સમળી મા
ગિજુભાઈ બધેકા



સમળી મા


એક હતો વાણિયો. એને હાથે એક ગૂમડું થયું.

વાણિયો રોજ વૈદ પાસે જાય અને દવા કરે પણ કેમે કરીને ગૂમડું ફૂટે નહિ.

એક વર વાણિયો વૈદ પાસે જતો હતો ત્યાં રસ્તામાં એને એક સમળી મળી.

સમળી કહે : 'વાણિયાભાઈ, વાણિયાભાઈ ! આ તમારે હાથે શું થયું છે ?'

વાણિયો કહે : 'જુઓને બહેન ! આ કેટલાય દિવસથી ગૂમડું થયું છે. ફાટતુંયે નથી ને ફૂટતુંયે નથી. કોણ જાણે કેવીય જાતનું છે.'

સમળી કહે : 'અરે, એમાં તે શું છે ? ગૂમડું હું ફોડી આપું; પણ એમાંથી જે નીકળે ઈ મારું.'

વાણિયો મનમાં વિચાર કરવા લાગ્યો કે ગૂમડાંમાંથી તે વળી શું નીકળવાનું હતું ! પાક નીકળશે અને પરુ નીકળશે, એમાં સમળી કાંઈ કાટી ખાશે નહિ. એમ ધારીને એણે કહ્યું : 'ઠીક, જે નીકળે તે તમારું. એક વાર મારું દુઃખ મટાડો !'

સમળીએ ચાંચ મારી ઝટ દઈને ગૂમડું ફોડી નાખ્યું. ત્યાં તો એમાંથી એક દીકરી નીકળી. રૂપાળી રંભા જેવી.

દીકરી આપતાં વાણિયાનો જીવ ન ચાલ્યો. પણ કરે શું ? સમળી સાથે વચને બંધાયો હતો.

છેવટે કોચવાતા મને વાનિયાએ સમળિને દીકરી આપી.

સમળી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા બધા માળામાં સમળીએ એને રાખી.સમળીએ એનું નામ રંભા પાડ્યું.

સમળી તો રંભાને કાંઈ રાખે ! રોજ નીતનવાં ખાવાનાં લઈ આવે, પહેરવા ઓઢવાનાં ને લૂગડાં-ઘરેણાં લઈ આવે, ને રાજી રાજી રાખે. રંભાને કોઈ વાતની મણા નહિ.

એક વાર રંભા કહે : 'મા ! મને ચંદનહાર પહેરવાની હોંશ થઈ છે.' સમળી કહે : 'ઠીક દીકરી ! તો કાલે ચંદનહાર લઈ આવું. પણ વખતે લાવતા લાવતા બે દિ' મોડુંય થઈ જાય. ચંદનહાર તો કોક રાજાને ઘેર કે મોટા નગરશેઠને ત્યાં હોય. મોડી આવું તો મૂંઝાઈશ નહિ.'

સમળી તો ચંદનહાર લેવા ઊડી. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમળી પાછી આવે ને ?

રંભા તો માળામાં બેઠી બેઠી સમળી માની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, એમ કરતી વાટ જોતી બેઠી છે. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો તે માળા પાસે આવ્યો. રંભાને જોઈને એ તો ખુશખુશ થઈ ગયો. રંભાને તો એ પોતાને મહેલ લઈ ગયો.

ચોથો દિવસ થયો ત્યાં તો સમળી ચંદનહાર લઈને આવી.

પણ માળામાં રંભા તો ન મળે !

સમળી કહે : 'રંભા ક્યાં ગઈ હશે ?' ઘણા સાદ પાડ્યા પણ રંભા આવી નહિ. સમળી તો રોવા માંડી. ખૂબ ખૂબ રોઈ, ધ્રુસકે ધ્રુસકે રોઈ પણ રંભા ક્યાંથી આવે ? એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી'તી, ખાતી'તી ને મજા કરતી'તી.

સમળી તો રોઈ રોઈને થાકી. પછી કહે 'ચાલ, ક્યાંક ગોતું !'

સમળી તો ઊડી.

દરેક ઘરને છાપરે જઈને બેસે ને બોલે : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું< ? કોણે દીધા વનવાસ ?

સમળી ગામોગામ ફરે અને છાપરે છાપરે બેસીને બોલે. એમ કરતાં કરતાં જે ગામમાં રંભા હતી તે ગામમાં સમળી આવી અને રાજાના મહેલની જ ઉપર બેસીને બોલી : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

હીંડોળા ઉપર બેસીને રંભા ખટક ખટક હીંચકતી હતી. એને કાને સમળીનો અવાજ આવ્યો. રંભા કહે : 'સાંભળો તો ખરાં, એલા, કોણ બોલે છે ?'

ત્યાં તો સમળી ફરી બોલી : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

રંભા કહે : 'અરે, આ તો મારી બા જ બોલે છે !'

દાસીઓ કહે : 'ના રે, બા ! એ તો છાપરે બેઠેલી સમળી છે.'

રંભા કહે : 'ખરેખર, એ મારી બા જ છે. એને અહીં લાવો.'

પછી માણસોએ છાપરે ચડીને સમળીને પકડીને મહેલમાં આણી.

દીકરીને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી ભેટી પડ્યાં. પછી રંભાએ સમળીને માટે સોનાનું પાંજરું કરાવ્યું ને એમાં એને રાખી.

મા-દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે છે, ને ખાય – પીએ ને મજા કરે છે.

*