સરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રમાદધન અને કુમુદસુંદરી

← બુદ્ધિધન અને સૌભાગ્યદેવી સરસ્વતીચંદ્ર ભાગ ૧
પ્રમાદધન અને કુમુદસુંદરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કારભારી અને કારભાર : દિગ્દર્શન →


પ્રકરણ ૧૭.
પ્રમાદધન અને કુમુદસુંદરી.

સમયે પ્રમાદધન ક્યાં હતો ? તે શું કરતો હતો ? પુરુષ વેરાયું પણ સ્ત્રી મંડળ તો આજ આખો દિવસ અલકકિશોરીની આસપાસ ભમવા સરજેલું હતું. કુમુદસુંદરી પણ ત્યાં જ હતી. પ્રમાદધનને બપોરે નિદ્રા ન આવી : તેનું મસ્તિક નવા સંસારનાં સ્વરૂપોથી તરવરતું હતું. કુમુદસુંદરી વિનાની મેડીમાં પ્રમાદધનનું રાજય, નિષ્કંટક થયું હતું. ભણેલી પત્ની ઉપર તેનો આદર ઘણો હતો અને તે કાંઈ પણ ક્‌હેતી તો પ્રત્યુત્તર દેવા તેની તાકાત ન હતી. પતિનો વિદ્યાભ્યાસ વધારવા અને તેને પોતાના જેવો કરવા પત્ની મથતી – અાટલી વાત પ્રમાદભાઈને ગમતી ન અાવી. સ્ત્રીની પાસે વિલાસને બદલે વિદ્યાની વાતો તેને મન અસ્થાને હતી. સ્ત્રીની રસિકવૃત્તિ ઉચ્ચ પ્રકારની હતી તે જોઈ સ્નેહ એ નામની પણ તત્ત્વતઃ પશુવૃત્તિમાં જ રમનાર – પશુવૃત્તિ જ સમજનાર – પ્રમાદધન ઘણીકવાર મનમાં કંટાળો પામતો. કોઈ વડીલ પાસે હોય ત્યારે અસ્વતંત્રતા લાવે તેમ કુમુદસુંદરી પાસે તેના મનમાં અસ્વતંત્રતા લાગતી. અાથી સમાનભાવ અને ઈષ્ટ અાનંદના પ્રસંગ પોતાના મિત્રમંડળમાં તેમ જ પદ્માને ઘેર શોધતો. અાથી દિવસે દિવસે તેનો ભાવ ઓછો થયો. અધુરામાં પુરું આજથી દરબારમાં તેની સ્થિતિ વધી અને ચારેપાસથી માન મળવા છતાં ઘરમાંની સ્ત્રી પાસે ન્હાનાં દેખાવું એ તેને ન ગમ્યું. તેનું ક્ષુદ્ર મન સ્ત્રીની સમક્ષ ઉઘડવા જ પામતું. સ્ત્રીની પાસે આવા અમલદાર બનેલાએ મનને તાળું વાસવું એ હલકું લાગ્યું. કુમુદસુંદરી વિનાની મેડી જોઈ તે ઘડીક સ્વતંત્ર બન્યો, આનંદમાં આવી જઈ એકલો એકલો બોલવા લાગ્યો, પલંગ પર બે પળ ચતોપાટ સુતો, ઉઠી રસ્તામાં પડતી બારી આગળ ફક્કડ કબજાનાં સોનેરી બટનપર હાથ મુકી છાતી ક્‌હાડી રસ્તે ચાલનારને અાંખો ઉંચી ચ્હડાવી રુઆબ દેખાડતો ઉભો રહ્યો, અને વળી અંદર આવી તકતો લેઈ મ્હોં જોવા મંડ્યો અને મુછો પર હાથ ફેરવવા લાગ્યો.

અાંખો તેજભરી ચગાવી આનંદપ્રફુલ્લ બની તક્તામાં જોતો બોલ્યોઃ "બસ, હવે જોઈ લ્યો. હવે હું બસો રુપીઅાનો અમલદાર બન્યો ! નવીનચંદ્ર આટલું ભણેલા હોવા છતાં તેને સો જ રુપરડી – અને મને બસો રુપીઅા ! આજ સુધી નરભેરામ હતા તેટલો - તેવો – જ હું. ચાલો, હવે ત્યારે આપણે શું કરવું ? મોભો જાળવવો એવું પિતાજીએ કહ્યું છે – એટલે એમ કે ભારેખમ થવું. દોસ્તદારોને હું ચ્હડાવી દેઈશ - પિતાજી હવે મ્હારું એટલું કહ્યું નહી માને ? પણ બસો રુપિઆનું શું કરવું ? જાણે કે ઘરના ખરચની તો આપણે ચિંતા નથી. બચાવવાની આપણે ચિંતા નથી. પિતાજી ઘણું યે બચાવે છે.”

“ ત્યારે બસ હવે એ ગોઠવણ કરવી – જો – જાણે કે પચાસ રૂપીઆનો મહીનો આપવા તો આપણે પદ્માની સાથે બંધાવું પડશે. પચીસેક રુપીઅા તો એને ત્યાં જઈયે કરીયે તે અત્તર બત્તર ને એવું ખરચ થાય. પછી પચાસેક રુપીયા માં આપણે બીજું ખર્ચ, લુગડાં છે, લત્તાં છે, બીજું છે, ત્રીજું છે એમ થાય ! ત્યારે શું થયું એ ? જાણે કે પચાસ એ–પચીસ એ ને પચાસ આ – ને આ – એટલે દોઢસોનો સુમાર થયો. બાકી પચાસ રુપીઆ રહ્યા – તે તો એટલો હીસાબ તો – એને ( કુમુદસુંદરીને ) ખાતે – એ બોલતી ચાલતી નથી પણ એનેયે કાંઈ આપ્યા કર્યા વિના છુટકો છે ? એને લીધે તો આપણા ખીસાખરચનો હીસાબ નથી આપવો પડતો ! એટલે હવે બસોયે બસો પુરા થઈ રહ્યા.”

બજેટ થઈ રહ્યું - હીસાબ થઈ રહ્યો. હીંદુસ્થાનના હજારો રુપીઅાના પગારદાર ઈંગ્રેજોના હીસાબમાં કરોડો રુપીઅાની ભુલો ચાલી જાય તો વગરભણ્યા પ્રમાદધનના પ્રમાદમાં પચીસ રુપીઆ ચાલ્યા જાય , એ કાંઈ મ્હોટી વાત નથી.

તક્તો અાઘો મુકી તે ટેબલ આગળ ખુરશી પર બેઠો. ટેબલ પર કુમુદસુંદરીના ઉદ્યોગના પદાર્થો પડ્યા હતા. એક પાસ ઈંગ્રેજી કવિયો, વચ્ચે સંસ્કૃત કવિયો, બીજી પાસ સૃષ્ટિપદાર્થજ્ઞાનના ગ્રંથો, સામે ગુજરાતી મનુસ્મૃતિ, અને અહીં આગળ અધ્યાત્મરામાયણનાં પાનાં પડ્યાં હતાં અને વચ્ચે એક કાગળના કડકાનું ચિહ્ન મુકર્યું હતું. ખુરસીપર બેસી ટેબલ તળે લાંબા પગ નાંખી પ્રમાદધને રામાયણ હાથમાં લીધું, પ્રથમ પાને કહાડેલું ચિત્ર જોયું, એક પાનું વાંચવા માંડ્યું અને છોડી દીધુ, અને પાછું તરત જ પુસ્તક હતું ત્યાં સંભાળીને મુક્યું. આ સર્વ પુસ્તકશાળા સ્ત્રીની ઈચ્છા પ્રમાણે પતિએ જ વસાવી આપી હતી અને કુમુદસુંદરી પોતાનો દુર્ગમ કાળ, પુસ્તકોમાં પરોવાઈ ગાળતી હતી. સર્વ પુસ્તકો સામું પ્રમાદધન ક્ષણવાર જોઈ રહ્યો, ઉંડા કુવામાં નજર નાંખવી પડતી હોય એવો વિકાર અનુભવવા લાગ્યો, અને અંતે મ્હોં કસાણું કરી એકદમ ઉઠી ગયો.

કુમુદસુંદરીની સારંગી હાથમાં લીધી – તારઉપર હાથ ફેરવવા માંડ્યો. કુમુદસુંદરી સારંગી વગાડતી તે તેને ગમતું, પણ એ પદ્માની પેઠે કનૈયાનાં અને ઈશ્કનાં પદ ગાતી ન હતી એટલે સઉ લુખું લાગતું – કનૈયા વિનાનું તે ગાણું ? સારંગી પાછી હતી ત્યાં મુકી અને ભીંત પર પોતાની છબી હતી તે ઉંચી અાંખે – કેડ પર બે હાથ મુકી – ઉભો ઉભો જોઈ રહ્યો પલંગ ભણી ગયો; પણ તેનીપર કુમુદસુંદરીએ ઉભું મુકેલું એક તત્વજ્ઞાનનું, ઇંગ્રેજી પુસ્તક હતું તે જેયું. અને જોયું કે તરત ત્યાંથી પાછો વળ્યો.

“આ શું ? કોણ જાણે શાથી – કે વાંચ વાંચ કરે છે ત્યારે જ એને જંપ વળે છે. જોને, ટેબલ ઉપર તો પુસ્તક હોય પણ પલંગ - પરે મુક્યું છે.” પુસ્તક લઈ બંધ કરી ઠેકાણે મુકયું.

પોતાને કાંઈ વાંચવાનું મન થયું. કબાટ ઉઘાડ્યું અને દૃષ્ટિ ફેરવવા માંડી. કંઈ ન જડતાં એક પોતાની જ અાણેલી ઇંગ્રેજી નવલકથા – મદનકથા – જડી તે લેઈ પલંગ પર પડ્યો અને પુસ્તક છાતી પર રાખી જરી મ્હોટે સાદે ભભકાભેર વાંચવા માંડ્યું.

એટલામાં નવીનચંદ્રવાળી મેડીમાં કાંઈ ખખડ્યું; ઉઠી બારણું ઉઘાડ્યું અને અંદર જુવે છે તો એકલી કૃષ્ણકલિકા ચારેપાસ જોતી જોતી ઉભેલી. બીજું કોઈ ન મળે.

કૃષ્ણકલિકા અંહીયાં ક્યાંથી ?

શિથિલ વૃત્તિવાળી આ યુવતિની કલ્પનામાં કોણ જાણે ક્યાંથી નવીનચંદ્ર વસી ગયો હતો અને પવિત્ર પણ અસાવધ અલકકિશોરીને તેણે પોતાનું સાધન કરવાની યુક્તિ કરી હતી તે, વાંચનાર, તને વિદિત છે. પોતાનું વૃત્ત પાંસુલ થઈ જતું બચ્યું તે પછી કિશોરી થોડીવાર સાવધ રહી અને કુષ્ણકલિકા સાથેનો પ્રસંગ ઓછો કરી નાંખવા મનમાંથી યત્ન કર્યો. પણ ભોળી સર્વ વાત ભુલી ગઈ અને કુષ્ણકલિકા ઉપર પ્રથમની પેઠે મમતા રાખવા લાગી. સૌભાગ્યદેવીને પુત્રી પાંસુલ થયાની શંકા પડી હતી પરંતુ કુમુદસુંદરી મૂર્ચ્છા પામી તેના દુઃખમાં સર્વ ઘડી ભુલી ગઈ. પાછળથી તે વાત સાંભરી પણ પુત્રીના ચિત્તમાં પશ્ચાત્તાપ થતો જણાયો અને પવિત્ર મનમાં એમ જ આવ્યું કે મ્હારી પુત્રી અપવિત્ર ન જ હોય. આ વિચારથી પોતે પોતાના ચિત્તને ઠપકો દેવા લાગી કે પળવાર પણ આ શંકા તેમાં ઉત્પન્ન થવા પામી. કુમુદસુંદરીની શંકાનું સમાધાન વનલીલાએ સમાચાર કહ્યા તે ઉપરથી થયું હતું તે આપણે જાણીયે છીયે. પરંતુ પાછળથી અલકકિશોરીથી પોતાથી જ ન રહેવાથી અને એક દિવસ ભાભી આગળ સર્વ ઈતિહાસ કહી દીધો અને કુષ્ણકલિકાને લાખો ગાળો દીધી અને નવીનચંદ્રની સ્તુતિ કરી. આ પ્રસંગનો લાભ લેઈ કુમુદસુંદરીયે ભોળી નણંદને બુદ્ધિ આપી અને કુષ્ણકલિકાની પાતક સંગતિનો ત્યાગ કરવા શીખામણ આપી. ભોળી નણંદે કુષ્ણકલિકાની સંગતિ ઓછી કરવા માંડી પણ તેની સાથે એક દિવસ તેને કહી પણ દીધું કે મને ભાભીયે આ પ્રમાણે શીખામણ આપી છે. આ સમાચારનો લાભ કાળકાએ લીધો અને ભાભીની શીખામણની યોગ્ય અસર ન થાય તેવી યુક્તિયો કરવા ચુકી નહી.

કૃષ્ણકલિકાને મ્હોંએ પોતે ભાભીનું નામ દીધું તેથી કિશોરીને પશ્ચાત્તાપ થયો પણ થોડા દિવસ તો તે મનમાં જ રાખી રહી. આખરે ન ર્‌હેવાયું તે એ પણ પાછું ભાભીને કહી દીધું. ભાભી સાવધાન થઈ તો પણ કૃષ્ણકલિકાની સંગતિમાંથી પોતાની વ્હાલી નણંદને છોડવવા યત્ન ઉઘાડો ન પડે એમ કરવા લાગી. શીખામણ દેવી મુકી દીધી પણું એમ ધાર્યું કે એકના ઉપર પ્રીતિ વધારે થશે તો બીજીના ઉપરની પ્રીતિ એની મેળે ઉતરશે. અામ ધારી કુમુદસુંદરી વનલીલાને અલકકિશોરીના ચિત્ત આગળ વધારે વધારે ધક્કેલવા લાગી. વનલીલા સ્‍હોજીલી હતી, તેની રસવૃત્તિ નિર્દોષ હતી, તેનામાં રમતીયાળપણાનો ગુણ અલકકિશોરીનાથી વધારે હતો, અને તે સમજુ વધારે હતી. કુમુદસુંદરીયે નણંદ અાગળ વનલીલાની જ સ્તુતિ કરવા માંડી, તેના ગુણોનું ભાષ્ય કરવા માંડ્યું, તેના ઉપર મોહ અને પ્રીતિ ઉત્પન્ન કર્યા, નણંદની અાંખો ઉઘડી, વનલીલાનો ઉત્કર્ષ તેના હૃદયમાં દેખાયો. અને એના આગળ કૃષ્ણકલિકા એની મેળે જ ક્ષુદ્ર દેખાઈ અા રીતિથી કુમુદસુંદરીયે કૃષ્ણકલિકાની નિન્દા કર્યા વિના, તેનું અપવિત્ર નામ જીભે લીધા વિના, તેને નણંદ પાસેથી દૂર કરી. કૃષ્ણકલિકા શઠરાયની પણ સગી હતી અને અલકકિશોરીને એક બે પ્રસંગે એવો પણ વ્હેમ પડ્યો હતો કે આપણા ઘરની વાત જાણી લેઈ શઠરાયના ઘરમાં એ કરે છે. જુની સંગતિ ઘણા પ્રયાસથી આખરે ઓછી કરી, તો પણ અાંખની શરમ છંડાતી ન હતી. પણ આજ તો વનલીલાની ગરબી ઉપરથી અલકકિશોરીનો પ્રીતિ છલકાઈ અને તેને પોતાની સાથે જમવા બેસાડી. આ વાત કુષ્ણકલિકાથી સંખાઈ નહીં. તેનું માનભંગ થયું અને અાંખો વનલીલા સામું જોઈ કાતરીયાં ખાવા લાગી. હવે એણે પોતાનો માર્ગ જાતે શોધવા પ્રયત્ન કર્યો. સઉ વાતોમાં ભળ્યાં જોઈ છાનીમાની ચોરની પેઠે ઉઠી અને નવીનચંદ્ર એકલો હશે એમ કલ્પી પોતે જ તેની મેડીમાં ગઈ. નવીનચંદ્ર તો ત્યાં હતો નહીં, ભ્રમિત ચિત્તે પ્રમાદધનની મેડીનું દ્વાર જોતાં બીજી ભ્રમણા શોધી ક્‌હાડી: “ મોઈ રાંડ અલક એનું શું કામ છે ? પ્રમાદને જ હાથમાં લેઉં નહીં એટલે મ્હારા ધણીનુંયે કામ થાય ! સારી નોકરી આપી શકશે પ્રમાદધન અને પેલી કુમુદડીનું વેર લેવાશે – રાંડ મ્હારી પાછળ ખાતરવટ થઈને લાગી છે.” આ વિચાર કરે છે એટલામાં પ્રમાદધને બારણું ઉઘાડ્યું. કૃષ્ણકલિકા છાનીમાની ઉઠી ગઈ તે કુમુદસુંદરીયે છાનુંમાંનું જોયું. તેની પાછળ પોતાની દ્રષ્ટિને મોકલી. તેને દાદર પર ચ્‍હડતી જોઈ, અગાશીની રવેશો પાછળ તેના માથાંના વાળ ચાલતા દેખાયા અને આખરે નવીનચંદ્રવાળી મેડી આગળ અદ્રશ્ય થયા.

કાંઈક નિમિત્ત ક્‌હાડી કુમુદસુંદરી ઉઠી. પણ કૃષ્ણકલિકાની પાછળ જવું ન ગમ્યું. “ ભોગ એના, હું ક્યાં આવા આવા મલિન માર્ગની ચોકી કરતી ફરું ? ” પરંતુ અંત:કરણે કહ્યું કરતાં પ્હેલાં આડાઈ કરી. કેટલીક વાર તે પાછી બેઠી. ચિત્ત ઉપર હતું અને નીચે બેઠેલાં સાથે વાતોમાં ભળી કૃષ્ણકલિકા પાછી ફરતી ન દેખાઈ – અધ ઘડી થઈ – ઘડી થઈ. અાખરે ધીરજ ન રહી અને ઉપર ચ્‍હડી. નવીનચંદ્રવાળી મેડીમાં ડોકીયું કર્યું –પણ કોઈ ન મળે. પોતાની મેડીનું દ્વાર બંધ હતું - તેને ઉઘાડવા ધિકકેલ્યું. ઉઘડ્યું નહીં. અંદર સાંકળ હતી. “ કોણ ? ”– પ્રમાદધને બુમ પાડી. કમાડ ફરી ધકકેલ્યું – ઉત્તર મળ્યો: “ ઉઘાડું છું.” થોડી વારે પ્રમાદધને બારણું ઉઘાડ્યું – મેડીમાં એ એકલો જ હતો. કુમુદસુંદરી અંદર ગઈ નહી - ઉમરા બ્‍હાર ઉભી. પ્રમાદધને અંદર બોલાવી – “હા આવું છું” કહ્યું પણ ન અાવી, કંઈક વિચાર કરી અંદર આવી ઉમરો એળે ગ્યો – પણ દ્વાર પાસે જ ઉભી અને દ્રષ્ટિ અગાશીમાં જ ૨હી: નવીનચંદ્રવાળી મેડીમાંથી નીકળી છાનીમાની પણ ઉતાવળી કુષ્ણકલિકા દાદર ભણી દેાડી. કુમુદસુંદરી એકદમ બ્‍હાર નીકળી અને છલંગ મારતી ફલંગ ભરતી – અબળા – બાળકીયે કુષ્ણકલિકાને પકડી પાડી – અને તેનું કાંડું પકડ્યું. બારણા બ્‍હાર ડોકીયું કરી વિવર્ણ – વ્હીલો – બનેલો પ્રમાદધન પોતાની મેડીમાં પાછો સંતાઈ ગયો.

ક્રોધથી કુમુદસુંદરીનું ગોરું મ્હોં રાતું રાતું થઈ ગયું. ક્રોધનાં આંસુ, અાવ્યાં, ક્રોધથી શરીર કંપવા લાગ્યું, ભમર ભાંગી અને કપાળે કરચલીયો વળી. અાંખે લોહીની તસર આવી. પણ શું બોલવું તે સુઝ્યું નહી. અહુણાં જાણે કે રોઈ પડશે – એમ ઓઠના રાતા પલ્લવ કંપવા લાગ્યા. કુષ્ણકલિકા પ્રથમ તો શરમાઈ અને નીચું જોઈ રહી. પણ છુટવાનો ઉપાય ન જોઈ નીડર બની. મર્યાદા તુટી ગઈ. કુમુદસુંદરીને ' તું ' કરી બોલાવવા મંડી,

" છોડ હાથ, જવા દે.”

" શરમાતી નથી ?–"

" શી બાબત શરમાય ? શરમા ને તું ?”-

“ જા, જા, નફટ. ત્‍હારી સાથે બોલવું પણ ન જોઈએ. જો આજ તો જવા દેઉ છું પણ અા ઘરમાં તને હવે થી દીઠી તો એમ જાણજે કે નાસતાં ભોંય ભારે પડશે. ન્હોય અા શઠરાયનું ઘર. ડાહી હોય તો આ ઘર સામું ન જોઈશ. ”

બળથી પ્રત્યુત્તર દેવા જતી જતી પોતાના સગા શઠરાયનું નામ સાંભળી, શઠરાયની અાજ શી અવસ્થા થઈ છે તે સંભારી, ગઈ કાલના બુદ્ધિધન ને આજના બુદ્ધિધન વચ્ચે ઘણું અંતર પડ્યું હતું તેનું ભાન અાણી, અલકકિશોરી હવે જુદી થઈ છે તે જોઈ પ્રમાદધનનું કાંઈ નીપજી શકે એમ ન હતું તે લક્ષમાં અાણી, અને કુમુદસુંદરીનું ઘરમાં કેવું ચલણ થયું હતું તે અનુભવથી જાણેલું હતું તે સ્મરી, દુષ્ટ કુલટા નરમ પડી, પરસેવાથી ભીંની થઈ અને ધીમે ર્‌હી બોલી:

" વારું, હવે મને જવા દેઈશ ? ”

" વચન આપ કે હવે પાછી અા ઘરમાં નહી આવું.”

" મને કોઈ બોલાવે તો ? ”

" ના, બોલાવે ત્‍હોય નહીં."

“ એવું વચન તો ન અપાય.”

" ત્યારે જવાનું યે ન થાય.”

" મને શું કેદ કરવી છે ? એમ હોય તો તે ક્‌હો. હા બાઈ.”

કુમુદસુંદરીયે વિચાર કર્યો કે આ નકટીની સાથે શી રગઝગ કરવી ?–એના હાથને અડકવું એ ન જોઈએ. હાથ મુકી દેવા જતી હતી. પણ પતિને સુધારવાનો સ્વાર્થ સાંભર્યો.

“ જા, જા. ત્‍હારા વચન ઉપરે શો વિશ્વાસ ? તું વચન આપે તે યે સરખું ને ન આપે તે યે સરખું. પણ એટલું કહું છું કે તને ત્‍હારો જીવ વ્હાલો ન હોય તો અા ઘરમાં પગ મુકજે. જા.”

હાથ છોડી દીધો અને કૃષ્ણકલિકા ગઈ. કુમુદસુંદરી પોતાની મેડીમાં આવી. પ્રમાદધન ટેબલ પર ઉંધું માથું મુકી બેસી રહ્યો હતો. કુમુદસુંદરી આવી તે જાણ્યું પણ માથું ઉંચું ન થયું. કુમુદસુંદરી ચારેપાસ જોતી જોતી અંદર આવી, પ્રમાદધનને જોયો પણ બોલી નહી, અને રસ્તા પર બારી પડતી હતી ત્યાં આગળ અાંખે હાથ લેઈ ઉભી. એટલામાં રસ્તા ઉપર બુમ સંભળાઈ; પાછી ફરી જુવે છે તો આગાડી એક જણે તોલડી ઝાલેલી, વચ્ચે ઠાઠડી ઉપર મડદું અને મડદું ઉચકનાર સિવાય પાછળ માત્ર દશ પંદર માણસો – જે શઠરાયનાં અડીને સગાં હતાં. મડદું દુષ્ટરાયનું હતું અને તેનું નામ દેઈ રોતી કુટતી તેની સગી સ્ત્રીયો પાછળ આવતી હતી. ખલકનંદા પણ હતી અને અત્યંત રોતી દેખાતી હતી. રૂપાળી ન હતી. શઠરાય કરવત૨ાય કોઈ ન હતા. પ્રમાદધને અચિંત્યું માથું ઉચું કર્યું અને બોલ્યો: “કોણ મરી ગયું ?”

“દુષ્ટરાય” – ઉત્તર દેઈ કુમુદસુંદરી અાંસુવાળી અાંખે પાછી અાવી. એને પ્રમાદધન બારી આગળ ગયો. તે ત્યાં ઉભો એટલામાં છાતી ઉપર હાથ મુકી વિચારમાં પડી કુમુદસુંદરી વચ્ચોવચ ઉભી રહી અને દુષ્ટરાય તથા પ્રમાદધનની ત્રિકાલાવસ્થા, સરખાવવા લાગી – “શું, જે કારભારીના દીકરા હોય તે સઉને લંપટ થવાનું સરજેલું હશે ?” એમ મનને પુછવા લાગી - "દુષ્ટરાયની અવસ્થા રુપાળીએ કરી એવી પ્રમાદધનને અથવા કૃષ્ણકલિકાને હાથે કોઈ સમે મ્હારી પણ થવા વારો કેમ ન આવે ?”-“ધુળ નાંખી આવે તો, આ જગતમાંથી છુટી થાઉં :” આવા તર્ક કરે છે એટલામાં પલંગપર દ્રષ્ટિ પડી અને ત્યાં કંઈ દીઠું, પાસે જઈ તે જોયું તો કૃષ્ણકલિકાના માથાનો કેવડો અને કોટની સાંકળી નીકળી પડેલાં દેખાયાં તે લેઈ લીધાં. હાથમાં લઈ વિચારમાં પડી પાછી પલંગ આગળ જ ઉભી.

પ્રમાદધન રસ્તા ઉપર સ્ત્રીયો કુટતી હતી તે જોતો ઉભો. કૃષ્ણકલિકા પણ કુટવામાં ભળી હતી તે બરોબર એના સામી ઉભી. કુટતાં કુટતાં સાંકળી વિનાની કોટ લાગતાં ગભરાઈ. પ્રમાદધનની મેડીમાં જઈ તપાસ કરવા છાતી ચલાવે એવી હતી – પણ પેલી કુમુદડી સાંભરી - એની ક્રોધવાળી અાંખો સાંભરી – એટલે સાંકળી શોધવાનો વિચાર મુકી દીધો. સાંકળીનું રોવું અને કુટવામાં રોવું એ એક થઈ ગયાં. અાંસુના પ્રવાહમાં પ્રમાદધનને જોવો પણ મુકી દીધો. પ્રમાદધનને પાછળ ઉભેલી કુમુદસુંદરી સાંભરી એટલે પાછો ફર્યો અને ઓશીયાળા જેવો - વ્હીલા જેવો – બની વાત જાણતો જ ન હોય એવું ડોળ ધારવા વ્યર્થ યત્ન કરવા લાગ્યો.

કુમુદ પલંગની ઈસને અઠીંગી ઉભી હતી. ઘડીક હાથમાંની સાંકળી અને કેવડા પર નજર કરતી હતી. ઘડીક આંખ સામે નવીનચંદ્રવાળી મેડીના બારણાની નિત્ય બંધ રહેતી પણ આજ ઉઘાડી રહી ગયેલી સાંકળ સામી નજર કરતી હતી.

“ હે ઈશ્વર ! અામને સુધારવા એ વાત મ્હારા હાથમાંથી ત્‍હેં સમુળગી લઈ લીધી જ ! શું મર્યાદા તુટી જ ? શું છેક અામ જ કે હું અંહીયાં ઉભી છતે પેલીના સામું જોયાં કરે છે અને મને તો બોલાવતા જ નથી ? છેવટે બે અાંખની શરમ પણ ન રહી. હવે સુધરવાનું બારું બંધ.”

“ત્યારે અા સાંકળી આપી દેઉ એમને ? ફાવે તે કરે. ફાવે તે કરે. મ્હારે શું? ભણેલાએ પરણ્યા પ્‍હેલાં છોડી – વગરભણ્યાએ પરણીને છોડી !” આ વિચારમાંને વિચારમાં દુઃખી અબળાનું હૃદય ભરાઈ આવ્યું. અચિંતી બારી આગળ ગઈ અને કેવડો તથા સાંકળી બન્ને વાનાં રોષથી – જોરથી – કૃષ્ણકલિકા ઉપર રસ્તામાં ફેંક્યાં અને એકદમ પાછી માંહ્ય આવી. અને મેડી વચ્ચોવચ ભાંય ઉપર બેસી ઢીંચણપર હાથની ક્‌હાણીયો મુકી અાંખે બે હાથ દેઈ નિર્ભર રોવા લાગી. પ્રમાદધન પળવાર તે જોઈ રહ્યો – તેને મનાવી નહી – ખંડિત પત્ની વધારે ખંડિત થઈ — તેને ઓછું અાવ્યું. મનમાં રોતી હતી તે ખાળી ન રખાયાથી સંભળાય એમ મોકળું મુકી રોવા લાગી. સારે ભાગ્યે ઘરમાં કોઈએ સાંભળ્યું નહી. પ્રમાદધનને તેના મિત્રે શીખામણ દીધી હતી કે સ્ત્રીયો રુવે તે તો ઢોંગ – એવું સ્ત્રીચરિત ગાંઠવું નહીં. તે બારી આગળ ઉભો ઉભો સર્વ જોઈ રહ્યો.

ન રહેવાયું અને કુમુદસુંદરીયે ભોંય પર માથું પછાડ્યું. દૈત્યને દયા અાવી. પ્રમાદધનનું અંત:કરણ ઓગળ્યું. પાસે આવ્યો. “આ શું છે બધું ?” કરી કુમુદસુંદરી પાસે બેઠો. તેનું માથું ખોળામાં લીધું. પવિત્ર સ્પર્શે પવિત્ર વિચારને જન્મ આપ્યો. “હું અપરાધી છું” એ બુદ્ધિ પ્રમાદના મસ્તિકમાં ઉપજી, “શું થયું ? શું છે ?” એવું એવું પુછવા લાગ્યો. પતિના અંત:કરણમાં પોતાને વાસ્તે કાંઈક અવકાશ છે – પતિ સુધરે એમ છે : આ વિચારથી પતિવ્રતાના હૃદયમાં ધૈર્ય અાવ્યું ! અાંસુ લોહ્યાં; અને “કાંઈ નથી – કાંઈ સહજ” અર્ધ ઉત્તર આપી તેની બાથમાંથી છુટી એક ખુરસી પર જઈને બેઠી.

ચાકરોને હાથે ઉછરેલો, ખુશામતીયા તથા ભ્રષ્ટ મિત્રોએ સ્વાર્થ સારવા નીચ માર્ગ દોરેલો, બુદ્ધિહીન, અને અકાળે સ્વતંત્ર થવા પામેલો, પરંતું પવિત્ર સંસ્કારો ભરેલી હવાથી કેવળ અજાણ્યો ન રહેલો, બુદ્ધિધન અને સૌભાગ્યદેવી જેવાંનો પુત્ર અંતે ઘડીક કુળ ઉપર ગયો. વિમાનના પામેલી પત્નીની આસનાવાસના કરવા લાગ્યો. તે ન બોલી તેમ તેમ તેને વધારે બોલાવવા લાગ્યો. આ નિમિત્તે – તે નિમિત્તે - વાતચીતને પ્રસંગ ક્‌હાડી ક્‌હાડી તેને બોલાવવા લાગ્યો. કંઈ કંઈ પુછવા લાગ્યો. કંઈ કંઈ ક્‌હેવા લાગ્યો. માત્ર મૂળ વાત ક્‌હાડી નહી - ડાહી સ્ત્રીયે ક્‌હડાવી નહી. પતિ સુધરે એમ છે – તેને શી રીતે સુધારવો એટલા જ ઉત્સાહક વિચારમાં પડી.

એટલામાં તો પ્રમાદધન કંઈ કંઈ વાતો કરી ગયો. દરબારના સમાચાર, પોતાને પગાર થવાની વાત, આજ પોતાને લીલાપુર જવાનું હતું તે ખબર, ખરેખરું જોતાં રામભાઉવાળા કારણથી પણ બ્‍હાર ક્‌હેવામાં મુહૂર્ત ન આવ્યું એ કારણથી દરબાર આજ ભરવો બંધ રાખ્યો એ વર્તમાન, નવીનચંદ્રની ગોઠવણ, પિતામહનું જુનું ઘર ગમે તેટલું દ્રવ્ય ખરચી વેચાતું લેવું એવી દયાશંકરકાકાની સૂચના અને તે ઘરને ઠેકાણે માતુ:શ્રીના નામનું શિવાલય કરવું એવો પિતાનો વિચાર થયો હતો તે આ અને એવા કાંઈ કાંઈ વિષયોનું પુરાણ પ્રમાદધન કહી ગયો. માથું નીચું રાખી, વિચારમાં પડેલી કુમુદસુંદરીયે કશી વાત સાંભળી નહીં. માત્ર નવીનચંદ્રની વાત કરી ત્યારે પાંપણો જરીક ઉંચી કરી વાર્તા ઉપર ધ્યાન આપ્યું. વાર્તાની અસર એટલી થઈ કે કુમુદસુંદરી શાંત પડી. અંતે વાર્તા થઈ ૨હી એટલે આળસ મરડી ઉંચું જોવા લાગી અને પોતાને પ્રસન્ન કરવા ઈચ્છતા પતિ ઉપર પ્રસન્ન થઈ ઉઠી.

ઉઠતાં ઉઠતાં પતિ ઉપર પ્રેમ ઉપજ્યો. “ના, એ તો એ રાંડના જ વાનાં, મ્હારા પતિ તે બીચારા ભોળા છે ” આટલો વિચાર કરી પતિની ભોળાઈ પોતાને પ્રસન્ન કરવાની તેની આતુરતા, મનાવતાં સુકાઈ જતું તેનું મ્હોં, એવું કંઈ કંઈ જોઈ વિચારી દયા આવતાં ઉમળકો આવતાં પોતાના કોમળ માંસલ ભુજવડે પતિને કણ્ઠાશ્લેષ દીધો અને પોતાની પવિત્રતા તેનામાં સંક્રાંત થઈ માનવા લાગી.

અાર્યા ! લગ્નોચ્છેદક ધર્માસન[૧]આપે તેના કરતાં વધારે સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ત્‍હારા આર્ય હૃદયમાં છે ! એ ધર્માસનનું સુખ અનાર્ય લોકને જ હજો !

પતિનું અંત:કરણ શુદ્ધ કાચના જેવું નિર્મળ અને પારદર્શક થઈ ગયું હોય તેમ તેને જોતાં આનંદ પામતાં તેમાંથી કૃષ્ણકલિકાને સમુળગી ભુસી નાંખવા મનસ્વિનીયે પ્રયત્ન કર્યો.

પ્રસન્ન થયેલા પતિની સાથે નિર્દોષ વિભ્રમનો વિનોદ અને વિનિમય કરતાં અને પામતાં જણાઈ ન પડે એવી રીતે બે વાતો વચ્ચે કહી દીધી.

“આ રાજેશ્વરમાં રાણાજી અને પિતાજી મળ્યા હતા તે વાત શઠરાયને ત્યાં કૃષ્ણકલિકાએ પ્‍હોંચાડી હોં ! એ તો શઠરાયની ભેદુ થઈને આપણા ઘરમાં આવતી હતી. જમાલવાળી વાત એને " પ્રથમ થી ખબર હતી !”

આ સમાચારથી ચમકેલા પતિમસ્તકમાંથી કુટુંબવૈરિણી એકદમ નીકળી ખસી ગઈ હોય એવું બુદ્ધિમતીને સ્પષ્ટ લાગ્યું.

પતિના દક્ષિણ હસ્તથી વીંટાયલું છુટા થયેલા કેશપાશવાળું કમળપુટ જેવું મસ્તક ઉંચું કરી ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની અનુમતિ માંગી


  1. ૧- છુટાછેડાની કેાર્ટ. Divorce Court.

લીધી. કોમળ ગાલ ઉપર પતિહસ્તના કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી. લાંબા વિરહને અંતે મળ્યો હોય તેમ ખંડનને અંતે મળેલો આ વિભ્રમ ઉત્કૃષ્ટ પ્રીતિદાય હોય તેમ પતિવ્રતાએ અભિનન્દ્યો. પણ પ્રીતિદાય માગ્યું કયારે ? અાપ્યું શાથી ? દુષ્ટ કલહમાંથી પ્રણય ક્યારે થયો ? કિલ્મષ ભુલાયું કેમ ? પ્રણયવચન પતિવ્રતાએ કહ્યું કીયું ? स्त्रीणामाद्यं प्रणयवचनं विभ्रमो हि प्रियेशु ॥ કહ્યા વિના ક્‌હેવાય એવાં પ્રણયવચન દમ્પતીને ક્યાં હતાં નથી ? એવાં વચનનો ઉત્તર બોલ્યો વિના ક્યાં અપાતો નથી? प्रत्युक्तं हि प्रणयिषु सतामीप्सितार्थक्रियैव ॥ અશબ્દ પ્રણયવચનનો વિભ્રમનો – આવિર્ભાવ કુમુદસુંદરીમાં ક્યારે થયો, પ્રમાદધને ક્યારે દીઠો, વિભ્રમના ઉત્તરમાં ઇષ્ટવિભ્રમ ક્યારે મળ્યો, મૂર્ખ પ્રમાદધન આ કળા ક્યારે શીખ્યો, વિમાનના ભુલી સુશિક્ષિતાએ અશિક્ષિતનો પ્રણય શી રીતે સ્વીકાર્યોઃ ઇત્યાદિનું તત્ત્વજ્ઞાન પુરાણો માં નથી, વેદને સુઝયું નથી, વેદાંતને જડ્યું નથી, ઈંગ્રેજી વિદ્યામાં આવે એમ નથી, અને વ્યવહારીથી સમજાય એમ નથી. જેને સમજવાની અગત્ય હતી તે અંત:કરણ વણસમજાવ્યે સમજ્યાં એ ઈશ્વરની રચના, ગમે તેવા ભૂતકાળને ભુલવો, ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું – એ શક્તિ, એ વૃત્તિ, આર્યચિત્તની જ છે, ઈશ્વર તેને અમર રાખો.