સત્યવીર શ્રદ્ધાનંદ/હિન્દુવટને હાકલ
← જેલયાત્રા | બે દેશ દીપક હિન્દુવટને હાકલ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
મૃત્યુના પડછાયા → |
કારાગૃહના દરવાજામાંથી બહાર નીકળતાં જ ઉંબરમાં એ સંન્યાસીને માટે એક ધર્મયુદ્ધનું નોતરું તૈયાર ઊભું હતું. જે મહાપંથ ઉપર ગુરૂ ગોવિન્દસિંહનાં, ગુરૂ તેજબહાદુરનાં અને એવા કૈંક ધર્મવીરોનાં કંકુ જેવાં લાલચોળ લોહીનાં છાંટણાં છંટાયાં છે, તે મૃત્યુના પંથ પર ચાલી નીકળવાનું આ નોતરૂં હતું. દિલ્હી નગરની જામામસ્જિદના તખ્ત પર ચડીને ખિલાફતની આપત્તિ વેળા હિન્દુમુસલમીનોને સંયુક્ત પ્રાણવિસર્જનનો પેગામ સંભળાવવાની ઐક્યભાવના તે કાળે આથમી ગઇ હતી. સૈકાઓના સૈકાઓ સુધી હિન્દુ જાતિના કલેજામાં જે મુસ્લિમ ધર્મઝનૂનના કારમા ઘા પડ્યા હતા તેના ઉપર પાટા બાંધીને, તવારીખનાં વૈર વિસરીને હિન્દુજાતિએ મુસ્લિમોને ખિલાફતનો જંગ જીતવાની જબરજસ્ત મદદ દીધી, પણ ચૌરીચૌરાની હત્યાને લીધે રાજકારણી પ્રજાસંગ્રામ સંકેલાઈ ગયો તેના પરિણામમાં નવરાં પડેલાં લોકબળો કોમી ઝઘડાને પંથે પળ્યાં, પ્રજાના પ્રાણ પરથી એકતાનું તકલાદી રેવણકામ ઉખડી ગયું. ડગલે અને પગલે હિન્દુઓ પર દબડામણ ચાલી, મુસ્લિમો હિન્દુઓને વટલાવી જાય તે મંજૂર, પણ હિન્દુઓ એ વટલેલાઓને રાજીખુશીથી પાછા અપનાવે તો તે ઈસ્લામ સામે ગંભીર અપરાધ: મુસલમાનો ચાહે તેટલાં અને ચાહે ત્યાં વાજીંત્ર બજાવે, ગાયો કાપે, તે મંજૂર; પણ હિન્દુની દેવસ્વારીની ઝીણી ટોકરી સુદ્ધાં જો મસ્જિદની પાસે બજાવાય તો તેમાં નમાજનો ભંગ: અરે, મહાત્મા ગાંધીને પણ કાફર તરીકે જહન્નમને સ્વાધીન કરી ઈસ્લામ અંગીકાર કરવાનાં આમંત્રણ: એવે એવે અનેક માર્ગે કોમી ઝનૂનનાં ખંજર ચમકવા લાગ્યાં. મોપલાઓએ તો મલબારમાં કાળો કેર વર્તાવ્યો. છતાં તે અકથ્ય અત્યાચારો સામે પણ મુસ્લિમ અગ્રેસરોનો કશો સબળ અવાજ ન ઊઠ્યો પાશવતા પ્રસરતી અને હદ કુદાવી જતી દેખાઈ.
એ પાશવતાના પરિબળ સામે આ હિન્દુજાતિને સ્વામી શ્રદ્ધાનંદે લાચાર અને દયામણી શિકલે રડતી નિહાળી. એણે જોયું કે પૂર્વનાં તેમ જ અત્યારનાં હજારો બલાત્કારે વટલાયેલાં કુટુંબો પોતાના પ્રિય હિન્દુ ધર્મમાં પાછાં વળવા તલસે છે, પણ સ્થિતિચુસ્તતાના ઘેનમાં ચકચુર પડેલી હિન્દુવટ તેઓને સંઘરવા ના પાડે છે. ખ્રિસ્તી ધર્મને અને ઈસ્લામને એણે વટલાવવા ઊભેલા દીઠા. અને એણે શુદ્ધિની પ્રવૃત્તિ ઉપાડી. હજારો મલકાના રજપૂતોને માટે હિન્દુવટનાં બંધ બારણાં ઉઘાડાં મૂકી દીધા. ફસાવીને, ફોસલાવીને, ડરાવીને કે લાલચ દઈને એણે કોઈને શુદ્ધિમાં નથી બોલાવ્યા. એની જુંબેશ આક્રમણકારી – જોરજુલમની નહોતી, પણ કેવલ રક્ષણકારી – રાજીખુશીની હતી.
પરંતુ કેવળ શુદ્ધિની જ ચળવળથી હિન્દુ જાતિ ઉગરી જાય તેમ નહોતું. નિષ્પ્રાણ અને કુસંપીલી એ ર૩ લાખની કોમમાં જીવન ફુંકવાની જુંબેશ તો ચતુરંગી હતી. એક તરફથી શુદ્ધિ, બીજી તરફથી સંગઠન, ત્રીજી દિશામાંથી અંત્યજ-ઉદ્ધાર અને ચોથી બાજુ કુરૂઢીઓ તથા કુરિવાજોનું ખંડન: એમ સ્વામીજીની ચતુરંગી વ્યૂહરચના ચાલી. હિન્દુ મહાસભાનો શંખ ફુંકાયો. માયકાંગલાં હિન્દુ શરીરો ચાહે તેના તિરસ્કાર, અપમાન અને માર ખાતાં હતાં, તેને બદલે અખાડામાં જઈ કસરત કુસ્તી વડે વજ્રાયુધો જેવાં બનવા લાગ્યાં. હિન્દુ જાતિનાં છેદાયેલાં અંગો એકત્રિત થઈ આત્મરક્ષણના ઈલાજો નહિ ધરે તો તે જાતિ હતી ન હતી થઈ જશે, તેવી ચોક્કસ ચેતવણીના સ્વરો વાતાવરણમાં ગાજી ઊઠ્યા. આ બધી તૈયારી માત્ર આત્મરક્ષણની હતી. ઝનૂની મુસ્લિમ ને કાયર હિન્દુ વચ્ચેની બનાવટી મૈત્રીને બદલે બન્નેએ સબળ બનીને સમોવડીઆની મૈત્રી બાંધવાનો આ આશય હતો. પરંતુ થોડાકોના ધર્મઝનૂને આ તૈયારીમાં પોતાની કોમના ઉચ્છેદનનો હાઉ દીઠો. મુસ્લિમ જાતિને ઉથલાવી નાખવાની કોઈ ગુપ્ત બાજી રચાતી હેાવાનો તેઓને અંદેશો પડે, અને કૈં કૈં ગુપ્ત ઉશ્કેરણીને પરિણામે ઈ. સ. ૧૯૨૪માં રમખાણો ફાટી નીકળ્યાં. દિલ્હીમાં બકરી-ઈદને દિવસે હિન્દુનું મંદિર તૂટ્યું, આઠ હિન્દુઓ ઠાર થયા અને ઘણા ઘવાયા. તે પછી ગુલબર્ગ અને કોહાટનાં ગંભીર હુલ્લડોએ હિન્દુ દેવાલયોના ચૂરા કર્યા, પ્રતિમાઓને ભાંગી ભ્રષ્ટ કરી, નિર્દોષ હિન્દુઓની સંપત્તિ લૂટી, અબળાઓનાં શિયળ હર્યાં, અને વટલાવવાની અવધિ વાળી. તેના પર મૌલાના શૌકતઅલીએ ચૂનો લગાવી ઊલટા હિંદુઓને વગેાવ્યા.
સ્વામી શ્રદ્ધાનંદજીના સમસ્ત જોશને આ ઘટનાઓએ વેગે ચડાવી દીધું. ચોમેરથી એના મસ્તક પર આળ ચડવા લાગ્યાં. કોમી ઐક્યના કૈંક ઈંતેજારોને મન સ્વામીજીની પ્રવૃતિ વિઘ્નકર લાગી. વિધવાઓ અને અંત્યંજોના ઉદ્ધારની વાતો સ્થિતિચુસ્ત સમાજને કડવી ઝેર લાગી. અને કોમી અદાવતના તમામ પ્રસંગો એમના નામ પર ચડતા થયા.
એટલું જ બસ નહોતું. એના માથા પર મૃત્યુનું ચક્કર ફરવા લાગ્યું, એના પર મુસ્લિમોની જાસાચિઠ્ઠીઓ આવતી થઈ કે 'શુદ્ધિસંગઠ્ઠનની પ્રવૃત્તિ જો નહિ છોડ તો તારો જાન લેશું.' પરંતુ એ અમરત્વના આરાધકને એકોતેર વર્ષની અવસ્થાએ મૃત્યુના ડોળા ડરાવી શકે તેવું નહોતું. વિરોધની શરવૃષ્ટિ વચ્ચે થઈને પણ રૂદ્રના ત્રિશુલ શો એ યોગી હિન્દુ જાતિની નિદ્રા ઉડાડવા ધૂમતો જ રહ્યો.
એમ કરતાં કરતાં એની કાયા હાથ ન રહી, એની તંદુરસ્તી ખળભળી ગઈ.