← રજા લીધી સરસ્વતીચંદ્ર ભાગ ૧
ચાલ્યો
ગોવર્ધનરામ ત્રિપાઠી


“ભાઈસાહેબ, બોલ્યું, ચાલ્યું માફ કરજો, મ્હારા પર આપની કૃપા ઘણી થઈ છે.”

"કાંઈ હરકત નહી.”

સરસ્વતીચંદ્ર મેડી બ્હાર ચાલ્યો અને પોતાની મેડીમાં ગયો. કા૨ભારે ચ્હડતું મસ્તિક પરદેશીને વાહનનો જોગ કરી આપવાનો વિવેક કરવો સાંભરી આવેલો ભુલી ગયું.

મૂર્ખદત્ત નિત્ય પ્રાતઃકાળે આવતો હતો તેની જોડે પોતાની ગાંસડી રાજેશ્વરમાં મોકલી દઈ સરસ્વતીચંદ્ર નીચે આવ્યો અને સૌભાગ્યદેવી તથા અલકકિશોરીની રજા માગવા લાગ્યો. ત્યાં સ્વાભાવિક રીતે તેને ન જવા દેવાનો આગ્રહ થયો. બુદ્ધિધનની રજાનું નામ આવ્યું એટલે સૌભાગ્યદેવીએ આગ્રહ કરવો છોડી દીધો અને માત્ર ખેદ બતાવ્યો.

અલકકિશોરી ક્‌હે : “પિતાજીને જઈને કહી આવું છું – આજ તો ગમે તેમ કરીને ર્‌હો – એવું અચીંત્યું શું છે જે?” આખરે એ પણ શાંત થઈ.

સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીને જોતો જોતો ચાલ્યો – તેનું મ્હોં લેવાઈ ગયું - આંખમાં આંસુ આવ્યાં, પગ ઉપડ્યો નહી તેને બળાત્કારે ઉપાડ્યો, ઉમ્મ૨માં ઠેસ વાગી, અને બારણા બ્હાર નીકળ્યો.

પોતાના કહ્યાની કાંઈ પણ અસર નથી થઈ જાણી ખિન્ન બની, તેને જતો જોઈ રોવા જેવી થઈ, તેની સાથે બોલવાનો અવકાશ પણ નથી વિચારી ઓછું આણી, હવે તેને મળવાનું નથી કલ્પી નિરાશ થઈ, હવે તેનું શું થશે એ વિશે અનેક અમંગળ તર્ક કરતી ભયભીત કુમુદસુંદરી, લોકલજજાનો ખરેખરો તિરસ્કાર કરી જતાને જોતી જોતી, નિ:શ્વાસ મુકી “હાય હાય રે” એવી બુમ પાડી પાછળ ઉભેલી એક સ્ત્રી ઉપર ઢળી પડી. રંગમાં ભંગ થયો. એને ઉઠાડી. “કંઈ નહી – એ તો મને કંઈક પેટમાં આંકડી આવી” કરી કુમુદસુંદરી સજજ થઈ અને સઉભેગી, શુન્ય તો શું પણ પ્રવાસી બનેલા હૃદયથી છુટી પડેલી બની, ઉત્સવકાર્યમાં દેહને મેળવવા લાગી.

કારભારીના દ્વાર બ્હારની ધામધુમ વચ્ચે થઈ ઈશ્વર પેઠે કોઈથી અલક્ષિત છાનોમાનો સરસ્વતીચંદ્ર હૃદયને કારભારીને ઘેર મુકી ચાલતો થયો.


પ્રક૨ણ ૨૧.
ચાલ્યો.

કુમુદસુંદરીએ ખીસામાં કાગળ મુક્યો હતો તે વાંચવાની જોગવાઈ શોધવા સારુ સરસ્વતીચંદ્રે આટલી ઉતાવળ કરી. બુદ્ધિધનના ઘરમાં - ગામમાં – એ કાગળ ઉઘાડવો – એ અક્ષર કોઈ જુવે – તે પણ ભયંકર હતું; કુમુદસુંદરીને અનિષ્ટકર હતું.

રાજેશ્વરમાં જતાં મૂર્ખદત્ત મળ્યો. સરસ્વતીચંદ્ર તેની સાથે જમ્યો અને જમતાં જમતાં કાંઈક વાત થઈ.

“ નવીનચંદ્ર, તમે અંહીથી હવે શીદ જશો ? ”

“ મ્હારે ભદ્રેશ્વર ભણી જવાનો વિચાર છે.”

" ગાડી બાડી કરીયે કની ?”

“ આણી પાસ થઈને ગાડું બાડું જતું હશે તેમાં બેસી જઈશું.”

“ ભાઈસાહેબે તમને ગાડી ન આપી ? ”

“ મ્હેં માગી જ નથી. મ્હારે એકલાં જવું છે. ”

“ ત્યારે તમે રસ્તામાં કોઈને ક્‌હેશો નહી કે હું એમને ઘેરથી આવું છું.”

"કેમ?"

" શઠરાય તરફના બ્હારવટીયા આજ ચારે પાસ ભમે છે – અને ભાઈસાહેબનું માણસ હોય તો તેને બહુ કનડે છે. કુમુદસુંદરી પણ ભદ્રેશ્વર જવાનાં છે અને મને આ બાબત ખબર પડી એટલે અલકાબ્હેનને કહી આવ્યો કે ગમે તે હવણાં જવાનું બંધ રખાવો ને ગમે તે સાથે બહુ સારો બંદોબસ્ત કરજો."

“ હશે મ્હારે શું બ્હીવાનું હતું ? હું જરા વાડામાં બેસું છું. તમે કોઈ ગાડું આમ જતું હોય તો ઉભું રાખી મને બોલાવજો. ” મૂર્ખદત્ત બારણા ભણી ગયો. સરસ્વતીચંદ્ર વાડામાં ગયો અને મૂર્ખદત્તના ખાટલા પર બેસી શોકસાથે ખીસામાંનો પત્ર વાંચવા લાગ્યો, વાંચતાં વાંચતાં પત્રના અક્ષરથી અને હવે અનંત બનેલા વિરહના ભાનથી જેણે આજસુધી હૃદય ટેકવ્યું હતું તેની આંખમાંથી એકાંત અશ્રુધારા વહેવા લાગી.

“ કુમુદસુંદરી ! હું ત્હારે વાસ્તે શું કરું ? ત્હારી ઇચ્છા મ્હારા મુંબાઈ જવામાં સમાસ થાય છે ! ખરે ! તું સતી છે. અણગમતા પુરુષને વશ ન જવામાં ઘણીક સ્ત્રીઓ ભયને ગણતી નથી - તેમનું સતીપણું વધારે કે આટલી ઉંડી અને ન ભુસાય એવી પ્રીતિ છતાં મળેલા પ્રસંગે આટલી દૃઢતા રાખે તેનું સતીત્વ વધારે ? સીતાને રાવણ ઉપર પ્રીત ન હતી અને તેનાથી એ વિમુખ થાય એમાં નવાઈ શી ? કુમુદસુંદરી ! ત્હેં એ નવાઈ કરી – ત્હેં મને બોધ આપ્યો. હું ન્હોતો જાણતો કે મ્હારામાં આટલી નિર્બળતા હશે. ત્હેં આ બીજીવાર મ્હારું રક્ષણ કર્યું. મ્હેં ત્હારો ત્યાગ ન કર્યો હત તો ત્હારાથી હું કેટલો લાગ્યશાળી થાત ! હવે ત્હારો ત્યાગ કરવામાં જ મ્હારું ભાગ્ય રહ્યું. ત્હારો ઉપદેશ મ્હારે માનવો ?”

“ ક્ષમા કરજે – ત્હારો ઉપદેશ નહી મનાય. મ્હેં ત્હારી આ દશા કરી દીધી તેનું પ્રાયશ્ચિત્ત મ્હારે કરવું જોઈયે – હું અથડાઈશ, ભમીશ, અને તને સ્મરીશ મ્હારે મ્હોટાં નથી થવું. સંસાર, વિભવ, મ્હોટાઈ એ સઉ કોને માટે ? પિતાને વાસ્તે હું સંસારમાં રહ્યો હતો - ત્હારી 'માયા' મને ઉપભોગનાં ઈન્દ્રજાલ દેખાડત. પિતાની વૃત્તિયે મને સંસારમાંથી મુક્ત થવા સ્વતંત્રતા આપી – ત્હારો ત્યાગ કરી હું સંન્યાસી થયો ! હવે એ સ્વપ્ન જોવાં તે શા માટે ? ”

“ પ્રિય ચંદ્રકાંત ! તું વળી ભદ્રેશ્વર ક્યાં ગયો ? શું ત્યાં પણ ત્હારે કુમુદસુંદરીને પાછું મળવાનું રહ્યું ? સુવર્ણપુરને કાલ રાત્રિના સંસારે આમ એકદમ છોડાવ્યું એટલે અહીયાં તો તને મળાય એમ નથી.”

“ અહીયાં મળવું - ન ભદ્રેશ્વરમાં મળવું, ત્યારે ક્યાં મળું ? શું તને મળ્યા વિના નહી ચાલે ? એટલો સંસાર પણ મ્હારે શું બાકી રહ્યો ? ”

“ ત્યારે હું કોઈ ત્રીજે રસ્તે જઉં ! ચંદ્રકાંત ઉપર કાગળ લખી મોકલીશ."

" એ રસ્તો શું ક્રૂર નથી ? દુષ્ટ જીવ ! આટલી ક્રૂરતા કરી હજી સંતોષ ન વળ્યો ? ”

“ પિતાની આજ કેવી સ્થિતિ હશે ? એ ચંદ્રકાંત પાસેથી તે ખબર મળશે. તેમને મ્હારી પાછળ દુઃખ થયું હશે ? મને થયું તે એમને કેમ ન થાય ?”

“ ઈશ્વર એવા સમાચાર આપો કે એ મને ભુલી ગયા હોય.– પણ ચંદ્રકાંત – ગાંગાભાભીને પણ મ્હારે સારું લાગતું હશે. અરેરે ! મ્હેં કેટલાં માણસોને દુઃખી કર્યાં ? ” .

આમ વિચારો કરે છે એટલામાં પ્રમાદધનનો ખાનગી સીપાઈ રામસેન વાડામાં આવ્યો.

“નવીનચંદ્રભાઈ જતાં પ્હેલાં એકવાર આપને પાછાં સુવર્ણપુર આવી જવું પડશે.” " કેમ ?-” ચમકીને સરસ્વતીચંદ્ર બો૯યો.

“ અત્યારે ભાઈસાહેબ દરબારમાં ગયા છે - પણ બીજી નવાજુની કરીને ગયા છે. પદ્માની અને કૃષ્ણકલિકાની વાત –”

“ શાની વાત ? હું કાંઈ સમજતો નથી.”

રામસેને વીગતવાર સમાચાર કહ્યા. પ્રમાદધન બાબતની બેયે વાતો બુદ્ધિધન પાસે ગઈ હતી. પુત્રની કુચાલ સાંભળી પિતાને અત્યંત ખેદ થયો અને આવા પવિત્ર કુળમાં આવો અંગારો કયાંથી ઉઠ્યો એ વિચાર થયો. કૃષ્ણકલિકાનો વર પ્રમાદ ઉપર ચ્હીડાઈ રહ્યો હતો તે ખબર પડતાં તેને બોલાવ્યો અને તેને સારી પેઠે દીલાસો આપી બુદ્ધિધને પ્રમાદધનને શિક્ષા કરવાનું કહ્યું હતું. શિક્ષા હજી કરી ન હતી પણ વાત પ્રમાદધનને કાને ગઈ અને તેથી તે ઘણો ખિન્ન બની ગયો. નરભેરામ પાસે પિતાજીની ક્ષમા મંગાવવા વિચાર કર્યો પણ મ્હોટી વયના માણસ – શ્વાસે મન ઉઘાડ્યું નહી. આથી 'નવીનચંદ્ર' સાંભર્યો અને તે જ કામને અર્થે તેને બોલાવવા રામસેન આવ્યો હતો.

" ભાઈ રામસેન, આ વખત આવ્યો છે તેનું કારણ તું પોતે છે. ભાઈને ખરાબ ટેવ ત્હેં પાડી છે. ભાઈ નહીં સુધરે તો એને તો થવાનું થશે પણ ત્હારો રોટલો ગયો સમજજે. જા, જઈને તું જ ભાઈને સુધાર. આવા વિષયમાં હું વચ્ચે નહી આવું. ભાઈસાહેબ જે કરશે તે વિચાર કરીને જ કરશે. હું આવીશ તો બીજું તે ક્‌હેતાં કહીશ પણ પ્રથમ તો એ જ કહીશ કે તને ક્‌હાડે. માટે જા, મને બોલાવ્યામાં સાર નથી. પ્રમોદભાઈને ક્‌હેજે કે સુધરે અને પિતાના જેવા થાય. અત્યારે એ જે શિક્ષા કરશે તે હજાર વિચારે કરીને કરશે. જા, હું આવવાનો નથી.”

નીચું જોઈ બોલ્યા ચાલ્યા વિના રામસેન ચાલ્યો ગયો.

મૂર્ખદત્ત પાછળ છાનોમાનો ઉભો હતો તે આગળ આવી બોલ્યો: “આમાંથી કાંઈ નવુંજુનું નકકી થશે. આવી વાતની ભાઈસાહેબને બહુ ચ્હીડ છે અને ઉતાવળું કામ કરશે તો ભાઈ ઝેર ખાય એટલા શરમાળ છે. મ્હોટાં માણસોને કોણ ક્‌હે કે આમ કરો ? – વારુ, નવીનચંદરભાઈ ગાડું એક બારણે ઉભું રાખ્યું છે. પણ ભદ્રેશ્વર જ જશે એ નકકી નથી.”

સરસ્વતીચંદ્રનો પીત્તો ઉકળ્યો હતો. કાંઈક રોષભર્યે સ્વરે તે બોલ્યો:–“ ભદ્રેશ્વ૨ ઉંઘી ગયા – મ્હારે તો ગમે ત્યાં પણ જવું એટલી જ વાત છે - ગમે ત્યાં જઈશ મ્હારી મેળે : જયાં ગાડું ત્યાં હું. મ્હારે તો માંત્ર અહીંથી જવું છે.” બે જણ મંદિરમાં આવ્યા. સરસ્વતીચંદ્ર દ્વાર બ્હાર આવી ઉભો. પાછળ ગાંસડી લઈ મૂર્ખદત્ત આવ્યો. સરસ્વતીચંદ્ર વિચારમાં પડી ઉભો ઉભો મ્હોંવડે સીસોટી વગાડવા લાગ્યો અને સામે ઉભેલા ગાડા સામું જોઈ રહ્યો.

મ્હોટા બે બળદ જોડેલા એવું, લાંબા પાટીયાના તળીયાવાળું, અને પાંજરાંથી બાંધી દીધેલું ગાડું હતું. પાછળનો ભાગ છેક જમીનને અડકતો હોય એવો દેખાયો અને મોખરે ધરીપર ગાડીવાન બેઠો હતો તે ઠેઠ ઉંચો ઉડી પડવા જતો દેખાયો. ગાડામાં એક ડોશી, એક ચાળીશેક વર્ષનો દુ:ખી દેખાતો પુરુષ, અને એક વીશેક વર્ષની સ્ત્રી એટલાં બેઠાં હતાં, તેમાંનું કોઈ પણ દેખાવડું કે ગોરું ન હતું અને વણિગ્વર્ગનાં છે એમ લાગ્યું. ડોશી બ્રાહ્મણી હતી. તે સર્વેને લેઈ ગાડું ૨ત્નનગરી ભણી જવાનું છે એમ તપાસ કરતાં મૂર્ખદત્તને માલુમ પડ્યું. ગાડાવાળાએ સરસ્વતીચંદ્રનું ભાડું કર્યું. મૂર્ખદત્ત બોલ્યો.

“ચંદરભાઈ તમારે તો ભદ્રેશ્વર જવું છે અને આ ગાડું તો રત્નનગરી ભણી જાય છે.”

“ભદ્રેશ્વરનો રસ્તો કયાંથી જુદો પડે છે ? ”

"અંહીથી દશેક ગાઉ ઉપર મનોહરીયા નામનું ગામડું છે ત્યાંથી એક રસ્તો ભદ્રેશ્વ૨ જાય છે અને બીજો રતનગરી જાય છે.”

“ ઠીક છે. ત્યારે તો આ જ ગાડામાં જઈશ.”

સરસ્વતીચંદ્ર આજ સુધી કદી આવા ગાડામાં બેઠો ન હતો તે આજ બેઠો. મૂર્ખદત્તને પાંચ રુપીયા આપ્યા. ગાડામાં નીચે પરાળ પાથરી હતી. તે ઉપર એક ઓછાડ પાથર્યો હતો, અને તે ઉપર છેક નીચે સરસ્વતીચંદ્ર બેઠો. દશ વાગ્યા હતા અને માથે ચૈત્રનો તાપ પડતો હતો. ધ્રુવની પેઠે લક્ષાધિપતિનો ભરવૈભવમાં ઉછરેલો પુત્ર આજ આમ બ્હાર નીકળ્યો જોઈ સૂર્યનારાયણ કુમળા ન થયા. દુઃખી માણસે તેના તાપને ગણ્યો પણ નહી. ઉડતી રેતીના દડવચ્ચે ચીલો કાપતું રગશીયું ગાડું પુરુષ૨ત્નને પીઠ પર લેઈ ચાલ્યું અને ધુમ્મસ પેઠે ચારેપાસ ઉડતું ધુળનું વાદળું ગાડાને ઘેરી લેવા લાગ્યું. મૂર્ખદત્ત ગાડા પાછળ જરીક ચાલી, ૨જા લેઇ રસ્તામાં સંભાળ રાખવાનું સરસ્વતીચંદ્રને કહી, ગાડાવાળાને એની ભલામણ કરી પાછો ફર્યો અને અદૃશ્ય થયો.

ગાડાનાં પઈડાંનો ચીલામાં ઘસડાતાં થતો કઠોર સ્વર, માથે તપતો તાપ, ચારપાસની ધુળ, અને નીચે ખુંચતી પરાળ એ સર્વની વચ્ચે ગર્ભશ્રીમંત કોમળ અને શારીર દુ:ખને અપરિચિત સરસ્વતીચંદ્ર શોકવિચારમાં પડી પગથી માથા સુધી પોતીયું હોડી સુઈ ગયો. સ્વરથી ભરાતા, તાપથી ઉકળતા, ધુળથી ગુંચવાતા, અને પરાળના ખુંચવાથી કાયર થતા મસ્તિકમાં કંઈ કંઈ વિચાર વિચિત્રરૂપે ઉત્પન્ન થયા. પાછળ કપાતો તપાતો માર્ગ મીંચાયેલી આંખમાં લાંબી નાળ જેવો લાગ્યો અને તેમાં ધુળના રંગના વચ્ચે વચ્ચે ભડકાવાળા લાંબા આકાર લેખાતા લાગ્યા. એ અાકાર ઘડીક અાસપાસના ઝાડ જેવા, ઘડીક માથે તપતાં વાદળાં જેવા, અને ઘડીક હોડેલા ધોતીયાનાં તન્તુજાળ જેવા દેખાવા લાગ્યા. બળદ હાંકતા ગાડીવાનના ડચકારા, બળદ સાંભળી સમજતો હોય તેમ તેને ગાડીવાન ક્‌હે તો તે કઠોર શબ્દ, સળગતા ભડકા જેવા આકાશમાં ઉડતા સમળાઓ અને સમળીયોની લાંબી કઠોર ચીસો, સુડીથી કપાતાં લક્કડીયા સોપારી જેવા અચીંતા કાનપર ભચકાતા કાગડાના “કાકા” શાયદ, હોલા અને કાબરોના વનમાં પડઘા પામતા - કાનની ભુંગળીમાં ફુંકાતા - સ્વર, ચકલીયોના ઝીણા ચીચીકાર, કોણ જાણે ક્યાં સંતાઈ રહેલા અંધ ઘુવડના ગેબી અને ભયંકર પોકાર, ઝાડ પર ખસતી કુદતી ખીશકોલીયોના ઉષ્મ પ્લુત સીકાર, અને ગાડામાં ઘડીયે ઘડીયે ભરાતાં ઝાંખરાંના ઉઝરડા: આવા આવા અગણિત શબ્દો કર્ણવપ્નો રચવા લાગ્યા. જેમ તાપના હાડકા હોડેલું ધોતીયું અને મીંચાયેલી પાંપણને ભેદી અકળાતી કીકીયોમાં દાખલ થતા હતા અને હોડેલા વસ્ત્રને ભેદી ઉષ્ણતા ત્વચાને પરસેવાથી ન્હવરાવતી હતી, તેમ જ અા સર્વ સ્વર સુવા ઇચ્છતા કાનને ઉંઘવા દેતા ન હતા. ઢાળ ઉપર અાવતાં ગાડાના હેલારાથી શરીર આમથી તેમ ભચકાવા લાગ્યું.

આ સર્વ અવસ્થાની વચ્ચોવચ મસ્તિક નવરું ન પડ્યું. બોલ્યા વિના કુમુદસુંદરીવાળા કાગળમાંની કવિતા ગાઈ: “કુમુદસુંદરીને ભદ્રેશ્વ૨માં પાછું મળવાનું થશે ? હું ભદ્રેશ્વર ન જ જાઉં તો ? શું મને મળવા આવેલાંને મ્હારે ન મળવું ? મનોહરીયામાં ૨હીશ અને એ સુવર્ણપુર જશે ત્યારે વચ્ચે - ત્યાં - અટકાવી મળીશ. પિતાની ખબર એ અાપશે. પિતાને હું સાંભરતો હઈશ ? એમની શી અવસ્થા હશે ? મુંબાઈ પાછાં જવું ? ન જવું. ત્યારે ચંદ્રકાંતને શું ક્‌હેવું ?”

“ કારભાર કેમ મળે છે - દેશી કારભારીઓ કારભાર કોને ક્‌હે છે તે તો જેયું. પણ એ રાજ્યોમાં રાજ્યતંત્ર કેમ ચાલતાં હશે – લોકની અવસ્થા કેવી હશે ? - આ સર્વ જોવાનું રહ્યું, સુવર્ણપુરને તો તજ્યું જ. રત્નનગરી જઈને જોઉં ? આ ગાડું ત્યાં જ જાય છે તો ? ” “પ્રમાદધનને શી શિક્ષા થાય છે તે જણાય તો ઠીક પણ હવે મ્હારે એ જાણી શું કરવું છે ?”

“અરેરે ! કુમુદસુંદરી !!”

“આ બ્હારવટીયાની બ્હીક પણ ખરી ! – મૂર્ખદત્તે એમને સૂચના આપી છે એટલે ઠીક છે !”

ગાડું એક એ ગાઉ નીકળી ગયું.

ગાડાવાળાએ ગાવા – લલકારવા – માંડ્યું :

“મ્હારાં ઠકરાળાં હો ! તમારા દાડમની કળી શા દાંત !
“ઘેરે આવજો હો ! આપણે વાળીશું ગુપત ગાંઠ.
“મ્હારાં ઠકરાળાં હો ! મ્હારું ઘર ખેતરવા પેલે પાર -
“ત્યાં તો આવજો હો ! ઉઘાડું મેલીશુ અડધું કમાડ.
“મ્હારાં ઠકરાળાં હો ! તમારા કાળા નાગણશા વાળ !

“ઘેરે આવજે હો ! આપણે મ્હાલીશું માઝમ રાત !”

લલકાર આખે લાંબે માર્ગે વ્યાપ્યો.

લલકારમાં સરસ્વતીચંદ્ર લીન થયો અને કુમુદસુંદરી હૃદયના દ્વા૨માં આવતી લાગી. ગાડામાં સ્ત્રી છે એવી પશ્ચિમ બુદ્ધિ થતાં ગાડાવાળાએ ગાવું બંધ કર્યું. માથા આગળ બેઠેલી ડોશીયે ગાવા માંડ્યું

“જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,
"મ૨ણસમે ત્હારું કો નહી, સગું ના'વે કો ઠેઠ-જીવ૦”*[૧]

સુતેલા સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ આવ્યાં – “મરવું - મરવું - કુમુદ - કુમુદ - ” કરતું કરતું તેનું રોતું હૃદય તાપમાં નિદ્રાવશ થઈ ગયું ધડકતા હૃદયને, સૂક્ષ્મ અને ચિત્ર સંસ્કારી સ્વપ્નસૃષ્ટિને, ચેતનને ચેતનના હૃદયમાં રહેલા ચેતનને, અને એમ કંઈ કંઈ ૨ત્નોને અંતર્મન્ વ્‌હેતું હૃદયશુન્ય જડ ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. ઉંઘતો ઉંઘતો સરસ્વતીચંદ્ર નવા અજાણ્યા સંસારમાં ચાલ્યો - ક્યાં જવું છે તેનું ભાન ન હતું, શું કરીશ તેનો વિચાર ન હતો, અને શું અનુભવાશે તેની કલ્પના ન હતી ! જન્મતો માનવી બીજું શું કરે છે ?

ગાડાની પાછળ કેટલેક છેટે પણ ગાડા ભણી અને તેમાં બેસનારાં ઉપર અચુક દૃષ્ટિ રાખતા રાખતા પરસ્પર વાતો કરતા કરતા ત્રણ


  1. *પ્રવર્તમાન લોકગીતમાંથી.
ઘોડેસ્વાર આવતા હતા, અને ઘોડાના પગના ડાબલાનો પોલો સ્વર અધ

ઉંઘતા સરસ્વતીચંદ્રના કાન ઉપર ડાબકા દેવા લાગ્યો.

ગાડાની સામી પાર ઘણે જ છેટે ક્ષિતિજમાં સામી ધુળ ઉડતી હતી અને ઢોલ અને રણશીંગા જેવા સ્વર તથા હોંકારા ઘણે આઘેથી આવતા હતા. રખેને એ સ્વર ધીરપુરવાળા બહારવટીયા તરફના તો ન હોય જાણી આવા પ્રસંગોનો અનુભવી ગાડાવાળો કંપતો હતો અને અંદર બેસનારને ક્‌હેવું કે ન ક્‌હેવું તેને વિચાર કરવા લાગ્યો. ગાડાની લગોલગ એક જ સંન્યાસી ચાલતો હતો તેને જોતાં મૌન ડહાપણ ભરેલું લાગ્યું.

ગાડામાં ડોશી બેઠી હતી તે કંઈક લૌકિક કવિયોનાં પદ ગાતી હતી અને તેમાંથી છુટક ત્રુટક કડકા સરસ્વતીચંદ્રના હૃદયમાં પેંસતા હતા.

“સુખ દુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડીયાં;
“ટાંળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીયાં.”[૧]

* * * * * * * * *

“જંગલ વસાવ્યું રે જોગીયે, તજી તનડાની આશ જી!
“વાત ન ગમે આ વિશ્વની, આઠ પ્હોર ઉદાસ જી ! - જંગલο
"સેજ પલંગ રે પ્હોડતા, મંદિર ઝરુખા માંહ્ય જી,
“તેને નહી તૃણ સાથરો, ર્‌હેતા તરુતળ છાય જી: - જંગલο
"શાલ દુશાલા હોડતા ઝીણું જરકશી જામા જી
“તેણે રે રાખી કંથા ગોદડી, સહે શિર શીત ધામ જી, – જંગલο

* * * * * * * * *

“હાંજી ક્‌હેતા હજારો ઉઠતા, ચાલતાં લશક૨લાવ જી
“તે નર ચા૯યા રે એકલા, નહી પેંજાર પાવજી-જંગલο[૨]

સરસ્વતીચંદ્ર સ્વપ્નસ્થ હતો તેને અનેક ડુસકાં ભરતી આકાશમાં અદ્ધર ઘટકતી ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઈ. વળી ડોશી ગાવા લાગી:

"કાયા માયા કુંડી રે રાખી ત્હારી ર્‌હેશે નહી,
“જોને તું વિચારી રે, ઘેલા ! કેમ અકકલ ગઈ? – કાયાο

** ** ** **

“વાદળની છાયા રે, જોતાં જોતાં છેટે ગઈ!” [૩]


  1. *નરસિંહ મ્હેતો.
  2. *નિષ્કુલાનંદ.
  3. *દેવાનંદ
અચીંતી આંખ ઉઘડી અને વાદળની છાયા ભણી કુમુદસુંદરીની

છાયા અદૃશ્ય થઈ. આંખ ફરી મીંચાઈ ડોશીનું ગાન તો ચાલતું હતું.

“ભરમાવી દુનિયાં ભોળી રે બાવો ચાલ્યો ભભુતી ચોળી.”

** ** ** ***

"ભોજો ભગત ક્‌હે ભવસાગરમાં ખાવે માર્યા બોળી રે – ભο”

કુમુદસુંદરીની વડીયાઈ, લુચ્ચા જમાઈ યે ભોળી દીકરીને ભરમાવી માટે, ઠપકો દેતી હોય એવું સરસ્વતીચંદ્રને ભાન થયું. દુઃખમય તે ફરી સ્વપ્નવશ થયો. રગશીયું ગાડું હજી ચાલતું જ હતું. પાછળના અને આગળના સ્વર એકઠા થઈ સ્વપ્નાવસ્થ કાનમાં પેંસવા લાગ્યા.

બરોબર મધ્યાહ્ન થયો અને જગતના શિર પર ચ્હડેલો સૂર્ય માનવીનું મસ્તક તપાવવા ઉકાળવા લાગ્યો.

ચોપાસ મચી રહેતા ગરબડાટ વચ્ચે થઈને સૂર્યનો પ્રકાશ તજી પોતે કોઈ ઉંડી ખોમાં ઉતરી પડતો હોય, અંધકાર ભરેલા ગર્જના મચાવી મુકતાં સમુદ્ર મોજાને ચીરી તેને તળીયે જઈ પહોંચતો હોય, – એવું સ્વપ્ન અનુભવતો, સર્વ અન્ધકાર વચ્ચે માત્ર “કુમુદદીપ” જોવા પામતો, સરસ્વતીચંદ્ર અન્ધનિદ્રના પાતાળમાં ઉંધે માથે પડવા લાગ્યો. પડતાં પડતાં ઈગ્રેજ કવિની રજ્જુ જેવી કવિતા તેના હાથમાં આવી તેનો આધાર પકડી લેઈ લાંબા અજગર પેઠે મુખ વિકાસી ઉભેલી ઉંડી નિરાશાનિદ્રાના - કુવામાં પોતાનો પ્રતિધ્વનિ સાંભળતો સાંભળો તો ધીમે ધીમે ઉતરી પડ્યો.

"મચી ૨હ્યો કોલાહલ આજે દિશા ગાજે
“તે મધ્યે થઈ ઉતરી પડની, પડ, નીચે નીચે જાજે !
"નીચે નીચે !
“મૃગ પાછળ ધસી પડે રુધિર પીનાર શ્વાન શીકારી
"ધુમ, વીજળી જતાં, થઈ વ્યોમનો વ્યાપી;
”ગ્રહી પતંગઈન્ધન,પુઠે વિશદ ઝગી રહે જ્યોત દીવાની;
"પુઠ લેતી મૃત્યુતણી નિશા-નિરાશા કાળી;
“પ્રીતિ પાછળ દુખની છાય, ઢાંકતી આંખ, પડે ઉઘાડી;
“ચ્હડી ઉભય[૧] કાળ–હય–પીઠે કરે બળ-સ્વારી,


  1. *નિરાશા અને દુઃખ.

"પી જતી "આજ" ને આજ "કાલ" અભિમાની જેરભરી આવી
"ચુમ્બક – ઉર ચીરી કળી જતી લેહકુહાડી,
" એમ જ ચીર આ દમ્ભ નીચે,
" એમ જ આ સઉ દમ્ભ નીચે
" ઉતરી પડની, શૂર, નીચે નીચે !......૧

" આ જગદમ્ભતણા સાગરની નીચે નીચે જાજે,
" સમુદ્રતળીયે ઉતરી પડની, પડી નીચે નીચે જાજે,
" સમુદ્રની ચીરી ઉર્મિ ઉછળતી નીચે નીચે જાજે,
નીચે નીચે !”.......૨

"પડી, નિદ્રાવશ, હોડીને અંધ ઓછાડ, વીજળી સુતી;
" મુર્મુરકણિકા[૧] ભૂતિને[૨] ગર્ભ સ્ફુરી ર્‌હેતી;
“ પ્રિય - દ્રષ્ટિ અપશ્ચિમ, ઉરે વિરહીયે, ગણી ૨ત્નસમ, ૨ાખી;
"મણિ રહે ખાણ અંધારાં માંહ્ય છુંપાઈઃ

“ એમ જ આ સઉ દમ્ભ નીચે
" કામણ કંઈ તુજ કાજ હીસે;
"ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે
“ રસિક ! ઉતરી પડ નીચે નીચે ! !”
નીચે નીચે !”.....૩ [૩]

આ માનવીના દુઃખ નીચે ભારે મરતા હોય તેમ ધીમાચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું, અને આગળ ઉડતા - તડકાથી ચળકતા ભડકા જેવા - ધુળકોટમાં પડવા માંડતી આહુતિની પેઠે અદ્રશ્ય બનતું, અદ્રશ્ય ભયભણી સરસ્વતીચંદ્રનાં પ્રારબ્ધ પેઠે - અદૃષ્ટ પેઠે – ચા૯યું.



  1. તનખો spark
  2. રાખોડીને
  3. Shelley's Prometheus Unbound.