શિવાજીની સુરતની લૂટ/“આલ્લાહ અકબર” અને “જય ભવાની”

← ઝપાઝપી શિવાજીની સૂરતની લૂંટ
“આલ્લાહ અકબર” અને “જય ભવાની”
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
બેવડો હુમલો - મણિનું પડવું - શિવાજીનું પાછું હટવું →


પ્રકરણ ૨૩ મું
“અલ્લાહ અકબર” અને “જય ભવાની."

ઘોડા કુદાવતી બંને સેના ખૂબ જોશમાં મચી હતી. શિવાજી આ મોટા સૈન્યની બહાદૂરી જોઇ વિસ્મય પામ્યો, વિચાર્યું કે ખચીત આ વેળા જય મળવો મુશ્કેલ છે, પણ તે સહજમાં હારી જાય તેવા યોધો નહોતો. બન્ને બાજુના સૈન્યમાં 'અલ્લાહ અકબર' 'જય માતા ભવાની,' 'હર ! હર ! મહાદેવ'ની બૂમ પડી રહી કોઈ પણ પક્ષના યોધા ગાંજ્યા જાય તેવા નહોતા. નવાબ કાફલાનો ઘાણ કાઢતો દોડતો હતો. તેની આસપાસ પચાસ રક્ષકો ને ત્રીસ કાળા સિંહમુખા હબશીઓ, જેઓ પૂર્વે નવાબના જનાનખાનાની તપાસ રાખતા હતા, તેઓ ફરી વળેલા હતા. તેઓ મરવું કે મારવું એની લેશ પણ ચિંતા રાખતા નહોતા. નવાબે માથાપર સફેદ લશ્કરી ટોપો પહેરેલો હતો ને તેપર મોરનાં પીછાં ઉડતાં હતાં. એટલે પોતાના માણસો તેને સારી રીતે પીછાની શકતાં હતાં. નાગરિક સેનામાં ત્રણ મૂર્તિઓ પણ તેની સાથે જ હતી. નવરોઝે જમણી બાજુની સુરલાલે ડાબી બાજુની મરઠાની ટુકડી કાપી નાંખી, ને મધ્યે નવરોઝે ઝોંકાવ્યું. રણજિતસિંહે પોતાનું પરાક્રમ બતાવવામાં બાકી રાખી નહી તેણે છ મોટા મરેઠા સરદારોને કાપી માલુસરેના ઘોડાને કાપી નાંખ્યો. પણ તેટલામાં રામરાવ નામના મરેઠા સરદારે ધસી આવી તેના હાથ પર ધા કીધો, ને તેના ભાલાને દૂર ફેંકી દેવડાવ્યો. પણ આ ભૈયનજી પહેલવાન જરા પણ હટ્યો નહિ; તે ડાબે હાથે રામરાવનું પેટ ચીરી તેના ઘોડા ઉપર ચઢી બેઠો. તેણે પાછું વિશેષ જુસ્સાથી ધુમવા માંડ્યું. તેના એક હાથમાંથી લોહીની ધાર વહી જતી હતી. કેસરીયાં કરવામાં બહુ આગ્રહી થયલો તે તેવે જ વેશે ઘણા જુસ્સામાં ધસ્યો ગયો. આ તેનો ભયંકર વેશ જોઈ મરેઠા લશ્કરમાં અતિશય ભય પથરાયો અને નાગરિક સેનાને વધારે શૂર છૂટ્યું. “ધસો ! ધસો !” ઘણેક મોટેથી રણજિતસિંહે બૂમ પાડી, “શું જુઓ છો, પેલા હરામખોરને હમણાં તોડી પાડીશ, ને તેના શિરના કકડેકકડા કરી નાંખીશ.” આમ બોલવાની સાથે તે શિવાજીની તરફ ધસ્યો. તેનું કાલીપરજનું લશ્કર તેની પૂઠે ચાલ્યું. પણ આ બંને એક બીજાની ટક્કર ઝીલે, તેટલામાં વચ્ચે મોરો તીમલ આવ્યો ને આ બન્ને વચ્ચે ખૂબ જોરમાં લડાઈ ચાલી. મોરોએ રણજિતસિંહને જોતાં જ તેની સામા પોતાનો ઘોડો દોડાવ્યો, ને તોમર કાઢીને એકદમ તેનો ઘા માથામાં માર્યો કે, તે ત્યાં જ પડ્યો, પણ રણજિતસિંહે ભાલાની અણી એવી તો જોરમાં મારી કે, જો મોરો નીચે નમી ગયો નહોત તો એકદમ તેનું બખતર ફાડીને છાતી ચીરી નાંખત. મોરોના ઘોડાને ભાલો લાગતાં જ પડ્યો ને જો યેસાજી કંક પોતાના માવળા સાથે આવી ન પહોંચ્યો હોત તો મોરોને મારી નાંખવાને રણજિતસિંહ ચૂકત નહિ. હાથોહાથની લડાઈમાં પોતાના ગુરજથી એકદમ રણજિતસિંહે પ્રહાર કીધો ને મોરો પડ્યો. તેની છાતીપર ચઢી બેસવા આ વિકરાળ ભયંકર શૂરવીર ગયો, પણ યેસાજી કંકના એક માવળાએ આવી પીઠનો ધા કીધો ને રણજિતસિંહ એકદમ પડ્યો. પડતાંની સાથે લશ્કરમાં મોટો હાહાકાર થઈ રહ્યો.

નાગરિક લશ્કરમાં ઘણો ભય પથરાયો અને તેનું જોર નરમ પડ્યું પણ એકદમ શુરવીર સુરલાલે “હર ! હર મહાદેવ,” “જય કાલી” એમ બૂમ પાડી સહુને શૂર ચઢાવ્યું. પાછો રંગ રહ્યો ને મરેઠાઓ એમ જાણતા હતા કે, રણજિતસિંહના મુવાથી નાગરિક સેના પાછી હટશે, તેમાં તેઓ ખોટા પડ્યા. બન્ને બાજુએથી ઘણા જોશમાં પાછી લડાઈ ચાલી. થોડી પળ સઘળે અંધકાર છવાઈ રહ્યો. ધૂળના ગોટેગોટા ઉડી રહ્યા. કોઈને કોઈનું મેાંહ સૂઝતું નહોતું અને કયો પક્ષ વિશેષ બળવાન છે તે પણ જણાતું નહોતું. નવાબ પોતાના ગુલામો સાથે ધસ્યો ગયો ને બંને બાજુનો રસ્તો સાફ કરી નાંખ્યો. કોઈ પણ તેની સામા લડવાને હિંમત ધરતા નહિ ને તાનાજી માલુસરેના દિલમાં જબરો ડાઘ હતો; તથાપિ તેની પણ તેની સામા જવાની હિમત ચાલી નહિ.

ક્ષણભર એમ માલુમ પડતું હતું કે, મરેઠાઓ ધણુ આગળ વધીને શત્રુઓને ઠાર કરશે પણ નવાબે પાછી કાપણી ચલાવી. આ નહિ જોઈ રહેવાયાથી પોતાના માવળાએાના લશ્કર સાથે મોરોપંત અગાડી મેદાનમાં આવ્યો ને પોતાની તરવાર તેની સામે ચલાવી પહેલે સપાટે પાંચ હબશી ગુલામોને કાપી નાંખ્યા ને રમાના માથાપર તરવાર મારવા ઉગામી, પણ તેટલામાં નવાબનો ભાલો વચ્ચે આવવાથી તે બચી ગઈ, પણ તેનો બચવાનો આરો નહોતો. શત્રુનું બળ વિશેષ હતું ને આ નાજુકડી, ગમે તેટલી કઠણ હૈયાની છતાં પણ બેભાન થવા આવી, “જો એ પડશે તો ઘણું ખોટું એમ ધારીને મોતી તેની પછાડી આવી. મોરોપંતને તરવારથી જવાબ દીધો. આ ફટકો ઘણો નરમ હતો, પણ તેથી મોરોને ઘણું લાગ્યું. તેનાથી તે ખમી શકાયું નહિ. તે મોતીને મારવા ધસ્યો; પણ નવાબે આવતાંની સાથ તેની આસપાસના છ માવળાઓને કાપી નાંખ્યા, ને પોતાની સામા આવવાને તેડ્યો. તે ગભરાયો ને વિચાર્યું કે હવે બચવાનો નથી, પણ તેટલામાં તાનાજી તેની મદદે આવ્યો ને લડાઈની બાજી ફરી ગઈ. માલુસરેએ ઘાસ કાપવા માંડ્યું નાગરિક સેનાએ પાછાં પગલાં ભર્યાં. તેમની હિંમત, બળ ને જુસ્સો સહુ નરમ થઈ ગયાં; તેમનાં મોટાં હથિયારો પણ નરમ જણાયાં; નવાબે ચલાવેલી બહાદુરી પણ નરમ જણાઈ; ને નવરોઝનો ઘોડો મરણ પામવાથી તેનામાં જોઈયે તેટલી હોંસ રહી નહિ. નાગરિક સેનામાં ભંગાણ પડ્યું, ને પોતાનાં બળ સાહસપર હિંમતથી ઘુમેલાએાએ પૂંઠ પકડી. હિંદુ ને મુસલમાન બંને પાછા હટ્યા ને શહેરમાં જવાને જાણે મરેઠી સેનાને માર્ગે કરી આપતા હોય તેમ નાઠા.

“ફતેહ ! જય ! જય !” એકદમ મરેઠી સેનામાંથી કીકીયારી સાથનો પોકાર પડ્યો, “મારો, પેલા બાયલાઓ નાઠા છે, જુઓ છો શું ? અગાડી વધીને કાપી નાંખો.” નવરોઝ એકદમ ગભરાઈ ગયો, ને નવાબ પણ આ અચાનકના બનાવથી બાવરો બની ગયો; જો કે નવરોઝ એકદમ પછાડી જઈને દોડતા લશ્કરને પાછું વાળવાને ઘણું મથ્યો, પણ તેનાથી કંઈ વળ્યું નહિ. જનાનાના રખવાળ હબશીઓ પણ હટ્યા, મુસલમાન સેના પણ હટી ને જોશમાં આવેલા નાગરિકો પણ પાછા હટ્યા.

ભૂત પેઠે મરેઠાઓ ગાંડા બન્યા, ને સૌને કાપવાને તૈયાર થયા. પણ તેટલામાં શિવાજીએ આવીને સહુને અટકાવ્યા. તે જાણતો હતો કે હજી ઘણું કામ લેવાનું છે, માટે એકદમ ગાંડા બની જશે તો ઘણું ખરાબ થશે. બંને બાજુએ હજી ઘણું કરવાનું છે ને ઘણું વેઠવાનું છે. ઘણા માણસો બંને પક્ષના આ પહેલી લડાઈમાં માર્યાં ગયાં છે, તેમાં નાગરિક કરતાં મરેઠામાંથી વિશેષ મુઆ છે એમ જ્યારે શિવાજીએ જાણ્યું ત્યારે તે ઘણો વિસ્મય પામ્યો. તાનાજી સામો આવીને ઉભો હતો, તે હવે કયો માર્ગ પકડવો તેનો વિચાર પૂછતો હતો; પણ બંનેમાંથી એકની પણ બોલવા માટે જીભ ઉપડી નહિ. એક બીજાનાં મેાં જોયા કરતા હતા. શિવાજી જે રીતે જોતો હતો તેના કરતાં માલુસરેનું જોવું વધારે વિચિત્ર હતું. તેનાથી જ્યારે ગુપચુપ રહેવાયું નહિ ત્યારે તેણે જ શાંતિ તોડી નાંખી:-

“તુરકડાએાએ ઘણો ગજબ કીધો છે, ને આપણા દોઢસો માણસો મેદાનમાં પડ્યા છે. મોટા સરદારો પણ પડ્યા છે, ને હવે જો આ નાઠેલા સિપાઈયો પાછા આવશે તો વિશેષ લાભ કે ગેરલાભ થશે. મારા તાબેદાર લડવૈયાઓ હવે એક નિવેડો લાવવા માગે છે, કાં તો હવે એકદમ ધસવા દો કે કાં તો પાછા હટો.”

“અને આ બધું એક બિનકેળવાયલા મલ્લે કીધું ?” પોતાની આસપાસ પડેલાં મડદાંને જોઈને, પોતાનો ટોપ માથાપર ઉંચો ખસેડી દાંત કચકચાવતાં, પણ બખ્તર સંભાળતાં શિવાજી બોલ્યો, “ધણું જવાંમદીં ભરેલું કામ કીધું છે. ભીમસેનને હટાવે તેવો પેલો તુરકડો છે.” “એ ઉપમાને તો તે યોગ્ય છે;” માલુસરે બોલ્યો; “પણ તેનું બળ હવે તૂટી ગયેલું છે. પેલો વિકરાળ દૈત્ય પડ્યો, તે પછી નાગરિક સેના નરમ ઘેંસ જેવી થઈ ગઈ છે. શત્રુ પાસે જો સારાં હથિયાર હોત તો ખરે આપણને તોબા પોકરાવત, પણ તેમના ભાલા બુઠ્ઠા છે ને વળી જૂના પણ છે, તેથી જોઈયે તેવું કામ કરી શકતા નથી.”

“મને ભય છે.” શિવાજી મરેઠીમાં બબડ્યો, “હમણાં તેઓ પાછા હટ્યા છે, પણ ક્ષણવારમાં પાછા દોડી આવશે ને ઘણો જબરો મારો ચાલશે તો આપણને આ નાના નાળામાંથી નાસવું વિકટ થઈ પડશે."

“બસ, મારો ને તમારો એક જ વિચાર થયો છે,” માલુસરે એકદમ બોલી ઉઠ્યો, “હવે આપણે આપણું કામ ઝટપટ આટોપી દેવું જોઈએ. પરશુરામ અવતાર ! આપ જાણો છો કે જયનો પરાજય થતાં વિલંબ લાગતો નથી. મારી પાસે જે તીરંદાજો છે તેમનાં તીરો કશા ખપમાં લાગ્યાં નથી, ને હાથોહાથની લડાઈમાં તેમનો ઘાણ નીકળી ગયો છે. હવે તો પંઢરીનાથને હાથ સધળી વાત છે.”

“પણ શું આપણે હમણા તાકીદથી એક કામ નહિ કરી શકીશું ?” શિવાજીએ પૂછ્યું, “એકદમ પાછો ધસારો કરીને વિચાર કરતાં ને બળ પાછું ભેગું કરતાં તેમને અટકાવી નહિ શકીશું ?

“શામાટે નહિ ?” માલુસરેએ જવાબ દીધો. “આ આપણું વિવાદ યુદ્ધ ખરેખર ઘણું શોકકારક છે કે પહેલે સપાટે મોટી હારમાં આવી પડ્યા છીયે. જો હવે તરત જ કંઈ પણ થશે તો ખચીત ઘણો મોટો જય થશે. ભવાનીની પ્રાર્થના કરવી જોઈયે કે, તે આપણા હાથમાં વિશેષ બળ આપે ને શત્રુને નીચા પાડે.”

“ત્યારે તું જલદીથી સઘળાઓને ભેગા કરી પૂછી જો બધું !” શિવાજીએ કહ્યું.

“પણ શાને માટે ?” ગમગીન ચહેરે માલુસરેએ પૂછયું, “મારો એવો વિચાર છે કે હવે આપે આગેવાની કરવી - સૌને મોખરે થઈ જે અને તે ખરું એમ ધારીને કૂદી પડવું ! જો હું કદી અગાડી પડીને કંઈ કરીશ તો તેથી કંઈ આપણી સેનાના સ્વારોમાં ઘણો ઉમંગ આવશે નહિ. આપ રાજાધિરાજ અગાડી પધારશો તો પછી નક્કી જાણો કે સૌ લશ્કર, જે હમણાં નિરાશામાં છે તે ઉમંગમાં આવીને લડવા તૈયાર થશે. મારું માનો તો કહો આપણા ઘોડેસ્વારોને, કે એકેક માથાદીઠ એકેક નાગરિક વધૂને યોગ્ય તમે ભરથાર ગણાશો. મારા માવળાઓ ને અહમદનગરના વિરલાઓ તો તત્પર છે, પણ બીજાઓને સમજાવવા જોઈશે. શાબાશ છે કે સામા લશ્કરમાં ખરી વીરનારી પેઠે બે સુંદરીઓ લડે છે, ને તેમણે આપણા ઘણા ઘોડેસ્વારેનાં માથાં ધૂળમાં રગદોળાવ્યાં છે."

“બેશક ! માલુસરે ! મોટા આશ્ચર્યની વાત છે કે, તેમાં મારી રમા જેવી પણ છે. બંનેનાં નિશાન વીરપુરુષના જેવાં છે. તેઓ પુરુષને હટાવે તેવી રીતે ઘૂમે છે !” આશ્ચર્યથી શિવાજી બોલ્યો.

“ખરે મહારાજ, મારી એવી ઇચ્છા છે કે, એ બન્નેને આપણે તાબે કરીએ ને આપ જ એની સાથે લગ્ન કરી સંસારસુખ ભોગવી આપના જેવા શૂરવીર ને ઉત્તમ રત્નનો જન્મ આપો કે જે સારી રીતે આપણું રાજ્ય ચલાવે.” માલુસરેએ ઘણું બારીકીથી શિવાજી સામા નજર કરીને કહ્યું.

“હમણાં એ વાત રહેવા દે !” શિવાજી ગુસ્સાથી બોલ્યો. “રણક્ષેત્રમાં સંસારવિલાસની વાત તને કેમ પ્રિય લાગે છે ? આપણી સઘળી આશા ધૂળમાં મળી જાય છે ને તું આવો નકામો વિચાર કરે, એ જ મોટી હાનિકારક વાર્તા છે. પણ જા;” જરાક વિચાર કરીને શિવાજીએ માલુસરેને કહ્યું: “જો કાઈપણ સુંદરીને તું જિતશે, તો તે માલ તારો પોતાનો થશે, માટે તારાથી બનતો યત્ન કરજે. હવે જલદીથી સઘળી ગોઠવણ કરીને અગાડી વધવું, પણ પાછા તો હઠવું નહિ જ, એ જ મારો નિશ્ચય છે. તારા ને મોરોપંતના માણસોને અગાડી મૂકજે કે તેઓ પાછા હટે નહિ.”

આમ બોલી બંને જૂદા પડ્યા, તાનાજીએ પોતાના માણસોને આવી સાવધ કીધા, ને મોરોપંતને પોતાના માવળાઓની ટુકડી સાથે અગાડી લાવ્યો. સઘળાઓ આ બાજુએ તૈયાર હતા.

આ વેળાએ નાગરિક સેના વિસામો ખાતી દરવાજા નજીક અટકીને ઉભી હતી. જુસ્સામાં ને ભયમાં આવેલા તે પહેલાં તો કોઈના ખાળ્યા ખળ્યા નહિ; પણ નવરોઝે ઠેઠ પછાડી જઈને સૌને અટકાવ્યા. આ વેળાએ ખરી મહેનત તો મોતી ને મણીની હતી; તેમણે સહુથી અગાડી જઈ, મોંપરનો બુરખો ખસેડી સેનાના નાસતા શૂરવીરોને શરમાવ્યા.

“ઊભા રહો ! ઓ હીચકારા, બાયલા, નામરદો ! નાસીને ક્યાં જાઓ છો ?” મોતીએ બૂમ પાડી કહ્યું:-“અમારા કરતાં પણ તમે ગયા? તમને શરમ આવતી નથી કે, અમે સ્ત્રીઓ ખરી મરદાઈ ને બહાદરીથી આ નગરના રક્ષણ માટે દૃઢ મનથી ઉભી રહીએ છીએ ત્યારે તમે નાસો છો ? નાસીને તમે જશો ક્યાં? કંઈ આટલામાં નાસવાની જગા છે વારુ ? કદી શહેરમાં જઈને ભરાશો તો પેલો ચંડાળ ભૂત, એકદમ દોડી આવી તમને, તમારાં બચ્ચાં છોકરાંને તમારી વહાલીઓ આગળ કાપી નાંખશે, ત્યારે પછી શું કરશો ? તમારી સ્ત્રીઓને, તમારાં બચ્ચાંને, તમારાં માબાપોને મારી નાખશે, તે વેળા તમે પસ્તાશો નહિ ? જાઓ તમારે માટે દરવાજો ખુલ્લો છે, પણ તમારી કીર્તિ એથી વધશે નહિ; તમે હીજડામાં ગણાશો, ને અમે તમારી જગ્યા સાચવી આજ મેદાનમાં પડીશું ત્યારે તમે હમેશાં જ રડશો. બેહતર છે કે તમારે બદલે તમારી સ્ત્રીઓ રણક્ષેત્રમાં આવી હોત ! આ જુઓ અમારા પગમાં કેટલા ઘા છે, પણ હું ને આ મારી બંને વીર બહેનો જરા પણ હટી નથી, ને તમે મળેલા જયને પરાજય કરી નાસો છો ! શરમ ! લ્યાનત ! હયફ !"

આ ભાષણ એવી તો છટાથી, એવા તો દિમાગ ને ગર્વથી મોતીએ કીધું કે, એકદમ આખા લશકરમાંથી “રંગ છે ! ધન્ય છે ! શાબાશ !” એવા પોકાર થઈ રહ્યો.

નવરોઝ પણ આ વેળાએ આવીને ઉભો હતો ને નવાબ પણ તૈયાર હતો. લશ્કરપર જે અસર થઈ તે તેમણે જોઈ, નવાબે જોયું કે બાજી બગડી છે, પણ એને ઠેકાણે લાવી શકાશે.

“મામલો સઘળો બગડી ગયો નથી,” નવાબે કહ્યું, “તમારે જોઈયે તો પાછા જાઓ, તમારે જોઈયે તો અમારી સાથે ચાલો. અમને અમારી જિંદગીની કશી પણ કિંમત નથી, પણ યાદ રાખજો, ફરીથી કહું છું કે કોઈ પણ બચવાના નથી, ને અમારી સહાયે તો મુસલમાનોનો અલ્લાહ ને હિંદુનો રામ છે! અમે જ જય પામીશું ને તમે તે વેળા તમારી સ્ત્રીઓને મોં બતાવવાની હિંમત પણ કરશો નહિ.”

“અમે મરવા તૈયાર છીએ,” “હમ મરનેકો તૈયાર હયઁ” એમ હિંદુ અને મુસલમાન બંનેમાંથી સામટો જવાબ મળ્યો.

સઘળા માણસોને પાછા એકઠા કીધા, દુમાલના મેદાનમાં પાછી લડાઈ કરવાને પાંચ ટુકડી તૈયાર કીધી ને દરેક જણે પોતપોતાની ટુકડીનું ઉપરીપણું પોતાના તાબામાં લીધું. નવાબ સહુની મોખરે થયો એટલે નવરોઝ અગાડી આવીને બેાલ્યો:-“ખુદાવંદ ! જો આપની ઇચ્છા હોય તો આજે મારો હાથ બતાવું ! મને અગાડી ધસવાદો- લશકરને તમે સંભાળો.”

“તેમ નહિ બને !” નવાબે જુસ્સાથી કહ્યું, “નવરોઝ, આજે જયની કીર્તિ હું કોઈ બીજાને આપીશ નહિ, સઘળી વ્યવસ્થા સુરલાલને સોંપ, તે બરાબર ગોઠવણ કરશે, ને આજની લડાઈમાં જે મરશે તેને હૂર વરશે.” સુરલાલના હાથમાં સઘળી વ્યવસ્થા સોંપવામાં આવી. નવાબે પોતાની દૂરબીન કાઢી દૂર નજર ફેરવી તો માલુમ ૫ડ્યું કે મરેઠી સેના પણ તૈયાર થઈ છે, તેટલામાં એક સંદેશો લાવનારે આવીને કહ્યું કે “મહારાજ ! અમારી કાલીપરજની સેનાનો ઉપરી રણમાં પડવાથી જુવાનસિંગે તેનું ઉપરીપણું લીધું છે. તે એટલી હિંમતથી કહે છે કે, પેલા ચંડાળ લૂટારાનું કાળુંમેશ કરીને માટે જય મેળવીશ. પણ અમારા લશ્કરની યોજના અમને જ કરવા આપે હુકમ આપવો જોઈયે.”

“જો તે બરાબર બંદોબસ્ત રાખે તો અમારી ના નથી.” નવાબે કહ્યું “જો તમે તમારી યોજનાથી લડવા માગતા હો,”નવરોઝે તે સંદેશો લાવનારને કહ્યું, “તો મોખરે રહીને સૌથી પહેલો હલ્લો કરો, ને અમારું લશ્કર બંને પાંખો કાપી નાંખશે. પણ તારા જુવાનસિંગને કહેજે કે, જો પૂરી બહાદુરીથી લડશે નહિ ને કંઈ પણ દગાફટકાની વાત કરશે તો તને શત્રુ જેવો ગણી પહેલો પીખી નાખીશું. જા, જલદી જા ને મોખરે આવીને ઉભા રહે.”

સંદેશો લાવનારે ઘણા જોરમાં પોતાનો ઘોડો દોડાવી જઈને પોતાના ઉપરીને સંદેશો કહ્યો.