શ્રી આનંદધન ચોવીશી/શ્રી નમિનાથ સ્વામી

← શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી નમિનાથ સ્વામી
આનંદધન
શ્રી નેમિનાથ સ્વામી →
(રાગ : કાફી આઘા આમ પધારો પૂજ્ય)



(૨૧) શ્રી નમિનાથ સ્વામી

(રાગ : આશાવરી)


ષટ્ દરિશણ જિન અંગ ભણીજે, ન્યાસષડંગ જો સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસ્ક, ષટ્ દરિશણ આરાધે રે... ષટ્ દરિશણ... ૧

જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભરે રે;
આતમસત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે રે... ષટ્ દરિશણ... ૨

ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર હોય કર ભારી રે;
લોકાલોક આવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે... ષટ્ દરિશણ... ૩

લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જે કીજે રે;
તત્ત્વ વિચાર સુધારસધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે?.. ષટ્ દરિશણ... ૪

જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે;
અક્ષર વ્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે... ષટ્ દરિશણ... ૫

જિનવારમાં સઘળાં દરિશણ છે, દર્શને જિનવર ભજના રે;
સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે... ષટ્ દરિશણ... ૬


જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે;
ભૃંગી ઈલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે... ષટ્ દરિશણ... ૭

ચૂર્ણી ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે;
સમય પુરુષનાં અંગ કહ્યા એ, જે છેદે તે દુર્ભવિ રે... ષટ્ દરિશણ... ૮

મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે;
જે ધ્યાવે તે નવિ વંચીજે, ક્રિયા આવંચક ભોગે રે... ષટ્ દરિશણ... ૯

શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે;
કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષાવાદ ચિત્ત સઘળે રે... ષટ્ દરિશણ... ૧૦

તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કરીએ રે;
સમય ચરણ સેવા શુદ્ધ હોજો, જિમ આનંદધન લહીએ રે... ષટ્ દરિશણ... ૧૧