સત્યની શોધમાં
ફારગતી
ઝવેરચંદ મેઘાણી
ભિખારો →


1

ફારગતી

ઢાર-ઓગણીસ વર્ષની ઉંમરનો જુવાન શામળ જ્યારે પોતાને રામપુર ગામથી બપોરે પગપાળો સ્ટેશને આવીને ઊભો રહ્યો, ત્યારે ગાડી આવવાને હજુ ત્રણ કલાકની વાર હતી. સાંધાવાળાને એણે પૂછી જોયું : “આગલું સ્ટેશન ભદ્રાવાવ કેટલું દૂર હશે ?”

“ચાર ગાઉ – ચાર દુ આઠ મૈલ.”

“કેટલી ટિકિટ લાગે ?”

“ત્રણ આના.”

શામળને વિચાર થયો : તો પછી આંહીં શા સારુ ત્રણ કલાક બગાસાં ખાતો બેઠો રહું ? કલાકના બે ગાઉના હિસાબે બે કલાકમાં તો હું રમતો રમતો ત્યાં પહોંચી જઈશ. ને ત્યાંથી જ નવીનાબાદની ટિકિટ કઢાવીશ. સહેજે ત્રણ આનાની બચત થઈ જશે.

પોતાની પાસે બે જોડ કપડાંની બગલથેલી ઉપરાંત બીજો કશો સામાન નહોતો. પાતળા તોયે ખડતલ પગવાળો જુવાન ગાડીને પાટે પાટે મોટી ડાંફો ભરીને ચાલવા લાગ્યો.

શામળ એક વ્યાપારી-ખેડૂતનો દીકરો હતો. રામપુરમાં એના બાપનાં ખેતરવાડી હતાં અને ધીરધારનો ધંધો પણ હતો. રામપુર નહીં નાનું તેમ નહીં મોટું એવું એક કસબાતી ગામ હતું. પોતે એ ગામની એંગ્લો-વર્નાક્યુલર શાળામાં ચારેક ધોરણ અંગ્રેજી પણ ભણ્યો હતો. પછી બાપની મદદમાં રહી, હિસાબ વગેરે રાખતો. રામપુર રેલવેલાઈનથી બે ગાઉ દૂર હતું. મોટર-સર્વિસ થયા પછી ત્યાં બે હોટલો ઊઘડી હતી. ગામની નજીકમાં ભદ્રાવતી નદીને કિનારે એક પુરાતન ગઢનાં ખંડિયેરો હતાં તે જોવા માટે ઘણા પ્રવાસીઓ આવતા. એમાં કેટલાક તો પરદેશ ચડાવવા સારુ ગાયભેંસો ખરીદનારા એજન્ટો, વીમા કંપનીઓના દલાલો, હાડકાં-ચામડાંની નિકાસ કરનારાઓ અને શહેરમાં ઊભી થતી નાની નાની વેપારઉદ્યોગની પેઢીઓના શૅર ખપાવનારાઓ પણ આવતા. એટલે ભદ્રાવતી નદીના કિનારા તથા પુરાતન ગઢનાં ખંડિયેરમાં આવેલા માતાના થાનકનો ઓટો સિગારેટનાં ખોખાંથી છવાયેલો જ રહેતો અને ગામનાં નાનાં છોકરાં એ ખોખાંનો ‘ટેસ’ ઉડાવતાં.

શામળ એ ગામટોળીથી જુદો પડેલો ઉદ્યમી જુવાન હતો. એને નાનો મૂકીને મરી ગયેલી માતાની એક કોઈ જૂની, ઝાંખી પડી ગયેલી, ધુમાડેલ છબી શામળ પોતાના સૂવાના ખૂણામાં જ રાખતો; ને બાનું ઉછેરેલ એક તુલસી-કૂંડું પણ પોતે જ પાણી પાઈ લીલુંછમ રાખતો. પોતાનાથી મોટેરા બે ભાઈઓ હતા. બાપુ જાતખેડ કરી કરીને તેમ જ ધીરધારમાંથી એક હજાર રૂપિયાની મૂડી સંઘરી શકેલા. બા મરી ગયા પછી બાપુને અકાળે બુઢાપો આવી ગયેલો.

શામળ દેશાટન કરવા નહીં પણ રળવા નીકળ્યો હતો. આટલી ફૂટતી ઉંમરમાં કમાવા નીકળવું પડ્યું તેનું એક કારણ બન્યું હતું. રામપુર ગામમાં એક વાર એક અસ્તરીબંધ કોટપાટલૂન પહેરેલ ફાંકડો બંકડો અને વાતશૂરો કામણગારો મુસાફર આવેલો. એની સિગારેટોના ધુમાડામાંથી એવી મીઠી સોડમ ફોરી ઊઠેલી કે ગામના જુવાનો એની આસપાસ ફૂલભોગી ભમરાની પેઠે વીંટળાઈ વળેલા. ભદ્રાવતીને કાંઠે ગઢનાં ખંડિયેર જોવા એને શામળના બેઉ મોટેરા ભાઈઓ જ લઈ ગયેલા. રસ્તામાં એણે કેટલીય વાર વીજળીની દીવીને ચાંપો દાબી દાબી સિગારેટો સળગાવી; અને એણે નવીનાબાદ વગેરે નગરીઓનાં નાટકસિનેમાનાં – ઓહ ! શાં શાં ઝળકતાં વર્ણનો આપ્યાં.

“તમારો ધંધો શો ?” છોકરાઓએ એને પૂછ્યું.

“મેસર્સ મૅનિંગ્સ ઍન્ડ ઈઝેકસન્સ, બૅન્કર્સ ઍન્ડ બ્રોકર્સનો હું એજન્ટ છું. જોયું આ ?” એમ કહી એણે પોતાના પાકીટમાંથી સોનેરી અક્ષરોવાળાં પોતાનાં બે વિઝિટિંગ કાર્ડ કાઢીને બંનેને અક્કેક દીધું ને કહ્યું : “શું તમારા જેવા જુવાનો આ ગધ્ધામજૂરી કરતા બેઠા છો ? બાપના કૂવામાં શા માટે બૂડી મરો છો ? અહીં શું કમાવ છો વર્ષદા’ડે ?”

“દોઢસો રૂપિયાના દાણા નીપજે અને જૂની ઉઘરાણીઓ પતે તેમાંથી વહેવારિક ખરચા નીકળે.”

“હા-હા-હા-હા !” એજન્ટે કોઈ કામણગારું હાસ્ય કર્યું : “દોઢસો તો વરસદા’ડે મારે ચા અને બીડીમાં ચાલ્યા જાય છે. દોલત આંહી દેશમાં કેવી ! આંહીં તો ધૂળ છે ધૂળ. નાણાં તો પાથર્યાં છે, ભાઈ, શહેરમાં. અલબેલું નવીનાબાદ જેણે માણ્યું નથી તેનું જીવતર ધૂળ છે ધૂળ !”

“અમને કાંઈક ઈલમ ન બતાવો ?” જુવાનો ગરીબડાં મોં કરી પૂછવા લાગ્યા.

“ઇલમ ! ઇલમ તો મારા ગજવામાં જ છે; એક કરતાં અનેક. આ જુઓ.” એમ કહીને એણે છાપેલ સુંદર કાગળિયાં કાઢ્યાં. લીલા ચળકતા કાગળો પર એક ગંજાવર કારખાનાની, ત્રણ જુદી જુદી બાજુએથી પાડેલ તસવીરો હતી.

“આ લક્ષ્મીનગરની શ્રી લક્ષ્મીનંદન ગ્લાસ ફૅક્ટરી. આજ એક વર્ષથી લક્ષ્મીનંદન શેઠે કાચની શીશીઓનો હુન્નર ચુપચાપ ખડો કરેલ છે. કારખાનાની થાપણ પચીસ લાખ રૂપિયાની. દેશનો એ બુલંદ ઉદ્યોગ બનશે. એના શૅરના અત્યારથી જ રૂપિયા દોઢસો બોલાય છે, પણ હજુ વેચાતા નથી. અમારી કંપનીએ જ પાંચસો શૅર હાથ કરેલ છે. લ્યો તમને આપું. રોકવાં છે નાણાં ? છ મહિને દર શૅરે નગદ રૂ. 50 તમારા ખીસામાં; ઘેર બેઠે અને પરસેવાનું એક ટીપુંય નિતાર્યા વગર.”

ઘેર બેઠે ! અને પરસેવાનું એક ટીપુંય નિતાર્યા વગર !

છોકરાઓ બાપ પાસે દોડ્યા. બધી વાત સમજાવી. બાપને ગળે ઘૂંટડો ન ઊતર્યો : “ભાઈ, એ તો જૂગટું કહેવાય.”

“જૂગટું વળી શાનું ?” દુભાઈને બંને મોટેરા બોલ્યા, “ચોમાસે બમણાં-ત્રમણાં નાણાં નીપજશે એમ સમજીને આપણે જેઠ મહિને પાંચ ગાયો લઈએ, તો એમાં જૂગટું ક્યાં આવ્યું ?”

“અરે દીકરા !” રોજ મંદિરે જનારા બાપે એ દલીલને તોડવાનો કશો જવાબ દીધા વગર બીજું કારણ કહ્યું : “કારખાનાની બનાવટની એ શીશીઓ તો દારૂ ભરવામાંય વપરાશે.”

“એવું કાંઈ નહીં. એ તો બધુંય ભરવામાં વપરાય. એમાં આપણે શું ?” સહુથી મોટા પુત્રનું મોં ચડી ગયું.

“ને અત્યારે આ અવસર ચૂકશું,” વચેટ બોલ્યો, “તો પછી આખો અવતાર ખેડ કરી કરીને બરડો ફાડવાનો.”

આ દલીલમાં બાપને કશી જ ગમ ન પડી. પોતે આટલાં વર્ષોથી સાથીઓની જોડે કામે લાગીને ખેડતો, વાવતો, પંખી બિયાં ચરી જાય તો ફરીને વાવતો, પાતો, લણતો, ખળાવાડ કરતો, વાવલતો, દાણા ઘેર લઈ જઈ કોઠીમાં ભરતો; કડબના ભર ભરી ભરી ગંજીઓ ખડકતો, છતાં એમાં ક્યાંય બરડો કે કમ્મર ફાટવાની વાત નહોતી આવી.

બાપનું મન ઢચુપચુ જોઈને દીકરાએ કહ્યું : “તો પછી અમારે નોખા થાવું છે, અમને મજિયારો વેંચી આપો. અમે જ લક્ષ્મીનંદન કાચ ફેકટરીના શૅરો લેશું.”

માતાવિહોણા દીકરાઓને દુભવવામાં બાપનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પોતાની બધી પૂંજી એણે કાઢી આપી. પેલી મોટા લાંબા નામવાળી કંપનીના એજન્ટે એની પાવતીઓ પણ કાઢી આપી.

પછી તો રોજનું છાપું મગાવીને છોકરા ‘લક્ષ્મીનંદન ગ્લાસ વર્ક્સ’ના શૅરોના ભાવ તપાસતા થયા. આહા ! એક દિવસ તો ભાવ 16318 ઉપરથી ચડીને 16414 ઉપર ગયો ! પછી એક દિવસ એજન્ટોનો તાર આવ્યો કે “ભાવ પાછા 15658 થઈ ગયા છે, પણ એ તો ફરીથી ચડશે; માટે ફિકર ન કરવી.” છતાં બધાના શ્વાસ ઊંચા ચડી ગયા. ભાવ ગગડી જશે તો શું થશે ? આખી રાત બેસીને બાપદીકરાઓએ મસલત કરી. એક જણે નવીનાબાદ પહોંચીને ચોકસી કરવી એમ ઠર્યું. ત્યાં તો વળતી જ સવારે એજન્ટોનો કાગળ આવ્યો કે લક્ષ્મીનંદન શેઠ એકાએક બીમારીથી ગુજરી ગયા છે, કાચનું કારખાનું બંધ થયું છે.અને શૅરો નાદારીમાં ગયા છે. મોટો છોકરો હાથની બાંયો ચડાવીને ઊભો થયો; સાળા એજન્ટનું ગળું જ પીસી નાખું. બાપે એજન્ટને ઠપકાનો કાગળ લખ્યો. વિવેકભર્યો જવાબ મળ્યો કે શું કરીએ શેઠજી ! બજારની અચોક્કસતા વિશે તો અમે તમને પહેલેથી જ ચેતાવેલા હતા. એ તો તમને યાદ હશે કે અમે તમને આખી વાતના જોખમની હકીકત પ્રથમથી જ ખુલ્લેખુલ્લી સમજાવી હતી.

બાપને આવું કશું જ યાદ નહોતું. એની આખી પૂંજી ફના થઈ ગઈ. એક અઠવાડિયામાં તો એની ઉમર દસ વર્ષ વધી ગઈ હોય એવા એ બની ગયા. એને દમ લાગુ પડ્યો. એ પથારીવશ બન્યો ને ન્યુમોનિયામાં સપડાઈને પરલોક સંચર્યો. એની ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી શામળે ભાઈઓને ભેગા કરીને કહ્યું : “હવે આ ખેતરવાડી અને હાટડીનો વેપાર આપણને ત્રણને નહીં નિભાવી શકે. વળી મોટા ભાઈના તો વિવાહ પણ ઓણની સાલમાં કરવા જ પડશે. માટે હું દેશાવર રળવા જાઉ. હું નવીનાબાદમાં ધંધો કરીશ.”

“પણ તું ત્યાં શું કરીશ ?”

“જે કાંઈ બનશે તે. મારાં કાંડાંબાવડાં સાબૂત છે.”

“એ ઠીક છે.” મોટા ભાઈને વાત ગમી.

“ફક્ત મને ધંધે ચડતાં પહેલાં થોડી ખરચીની જરૂર રહેશે.”

“એ જ આફત છે ને !” મોટા ભાઈએ માથું ખંજવાળ્યું.

“કેટલા જોશે ?” વચેટે પૂછ્યું.

“ફક્ત ક્યાંયે રઝળી ન પડું એટલા; એકસો બસ છે.”

“ઓ બાપ ! એકસો કોણ આપે ?”

“આપણાં ખેતરમાંથી મારો ત્રીજો ભાગ વેચી નાખીએ".

 “નહીં, એમ ન વેચાય, મજિયારો વેંચ્યો નથી હજી.”

“પણ હું તમને વચન દઉં છું કે હું તમને સતાવવા પાછો નહીં આવું. આવીશ તો નાણાં લઈને જ આવીશ. તમે મારા વચન પર વિશ્વાસ રાખો.”

“ના, તારા ભાગની ફારગતી લખી દે.”

બીજે દિવસે મોટો ભાઈ ગામમાં જઈ રૂ. 80ની તજવીજ કરી આવ્યો.

“ફિકર નહીં. એટલા તો એટલા.” કહીને શામળે એક મોટા લાંબા ફારગતીના દસ્તાવેજ પર સહી કરી આપી. દસ્તાવેજમાં મોટો ભાઈ શું લખાવી લાવ્યો હતો તે વાંચવામાં પણ એને વિવેકભંગ ભાસ્યો. બીજે દિવસે એ બે જોડી કપડાં અને મૂએલી બાની છબી બગલથેલીમાં નાખીને ઊપડી ગયો. ઝભ્ભાની અંદરના બાંડિયામાં છાતી ઉપરના ગજવાની અંદર રૂ. 80ની નોટો પૅક કરી લઈ ત્યાં ટાંકણી ભીડી લીધી હતી. એની નીચે એનું કલેજું થડકાર કરતું હતું. જાણે શૌર્ય અને સાહસનાં વિશાળ મેદાન દેનારી સારી દુનિયા એની સામે ભુજાઓ પસારીને એને આદર આપતી ઊભી હતી. ગામડામાં બેસીને એણે જે થોડાં પુસ્તકો વાંચેલાં તેમાંની સાહસશૂર મુસાફરો અને ઈશ્વરભક્ત યાત્રાળુઓનાં અદ્ભુત દેશાટનોની કથાઓએ શામળની નસોમાં થનગનાટ મચાવી મૂકેલો. આજ એ તમામ થનગનાટનો આવેશ અનુભવતો શામળ પોતાની ચારકોસી આંબલીવાડી ઉપર એક મીટ માંડી, ભાઈઓને તેમ જ ગામલોકોને રામ-રામ કરી ચાલી નીકળ્યો.