સફલ રજની હુઈ
નરસિંહ મહેતા


સફલ રજની હુઈ આજની અભિનવી, પલંગ બેસાડી વાહાલે હાસ્ય કીધું;
કર દર્પણ ધરી વદન અવિલોકવા, પ્રેમનું ચુંબન ગાલે કીધું.

કુસુમના ટોડર કંઠ ભૂષણ ધરી, ભૂજ ભીડી ભુધરે હ્રદયા સાથે;
સુસ્ત સંગ્રામશું હું એને જઈ ભડી, જીત્યો યદુનાથ દ્વય બાહુ બાથે.
મદનના સૈન્યશું માન માગ્યું ઘણું, જુદ્ધ જીત્યું રણ હાથ આવ્યું;
ચૌદ ભુવનતણો નાથ મેં વશ કર્યો, અજિત જીત્યાતણું બિરદ કહાવ્યું.
જેમ ગજયુવતિ માતંગ મદગલીતા, સુંદરી સેજ હરિસિંહ આવ્યો;
નરસિંહાચા સ્વામી સુભટ સુરાસુર, કેસરી કાન સાહી નચાવ્યો.