શિવાજીની સુરતની લૂટ/કટાકટી-પરાક્રમ

← દ્વંદ્ધયુદ્ધ શિવાજીની સૂરતની લૂંટ
કટાકટી-પરાક્રમ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
સુરતની સુરત ! →


પ્રકરણ ૨૦ મું
કટાકટી-પરાક્રમ

પાછલા પ્રકરણમાં કહી ગયા તેમ નવાબે પછાડેલા ગોળાથી ક્ષણની શાંતિમાં હતા તેમાંથી બન્ને પક્ષના લડવૈયાઓ એકદમ જાગ્યા, અને પોતાના કામ માટે તૈયાર થવા એક બીજાને મદદ કરવા લાગ્યા. બન્ને લશ્કરમાં એકદમ તૈયારી થઈ રહી. દરેક જણ પોતાના કામ માટે લાયક હતો, જે તે વેળા એક રીતે ઘણું અગત્યનું હતું, અને બેશક પોતાનો ધર્મ બજાવવામાં જોખમકારક પણ હતું. દરેક જણ પોતાના માથાપરનું સૌથી મોટું જોખમ જોઈને ભયથી ધ્રુજતો હતો, તેમ દરેક જણ પોતાને મોતના મોંમાં મૂકાયલો સમજતો હતો, ધોડેસ્વારોએ પોતાના હંમેશના સાથી ઘોડાઓની પીઠપર હાથ ફેરવ્યો, અને રણસંગ્રામના સદાના સાથી સાથે પોતાની જિંદગીની સલામતી, મરવું કે જિતવું, એ વિષનો સઘળો આધાર તેમના ઘોડાઓ પર મૂક્યો. મરેઠાએાના ઘોડા ઘણા કદાવર ને લડાઈમાં ટેવાયલા હતા, ને પૂર્વની લડાયક પ્રજાને જે રીતે ઉપયોગમાં આવી શકે તેવી રીતની સઘળી કેળવણી તેમને આપવામાં આવી હતી. દરેક ઘોડો પોતાના સ્વારની રક્ષા કરવાને માટે તૈયાર હતો, ને દરેક સ્વાર પોતાના ઘોડા માટે પ્રાણ આપવા તત્પર હતો. જાણે પોતાના કુટુંબનું મનુષ્ય હોય તેમ ઘોડાની સંભાળ લેવાતી હતી. તે ઘોડાઓપર જીન કસી, સ્વારોએ પાવડામાં પગ મૂકી ભાલાઓ હાથમાં પકડ્યા હતા. લગામ છૂટી મૂકી ને તેવી અવસ્થામાં મોંપર ચણાનો તોબરો બાંધ્યો હતો. સ્વારો પોતાના હાથમાંના ચણાપૌવા ને સાકર ફાકવા મંડ્યા. હવે ખોટી માત્ર હુકમની હતી.

નવાબની ભય ભરેલી હાલત જોઈને નવાબનું લશ્કર ચકિત, બેબાકળું ને બાવરું બન્યું હતું. તેઓ પહેલાં તો અતિશય ગભરાયા, પણ નવરોઝે તરવાર ને ભાલો હાથમાં લીધો એટલે સૌ તયાર થયા. મોખરાપર ૩૦૦ ઘોડેસ્વાર થયા-પછાડી લશકર દોરાયું. આ વેળા નવરોઝની પડોસમાં તુરતના આવેલા બે ઘણા ગંભીર પોષાકમાં બીજા નવા સરદારો ઉભા હતા. તેમણે તો કેસરિયાં જ કીધાં હતાં. ભય હતો તે દૂર નાંખ્યો હતો ને જીવને સાટે જીવ બચાવવાને તૈયાર બન્યા હતા. નવરોઝે તેમને પોતાની જમણી બાજુએ રાખ્યા.“આજના જેવો તોફાની દિવસ મેં કદી પણ જોયો નથી, ને મને આજ કરતાં વધારે ભય કદી પણ પ્રાપ્ત થયો નથી. પણ આજના મધુરામૃત જેવું પાણી કદી પણ મારી જિંદગીમાં હું પીવાનો નહિ, ને આજથી વિશેષ આનંદ મને કદી પણ થશે નહિ.” એમ નવરોઝ બડબડ્યો.

“આ તમે કુરાનની ભાષામાં બોલ્યા છો, નહિ?” પેલા બે નવા સરદારમાંનો એક બોલ્યો, “આ૫ તો ખરેખર આ નગરીના શણગાર ને રણનાં રત્ન છો.”

“ભલે, આપ મહેરબાન એમ કહો,” પેલા મુસલમાને પ્રત્યુત્તર આપ્યો, “મારી જન્મભૂમિને ખાતર ને મારા નવાબને ખાતર આજે તમારી સાથે રહી જે પરાક્રમ હું કરીશ તે ફરિશ્તાઓને પણ પસંદ પડશે. જિંદગીમાં કંઈ૫ણ રુંડું કે ભુંડું કરવું, પછી યારી આપનાર તો તે સાહેબ છે.”

“ડોસા, તમે સત્ય કહ્યું,” બીજા નવા સરદારે નીચા નમીને જવાબ દીધો, “પણ હવે વિલંબ શુ છે ? આ શત્રુઓ સમક્ષ આપણે ઘણું કરવાનું છે, ને મહાસાગરનાં મોજાં ઘણાં ઉછળે છે માટે ઘણી ઝડપથી દોડ કરવી જોઈયે, નહિ પહોંચી વળાશે તો હમ્મેશની બદનામી માથાપર ચોંટી બેસશે, ને તેમાંથી આપણો બચાવ નથી.”

“તમે બેફિકર રહો, મારા લક્ષમાંથી કશુંએ ગયું નથી.” તે વૃદ્ધ સરદારે કહ્યું, “મારા સાથી ને મિત્રોની સહાયતાથી દિવસના દશમાં ભાગમાં શત્રુને નામોશી સાથ નસાડીશ. લશ્કરની વ્યવસ્થા બરાબર છે ને આપણે પણ સઘળી રીતે દરોબસ્ત બન્યા છિયે.”

“પણ રે સાંભળો, બીજો અવાજ થયો.” એકદમ ચમકીને બીજા નવા સરદારે નવરોઝને આંગળી કરી આકાશમાં અંગારો બતાવ્યો !

નવાબને બીજી વેળા ગોળો અફાળવાની જરૂર એટલા જ માટે પડી કે, તાનાજીએ તેનાપર બીજા ચાર મરેઠાએાને મૂક્યા, કે જેઓ ગમે તે પ્રકારે એનું ખૂન કરે. ચારે સ્વાર નજીક આવી પહોંચ્યા, પણ નવાબ જોમમાં આવેલા કોઈ તલેસ્માતથી બડો શૂરવીર બની ગયો હતો. તેના સાથીઓ બહુ કાબેલ હતા, પણ તેનાથીએ એણે સવાયું પરાક્રમ બતાવ્યું. ચાર ચંડાળોમાંના એકને તો ધસતાં જ કાપી નાંખ્યો, ને જમરુદનો ઘોડો ખાલી પડ્યો હતો તેપર સ્વાર થયો. તાનાજી વિશેષ લજિજત થયો ને તે દાંત કચકચાવી આ તરકડાને મારી નાંખવાનો દાવ શોધતો હતો. તેટલામાં એક ગોળ કુંડાળામાં નવાબને ઘેરી લેવા સઘળા સિપાઈઓ આસપાસ ફરી વળ્યા. પ્રસંગ અતિ બારીક હતો, ને જીવ સટોસટના સોદા હતા. નવાબે અલ્લાહનું નામ જીભપર લઈ પોતાનો ઘોડો શત્રુઓની મીણમાં ફેંક્યો ને પાંચ દશને ભાલાથી વીંધી નાંખ્યા, ને તે જ આવેશમાં બીજો ગોળો જમીનપર અફાળ્યો - એમ જ માનીને કે હવે મદદ ન આવી પહોંચે તો એકલે હાથે સઘળું કામ બજાવવું, પણ જનનીની કુખ લજાવવી નહિ. આ વેળાએ તેનો વિકરાળ ચહેરો, તેનું બાહુબળ, તેનો સીનો ને તેની કાબેલિયત એવાં તો ઉત્તમ હતાં કે “ધન્ય છે એનાં માત પિતાને !” એમ મુખેાચ્ચાર કર્યા વિના રહેવાતું નથી. જનાની વૃત્તિવાળો છતાં મરદાનગીમાં તે એક્કો બન્યો હતો, ને તે કાળના એક્કા કરતાં પણ વધારે કદાવર દેખાતો હતો.

શિવાજી તેની આ મરદાનગીને જોઈ હેરત પામ્યો, ને એક સિંહ સમાન યોદ્ધો આટલી ત્વરાથી આવી સરસ રીતે શત્રુઓને હંફાવે, એ તેના કાળજામાં કોતરાયું. તેણે ધાર્યું કે, “કેટલાંક સ્ત્રીપુરુષ ને નિર્દોષ બાળકોના ઘાતની આ ગેબી સજા કરવા ઈશ્વરે તો આને નહિ પ્રેર્યો હોય. રખેને એ કચડઘાણ કાઢી નાંખે” એવા વિચારથી તે અજિત શત્રુને મારવાને બહુ આતુર બની ગયો. તેણે બીજા પંદર સ્વારને આ શત્રુપર મારો ચલાવવા મોકલ્યા. નવાબ હવે ગભરાયો ને તેણે જાણ્યું કે ખચીત કંઈક દગો થયો, છતાં પણ હટ્યો નહિ. પોતાના ત્રણ સાથી, જે હજી પણ સલામત હતા તેમને પાસેના પાસે ઉભા રહેવાનું સૂચવી, યાહોમ કરી પેલા પંદરે જવાંમર્દ સામો ઘોડાને ઝોકાવ્યો. ત્રણનાં માથાં ધડથી જૂદાં કરી, તે પોતાના સાથીઓ સાથે પાછો હઠયો, ને મરેઠાઓ અચંબો પામી રહ્યા, શિવાજીએ આ બધો ચમત્કાર જોઈને એકદમ પોતાના માણસોને અટકાવ્યા, ને નવાબ સાથે વાત કરવી ધારી. નવાબને વચન આપ્યું કે “ખુલાસો કરે નહિ ત્યાંસૂધી તને કશી ઈજા, દગાફટકા કે કાવતરાંથી થશે નહિ.” વિચાર કરી નવાબે તરવાર મ્યાન કીધી, ને ભાલાને હાથમાં રાખ્યો.

સત્તરમી સદીનો આ 'નાઈટ', જ્યારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેની હુઝુરમાં ઘણા દબદબા ને દમામ સાથે ઉભો રહ્યો, ને પોતાના તોરમાં શિવાજીને જરાપણ માન ન દીધું. જો કે એ શિવાજીને બિલકુલ જણાયો નહોતો કે કોણ છે ! ને એ પોતે પોતાનો દબદબો સાચવવાને માટે જરા પણ ખંતી નહતો, તથાપિ જ્યારે એણે જોયું કે, રાજબીજના ગુણુનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે એને શી દરકાર રહી ? જે પુરુષે મોતના મોં સામું જોયું તેને બીજાનો ભય કેવો ? રાજદરબારની રીતભાતથી સંપૂર્ણ માહિતગાર છતાં એણે આ અવિવેક પ્રથમ જ કીધો, જો કે તે કારણસર હતો. નવાબની બાજુએ તેના સાથીઓ ઉભા રહ્યા, પણ ભાલાને નીચા નમાવ્યા નહિ; જો કે તે કાળમાં ભાલાને નમાવવો, એ મોટા મનની એંધાણી હતી. તે શૂરવીર બેદરકાર પણ નિડરતાથી ઊભો રહેવા પછી મહારાજાએ પૂછ્યું.

“તમે કોઈ મોટા સરદાર છો જી ?” શિવાજીએ પ્રશ્ન કીધો. “તમને સરદારની પદવી કોણે આપી ને ક્યારે મળી છે ?”

“આલમગીર બાદશાહે, મહેરબાન દિલ્લીપતિએ.” સૂરતના નવાબે ઉત્તર દીધો.

“શસ્ત્રવિદ્યા તમે સારી જાણો છો, નહિ વારુ ? તમે હમણાં જે પટાબાજી ખેલી તે સરદારને બહુ માન અપાવે તેવી છે. હાલના સમયમાં તમે જે યુદ્ધનિપુણતા બતાવી, તે ખરેખર તમારી કીર્તિમાં વધારો કરશે; તો પણ તમે નથી જાણતા કે આ તમારી બહુ મૂલ્યની લડાયક શક્તિ માટે તમને મોટું ઈનામ આપનાર કોઈ નથી. તમારો નવાબ તો ક્યારનેાએ મરણ પામ્યો છે અને હવે તમે ફોકટ વળખાં મારી જીવ આપવા શામાટે તત્પર થયા છો ? તમારી કીર્તિ પીછાનનાર હવે કાઈ નથી, ને જો તમે આયુષ્યને ચાહતા હો તો ભલે તમે તમારે રસ્તે જાઓ, તમારા આવવાનું ને જવાનું કશું પણ કારણ અમે જાણવાને રાજી નથી. ઇચ્છા હોય તો મારો ભોમિયો તમને સલામત છાવણી બહાર પહોંચાડશે. કશા પ્રકારની ઈજા થશે નહિ, તમે શું કહો છો સરદાર ?”

નવાબે બેાલવાનો યત્ન કીધો; પણ પોતાના ઉભરા દર્શાવવા અશકત હતો. પોતે જાતે સલામત છતાં આવું દાવપેચવાળું બોલવું સાંભળી બહુ વિમાસણમાં પડી ગયો.

“નિરુત્તર ન રહો, શૂરાઓએ હુકમને તાબે રહેવું જોઈયે, ને તાબેદારોએ પોતાના ખુદાવંદોને માન મરતબાથી જોવા જોઇયે. અમે તમારો મોટો ગુન્હો ૫ણ માફ કરિયે છિયે, કેમકે તમે બહુ ઉદાર દિલના પરાક્રમી સરદાર છો.”

શિવાજીએ પોતાની તીક્ષ્ણ આંખ આ સરદાર તરફ રાખી, ને સ્મિતહાસ્યથી પોતાના બોલવાની શી અસર થાય છે તે જોવા લાયો. નવાબે આ બધા બોલવાની મતલબ શી તે સમજવાનો યત્ન કીધો, પણ તેમાં તે નિષ્ફળ થયો. શિવાજીના મોંપર પરમાનંદ પ્રકટ દેખાતો હતો, એટલે પ્રપંચ છે એમ માનતાં નવાબ અચકાયો.

“જો એથી આપ આનંદ પામતા હો તે, અય મરેઠાના સરદાર !” મુસલમાન સરદારે કહ્યું, “એમ કરવામાં વિલંબ નથી. અય વીર પુરુષ ! આટલી દયા આ નગરીના લોકપર પ્રથમ જ અવશ્ય કરવી હતી. તું નામદારની મરજી આજે જણાવી તે પહેલાં એ જ પ્રમાણે વર્ત્યો હોત તો બેશક અમે ઘર બહાર વિનાના થાત નહિ ને આટલા જીવપર આવત નહિ. આ નગરના લોકોના ત્રણ ત્રણ દિવસ થયા જીવ લીધા, ને બાળક, સ્ત્રી ને વૃદ્ધોને રડાવતાં કાપતાં જરા પણ ડર્યો નહિ, એ તારા અમીરી ખવાસને શરમાવે તેવું છે, અમે અમારી સુકી પાકી રોટલીપર ગુજારો કરીએ છીએ, ને બીજાને જરા પણ ઈજા કરતા નથી. છતાં તેં આજે જે સિતમ ગુજાર્યો છે, તેનો, તારો ને અમારો અલ્લાહ નેક જ છે ત્યાં જવાબ દીધા વિના છૂટકો થશે નહિ.”

“પુષ્કળ દ્રવ્યની અમને જરૂર હતી, ને આ નગરમાં પરદેશી ઈસમોના સમાગમથી દ્રવ્યની રેલછેલ થઈ રહી છે તો તેમાંથી થોડું અમે ઉપયોગ માટે માગીએ છીએ. એથી આલમગીર જાલમનો શિરચ્છેદ કરી ભરતખંડમાં એક સરસ શક પ્રવર્તાવીશું.”

“તારી પોતાની ઇચ્છા પ્રમાણેનો અધર્મ કરવો યોગ્ય છે ?” સત્તરમી સદીના રાજવીરે પૂછ્યું, “પણ જો તું સરદારની ઇચ્છા હોય તો, અને અમારાપર તમારો પૂરતા વિશ્વાસ હોય તો, જે દ્રવ્ય છે તે મૂકીને ચાલ્યા જાઓ, અમે તમને જોઈતાં સાહિત્યો પૂરાં પાડીશું. તમારી મદદમાં રહી અમારા બાહુબળથી કીર્તિ અપાવી, તમને રાજકાજમાં મદદ કરીશું. એમ નહિ બનશે તો યાદ રાખો કે, તમો સઘળાને આ અલ્લાહના કસમથી કહું છું કે, જીવતા જવા દેવાને માટે બહુ વિચાર કરીશ.”

“ચંડાળ, મ્લેચ્છ પુત્ર, ગોઝારા ! શું તું અમને ડરાવે છે ?” માલુસરે જે આટલીવાર અબોલ ઉભેા હતો, તે એકદમ ખીજવાઈને પોતાના કારસ્તાનીયા સાથી સહિત આ અમીરજાદાપર ધસ્યો, ને નવાબે સાવધ થઈ શત્રુના આગળ ધસતા બીજા સરદારને ભાલો ધેાંચી તેનું માથું ભાલાપર લઈ સૌને ભય ઉપજાવે તેમ બતાવ્યું. એ જોતાં જ બીજા મરેઠાઓ “સેતાન-પલીતને બસ મારો,” એમ બોલી ગીધ પેઠે તૂટી પડ્યા.નવાબે કશા પણ આંચકા વગર સૌને સામો જવાબ દીધો. કાપાકાપી ચાલી, ને તેટલામાં નવાબે, અવકાશ મળતાં ત્રીજો બાકી રહેલો ગોળો જમીનપર પછાડી અતિ ભય ઉપજાવ્યું.

સુરતના લશકરમાં પુષ્કળ ભય પથરાયું ને ચેતવણી મળતાં એકદમ લશ્કરે દોડ ચલાવી. મરેઠાઓમાંના કેટલાક બેઠા હતા ને કેટલાક તૈયાર હતા તે સધળાપર નગરજનનું લશ્કર ટૂટી પડ્યું ને કેર વર્તાવ્યો.