સગપણ સાચું જાણે શ્રી ઘનશ્યામનું રે

સગપણ સાચું જાણે શ્રી ઘનશ્યામનું રે
દેવાનંદ સ્વામી



સગપણ સાચું જાણે શ્રી ઘનશ્યામનું રે

સગપણ સાચું જાણે શ્રી ઘનશ્યામનું રે,
કેવલ બીજું માને કુડેકુડ રે,
સગા સંબંધી સ્વારથ કેરાં સોબતી રે,
મેલી જાસે મુખમાં નાખી ધુડ્ય રે... સગ ૧

દેશવિદેશે ડોલે ધનને કારણે રે,
પ્રભુ વિસારી લાલચમાં લપટાય રે,
ભાગ્ય વિનાનો ભટકે પામર પ્રાણીયો રે,
જોને તારું જીવત એળે જાય રે... સગ ૨

કાલ અચાનક ફોજું આવે કારમી રે,
ઘેરી લેવે ઘાટો ઘરનું બાર રે,
નાડી તૂટે આંખ્યું બાર્યે નીસરે રે,
તે ટાણે શામળિયો કરતલ સાય રે... સગ ૩

એટલા સારુ કરજે એનો આશરો રે,
માથે પડતાં મટશે જમના માર રે,
દેવાનંદ કહે દાસપણામાં લાભ છે રે,
પ્રેમ કરીને રાખો મનમાં પ્યારા રે... સગ ૪