સત્યવ્રત (એક લોકકથા)
લોકકથા




સત્યવ્રત (એક લોકકથા)


એક વખત એક જૈન સાધુ વહોરવા (ભિક્ષાન્ન લેવા) નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતી કરી કે, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’

સાધુ કહે, ‘ના, હું નહીં આવું.’

‘કેમ મહારાજ ?’

‘કેમ કે તેં કોઈ વ્રત લીધું નથી.’

‘તો હું વ્રત લઉં. મને કોઈ વ્રત આપો. પછી તો આપ પધારશો ને ?’

‘બોલ, શાનું વ્રત લઈશ ? દારૂ ન પીવાનું વ્રત લઈશ ?’

‘ના મહારાજ, એ તે કેમ બને ? બીજું કોઈ વ્રત આપો.’

‘તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે.’

‘મહારાજ, જુગાર રમ્યા વગર કેમ ચાલે ?’

‘તો ચોરી નહીં કરું એવું વ્રત લે.’

‘ખરા છો તમેય, મહારાજ. પછી હું ખાઉં શું ?’

‘તો સાચું બોલવું એટલું વ્રત લે.’ પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી. તરત જ એ બોલ્યો : ‘મહારાજ, ભલે એ વ્રત આજથી હું લઉં છું.’ વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઈચ્છા થઈ; પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો ? તો તો સાચું બોલવાનું વ્રત લીધું છે એ તૂટે. જુગારની ઈચ્છા થઈ, વ્યભિચારનો વિચાર આવ્યો. પણ મનને થયું કે એ બધામાં સાચું બોલીને આગળ ચાલવું મુશ્કેલ છે. પણ ચોરી કરવા ગયા વગર તો છૂટકો જ ન હતો. ચોરી વગર ખાવું શું ? એણે ખૂબ વિચાર કરી જોયો. અંતે નક્કી કર્યું કે ચોરી કરવી પણ એવી કરવી કે પછી એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે. એક વાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠાબેઠા ખાવું. બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને ? ચોરી પણ એવાને ઘેર કરવી કે જેની પાસે સૌથી વધુ ધન હોય. એવો તો કોણ હોય ? લાવ, રાજાને ત્યાં જ ખાતર પાડું એમ કરી એ નીકળ્યો.

રસ્તામાં સિપાઈ મળ્યા. પૂછ્યું : ‘અલ્યા, ઊભો રહે, કોણ છે ?’

પેલો કહે : ‘ચોર છું.’ એને સાચું બોલવાનું વ્રત હતું ને ?

સિપાઈઓએ પૂછ્યું : ‘ક્યાં જાય છે ?’

પેલો કહે : ‘રાજમહેલમાં ચોરી કરવા.’

સિપાઈઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે. એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આવળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્લી જોઈ ઉપર ચઢ્યો. બધી ચીજો જોવા લાગ્યો : આ તો મારે શા કામની છે ? આને હું શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુએ તો અંદર બીજી દાબડી. એમાં જુએ તો સાત રત્નો. ચોરને થયું કે આટલાં બધાં મારે શું કરવાં છે ? ચાર બસ છે. અંદરથી ચાર રત્ન લઈને એણે છેડે ખોસ્યાં. ત્રણ દાબડીમાં રહેવા દીધાં ને દાબડી હતી તેમ બંધ કરીને પાછી એને ઠેકાણે મૂકી. બારીએ થઈને ઊતરી ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા જ વેશપલટો કરીને નગરચર્ચા જોવા નીકળેલો. એણે ચોરને ઊભો રાખ્યો ને પૂછ્યું : ‘અલ્યા કોણ છે ?’

‘ચોર છું.’

‘ક્યાંથી આવે છે ?’

‘ચોરી કરીને આવું છું.’

‘કોને ત્યાંથી ?’

‘રાજાના રાજમહેલમાંથી.’

‘શું ચોરી લાવ્યો ?’

જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્નો હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું : ‘વાત તો સાચી. ક્યાં રહે છે ?’ પેલા એ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુએ તો રાજમહેલની બારી ઉઘાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. એમણે તપાસ કરી. જુએ છે તો બધું અકબંધ. કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી એમની નજરે ચઢી. ખોલી. અંદર ત્રણ રત્ન પડ્યાં હતાં. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે. ત્રણ રત્ન મૂકીને ગયો છે. એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું : ‘મહારાજ, બીજું બધું તો સલામત છે. માત્ર દાબડીમાંનાં પેલા સાત રત્ન ચોર લઈ ગયો છે.’ રાજા કંઈ બોલ્યો નહીં. એટલું જ કહ્યું કે જલદી ચોરને પકડી લાવો.’

ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી, પણ કેમે કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો ચારમાંથી એક રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો કે, ‘શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.’ સીધું આવે એટલે પતાવી, ખાઈ કરી ખાટલામાં ઘરખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું. ચોર ન જ પકડાયો ત્યારે એક દિવસે પછી રાજાએ દરબાર ભર્યો. પ્રધાનને ને સૌ અધિકારીઓને પૂછ્યું કે, ‘ચોર તમારાથી પકડી શકાય એમ છે ?’ તેઓએ લાચાર બનીને ના પાડી. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને એક માણસને આપી. ‘જા, આ માણસને બોલાવી લાવ.’ માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું : ‘તું શો ધંધો કરે છે ?’

‘ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા !’

‘કરતો હતો ? હવે કરતો નથી ?’

‘ના, મહારાજ. પહેલાં કરતો હતો. હવે નથી કરતો.’

‘ક્યારથી નથી કરતો ?’

‘રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો.’

‘રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો ?’

‘રત્નો.’

‘કેટલાં ?’

‘ચાર.’

‘એ રત્નો ક્યાં છે ?’

‘ત્રણ રત્નો મારી પાસે છે.’

‘અને ચોથું ?’ ‘ચોથું પે…લા પાઘડીવાળા શેઠ બેઠા છે ને ? – એમને ત્યાં છે.’

શેઠ તો ગભરાઈ ગયા. કહે, ‘રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે.’

રાજા કહે : ‘ઠીક, એનું તો.’ પછી ચોરની તરફ વળીને કહ્યું : ‘અલ્યા, દાબડીમાં રત્નો તો સાત હતાં. તે સાતમાંથી ચાર જ ચોરેલાં ?’

‘જી મહારાજ, ચાર જ લીધેલાં.’

‘કેમ ચાર જ ?’

‘એટલાં મારે આયખાભર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.’

‘તો બાકીનાં ત્રણ ક્યાં હતાં ?’

ચોર કહે : ‘અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે. ક્યાં ગયાં એ બતાવું ?’

રાજા કહે : ‘બતાવ.’

‘આ તમારા પ્રધાનજી છે ને ? – એમણે લીધાં હશે.’ પ્રધાન તો વાઢ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા. રાજા કહે : ‘પ્રધાન, સાચું બોલો. બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે ?’ કરગરીને પ્રધાને કબૂલ કર્યું : ‘હા, મારી પાસે છે.’ આ બધું જોઈ રાજાના અને સભાના આશ્ચર્યનો તો પાર રહ્યો નહીં. રાજાએ ચોરને પૂછ્યું : ‘આ બધું શું છે ? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ.’ પછી ચોરે પોતે સાધુ પાસેથી સાચું બોલવું એવું વ્રત લીધેલું તે બધી વાત કહી.

આખી સભા ચકિત થઈ. રાજા પ્રસન્ન થયો. એણે કહ્યું : ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાંય ચૂક્યો નથી અને તમે તો ખાવાપીવાની કશી ખોટ ન હતી તોયે વધુ સંઘરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગાએ એને જવાનું હતું તે જગાએ – કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગા એ પ્રધાનપદે હવેથી આ સત્યવ્રત બેસશે.’

લોકકથા