સરસ્વતીચંદ્ર ભાગ ૧/ખટપટનાં શસ્ત્ર અને કારભારીયોની યુદ્ધકળા

← ઉન્મત્તપણાનું પરિણામ સરસ્વતીચંદ્ર ભાગ ૧
ખટપટનાં શસ્ત્ર અને કારભારીયોની યુદ્ધકળા
ગોવર્ધનરામ ત્રિપાઠી
દરબારમાં જવાની તૈયારીયો →


પ્રકરણ ૧૦.
ખટપટનાં શસ્ત્ર અને કારભારીએાની યુદ્ધકળા.

વીનચંદ્રની ચિંતા અલકકિશોરીને માથે પડી. મૂર્ખદત્ત આવતો જતો અને ખબર લેતો વૈદ્ય ઔષધ કરતો. ચાકરો ચાકરજોગ કામ કરતા. સૌભાગ્યદેવી નીચે રહી પુછપરછ કરી તપાસ રાખતી અને દિવસમાં એકવાર ઉપર આવી સમાચાર પુછી જતી. પ્રમાદધન 'ન્યુસ્પેપર' વાંચી જતો અને જતાં આવતાં ફેરો ખાતો ને મિત્ર મંડળ સાથે પથારીની આસપાસ બેસી ગામગપાટા ચલાવતો. બુદ્ધિધન પણુ નિત્ય આવી પથારીમાં બેસી કાંઈક વાતો કરી જતો અને વૈદ્યને હુકમ આપ્યો હતો કે રોજ સમાચાર કહી જવા. કોઈપણ બીજું હાજર હોય તે વખતે કુમુદસુંદરી આવવાનો પ્રસંગ ભુલતી નહી, આવી આઘે રહી કુશળ વર્તમાન જોઈ જાણી આનંદ પામી પાછી જતી, અને જોડની મેડીમાં બેસી કોઈની સાથે પણ નવીનચંદ્ર કામની કે નકામી કાંઈ પણ વાતો કરે તે રસથી સાંભળતી. ત્રાહીત પુરુષો જોવા ન આવ્યા હોય ત્યારે ઘણું ખરું અલિકકિશોરી એકલી હોય તોપણ પથારી પાસે બેસી રહેતી, ઉપચાર કરતી, નિર્દોષ વાતો કરતી, અને ભાભીને કે જે કોઈ હોય તેને બને તો વાતોમાં ભાગ લેવા બોલાવતી. કોઈ વખત નણંદ, ભોજાઈ અતિથિ, અને પ્રમાદધન ચોપટ રમતાં અતિથિ ઘરના માણસ જેવો થોડા કાળમાં થઈ ગયો અને તેની પ્રકૃતિ સુધરતી ચાલી. તેને પરાયા ઘર જેવું લાગતું બંધ થઈ ગયું. અમાત્યના ઘરમાં આ શાંતિ વર્તતી હતી તે જ સમયે દરબારમાં ખટપટ જામી રહી હતી અને તે નજરે જોવા શક્તિ ન હોવાથી નવીનચંદ્ર પોતાને હીનભાગ્ય સમજતો હતો. વાયે વાતો ઉડતી હતી અને એની પાસે કાંઈ કાંઈ તડાકા ચાલ્યા આવતા હતા.

જમાલવાળા બનાવથી બુદ્ધિધનનું માથું ફરી ગયું હતું અને એ બનાવનું મૂળ દેખાતું હતું તેથી વધારે ઉંડું એ કલ્પતો. ભોંયરામાં પુરેલો જમાલ ન જડવાથી તેની તપાસ છાનીમાની ચાલી રહી હતી અને ચિંતામાં પડેલી ખલકનંદાયે એ તપાસ કરવા પોતાના ભાઈને કંઈ કંઈ નિમિત્તે ઉશ્કેર્યો અને કંઈ કંઈ કાર્યોમાં પ્રેર્યો. બુદ્ધિધને અા પરિણામ કલ્પી મુક્યું હતું અને તે પરિણામનાં પરિણામ પોતાનાં ઈષ્ટ કરી દેવા તત્પર હતો. શઠરાય સાથે મેદાનમાં ઉઘાડાં પડવાનો દિવસ તેની દ્રષ્ટિમર્યાદાની ભાગોળ આગળ ભમતો દેખાયો. માતુ:શ્રીને અને સૌભાગ્યદેવીની પવિત્રતાને આપેલા અપમાનથી ઉત્પન્ન થયેલો વૈરનો તનખો હોલાઈ ગયો ન હતો અને શઠરાયની ખટપટે તેને જાગૃત રાખ્યો હતો અને ધીકધીકતા અંગારા જેવો બનાવી દીધો હતો. અલકકિશોરીએ ખમેલા અસહ્ય અપમાનથી આ અંગારા ઉપર ઘી હોમાયું અને ભડકો થયો. શઠરાયના કુટુંબ અને કારભારની અાસપાસ બુદ્ધિધનની બુદ્ધિરૂપ વાયુ આ ભડકાને ફેલાવી દેતો હતો. એ આગ ચારે પાર ફરી વળશે અને વચમાંની વસ્તુ બળી રાખ થઈ જવાની એ પ્રસંગ એકલા પડ્યા બુદ્ધિધનની દ્રષ્ટિ અાગળ અાવતો દેખાયો. તેની પાછળ અમાત્યનો પોતાનો મધ્યાહ્નકાળ ઉભો લાગ્યો. અનાથ વિધવાના ગરીબ અને બાળક દીકરા બુદ્ધિધનના વૈરભાવના આવેશને મંદવાડના લવારામાં ગણનાર પણ હેતસ્વી દયાશંકર ઘણા વૃદ્ધ અને જર્જરિત બની જીવતા હતા તેમણે હસી ક્‌હાડેલી વાતનું મહાપરિણામ તેમને પ્રત્યક્ષ કરાવવાનો સમય આવે છે એવું બુદ્ધિધનને લાગતું અને તેથી એક જાતનો આનંદ મળતો. માતુ:શ્રી આ સમયે હત તો ! તે કેટલું અનુમોદન કરત ! તે અાજ નથી એવું ભાન અાવતાં પોતાનો આનંદચંદ્ર નિષ્કલંક નહીં ઉગે એવો કોઈક વખત તેને વિચાર થતો. પરંતુ માતાનું શ્રાદ્ધ-તર્પણ પુરું કરી દેવાના અવસરે દીકરાની વૃત્તિયો જબરી ઉછળવા લાગી. એ તોફાની વૃત્તિયોના સાગરમાં પોતાની 'પ્રિય પુત્રીને' થયેલા અપમાનરૂપી વાયુએ ખટપટનાં મોજાંને ઉંચા ઉછાળવા માંડ્યાં અને જે રાત્રે, પકડાયેલો જમાલ ચોકમાં માર ખાતો હતો, અને અલકકિશોરી પરસાળની મેડી પરના ઉમરાપર માના ખોળામાં પડી પડી ડુસકાં ભરતી હતી, તે વખત અગાસીમાં હેરાફેરી કરતો બુદ્ધિધન ભ્રૂકુટી ચ્‍હડાવી, મુછ પર હાથ નાંખી, બોલી ઉઠ્યો હતો કે “ સંભાળજે ! શઠરાય ! હવે હું અશસ્ત્ર નથી ! એ તો હું !” બુમાબુમમાં અા શબ્દ કોઈએ સાંભળ્યા ન હતા. અંધારામાં ભ્રકુટિ ચ્‍હડેલી કોઈએ દીઠી ન હતી.

અામ અમાત્યનું મગજ ચકડોળે ચ્‍હડયું હતું અને દિને દિને વધારે વધારે સ્‍હેજ સ્‍હેજ નિમિત્તથી ચ્‍હડતું હતું. એક દિવસ તો પ્રાત:કાળમાં ઉઠ્યો. દેવી રોજ વ્હેલી ઉઠતી હતી પણ આજ કાંઈક મોડી ઉઠી અને બુદ્ધિધન પ્‍હેલો ઉઠ્યો; પથારીમાં બેઠો થયો; પતિવ્રતાના મુખ સામું જોઈ રહ્યો; તેને પ્‍હોંચેલા આ અપમાનનું વેર લેવાયું નથી અને તેથી પોતે હજી દેવાદાર છે એમ મનમાં લાગ્યું. કમળની પાંખડીયો પેઠે બીડાયેલી નાજુક અાંખો, ઉશીકાની અાસપાસ વેરાયેલા છુટા લાંબા કાળા કેશ, ચળકતું ભવ્ય કપાળ, પક્‌વબિમ્બાધરનું સંપુટ, અને ઉજાસ મારતા લોભાવતા કોમળ ગાલ: સર્વ જોતાં મનોવૃત્તિ લલચાઈ ન્હાની ઉમ્મરના અને આજના દેખાવમાં ફેર લાગવા છતાં સુંદરતા કમી લાગી નહી અને પોતાના અંતઃકરણમાંથી વહાલની સેર વધારે જોસભેર વછુટી. વેર લેવાયું નથી ત્યાંસુધી આ સર્વ વ્હાલ લુખું અને ઠગાઈ ભરેલું લાગ્યું. એ કલંક પોતાને માથેથી એકદમ ઉતારવા ઠરાવ કર્યો અને મનમાં ને મનમાં દેવીને વચન આપી, હાથ ઉંચો કરી બોલી ઉઠ્યો;

“ દેવી, મને બાયલો ધારીશ નહી ! હવે,

“રણવચ્ચે પડે બુમડી ત્યાં જોજે મારો હત્થ !”[]

એમ કહી હસ્યો, દેવીના મ્હોં સામે બરોબર ફર્યો. હાથવતે ગાલસંપુટ સાહી–ડાબી–નીચો પડ્યો અને લાંબા કરેલા ઓઠદ્વારા નિદ્રાવશ ઓઠમાં, ને ઓઠમાંથી મગજમાં અાત્મામૃત રેડ્યું. દેવી જાગી, અમૃતપાનથી સ્મિતમય બની અને પ્રત્યાઘાતરૂપ તેના મનહર સાકાર વિકારને મંગળ શકુન ગણી - સત્કાર આપી - બુદ્ધિધન ઉઠ્યો. અને કર્તવ્ય કામનાં વૈરભાવ વગેરે સાધનોમાં ઉત્સાહ ઉમેર્યો. કારભારી થવાના ઉત્સાહની ગંગામાં આ ઉત્સાહનદી વેગથી ભળી.

આણીપાસ શઠરાયે પણ બુદ્ધિધનને દૂર કરવા ઠરાવ કર્યો હતો. ઘણા વર્ષ સુધી એણે કારભાર કર્યો હતો અને નિષ્કંટક સત્તા ભોગવી હતી. કંટક રાખવો નહી એ તેનો નિશ્ચય હતો. ભૂપસિંહનો ડર હવે તેના મનમાંથી જતો રહ્યો હતો, પરંતુ બુદ્ધિધનની બ્‍હીક તેને લાગવા માંડી. બ્‍હીક તો મૂળથી જ હતી. પરંતુ રાણાની બ્‍હીક હતી ત્યાંસુધી અમાત્યની બ્‍હીક જણાઈ પડતી ન હતી. ભૂપસિંહ પોતાની પાસે શુન્ય જેવો વસતો અને માત્ર


  1. ૧. ભવાઈસંગ્રહ-સામળો
બુદ્ધિધન કાળ જેવો લાગતો. એ કાંટો ક્‌હાડી નાંખવો અને તેમ

કરવામાં ભૂપસિંહ પ્રતિકૂળતા બતાવે તો તેનું પણ ઓસડ કરવું એ સર્વ લક્ષ્યનાં સાધન શઠરાય ચલાવતો હતો.

એક મ્યાનમાં બે તરવારો કોઈએ ઠેકાણે સમાઈ સાંભળી નથી. જયાંસુધી બુદ્ધિધન અને શઠરાય એકબીજાને નમીને ચાલતા હતા ત્યાંસુધી સર્વ સમું ચાલ્યું, પરંતુ,

“અભિલાષી એક બાતકો યામે હોત વિરોધ. ”

વિરોધ તો ગુપ્ત હતો જ, પરંતુ જુનો સમો બદલાયો અને બુદ્ધિધનને પોતાનો પાયો સ્થિર લાગ્યો એટલે દેખીતી ઈમારત ચણવાનો પ્રસંગ અાવ્યો. એનો તનમનાટ શઠરાય કળી ગયો. બુદ્ધિધનની જ બુદ્ધિથી ભૂપિસિંહ શઠરાયના હાથમાં જતો જણાયો, અને શઠરાયે તેમ જાણ્યું અને ધાર્યું કે ભૂપસિંહ બુદ્ધિધનનાથી પુરો જુદો પડતાં વાર નહી લાગે. બુદ્ધિધન જેવા ચાંચણને મસળી નાંખવામાં એને કાંઈ મુશ્કેલી લાગી નહીં. ખટપટમાં તે અનુભવી હતો. ઘણી કળાઓ તેને આવડતી હતી. ફલાણું કામ કરતાં ચિત્ત અટકે એમ ન હતું. ઘણી મીલકત અને ઘણાં માણસ તેનાં પોતાનાં હતાં. ભૂપસિંહની કૃપા, ઈશ્વરે આપેલી બુદ્ધિ અને તેથી મળેલાં ફળ, થોડાંક પણ સાચાં માણસો, અને સાધારણ દ્રવ્યઃ એટલામાં બુદ્ધિધનનાં સાધનોનો સમાવેશ થઈ રહ્યો હતો.

સંસ્થાનનો વડો ન્યાયાધીશ શઠરાયનો ભાઈ કરવતરાય હતો, અમાત્ય થયા પછી કરવતરાયના ફેંસલા ઉપર ભૂપસિંહ પાસે અપીલો જતી અને એની જોડે અમાત્ય બેસતો અને અમાત્યનાં જ કહ્યા પ્રમાણે થતું. આ કામ કરવાનો સમય બપોરનો રાખ્યો હતો. તે વખતે સ્વાભાવિક રીતે રાણાને અને અમાત્યને એકલાં પડવાનો પ્રસંગ આવતો. પ્રથમ તો બુદ્ધિધન ઝાઝું વચ્ચે ન પડતો પણ આખરે ઉઘાડાં પડવાનો પ્રસંગ વધારે વધારે પાસે આવ્યો તેમ તેમ કરવત૨ાયના ફેંસલા ફરવા માંડ્યા અને એમ થયું એટલે એને મળતી દક્ષિણા પણ ઓછી થઈ. અા હુમલાની ખબર શઠરાય પાસે જતાં તેણે ઔષધ શોધવા માંડ્યું. કલાવતી કરીને એક નાજુક, પાતળી, ગોરી, અને સુંદર ગાનારી નાયિકાને દુષ્ટરાયે મુંબાઈથી આણી સુવર્ણપુરમાં વસાવી હતી. તેને એક દિવસ દરબારમાં ગાવા અાણી. રાણાને ગાયન ગમ્યું અને હળવે હળવે દ૨બા૨ વેરાઈ જાય તો પણ શીખવી મુકેલા દરબારીયોની સૂચનાથી તે વધારે વાર બેસતી અને રાણો ના ન કહેતો. મંડળ થોડું હોય ત્યારે એનાં ગાનનાં વખાણમાંથી શરીરનાં વખાણની વાત ક્‌હાડવામાં આવતી. મૂર્ખ રાણો તે પ્રીતિથી સાંભળતો, અને આઘે બેસી ગાતી હોય અથવા ઉભી ઉભી ફરતી ફરતી નાચતી હોય તે વખત તેનાં જાણી જોઈ નિર્લજ્જ અવસ્થામાં ર્‌હેતાં આવી જતાં અવયવો ઉપર રાણાની અાંખ લાચાર બની ઠરતી. તો પણ બુદ્ધિધનની બ્‍હીકે તે ઝાઝું ન બોલતો. એમ કરતાં એક દિવસ તો ખાનગીમાં – બુદ્ધિધનની ગેરહાજરીમાં – તેણે એની ખુબી વખાણી અને શઠરાયે પોતાનો કરી મુકેલો મ્હાવો ખવાસ હાજર જ હતો તેણે સમયસૂચકતાથી કલાવતીને મહારાણાની સેવામાં હાજર કરવા માથે લીધું. રાણાએ ના ન કહી અને એક દિવસ બપોરે તેને રાજમ્હેલમાં અાણી – રાજમ્હેલ અપવિત્ર કર્યો - સુવર્ણપુરના રાણાના શરીરને દૂષિત કર્યું – તેના મનને ભ્રષ્ટ કર્યું અને સુવર્ણપુરની પ્રજાને માથે અતિ નીચ શોક્ય લાવી બેસારી. બપોરે ન્યાયનું કામ કરવા બેસવું તે ભૂપસિંહને વસમું લાગવા માંડ્યું. હજુરીયો તે વાત સમજયા. ખાનગી કારભારી નીચદાસે વાત ક્‌હાડી, “રાણાજી, આપને કાંઈ ઈશ્વરે આ વૈતરા સારું સરજેલા નથી. કરવા દ્યોને અમાત્યને જ એ કામ.” અમાત્યને કોણ ક્‌હે ? નીચદાસે શઠરાયને સમાચાર કહ્યા. બુદ્ધિધનના દેખતાં શઠરાયના શીખવી મુકેલા જગાભાઈ ચારણે પ્રસંગ આાણી કવિત ગાયું.

“ ભલો ભલો ભૂપ, ભૂપ, ગુણ રૂપ બે અનુપ,
“ રાતદિન રાજકાજના જ સાજમાં જ અાજ
“ ચિત્ત વિત્ત સર્વ દીધ, રીધ સીધ એ જ કીધ,
“ મોજશોખ ને વિલાસ છોડી દીધ છે વિહાર !
“ ભલો ભલો ભૂપસિહ ! થા તું હવે સિંહ, સિંહ !
“ દિવસમાંહીં એક વાર હોય તાહરે શીકાર !
“ રુડી ઘટા ઘાડીવાળી ઝાડીમાંહી રહેવું દ્હાડી–
" એ જ મૃગરાજ તાજ, રાજને શું બીજું કાજ ? ”

“ભલો, ભલો, ભૂપ ભૂપસિંહ !” કરી ચારણે હાથ જોડ્યા અને બોલ્યો: “ દીનાનાથ ? મ્હારા જેવાને ય રાત દિવસ વૈતરું ને આપના જેવાને ય વૈતરું – એ કાંઈ હોય ?”

બુદ્ધિધન જરીક ચમક્યો અને વહેમાઈ ચારણ સામું જોઈ રહ્યો. ચા૨ણે નજર ચુકાવી.

શઠરાય : “ત્યારે જગાભાઈ રાજકાજ ન કરે તો બેસી ર્‌હે ! શું ઈનસાફ ન કરે ?”

જગાભાઈઃ “ઓય, ઓય, બાપજી, જયારે એ કડાકુટોયે ૨ાણોજી કરશે ત્યારે આવા વિશ્વાસુ અમાત્ય શું કરશે ?" આવી આવી વાતોથી પત્થર ઘસાયો અને ભૂપસિંહનો જીવ કામકાજમાંથી ઓછો થયો. બપોરે બુદ્ધિધન આવે ત્યારે રાણો ક્‌હાવે કે “ચાલતું કરો, હું આવું છું.” અાખરે આવે અને કાગળ પર બે બીલાડાં તાણી આપે – બુદ્ધિધન સઉ જોયાં કરતો. પોતાનાપરથી ભાવ ઉઠી શઠરાયપર થયો ન હતો પણ તેમ થવાનો આ રસ્તો હતો. કલાવતી રોજ બપોરે આવતી તે એને માલુમ પડ્યું. કલાવતીનો ઈતિહાસ માલુમ પડ્યો. બપોરે રાણાને ત્યાં એ ને રાત્રે એને ત્યાં દુષ્ટરાય એમ થતું. રાણો પઈસા ખરચે એટલે દુષ્ટરાય વગર પઈસે મોજ માણતો. મેરુલાને પણ ગમત થઈ એ નરભેરામની પાસે ફુલ્યો ને નરભેરામે અમાત્યને બધી વાત કહી. હળવે હળવે ૨ાણો નફટ થયો અને સેવા કરવાને બ્‍હાને રઘી ખવાસણ, રાણો ને કલાવતી એકાંતમાં હોય તે સમયે હાજર રહેતી. રઘી કલાવતીની પણ સેવા કરતી અને એની માનીતી થઈ પડી હતી. મ્હાવાસાથે એને સંબંધ હતો, અને એ લુચ્ચો છતાં બધી વાતો એને મ્હોંયે કરતો. મ્હાવો લંપટ હતો અને ૨ઘી પઈસાની અને ઘરેણાંની લોભી હતી. મ્હાવો લુચ્ચો હતો પણ રઘીની પાસે ગરજ વખતે મૂર્ખ બની જતો. રઘી મૂર્ખ હતી પણ રમતીયાળ હતી અને મ્હાવાને ગરજ હોય ત્યારે ચેતતી અને એને ઠગતી, ધમકાવતી, લુટતી, અને ફાવી જતી. બે જણને મહેલમાં યથેચ્છ વર્તવા પુષ્કળ સગવડ મળતી; મ્હોટાનાં ઘર એવાં જ હોય છે. શઠરાયના ઘરમાં રઘીને સઉ ખેલાવતાં અને ખેલાવનારમાં અગ્રેસર નરભેરામ હતો. નરભેરામે રઘીને છાનાંમાનાં શીખવ્યું કે “ રાંડ, જાને, રાણો ને કલાવતી હોય ત્યારે જઈયે ને બધી જાતની ચાકરી કરીયે. એમાંથી પઈસાવાળી થઈશ ને કોઈ દ્હાડો રાણાની રાણીયે થવાય !” રઘીએ આ ખરું માન્યું અને તેનું ફળ અાપણે જાણીયે છીયે. નરભેરામનો રઘી ઉપકાર માનતી અને બધી વાતો સાંભળતી તે નરભેરામ કલાવે એટલે કહી દેતી. એક મ્હાવાએ કરેલી વાતો એ કોઈને કહેતી નહી. નરભેરામે એક દિવસ કહ્યું. “ રાંડ, મ્હાવો ત્‍હારો કયારે કે એની વહુને રાણીએ નથડી આપી છે તે તને આણી આપે તો. ગમે એટલું પણ તું તે રાખ - રાખેલી.” રઘી ઉત્સાહ અાણી ઉછળી બોલી: “હા, હા, એ તો હું આણું.” નિષ્ફળ થઈ મ્હાવાને વહુ પાસેથી મળે એમ હતું નહીં. મ્હાવે બ્‍હાનું કહાડ્યું અને રઘીને સમઝાવી. પણ રઘીએ માન્યું નહી. નરભેરામે ફુલીને કહ્યુંઃ “હેં, લેતી જા. મ્હારો મ્હાવો – મ્હારો મ્હાવો – તે ત્‍હારો નહીં નીવડ્યો હોય ! વખત આવ્યે સઉ જણાય.” મ્હાવાનો સંબંધ તો રઘીથી તુટ્યો નહી. પણ જીવ જુદો થયો. મ્હાવાની વાતો થોડી થોડી નરભેરામ પાસે કરવા માંડી. રાણાને રણજીત નામનો ચોબદાર હતો. તેને આંખ એક જ હતી. મેરુલાના પ્હેલાં એને રુપાળી સાથે સંબંધ હતો. દુષ્ટરાયને માલમ પડવાથી એનો ઘડોઘાટ કરવાને વિચાર થયો હતો. જડસિંહના વખતમાં પોતે લીલાપુર ગયો તે પહેલાં બુદ્ધિધનને શઠરાયને ત્યાં જવાનો પરિચય હતો ત્યારે આ વાત કાને આવ્યાથી બુદ્ધિધને ૨ણજીતને ચેતાવ્યો હતો અને ઉપાય બતાવ્યો હતો. તે ઉપરથી રણજીત શઠરાયને મળ્યો અને ફરીયાદી કરી કે “સાહેબ, દુષ્ટરાયજીની પાસે મ્હારા વૈરીયો ખોટું ખોટું ભરવે છે, માટે કૃપા કરી મ્હારી બદલી કરો; ત્યાં રાખવો હોય તો હું રજા લઉં છું.” દુષ્ટરાયથી ખરું કારણ ક્‌હેવાયું નહી અને 'મુવો, છો બીજે ઠેકાણે જતો' કરી હરકત ન કરી. એ બદલીમાંથી આખરે રણજીત ચોબદાર થયો. તે હજી બુદ્ધિધનનો ઉપકાર માનતો હતો અને અંદરથી એના પક્ષમાં હતો. બુદ્ધિધને સમરસેન પાસે શીખવાવ્યું અને રણજીતે ૨ઘી જતી આવતી હતી તે વખત મશકેરી કરી અને એમ કરતાં કરતાં એનો સંબંધ થયો એટલે મ્હાવાની બધી વાતો ફુટવા માંડી. ૨ઘી રાણીયોની પણ માનીતી હતી. નરભેરામ અને રણજીત બેની કમાન બુદ્ધિધનની બુદ્ધિ હતી અને એ બુદ્ધિના બળથી રાણાનો મ્હેલ, અંત:પુર, અને દરબાર બુદ્ધિધનને મન પારદર્શક થઈ ગયાં હતાં. કલાવતી અમાત્યને પોતાના હાથમાં લાગી અને તેની કરેલી રજેરજ વાત પોતાની પાસે અાવતી. હજીસુધી શઠરાયે તેને રાણાના બીગાડ શિવાય બીજા પ્રપંચની સહાયભૂત નહોતી કરી, કારણ તે કરવાનો સમય આવ્યો લાગ્યો ન હતો. એમ કરતાં કોઈ કોઈ વખત તે ક્‌હેવા લાગી, “ હવે અમારા ધંધો પડ્યો એટલે અમે વગોવાઈયે. અમને સારાં ક્‌હેવડાવે એવી સ્ત્રીયો અંતઃપુરમાં કયાં નથી હોતી ? ” કર્ણદેાષ થયો છે – ખરું ખોટું ઈશ્વર જાણે, રાણીયોની વાતો કોણ કરી શકે ?” “રાજબાની વાત સાંભળવામાં અાવી છે.” એમ ક્રમે ક્રમે ચ્હડી. અાખરે નરભેરામે કાગળ આપ્યા તે લેઈ સવારના પહોરમાં બુદ્ધિધન દરબારમાં ગયો અને રાણાના ખોળામાં કાગળો નાંખ્યા. કંઈક આંસુભરી આંખે બોલ્યો; “ રાજબાને મ્હેં માતુઃશ્રીને ઠેકાણે ગણ્યાં છે. આ કાગળો જોઈ મને કંપારી વછુટે છે. એ કાગળ વાંચી લ્યો. શઠરાય મ્હાવા મારફત તમને બતાવશે. તમારા મનમાં લેશ પણ વ્હેમ હોય તો મને ક્‌હેજો. હું રાજીનામું આપી તમને આશીર્વાદ આપી તમારી ચ્હડતી જોઈ રાજી ૨હીશ.” રાણાને દયા આવી અને ઉઠી જુના મિત્રનાં આંસુ લ્હોઈ બોલ્યો; “બુદ્ધિધન, તમારો મ્હારે પૂર્ણ વિશ્વાસ છે. તમારે લીધે મ્હારા આ દિવસ છે. આ તરકટી કાગળો મ્હારી પાસે આવવા દ્યો. આપનારને હું ફાંસીયે ચ્હડાવીશ. શા વાસ્તે તમે શઠરાયનો ઉપાય કરતા નથી ?”

કાગળો લઈ બુદ્ધિધને શીખામણ આપી: “આ કાગળો મ્હાવો આપે ત્યારે લેજો. માનતા હો તેમ જણવજો. મ્હારાપર દ્વેષ જણવજો અને શઠરાયના હો તેમ બ્હારથી ચાલજો.” બીજી જોઈતી સૂચના આપી અમાત્ય ઘેર ગયો.

મ્હવાયે બપોરે કાગળો રાણાને આપ્યા. રાણો કોપાયમાન દેખાયો, બુદ્ધિધનને પાયમાલ કરવાની ગર્જના કરી, શઠરાયને બોલાવ્યો, સઉ વાત કહી, શઠરાય મનમાં ફુલ્યો, અને વચન આપ્યું કે એ બુદ્ધિધનનું મ્હોં તમારે જોવું ન પડે એમ કરી આપું. રાણો ક્‌હે “અમાત્યનું કામ માથે લેવા કોઈ માણસ તૈયાર રાખો અને આપણું ધાર્યું થાય ત્યાં સુધી અમાત્ય જાણે નહીં એમ કરજો.” કારભારી વિચાર કરી કહે: “નરભેરામને આપની સાથે હજુ૨ સેક્રેટરી કરી રાખો. બુદ્ધિધનની પ્રથમ જગા એ જ હતી. એને નીમશો તો અમાત્ય વહેમ નહીં ખાય ને નરભેરામ તરત સઉ કામ શીખી જશે.” એ પ્રમાણે થયું.

બે ચાર દિવસ પછી ચૈત્રી પડવો હતો. તે દિવસે દરબાર ભરાવાનો ત્યાં સઉ ખેલ રચવાનું નિર્માણ થયું. બુદ્ધિધને પઈસા ખાધેલા – ન્યાયમાં કુંડાળાં વાળેલાં – તેની ચાડી ખાવાનું ભારેખમ પણ બેશરમ ગરબડદાસે માથે લીધું. મ્હવાનો ભાઈ ખેાડો થોડા દિવસ લીલાપુર ટપાલખાતામાં હતો તેણે રાજબાવાળા કાગળો ઉઘાડા કરવાનું માથે લીધું. તેણે પોતાની પાસે કાગળે શી રીતે આવ્યા તેની હકીકત જોડી ક્‌હાડી. રાજબાની વાતમાં સાક્ષી પુરવાનું નરભેરામને માથે પડ્યું. રાણો ગુસ્સે થાય અને હુકમ કરે કે દુષ્ટરાયે બુદ્ધિધનને પકડવો અને એનું ઘર જપ્ત કરવું એ નકકી થયું. રાણાને માથે કામ નાંખવામાં આવ્યું કે બુદ્ધિધનને માથે આવેલા ચાર્જનો ઈનસાફ કરવતરાયને સોંપવો. દુષ્ટરાયે રાણાના કાનમાં કહ્યું “બુદ્ધિધનને પકડ્યો એટલે એના ઘરનાં ત્રણે બઈરાંને આપની પાસે લાવીશું. બહુ દેખાવડાં છે.” રાણાને કંપારી છુટી પણ મનોવૃત્તિ સંતાડી. દરબારમાંથી નીકળ્યા પછી રસ્તામાં જ શઠરાયે કરવતરાયના કાનમાં વાત કરી; “ત્હારે માથે વળી શું કરવા જોઈયે ? પોલીટીકલનું લફરું આવી બેસે. રણજીત, મ્હાવો, ને એ બધાંને સમઝાવીશું એટલે છાનીમાની કાશ ક્‌હાડશે. લોક જાણશે એણે આપઘાત કર્યો. રાણાને કહીશું કે રાજબાની કોર્ટમાં ફજેતી થતી અટકી. ઠીક પડશે. ટુંકું ને ટચ.” પાપમાં વૃદ્ધિ થયેલાને આ વિચાર ખુંચ્યો સરખો નહિ. "બુદ્ધિધન મુવો, ૨ાણો કલાવતીમાં પડ્યો, અને રાણીયોને એક છોકરો કરી આપીશું – એટલે પછી બીજું શું જોઈએ ?” રાણાની દાસીયોમાં એ ત્રણ સગર્ભા રાખી કે ઝપ લઈ અદલાબદલી થાય અને જડસિંહની રાણીની બાબતમાં થયું એમ ન થાય. શઠરાયની ખાતરી થઈ કે હું અને મ્હારા પછી દુષ્ટરાય એના કારભારનો તો બ્રહ્માએ લેખ કરી આપ્યો - રાણીને ખોટો છોકરો એટલે છોકરો ને મા બે જણ હાથમાં ! પરણ્યા પ્હેલાં સીમંતના વિચાર થઈ ગયા !

ચૈત્રી પડવે નવું વર્ષ તેમ રાણાને જન્મદિવસ હતો. બે દરબાર, એક સવારે અને એક સાંઝે, એમ ભરાતા. સવારના દરબારમાં બુદ્ધિધનને પદવીભ્રષ્ટ કરવાનું ઠર્યું. એ દરબારમાંથી પાછો નીકળે તે જ સમયે સીપાઈયો ને સ્વાધીન કરવાનું પણ નકકી થયું. દુષ્ટરાયને આ બાબતમાં કેટલીક ગોઠવણ કરવાની આવી અને તેને કહ્યું કેઃ “ત્હારા સીપાઈયો થોડીકવાર એને માન આપી એની સાથે ચાલે અને એને છુટો ફરવા દે એમ રાખવું; દરબારની પાછળના ભાગમાંથી એને લઈ જવો.” દરબારની પાછળ મ્હોટો બાગ અને તેમાં ગલીકુંચીઓ હતી. તે ગલીકુંચીઓ ઉપર વેલા ચ્હડાવી અંધારી જગા કરવામાં આવી હતી અને પક્ષીઓ રાખવામાં આવેલાં હતાં. જડસિંહના વખતમાં તેની રાણીયો, દાસીયો, કારભારીયો, અને બીજા હજુરીયોનાં એમાં જુદે જુદે સ્થળે સંકેતસ્થાન થતાં. પાછળ એક શિવાલય હતું તેમાં દર્શન સારું આવેલી સ્ત્રીયોને, ફોસલાવી, લલચાવી, ધમકાવી, છેતરી અને કોઈ કોઈ વખતે તો ઉંચકી આણી, આ ગલીયોમાં ગુંચવવામાં આવતી અને સર્વ ભ્રષ્ટ મંડળમાં જડસિંહ પણ તે લાચાર સ્ત્રીયો સાથે અનાચાર કરવામાં ભળતો. ભુપસિંહ આવ્યા પછી બુદ્ધિધનના દેારથી આ સઉ બંધ પડ્યું હતું. અને એ રસ્તો માત્ર કલાવતીને જ કામમાં લાગતો. એ ગલીઓના મધ્યભાગમાં એક ન્હાનું પણ પાતાળપાણીવાળું ઉંડુ તળાવ હતું. બુદ્ધિધનને એણીપાસ દેારવો – જવા દેવો અને તળાવ પાસે આવે કે મ્હવાએ અને રણજીતે એક ગલીમાંથી નીકળી અચિંતો એને પાછળથી ધકકો મારી તળાવ પાસેના એક ખાડામાં ઉંધે માથે નાંખી દેવો, અને પીઠપર ચ્હડી બેસી ગળે ફાંસો દેઈ મારી નાંખી તળાવમાં ઝબકોળી પાછો ખાડામાં નાંખવો અને ડુબેલાને બહાર ક્‌હાડી આસનાવાસના કરતા હોય તેમ કરવું એવી ગોઠવણ થઈ. દરબારમાં ઉઘાડાં પડવાથી એણે આપઘાત કર્યો એમ ઠરાવી બાળી મુકવો અને શઠરાયે અત્યંત શોક પાળવો એ પણ ઠર્યું.

રઘી ખવાસણે રણજીતને આ વાત કહી અને રણજીત દ્વારા બુદ્ધિધન પાસે આવી. રણજીત ઉપર કેટલો વિશ્વાસ રાખવો તે શંકાભરેલી વાત હતી. રાણો ગમે તેટલું પણ ગરાસીયો – ગરાસીયો કોઈનો નહી – તે પણ કલાવતીના હાથમાં ગયલો ! નરભેરામ પણ વખત આવ્યે કેમ વટલાય નહી ? આ અ-વિશ્વાસમાં અને અંતર્ભયમાં અમાત્ય અર્ધો થઈ ગયો. દેવી અને છોકરાં જોઈ પાછળ તેમનું શું થશે એ વિચાર તેના મગજમાં ભમતો.

"ત્રુટી સરખી ઝુંપડી ને લુટી સરખી નાર,
“સડ્યા સરખાં છોકરાં મને મળ્યાં ન બીજીવાર !”

સુદામાચરિત સૌભાગ્યદેવીને મ્હોંએ હતું તે એ અને વનલીલા બેસી ગાતાં ત્યારે આ કડી એક દિવસ કાનમાં પડવાથી બુદ્ધિધનના મનમાં કંઈક થઈ આવ્યું – તેનું હૈયું ભરાઈ આવ્યું – આંખમાં આંસુ આવ્યાં. અચિન્ત્યો ઉઠી મ્હોં ધોઈ લ્હોઈ કામે વળગી ગયો. આવા પ્રસંગ હાલમાં ઘણા આવતા. પોતે કારણ પુરું જાણતો ન હોવા છતાં સુતો સુતો નવીનચંદ્ર આ અવસ્થા કદી કદી આઘેથી દેખતો, વિસ્મય પામતો, અને દયા આણતો. આ અવસ્થા બુદ્ધિધનને થઈ આવતી તે છતાં તેનું ધૈર્ય ગયું નહી, તેની પ્રતિભા મીંચાઈ નહી, અને તેની બુદ્ધિની સતેજતામાં ન્યૂનતા આવી નહી. મનની મ્હોટાઈ કઠિનતામાં નથી, પણ કોમળ હોવા છતાં સંસારના ઘા સહેવામાં છે. મન મ્હોટું તેમ તેની રસજ્ઞતા વધારે હોય છે અને તેના મર્મ કોમળ થાય છે. જ્ઞાનેન્દ્રિય તીક્ષ્ણ અને પટુ થાય છે તેમ તેમ રસેન્દ્રિય પણ તેવી જ થાય છે. મ્હોટાં મન 'નઘરોળ' 'નઠોર' નથી હોતાં. માત્ર તેની સ્થિતિસ્થાપકતા વધારે હોય છે. તરવારના ઘાથી રુ ડબાય છે પણ કપાતું નથી, કદી કપાય છે તો પાછું એકઠું થઈ શકે છે. જડ પત્થર પર પદાર્થ પડતાં એવો ને એવો ર્‌હે છે અથવા તો કડકા થઈ જઈ સંધાતો નથી. પણ પાણી પર પદાર્થ પડતાં પાણીનું અંત:કરણ ચીરાય છે અને પદાર્થને સમાસ આપે છે, પણ આખરે એ જ પાણી પોતાની મેળે એકઠું થઈ જાય છે. દેવતાઓને શસ્ત્ર વાગતાં નથી એમ નથી. પણ તેમના ઘા પોતાની મેળે જ રુઝે છે. બુદ્ધિધનના મર્મસ્થળ બ્હેર મારી ન જતાં વધારે વધારે સચેત થયાં હતાં, પરંતુ તેમની સ્થિતિસ્થાપકતા બળવાન હતી.

वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि !
लोकात्तराणां चेतांसि कोऽत्र पारयितुं क्षमः॥

કુટુંબનો વિચાર કરતાં કુસુમથી કોમળ બનતું હૃદય, કર્તવ્ય કામ વિચારતાં પત્થર કરતાં કઠોર બનતું, વૈરભાવ વિચારી ફુંફાડા મારતું, શઠરાય આદિની દુષ્ટતા જેઈ કોપાયમાન થતું, ભવિષ્ય વિચારી કેશરીયાં કરવા તત્પર થતું, યુદ્ધપ્રસંગ પાસે જોઈ આતુર થતું, શત્રુની સ્થિતિ જોઈ બે હાથને એક બીજાની બ્હાંયો ચહડાવવા ઉશ્કેરતું, પોતાના બળની અજમાશ ક્‌હાડી બળવાન બનતું, પુરાણી ઈચ્છાઓ પૂર્ણ થવાનો અવસર જોઈ ઉત્સાહ પામતું, સમૃદ્ધિ ખોળે બેસવા આવતી જોઈ પ્રકુલ્લ થતું અને ઉદયસૂર્યના કિરણોને અવકાશ આપવા બુદ્ધિની પાંખડીયોને પ્હોળી કરતું.

ચૈત્રી પડવો પાસે આવતો ગયો તેમ તેમ મુંબઈનાં વર્તમાનપત્રોમાં સુવર્ણપુર વીશે ઉપરાઉપરી લખાણ થવા માંડ્યું. શઠરાયનો કારભાર, તેનું અંધેર અને તેમાં સુધારાની જરૂર; પ્રજા ઉપર જુલમ, ભૂપસિંહ ઉપર શઠરાયની ખરાબ અસર, અને કલાવતીની વાતઃ ઈત્યાદિ વિષયોની ચર્ચાથી દિવસે દિવસે વર્તમાનપત્રોની કટારો ભરાવા માંડી. ઈંગ્રેજી પત્રોમાં તાન્ત્રિક લખાણ નહોતું આવતું, પણ લોકનાં ચર્ચાપત્ર આવતાં તે સ્વીકારાતાં. શાઠરાયના મંડળમાં તે સર્વે વંચાતું અને બુદ્ધિધનને માથે એ લખાણની ઉશકેરણીનો આરોપ થતો. નરભેરામે કહ્યું : “રાણાજીને આ બતાવવું જોઈએ - આ વાત અમાત્યને ન ઘટે.” શઠરાયે આ મત સ્વીકાર્યો અને દરરોજ નરભેરામ રાણા પાસે આવા પત્ર મુકવા – વાંચી બતાવવા – લાગ્યો. રાણો કોપાયમાન દેખાતો, અને નરભેરામને પણ કેટલીક વાર તે કોપ ખરો લાગતો. કલાવતીની વાત બાબત રાણાને ખોટું લાગ્યું પણ ખરું. બુદ્ધિધને કેટલીક વાત લખાવી હતી, રાણાને તે વીશે ભોમીયો રાખ્યો હતો, અને આટલો બધો બુમાટ ઉઠાડવાની શક્તિ બુદ્ધિધનમાં જોઈ તે વિસ્મય પામતો. બુદ્ધિધને કહ્યું કે કલાવતીની વાત મ્હેં ઉઘાડી પાડી નથી, પણ એ શબ્દ પર રાણાને પુરો વિશ્વાસ ન આવ્યો અને અમાત્ય તે કળી ગયો. ગરાસીયા પર અવિશ્વાસ આણવાનું આ એક કારણ હતું.

પ્રજામાંથી ઘણીક પોકારની અરજો આવતી તે શઠરાયને કહી નરભેરામ રાણા સુધી જવા ન દેતો અને સંતાડી રાખતો; શઠરાયનો વિશ્વાસ નરભેરામ પર સંપૂર્ણ થયો.

કરવતરાયે કરેલા જુલમ બાબત એક વાણીયે સાહેબ પાસે અરજી કરી હતી. તે અરજી સરકારમાંથી એજંટ પાસે અને એજંટ પાસેથી દરબારમાં ખુલાસા સારુ આવી હતી. દરબારના મન્ત્રી નરભેરામે તે શઠરાયપર મોકલી; શઠરાયને નરભેરામે સુઝાડ્યું એટલે વાણીયાને કેદ કરી એની પાસેથી લખાવ્યું કે મને દરબાર તરફથી આખરે ઈનસાફ મળ્યો છે. આ લખાણ સરકારમાં ગયું. અને વણિક કેદમાં જ રહ્યો. વર્તમાનપત્રોની નકલો, અને પ્રજા પોકારની અરજીયોની નકલો સાહેબ પાસે પણ પરભારી જાય એ બંદોબસ્ત, બુદ્ધિધને કર્યો. વાણીયાની સ્ત્રીને લીલાપુર મોકલી અને અરજી કરાવી. બસ્કિન સાહેબ બીજા પ્રાંતમાં હતા તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને પોતાની સ્થિતિ કંઈક અંશે જણાવી. બસ્કિન સાહેબે ઉત્તરમાં એક આશ્વાસનપત્ર મોકલ્યું, અને જણાવ્યું કે હું રસલસાહેબને ત્હારે વાસ્તે લખીશ. બસ્કિન સાહેબનાં મડમ વીલાયતથી આવવાનાં હતાં: તેમને રસ્તો લીલાપુર થઈને હતો; બુદ્ધિધન પ્રમાદધનને સાથે લઈ તેમને મળી આવ્યો, મેડમ સાહેબ મારફત રસલસાહેબને મળ્યો, સંસ્થાનની વાતો કરી, અને સાહેબને ખુલાસો મળતાં બોલ્યા કે, “સમય પડ્યે માગજો, હું સારી રીતે આશ્રય આપીશ.” રસલસાહેબનાં મડમ પણ મળ્યાં, અને મેવામીઠાઈનો ઉપયોગી વિવેક થયો. સાહેબ પાસે ભૂપસિંહને જવાનો વિચાર કલાવતી આવ્યા પછી ફર્યો હતો, રાણાએ કરવાની વાત બુદ્ધિધને જ કરી, સાહેબના ઉપર રાણાનો કાગળ હતો, અને ઉત્તરમાં સાહેબે કાગળ લખ્યો તેમાં બુદ્ધિધનનાં વખાણ કર્યા. લીલાપુર ખાતે સુવર્ણપુરનો એક વકીલ રાખવામાં આવ્યો હતો તે રોજ દરબારમા ખોટા ખોટા અને અતિશયોક્તિભરેલા રીપોર્ટ કરતો ને વર્ણનની છટામાં લખતો કે આજ તો સાહેબ સાથે બે કલાક વાત કરી, આજ તો કારભારીનાં બહુ વખાણ કર્યા, આજ તો કારભાર વખાણ્યો, ઇત્યાદિ ઇત્યાદિ. બુદ્ધિધન સાહેબને મળી આવ્યો તે બાબત તેણે શઠરાયને એક બે લીટીયો લખી અને જણાવ્યું કે બુદ્ધિધનને અત્રે કાંઈ માન મળ્યું નથી. શઠરાય ખુશી થયો. એ ખુશી ખોટી પાડવી એમાં બુદ્ધિધનને સ્વાર્થ ન હતો. એ મેડમ સાહેબોએ પોતાની છબીયો અમાત્યને આપી હતી અને ઉપર સ્વહસ્તે સહીયો કરી હતી તે તથા સાહેબનો કાગળ બુદ્ધિધને રાણાને બતાવ્યો અને એ સર્વ મંડળ તરફથી મળેલા માન બાબત સંતોષ જણાવ્યો. રાણાની ખાતરી થઈ કે એજંસીમાં બુદ્ધિધનની પ્રતિષ્ઠા બળવાન છે અને તે ધાર્યું કરે એમ છે. વર્તમાનપત્રો તથા સાહેબ એ ઠેકાણે પોતાનું બળ છે એ જણવ્યાથી ભુપસિંહ હાથમાં રહેશે એમ અમાત્યના મનમાં હતું. એ જણાવવાનો મનોરથ સિદ્ધ થયો. બરોબર ચૈત્રી પડવાથી એક દિવસ પહેલાં ઈંગ્રેજી પત્રમાં બુદ્ધિધનની બાબત લખાણ આવે એ બંદોબસ્ત કરવાનું નવીનચંદ્રને માથે પડ્યું. તેનામાં બેસવાની શક્તિ આવી હતી અને તે કામ તેણે ઉત્સાહથી સ્વીકાર્યું. પ્રકૃતિ સારી થાય તો પડવાના દરબારમાં જવા તેને અભિલાષ હતો અને તે અભિલાષ પાર પાડવા અમાત્યે કહ્યું હતું. અમાત્યની નીતિ કારભારીપર ઘા કરવાની ન હતી પરંતુ તેને તેના પોતાના જ ખોદેલા ખાડામાં પાડવાની હતી અને તેમ કરવા સારુ યોગ્ય ઉપાય લેવા તે તત્પર હતો. દરબારને દિવસે કારભારીએ ધારેલા પ્રપંચ સામી ઢાલ રાખવાની પણ જરુર હતી. ખટપટાસ્ત્ર, સામું ખટપટાસ્ત્ર મુકવાની તો યોજના હતી જ; પણ વખત છે, ધારેલી સિદ્ધિ ન થઈ અને કાંઈક હરકત પડી તો દુષ્ટરાયની પોલીસના હાથમાં ન પડવા સારુ યોગ્ય ઉપાય તેણે શોધ્યો.

અણીને સમયે દુષ્ટરાયને દરબારમાંથી ઘેર જવું પડે એવી યુક્તિનો અમલ નરભેરામને સોંપ્યો, તે એવા વિચારથી કે ફોજદારની આંખની શરમ દૂર થતાં એના સીપાઈયોમાં કેટલાકને બુદ્ધિધનની શરમ પડવાનો અવસર મળે, એમ પણ ન થાય તો પોલીસને વશ કરવા રસાલાનાં માણસોને તત્પર રાખ્યાં. સમરસેનનો મ્હોટો ભાઈ વિજયસેન રસાલામાં એક ટુકડીનો ઉપરી હતો. અા શાંતિના અને ઈંગ્રેજ સરકારની સત્તાના દિવસોમાં રસાલો કટાતો હતો અને માત્ર શોભાકાર્યે સ્મરણમાં આવતો. દરબાર પ્રસંગે તોપો ફુટે અને અાનંદોત્સવ થાય ત્યારે તે ઉત્સવની પૂર્તિ સારુ રસાલાની એક ટુકડી ઉઘાડી તરવારે રાજમહેલમાં હાજર ર્‌હેતી. આ વખતે વિજયસેન અને તેની ટુકડી હાજર ર્‌હે એવો હુકમ થયો. વિજયસેન થનાર ઉથલપાથલની વાત જાણતો ન હતો. પણ બુદ્ધિધને સમરસેનને હુકમ આપ્યો હતો કે દરબાર સમયે મ્હારા શરીર પાસે રહેવું, અને પ્રસંગ પડ્યે વિજયસેનને કેવી સૂચના : અાપવી તે શીખવી મુક્યું. પોતે દરબારમાં જાય તે સમયે ઘરનો બંદોબસ્ત રાખવા બે ત્રણ વિશ્વાસુ રજપુત સીપાઈઓ અને આરબોને વરધી આપી અને ખાનગી કહી મુક્યું કે હું આવું ત્યાંસુધી કોઈ પરભાર્યા માણસને ઘરમાં ન જવા દેવો અને ફોજદાર અને તેનાં માણસોથી સાવધ રહેવું. સ્ત્રી-વર્ગને સખત હુકમ થયો કે તે સમયે ઘરમાંથી બહાર ન નીકળવું. આ સર્વ સૂચના - એ શિવાયનો સર્વ બંદોબસ્ત સાધારણ હતો, પણ સૂચનાઓ સઉને અસાધારણ લાગી. સૂચના ઉપરાંત કાંઈ વાત કોઈને ખબર ન હતી અને તર્ક વિતર્ક કરતાં સઉ માણસો સૂચનાઓ અમલ કરવા તૈયાર બન્યો અને એ વિચિત્ર દિવસમાં શું બનવાનું છે તે જોવા તળે ઉપર થઈ રહ્યાં.

ફાગણ વદ અમાસની રાત્રે અમાત્યના ઘરમાં આ સ્થિતિ હતી. કાલ કેવી પડે છે ને કાલની રાત કેવી જશે તે જોવા સઉ આતુર થઈ રહ્યાં. ઉન્હાળામાં વગર પવનની રાત્રે ઉકળતી પથારીમાં સુતો હોય તેમ બુદ્ધિધને અાખી રાત પથારીમાં તરફડીયાં માર્યાં અને ત્યાં સુધી મેડીની છત સામી ઉઘાડી અાંખો જોઈ રહી. તેને મીંચાવવા સૌભાગ્યદેવીની શય્યા અશક્ત નીવડી. આખરે છેક બે વાગતે થાકીને નિદ્રા જ આવી અને ચતા સુતેલાને કલાંઠી બદલવા ન દીધી. રાજ્યચિંતાએ ગ્રહેલા હૃદયમાં મ્હારે સારું કાંઈ અવકાશ ખાલી છે કે નહી તે જાણવા સારુ અથવા તો એ હૃદયને પકડી પોતાને સ્વાધીન રાખવા સારુ ઉંઘતી અબળાનો હાથ જુના મિત્રની છાતી પર પડાવ નાંખી રહ્યો હતો.