સંગતસંસાર
સંગતસંસાર ગોવર્ધનરામ ત્રિપાઠી |
સંગતસંસાર
ગોવર્ધનરામ ત્રિપાઠી
પાંથ:-" અરર ઓસખી ! શું કર્યુંજ આ?
વિષમ પુછીયો પ્રશન દુઃસહ !
ઉંઘી હતી ઘડી સર્વ સંસ્મૃતિ,
હ્રદય વીંધતી જાતી તે ફરી. (૧)
મુકી તને ગયાં બે જણાં અમે,
વિવિધ દેશમાં સંચર્યા પછી;
ઘનુંક જોયું ને, ઘણુંક વેઠ્યું ત્યાં;
મુખથી સ્પર્શીને મુખ, બેરડ્યાં. (૨)
નહી હતાં કંઈ હરીયાં ઉરે,
નભ સુધી ઉડી હામ ઉભી'તી;
ઘણીક આશને ઘણીક હોંશ તે
પ્રબળ હામને ટેકી નાચતી. (૩)
અસુર લોકમાં ગાજતો ઘણું,
સમરસાગરે તરી તરી, શુણું
તુજ સખી મુખે-"ધન્ય ! ધન્ય!" -ત્યાં
વિજયસિદ્ધિ આ ચિત્ત પામતું. (૪)
હણી હણી ઘણા દાનવો, દીધું
અભય લોકને, હે સખી, ઘણું;
હ્રદય બે તણાં શાં ફુલ્યાં જ ત્યાં?
હત તું ત્યાં જ તો ર્ હેત ના મણા. (૫)
હ્રદય ઝાલીને એકમેકને,
ભવ-નિધિ વીશે દોડતાં હતાં;
નીરખીને ગતિ એકમેકની,
ફુલી ફુલી ઘણું હાંફી બાઝતાં. (૬)
કરી કરી સૌ કાર્ય ચિન્તવ્યાં
મન વિમાસીયું શાન્તિ પામવા;
અકળ દૈવની ત્યાં ગતિ દીઠી!
બની જ તે શું ના "ના બની" બને? (૭)
અબુધ માનવો કલ્પના ઘણી,
મન વીશે કરી ભોગ માણતા;
શઠ વિધિ કંઈ ભિન્ન ધારતો
અરર ! ક્રૂર એ શું થઈ હસે ! (૮)
ભુવનમાત્રને એ રમાડતો,
ઘડી ઉછાલીએ ફેંકી નાંખતો;
નહી કંઈ દયા ચિત્ત તેહને,
કપટખેલમાં દુષ્ટ એ રમે. " (૯)