વ્યાજનો વારસ/છોટે મહન્ત
← ગુલુ | વ્યાજનો વારસ છોટે મહન્ત ચુનીલાલ મડિયા |
લાખિયારની ક-દુઆ → |
મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન કરી, રણછોડરાયજીનાં દર્શન કરીને જમાત બદરીકેદારની જાત્રાએ જનાર છે.
મહંત ભેરવનાથજીની મહત્તા અને જાહોજલાલીનો પાર નથી. ગોકુળિયા જેવાં ત્રણ ગામડાંનો ગરાસ એમને ત્યાં ઠલવાય છે. એ ઉપરાંત ભાવિકો તરફથી મહંતજીના ચરણકમળમાં અઢળક નાણાંનો ઢગલો થાય છે. ભેરવનાથજીનો દોરદમામ અને ઠાઠ અમીરી છે. અત્યારે જાત્રાએ નીકળ્યા હોવા છતાં એમની રહેણીકરણી બધી રજવાડી જ છે. સાથે મ્યાના, પાલખી અને ગાડાંગડેરાંનો પાર નથી. જ્યાં મુકામ નાખે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં તંબૂ–રાવટીઓ તણાઈ જાય છે. આલીશાન રસોડામાં માથોડું ઊંચા દેગ ચડી જાય છે. એની માથે નિસરણીઓ માંડીમાંડીને સાધુ લોકો ખીચડી ઓરે છે.
મહંતજીની રાવટી ઉપર ભગવી ધજા ફરકે છે. તખ્ત ઉપર બિરાજેલા ભેરવજીને ચામરછત્ર ઢોળાય છે. બહાર બે સાધુઓ નેકી પોકારે છે. પહોરે પહોરે ચોઘડિયાં લાગે છે. નિશાન ડંકા ને નોબત આ સાધુની સત્તા અને સાહ્યબી સૂચવે છે.
પોરો ખાઈને સંઘ આગળ ચાલે એટલે તરત આ વૈભવલીલા સંકેલાઈ જાય અને ઉચાળા ભરીને સહુ આગળ વધે. મીંગોળાની સીમમાંથી એવી રીતે જ મહંતજીએ ઉચાળા ભરાવ્યા છે. સરસામાનનાં ગાડાં ભરીને જમાત દ્વારકાને મારગે ચાલી છે. પગપાળા ચાલતા ઉત્સાહી સાધુઓ આખે રસ્તે ભજન–કીર્તનની ધૂન બોલવતા જાય છે. ગોમતીજીના દર્શનથી થનારો આનંદ તેઓ અત્યારથી જ વ્યક્ત કરી રહ્યા છે :
ગરજે ગોમતીજી કે ગાજે સાગરં
રાજે શામળાજી બાજે ઝાલરં…
સોહે એરશાજી કે સ્વાસી સુંદરં
મણજા ઝળહળે જી કે દીપક મંદરં…
ભગવત રાજીયા છે કે મુજ પર ભૂપતિ
અહતશ ઊતરે જી કે ઉપર આરતી
ગામ દુવારકાજી કે સરિતા ગોમતી
કંથડ લીળિયાજી કે ભાખે કીરતી…
આજે ભજનકીર્તનની ધૂનમાં જમાતે સારો પંથ કાપી નાખ્યો. રણછોડરાયજીના દર્શનના ઉત્સાહમાં યાત્રીઓના પગ પણ ચપોચપ ઊપડતા હતા. રાત પડતાં પહેલાં તો મીંગોળાને ક્યાંય દૂર મૂકી દીધું હતું.
જમાતે ફરી ડેરા નાખ્યા ત્યારે સહુ માણસો તેમ જ ગાડાંના બળદો થાકી લોથ થઈ ગયા હતા.
ઉચાળા છોડતાં છોડતાં એક કૌતુક બની ગયું. ખીચડી રાંધવાના દેગડા ઉતારતાં એમાં કશુંક સળવળતું લાગ્યું. સાધુઓને પહેલાં તો ભય અને પછી આશ્ચર્ય ઊપજ્યાં. સામટા સાધુઓએ સાથે મળીને દેગની અંદર તપાસ કરી તો મોંએ ગાભાનો ડૂચો અને હાથપગે દોરડાથી મુશ્કેટાટ બાંધેલું એક બાળક મળી આવ્યું બંધનગ્રત દશામાં એ જાણે કે ગૂંગળાતું હતું. કોઈ પોચા હૃદયના સાધુથી બાળકની આ યાતના ન ખમાતાં એણે આગળ આવીને બાળકને મોંએ ઠસઠસાવીને બાંધેલો ડૂચો છોડી નાખ્યો અને તરત બાળકે રડવા માંડ્યું.
સાધુઓના ટોળામાં કરતાલ અને કાંસી જોડાંના કર્કશ અવાજોને બદલે આવો કૂણો કોમળ અવાજ ક્યાંથી, એ જાણવા આખી જમાત બાળકને વીંટળાઈ વળી.
હાથપગ છુટ્ટા થતાં બાળક તો આદત પ્રમાણે રમવાકૂદવા લાગ્યું. વાતાવરણની અપરિચિતતા પણ એના ખેલનની આડે ન આવી શકી.
સાધુઓ તો આ કૌતુક જોઈને નાચી ઊઠ્યા. કોઈએ બાળકને કાખમાં તેડ્યું તો બીજાએ પોતાની ખાંધે ચડાવ્યું. એક જણે પોતાના ભગવાનો દડો બનાવી બાળકને રમવા આપ્યો. બીજાએ પોતાની ચલમની ભૂંગળીમાંથી પાવો વગાડીને બાળકને રીઝવવા કરી જોયું. અંગૂઠાના ટાચકા વાગ્યા, બળદની ઘૂઘરમાળા ઘમકી, કોઈએ કમંડળમાં કાંકરા ભરીને ઘૂઘરો પણ પૂરો પાડ્યો. છેવટે સહુ નાચતા–કૂદતા, બાળકને મહંતજી પાસે લઈ ગયા.
બધી વાતથી વાકેફ થયા પછી ભેરવનાથજીએ બાળકને ઝીણી નજરે અવલોકવા માંડ્યું. એના રૂપ, રંગ, બધું તપાસ્યું; નાકે નેણે પણ નીરખી લીધો, ધોળી દૂધ ચાંદનીમાં મહંતજીની નજર બાળકની પીઠ ઉપર પડી અને ચમક્યા. જાણે કે ઘણું ઘણું સમજી ગયા હોય એમ ઘડી વાર તો ઊંડા ચિંતનમાં ડૂબકી મારી ગયા અને પછી અંદરથી તાગ લઈ આવેલા મરજીવાની જેમ એ ચિંતનનો સારમર્મ કહી સંભળાવ્યો :
‘આપણું મહદ ભાગ્ય છે કે આ ભવ્ય જીવ આપણી જમાતમાં ભળ્યો છે. ગુરુ દત્તાત્રેયે જ મોકલ્યો છે એમ સમજજો.’
મહંતજીનો આદેશ સાંભળીને સહુ સાધુઓનો બાળક પ્રત્યેનો આદર વધી ગયો. મહંતજી જેટલાં જ માનપાન આ બાળકને પણ મળવા લાગ્યાં. કોઈક ટીખળી સાધુએ તો એક દિવસ મજાકમાં કહી પણ લીધું : ‘યહ નયા બાલક છોટે મહંતજી હૈ.’ અને ત્યારથી આખી જમાતમાં બાળકનું નામ ‘છોટે મહંત’ પડી ગયું.
બાળબ્રહ્મચારી ભેરવરનાથને આ મીઠડી બોલી બોલતા બાળક પ્રત્યે અખૂટ વાત્સલ્ય ઊભરાઈ આવ્યું. તેમણે એને રાજી રાખવા માટે અછોઅછો વાનાં કરવા માંડ્યાં. પોતાના આસનની પડખોપડખ એક નાનકડા વ્યાઘ્રચર્મ ઉપર બાળકને આસન આપવામાં આવ્યું.
થોડા જ મહિનામાં બાળકની તેજસ્વી પ્રતિભાનો સહુને પરચો થવા લાગ્યો. અસલ અમીરી બૂંદનું એ ફરજંદ રજવાડી લાલનપાલનમાં અજબ ઝળકી ઊઠ્યું. એના વિશાળ કપાળ અને તાલકાના ઝબકારા પાસે જોતજોતામાં મહંતજી પણ ઝાંખા લાગવા માંડ્યા. સાધુગણને ખાતરી થઈ ચૂકી કે મહંતજી આ બાળકને પટ્ટશિષ્ય બનાવશે અને પોતાનો વારસો સોંપતા જશે.
*