સત્યવીર શ્રદ્ધાનંદ/દીક્ષા

← ધંધાની શોધમાં બે દેશ દીપક
દીક્ષા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ધાર્મિક કસોટી →


દીક્ષા


લાહોરમાં પહેલી રાત વીતાવી. પ્રભાતે ઊઠીને જાણે નવી દુનિયામાં દાખલ થયો. અંતરમાં ઉત્સાહ અને શરીરમાં સ્ફૂર્તિ પ્રગટ્યાં. એક ગાઉ ભટક્યો, ફૂલવાડીમાં બેઠો, કિરતારને એની રચનામાં શોધતો શોધતો મુગ્ધ બન્યો. પછી ધીરે ધીરે પગ ધરતી ધર ઠેરાયા. દિવસભર લૉ ક્લાસમાં બેઠો. નિયમિત અભ્યાસ આદરી દીધો. રવિવારે પ્રભાતે આર્યસમાજ મંદિરમાં હરિકીર્તનનો આનંદ લીધો. વિધવિધ વિષય ઉપર વ્યાખ્યાન સાંભળ્યાં. સાંજે બ્રાહ્મ સમાજ મંદિરમાં ગયો. વેદી પર આચાર્ય શિવનાથ શાસ્ત્રીને વિરાજમાન દીઠા. પ્રભુ-પ્રાર્થના વખતની એની શાંત મુખમુદ્રા, એનો હૃદયવેધક અવાજ અને એના પ્રેમરસભીના શબ્દોએ મારૂં દિલ વશ કરી લીધું. વ્યાખ્યાનનો વિષય હતો 'ભક્તિનું મહત્ત્વ' અને હું હતો પ્રભુ-મિલનનો પિપાસુ: બન્નેનો મેળ મળી ગયો. એટલો પ્રભાવ પડ્યો કે બ્રાહ્મ સમાજ સંબંધે મળ્યાં તેટલાં પુસ્તકો તેજ વખતે ખરીદી, મારા કાયદાના અભ્યાસની સંગાથે એનો અભ્યાસ પણ મેં આદરી દીધો.

પરંતુ એ સીધા માર્ગ ઉપર એકાએક જાણે કે મારો ગતિમાન યાત્રારથ એક ઠેકાણે થંભીને ઊભો થઈ રહ્યો. વચ્ચે રેાદો આવ્યો. એ શું હતું ? પુનર્જન્મનું ખંડન: બ્રાહ્મ સમાજ જીવાત્માની ઉત્પત્તિને માને છે, પણ પુનર્જન્મને નથી માનતો. અનંત પ્રગતિ-Eternal Progress-ને જ નિરૂપે છે. મને એ ન સમજાયું મુંઝાઈને હું દોડ્યો એક વિદ્વાન બ્રાહ્મસમાજી પાસે. એણે મને પોતાનું પુસ્તક આપ્યું. રસ્તે ચાલતાં ચાલતાં જ એ પુસ્તક મેં પૂરૂં કર્યું, પણ મારી સમસ્યા શમી નહિ. બીજે દિવસ ફરીવાર પહોંચ્યો. મારી શંકાઓ ધરી. મને કેશવચંદ્રનાં ને પ્રતાપચંદ્રનાં પુસ્તકો વાંચવાની સલાહ મળી. એ તો હું વાંચી ચુક્યો હતો. એટલે મારા પ્રશ્નો એને સાંભળવા જ પડ્યા. મને મળેલા ઉત્તરોથી હું ન સંતોષાયો. તુરત અંતરમાં કોઈ અજવાળું થયું હોય તેમ સ્વામી દયાનંદનો 'સત્યાર્થપ્રકાશ' યાદ આવ્યો, દોડ્યો એ ગ્રંથ ખરીદવા સમાજ-મંદિરમાં એ મળતો હતો. પણ પુસ્તકાધ્યક્ષ લાલા કેશવરામ હાજર ન મળે. એના ઘરનું સરનામું લઈ ઘર શોધી કાઢ્યું. પણ એ તારએાફિસે નોકરી પર ગયેલ. પહોંચ્યો તારઓફિસે. ત્યાં તો એ નીકળીને બપોરની રજા ગાળવા ઘેર ગયેલ. પાછો એને ઘેર આવ્યો. ત્યાં એ રવાના થઈ એાફિસે ગયેલા ! પૂછયું 'કયારે આવશે ?' જવાબ મળ્યો કે 'દોઢ કલાક પછી !' બાજુની ગલીમાં મેં દોઢ કલાક અાંટા દીધા. સાંજે ભાઈ આવ્યા. મને કહે 'હું જમી કરીને પછી જ આવી શકીશ.' મેં એને મારી કથની સંભળાવી. એટલે બિચારા તુરત સાથે ચાલ્યા. પુસ્તક ખરીદતાં જ જાણે કોઈ ખજાનો હાથ આવ્યો હોય તેવી ઊર્મિ આવી. સવારનો ભૂખ્યો રાત જઈ જમ્યો. જમીને પુસ્તક વાંચવા બેઠો. નાસ્તિકતાના કિલ્લા તૂટવા લાગ્યા. દિવસરાત એ વાચન ચાલુ રહ્યું અને આખરે એક દિવસ મેં મિત્ર સમીપે ઉચ્ચાર્યું કે 'પુનર્જન્મના સિદ્ધાંતનો નિર્ણય થઈ ચુકયો છે. હવે હું હૃદયપૂર્વક આર્યસમાજની દીક્ષા લેવા તૈયાર છું.'

એનું એ આ મંદિર: એનું એ આ સંગીત પ્રત્યેક રવિવારે સાંભળતો તે જ આ નાનક-કબીરનાં કીર્તનો: પરંતુ આજે જ્યારે સારંગીનાં આલાપ અને તબલાની થાપી સાથે ભૈરવ સૂરમાં ટપકતું ભજન સાંભળું છું કે

'ઉતર ગયા મેરે મનદા સંસા,
જબ તેરે દરશન પાયો.'

ત્યારે એના અર્થો પલટી ગયા દિસે છે. દિવ્યધામનાં દર્શન થઈ રહ્યાં છે. સંશયો સર્વ તૂટી પડ્યા છે. આજે મેં દીક્ષા લીધી. કંઇક બોલવાનો આગ્રહ થતાં મેં નાનું પ્રવચન દીધું. સમુદાયમાં વાત ચાલી કે 'આજે સમાજમાં નવી સ્ફૂર્તિ (સ્પીરીટ) આવી છે. જોઈએ, એ તારે છે કે ડુબાવે છે !'

મને યાદ છે કે તે વખતે લાહોર આર્યસમાજની કેવી હાલત હતી. એક પગારદાર ઉપદેશક સિવાય કોઈ ઉપદેશનું કામ નહોતું કરતું, ને બે મુસલામાન રવાબીઓ સિવાય કોઈ ઈશ્વર-સ્તુતિ નહોતું કરતું !

માંસનો ત્યાગ

આર્યપ્રકાશના હુતાશનમાં પાપોની ખાખ થવા લાગી છે. એક દિવસ પ્રાતઃકાળે હું મારી રોજીંદી આદત અનુસાર શહેર બહારથી ભમતો ભમતો ચાલ્યો આવું છું. બાગ બગીચાનાં રમણીય દૃશ્યો મારી દૃષ્ટિમાં તાજેતર રમતાં થયાં છે. સૂર્યોદયના પુનિત સાથિયા પૂરીને પ્રભાતે સ્વાગત આપતી પૂર્વ દિશા મારી કલ્પનાને કૈંક કંકુવરણા શણગારોથી પંપાળી રહી છે. અને ફૂલવાડીઓનો સુગંધીમય વાયુ હજુ મારા કાનમાં મહેકતો અટક્યો નથી. તેવી સુખભરી મનોદશામાં મેં મારી સન્મુખ શું દીઠું ? માથા પર માંસનો ટોપલો મૂકીને એક માણસ ચાલ્યો આવે છે. અને એના ટોપલામાંથી, ચામડી ઉતરડેલ બકરાંના લાલચોળ ટાંટીઅા લટકતા જાય છે. જાણે એ લટકતા ટાંટીઆ મારા પ્રાણમાં સૂતેલી કરૂણાને જાગૃત કરવા કરગરી રહ્યા છે. બાલ્યવસ્થાથી જ માંસાહારી હતો. ક્ષત્રિયને માટે માંસ-ભક્ષણ તે સ્વાભાવિક હોય તેમ જ મારૂં કુટુંબ માનતું હતું. છતાં આ કતલ થયેલાં બકરાંના ટીંગાતા પગે મારૂં અંતર શી રીતે ઓગાળી નાખ્યું ! કોણ જાણે ! એ પગ નજરથી અદૃશ્ય ન થયા ત્યાં સુધી હું એની સામે એકી ટશે તાકી જ રહ્યો. પછી તો એ વાત વિસારે પડી. પરંતુ ઘેર જઈ એક ભાષણની તૈયારી માટે સત્યાર્થપ્રકાશનો દસમો સમુલ્લાસ વાંચવા બેઠો અને અણધાર્યો ભક્ષ્યાભક્ષ્યનો જ પ્રસંગ એમાં આવી પડ્યો. વાંચતો ગયો તેમ તેમ પ્રભાતનો દેખાવ નજર સામે તરવરવા લાગ્યો. ભોજનનો સમય થયો. હાથપગ ધોઈને થાળી પર બેઠો. બીજી વાનીઓની સાથે એક કટોરામાં માંસ પણ દીઠું. દેખતાંની વાર જ એવો ધિ:કાર છૂટ્યો કે કટોરો ઉપાડીને મેં દિવાલ પર ફેંક્યો. કટોરાના ટુકડે ટુકડા થઈ ગયા. શું થયું ! શું થયું ! શું માખી પડી ! એવા સવાલો ઊઠ્યા. મેં ઉત્તર દીધો કે 'આર્યને માટે માંસભક્ષણ મહાપાપ છે, મારી થાળીમાં મૂકતા નહિ.' આ સાંભળીને તે વખતે સહુ ચુપ રહ્યા. પણ પાછળથી મને કહેવામાં આવ્યું કે 'કટોરાને તોડી નાખવાની શી જરૂર હતી ? ખસેડી દેવેા હતેા.' મેં જવાબ તો ન દીધો, પણ અંતરમાં સમજતો હતો કે મારી કાયરતાને કારણે જ એમ કર્યું હતું. લાંબા સમયના કુસંસ્કારોની બેડીઓ શાંતિથી કાપી નાખવાની શક્તિ તો કોઈ વિરલ બહાદુરોમાં જ હોઈ શકે. મારામાં તે નહોતી. પરંતુ આટલા ઉગ્ર આચરણનું મંગલ પરિણામ એ આવ્યું કે બીજા દિવસથી જ માંસ ખાવું તો શું પણ માંસાહારીઓના રસોડામાં બેસીને ભોજન લેવું પણ મને અસહ્ય થઈ પડ્યું.