુલેખા પોતાના ઓરડામાંથી દોડતી આવી અને વિમલસૂરીને ઓળખતાં જ એમના પગમાં પડી ગઈ.

બન્ને બાજુ લૂલાં – લંગડાં અભ્યાગતોની કતારો જમવા બેઠી હતી. કેસરવરણાં વસ્ત્રોમાં વીંટળાયેલી વિમલસૂરીની પડછંદ કાયાની સામે કૌપીનધારી યુવાન બાળનાથ ઊભો હતો. બન્નેની આંખોમાંથી વરસતાં નૂર જાણે એકબીજાની સ્પર્ધા કરતાં હતાં.

પોતાના પગમાં પડેલી સુલેખાને વિમલસૂરીએ કહ્યું :

‘ઊભી થા સુલેખા ! હવે તારી વંદના પામવાનો અમને અધિકાર નથી……’

‘કાં, ગુરૂદેવ ?’  ‘બેટા, તેં તો સંસારમાં રહ્યા છતાં સાધુત્વ સિદ્ધ કરી બતાવ્યું.’ સૂરીજીએ એક જ દૃષ્ટિ ચોગમ ફેરવીને આખા અન્નક્ષેત્રની પ્રવૃત્તિઓનો ખ્યાલ લેતાં કહ્યું.

‘મારા જેવી બાળકીની મશ્કરી કરો છો, દેવ ?’

‘નહિ બેટા, સત્ય કહું છું. અને એ કહેતાં હું ધન્ય બનું છું. મારવાડમાં બેઠે બેઠે પણ આભાશાના ઘર અંગેના સઘળા સમાચારો હું મેળવતો રહ્યો હતો. મેં બાંધેલી લગભગ બધી જ ધારણાઓ સાચી પડી છે. આભાશા ગયા પછી ઘણા કરુણ બનાવો બની ગયા છે... એ છો દરેક પદાર્થ પોતાના ગુણને અનુસરે. અને એ ગુણ પ્રમાણે જ એનાં ફળ પામે. તું તારા ગુણને વફાદાર રહી અને આવું મજાનું, અમને સાધુઓને પણ દુર્લભ એવું ફળ પામી, અને એ બદલ તને ધન્યવાદ આપું છું.’

અન્નક્ષેત્રને સામે ખૂણે લાખિયાર બેઠો બેઠો સદાવ્રત વહેંચતો હતો. માણસોની કતાર લાગી હતી. એ સહુ માણસો એક પછી એક, વિમલસૂરી પાસે થઈને પસાર થતા હતા. વિમલસૂરીની વિચક્ષણ દૃષ્ટિ, એ દરેક વ્યક્તિને અવલોકી રહી હતી, ઓળખવા મથી રહી હતી.

‘ગુરુદેવ, મેં તો મારી ફરજ બજાવી છે...’ સુલેખાએ કહ્યું.

‘તારી પાસેથી મેં એ જ આશા રાખી હતી.’ સૂરીજી બોલ્યા : ‘તારા સસરાજીને તો મેં વર્ષો પહેલા કહી રાખ્યું હતું કે અઢળક મિલકત ઉપર સાચી માલિકી જનપદની છે, લોકબ્રહ્મની છે. જુઓ, આ જનપદ અહીં એકઠું થયું છે. અને એમ ન સમજજો કે તમે એમને ભિક્ષા આપો છો; તેમના હકની વસ્તુ તેઓ લઈ રહ્યા છે : રોટી એ રોટી પૂરી પાડવાનું તો તમારા ઉપર સામાજિક ઋણ છે.’

‘એ ઋણફેડનની શક્તિ માટે આપના આશીર્વાદની જરૂર છે.’ સુલેખાએ કહ્યું.  ‘મારા તો તને સદૈવ આશીર્વાદ છે. તું એક બાળકી હતી ત્યારે જ મેં લશ્કરી શેઠને કહી રાખેલું કે તમારા ઘરમાં એક કલાધરી છે. આજે એ આગમવાણી તેં ચરિતાર્થ કરી બતાવી.’ વિમલસૂરીએ પુલકિત હૃદયે કહ્યું. અને પછી એકાએક ચમક્યા હોય એમ સદાવ્રત લેવા આવેલાઓની કતારમાં ઊભેલી એક વ્યક્તિ તરફ આંખ ફેરવી બેલ્યા :

‘આ કોણ ભલા ?’

સહુ શરમાઈ ગયાં.

કતારને છેડે એક અકાળે વૃદ્ધ બની ગયો હોય એવો માણસ નીચી મુંડીએ ઊભો હતો.

‘ભલો ઓળખી કાઢ્યો. ગુરુદેવ !’ સુલેખાએ હળવેથી કહ્યું : ‘એ તો આપણા મુનીમ છે — ચતરભજભાઈ.’

‘એની આ દશા ?’

‘જી હા. એનો દીકરો ઓધિયો જુગારમાં બધી જ માલ-મિલકત – ઘરબાર, ઠામઠીકરાં સુધ્ધાં હારી જઈને નાસી ગયો છે. આંધળા બાપની પણ એને દયા ન આવી. મુનીમજીને હવે આંખે ઓછું સૂઝે છે. મેં તો એમને કહ્યું કે તમે જીવો ત્યાં સુધી ઘેર બેઠે જીવાઈ આપું. પણ એ કહે છે કે અણહકનું બહુ દિવસ ખાધું, હવે ભારણ નથી વધારવું, હવે તો ભીખ્યે ટુકડે જ પેટ ભરવા દે... આવું આવું બોલે છે, અને દિવસ આખો રડ્યા કરે છે....’

'અરે, તું પણ અહીં જ છે કે ?' વિમલસૂરીએ બીજુ આશ્ચર્ય અનુભવ્યું. રઘી તરફ જોઈને ધીમે અવાજે પૂછ્યું : 'તું એમી તો નહિ ? કે મારી આંખે હવે...'

‘નહિ નહિ, ગુરુદેવ ? તમારી આંખ તો અમારા સહુ કરતાં વધારે સાચી છે. અમે તો ઘણા દિવસ સુધી એમીને નહોતી ઓળખી શક્યાં હતાં આપ એને નથી ભૂલ્યા....’  'જીવતા જીવોને કેમ ભૂલી શકાય ?' સૂરીજીએ મીઠું મધ હાસ્ય વેર્યું. એ હાસ્યમાં જીવતા જીવોને ભૂલી જનારાઓ ઉપર ભારોભાર કટાક્ષ હતો.

સૂરીજીએ ફરી એમી તરફ જોઈને પ્રેમાળ હાસ્ય વેર્યું.

સુલેખા જરા છોભીલી બની ગઈ.

એનો ક્ષોભ ઓછો કરવા વિમલસૂરીએ તરત વાત બદલી :

'હવે મને ગોચરી વહોરાવવી છે કે આ વાતોનાં વડાં જ પીરસશો ?'

'હમણાં જ હું વહોરાવવાનું કરતી હતી.' કહેતી સુલેખા પોતાના 'તપોવન' તરફ જવા ઊપડી.

'ના, ના, એ તમારા રસોડાની ગોચરી હવે મને ન ખપે.' સૂરીજીએ કહ્યું.

સાંભળીને પહેલાં તો સહુ ચોંકી ઊઠ્યાં.

'મારે તો આ રસોડાનું, અહીંનું જમાતું જમણ જ વહોરવું છે.' સૂરીજીએ ઘટસ્ફોટ કર્યો.

સુલેખા સમજી ગઈ. અને રાજી પણ થઈ. અન્નક્ષેત્રના રસોડાને સૂરીજી પાવન કરે એથી વધારે શું જોઈએ ?

હરખભરી સુલેખા અન્નક્ષેત્રના રસોડા તરફ જવા લાગી.

'નહિં, તમારે હાથે પણ ગોચરી ન ખપે.' સૂરીજી આજે આવા આંચકા જ અનુભવતા હતા.

'હું નહિ તો કોણ વહોરાવે?' સુલેખાએ પૂછયું : 'રઘી વહોરાવે ? – અરે ભૂલી, એમી વહોરાવે ?'

'હા. સાચો અધિકાર તો એનો જ છે.' સૂરીજી બોલ્યાઃ 'પણ થોભો જરા, એમી કરતાંય વધારે યોગ્ય અને સાચો અધિકારી તો બાળનાથ જ છે. બાળનાથ વહોરાવે !' સૂરીજીએ હુકમ કર્યો.  ભગવાં ધારી બાળનાથ જ્યારે પાતરાંમાં વાનીઓ વહોરાવતો હતો ત્યારે સુલેખાના મનમાં સૂરીજીએ બાળનાથ માટે વાપરેલ શબ્દ 'યોગ્ય અને સાચો અધિકારી' રમતાં હતાં.

સુલેખાએ મનમાં જ બાળનાથને એક વધારે પદવી આપી :

'સાચો વારસ પણ !'

*