શૂન્યહ્રદય મુગ્ધા
નરસિંહરાવ દિવેટિયા
(ઢાળ : મોહે ઘર આજ રંગીલી રેન, કે પ્રીતમ પરાહૂના, મહારાજ!)



શૂન્યહ્રદય મુગ્ધા

સુખદ આ વસત્નમાં ભૂલી ભાન, વિવશ તું કાં બની ? સજનિ !
વીખરી તુજ વાળ રહ્યા ઠરી ભાલ, વિવશ તું કાં બની ? સજનિ !

લ્હેર'તી જ્યોત્સના આકાશે, ચંદા સ્મિત નિજ તેથી પ્રકાશે;
ઢાળતી મલ્લિકા ચોપાસે ઢગલિયો સુગન્ધની સજનિ ! સુખદ૦

જો શું બપિયા બોલ ઉચારે, પિઉ પિઉ કરી શા મધુર પુકારે;
કૂહુ કૂહુ સહુ કુંજાગારે વાણી કોકિલા તણી, સજનિ ! સુખદ૦

હસે ચંદ જો મધુરે હાસે, આ મુખચંદ મલિન કાં ભાસે?
કરે ગાન પંખી ઉલ્લસે અબોલા તું કાં ઘણી, સજનિ ! સુખદ૦

ચાલ્ય, કુંજ વીણી માલતિ ખીલી, માળા ગૂંથિયે, ઊઠ્ય, હઠીલી !
ગીતડાં ગાઇ ગાઇ, રસીલી ! સુખે ગાળિયે રજની, સજનિ ! સુખદ૦