સત્યની શોધમાં/વિનોદિનીને ઘેર

← વિશ્વબંધુત્વ-સમાજ સત્યની શોધમાં
વિનોદિનીને ઘેર
ઝવેરચંદ મેઘાણી
ભીમાભાઈ →




16
વિનોદિનીને ઘેર

બંગલામાં પ્રવેશ કરવાનાં બે બારણાં હતાં. પાછલું બારણું ઘરનાં નોકરીચાકરોને વાપરવાનું હતું. એ ઊઘડ્યું અને ઘરની કામવાળીએ બન્ને જણાંને પૂછ્યું : “કોનું કામ છે ?”

“અમારે બહેનને મળવું છે.”

“અત્યારના પહોરમાં ? બાઈનું મોં મલકાયું.

“કેમ ?” શામળને કશું સમજાયું નહીં. સવારના આઠ બજી ગયા હતા. કારખાનાની લાંબી લાંબી ચીસો પડી, અને લાખો માબાપો ધાવણાં છોકરાંને પણ ફગાવી દઈ કામે ચડ્યાં, તેને બે કલાક થઈ ગયા હતા.

“બહેન તો સૂતાં છે. દસ વાગ્યે જાગશે. અગિયાર બજ્યા પછી આવજો.”

શામળ અને તેજુ પાછાં વળ્યાં. તેજુ ચિંતવવા લાગી :પોતાની સ્વપ્નની પરી પ્રભાતની શીતળ લહેરખીઓમાં કેવા સુખથી સૂતી હશે ! એનું શરીર કેવી લહેરથી ઢળેલું હશે ! મારા સરખી અનેક ગરીબ છોકરીઓને સ્વપ્નમાં મળવા જતાં હશે એથી જ શું થાક્યાંપાક્યાં એને આટલે મોડે સુધી સૂવું પડતું હશે ? કેવાં ભાગ્યશાળી ! મેં પરભવ પુન્ય નહીં કર્યા હોય એથી જ મને એકેય દા’ડે સવાર સુધી ઊંઘવાનું મળ્યું નહીં. ચાર વાગ્યે મિલની વીસલની ચીસ પડે એટલે મારે તો ઊઠવું જ રહ્યું.

ઘેર જઈને પાછાં બન્ને અગિયાર બજ્યે આવ્યાં. બેઠકના ખંડમાં વિનોદબહેન પ્રભાતના રંગની ભળતી કેસરી સાડી પહેરીને બેઠાં છે. આંખમાંથી પૂરું ઘેન હજી ઊડ્યું નથી. ઘેરી ઘેરી, સ્વપ્નઘેરી આંખો.

“કેમ શામળજી ! આ તમારી તેજુ ? ઓહો, આવી દૂબળી ?”

મિલની હાડપિંજર-શી મજૂર-કન્યા, અને સૌંદર્યના કેફમાં ચકચૂર મસ્ત માંસલ આ કુબેર-કુમારી : બન્ને પરસ્પર નીરખી રહ્યાં. વિનોદબહેનની આંખો તેજુના ઓઢણામાં ભાતભાતનાં થીગડાં ભાળી, કુતૂહલ પામતી હતી કે આ થીગડાં શું શોભા માટે હશે !

“તું અમારી મિલમાં કામ કરે છે, તેજુ ? અને આટલી દુર્બલ ! અરેરે ! કેટલું ક્રૂર કહેવાય !”

એણે બટન દાળ્યું. બહાર ઘંટડી વાગી. નોકર આવ્યો. વિનોદિનીએ આદેશ દીધો : “નીચેથી સુમિત્રાબાઈને મોકલો.”

બંગલાની વહીવટ કરનાર બાઈ સુમિત્રા આવી. વિનોદિનીએ કહ્યું : “જુઓ સુમિત્રાબાઈ ! આ તેજુબાઈ છે. એને આપણા બંગલામાં જ કશુંક કામ આપો. કામ બહુ સખ્ત ન હોવું જોઈએ.”

“પણ બાઈસાહેબ, એવું કશું કામ છે નહીં.”

“કાંઈ ફિકર નહીં, તમે તમારે એને રોકી લો. નીચે લઈ જઈને કામ બતાવો. એને કયું કામ ફાવશે તે સમજી લો. જા, તેજુ !”

તેજુ સુમિત્રાબાઈ સાથે નીચે ગઈ. શામળ પોતાની દેવીની સન્મુખ એકલો પડ્યો. એનાં નેત્રો ધરતી પર ઢળેલાં હતાં. એના હૃદયમાં દિત્તુ શેઠના ઉદ્ધારની જ વાત રમી રહી હતી. ગઈ કાલે ધર્મપાલજીના નબળા જવાબો સાંભળ્યા પછી એણે નક્કી જ કરેલું કે આ કાર્ય વિનોદબહેનને હાથે જ કરાવવા જેવું છે. પોતે જ્યાં એ વિષય છેડવાની તૈયારી કરતો હતો, ત્યાં તો ખુદ વિનોદબહેને જ એ પ્રકરણ ઉખેળ્યું :

“તમે મારા દિત્તુભાઈની નોકરી શા માટે છોડી, હું શામળજી ?”

“આપની પાસે એ બધું કહેવું ગમતું નથી.”

“મને તો કહો ! નહીં કહો ?”

ધીરે અવાજે શામળ બોલ્યો: “એ દારૂ પીએ છે તેથી મેં છોડી.”

“દારૂ !”

“જી હા, એ છાકટાવેડા મેં નજરે જોયા.”

"ક્યારે ?”

“ગયા બુધવારની રાતે.”

“શું બન્યું ? આખી વાત કહો તો.”

 “જી ના, બાઈમાણસને મોંએ ન કહેવા જેવી એ વાત છે.”

“ફિકર નહીં. એમાંનું કેટલુંક તો હું મારી એક કામવાળી કનેથી જાણી શકી છું. મૃણાલિની, નૌરંગાબાદનો ફટાયો વગેરે ત્યાં હતાં ને ?”

“જી, હા.” કેટલી બાઈઓ હતી ?”

“ત્રણ.”

“કેવી જાતની હતી એ ?"

શામળ શરમાઈ ગયો. એને આ પ્રશ્નોના ઉત્તર દેવા કઠિન લાગ્યા. પણ વિનોદિની તો જરાયે ખેંચાયા વગર પૂછતી ગઈ. એને તો ઊલટું એ વિગતો જાણવાની જબ્બર લિપ્સા હતી.

શામળ વારંવાર નિરુત્તર બનતો ગયો.

“જુઓ શામળજી, તમે જાણો છો કે દિત્તુ મારો ભાઈ થાય છે, એ એકલો જ છે. ને એની જવાબદારી મારા પર છે.”

“ઓહ વિનોદબહેન !” શામળ બોલી ઊઠ્યો, “તમે કૃપા કરીને એને રસ્તે ચડાવો તો –”

“પણ તમે મને પૂરી વાત કહેતા નથી તો પછી હું શી રીતે પ્રયત્ન કરું ?”

શામળ ટપોટપ જવાબ દેવા લાગ્યો. છેવટ સુધીની – પોતે બબલાદાદાની સોબતે ચોરી કરવા ગયો ત્યાં સુધીની – વિગત કહી સંભળાવી.

“તમે આ વાત કોઈને કહી તો નથીને, શામળજી ?”

“જી ના, ફક્ત ધર્મપાલજીને દિત્તુભાઈના દારૂડિયાપણાની વાત કહી છે.”

“તમે કેટલા સાચા અને સારા જુવાન છો !”

શામળ લજવાયો : “જી ના. હું જરીકે સારો નથી.”

વિનોદિની પળવાર શામળ સામે જોઈ રહી, પછી એના મોં પર થઈને એક હાસ્ય લહેરાતું ગયું. એણે કહ્યું, “શામળજી, સારા ને સદાચારી થવામાં સુખ છે, પણ એથી જીવનની કેટલીક મઝા જાય છે હો !”

શામળનું મોં એની ગંભીરતા ન ત્યજી શક્યું. વિનોદિની જ હસી પડી. પછી શામળની સામે જોઈને એ ઓચિંતી બોલી ઊઠી : “તમારા ગળામાં આ દોરો શાનો ? તમારી ખિસ્સા-ઘડિયાળનો છે ને ? નથી સારો લાગતો. જોઉં તમારું ઘડિયાળ !”

એટલું કહેતાં જ પોતે ઊઠીને શામળની પાસે ગઈ, શામળ હજ વિચાર કરતો રહ્યો ત્યાં તો પોતે શામળના કંઠમાંથી એ કાળો દોરો કાઢીને ઘડિયાળ ખિસ્સામાંથી ખેંચી લીધું.

એના હાથ શામળના ગળાને અડક્યા. યુવાન ત્રમત્રમી ઊઠ્યો.

“ઓહોહો !” હસીને વિનોદિની બોલી, “આ તે ઘડિયાળ કે મોટો ડબો ?”

“અસલ રાસ્કોપનું છે. મારા બાપનું છે.” શામળે એ વસ્તુની પવિત્રતા સમજાવવા કહ્યું.

“છિત-છિત-છિત ! શામળજી, મારાથી આ જુનવાણી ઘડિયાળ જોવાતું નથી.” એમ કહીને વિનોદિનીએ પોતાના કાંડા પરથી નાજુક ઘડિયાળ છોડ્યું, કહ્યું, “એ તમારા પિતાનું છે તેને ગજવામાં મૂકો. લાવો તમારું કાંડું.”

ગુલાબની કળીઓ જેવી એ આંગળીઓ શામળના કાંડા ઉપર પોતાના ઘડિયાળનો પટ્ટો બાંધતી રમતી હતી. પોતે શામળની એટલી નજીક ઊભી હતી કે એના શ્વાસની હવા શામળના હૈયા અને મોં ઉપર ફરકતી હતી. એ કેસરી સાડીમાંથી મંદ મંદ ફોરતી રાત્રિના સેન્ટની ફોરમ અને દેહ પર ચોળેલ સુખડના તેલની મીઠી સુવાસ શામળના નાકને જાણે નશો પાઈ રહી હતી. એના ચહેરા ઉપર રુધિરની દોડધામ ચાલી. એના અંતરની કંદરાઓમાં જાણે વિકરાળ હિંસક પશુઓ હુંકારવા લાગ્યાં.

“હાં-બસ ! એમ.” વિનોદિનીએ ઘડિયાળ બાંધી લીધું ! “કેટલું સુંદર લાગે છે ! તમારામાં કશી રસિકતા જ નથી. મારે એ સંસ્કાર તમને આપવા જોશે, શામળજી !”

“જી હા !” શામળ દબાયેલ સ્વરે બોલ્યો.

“ને તમે તેજુને મળવા આંહીં અવારનવાર આવતા રહેશો ને ?”

“જરૂર, જરૂર.”

“ને કોઈક દાડો કોઈક વાર હું હાજર હોઉં ત્યારે આવજો, હાં કે ?”

“જી, ભલે.”

“મારાથી ડરશો ના, હો,” એણે કોમળતાથી કહ્યું, “તમને તમારા મૂલ્યનું અરધુંપરધુંયે ભાન નથી.”

એ વેળા સુમિત્રાબાઈ તેજુને લઈ ઉપર આવ્યાં, બોલ્યાં :

“બહેન, એને તો કશું જ કામ આવડતું નથી, પણ આપ શીખવવાનું કહેતાં હો તો સીવવા-સાંધવાનું સોંપીએ.”

“વારુ, ને એને પગાર સારો આપજો હો. તને ગમશે કે, તેજુ ?”

“હા બેન !” તેજુના મોંમાંથી માંડ અવાજ નીકળ્યો. એણે આજે પરીના કંઠ-ઝંકાર પહેલી જ વાર સાંભળ્યા. આંધળાની આંખોએ જાણે પહેલી જ વાર તારલિયાળી રાત દીઠી. તેજુ પોતાના મનને પૂછતી હતી કે પોતાને આ સોણું તો નથી આવ્યું ને ? એના મોંમાં આભારના શબ્દો પણ નહોતા.

“સારું ત્યારે ! આવજો તેજુ, આવજો શામળ ! મારે નાહવા બેસવું છે.”

“જયજય વિનોદબહેન !” શામળે હાથ જોડ્યા, “પેલી દિત્તુભાઈ શેઠને ઠેકાણે આણવાની વાત આપ ન વીસરતાં, હો !”

તેજુને લઈને શામળ ચાલ્યો. વારંવાર એની નજર પોતાના કાંડા પ૨ જતી હતી. જાણે હજુ કોઈ કોમળ હાથની આંગળીઓ એ કાંડાને જકડી રહી છે.