સરસ્વતીચંદ્ર ભાગ ૧/મંગલપુષ્પાંજલિ

← पञ्चदशीના શ્લોક સરસ્વતીચંદ્ર ભાગ ૧
મંગલપુષ્પાંજલિ
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુવર્ણપુરનો અતિથિ →


મંગલપુષ્પાંજલિ.*[૧]

મનને મનસુખનું બીજ દીધું,
રતિ[૨]-તંત્ર-સ્વરૂપ અનુપ કીધું;
ગુરુ આશ[૩] ખડી શિશુપાસ કરી,
નભ ત્હોય ઉગ્યો ન રવિ-ન શશી.       ૧.
વિધિ ફાવી ચુક્યો કરી સર્વ ક્રિયા,
મનુના ૨થ તે મનમાં જ વહ્યા;
વહી નિત્ય, ડુખ્યા મન ટેકવવા,
વિધિના ક૨ ત્હોય નમ્યા-ન નમ્યા.      ૨
તરછોડી રમા[૪] હઠી દૂર ઉભી,
ઉરવલ્લી[૫] ફુલોથકી ત્હોય લચી;
દિન કંઈક ગયા, દિન કંઈક જશે,
લચી તે ન લચી ન કદાપિ થશે.      ૩
કુમળી હતી ત્યારથકી સિંચી એ,
બળવાળી રૂપાળી બની વધશે;
કંઈ નાચતી એ, કુલ તે ખરતાં,
નિજ માળી તણે ચરણે પડતાં.      ૪
ફુલ-ગન્ધ ગ્રહો, ઉરમાળી, હવે,
કંઈ આશિષ દ્યો નિજ બાળ-હિતે;
ઉરવલ્લી વિભુતરું સાથ રમે–

દિન દિન ભીખું[૬] તમ આશિષ એ.       ૫


  1. *આ પદબંધમાં સંબોધનનો અધ્યાહાર છે તેને લીધે સંબોધક અને સંબોધિત સર્વનામના પણ અધ્યાહાર છે. પ્રથમ છંદમાં “દીધું,” “કીધું” અને "કરી" અને ચોથા છંદમાં “સિંચી”: એ સર્વે ક્રિયાપદનો કર્ત્તા "તમે” શબ્દ અધ્યાહૃત છે. “મન,” “ઉરવલ્લી,” અને “દિન” એ શબ્દોનાં પ્હેલાં “મ્હારૂં” "મ્હારી,"" અને “મ્હારા” એ સર્વનામોનો યોગ્યતા પ્રમાણે અધ્યાહાર છે.
  2. સ્નેહ.
  3. દિશા, આશા.
  4. લક્ષ્મી.
  5. હૃદયરૂપ વેલી.
  6. भिक्षां देहि કહી યાચવું–માગવું.