શિવાજીની સુરતની લૂટ/બહિરજી અને બેરાગી

← ઇતિહાસ શિવાજીની સૂરતની લૂંટ
બહિરજી અને બેરાગી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
મોગરાનો બહાર  →


પ્રકરણ ૩ જું
બહિરજી અને બેરાગી

જેદિવસે ઉપલો બનાવ બન્યો, તેજ દિવસની રાત્રિયે-અને તે જ સ્થળે હનુમાનની જગાથી આશરે વીશ મિનિટના રસ્તાપરની દૂરની બંગલીમાં બે સ્ત્રી પુરુષ બેઠાં હતાં. બંને જુવાન અને રંગમસ્ત હતાં. ઉમ્મર પહેલીની માત્ર બાવીશ અને બીજાની પચ્ચીશ વર્ષની હતી. પુરુષ કરતાં સ્ત્રી સૌંદર્યમાં વિશેષ શ્રેષ્ઠ હતી. બંને જણ એ વખતની શહેરની સ્થિતિ સંબંધી વાત કરતાં હતાં; અને શહેરમાં હવે કંઈ આફત આવી પડશે, એમ પેલી સ્ત્રીએ બીજાને કહ્યાથી બંને ચિન્તાતુર હતાં. આવા ઉદ્વેગમાંથી મુક્ત થવા, અચિંતવ્યું બાજુના ખેતરોમાં ફરવાનો વિચાર કીધો અને બહાર નીકળી પડ્યાં.

રાત્રિના નવ વાગ્યા હતા. શિયાળાનો દહાડો હતો તેથી બંનેએ સાલ ઓઢી હતી. ધીમે ધીમે ખેતરોમાં આગળ વધ્યાં ગયાં અને આસપાસ ફરવામાં તેઓ આનંદ માનવા લાગ્યાં. ચન્ની પૂર ખીલી રહી હતી, તેથી દૂર સૂધી તેમની નજર પહોંચતી હતી. તમ તમ તમરાનો સૂર આવતો અને કોહલાનો બેસૂરો અવાજ સાંભળી વખતે પુરુષ ખંચાતો, પણ સ્ત્રી જે જાતે પુરુષાર્થી હતી તે તો ચાલી જ જતી હતી. થોડું ચાલી તેઓ જમણી બાજુએથી ડાબી બાજુએ ફર્યા. "પ્રિયે, એમ નહિ પણ આમ ચાલે !" "કયાં જવાનો વિચાર થયો છે ?” પેલા પુરુષે પૂછ્યું, અને વધાર્‌યું કે “હવે મને નિદ્રા ઘણી આવે છે માટે પાછાં ફરો." "જો તમારી એવી જ મરજી હોય, તો આ૫ બંગલે જઈ પોઢો, મને ફરવાની ઘણી હોંસ છે." આ સાંભળતાં જ પેલા પુરુષે પોતાનો રસ્તો બદલ્યો. તે પોતાની બંગલીએ ગયો અને સ્ત્રીએ બેરાગીની ઝુંપડી તરફ પોતાનાં પગલાં ઉપાડ્યા.

* * * *

બાવાજીની પર્ણકુટીમાં બહિરજી અને બેરાગી બંને જુદી જુદી ખાટલીપર પડેલા હતા. થોડીવાર તો બંને અબોલ પડી રહ્યા. પણ વખત વીતે તો ઠીક એમ લાગવાથી બાવાજી બોલ્યાઃ-

“બચ્ચા, તુમ કીધરસે આયા? તેરા નામ ઠામ ક્યા હૈ ?” મરાઠાએ ઉત્તર આપ્યું: “મહારાજ મારું નામે નથી અને ઠામે નથી જ !”

“કયા બચ્ચા એસી ગંડુ જેસી બાત કરતા હૈ ! કીસકીભી સીપાહગીરી તુમ ખેડતે હો ના ?”

“હું કોઈનો નોકરે નથી ને કોઈનો ચાકરે નથી,” તે મરાઠે કહ્યું.

“તેરા ધર્મ કોનસા હૈ ?"

અહીંઆ પણ મરાઠાએ તાલ લગાવી, "એક બ્રહ્મવિના મારો ધર્મ નથી."

બાવાજીએ આશ્ચર્યતામાં ગરક થતાં વિચાર્યું કે, આ કોઈ જેવો તેવો માણસ ન હોય. એના બોલવાની રીતભાત જ ઓર છે. પણ બાવાજીએ પાછી તાલમેલથી વાત ચલાવી; અને એ દક્ષિણી કેવા હેતુથી આવેલો છે, તે જાણવાની જિજ્ઞાસા વિશેષ રાખી.

“લડકા, એ અસાર સંસારમેં સાર માત્ર ઈશ્વરકા નામ હૈ. મૈં જાનતા હું કે, તું કોઈ બડા બહાદર સિપાહ હૈ. લેકીન બાતચીતપરસે તો નઝર આતા હૈ, કે તું બડા હેમકગમાર હૈ;” એમ બાવાજી બોલ્યા. પછી લગારવાર થોભીને બાવાજીએ પાછી વાત ચલાવી. “એ સુરત બડા મુલ્ક હે, કુછ ધંધા રોજગાર કરો, કુછ પેસા લાવ ઓર મઝા ઉડાવ ! ઈધર તો પેસેકી બડી ધૂમ ચલતી હૈ. રાતદિન લોક અમન- ચમન કરતે હૈ. લાખો ઔર કરોડો રૂપેકી ઉથલપાથલ હોતી હૈ, લોકકું બેપાર રોજગાર મેં અચ્છી કમાઇ હૈ, લેકીન ઈધરકા નવાબ- જેસે ગંડુઓકા પાચ્છા હૈ. રાત દિન અમન ચમન ગુજારતે. લેકીન એ પિંડારા મરાઠા જો ઇધર ઉધર પડે તો ક્યા સત્યાનાશ હો જાવે, કુછ કહેનેકી બાત નહિ. તુમ ઓ પિંડારાકી તહેનાત છોડકર કાયકે બાસ્તે ઇધર આયા ?” આમ બોલી ઉંચા હાથ કરી તેણે પ્રાર્થના કરી, “બજરંગ ! જો ગેરઇનસાફ, હમકું ઓ અકલસે હેરાન હાકીમને કરદિયા હૈ, ઈસકું તુંહી શિક્ષા કર.” ખરેખર બજરંગે તેની પ્રાર્થના સાંભળી.

બહિરજીને માલમ પડ્યું કે નવાબથી કંટાળેલો આ કોઈ તેનો વૈરી છે અને એનાથી જો બધું જાણીશું, તો વધારે લાભ થશે. તે બાવાજી પ્રત્યે બોલ્યો: “મહારાજ ! અહીંઆ ઘણી દોલત છે?” બાવાજીએ કહ્યું; “તું ક્યા જાને ઈધરકી બાત, સોના ઓર રુપે બીના તો બાત જ હોતી નહિ. સારા દિન પેસા પેસા ! નાણાબટમે જાકર તુમ દેખો, તેરા કાન ખણણ ખણણ અવાજસે બહેર માર જાયગા. નવાબ તો ગંડુ હૈ, ઇસકું કુછ માલુમ નહિ હૈ કે કીધર રાજ હોતા હૈ. સબ કારભાર ઓ નાગર ઓર કાયસ્થ લોક કરતે હૈ. નાગરોકે ઘરમેં તો કરોડો રૂપે ભરે હૈ, તુમ દેખો તો અકલસે હેરાન હો જાવ.”

બહિરજીયે કહ્યું: “જો આપની ઈચ્છા હોય તો કાલે જઈને શહેર જોઈયે !” “સચ હૈ. લેકીન સચ્ચા બોલ બચ્ચા ! તુમ કોણ હૈ, ઓર કીધરસે આયા, ઓર ઈધર આનેકા ક્યા કામ હૈ, હમ જૂઠા માણસકી સંગત નહિ કરતે.”

બહિરજી વિચારમાં પડ્યો, તેણે વિચાર્યું કે ખરી વાત કહેવી કે નહિ ! પણ કંઈ દગો થાય તો શું કરવું? એમ વિચારી પ્રથમ મૌન ધારણ કીધું. બાવાજીએ મનમાં વિચાર્યું કે ગમે તેમ છે પણ આ કોઈ પાકો પુરુષ છે. તેની નેમ કંઈ જુદી જ છે. બહિરજીએ વિચારમાં ઘોળાયા પછી એમ જ નક્કી કીધું કે, ખરી વાત કહેવી, પછી “યા નસીબ !" પણ બાવાજીનું વચન લીધા વિના એક અક્ષર પણ હોઠ બહાર કહાડવો નહિ એમ ઠરાવ્યું.

“અને હું,” પેલા મરાઠાએ, પોતાના નવા દોસ્તનો વિશ્વાસ મેળવી લેવા માટે અને જે કામ પોતાને પાર પાડવું હતું તે માટે, તે બોલ્યો, “મહારાજ ! યાદ રાખજો કે, જે મારા સ્નેહી ને વિશ્વાસપાત્ર છે તેના મોં આગળ કદી પણ જૂઠું બોલતો નથી. હું આ શહેરની સમીપે આજે જ આવું છું, જે તમે અાંખે જોયું છે. મને આ શહેર સંબંધી ઘણું જાણવાની અગત્ય છે અને તેમાં મારો કંઈ ખાસ હેતુ છે. આપના બોલવાપરથી મને માલમ પડે છે કે, આપને આ શહેરના હાકેમપર ઘણો ક્રોધ છે. તે કંઈ કારણસર હશે, અને તેનું વૈર લેવાને ઇચ્છો છો ? જો આપ આપના પવિત્ર બજરંગના કસમ લો, કે જે જાણીશ તેનો આડો ઉપયોગ કરીશ નહિ, તો આપને મારો હેતુ જણાવીશ. જો મારા કામમાં તમારી સામેલ થવાની ઇચ્છા હોય તો સામેલ થજો, અગર ઈચ્છા ન હોય તો કોઈને કંઈ બોલતા નહિ.”

“કમબખ્ત!” બાવાજી લગાર તરડાઈને બેાલ્યો. “હમકું તુમ કૈસા પીછાનતા ! હમેરા શિર જાવે તો કયા બડી ચીજ હૈ, લેકીન એ મુસે એક શબ્દ નીકાલનેકી કોન તાકત ધરાતા હૈ ! લડકા, તું ક્યા જાને હમ સંત લોગો કી બાત હમ કસમ લેકર કહેતે કે તેરી બાત ઐસી તૈસે હોવે, ઔર તુમ હમેરા શિર કાટનેકે બાસ્તે તત્પર હો, તદપિ હમ તેરી સામને કે દુસરે સામને એક શબ્દ પણ ન બોલુંગા. ચાહેસો કહો, ઓ ચાહેસો ના. તેરી મરજી ! હમ સંતલોક, હમકું ક્યા લેના દેના હૈ, બચ્ચા !”

બહિરજીની ખાત્રી થઈ તેથી, “મહારાજ ! ખંમા ખંમા !” એમ બેલી નમ્રતાથી વિનતિ કીધી. “ગરીબ સેવકપર આટલો ક્રોધ કરવો એ લાઝીમ નથી. વિઠોબાના ચરણના કસમ, મને તમારાપર જરાએ અવિશ્વાસ નથી. પણ મેં ઘણી વેળાએ સાંભળ્યું છે કે, ભોળપણથી કેટલીક વાતો બીજાને કહેવાથી ધણાં માઠાં પરિણામ થયાં છે. અને તેટલા જ માટે આ૫નો વિશ્વાસ મેળવવા કંઈક મેં વિચાર બતાવ્યો છે, તે આપ ક્ષમા કરશો.” અને પછી વધારે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા માંડ્યું કે મહારાજના મોંપર કેવો રંગ થાય છે. પણ મહારાજ તો એવા શાંત અને સ્વસ્થ હતા કે, તેનાપર એ બોલવાની જરાએ અસર થઈ નહિ. આ જોઈને શિવાજીના જાસૂસે પોતાની વાત પાછી ચલાવી.

“મારા જાણવા પ્રમાણે.” કંઈ મંદ સ્વરે ને હસ્તે ચહેરે બહિરજી બોલ્યો, “આપ જે પીડિત છો તે વિરહવેદનાથી છો. હું એક મરાઠો છું, અને જો કે પરદેશી છું, તો પણ તમારી વાત મને કહેશો તો મારાથી બનતી મહેનત કરી સુખ અપાવીશ. ઘણીવાર એમ બને છે કે એક વાત બીજાને કહેવાથી અડધોઅડધ દુ:ખ ઓછું થાય છે. જુવાનીના વખતમાં જે જે કૃત્યો થયાં હોય તેમાં પ્રીતિદુ:ખ વેઠવું બહુ મુશ્કેલ છે; અને તેમાં ધારેલી મુરાદ બર આવતી નથી, ત્યારે અતિશય બેચેની ને ઉદાસી ઉત્પન્ન થાય છે. જોગી જતી સંન્યાસી સર્વેમાંથી મોટો ભાગ વેરાગ લે છે તે એવાં જ કોઈ દુ:ખથી જ. આપ જો એવા જ કોઈ કારણસર સંસારને છોડી બેઠા હો તો હવે ઘણા થોડા સમયમાં તમારે પાછા સંસારના ખટરાગમાં પડવું પડશે; તેવી કંઈ ઇચ્છા છે?”

“હમ,” બેરાગીએ કહ્યું: “એસા નહિ. બચ્ચા અમેરી પીડા બડી હૈ, મગર થોડીભી હૈ ! તુમકું ક્યા કામ પોસે; તુમ તુમેરી બાત ચલાવ, પીછે હમ દેખ લેંઇગે.”

“તો સાંભળો,” કંઈ વિચાર કરી મરાઠો બોલ્યો. “મારા સરદાર શિવાજીનો પેલા તરકડા કાફરોને ભરતખંડમાંથી કહાડી મૂકવાનો નક્કી ઠરાવ છે; અને તે માટે તેને કોઈના આશ્રયની ઘણી મોટી જરૂર છે. હું તેનો દૂત અને ભારતભૂમિના રક્ષણકર્તાનો સાથી છું, સર્વ સાહિત્ય- સૈન્ય અને ઐક્ય – એ અમારી પાસે છે. પણ કમનસીબથી જોઈયે તેટલાં નાણાં નથી. અમારા નસીબને અજમાવવા ઘણાં સાહસ કર્મો કીધા, પણ જોઈતો જય મળ્યો નથી. મુસલ્લાના શહેર પર અમે ઉતરી પડ્યા, ઘણી મુસલમીન બીબીઓને લેાંડી કરી પકડી લઈ ગયા; ઘણાં નગરો ઉજડ કીધાં; ઘણે ઘણે ઠેકાણે ત્રાસ ને ભય વર્તાવી દીધો. જો કે એ સઘળે સ્થળે રામદાસ સ્વામીના શિષ્યનો જય થયો છે, તથાપિ જે ઇચ્છા હતી, તે સંપૂર્ણ થઈ નથી. અમારે પૈસાની ઘણી જરૂર છે અને આપણા દેશમાંથી જે પુષ્કળ દોલત મેાગલ ને મુસલ્લાઓ લઈ જાય છે; આપણા દેશની વ્યવસ્થા તેઓ કરે છે; આપણી સ્થિતિ અતિશય દુર્બળ રાખે છે - ત્યારે અમે વિચાર કીધો કે અમારી શી અવદશા થશે ? નથી ખબર કે ક્યાં જઈશું ને શું કરીશું ? અમને અતિશય ભય છે કે આપણો મુલક તદ્દન ખેદાન મેદાન થઈ જશે. પણ તેટલો વિચાર મહારાજા શિવાજી કરતા હતા, તેવામાં એમના જાણવામાં આવ્યું કે એ વિલાતી લોક અંગ્રેજ, વલંદા, ફિરંગી લોક પાસ બહુ પૈસો છે, અને આ સુરત નગરના જેટલું બીજું કોઈ પણ પૈસામાં બળવાન નથી. આ વાત ખરી છે કે ખોટી અને જો અમે આ સ્થળમાં આવીએ તો કેટલો પૈસો મેળવી શકીએ કે નહિ મળે, તેની તપાસ કરવા મને મોકલ્યો છે. જ્યાં જ્યાં હું દૂત કાર્ય માટે ગયો છું, ત્યાં ત્યાં સઘળે સ્થળેથી મને સારી વાકેફગારી મળી છે. મેં મારા દૂતપણાથી ૧૪ નગરોમાં ત્રાહે ત્રાહે બોલાવી છે; અને તેથી મારાપર શિવાજી મહારાજનો ચાહ ઘણો વધ્યો છે. આ શહેરમાં ઉતરી પડવાનો અમારો વિચાર નક્કી છે; પરંતુ કયી જગેપરથી વિશેષ લાભ મળશે તે તમે બતાવી શકો તો મહારાજા શિવાજીથી તમારું સારું સન્માન કરાવી, ઉંચી પદવીએ ચઢાવીશ. મારું નામ બહિરજી નાયક છે; અને તમારી તરફથી હવે મને કંઈ પણ આશ્રય મળશે એવી આશાએ આ મારી ગુપ્ત વાત જાહેર કીધી છે, તેમાં જે જોખમ મેં વેઠ્યો છે તેને ખ્યાલ, મહારાજ, તમારે મનમાં કરવો.”

બાવાજીના મોં પરની સુરખી આ સાંભળતાં ફરી ગઈ; અને એક મેાટો આનંદનો શ્વાસ ખેંચ્યો. પોતે મનમાં બોલ્યો;-“અબ ખૂનકે બદલેમેં ખૂન લેનેકા સમય આયા હૈ, અયે બજરંગ ! હમ હમેરા બૈર લેઈંગે, તેરી સહાયતા હમકું ચઇતી. કીધર હે જીગરકા બૈર ?” પછી મોટે અવાજે કહ્યું, “અબે બચ્ચા બહિર, તુને તો ગઝબ કરનેકા ઇરાદા કીયા હૈ ! હમને હમારી ખેાલીમે સેતાનકું બસાયા ! મગર કુછ ફીકર મત કર, મેં તેરી સાથ તૈયાર હું, ઓર સબ ચીઝ તુઝે-” પણ તેટલામાં તે પછીતપરથી કંઈક શબ્દ સંભળાયો ને બહિરજી ચમક્યો.

“મહારાજ, જુઓ, સાંભળો, આપણી વાત કોઈ સાંભળે છે !” વચ્ચે અટકાવ કરીને જાસૂસ બોલ્યો" મેં જે ઈરાદો રાખ્યો ને યુક્તિ રચી છે, તે જો કોઈ જાણે તો મારાં ને તમારાં શિર તેજ ક્ષણે ધડથી વેગળાં થાય !”

“બચ્ચા ડરતા ક્યા ? ઈધર કોણ આવેગા ? તેરે જો કહેના હાય સો કેહ; અવાજ કૈસા ઇધર સાધુકી ઝૂપડીમેં ?”

“નહિ બાવાજી; મને એમ લાગે છે કે, અહીંઆં કોઈ છે ને તેણે આપણી વાત સાંભળી છે. તમે તપાસ કરો.”

બાવાજી હાથમાં ચલમ લઈ ઉઠ્યા ને આસપાસ ફરી આવ્યા, પણ કોઈ જોવામાં આવ્યું નહિ, તેણે ધાર્યું કે ચોર હોય તે સૌને ચોર દેખે તેમ નાયકને ભ્રમણા કે સ્વપ્નાભાસ થયો હશે.

જ્યારે પૂરી ખાત્રી થઈ કે કોઈ નથી, ત્યારે મહારાજ પાછા પોતાની ખાટલી પર આવીને પડ્યો ને ગાંજાની એક ચલમ, જે ભરીને લાવ્યો હતો, તેનો દમ કસ્યો.

“તો સાંભળો, મહારાજ, હવે જે મેં યુક્તિ કીધી છે તે;” ક્ષણેક શાંતિ પકડ્યા પછી તે નાયક બોલ્યો. શિવાજીના મારી સાથે આઠ જાસૂસો આ શહેરમાં જુદે જુદે દરવાજે પેઠા છે. તેઓ શહેરમાં ફરી હરીને ઘણી તપાસ કરશે, પણ હું આશા રાખું છું કે, તે સહુના કરતાં હું ચાર ચંદા સરસ નીકળીશ. તેમાં કર્મ સંજોગથી તમારો સમાગમ થયો છે, તે હવે કોઈ વાતે ઉણું પડવા દેશો નહિ. મેં ઘણાના મોંથી સાંભળ્યું છે કે, શહેરની મધ્યમાં નાણાવટ છે ત્યાં અને બીજી જગ્યાએ ઘણો પૈસો છે. આ વાત મારા જાણવામાં આવી, ત્યારથી ચટપટી લાગી છે કે તે લત્તાની તપાસ પ્રથમ અવશ્ય કરવી જોઈયે, હું અહીંઆં આવ્યો ત્યારથી તે હમણાં સુધીમાં જે જે માણસોનો સંબંધ થયો છે તેનાથી અને જે લોકો આવજાવ કરે છે તેનાથી, તેમની રીતભાતથી, તેમના ડોળદધામથી, મારી પૂરી ખાત્રી થાય છે કે, સુરતના જેવું એક પણ નગર પૈસાની બાબતમાં ચઢતું હશે નહિ. જેને જોઉં છું તેનો સિનો જ ઘણો ભારી હોય છે. દેવાલયમાં જે દર્શને આવે છે તે પાવલી બે આનીથી એાછી ભેટ ધરતું નથી. જો પૈસો ન હોય તે એવી રેલ-છેલથી કામ કરે નહિ. અમારામાંનો કોઈ પણ દૂત, મને આશા છે કે, થોડા વખતમાં આવીને કંઈ પણ વાત કહેશે.”

“અહા, અબે બહિર ! કોઈ મરાઠા !” મહારાજ વચ્ચે બોલ્યા, “પ્રાતઃકાલમેં ઇધર આયાથા સહી.”

"તે સંબંધી હું તમને સઘળું કહીશ પછી, પણ પ્રથમ તમે શું સહાય કરવા માંગો છો, અને તેને માટે શું યુક્તિ કરવી તે મને જણાવશો.” પણ તેટલામાં પાછો પછીત તરફથી કંઈક અવાજ આવ્યો ને બહિરજી ને બાવાજી બંને સાથે જ ચમક્યા.

“કૂછ હે સહી !” બાવાજીએ કહ્યું, “ચાલ અબે દેખ ક્યા હૈ !” બંને જણ ઉઠીને બાજુએ તપાસ કરવા ધસ્યા. પણ જેવા તેઓ જાય છે તેવું જ દૂર ઝાડીમાંથી કોઈ માણસને પસાર થતું જોયું. બહિરજી તેની પછાડી જોવાને દોડ્યો, પણ ચંદ્રના કંઈ અજવાળામાં તથા ઝાડીના અંધારાની ગીચ ઘટામાં તેને સ્ત્રી જેવી આકૃતિ જણાઈ, એટલે કંઈ વિચાર કરીને ચમક્યો, પણ પાછો વિચાર કરી તે તે આકૃતિને પકડવાને દોડ્યો, આસરે વીશેક વાર દૂર ગયો નહિ હશે, તેટલામાં એક મોટા પથ્થરની ઠોકર લાગી તેથી તે ઝટ જમીનપર કૂટાયો; અને ત્યારે તેના મનમાં ખાત્રી થઈ કે, મેં હુજતાઈ વાપરી એ ઠીક કીધું નહિ.

બહિરજીએ જેવી સ્ત્રીની આકૃતિ જોઈ તેવા તેને બે વિચાર આવ્યા. એક એ કે કાં તો એ કોઈ બાવાજીની લુગાઈ હશે ને તે બાવાજીને મળવા આવતી હશે, તેવામાં બે જણને જોઈ તે નાસી ગઈ છે, બીજો વિચાર આવ્યો કે બાવાજીએ મને ફસાવવાનો તો બેત રચ્યો નથી ! ને તે વિચારથી તે આકૃત્તિની પછાડી દોડ્યો, પણ તેની શી સ્થિતિ થઈ તે તો આપણે જોયું.

નાયકના પડતા સાથે બાવાજી તેને સંભાળવા આવ્યા. તેને ઉઠાડતાં ઘુંટણમાંથી લોહી વહેતું જોયું, પણ તેને શુકન ગણી કંઈ પણ આપત્તિ નથી, એમ માની બંને પાછા ફર્યા. બાવાજીએ કહ્યું કે, “કોઈ ભક્ત દર્શન માટે આવ્યો હશે તે બે જણને ધસ્યા આવતા દેખીને નાઠો હશે.” બહિરજીને એ કહેવું કંઈ વાજબી લાગ્યું નહિ.

પાછા બંને સ્વસ્થ થયા પછી બાવાજીએ કહ્યું: “મેં જાનતા હું કે તું તેરા નામ કરેગા, ઔર એ નવાબ એાર નાગરપર હમકું બહોત ખફગી હૈ, ઉસ સબબસે તુઝે જીતની ચઇયે ઇતની મદદ મેં દઉંગા. લેકીન એ સરતસે કે મેં જો ઘરમેં ઘુસકર ચાહે સો કરું, ઉસમે તેરા શિવાજીકા કોઈ માણસ હમકું વિક્ષેપ કરે નહિ.”

“હું તેને માટે પંઢરપુરવાળાના કસમ લઉં છું કે, તમને કોઈ અડચણ કરે નહિ;” બહિરજીએ મોટા ઉમંગથી કહ્યું, “એ બાબતમાં મારે ને તમારે જ વાતચિત થાય તેને માટે રામદાસ સ્વામી મારો જમાન છે, તમારે યાદ રાખવું કે, મેં જે કાર્ય કર્યું હોય, તે કોઈપણ એવા સરદાર કે સેનાદાર નથી કે ફેરવી શકે. જો તમે મને કદી ઠગેા નહિ, તો યાદ રાખજો કે, તમારી મુરાદમાં સર્વ રીતે ફતેહ પામશો. મારી પાસે એવી એવી યુક્તિ અને કાવાદાવા છે કે, જેથી ગમે તેવી આપત્તિમાં આવી પડીશું, તેમાંથી પણ બચાવ કરી શકીશું. સવાર પડતાં પહેલાં તો મને મારા દૂતો મળવા જોઈએ. તમારી જે ગોઠવણ હોય તે મને જણાવો અને પછી શહેરની તપાસ લઈએ.”

બાવાજીએ પોતાની ગોઠવણ બતાવવાનું સવારપર મુલતવી રાખી, બંને જણા સુઈ ગયા, અને દરમિયાન થોડેક સમયે બહિરજીને ઉઠી બહાર પણ ફરી આવ્યો, તે જ્યારે ઉંઘમાંથી સળવળી બાવાજીએ આસપાસ જોયું ત્યારે જાણ્યું.