← ‘ચોર છે ! ચોર છે !’ સત્યની શોધમાં
સમહક્ક સમાજ
ઝવેરચંદ મેઘાણી
સમજાયું →


26
સમહક્ક સમાજ

રસેવે નીતરી રહેલ શામળ અને એના શરીરને સુંવાળા હાથની હળવી ઝાપટ મારીને ખંખેરતી તેજુ, બેઉ જ્યારે વેગે વેગે ઘર તરફ ચાલ્યાં જતાં હતાં, ત્યારે લાકડાની ઘોડી બગલમાં નાખીને એક પગે ખોડંગતો એક આદમી એની પછવાડે દોડતો હતો. પણ એના પગમાં જ્યારે કૌવત ન રહ્યું ત્યારે એણે અવાજ દીધો : “એ ભાઈ ! એ શામળભાઈ ! એક વાત કહેવી છે.”

શામળ ને તેજુ ઊભાં રહ્યાં. લંગડા આદમીએ આવીને પ્રથમ તો શામળની પીઠ થાબડીને હાંફતાં હાંફતાં કહ્યું: “શાબાશ, જુવાન ! રંગ રાખ્યો.”

થોડી વાર શામળ આ માણસનો ઈરાદો કળવા સારુ થંભી રહ્યો. લંગડાએ કહ્યું : “પણ બુધવારે તમે ભાષણ દેવાની રજા લીધી છે ?”

“કોની ?”

“રાજની !”

“ના.” આવી પરવાનગી માગવી જોઈએ તેની ખબર શામળને પહેલી જ વાર પડી.

“મારા-તમારા જેવાને બોલવા નહીં આપે. પોલીસચકલે જઈને મંજૂરી માગો. ઘણું કરીને તો નહીં જ મળે.”

“ત્યારે તો –” શામળ ગમ ખાઈ ગયો. પોતાની આબરૂ પોલીસમાં કેવી હતી તે એને માલૂમ હતું.

“જો પરવાનગી ન મળે, તો તમે તમારું સરનામું આપો. ત્યાંથી હું તમને તેડી જઈશ એક ઠેકાણે. એક વકીલ પાસે. એ કંઈક રસ્તો બતાવશે.”

શામળ ત્યાંથી બારોબાર પોલીસ-ઓફિસે પહોંચ્યો. તેજુ ઓસરીમાં ઊભી રહી, પોતે એકલો અંદર પેઠો.

થાંભલા પાસે સંકોડાઈને તેજુ ઊભી છે. પરસાળમાં કોઈક કદાવર તો કોઈ ત્રાંસી નજરે જ જોવાની ટેવવાળા, કોઈ વિકરાળ દાઢીમૂછોવાળા તો કોઈ ભલી છતાં લાઈલાજ મુખમુદ્રાવાળા પોલીસો આંટા મારે છે. કંઈ કંઈ બરાડા પાડે છે. અપશબ્દોનો તો આખો કોષ થઈ શકે એવી સામગ્રી કાને પડે છે. તહોમતદારો ને શકદારો, મવાલીઓ ને ખેડૂતો, મજૂરો ને ફકીરો વગેરેની હારો બેઠી છે.

 એવામાં તેજુને અંદરથી મોટે અવાજે આ પ્રમાણે વાતચીત સંભળાવા લાગી :

“તારું નામ શું ?”

“શામળજી રૂપજી.”

“ઓહો ! જૂનો ડામીજ ! બચ્ચા, તું ફરીને કાંય આયો ?” .

"મારે ભાષણ કરવું છે, સાહેબ !”

“ભાસન ! નવો કસબ ! સાલા ડામીજ ! શે’રમાંથી નીકળી કાંય નહીં ગિયો ? વચન દીધું’તું ને ?”

"સાહેબ, મેં નહીં, બબલાએ.”

“તેં નહીં, એ…મ ? સાલા ડામીજ, તું આ કોન્ને ભનાવેચ ? કાં છે બબલો ! શું કરેચ એ ?”

“સાહેબ, એ મારાથી નહીં કહી શકાય, હું વચને બંધાયો છું.”

“એ…મ! સું તું મારાથી છુપાવવા માગેચ ? મને નાનો બૂચો ધારેચ ? ડામીજ ! બેઉ મલીને ઉઠાઉગીરી રમોચ કે ? જવા દે તારી ચાલાકી.”

“નહીં, સાહેબ. હું તો સભા ભરવા માગું છું. અમારા સંપ્રદાયમાં સડો છે.”

“એ…મ ! સભા ભરીને શહેરમાં હુલ્લડો કરાવવાં છે ? મંજૂરી લીધીચ ?”

“જી નહીં લેવા જ આવેલ છું.”

“એ…મ ! મારી સંગાથે મસખરી-ઠઠ્ઠા કરવા આયોચ ?”

“મશ્કરી ?”

“મંજૂરી નહીં મળે. અને તું જલદી શહેર બહાર નીકળી જા. પહેલી પેસેન્જર ગાડી પકડજે ! સમજી જજે એટલામાં.”

એ દમદાટી દેનાર કંઠ બાટલીવાલાસાહેબનો જ હતો. એની ત્રાડો સાંભળી સાંભળી તેજુ થરથરતી હતી. શામળ જ્યારે શાંત મોં લઈને બહાર નીકળ્યો, ત્યારે તેજુ નિહાળી નિહાળીને જોતી હતી કે ક્યાંય શામળના શરીર પર મારપીટ તો નહોતાં પડ્યાં ને ! બંને ત્યાંથી ચાલ્યાં ત્યારે તેજુના મોં પર શામળે ઊર્મિઓનો આવિર્ભાવ દીઠો. વિનોદિનીના બંગલાની સુખની નોકરીએ ઉપસાવી દીધેલ એના ગાલો ઉપર છૂંદણાંની ટીબકીઓ શામળે તે સમયે પહેલી જ વાર દીઠી. તેજુ તરફ પ્રગટેલા વહાલમાં કરુણાની છાંટ ભળેલી હતી, ને તે મિલાવટ આજે કેવી મધુર ભાસતી હતી !

તેજુની આંખોમાં એણે ઝળઝળિયાં દેખ્યાં : “કેમ ! તું રડે છે, તેજુ ?”

“ના, ના.”

“ત્યારે ?”

“કંઈ નહીં.”

એ કોઈ અનન્ય પ્રકારના ક્રંદનનો ભાવ હતો. જ્યારથી તેજુએ શામળને મંદિરના ચોગાનમાં અનેક દુશ્મનોથી વીંટળાઈને ઘૂમતો ને માર ખાતાં ખાતાં બચતો ભાળ્યો, જ્યારથી વિકરાળ વનરાજ જેવા પોલીસ અધિકારી મિ. બાટલીવાલાની ફાડી ખાનારી ત્રાડના શાંત એકધારા જવાબો દેતો એને સાંભળ્યો, ત્યારથી તેજુ કોઈ નિગૂઢ ઊર્મિઓથી વ્યાકુળ બનીને એની રક્ષા સારુ પ્રભુને વીનવી રહી હતી.

સાંજે સવારવાળો લંગડો આદમી ઠબાક ઠેબાક ઘોડીનો અવાજ કરતો આવી પહોંચ્યો. એને જોતાં જ શામળને નવાઈ લાગી. મનમાં થયું કે, હું એકલો નથી, મને સાથી મળી જ રહેશે; નહીં તો આ મદદગાર લંગડે પગે છેક આંહીં શા સારુ પહોંચે ?

શામળે એને કહ્યું : “ભાઈ, તમારું કહેવું સાચું પડ્યું. મંજૂરી ન મળી.”

“ન જ મળે. મને નવાઈ નથી લાગતી.”

“કેમ ? શું રહસ્ય છે આમાં ?”

“તમારા ધરમના હાકેમોએ પોલીસને સાધેલ છે. તમારા માથે ડોળા રાખવાનું પણ કહેવાઈ ગયું હશે.”

“ત્યારે હવે ?”

“ચાલો મારી જોડે – એક ભાઈબંધને ઘેર.”

“તમે કોણ છો ?”

“રેલવેમાં સાંધાવાળો હતો. પગ ગાડી હેઠ આવી ગયો ત્યારથી ઘેર બેઠો છું.”

“તમારા ભાઈબંધ કોણ છે ?”

“વકીલ છે. અમારા સમાજની આંહીંની શાખાના સેક્રેટરી છે.”

“સમાજ !” શામળના કાન ચમક્યા, “તમારે પણ સમાજ છે કે ?”

“હા. અમારો સમહક્ક સમાજ.”

“કયા ધર્મનો સમાજ ? કઈ ટેકરી ઉપર છે ?”

“ધરમબરમનો નથી ને કોઈ ટેકરી ઉપર નથી. એની હાફિસ છે શામલાલ ભજિયાવાળાની દુકાન ઉપર મેડીમાં, ભૂખપરાને નાકે. અમારા સેક્રેટરીની બેઠક પણ ત્યાં જ છે.”

“તમારે ધર્મ નથી. કોઈ પણ ધર્મ નથી ? લોકો જેને ‘અધર્મી સમાજ’ કહે છે તે જ તમે ને ?”

“હા.”

શામળનું દિલ પાછું હટ્યું. એણે ઘણું ઘણું બૂરું સાંભળ્યું હતું. આ ‘અધર્મી સમાજ’ના સંબંધમાં સાંભળ્યું હતું કે તે તો અનીતિનો ને સ્વચ્છંદનો અખાડો છે. દુનિયાભરમાં લૂંટ ચલાવવાની એ અખાડાની નેમ છે. છતાં એ પણ જોઈ લેવું, એવા કુતૂહલને વશ બની શામળ ચાલ્યો.

ભૂખપરામાં લુહાર ગલીને એક નાકે, જેને કાતરિયું કહેવું વધુ યોગ્ય લાગે તેવી એ વકીલની ઑફિસ હતી. એમાં બેઠેલા એ ત્રીસ વરસના ક્ષીણદેહી અને શોભાહીન વકીલ હજારીલાલ ચંદાને એમ.એ., એલએલ.બી. કલ્પવાનું સુધ્ધાં લજ્જાસ્પદ લાગે. પાણીદાર અને અનંત આસ્થાથી ભરેલી બે આંખો સિવાય એના કલેવરમાં બીજું શું હતું ? આંખોમાંથી સરળતા નીતરતી હતી. હોઠ પર સહેજ આછું સ્મિત રમતું હતું.

સામેના બાંકડા પર એનાં અસીલો બેઠાં હતાં. એક હતો અઢાર વરસનો જુવાન, જેના કોણી સુધી લબડી રહેલ હાથ પર પાટાપિંડીઓ હતી. કારખાનામાં કપાયેલ એ હાથ બદલ નુકસાનીનો દાવો અદાલતમાં ચલાવવાનો છે. હજારીલાલ એના વકીલ છે. સામે કારખાનાવાળા તરફથી હરિવલ્લભ દેસાઈસાહેબ ઊભા રહેવાના છે.

બીજી હતી એક ત્રણ નાનાં બચ્ચાંવાળી ઓરત. એના ધણીને દોરીને એ આવી છે. રેલવેના સાહેબે દારૂના નશામાં એને મારી મારી એની એક આંખ ફોડી નાખી છે.

એવાં એવાં અસીલો બેઠાં છે. નાની મેડી આયડોફૉર્મથી બહેકી ઊઠી છે. જખમી અસીલો ઊંહકાર કરે છે. ઓરતો ને બચ્ચાં રડે છે. એ સહુની વચ્ચે હજારીલાલ ચંદા શાંતચિત્તે બેઠો બેઠો મુકદ્દમા સારુ તૈયારી કરી રહેલ છે.

“હજારીલાલ !” લંગડાએ કહ્યું, “આ જુવાનને મદદ કરવા જેવું છે.”

“હું હમણાં જ આ કામ પૂરું કરી લઉં, હો કે ભાઈ !” એવો પ્રત્યુત્તર આપી, બાળકોને શિરે હાથ ફેરવી, હાસ્યભરી રજા દઈ, પછી પોતે શામળ તરફ ફર્યો : “બોલો.”

“શામળભાઈ,” લંગડાએ કહ્યું : “પૂરો ભરોસો રાખીને આખી વાત કરી નાખજો, હો ?”

વાત સાંભળતા ગયા તેમ તેમ આ જુવાન વકીલની આંખો વિસ્મય, કૌતુક અને આનંદના રંગો ફરકાવતી ચમકી ઊઠી. વાતને અંતે એણે ખુરશી પર ખડા થઈ જઈને કહ્યું : “ભાઈ શામળજી ! શાબાશ ! તમે આખી ઇમારતની ઈંટરૂપ બનશો.”

“ત્યારે શું તમે મારી પડખે ઊભા રહેશો ?”

“ઊભો રહીશ – અરે, રૌરવ નરકમાં સુધ્ધાં સાથે જ રહીશ.”

પેનસિલ લઈને એ ટેબલ પર ટકોરા દેવા લાગ્યા, બોલ્યા કે, “હું અમારી આંહીંની શાખાની સભા બોલાવું છું. એ લોકોએ તમારો પ્રશ્ન ઉઠાવી જ લેવો જોઈએ, અમારી થીજી ગયેલ પ્રવૃત્તિમાં આથી નવો અગ્નિ ચેતાશે.”

“પણ હું તમારા સમાજનો નથી.”

“ફિકર નહીં. તમે ગમે ત્યાંના હો, અમને એની પરવા નથી. અમારે ‘લેબલ’નો આગ્રહ નથી.”

શામળના કહેવાનો મર્મ જુદો હતો. પણ એ ન સમજાવી શક્યો. આખું તંત્ર હજારીલાલજી ત્વરાથી ગોઠવવા લાગ્યા.

“કાલે રાતે જ મિટિંગ બોલાવું છું. સમય ગુમાવવા જેવું નથી. આપણે આખા ગામમાં નિમંત્રણ-પત્રો પાથરી દેવાં છે.”

“પણ મારે તો માત્ર અમારા સંઘના જ લોકોની જરૂર હતી.”

“બીજાઓ પણ છોને આવે. પોતે કેવી રીતે લૂંટાઈ રહેલ છે એ જાણવાનો તો તમામ લોકોને હક્ક છે ના ?”

“હા, એ તો છે.”

“વળી કદાચ તમારા સંઘના ઉપર બહારના લોકોનું દબાણ આવશે તો કંઈક ચોક્કસ પગલું પણ જલદી લેવાશે. પરંતુ જુઓ ભાઈ, આ નાના પ્રશ્નમાંથી આપણે તો વાણીસ્વાતંત્રના પ્રશ્નને ખડો કરવો પડશે, નહીંતર તો વિરોધીઓ આખી વાતને મૂળમાંથી જ છેદી નખાવી શું હતું તેની ખબર પણ નહીં પડવા આપે.”

“પણ વિજ્ઞપ્તિપત્રો શી રીતે છાપીને વહેંચશું ?”

“તેની ચિંતા નહીં,” હજારીલાલે હસીને કહ્યું, “અમારા સમાજમાં એનો બંદોબસ્ત કરનારા બંધુઓ પડ્યા છે. ચાહે તે જોખમે છાપનારા પણ છે.”

શામળે સંતોષનો નિઃશ્વાસ મૂક્યો. એણે એક મક્કમ વિચારના અને સ્વચ્છ દૃષ્ટિના કર્તવ્યશીલ શાણા આદમીને નીરખ્યો. અફસોસ એટલો જ કે એ ‘અધર્મી સમાજ’નો અનુયાયી હતો !

હજારીલાલે એક મુસદ્દો ઘડી કાઢ્યો; વાંચી બતાવ્યો :

લક્ષ્મીનગરનાં પ્રજાજનો !

વિશ્વબંધુસમાજની કમિટી શહેર-શાસનમાં રુશવતો ખવરાવે છે એ વાતનો મને પત્તો મળતાં મેં એની તપાસ માટે કમિટી પાસે માગણી કરી, પરિણામે મને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

મેં એ બધું જાહેર કરવા સારુ સંઘસમસ્તની સભા બોલાવી, પણ પોલીસે મને શહેરમાં કોઈપણ ઠેકાણે ભાષણ કરવાની મનાઈ ફરમાવી છે.

તમે મારા પડખે ઊભાં રહેશો ? હું બુધવારની રાત્રે 8 વાગ્યે અમારા મંદિરની સામેના ઉઘાડા ચોકમાં બોલવાનો છું.

વાણીસ્વાતંત્ર અને નગરશુદ્ધિને નામે વીનવનાર
 

શામળજી રૂપજી.
 

“કેમ લાગે છે ?”

“ફક્કડ” શામળે હર્ષોદ્‌ગાર કાઢ્યો.

“હવે એની તમામ વિધિ મારે શિર છે. એ બધું વખતસર થઈ રહેશે. ચાલો, હવે તમને મારા થોડાએક બંધુઓની ઓળખાણ કરાવું.”

ઘોડીવાળા લંગડાભાઈ ‘હું હવે રજા લઈશ’ એટલું કહી, નકામી વિવેકવિધિ કર્યા વિના, હજારીલાલની સૂચના લઈ ચાલી નીકળ્યા. શામળને લઈને આ જુવાન વકીલ નજીકમાં એક બીડીનું નાનું કારખાનું હતું ત્યાં ગયો.

“ક્યાં છે ઘુસાભાઈ ?” એટલું પૂછતાં તો પછવાડેના કાતરિયામાંથી 60 વરસનો ડોસો બીડી વાળતો વાળતો બહાર આવ્યો. એની એક આંખ રેલવેનું એન્જિન હાંકતાં હાંકતાં તણખો પડવાથી ફૂટી ગયેલી, એટલે એને આંહીં બીડીઓ વાળવા બેસવું પડેલું.

“ઘુસાભાઈ,” વકીલે ઓળખાણ કરાવી, “આ આપણા શામળભાઈ છે”. બધી વાત કરી. ઘુસાભાઈએ વધુ કશું જ ન બોલતાં અત્યંત હેતથી શામળના હાથ દબાવ્યા.

એ રીતે નજીકમાં ભજિયાંવાળા ધનાભાઈને મળ્યા. ધનાભાઈને ટપાલખાતામાં ખર્ચનો ઘટાડો થયો તેમાં ચાલીસ વર્ષની ઉંમરે રજા મળેલી.

તે પછી એક કંકુબહેન મળ્યાં. કંકુબહેનને મૂકી એનો વર નાસી ગયેલો. કંકુબહેન બે-ચાર દુકાનોમાં પાણી ભરતાં હતાં.

આમ ‘સમહક્ક સમાજ’ના આ મહત્ત્વના સભાસદો – જાફરભાઈ લોટિયા વહોરા, લોટની ઘંટી હાંકનાર કોળી ગણેશાભાઈ, દુદાભાઈ ધોબી વગેરે દસેક જણાનું મંડળ બાજુમાં આવેલા ડૉક્ટર દામજીભાઈના, દવાખાને ભેળું થયું. દામજીભાઈ અંત્યજ કોમના હતા, એટલે એમને શહેરના ઉચ્ચ લત્તાઓમાં કોઈએ દુકાન ભાડે નહીં આપેલી. એમના હસમુખાં ને મીઠાબોલાં પત્ની રૂડીબહેન પણ સાથે રહી નર્સ-મિડવાઈફનું કામ કરતાં.

સહુએ શાંતિથી હજારીલાલને મોંએથી શામળભાઈની બહુવતી સાંભળી. શામળ જોતો હતો કે આ કંગાળ, ચીંથરેહાલ અને ઉપરથી તદ્દન અસંસ્કારી અણઘડ દેખાતું મંડળ આખી કથાને બહુ ટૂંકમાં સમજી શક્યું. સહુની કને જાણે કે કશીક ચાવીઓ હતી, કે જેથી પ્રસંગના સંજોગો, ઉકેલ વગેરે ચપોચપ તેઓને સમજમાં ઊતરી જતા હતા.

સહુએ આખા સાહસ પ્રતિ હસીને આદર બતાવ્યો. જરીકે ડંફાસ કે વાણીપટુતાનો વ્યય કોઈએ ન કર્યો. થોડાક કલાક પહેલાં એકાકી અને અસહાય થઈ પડેલ શામળને માટે જાણે કે ધરતીમાંથી કોઈ ગેબી મદદગારો નીકળી પડ્યા.

શામળ તો કંકુબહેન અને રૂડીબહેનના તરફ જ તાકી રહ્યો હતો. એના અંતરમાં આ અધર્મી સમાજની સ્ત્રીઓને માટે અણઉકેલ સમસ્યા રમી રહી હતી; બીજી બાજુથી રૂડીબહેનની મુખમુદ્રામાં શામળને પોતાની મરી ગયેલી માતાના મુખની રેખાઓ દેખાતી હતી.

પાછો જ્યારે એ હજારીલાલજીની ઑફિસે આવ્યો ત્યારે એના મોં પરની વ્યગ્રતા દેખીને વકીલે પૂછ્યું : “તમને શું થાય છે ?”

શામળે પૂછ્યું : “તમારા સમાજમાં સ્ત્રી અને પુરુષનાં કોઈ બંધનો જ નથી, ગમે તેની સાથે સહચાર કરી શકે, એ સાચું ? રૂડીબહેન એવાં કેમ હોઈ શકે ?”

“તમારા ભેજામાં આ કોણે ભર્યું ?”

“પણ એ બધાં સમહક્ક સમાજના મેમ્બરો છે ને ?”

વકીલ ખડખડાટ હસી પડ્યા : “પણ સમહક્ક સમાજ વિશે આ બધું કોણે ભરાવ્યું છે તમને ?”

“મેં શેઠિયાઓના ઘરમાં એવું સાંભળ્યું છે.”

“સબૂરી રાખીને ધીમે ધીમે પારખજો ને !” વકીલે હસીને કહ્યું.

“પણ તમારા સમાજમાં આવી આચારની છૂટમાં માનનારાં છે ખરાં ?”

“ભાઈ, અમારા સમાજમાં તો ભૂતપલીતમાં માનનારાં પણ છે; સૂર્યચંદ્રથી મનુષ્યો જમ્યા એવું માનનારાં પણ છે. એમાં અમારો શો ઈલાજ ? અમારું તો સામાજિક અને શહેરી હક્કો માગનારું મંડળ છે. અમારે તો, ભાઈ, રોટલીનો સવાલ છે. એમાં સંમત હોય તે હરકોઈ મેમ્બર થઈ શકે – પછી ભલે એ મેલડીને પૂજે !”

“તમે ધર્મમાં – પ્રભુમાં નથી માનતા ?”

“અમારે ધર્મ સાથે કશી લેવાદેવા જ નથી. દરેક મેમ્બર ફાવે તે ધર્મ પાળે, કે ન પાળે.”

“પણ તમે આ બધો રાજવહીવટ તોડી પાડી અંધાધૂંધી મચાવવા માગો છો, એ સાચું ?”

“બિલકુલ જૂઠું. ઊલટાનું અમે તો એ તમામ તંત્ર ખૂબ મજબૂત ને મક્કમ બનાવવા માગીએ છીએ. ને તેથી જ તે તંત્રને મૂડીદારોના પંજામાંથી છોડાવવા મથીએ છીએ.”

“પણ ત્યારે તમે માનો છો શી શી વાતો ?”

પછી વકીલે વિસ્તારથી આખું તત્ત્વ સમજાવ્યું : “ખેડૂતો, કારીગરો ને મજૂરો ભણેગણે, પોતાનું સંગઠન કરે, ને જતે દહાડે આ જમીનો, ખાણો, રેલવેઓ, કારખાનાં વગેરે તમામ સંપત્તિ અક્કેક વ્યક્તિની મટી લોકસમસ્તની માલિકીની થાય, તો સહુને ધંધો મળે, રોજી મળે, મહેનતનું પૂરું મહેનતાણું મળે, અને ઉદ્યમ કર્યા વિના એકપણ માનવી જીવી ન શકે - એવો સર્વને માટે સુખ-સંપદનો યુગ આણવાનો અમારો મનોરથ છે. અમારે કોઈ સાથે વેર કે કિન્નો નથી.”

થોડી વાર સ્તબ્ધ બની જઈ શામળ કહ્યું: “પણ એ બધું તો હું માનું છું તે મુજબ જ છે. બરાબર તે જ.”

“અમે પણ એ જ કહીએ છીએ કે દરેક સમજુ માણસ એમ જ માને છે.”

“પણ – પણ – ત્યારે તો હું તમારા સમાજનો ઠર્યો.”

“નેવું ટકા પ્રજાજનો એ રીતે અમારા સમાજના જ છે. પણ તેઓને હજુ જ્ઞાન નથી થયું.”

“પણ તમારે લોકોને એ શીખવવું જોઈએ.”

“અમે બનતું કરીએ છીએ. તમે પણ આવો, મદદ કરો.”

“પણ ત્યારે તમારા વિશે લોકોમાં આ જુઠ્ઠાણાં કોણ ફેલાવે છે ?”

“શેઠ, શાહુકારો, માલિકો, ધર્માચાર્યો વગેરે પોતાનાં તાબેદારોમાં વિચારો સીંચે છે.”

“આ તો કાવતરું !”

“હા, એ તો છે જ ને! તેઓની કને છાપાં છે, લેખકો છે, કૉલેજો છે, ધર્મમંદિરો ને ધર્મોપદેશકો છે. આ બધાં એ વિષપ્રચારની નીકો તરીકે કામ કરે છે.”

શામળની દૃષ્ટિ સામે મૂડીવાદનો છેલ્લો દૈત્ય ખડો થયો.

આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાતની કે મૂડીદારોએ માત્ર દ્રવ્યનાં સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોનાં શરીરને ભૂખે માર્યાં છે. આજે જાણ થઈ કે મતિભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ. એણે ચકિત બનીને કહ્યું : “આ તો ન મનાય તેવી વાત.”

“અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો.” એટલું જ બોલીને હજારીલાલ હસ્યા.