સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાજા, રાજદરબાર અને રાજકારભાર
← દરબારમાં જવાની તૈયારીયો | સરસ્વતીચંદ્ર ભાગ ૧ રાજા, રાજદરબાર અને રાજકારભાર ગોવર્ધનરામ ત્રિપાઠી |
રસ્તામાં → |
- “આ એકપાસ ઉતરે શશી અસ્તમાર્ગે,
- “આ ઉગતા રવિતણા જ કુસુંબી પાદ !
- “સંસાર આ અંહિ દ-શાયુગ-અંતરાળે
- “બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.” -શાકુંતલ.
રાણા ભૂપસિંહનો રાજમહેલ એક મ્હોટા બગીચાની વચ્ચોવચ હતો અને બગીચાની આસપાસ એક કોટ જેવી
ચારે પાસ ફરતી ભીંત હતી. ભીંતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતાં. ભીંતની ઉંચાઈ દશેક હાથ હતી. ભીંત પર ચ્હડાવેલો ચુનો કેટલેક
ઠેકાણે કાળો થઈ ગરતો હતો, કેટલેક ઠેકાણે પોપડા વળ્યા હતા, અને કેટલેક
ઠેકાણે પાલખી બાંધી કડીયાઓ કામ કરતા હતા. બગીચામાંનાં ઉંચા ઝાડોનાં
લીલા પાંદડાનું વન ભીંતોને ખભે ચ્હડી ડોકીયાં કરતું હતું, અને વચ્ચે વચ્ચે
સુકાઈ ગયેલાં ઝાડોનાં લાકડાં તથા પાંદડાં વિનાની ડાળીયો ખખડતી હતી અને
સાથેનાં લીલાં ઝાડનાં પાંદડાંની સાથે અથડાઈ તેમને પણ ખેરવી દેઈ
પોતાના જેવાં કરવા મથતી હતી. કેટલાક ઉંચા આંબાને મથાળે રાતા મ્હોર બેઠેલા જણાતા હતા અને ઉગતા સૂર્યના પ્રકાશમાં ન્હાતાં નાચતા હતા. લીલા વનમાંથી કુલની ધોળી કળી નીકળે તેમ આ ઝાડોની વચ્ચોવચ મ્હેલના ઉપલા માળ
દીસી આવતા હતા. બાગ અને ચારપાસની ભીંતો કરતાં મ્હેલની સંભાળ વધારે
લેવામાં આવતી હતી. મૂળ બે માળનો મ્હેલ હતો તેમાં ભૂપસિંહના વારામાં
બીજા બે માળ વધારવામાં અાવ્યા હતા અને ઝાડો ઉપરથી તે જ દેખાતા
હતા. પડવાની બ્હીક ઓછી કરવાના હેતુથી બીજા માળ કરતાં ત્રીજા
માળને ઘેર ન્હાનો રાખ્યો હતો અને તેના કરતાં ચોથાને ઓછો રાખ્યો
હતો. ચોથે માળે તો એક જ શયનગૃહનો મ્હોટો ખંડ હતો અને તેને બુદ્ધિ-
ધનની કલ્પના પ્રમાણે મુંબાઈનો ઘાટ આપ્યો હતો. એ શયનગૃહને ચારે
પાસ કાચની તકતીઓ ભીંતને ઠેકાણે હતી. દ્હોડ બે હાથેલીથી મ્હોટી
તકતી ક્વચિત જ હતી અને સીસમના ઘરમાં બેસારી હતી. કેટલીક
તક્તીઓ ચોખંડી, કેટલીક લંબગોળ, અને કેટલીક છપાસાંવાળી એમ જુદા
જુદા આકાર હતા.અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને
કેટલીક બારી આગળ એ પડદાઓ ઉઘાડા રાખ્યા હતા. તે કુસુંબાનાં દ્વાર
કોઈ ઠેકાણે ત્રિકોણાકાર, અને કોઈક ઠેકાણે ચતુષ્કોણ હતાં. કેટલેક ઠેકાણે
કાચ રંગીન પણ હતા. એ આયના મ્હેલ ઉપર સૂર્યનાં કિરણ પડતાં તેનું
પ્રતિવચન તીવ્ર થતું અને મ્હેલ બ્હાર–ભીંત બ્હાર-નીચે ઉભેલા જોનારની અાંખ પણ એકદમ તેનું પ્રતિફલ સહી શકતી ન હતી. કન્યાવય ગયા
છતાં પણ ઘાટડી ચણીયો પહેરનારી કાઠીયાવાડની કદાવર સ્ત્રીના જેવો
રાજમ્હેલનો દેખાવ હતો. ફરતી મ્હોટી ભીંત કાળા પટાવાળા ધોળા
ચણીયાના ઘેર જેવી લાગતી હતી. રાતી ભાતવાળી, કરચલીવાળી,
લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ ર્હે તેમ ભીંતના કાંગરાપર
ઝાડો દેખાતાં હતાં, અને તેમના શિખરપર લીલો ગોળાકાર રચતી
શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયેલા સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી.
સઉને માથે માથાની પેઠે મ્હેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ
મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની
સેંથીના આગલા છેડા પર બોર મુકયું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રભાગે
ઉડતો ઉડતો એક પોપટ આવી બેઠો હતો. રંગીન કાચ મ્હોંપરનાં છુંદડાં-
ત્રાજવાં - જેવા લાગતા હતા.
આ મ્હેલની અંદર વસ્તી ગમે તેટલી હો પણ સૂર્યના તાપથી સળગતા જતા આકાશ-ઘુમટ નીચે એકાંતે એકલા ઉભેલા આ મ્હેલ ભણી પાસે પાસે આવતો પુરુષ સંઘ આઘેથી ઉંચું જોઈ ચૈત્રના તેજસ્વી પ્રભાતના તડકામાં ક્લાંત થતો હતો, સઉનાં મ્હોં રાતાચોળ બનતાં હતાં, પરસેવો વળતો હતો, અંગરખાં ભીનાં થતાં હતાં, અને મહેલ પાસે આવતાં – છાંયડો પાસે આવતાં – પગનું જોર વધતું જતું હતું. તડકામાં રમી રમી ખાવાનો વખત થયે – પેટમાં કુકડાં બોલતાં - રમતીયાળ બાળક સઉ સાથ છોડી ઘરભણી વૃત્તિ કરે અને માને સંભારે તેમ નગર છોડી રાજમહેલ ભણી ધસતું મંડળ દ૨બા૨ના અને રાણાના વિચાર કરવા માંડતું હતું અને ખટપટનાં ભુખ્યાં ચિત્ત ફળ ચાખવા તળેઉપર થતાં હતાં. ઘણી ગાડીયો વચ્ચેથી આગળ નીકળી રાજવાહન ધસે એમ દરબારનો દિવસ હોવાથી આવતા નિરપેક્ષી કૌતુકવાન સામાન્ય લોકવર્ગના સંઘમાંથી જુદો પડતો અમલદારોનો ન્હાનો પણ સજડાસજડી થતો સંઘ આગળ નીકળી આવતો હતો અને બીજા લોક તેને માર્ગ આપતા હતા.
આવતા સરઘસને સમાસ આપે એવો મ્હોટો ભીંતનો દરવાજો હતો. દરવાજાને બે મ્હોટાં કમાડ જાડાં અને લોખંડનાં ચાપડાથી નીચેથી તે ઠેઠ ઉપર સુધી ચ્હોડી દીધેલાં હતાં. દરવાજાના માથા ઉપર એક મેડી હતી ત્યાં ટકોરખાનાવાળા બેસતા અને રાતદિવસના પ્રહર, દરબારના અવનવા બનાવો, તથા મહિમાવાળા દિવસો, જુદા જુદા રાગની ગર્જના મચાવી મુકી, નગરસુધી જણવતા. આખી ભીંતની જોડે અંદરથી ફરતો સાંકડો ઓટલો હતો તથા બુરજોમાંથી તોપો ગોઠવાય એવી જગા અને કાણાં હતાં. જુદે જુદે ઠેકાણે આ ઓટલાપર ચ્હડવાના અંદરથી દાદર હતા અને દરવાજા પરની મેડીમાંથી ઓટલા પર જવાનાં બારણાં હતાં, મેડીની નીચે કમાડની પાછળ મ્હોટા એ ઓટલા હતા તે ઉપર રાતદિવસ સીપાઈયો સુતા, બેસતા, ગપાટા મારતા, કટાતી તરવારો ઘસી તાજી રાખતા, બંદુકો ગોઠવી મુકતા, અને ચોકી કરતા. આજ તેઓ હારબંધ ઓટલા નીચે દરવાજામાં ખડા થઈ ગયા હતા અને અમલદારો અંદર જાય તેમ તેમ સલામો કરતા હતા. એક બે સવારો અંદરબ્હાર આવજાવ કરતા હતા અને કંઈ કંઈ સૂચનાઓ કરતા હતા.
દરવાજામાં પેઠા એટલે ચારે પાસે ઝાડી જેવી ઝાડની ઘટા અને વચ્ચે વચ્ચે ખરેલાં પાંદડાંથી ભરેલી પગે ચાલવાની સાંકડી નેળો નજરે પડતી હતી. નેળોની આસપાસ કોસનાં વ્હેતાં નિર્મળ પાણી ભરેલી નીકો હતી, તેમાં ચકલીયો અને ખબુતરો ઠેકાણે ઠેકાણે ચાંચો બોળતાં હતાં, ન્હાતાં હતા અને પાંખો ફફડાવતાં હતાં. કોસનો અભિન્ન અવિચ્છિન્ન ચીકા૨શાબ્દ ઝાડોમાંથી આવતો કાને પડતો હતો; અને નેળોમાં ઉભેલા તથા કરતા કામ કરતા માળીયો અને મજુરોનાં અર્ધાં ઉઘાડાં, તરી આવતી રગોથી ભરપુર, અને બળવાન કાળાં ચળકતાં શરીર આસપાસના બાગથી અસંવાદી ન હતાં. આ સ્થળે ઈશ્વરરચના ઉપર માનવોની કારીગરીએ ડ્હાપણ ડાહ્યલાપણું ઘણું ઓછું કર્યું છે અને જુના વખતના સંસ્કારોને સ્મરણમાં રાખવાનો પ્રયત્ન અત્રે ઘસાયો નથીઃ આવા આવા વિચારો મુંબાઈમાં ઉછરેલા મુંબાઈના કૃત્રિમ બાગબગીચાના અનુભવી નવીનચંદ્રને દરવાજામાં પેસતાં થયા. પ્રાચીન પુસ્તકોમાં લખેલા ચીતાર નાટકરૂપે તેની આંખ આગળ ખડા થતા જણાયા. તેના મન ઉપર ગંભીરતાનું પ્રતિબિંબ પડ્યું. ચોપાસ; જામફળ, દાડમ, સીતાફળ, રામફળ એવાં એવાં ફળનાં ન્હાનાં મ્હોટાં ઝાડ હતાં. કંઈ કંઈ ઠેકાણે જુદા જુદા રંગનાં ફળ લચી રહ્યાં હતાં. જુદા જુદા રંગનાં અને જુદી જુદી વાસનાવાળાં ફુલ ઘણે ઠેકાણે અાંખ અને નાકને ઈશ્વરપ્રસાદીથી તૃપ્ત કરતાં. કોઈ કોઈ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી, અને ખબુતર ઉડતાં, ફળ ખાતાં અને વેરતાં, અને પાંખના ફફડાટથી તથા તીવ્ર શબ્દથી સાંભળનારનો કાન ભરી મુકતાં. માત્ર આંખને જ ઠારનારી શોભાથી ભરેલા મુંબાઈના બાગની નવીનચંદ્રને દયા આવી. તેનું ગંભીર થયેલું અંતઃકરણ દ્રવવા લાગ્યું. ઉચાં એકાંત ઝાડ, ઉંચે એકલો રહેલ, સર્વને ઢાંકતું તપતું ત્રાંબા-પીત્તળ જેવું થતું આકાશ, અને સર્વેની વચ્ચે ક્ષુદ્ર જંતુ જેવો ડુબેલો પોતે એ જોઈ નવીનચંદ્રનું મન દીનવૃત્તિ અનુભવવા લાગ્યું. દુષ્યન્તે તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સમળીની ઉંડી લાંબી ચીસ સાંભળી કાઉપુરે કરેલું વર્ણન સ્મરણમાં આવ્યું. પોતાની સાથનાં ધીમે ધીમે શાંત દેખાતાં ચાલતાં મનુષ્યો પણ આ જડસૃષ્ટિમાં ભળતાં જણાયાં. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબાઈમાં ર્હેલાં માતાપિતા નવીનચંદ્રના મન અાગળ અાવતાં, કોઈ સાંભળે નહીં એમ મનમાં મ્હોટે સાદે, ગાવા લાગ્યો.
- “ઘર તજી ભમું હું દૂર સ્વજન – હીન, ઉર ભરાઈ આવે,
- “નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે !
- “ ધીમી ધીમી શેલ્ટ વહી જતી, ભટકતી વળી પો નદી છન્દે.
- “ભમી ભમી મુક્યા નિ:શ્વાસ ત્યાં જ મન મન્દે.
- "જઉ ત્યાં, હું આવું વળી અંહી, જઉં ક્યાં ક્યાંક, કંઈ કંઈ જોવા;
- “મ્હારી ઠરે ન કંઈ પણ અાંખ, માંડતી રોવા.
- “ડસડસી નિરંતર રહ્યું, ભાઈ મુજ ઉર ભમતું ત્હારામાં,
- “બધું જોઈ જોઈ રહી રોઈ જાય વહાલામાં !
- “તે રહે તુંમાં દિનરાત્ર, રહે તુજ સાથ સદા સંધાઈ,
- “દૂર જતું જાય તે તેમ પ્રીતિની દેારી જાય લંબાતી !
- “મ્હારા મિત્ર !
- “મ્હારી ૨મતગમતના મિત્ર ! પુરાણ શી પ્રીત ! સદા સુખી ર્હેજે !
- “તુજ ઘરની ચોકી પ્રતિપાળ કરો સ્થળીદેવ હોય જે જે તે.* [૧]
“ આહા ! કુમુદસુંદરી ! દૂર કરી પાસે આવી. શું ત્હારી સંભાળ લેવાનો વખત મ્હારે આવશે ? ઘર ! મિત્રતા ! સ્નેહ ! શું તમે ભુલાઓ એવી વસ્તુઓ નથી ? સુંદરતા ! પવિત્ર મનની સુંદરતા ! સરસ્વતીભરી સુંદરતા ! શું ત્હારો મોહ અનિવાર્ય છે ? ના, ના. ”
અચિન્તી ટકોરખાનાએ ગર્જના કરી. કાન ચમક્યા. ઉચું જોયું. મ્હેલ પર ધજા ચ્હડી અભિમાનભરી ફરકતી જણાઈ. જનસમૂહ સચેતન થતો લાગ્યો. પોતાની દુનિયા મુકી આંખકાનની દુનિયામાં મન સરી ગયું. દરબારીયો વચ્ચે બુદ્ધિધન જોડે પોતે ચાલે છે એ ભાન પરદેશી પ્રવાસીને થયું. સુવર્ણપુરના રાજ-ઉદ્યાનના એક ભાગમાં એક જણના પણ મનમાં આવી જાતના વિચારો સૃષ્ટિની ઉત્પત્તિ પછી આજ પ્હેલવ્હેલા જ થયા હશે, થયા તે કોઈએ જાણ્યાએ નહી, એ જાણવાની યોગ્યતા કોઈનામાં હતીએ નહી, એ વિચાર ઉત્પન્ન થતાં જ તરત ત્યાંના ત્યાં જ શાંત થયાઃ અા પરિણામ સુવર્ણપુરના સંસારને ઉચિત જ થયું.
દરવાજાથી આગળ એ પાસનાં ઝાડો વચ્ચે થઈને એક રસ્તો હતો તેપર ચાલતાં ગોળાકાર ઝાડનું ઝુંડ આવ્યું. તેમાંના વચાળામાંથી જતાં વિશાળ રાજમ્હેલ આવ્યો અને આકાશનું દર્શન બંધ થયું. રાજમ્હેલ પૂર્વાભિમુખ હતો પણ બીજી બાજુઓ બારણાં વિનાની ન હતી. પૂર્વાભિમુખ દ્વાર અાગળ વિજયસેન અને તેના ઉઘાડી તરવારવાળા હારબંધ સ્વારોની એક પાસ એક વૃદ્ધ પણ બળવાન હાથી ઝુલતો હતો. તેનું ભવ્ય મસ્તક ધીરે ધીરે આમ તેમ ફરતું હતું અને સર્વ આવનાર પર એની ગંભીર દૃષ્ટિ જિજ્ઞાસાથી– કૌતુકથી–પડતી હતી અને વચગાળે ઘંટારવ થતો હતો. અા મહાન્ પ્રાણીને જોવાના પરિચયવાળા ઘોડા ચમકતા ન હતા, પણ ઘંટારવ થતાં કાન ઉંચા કરતા અને તોફાન તથા ખોંખારા મુકી દઈ પ્રતાપી હાથી અાગળ શાંત થઈ ઉભા હતા. રાજમ્હેલ સામે ઉભેલા અા, બુદ્ધિવાળી ચેષ્ટાથી અને મનભર પ્રચંડ આકારથી સર્વને ગંભીર કરી નાંખનાર, પ્રાણીને જોઈ સર્વ મંડળ તેને માન આપી સંકોચાઈ મ્હેલમાં જતાં હતાં. ભૂપસિંહ તેપર બેસી થોડી વાર પર જ અાવ્યો હતો. “માતંગરાજ” હાથીપર ઘણ રાણાઓએ સ્વારી કરી હતી અને કારભારીયોને તે ઓળખતો હતો. શઠરાયને અને બુદ્ધિધનને જોઈ તેણે વિભૂતિવાળી શુંડ ઉચી કરી અને મસ્તક કંપાવ્યું. શઠરાય તે જેઈ
- ↑ *ગોલ્ડસ્મિથ્
મ્હાવત સાથે મીઠાશથી વાત કરી હાથીની ખબર પુછી પાછો વળ્યો. અને માતંગરાજ તેની પાછળ જેઈ રહ્યો. નવીનચંદ્ર આ સર્વ જોઈ વિસ્મય પામ્યો અને તર્ક વિતર્ક કરતો કરતો સઉની સાથે મ્હેલમાં પેઠો. મ્હેલમાં પહેલે માળે દરબાર ભરાવાનો હતો. પીત્તળના કઠેરાવાળા પ્હોળા દાદર પર ઉંચી ભરતવાળી શેતરંજી જડી દીધી હતી. હેઠે જોડાનો ઢગલો કરી સઉ મંડળ ઉપર ચ્હડયું. અને દ૨બા૨ના દીવાનખાનામાં ગયું. દ્હોડ બે હજાર માણસ માય એવડું મ્હોટું દીવાનખાનું હતું. ઉંચો ઉનનો ગલીચો આખા દીવાનખાનામાં પાથરેલો હતો અને સામીપાસ રાણાનું સોનારુપાએ જડેલું ખુરશીના અાકારનું સિંહાસન હતું. તેને હાથાને ઠેકાણે સિંહ હતા. તેના ઉપર સોનેરી ભરતવાળા રેશમનાં ગાદી તકીયો હતાં. સિંહાસન નીચેથી તે લગભગ અર્ધા દીવાનખાનામાં ઉંચા સોનેરી ભરતવાળો ગલીચો પાથરી દીધો હતો. વિવિધરંગી મ્હોટી બારીયોમાંથી સૂર્યના પ્રકાશનો પ્રવાહ આવતો. તે તેમનાં પીત્તળની જાળીવાળાં ચકચકીત કમાડમાંથી પ્રતિફલિત થઈ આખા દીવાનખાનામાં તેજનો અંબાર ભરતો. બારીયોની સામી પાસ ભીંતે એવા જ રંગ અને આકારની કુત્રિમ બારીયો રાખી હતી. અથવા એવો જ આભાસ આપનાર મ્હોટાં તાકાં-કબાટ–હતાં. ખોટી ખરી બારીયોના ગાળાઓમાં સામાસામી મ્હોટાં નિર્મળ કાચવાળા તકતાઓ ટેબલ જેવી બેસણી પર મુક્યા હતા અને તેમની અાગળ ૨મકડાં, ચીનાઈ વાસણો, અને એવા એવા પદાર્થો મુકેલા હતા. ભીંત પર પણ આસમાની રંગ હતો અને નાટકના પડદા પેઠે તે ચીતરી ક્હાડી હતી. છતપર રાતો ચળકતો રંગ, બીલોરી ઝુમરો, હાંડીયો, કાચના ગોળા અને એવા એવા શણગાર હતા. છતની રંગીન કીનારીની અાસપાસ ભીંતપર કીનખાબની ઝુલ કરચલી પાડેલી હતી. નીચે ઉંચે અને આસપાસ જોતાં દીવાનખાનું એક વિશાળ પલંગ જેવું લાગતું હતું. એ પલંગ પર પડતાં માનવીનું મન અંજાઈ જઈ મોહનિદ્રા પામતું, રાજવૈભવનું સ્વપ્ન જોઈ ઘડી વાર પોતાની ખરી સ્થિતિ ભુલી જતું, અને અધિકારેષણા સાથે વધારે વધારે ગાઢ બાથ ભીડતું.
કારભારીયો અને અમલદારો આ દીવાનખાનામાં એકઠા થતાં અહીંયાં ત્યાં ફરવા લાગ્યા, કોઈ બારીયે ઉભા રહ્યા, કોઈ આયનામાં જોવા લાગ્યા, કોઈ ઉંચે નજર કરવા લાગ્યા, કોઈ વાતોમાં ભળવા લાગ્યા, કોઈ દરબારની તૈયારીના કામમાં ગુંથાતા આમતેમ ઉતાવળથી હેરફેર કરવા લાગ્યા, કોઈ ઉભા, કોઈ બેઠા, કોઈ વાટ જુવે છે, કોઈ વિચાર કરે છે, કોઈ જોઈ ર્હે છે, કોઈ કાન માંડે છે, કોઈ શુન્ય મનવાળા બની આરામ ભોગવે છે, કોઈ નવાજુની પુછે છે, કોઈ ગપાટા મારે છે, કોઈ ખરા સમાચાર કહે છે, કોઈ કોઈના કાનમાં આજનું ભવિષ્ય વર્તે છે, કોઈ બનનાર બનાવ પર પોતાના ભાગ્યનો આધાર વિચારે છે, કોઈ ઉત્સાહમાં છે, કોઈ ચિંતામાં છે, કોઈ નિરાશ છે, કોઈ પોતાની વૃત્તિ સંતાડે છે, કોઈ પારકાની વૃત્તિ જાણી લેવા પ્રયત્ન કરે છે, કોઈ શત્રુતા સંતાડી જીભ ઉપર મિત્રતાના ઉભારો આણે છે, કોઈક તે સમજે છે, કોઈક તેથી ભોળવાય છે, કોઈક સામા સાથે સામા જેવા બને છે, કોઈક સ્પષ્ટવક્તા થઈ હાસ્ય પામે છે, કોઈક વેરની અાંટી વાળે છે, અને અનેક આદર્શોમાં, કાચના ગોળામાં, બીલોરમાં, ચળકતા પીત્તળમાં, અને એમ જ અનેક સાંભળનાર, જોનાર, અને વિચારનારના કાનમાં, કીકીમાં, મનમાં અને બોલમાં સર્વનાં પ્રતિબિમ્બ ઓછાંવત્તાં, ન્હાનાંમ્હોટાં, ઝાંખાં અથવા સ્પષ્ટ, જુદે જુદે રૂપેરંગે, અને જુદી જુદી સ્થિરતાથી પડે છે. તે સર્વને આભાસ બુદ્ધિધનની અાંગળીયે વળગી ફરનાર અને તેથી સર્વેની દૃષ્ટિ ખેંચનાર નવા નવીનચંદ્રના અંતઃકરણમાં સ્કુરવા લાગ્યો – ચમકારા કરવા લાગ્યો. વીલાયતી માલનું મહાપ્રદર્શન જોતો હોય, બોલતાં ચાલતાં પુતળાં જોતો હોય, અજાણી ભાષા બોલનાર લોકના બજારમાં ફરતો હોય, સંસારજાળના સમૂહ વચ્ચે સંન્યાસ લેઈ ઉભો હોય, –તેમ આ સર્વ મંડળ વચ્ચે ઉભેલો તથાપિ પોતાને એકલો ધારતો નવીનચંદ્ર, આ સર્વ ઇંદ્રજાળ ઉપર ધીર દ્રષ્ટિ નાંખતો, સૌતુક ધરતો અને અવલોકન કર્મ કરતો, કંઈ કંઈ વિષયનાં મનમાં પૃથક્કરણ કરવા લાગ્યો – અને ઘડી એ ક્રિયામાંથી વિરામ લેતાં સૂર્યકિરણના પૃથક્કરણનું રસાધનભૂત થતા વિચિત્ર રમણીય રંગોથી ભરાતા માથા ઉપરના બીલોર સાથે પોતાને સરખાવવા લાગ્યો અને મનમાં હસ્યો.
આ અંતઃક્રિયા થતી હતી એટલામાં ઉનના ગલીચા ઉપર પ્રજાવર્ગના લોક આવી ભરાઈ ગયા અને ગરબડાટ મચાવતા ધક્કામુકકી કરતા બેસવા લાગ્યા; કેટલાક તો ગામડીયા વર્ગ પેઠે ચારેપાસ જેવા લાગ્યા, કેટલાક ભારેખમ થઈ અાઘા ઉભા રહ્યા, કેટલાક રાજદરબારમાં હક ધરાવતા હોય તેમ સઉથી અાગળ અાવી ઉભા, કેટલાક અમલદારોને સલામ કરવા લાગ્યા, કેટલાક પોતાની વગના અમલદારો ભણી અાંગળી કરી પોતાના સ્નેહીયોને અાનંદભેર બતાવવા લાગ્યા, અમલદારો પોતાની સલામ ઝીલે એટલે પોતાનું મહત્વ વધ્યું માની કેટલાક મનમાં ફુલવા લાગ્યા, અને રાજસત્તાએ જેને નમસ્કાર કરવા જોઈએ – જેને પૂજનીય ગણવી જોઈએ એવી - રાજા અને કારભારીયોની કામધેનુ – પ્રજા શ્રુદ્ર અધિકાર આગળ પોતાનું ગૌરવ ભુલી જઈ દીનતા ધરતી ઉત્સાહ માનવા લાગી. તેમના ઉત્સાહ ઉપર નવીનચંદ્રની આંખ ઠરી. આંખ જરી ફરી તો એક બારી આગળ ઘણા ગાઢ મિત્રો હોય એમ શઠરાય અને બુદ્ધિધનને એકબીજા સાથે હસતા અને દેખાઈ આવતા રસભેર રાજ્યકાર્યની વાતો કરતા જોઈ એ અદ્ભુત આશ્ચર્ય પામ્યો.
એવામાં અચિંતી દૂરના ખંડમાંથી ધીરગંભીર ગર્જના થઈઃ “નીઘા રખો મ્હેરબાન !” મેઘનાદથી મોરનું ટોળું ચમકે તેમ સર્વ એકદમ ચમક્યા અને ઝટોઝટ પોતાનાં ઠેકાણાં ખોળવા લાગ્યા. સિંહાસનની જમણી પાસ શઠરાય બેઠો. જોડે કરવતરાય, દુષ્ટરાય, અને પછી બીજા કારભારીયો અને અધિકારીયો ક્રમ પ્રમાણે ગોઠવાઈ ગયા અને વચ્ચે કોઈ કોઈએ ક્રમવિરુદ્ધ પણ જગા લેઈ લીધી અને બીજા ચેંપેં કરતા રહ્યા. સિંહાસનની ડાબી બાજુએ બુદ્ધિધન બેઠો અને જોડે પ્રમાદધન બેઠો. નવીનચંદ્ર તેની પાછળ બેઠો. સમર સેન કેડે તરવાર બાંધી સિંહાસન પાછળ ડાબીપાસ એક ખુણામાં મુછે હાથ ફેરવતો ઉભો. બુદ્ધિધન સાથે આવેલાં બીજાં માણસો – શાળાના માસ્તર વગેરે – જેની સાથે ફાવ્યું તેની સાથે ગોઠવાઈ ગયા. અમાત્ય અને તેના પુત્રના પછી કાંઈક માર્ગ મુકી રાણાના ભાયાતો દાઢી મુછનું આડંબર જુદી જુદી રીતે ધારી સુનેરી વળ અને પેચવાળાં પાઘડાં ઘાલી કેડે કટારો અને જમિયા ભરી બેઠા અને નવા નવા આવતા જાય તેમ તેમ ખસતા જાય અને માર્ગ આપતા જાય. એવામાં અંધકાર ! જેવા પાછળ આવતા તબલચી વગેરે મંડળને અગ્રભાગે ઝુલતી ઝુલતી, પશ્ચિમમુખે ઉભેલા વાદળાના લીસોટા જેવા ઓઠને મ્હોમાં સારી પેઠે ભરેલા પાનના બીડાના રસથી રાતાચોળ કરતી, ઉજાસવાળી સંધ્યા (સંધ્યા- કાળ) જેવી કલાવતી ઠુમકા કરતી કરતી આવી અને દીવાનખાનાની દુનિયાના મધ્યભાગમાં સપરિવાર બેઠી. નિદ્રા સમીપ આવતી હોય તેમ સર્વની અાંખે ઘૂર્ણાયમાન થવા માંડી. સુવાનો સમય આવ્યો હોય અને વિષયવાસના ચારે પાસ પ્રબળ બનતી ઉડતી હોય તેમ સર્વેનાં ચિત્ત નિર્લજજ થવા લાગ્યાં. સર્વની વચ્ચે ખાલી ર્હેલી જગા પથારી જેવી હોય અને તેમાં બેઠેલી કલાવતી સજિજત નાયિકા જ હોય તેમ તેના ઉપર સર્વ પુરૂષવર્ગની અાંખ જવા લાગી – ગઈ .
આવે વખતે માત્ર બે ત્રણ જણની આંખો જુદું કામ કરતી હતી: સર્વની અાંખોનો વ્યવહાર જોવામાં નવીનચંદ્રની અાંખ ગુંથાઈ બુદ્ધિધનની પાછળ ભરાઈ સિંહાસનની ઓથે ૨હી જયમલ કાંઈક વાતો કરવા લાગ્યો અને મ્હોં પાછું ફેરવી બુદ્ધિધને કાન માંડ્યા. શઠરાયની પાછળ બેઠેલા નરભેરામની આંખ આ દેખાવ એક ટશે જોઈ રહી. “દુષ્ટરાય કલાવતીના ખંડમાં કાંઈક તપાસ કરવા પેઠો હતો.” શ્વાસ ન માતાં જયમલશંકરે અમાત્યના કાનમાં કહ્યું.
“શું કરવા?” આતુરતા સંતાડી અમાત્યે પુછયું.
“તે તો કોણ જાણે, પણ અંદર કાંઈક અડપલું કરતો હતો.”
“ક્યાં મ્હેલ વચ્ચોવચ ?” અજાણ્યે બની અમાત્ય આભો બનેલો દેખાઈ બોલ્યો.
“ હા. હા. હું ને નરભેરામભાઈ તે વખત રાણાજી પાસે ઉભા હતા ને નરભેરામભાઈ આજનું ઈંગ્રેજી વર્તમાનપત્ર રાણાજીને વાંચી સંભળાવતા હતા. એટલામાં આ નવાં ઈંગ્રેજી 'ફાશન'નાં પટપટીયાં હવણાં કરાવ્યાં છે તેમાં એમની નજર પડી એટલે વાંચવું છોડી જરીક બાડી આખે જેવા લાગ્યા."
"એટલે ?"
“રાણાજીએ પુછયું કે કેમ બંધ પડ્યા ? શું જુવો છો ?” નરભેરામભાઈ એ 'કંઈ નહી' કહી વાત ઉડાવવા માંડી પણ રાણાજીએ આગ્રહ કર્યો અને પટપટીયાંમાંથી જોયું અને મીજાજ ગયો.”
બુદ્ધિધનના અંતઃકરણમાં અમૃત રેડાયું પણ બ્હારથી જણાવ્યું નહી: “રાણાજી કાંઈ બોલ્યા ?”
“તરવારપર હાથ મુકી ઓઠ પીસી બારણું ઉઘાડવા દેાડ્યા અને આંંખો રાતી ચોળ કરી દીધી.”
"હેં !”
“પછી તો નરભેરામભાઈએ પાસે જઈ રાણાજીને હાથ ઝાલ્યો અને મને ક્હાડી મુકી કાનમાં કાંઈક ક્હેતા હતા ને હું બહાર આવ્યો.”
વિચારમાં પડી બુદ્ધિધને જયમલને “ઠીક, બેસો” કહ્યું. થોડીવારે પાછો બોલાવ્યો અને કાનમાં કહ્યું.
“જયમલ, ઉપલે માળે જઈ બારીયે ઉભા ર્હો અને લીલાપુરને રસ્તેથી ઘોડાગાડી આવતી દેખો એટલે પાછા આવી મને ક્હેજો. કોઈને ખબર પાડવાની જરુર નથી.”
“બહુ સારું ” કરી જુવાન સઉની પાછળ થઈ છજામાં ચાલ્યો ગયો. નરભેરામને કાંઈ સમજણ ન પડી – માત્ર જતાની પુંઠ પર નજર નાંખી તે અદ્રશ્ય થતા અમાત્ય સામી ફેરવી કલાવતીને અને તેની આસપાસ પાંખો પેઠે બીજી બે ગણિકાઓ આવી બેઠી હતી તેને બધાની પેઠે જોવાં લાગ્યો અને સઉમાં સુંદર કોણ છે તે વિષે શઠરાય અને ક૨વતરાય સાથે ચર્ચામાં પડ્યો.
એટલામાં સિંહાસન પાછળનું દ્વાર ઉઘડ્યું અને “નીઘા ૨ખો મહારાણા-મહારાજાધિરાજ-નીઘા ૨ખો”ની ગર્જનાએ સઉના કાન પર છાપો માર્યો અને કલાવતીને જોવી મુકી દઈ રાણા ભાણી જોતું જોતું સર્વ મંડળ એકદમ વાના ઝપાટા પેઠે ઉભું થયું – આખું દીવાનખાનું જ ઉભું થયું, ઉપર ને આસપાસના કાચમાં અને અંતઃકરણમાં સર્વ ઉભા જ થયા. અને એકદમ બે હજાર માણસ નીચા પડી સલામો કરવા મંડી ગયા. સલામોને વર્ષાદ વર્ષવા લાગ્યો. અગણિત કપાળ ક્ષેત્રો પર તીડની પેઠે હાથ ઉભરાવા લાગ્યા – ઉંચા નીચા થવા લાગયા.
જરીયાનનાં વસ્ત્રો અને હીરામોતીનાં આભૂષણ પ્હેરેલાં, હીરે જડેલી સોનાની મુઠવાળી તરવાર કેડે રાખેલી, કસબી લપેટાવાળા માથાના મંડીલપર હીરાનો મુકુટ ધરેલો, એવો રાણો, દેખાતા પ્રસન્ન મુખથી, દબદબા સાથે, છાતી ક્હાડી, અાવ્યો અને શઠરાય ભણી જોઈ હસી સિંહાસન પર બીરાજ્યો. સર્વ મંડળ પણ બેસી ગયું. સિંહાસન પાછળનો ભાગ છડીદારોથી ઉભરાવા લાગ્યો. એ પાસ સોનેરી ચામર ઢોળાવા લાગ્યાં. એક પાસ વિજયસેન રાણાના શારીરરક્ષકને સ્થળે ઉઘાડી તરવારે ઉભો. દરબાર સમયે આમ ર્હેવાનો સુવર્ણપુરના રાજમ્હેલનો વહીવટ હતો. બીજી પાસ રણજીત સોનેરી છડી લેઈ ઉભો. અાગળ એક પાસ ઉભો ૨હી એક મ્હોટો પંખો એકજણ ઉરાડવા લાગ્યો. ગુલાબ વગેરે ફુલના મ્હોટા મ્હોટા ગોટા, અત્તરદાનીયો, ગુલાબદાનીયો, સોનારૂપાના વરગવાળાં પાનનાં બીડાં, ઇત્યાદિથી ભરેલા મ્હોટા રુપેરી થાળો વચ્ચોવચ મુકવામાં . આવ્યા. રાણાના શરીર પરના અત્તરાઅદિ સુગંધી પદાર્થો મગમગાટ થવા લાગ્યા. સર્વનાં નેત્ર અને નાક તૃપ્તિ ભોગવવા લાગ્યાં. કાનને તૃપ્ત કરવા પ્રથમ સારંગીયે અને પછી કલાવતીના મધુર ઝીણા કંઠે આરંભ કર્યો.
“ આ આ... ... ... ... ... ... ..."
અને મૃદંગ, સારંગી, અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો. વસંત ઉતર્યા જેવો હતો તે પણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્વિભાષિક હોરીયો પણ ગાઈ અને અને
- “મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
- “ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને !
એ હોરી ગવાતાં સર્વ સભાનાં અંતઃકરણ આનંદમાં લીન થયાં. ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણનાં ચિત્ત ચમકતાં હતાં અને દ્રવતાં હતાં. સારંગીનો સંવાદ કરતો ગાનનો સ્વર આખા સભાલયમાં – આખી સભાના અંતઃકરણમાં – લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વનાં ચિત્ત ભેદાયાં. સર્વ સમાધિસ્થ થયા. છેલ્લું ચરણ આવ્યું.
- "જુલમ કરે તેને કોઈ ન પુછે,
- "ન્યાય નહી એ નગર મેં ! – ધોળે દ્હાડે ૦ [૧]
એ સ્વર કલાવતીના મુખમાંથી બ્હાર ભાગ્યે નીકળ્યા હશે એટલામાં જયમલ પાછો આવ્યો, બુદ્ધિધનના કાનમાં વાત કરી અને બે મીનીટમાં ઘોડાગાડીના પડઘા સંભળાયા. સર્વની સમાધિ ભાંગી ન ભાંગી થઈ એટલામાં ૨સલસાહેબનો શીરસ્તેદાર રામચંદ્રરાવ સીપાઈ સાથે અંદર દાખલ થયો, ગાન જરીક અટકયું, રામભાઉને સારુ રસ્તો થયો, બુદ્ધિધન સામો લેવા ગયો, શઠરાયે ઉઠી હાથ મેળવ્યા, રાણાએ બેઠાં બેઠાં સલામ સ્વીકારી અને રાણા અને અમાત્યની વચ્ચે રામભાઉ બેઠા.
ઉશ્કેરાયલા જેવો રાણો મુછો મરડતો મનમાં મનન કરતો હતોઃ અકવીય અનુકરણ કરતો હતો.
- “તું તો મત રહો મેરા નગરમેં.
- “ધોળે દ્હાડે, ઓ રંડી, ઠગે છે તું અમને.”
તે મનમાં રામભાઉ આવ્યાથી વિક્ષેપ પડ્યો. રાણાએ સાહેબની પ્રકૃતિના સમાચાર પુછ્યા. શઠરાચે આગમન પ્રયોજન પુછ્યું. રામભાઉએ કહ્યું: “દરબાર પુરો થયા પછી કહીશ, એટલી ઉતાવળ જેવું નથી.” આ વાતો થાય છે તેનો લાભ લેઈ કલાવતી ઉઠી. બેઠી બેઠી ગાયન કરતી હતી તે વેશ બદલવા ગઈ. એટલામાં એક સીપાઈ આવ્યો અને રણજીતના કાનમાં કાંઈ વાત કહી. રણજીત દુષ્ટરાયને ખુણે બોલાવી કહેવા લાગ્યોઃ “ભાઈસાહેબ, માફ કરજો. હું તો નીમકહલાલ છું કે હરામ છું તે મ્હારો ઈશ્વર જાણે છે. પણ અપનો મેરુલો કેવો છે ? તે જાણો છો ?”
“ત્હારા કરતાં બહુ સારો છે.”
“તો, ભાઈસાહેબ, આવો લાગ નહીં મળે. આપને અહીં રોકાયા જાણી ઘરમાં–”
- ↑ આ હોરી અર્ધી ગુજરાતી અને અર્ધી હિંદુસ્તાની છે. દ્વિભાષિકતા લાડમાં તણાયાનું ચિહ્ન હશે.
"સાળાં, લુચ્ચા ! જીભ કાપી નાંખીશ.” ભરદરબાર ન હત તો દુષ્ટરાય હાથ ઉગામત.
“ ભાઈસાહેબ, અધઘડીનું કામ છે. ઘેર છાનામાના પધારો અને આંંખવડે ખાતરી કરો. હું જુઠું બોલતો હોઉં તો તમારી તરવાર ને મ્હારું માથું” કહી એક આંખે જોનાર તાકીને જોઈ રહ્યો. દુષ્ટરાય પાછો પોતાને ઠેકાણે ગયો પણ જીવ સ્થિર ન રહ્યો. ધુંવાપુંવા થયો. સંશયમાં હોવું એ માણસને મહાવસમું લાગે છે. બ્હાનું ક્હાડી ઘેર જઈ તપાસ કરી જોવી એ તો નક્કી થયું. પણ આજ દરબારમાં હતું એનાથી કાંઈ પણ કામ વધારે જરુરનું નહી ગણાય. ઘરમાં કોઈ અચિંત્યુ માંદું થયું છે તે જઈ બંદાબસ્ત કરી તરત પાછો આવું છું એવું કહી પિતાની રજા લઈ ઉઠ્યો અને ગભરાયેલો ગભરાયલો ઘેર ગયો. ગભરાટમાં કોઈ સીપાઈને સાથે લેવાનું ભુલી ગયો. સીપાઈઓનાં મન દરબારના જોયામણામાં હતાં તેમણે એને જતો દીઠો નહી એટલે એની સાથે જવાનું કોઈએ કહ્યું નહી. એકલો એકલો ગયો.
કલાવતી અંદર ગઈ એટલા વખતમાં બીજી નાયકાઓ ગાતી હતી. કોઈ કોઈ સ્થળે તેમનું ગાન કલાવતી કરતાં ચ્હડતું હતું પણ હજુરીયોએ દ૨બા૨ની માનીતીનું જ ગાન વખાણ્યું. ટપ્પા, ઠુમરી, અને એવા એવા ગાનથી થોડો વખત પ્રજાવર્ગને ૨મણીય થઈ પડ્યો. અને દરબારીયોએ જાણી જોઈ તે પર ધ્યાન ન આપ્યું અને ગરબડાટ મચાવી મુક્યો. મનમાં ખીજવાતી પણ નિરુપાય ગાનારીયો તે સર્વ મનમાં સહન કરી પોતાને પ્રયત્ન વધારતી હતી કે કંઈ કરતાં પણ કોઈ વખતે પણ પોતાની અસર એની મેળે રાણા પર થાય.
બુદ્ધિધને હળવે રહી રામભાઉ પાસેથી સાહેબનો કાગળ માગી લીધો અને વાંચ્યો. શઠરાયે માગ્યો. બુદ્ધિધને રામભાઉને આપ્યો અને કહ્યું કે લાંબે હાથે પહોંચાડો. રાણાએ વચમાંથી માગ્યો, 'લીધો, વાંચ્યો અને શઠરાયને આપ્યો. જોડે બેઠેલા ક૨વતરાયે વાંકાં વળી વાંચ્યો, કરવત૨ાયના જુલમનો ભોગ થઈ પડેલો વાણીયો છુટો છે કે કેદમાં છે, તેના ઘરની શી અવસ્થા છે વગેરે બાબતો જાતે પ્રત્યક્ષ કરવા રામભાઉને મોકલ્યા છે તેને એ કાર્યમાં સઉ વાતની અનુકૂળતા કરી આપવી એવો રાણા પર કાગળ હતો. વાંચી સઉની ગુપચુપ વાતો થવા માંડી. વળી વળી એક બીજાના કાન સઉએ કરડવા માંડ્યા. શઠરાયે કાગળ રામભાઉને પાછો આપ્યો; દુષ્ટરાયને શોધ્યો પણ પાછો આવ્યો ન હતો; નરભેરામ પાછળ બેઠો બેઠો ખાનગી થઈ વાતો કરતો હતો. શઠરાયના પેટમાં તેલ રેડાયું તે એ કળી ગયો. અમાત્ય ને નરભેરામની નેત્રપલ્લવી થઈ. શઠરાયે ચારેપાસ ઉંચું નીચું જોવા માંડ્યું. મનનું ધાર્યું કામ કરવતરાયને સોંપાય પણ એ જ ત્હોમતનું પાત્ર એટલે તેમ થાય એમ ન હતું. આખરે નરભો જ જડ્યો. તેને કાનમાં કહ્યું –“ દરબાર થઈ રહે એટલે રાજબાની વાત ઉપાડવી છે તેમાં આ વિવાદ આવ્યું તે દૂર કરવાનું છે. તમે ઉઠો. જઈને જેલર પર ચીઠ્ઠી લખો કે એકદમ વાણીયાને છોડી એને ઘેર રવાને કરે અને પઈસા બઈસા આપી સામદામ કરી ચટણાપાસે જોઈતા જવાબ આપે એવો બંદોબસ્ત કરાવી પાછા આવો એટલે દરબાર પુરો થઈ હશે ને ચટણો ખાતરી કરી લેશે.”
“ચીઠ્ઠી કોની સાથે મોકલું ? જયમલ કરશે એ કામ ?”
“હા.–મોકલો એને. એ આપણું જ માણસ છે. તમે પણ તમારે જવાને ઠેકાણે જજો.” નરભેરામ ચાલ્યો. રામભાઉ ખટપટ ચેતી ગયો. બુદ્ધિધને લીલાપુરમાં નોકરી કરી ત્યાં સુધી એ રામભાઉ એના હાથ નીચે હતો અને એને તથા સદાશિવ પંતને સંબંધ સારો જાણી પોતે પણ એનાપર પ્રીતિ રાખતો. બુદ્ધિધન લીલાપુરથી નીકળ્યો ત્યારે શીરસ્તેદારની જગા સારુ એ ત્રણ ઉમેદવાર હતા પણ જય રામભાઉને જ મળે એમ હતું એટલે બુદ્ધિધને એની ભલામણ કરી. શઠરાય બીજા ઉમેદવાર તરફ હતો અને રામભાઉ હલકી અવસ્થામાં હતો તે વખતે શઠરાયે એની આફીસના માણસોને સત્કા૨ ક૨તાં પંક્તિભેદ કરેલો અને તેમાંથી એને હાડોહાડ ચ્હડી ગયેલી. આથી શઠરાયના પઈસા ખાતાં છતાં પણ વખત આવ્યે જોઈ લેવા એની વૃત્તિ હતી. શઠરાય પઈસા આપતો તે છતાં કાંઈ ઉપકાર ન રાખતાં રામભાઉ એમ ગણતો કે એ તો બુદ્ધિધન કા૨ભારી થશે તો એ પણ આપશે ને ક્યાં મ્હારી ગરજે આપે છે જે ? બુદ્ધિધન રામભાઉને સારી પેઠે ઓળખતો હતો અને પોતે ગરજ બતાવ્યા વિના એને કેમ ગરજાળ કરવો તે સમજતો હતો. રસલસાહેબ સાથે પોતે કરેલા ઓળખાણથી શીરરસ્તેદારના મન ઉપર સત્તા ભોગવતો અને નિ:સ્વાર્થ દેખાઈ તેને સાહેબ પાસે લાભ કરાવી આપવા તત્પર હતો તેથી બે જણની ઠીક ગાંઠ પડી હતી. દક્ષિણી બ્રાહ્મણ ઘણો ચકોર હતો અને નરભેરામ ઉઠ્યો ત્યાંથી જ એને ચટપટી થઈ.
“ કારભારી સાહેબ, દરબાર ચાલે છે એટલામાં હું જરા કાંઈ ખાનગી કામ છે તે જઈ આવું છું. પછી સાહેબની ફરમાશ બજાવી તરત પાછાં ફરવું છે.” "બહુ સારૂં.”
૨ામભાઉએ બુદ્ધિધનને કાનમાં પુછયું: “જેલની તપાસ કોણ કરે છે?”
“તર્કપ્રસાદ” બુદ્ધિધને કાનમાં કહ્યું.
રામભાઉ ઉઠ્યો. ઉઠતાં ઉઠતાં બોલ્યો : “ રાણાજી ! રજા લઉં છું. તર્કપ્રસાદને જરા મ્હારી સાથે લઉં છું.”
કોઈથી ના ન ક્હેવાઈ. ન્યાયાધીશ એની સાથે જવા ઉઠ્યો.
શઠરાય અને કરવતરાય બેને ગભરાટ થયો. એમ લાગ્યું કે વાણીયાને સમુળગો સંતાડવો હતો અને ક્યાં છે તેનો પત્તો જ ન લાગવા દીધો હત તો ઠીક થાત. પણ હવે વખત ગયો અને એ ઉત્તમ વિચાર પશ્ચિમ બુદ્ધિનો લાગવાથી પસ્તાવાનું સાધન થઈ પડ્યો. “હવે તો થાય તે થવા દ્યો. પડશે એવા દેવાશે. ક્યાં ચટણાને પઈસો વ્હાલો નથી ?” આ વિચાર કરી હીમ્મત ધારી શઠરાયે નિશ્ચિત દેખાવ ધારણ કર્યો.
આ સર્વ કાળ નવીનચંદ્રે શાળાના માસ્તર સાથે વાતોમાં ગાળ્યો. કારભારીની સાથે બેઠેલા સર્વ અમલદારોનું માસ્તરે આઘેથી ઓળખાણ કરાવ્યું. સુવર્ણપુર સંસ્થાનને વીશ મહાલ હતા. દરેક મહાલમાં “મહાલકરી,” “ન્યાયાધીશ,” “ફોજદા૨,” આદિ અમલદારો ર્હેતા હતા. સુવર્ણપુર પણ એક મહાલનું મુખ્ય સ્થાન હતું અને એવા અમલદારો ત્યાં ર્હેતા હતા અને એ ઉપરાંત એ નગર ખાતેના અમલદારો – જેવા કે “નગરન્યાયાધીશ,” “વેરાંઉઘરાતદાર,” “શહેર ફોજદાર” વગેરે–પણ ર્હેતા. અમલદારોનાં નામ પેશવાઈ, મોઘલાઈ, ઈંગ્રેજીરાજ્ય, વગેરે ઉપ૨થી ખીચડપાક કરી રાખવામાં આવ્યાં હતાં અને નામ ઉપરથી અધિકારીનું કામ સમજાય એમ ન હતું, જેમકે “ફોજદા૨” ક્હેવાતા “દુષ્ટરાય” ના હાથમાં આખા સંસ્થાનના “પોલીસ કમીશનર” નો અધિકાર હતો. માસ્તરે નવી નવીનચંદ્ર પાસે આખ વડે સઉને બતાવી મ્હોં વડે વર્ણવવા માંડ્યાઃ
"આ કારભારી સાથે કરવતરાય છે - તે એમના ભાઈ. એમને બે હજારનું વરસ છે. પંદર વર્ષથી નોકરી કરે છે. એમના બાપે પઈસો મુક્યો ન હતો. આજ એમની પાસે દશ લાખનો જીવ છે.”
"એ શી રીતે ?"
“સાહેબ, એ બધું ક્હેવાને અત્ર શીરસતો નથી. વળી જુવો. આ એમની સાથે બેઠા છે તે દુષ્ટરાયના સસરા. દીકરીથી એમનું ઘર ઉજળું થયું છે. કન્યાદાનના બદલામાં નોકરી લેવી એ અત્રે યોગ્ય ગણાય છે. સઉના કરતાં એમની લાગવગ વધારે છે. પાસે પઈસો પણ ઠીક છે. જમાઈની “ચાકરી ઠીક ઉઠાવી છે. બુદ્ધિની જરૂર ઇશ્વરે રાખી નથી. એમને હાલ વસુલ ખાતાના ઉપરીની જગા છે."
“આ કોણ ?”
“એ સાહેબ જે જાડાજેવા બેઠા છે તેમનો કરબ બહુ છે. એમનું નામ સાંભળી લોક ત્રાસે છે. એઓ સાહેબ કારભારીના સાળા છે. એઓ સાહેબ સર્વજ્ઞ ગણાય છે. પોલીસ ખાતામાં પ્રથમ હતા. ત્યાં પરસ્ત્રી અને પરધન એ બાબત જુલમ કરવા માંડ્યો એટલે બસ્કિન્ સાહેબની તાકીદ આવ્યાથી એમને આ ખાતામાં નાલાયક ગણી એમને ન્યાયાસન પર બેસાડવામાં આવ્યા. ત્યાં, સાહેબ, એઓ બન્ને પક્ષકારોનું સારું ઇચ્છતા અને જે પક્ષકાર એમનું વધારે સારું ઈચ્છે તેના ઉપકારનો બદલો વાળવો ચુકતા નહી. અમાત્ય આવ્યા પછી એમને મ્હાલ સોંપવામાં આવ્યો છે એટલે, સાહેબ, રાજા અને પ્રજા એના તરફથી લાભ પામે છે.”
“ત્યારે એમને કોઈ પુછતું નથી ?”
“અરરરર ! એ શું બોલ્યા ! તમારા પર ફરીયાદ કરીયે તો તમારા મ્હોટા ભાઈ સાંભળે ? તાકાત કોની હોય કે ફરીયાદ કરે ?”
“પણ મ્હાલના કામમાં તો ગરબડગોટા અને નાલાયકો તરત જણાઈ આવે.”
“નાજી, ના. એ તો આપને અનુભવ નથી. કારભારી સાહેબના રસોઈઆને અને નાયબકારભારીની જગા આપવામાં આવે તો તે જ દિવસથી એની હોશીયારી પંકાય જ – એની કદર જણાય જ. એ. કોઈ હરામખોર પરભાર્યો પેશી ગયો હોય તો તેની ખોડો તરત બ્હાર પડે. તેનામાં હોંશીયારી હોય જ નહીં. વારું સાહેબ, આમને ઓળખ્યા ?”
“હા, એ નરભેરામ. એમને વીશે કાંઈક જાણું છું. ઇતિહાસ ક્હો.”
“જુવો, સાહેબ, અમાત્યની નિન્દા એ એમનું અને કારભારીનું સગપણ, અને નીચામાં નીચી ખુશામત એ એમની હોંશીયારી. ”
“એટલું કરનાર તો ઘણાએ હશે.”
“ હા.પણ બસ્કિન્ સાહેબે એમને મોક૯યા એટલે દાખલ થઈ ગયા અને રાણાને એમના પર કાંઈક વિશ્વાસ એટલે કારભારી ત૨ફથી માન મળે છે."
"ઠીક." ઘણા અમલદારોનું આ પ્રમાણે વખાણ થયું. તર્કપ્રસાદ બધું સાંભળ્યાં કરતો હતો. તેને અચિંત્યુ રામભાઉ સાથે જવાનું ઠર્યું એટલે મૌન તજી દઈ ઉઠતાં ઉઠતાં બે વાતો કરનારને ખભે હાથ દઈ બોલ્યો.
“આ મ્હારું વર્ણન ટુંકામાં સાંભળો. ફોજદારી કાયદાની જેને સમજણ ન પડતી હોય તેને મ્હારી પાસે આણજો. આ બધા જે ભારેખમ, ઠાવકા, લાલચોળ પાઘડીઓ પ્હેરી બેઠા છે અને ઇંદ્રસભાના દેવો જેવા દેખાવમાં છે તે બધાનાં કૃત્યનો ઈતિહાસ જાણ્યો હોય તો દ્રવ્યના દંડની શિક્ષાથી તે દેહાંત દંડની શિક્ષાયોગ્ય જે જે અપરાધો છે તેમનાં ઉદાહરણો આ સાહેબોનાં કૃત્યોમાંથી મળે એવાં છે ! લાંચખાઉ, ચોર, વ્યભિચારી, વિશ્વાસઘાતી, ખુની અને એવા એવા યોગ્યતાવાળા આ ગૃહસ્થો સારાં કપડાંમાં ઢંકાઈ અધિકારે ચ્હડયા છે અને નિર્દોષ અને પવિત્ર પ્રજાનું રક્ષણ-ભક્ષણ કરનારા એ લોક જગતની આંખમાં ધુળ નાંખે છે. દુષ્ટ મુત્સદ્દીપણાથી સાહેબોને ઠગી અધિકાર જાળવી રાખે છે, અને દ્રવ્યની સત્તાથી સર્વ ઈચ્છાઓમાં ફાવી જાય છે. થોડું બો૯યે ઘણું કરી માનજો.” એમ કહી મરોડમાં હસતો હસતો તર્કપ્રસાદ રામભાઉ સાથે ચાલ્યો ગયો એટલે નવીનચંદ્રનું ધ્યાન ગાનારી ભણી ગયું. 'પાસે બેસનાર માણસ છે' એવું સમજનાર અચિંત્યો એમ જાણે કે 'આ તે માણસ નથી, ભૂત છે.' એટલે તેનું અંતઃકરણ જેવું બની જાય તેવું જ નવીનચંદ્રનું અંતઃકરણ આ સર્વ વર્ણન સાંભળી થયું. નાયકાએ હજી સુધી ઘડીક શાંત વૃત્તિથી, ઘડીક તાળીઓ પાડી, ઘડીક હાવભાવ કરી, ઘડીક મ્હોં પ્હોળું ગુફા જેવું કરી, ઘડીક મ્હોં બગાડી, ઘડીક આખોને ઢાળી, ઘડીક કીકીયો ચંચળ કરી, ઘડીક ડોળા વિકસાવી, ઘડીક ઉંચા ચ્હડાવી, ઘડીક પાંપણોની કલ્લી કરી, ઉંચી કરી, અને ઘડીક ભમ્મર ચ્હડાવી, ઉંચેનીચે રાગે ગાઈ રહી હતી અને સભામંડળ ચિત્ર પેઠે તલ્લીન થઈ ગયું હતું. આ સર્વ નવીનચંદ્ર-જોઈ રહ્યો, માસ્તર અને ન્યાયાધીશે ભરેલા વિચારોના ઉભરા ઉપરાઉપરી આવતા તેથી અામતેમ નજર ફેરવી અહુણાં અાના ને અહુણાં આના મ્હોંડા સામું જોતો ગયો, અને આખરે બુદ્ધિધન ભણી જોઈ દયા આણવા લાગ્યો. 'અરેબ્યન નાઈટ્સ'ની વાતો પ્રત્યક્ષ કરતો હોય, રમતીયાળ અલાદિન જેવો – તેની પેઠે પોતે રાક્ષસોના મ્હેલમાં આવી ઉભો હોય – તેમ કલ્પના કરવા લાગ્યો.
એટલામાં આઘેની બારીમાં નજર પડતાં નાયકાઓ ગાતી બંધ પડી અને ઠસ્સાદાર કલાવતી આવી અને નૃત્ય આરંભ્યું. તેણે હવે પોતાની કલ્પના પ્રમાણે વૃન્દાવનની ગોપીનો વેશ લીધો હતો. મ્હોટા ઉડતા ઘેરવાળો ભુરા રેશમનો ઝીણી કસબી કોરનો રાતી કસુંબલ ભાતવાળો ઘાઘરો પહેર્યો હતો. તેના ઉપર ઓરણાથી કોઈ કોઈ ઠેકાણે ઢંકાયલો નેફો ભાંગ્યા તુટ્યા મેઘચાપ જેવો શોભતો હતો. સમુદ્ર જેવા કરચલીવાળા ઘાધરાની કીનારાપર જતા ફીણવાળા મોજા જેવી ચળકતી - કોરતળેનાં ઘુટણ નીચે કમાન બની ઢળકતાં ઝંઝીરાં માછલીયો પેઠે ચળકતાં હતાં; અને પગની નાજુક આંગળીયોપર પહેરેલી વીંટીયો, માછલીયો, વગેરે ઝીણા અલંકાર અને નૃત્ય સમયે ઉછળતાં સુંદર નાના નખ: એ સર્વેથી સમુદ્રના જોરથી કીનારે ઉછળી પડતાં શંખલાં અને છીપોનું ભાન થતું હતું. એ સર્વ અલંકાર અને વસ્ત્રોની વચ્ચે દીસી આવતાં ગોરાં ઘુટણ, પગની નસો અને નખ, અને નાચતી વખત ઉંચી નીચી થતી એડીયો અને પ્હાનીયો: તેપર ઘણાકની નજર પડતી હતી અને માત્ર તેમના વિરામ સમયે જ ભભકધમકવાળા વસ્ત્રાલંકાર પર લોકની દૃષ્ટિ જતી. બેઠેલા સભાજનની દૃષ્ટિ આટલે જ અટકતી ન હતી. જગતને શિરે કાળાં વાદળાં પર પડી : ક્ષિતિજરૂપી કેડે પ્રસરતી ચંદ્રિકા (ચંદની)ની પેઠે કાળા વાળ પર હોડેલી હોડણી શરીર ઓછું વત્તું ઢાંકી કેડપર પથરાઈ હતી. કોટે અને હાથે સોના અને હીરામોતીના અલંકારથી, તારાભરેલા આકાશની પેઠે, નાયકા હળવે હળવે ચમકારા કરવા લાગી. તેના ગૌરવદનથી સર્વનાં બુદ્ધિલોચનને ઝાંઝવાં વળ્યાં. તેની આંજેલી આંખો પલકારા મારી રહી; ચંચળ બની, ચારેપાસ ફરતી, સર્વની આંખો સાથે સંગમ કરવા લાગી. તેના હાથ, તેના આંગળાં, તેનો પગ, તેનો ઘાઘરો, તેની ઓરણી અને ઓરણીને પાલવઃ સર્વનું સાથે લાગું નૃત્ય થવા લાગ્યું.. સ્થિર આકાશમાં વીજળી આમથી તેમ ખસતી ચમકારા કરે, શંકા સરોવરમાં ન્હાની માછલી આમતેમ દોડે, તેમ સ્તબ્ધ રાજશાલામાં નાજુક નાયકા ત્વરાથી પગની આંગળીયોપર ચાલતી આગળ પાછળ ખસતી નૃત્ય કરવા લાગી. સર્વ બેઠેલામાં એ જ એક ચાલતી હતી. સર્વનાં મન વીંધી નાંખી – તેમાં એ જ અનિવારિત ગતિથી પેંસતી હતી – પરોવાતી હતી. વગર બો૯યે હાથના જ ચાળાથી સમજાય, હાવભાવમાં ઢંકાયલા હોવાથી વધારે કૌતુક ખેંચે, નાચનારીના અંતઃકરણમાં રજ પણ ન હોવા છતાં તેમાં પ્રબળપણે દેખાય, તેના બિમ્બાધરપર અશબ્દ હોવા છતાં લસી રહે, પારદર્શક આંખમાં અને કીકીમાં છુપાયા ન રહે, અને લલાટમેઘને ઢંકાયેલા સૂર્ય પેઠે તપાવી સળગાવે, એવા મદનવિકાર – મનોવિકાર - ચિત્રતુલ્ય સભામાં એકલી કલાવતી વગર બો૯યે વગરગાયે બતાવી ૨હી. તેના પગ નૂપુર સાથે થનથન થઈ રહ્યા. તેના આસપાસ વેરાતા ચળકતા ઘાઘરાની અડફટમાં સર્વનાં મન આવી જવા – ભરાઈ જવા - લાગ્યા. કોઈ કોઈ વખત જરીક દેખાઈ આવી કુતૂહળ ખેંચી કલ્પના પ્રકટતું તેનું કૃશોદર સર્વના દૃષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું – પ્રફુલ્લ થતું – હોય તેમ સ્કુરવા માંડ્યું. તેની ઉરધરામાં ધરતીકંપ થતો હોય તેવા કમ્પાયમાન અને નૃત્યથી આગળ પાછળ ધસતા સ્તનમંડળ પર ચ્હડી સર્વની આંખો થાક્યા જેવી થઈ ગઈ – સર્વેનાં અંતઃકરણ શ્વાસથી ભરાઈ ગયાં લાગ્યાં – સળગતા જણાયાં. ફણાધરના ફણાકમળ પેઠે મુખકમળ ડોલવા લાગ્યું અને તેના ચારેપાસ પ્રસરતા વિષમય ઉચ્છાસથી સર્વેને લ્હેર આવવા લાગી. સ્ત્રી જેવા પુરુષવર્ગને પુરુષ જેવી સ્ત્રી આંગળીનાં ટેરવાંવડે રમાડવા લાગી. તેનું સર્વ નૃત્ય અને ગાન, હાથમાં, હાડકાં વિનાની હોય તેમ સર્વ પાસ વળી જતી મરડાઈ જતી હાથેલીમાં, અને હાથની નાજુક આંગળીયોમાં, મૂર્તિમાન થઈ ગયું. એટલામાં અંત:કરણના કુત્રિમ ઉભરાનાં મોજાં ઓઠપર આવવા લાગ્યા, ઓઠ સ્ફુરવા લાગ્યા, મ્હોં પહોળું થતું હોય એમ આભાસ થવા લાગ્યો, કોમળ ગોરા ઉજળા ગાલ પ્રફુલ્લ થવા લાગ્યા અને સઉએ જાણ્યું કે અંહી સુધી ગાન આવી પહોંચ્યું છે. એટલામાં તણાઈ જતી આંખ વિકસવા માંડી, મ્હોં પણ વિકસ્યું, અને શબ્દનું બાકી રહી જતું હોય તેમ ગાનરૂપે તે નીકળવા લાગ્યા અને નૃત્ય પણ સર્વાંગે ખીલવા લાગ્યું. હાવભાવમાં જણાઈ આવતા વિકા૨ ગાનમાં ચ્હડી આવ્યા.
- “અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે ! ( ધ્રુવ )
- "દૈયા મેં દુપ્પેરકો આઈ બીત ગઈ જુગ જામ વે: અબ૦
- “સીસ લરેગી, મોકું પીયું પુછેગો, લોક કરે બદલામ વે: અબ૦”
સર્વ મંડળનાં મન નૃત્ય કરવા લાગ્યાં, ગાનવશ થઈ ગયાં, તાલ દેવા લાગ્યાં. ભૂપસિંહ પણ સર્વના જેવો જ દેખાવ ધારણ કરી રહ્યો હતો. પરંતુ તે હવે અધીરા જેવો થઈ જવા લાગ્યો. અને મનમાં બડબડ્યોઃ “રાંડ, જાને જા, કાલ જતી હોય તો આજ જા.” એટલામાં ગાનની છેલ્લી કડી આવી:
- “દયાપ્રીતમ ક્હે, સુન મેરી પ્યારી અબ ઈહ કરો બીસ૨ામ વે,
- “અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે !”
કોણ જાણે શું ભૂત ભરાયું તે રાણાથી શાંત ગંભીર રહેવાયું નહી અને એકદમ ઉઠ્યો. સર્વ સભા આ અતર્કિત બનાવથી આશ્ચર્ય અને ચિંતામાં પડી. રાણો જે દ્વારેથી આવ્યો હતો તેમાં જ પાછો પેઠો. “નીઘા રખો મ્હેરબાન”ની બુમ ઉપરાઉપરી પડવા માંડી અને ઉઠી જતા, વેરાતા, ટોળે મળતા, પુછાપુછ ક૨તા, ગરબડાટ મચાવતા સભાજનના શોરબકોરમાં ચોપદારોને પોકાર ડુબી ગયો. રાણાની પાછળ દ્વારમાં બુદ્ધિધન, શઠરાય, અને બીજા મુખ્ય અમલદારોનો ધસારો થયો અને ભીંડાભીંડમાં માન અપમાન કે પદવીનું ભાન કોઈને રહ્યું નહી. રંગમાં ભંગ પામેલી નૃત્ય કરતી બંધ પડી સર્વની વચ્ચે કલાવતી ઉભી રહી અને બીજી નાયકાઓ ઉઠી; તે કોઈને ન દેખતા જેવા – ન ગણતા - લોક ધક્કા મારી અથવા તેમના પર નજર પડતાં સંકોચાઈ આમ તેમ ચાલવા માંડ્યા. ભીંડમાં બુદ્ધિધનની આંખ આગળથી જુદા પડેલો પણ તેની આંગળીયે વળગેલો નવીનચંદ્ર પણ અમાત્યની પાછળ ગયો. અને સંસારમાં આવા બનાવ કેટલા બનતા હશે તે વિચારમાં – ભરભીંડ વચ્ચે ઉભો - ઉભો – પડતાં, આગળ નજર રાખવી ચુકી જતાં પોતાની અને અમાત્યની વચ્ચે આવી જનારના ધક્કા ખાતો અમાત્યના હાથના બળથી ઘસડાતો અને ધક્કા ખાઈ વિચારસ્વપ્નમાંથી જાગતો, સર્વ પ્રવાહનો એક ભાગ બની, એ પણ આખરે ચાલ્યો.
રાણાને બેસવાના ખંડમાં તેના સિંહાસન પાછળના દ્વારમાં થઈ દાદરે ઉતરી આ સર્વ મંડળ ભરાયું. એ ખંડ સો દ્હોડસો માણસો માય તેટલો હતો. તેમાં ચારેપાસ ઉંચી શેતરંજી પાથરી દીધી હતી. વચ્ચે એક ન્હાનું ઝુમર અને બાકીની હાંડીઓ લટકાવી હતી; પુરાણનાં, જયપુરી ચિત્રોના, ઈંગ્રેજી ચિત્રોના, ચીનાઈ ચિત્રોના, અને સાદી પણ સોનેરી ઘરના ચારે પાસ તકતાઓ હતા. એ શિવાય ભીંતો ઉપર બબ્બે ત્રણત્રણ વાલસેટોનાં જોડાં ચ્હોડ્યાં હતાં. એક પાસ પોતાની મેળે કેટલાક રાગ ગાતું ઈંગ્રેજી વાજું એક સુંદર અર્ધગોળ ટેબલ પર મુક્યું હતું. બીજી પાસ ભૂપસિંહની પોતાની સર્વાંગી મ્હોટી છબી હાથની ક્હાડેલી અને રંગેલી હતી. તેની સામેની ભીંતે અઠીંગી એક મ્હોટો લંબગોળ તકીયો અને ચોખંડી ગાદી પાથર્યાં હતાં. અને તે ઉપર કીનખાબી કપડું ચાદરને ઠેકાણે પાથર્યું હતું. ભૂપસિંહ એ ગાદીતકીયે ઓઠ કરડતો લાંબા પગ નાંખી પડ્યો. રુપાસુનેરી - ગંગાજમનાની ભાતવાળો – હુક્કો આવ્યો તે તે પીવા મંડ્યો અને બીજા સર્વ આાસપાસ શેતરંજી પર ગોઠવાઈ બેસી ગયા.
“મહારાણા ! અધિરાજ ! શું કાંઈ આપની પ્રકૃતિ સ્વસ્થ નથી ?” હાથ જોડી શઠરાયે પુછ્યું અને ઉત્તર જાણવા તેની આતુરતા સર્વસામાન્ય જણાઈ.
“કામદાર ! હા. એવું કાંઈ છે.” હુક્કાની નળી તથા વરાળ મ્હોંમાંથી ક્હાડતાં ક્હાડતાં ઉશ્કેરાયલા જેવો રાણો બોલ્યો. વળી નળીમાંથી એક ઘુંટડો ભરી બોલ્યો: “મ્હારે અત્યારે જરી એકાંત જોઈએ છીયે.” સર્વ મંડળ એકદમ ઉઠ્યું અને ભીંડાભીંડ કરતું બારણા બહાર ચાલ્યું. કામદાર, તમે જરા અંદર ર્હેજો.” શઠરાયે જતાં જતાં પાછું ફરી જોયું અને અટક્યો. અમાત્ય સર્વ ત્રાંસી આંખે જોતો જોતો રાણાપર એક તીવ્ર દૃષ્ટિપાત નાંખી – આંખે આંખ મળી એટલે – બ્હાર ચાલ્યો. થોડીવારમાં આખા ખંડમાં રાણો અને શઠરાય બે જ રહ્યા અને શઠરાય ગાદી સામો જઈને બેઠો.
“કામદાર, આ કાગળોની વાત હું હવે ઉપાડું છું.”
“જી બહુ સારું. પણ આપની પ્રકૃતિને અચિન્ત્યું શું થયું ?"
“તમને ખબર નથી કે માણસની ધીરજને પણ કાંઈક હદ હોય છે ? મ્હારા મગજમાં ગુંચવારો કેટલા વખત સુધી રાખું ?”
કામદાર ખુશ થયો. “ખરી વાત છે. કાંઈ નીકાલ થવો જોઈએ. અરેરે ! મહારાણાની સાથે આ વર્તણુક આટલા વિશ્વાસુને ન ઘટે.”
“પણ સર્વ સાધન તૈયાર છે ? આ કામ પ્રસિદ્ધ કરવાની જરુર નથી – પોતાની જ ફજેતી કરવાનું કારણ નથી. તમે જાઓ અને અમાત્યને એકલાને મોકલો.”
“સર્વ સાધન હાજર છે. એક નરભેરામ ગયા છે તે અહુણાં આવશે.” કહી શઠરાય ઉઠ્યો. રાણો તેના ભણી જોઈ રહ્યો. ચિંતાતુર અને રાણાના દુ:ખમાં ભાગ લેતી મુખાકૃતિ કરી દઈ અંતઃસંતુષ્ટ શઠરાય બારણામાં અદ્રશ્ય થયો અને થોડીવારમાં બુદ્ધિધન એકલો અંદર આવ્યો. રાણાની પાસે જતાં સંશય આવ્યો – કાંઈક ભય લાગ્યું. એ સર્વ અનુભવ બુદ્ધિધનને આખા જન્મારામાં આજ પ્રથમ જ થયો. તે ગુપ્ત રાખ્યો. કૃત્રિમ ગંભીરતા ધારી. શઠરાયની સાથે થયલી વાત પોતાની પાસે કેવી રીતે આવે છે તે જોવા ઉપરથી ભય અભય યોગ્ય જણાશે ધાર્યું.
રોકી રાખેલા પાણીની અડચણ દૂર થતાં તેનો પ્રવાહ છુટે તેમ બુદ્ધિધનને બારણું બંધ કરી અંદર આવતો જોઈ રાણાનો ધુંધવાટ બ્હાર નીકળતો જણાયો, અને શઠરાય સાથે થયલી વાત ગમે તો તેના વેગ નીચે ડબાઈ ગઈ અથવા તો રાણાએ જાણી જોઈને ન ક્હાડી કે પછી શું થયું તે અમાત્યને ન સુઝ્યું.
"બુદ્ધિધન, હવે તો આ તમારી ધીરજને કુવામાં ધક્કેલી પાડવી પડશે. આ દરબાર પુરો થતાં સુધીએ મ્હારી ધીરજ ર્હી નહી એટલે મ્હારું મન મ્હારા હાથમાં નથી.”
“કારણ ? ૨ાણાજી, આટલું બધુ શું છે ?” અમાત્ય આવ્યો અને સામો ચિંતાતુર મુખથી બેઠો. ચિંતાનું કારણ મનમાં જુદું હતું અને દેખાડવાનું જુદું હતું. “આ તમારો દુષ્ટરાય કલાવતીની સાથે મ્હારા મ્હેલ વચ્ચે ગેલ કરતો હતો – મ્હારી આંખમાં ધુળ નાંખીને !”
“હેં ! ક્યારે ? – રાણાજી – યાદ હશે કે મ્હેં આપને પ્રથમથી કહ્યું હતું કે એ ગણિકા કોઈની નહી.”
“હા, ભાઈ હા. તમારાં કહ્યાં તે હું કેટલાં સંભારું ? આજ સુધીમાં તમારી કહેલી અનેક વાતો ખરી પડી હશે, પણ અમારા લોકનાં ચિત્ત જ ઠેકાણે નહીં ને ! એ દોષ દૈવનો. પણ હું તો આજ એને પુરાં કરત – આ નરભેરામે અટકાવ્યો – એ ખરેખર તમારો જ માણસ છે કે નહી એ બાબત હજી મ્હારા મનમાં વહેમ છે - હવે એ સાળી રંડી મ્હારા દરબારમાં ગાય તે હું કેટલીવાર જોઈ રહું ? - બુદ્ધિધનભાઈ, મ્હારે તો હવે એ બેનું કાટલું કરવું – મ્હારી આંખમાં ખુન ભરાયું છે - મ્હારાથી તો દરબારમાં ર્હેવાયું નહી – હવે તમારે તરત કાંઈ કરવું જોઈએ – હું તો દરબારમાંથી એટલા વાસ્તે જ ઉઠ્યો – હવે ઢીલ કરશો તો મ્હારે તમારે નહીં બને !” હુક્કો ઘડીકમાં પીતો, ઘડીક મુકી દેતો, પગ લાંબા કરતો અને વાળતો, ગાદી પર ઘડીક પડતો અને ઘડીક ટટાર બેસતો, અસ્વસ્થ રાણો બુદ્ધિધનને આશાનું નિમિત્ત થઈ પડ્યો પણ – હજી “પણ ” હતું – હજી શઠરાયને શું કહ્યું તે વાત અમાત્ય પાસે ક્હાડી નહીં એ શંકાકંટક રહ્યો.
“રાણાજી, જે ઉપાય મ્હારી પાસે માગો છો તે આપના હાથમાં છે, હું આપનો ઈચ્છાધીન સેવક છું.”
“હા, હા, પણ શું કરવું ધાર્યું ? એ સાળો દુષ્ટરાય ક્યાં નાસી ગયો ?”
“શઠરાય બ્હાર એ જ ચિંતામાં છે અને દુષ્ટરાયને તેડવા માણસો ઉપરાઉપરી મોકલે છે.”
“વારું – પણું તમે શું ધાર્યું ?”
રાણાની પાસે પુરો ભરમ ફોડવો એ હજી નિર્ભય ન લાગ્યું. “મહારાણા, રામભાઉ આવ્યા છે – એક કાગળ તો આપે વાંચ્યો છે. બીજા લખોટા હજી ફોડવાના છે. શઠરાયનું ઔષધ એમાંથી નીકળશે એવી હું આશા રાખું છું.”
"કેવી રીતે?"
“મ્હારે ને સાહેબને થયેલી વાત આપને ખબર છે. હવે આજ કાગળમાં એ વીશે શું લખ્યું હશે વાંચ્યા વિના રીતે જણાય ? પણ આપની ઈચ્છા જયવંત થશે જ.” “પણ આ કલાવતીનું હાંલ્લુ તો આજ ફોડવું જ અને બેને ગધેડે બેસાડવાં ! હા.”
“હું આપને સાન કરીશ એટલે એ વાત ઉપાડજો.”
“પણ અાજ જ.”
"હા, જી, હા !”
એટલામાં એક અંતર્દ્વાર ઉઘાડી હાંફતો હાંફતો મ્હાવો આવ્યો: રાણો ગુસ્સે થયો.
“મ્હાવા ! હરામખોર, ખબર નથી કે આ એકાંત ચાલે છે?”
“હાજી, મને ખબર છે અને એટલા વાસ્તે જ આવ્યો છું. રાણાજીની વાત એ લોકમાં થાય તેના કરતાં એકાંતમાં જ એનો છેડો આવે તો સારું એ આપના સેવકજન ઈચ્છે.”
બુદ્ધિધને ભયથી ડોકું ફેરવી પાછું જેયું. મ્હાવાના હાથમાં કાગળનો બીડો દીઠો, મ્હાવાએ તે રાણાના પગ પર નાંખ્યો અને હાથ જોડી ઉભો રહ્યો. રાણાએ કાગળ વાંચવા માંડ્યા, અને કપાળ પર ભ્રુકુટિ ચ્હડાવવા માંડી. બુદ્ધિધને પુછ્યું.
"મ્હાવા, શું છે ? ”
“ભાઈસાહેબ, રાણાજી પાસે કાગળો છતાં ઉત્તર આપવા મને ગરીબને શો અધિકાર ? અાપ જ રાણાજીના વિશ્વાસુ ક્યાં નથી ? ”
“બહુ સારું.” બુદ્ધિધને રાણા ભણી જોયું. રાજબા બાબતનાં કાગળ ઓળખ્યા. ઉત્તરમાં મ્હાવાયે તિરસ્કારભરી દૃષ્ટિ નાંખી. તેની અાંખને, અમાત્યના અધિકારને સન્નિપાત થયો સ્પષ્ટ લાગ્યો. રાણાએ કાગળો અમાત્ય ઉપર ફેંક્યા.
“કેવું તરકટ ! મ્હાવા, તને ફાંસીએ લટકાવવો જેઈએ. મ્હારા વિશ્વાસુ અમાત્ય ઉપર આવો આરોપ આણતાં તને શરમ ન આવી? બ્હીક ન લાગી ? શું હું એમ જાણ્યું કે રાણો એટલો ભોળો છે કે આથી ઠગાશે ? પ્રિય બુદ્ધિધન, અા દુષ્ટ કાગળો જોઈ તમે રજ ગભરાશે નહી !”
મ્હાવો હસીને બોલ્યો: “ દીનાનાથ ! રંકનું બોલ્યું રંક. મ્હારી તાકાત શી કે આ કાગળો ખોટા હોય ને હું આપની પાસે લાવું ? અમાત્ય અાપના વિશ્વાસુ છે તેમ મ્હાર પર પણ એમના ઉપકાર છે. પરંતુ આપનો ઉપકાર અત્યંત છે. આપના પ્રત્યે મ્હારો ધર્મ વિશેષ એવી મ્હારી સમજણ ન હત તો અમાત્યના ઉપકારનો બદલો હું આમ ન વાળત. આ કામ ' કરતાં મ્હારે મ્હારા મનનું કેટલું સમાધાન કરવું પડ્યું તે ઈશ્વર જ જાણે છે.” બુદ્ધિધન મ્હાવા ભણી જોઈ રહ્યો: “મ્હાવાભાઈ તમે કેટલા રાજનિષ્ટ છો તે હવે કહી બતાવવાની જરુર નથી. તમે મ્હારો ઉપકાર જાણ્યો મ્હોટી વાત છે. ઉપકાર તો ઉંઘી ગયો. પણ હવે મને કાંઈક ઈન્સાફ કરો અને આ કાગળો મ્હારા જ લખેલા છે અને તમારી પાસે ક્યાંથી આવ્યા તે બધું સાબીત કરી બતાવશો ? ”.
અમાત્યની અાંખની કાંઈક શ્રમ પડી હોય અને તે ન ખમાઈ હોય એમ જરીક નીચું જેઈ શરમ છોડી દેવાની શક્તિ આવતાં ઉંચું જેઈ મ્હાવો : બેધડક બોલ્યો, “ હાજી, અમાત્યને જ્યારે આવું કામ કરતાં શરમ ન આવી ત્યારે ખવાસને સાબીત કરતાં શી હરકત છે ?”
રાણો ઓઠ પીસી મ્હાવા સામું જોઈ રહ્યો હતો તે હાથ પછાડી ગાજી ઉઠ્યો. “ હરામખોર, બસ કર. મ્હારે ત્હારો પુરાવો કાંઈ નથી જોઈતો. તું આણીશ તોપણ હું એને માનનાર નથી. કેવો જુલમ ! જા, ત્હારું મ્હોં કાળું કર –શઠરાય ! કામદાર !”
શઠરાય દોડતો દોડતો અંદર આવ્યો.
"પકડાવો આ લુચ્ચા મ્હાવાને ! કેદ કરો એને –સોંપો એને દુષ્ટરાયને – ક્યાં છે દુષ્ટરાય ? ”
“જી, આવે છે.” શઠરાય અમાત્યની પાસે બેઠો, અને કાનમાં પુછવા લાગ્યો કે શું છે.
“કામદાર જુવો તો ખરા – અા કાગળો. અા ત્રણ ટકાનો ખવાસડો આપણા અમાત્ય સામી કેવી બાથ ભીડે છે તે ! શો ગજબ ! દુષ્ટરાય ન હોય તો કોઈ સીપાઈને બોલાવો. અરે – કોણ છે સીપાઈ બારણે ?” રાણો પોતે સીપાઈને બુમ પાડી બોલાવે એ અનુભવ સઉને પ્રથમ જ થયો અને બ્હાર ઉભેલા સર્વ અમલદાર મંડળમાં ક્ષોભ પ્રસર્યો.
“જી, હું છું ” – કહી વિજયસેન અંદર આવ્યો.
વિજયસેનને હુકમ થયો અને તે મ્હાવાને પકડી બ્હાર લઈ ગયો.
રાણે નિઃશ્વસ્ત થઈ તકીયા પર પડ્યો.
બુદ્ધિધન બોલ્યો: “ રાણાજી, અા યોગ્ય નથી થતું. મ્હાવાની પાસે સાબીતી હોય તે લેવી જેઈએ. આપની અાંખમાં હું નિર્દોષ છું તેવો જ જગતની અાંખે પણ મ્હારે ઠરવું જેઈએ.”
“હવે સાબીતી ને બાબીતી; જવા દ્યોને બધું. જે થયું તે ઠીક જ થયું છે. નીચ માણસોને ઉંચાં ચ્હડાવવાં એ મ્હોટાંને છેડ્યા કરતાં વધારે છે. એની પાસે સાબીતી માગી એટલે એ ફુલી જાય ને કંઈ કંઈ કુભાંડ કરે.” શરાઠરાયે કહ્યું.
“રાણાજી ! મ્હારી પ્રાર્થના સાંભળવી જોઈએ.”
રાણો જરીક બેઠો થઈ ધીમે રહી બોલ્યો: “શઠરાય, અમાત્ય ખરું ક્હે છે. મ્હાવાને ધમકાવ્યો તે મ્હેં જાણી જોઈને ધમકાવ્યો છે. નીચને ઉંચો ચ્હડાવવો નહી. પણ વાત મ્હારી પાસે ઘણે ઠેકાણેથી આવી. છે. હું એ વાત બીલકુલ માનતો નથી. પણ, બુદ્ધિધન, મનમાં ન લાવશો – હું એ માણસ છું. આજ નહી તો ભવિષ્યમાં મ્હારા મનમાં વ્હેમ ઉત્પન્ન થાય. અને તેમ થાય તો તે ખોટું. માટે તમારી ઈચ્છા પ્રમાણે થવું જેઈએ.”
“હા જી.” અમાત્ય ધારી ધારીને ૨ાણાસામું જોવા લાગ્યો.
“કામદાર, તમે , આ બાબત તપાસ કરવાનો બંદોબસ્ત કરો. એટલામાં હું અંતઃપુરમાં જઈ આવું છું. રાણીને પણ આ બાબતમાં કાંઈક ખબર છે ને મારે તેની તપાસ કરવી જોઈએ.”
શઠરાયની ખટપટનું ઉંડાણ જોઈ અમાત્ય અાભો ન બન્યો. પણ રાણી પર રાણાને વિશ્વાસ ઘણો હતો તેની એને ખબર હતી તેથી તેની બ્હીક સમીપ લાગી. રાણે ઉઠ્યો અને વેગથી અંતદ્વાર ભણી ચાલ્યો. દ્વાર ઊઘડતાં જ બંધુકના જેવો – કાંઈ તુટી પડ્યું હોય તેવો – કડાકો થયો. રાણો ખચક્યો, અને આશ્ચર્યં તથા ભયથી ઉંચુંનીચું જોવા લાગ્યો. “હાં, હાં, ખમાં ખમાં ” કરી શઠરાય અને અમાત્ય દોડી આવ્યા. રાણાના પગ ! તળેથી જમીન તુટી પડી, એક મ્હોટું ગાબડું પડ્યું, અને નીચે ધસતી માટીમાં રાણાનો પગ સર્યો. બુદ્ધિધને બાથ ભીંડી રાણાને પકડી રાખ્યો અને બે જણ પાછા ખસી નક્કર જમીન પર આવી ઉભા. બે ચાર પળમાં ચાર પાંચ કુટનો એક ખાડો થયો, અને, માટીને ઢગ બે પાસથી કોણાકારે પડી તેમાં સ્થિર થયો. મ્હેલની જમીનના સુંદર આરસ છુટા થઈ માટીમાં અર્ધા ડબાયા અને વ્હેંતીયાં માણસની દુનીયામાં ધરતીકંપથી આર્ધ ડુબેલાં ઘર જેવા લાગવા માંડ્યા. અંતર્દ્વારનો લાકડાનો ઉમ્મર પુલ પેઠે ખાડા પર રહ્યો. ખાડાની સામી બાજુએ અંદરથી માણસો ભરાયાં. રાણા ભણીની બાજુએ પણ બ્હારથી માણસો આવી ભરાયાં. ગભરામણ, શંકા, તર્ક, સૂચનાઓ, બુમાબુમ, અને એવાં એવાં મ્હોટાંન્હાનાં પંખીયોનાં ટોળેટોળાં સર્વનાં મુખતરુ પરથી ઉડી ખાડાપર ભમવા લાગ્યાં.
“દગો; દગો, કપટ, કપટ” કરી બુદ્ધિધને રાણાને ઝાલી રાખી બુમ પાડી. સમરસેન, વિજયસેન, પ્રમાદધન, જયમલ, નવીનચંદ્ર, અને તેમની સાથે આવેલું મંડળ અમાત્યની આસપાસ વીંટાઈ વળ્યું. બુદ્ધિધનની આંખના ઈસારાની વાટ જોતો નવીનચંદ્ર સામે ઉભો રહ્યો. સમરસેન અને વિજયસેન તરવારપર હાથ મુકી અમાત્ય અને રાણાની આસપાસ આવી ઉભા. ચોબદારો અને સીપાઈઓ ખડખડાટ ભડભડાટ કરતા દોડાદોડ કરવા લાગ્યા. બીલકુલ અજાણ્યો શઠરાય - આંખવતે દુષ્ટરાયને ખોળતો – દિઙ્મૂઢ બની ગયો અને 'શું છે શું છે' કરતો રાણાની આસનાવાસના કરવા લાગ્યો. કરવતરાય અને બીજા અમલદારો તેની પાછળ તરવરવા લાગ્યા.
“અરે જુવો છો શું ? કોઈ મહાનીચ રાજદ્રોહીનો આ પ્રપંચ છે ! મ્હારા મહારાણા, ઈશ્વર તુમ પર પ્રસન્ન ર્હો ! – વિજયસેન, વિજયસેન, જુવો છો શું ? બાંધો કેડ અને એકદમ તપાસ કરો, શું આ ? – પ્રિય રાણાજી, આપને કાંઈ ઈજા તો નથી થઈ ? – અરે કરો આઘો આ માટીનો ઢગ અને જુવો એની પાછળ અને નીચે; સાવધાન ર્હેજો, – હથીયા૨ સજ્જ રાખજો – અને કાંઈ દારુબારુનું તો તોફાન નથી – જુવો પણ માટી ગરે છે !” બુદ્ધિધન ગાંડા જેવો બની, આંખો ફાટી કરી દઈ ઘાંટો ફાટો કરી દઈ ચારેપાસ નજર ફેરવતો એક હાથે રાણાને ઝાલી બીજે હાથે વિજયસેનને ધક્કેલતો ચિત્રગર્જના કરવા લાગ્યો.
“શું, શું, બુદ્ધિધન, આટલા બ્હાવરા કેમ બની ગયા છો ? જખ મારે છે. છોડો મને – જુવો એ ખાડામાં અજવાળાં જેવું શું જણાય છે !” – કરી ભૂપસિંહ ખાડામાં ઉતરવા લાગ્યો.
“ના, મ્હારા રાણા, સુવર્ણપુરના સદ્દભાગ્યને એ જોખમમાં પડવાની જરી પણ જરુર નથી. આપ છેટે ઉભા રહો. અમે તપાસ કરનાર ઘણા છીયે. ચાલો, કામદાર” – કરી બુદ્ધિધન ખાડામાં ઉતર્યો ને પાછળ સઉ ઉતરવા લાગ્યા. શઠરાય ચિંતામાં પડી વિચાર કરવા ઉભો.
ભૂપસિંહને બુદ્ધિધનની રાજભક્તિ સાકાર થતી પ્રિયદર્શન લાગી. શઠરાયના ભણી શંકાસાથે જોવા લાગ્યો. વિજયસેન, સમરસેન, અને કેટલાક અમલદારો મજુર પેઠે કામ કરવા મંડી ગયા. માટી દૂર ખસેડી દીધી. તેની તળેની છત ભાંગી ગયાથી કડક થઈ આડાં પડેલાં પાટીયાંની એક બાજુએ થઈ સઉ અંદર ગયા. તે જમીનનીચે ગલી જેવું દેખાયું તેમાં નીચા વળી જુવે છે તો તેને મોખરે હાથમાં સળગાવેલું ફાનસ ધરી જમાલ અને પાછળ તરવાર લઈ રણજીત ઉભેલા દેખાયા ! પકડો, પકડો, ક્હાડો ક્હાડો !” એમ ભોંયરામાં બુમ પડી અને ઉપર ઉભેલા સૌએ જોસભર ઉપાડી લીધી. ચોબદારો અને સીપાઈઓએ તેમને પકડી ઘસડી ઉપર આણ્યા અને તેમના મ્હોં ઉપર અજવાળું પડતાં સઉ આશ્ચર્યંમાં પડ્યા, તેમને મારવા લાગ્યા, અને જમાલ અહીં ક્યાંથી તે વિચારમાં પડ્યા. જમાલને જેઈ શઠરાયનું મ્હોં ઉતરી ગયું; આશ્ચર્ય, ઉંડા વિચાર, અને ખેદમાં તે પડી ગયો; નીચી રાખેલી આંખો ત્રાંસી કરી બુદ્ધિધનભણું ન્યાળવા. લાગ્યો, અને ઉભે ઉભે ખશીયાણો પડી જઈ ધરતીમાં કળી જતો હોય તેમ શિથિલ વિકારને વશ થઈ ગયો. જમાલ શઠરાયનું પોતાનું માણસ છે એ રાણો સારી રીતે જાણતો હતો. 'હવે જમાલ અહીંયાં નીકળ્યો એ બાબત શો ખુલાસો કરવો ? ગમે તે ખુલાસો કરીશું પણ રાણો શી રીતે માનશે ? રાણાના કોપનું સમાધાન શી રીતે થશે અને એ કોપનું ફળ શું નીવડશે ? આટલી મોળ કર્યા છતાં પત્તો ન લાગ્યો અને આજ જમાલ આ પ્રકારે શાથી, શી રીતે, શા કારણથી, શું કરવા, અને કોની પ્રેરણાથી આવ્યો હશે ? દુષ્ટરાય હજી કેમ ન આવ્યો ? અા સર્વ બનાવો અને રામભાઉનું પ્રકરણ એ સર્વે વચ્ચે સંબંધ તો નહીં હોય ? અને એ પ્રકરણોનો સૂત્રધાર અમાત્ય જ હશે – અથવા એ ન હોય તો બીજું કોણ હોય ?–' એવા એવા અનેક તર્કમાં પડતું સુવર્ણપુરના જુના કારભારીનું ચિત્ત, ક્ષિતિજ બ્હાર ઉભેલા બીજા કોઈ જયોતિનો પ્રકાશ – ભાગ્યનું દ્વાર ઉઘાડવા તત્પર થયેલા કોઈ ન દેખાતા પરાક્રમીનો હાથ દ્વારની સાંકળ આગળ ઉભેલો – જેવા લાગ્યું, અને સૂર્યનો કિરણ જોઈ ચંદ્ર અસ્ત થાય તેમ અંતરમાં ઝાંખું પડવા લાગ્યું. તેની સમયસૂચકતા જતી રહી, ભાન ખસી ગયું, અમંગળ શંકાઓ અને ભય ચિત્ત પર ચ્હડી બેઠાં, અને આવતી આપત્તિને બળે પોતાના પાસામાંથી ખસી જનાર સર્વે મંડળમાં પોતાની બુદ્ધિ જ અગ્રેસર થઈ હોય એમ લાગ્યું. જગતના જાણવા પ્હેલું પોતાનું ભવિષ્ય પોતે જ વર્તી ક્હાડતા જેવું ચિત્ત નિર્બળ થઈ ગયું. બુદ્ધિ સાથે ધૈર્ય ગયું અને ક૯પનારાત્રિને કાળો અંધકાર પડ્યો અને તેથી એની નજર આગળ કંઈ કંઈ ભૂતો નાચતાં ખડાં થયાં. ભૂતકાળના પ્રપંચો અને પાપોનું ભયંકર નૃત્ય શ્મશાનમાં ઉભેલા જેવા તેના દીન મનને ધ્રુજાવવા લાગ્યું. વિજયસેન પાસે રાણાએ મ્હાવાને પકડાવ્યો હતો તેમાં પોતે કૃત્રિમતા સમજતો હતો તેને ઠેકાણે ભયંકર સત્ય જણાયું. આપત્તિકાળના મિત્ર જોશી જેવી ખોટી આશા તેને વ્યર્થ વ્હાવા લાગી અને તે છતાં ભય ઓછું થયું નહીં. તેને કાંઈ સુઝ્યું નહી અને બુદ્ધિ પણ અવળી ફરી બેઠી. સર્વ સંપત્તિનો નાશ મન પાસે આવી ઉભો ર્હેતાં એકલા દુષ્ટરાયપર ચિત્ત ચ્હોટયું અને તેની ચિંતામાં પડ્યું. મડદું બની જતાં શરીરના રુધિર પેઠે એની વૃત્તિ ઠીજી ગઈ - જડ થઈ ગઈ અાણીપાસ અમાત્યનો ઉત્સાહી પ્રયત્ન પાણીદાર ઘોડા પેઠે વેગભર દેાડતો હતો ત્યારે અા કારભારી બદલે ગળીયા બળદ જેવો થઈને એક ખુરસી પર બેઠો અને આસપાસનો બનાવ એને ચંચળ કરવા અશક્ત નીવડ્યો. જે કારભારીની પ્રપંચબુદ્ધિ આખા રજવાડામાં ઘણા અનુભવવાળી, શીઘ્ર, તીવ્ર, સર્વકાર્યગ્રાહી, રાણાએ અને ઠાકોરોને વશ કરનારી અને જયવંત ગણાતી હતી તે કારભારી વીર્યહીન અને ભાનવગરનો – બાળક જેવો – વૃદ્ધ જેવો - નપુંસક જેવો – થઈ શૂન્યમતિ બન્યો અને સાધનહીન જેવો ખોળામાં હાથ નાંખી એક ખુરસી પર બેઠો, એ નો એ શઠરાય - એનાં એ એનાં સાધન – સર્વ નિષ્યપ્રયોજન થયું લાગ્યું.
નવીનચંદ્ર – જે આ સર્વ તમાસો જોઈ રહ્યો હતો, જેને કારભારીની કળા જોવાનો લાભ મળ્યો હતો - તેને પણ જમાલને ખાડામાંથી નીકળતો જોઈ નવું ભાન આવ્યા જેવું થયું. નીરનીરાળી છુટી છુટી ઘણીક વાતો તે જાણતો હતો તે સર્વ જમાલને જોતાં સંધાઈ ગઈ. ખટપટનું પરિણામ કાંઈક કળી ગયો અને બુદ્ધિધને સોંપેલું કાર્ય પોતાને કરવા વખત નહી અાવે એટલું શુભ પરિણામ ચેતી ગયો. શઠરાયની ધારણાઓ તેને અમાત્યે જ કહી હતી. કેવી તે ધારણાઓ હતી અને કેવું તેનું પરિણામ નીકળશે તે વિચારતાં તે મનમાં બોલી ઉઠ્યો
અને પોતે આવી જાતનું બોલી ઉઠ્યો તે વિચિત્ર લાગ્યાથી હસ્યો. પાછલા દિવસે – અમાસે જ વનલીલા કુમુદસુંદરી પાસ રુકિમણીવિવાહમાંથી આ ગાતી હતી તે અત્યારે સાંભરી આવ્યું. કમુદસુંદરી સાંભરી. તેની જોડની મેડીમાં રહી અમાત્યના ઉજાગરાની પણ સાક્ષી સ્મરણશક્તિ પુરવા લાગી અને વિચાર કરવા લાગ્યો: “આહા ! આટલા ઉજાગરાથી આ ફળ મળવા વખત આવ્યો છે - શી વાત –શી બુદ્ધિ - પોતાના કુટુંબની ફજેતી ન જ થાય અને અપરાધી શિક્ષા પામે એ રસ્તો - બુદ્ધિધન – અા ઠીક શોધી ક્હાડ્યો ! વારું, જમાલ, ત્હેં આટલું ન કર્યું હત તો આ અનુભવ પ્રત્યક્ષ ન થાત ! – અને તેની સાથે એ જ બનાવમાંથી શઠરાયને નુકસાન કરવાનો પ્રસંગ આણ્યો ! ખોટામાંથી સારું પરિણામ આણવું – વિપત્તિને સંપત્તિનું સાધન કરી દેવું - વગર ભણેલા બુદ્ધિધન – તમે ક્યાં શીખ્યા? ગજબ છે !” આ વિચારનદી વ્હેતી વ્હેતી રાજખટપટના અવલોકનકાર્યમાં ભળી ગઇ.
જમાલ ને શુક્રાચાર્ય રણજીત બેનાપર મુક્કાબાજી કરવા રાજનિષ્ઠ તેમ જ ખુશામતીયો વર્ગ એક થઈ ગયો. રાણાએ તેમને અટકાવ્યા. બુદ્ધિધનઃ “સમરસેન, તું બીજા માણસો લઈ આ સુરંગનું મૂળ શોધી ક્હાડ. જોજે, સંભાળીને જજે. રાણાજી, આ જમાલ અને રણજીતને વિજયસેનને સોંપો. એમની ખાનગી તપાસ એકાંતમાં થશે –, કેમ, કામદાર સાહેબ ?” બુદ્ધિધને ચારેપાસ જોવા માંડ્યું.
ઉભેલા મંડળની પાછળથી બેઠેલા શઠરાયે ઉંડાણમાંથી જવાબ આપ્યો “હાં !"
“આવો, આવો, કામદાર, પાછળ કેમ બેઠા છો ? આજ કેમ આમ છે ?” રાણાએ શઠરાયનો સ્વર આવ્યો તેણી પાસ નજર કરી કહ્યું. સઉ ખશી ગયા અને માણસોની ઠઠની ભીંતો વચ્ચે રાણા પાસેથી તે શઠરાય બેઠો હતો ત્યાં સુધી એક સાંકડી ગલી બની. રાણાએ શઠરાયભણી ચાલવા માંડ્યું. ભોંયરામાંથી જમાલ નીકળ્યો અને શઠરાય આમ મંદ બન્યો તે જોઈ સર્વ તર્કારૂઢ થયા. આખરે શઠરાય ઉઠ્યો અને મંદગતિથી વ્હીલે મ્હોંયે રાણા ભણી આવવા માંડ્યું. તેને ઉઠતાં કાંઈ એવી વાર લાગી ન હતી, ચાલવામાં કાંઈ અસાધારણ મંદતા હતી નહી, અને તેના મુખની ક્લાંતિ હમેશાં ધ્યાન ખેંચે એવી ન હતી. પણ એની રોજની ચપળતા અને આજનો બનાવ સરખાવી સર્વેના મનમાં સ્વયંભૂ સૂચનાઓ ઉત્પન્ન થઈ આવી અને ૨જપૂત તેના ભણી જે સભ્યતા દર્શાવતો હતો તેમાં સર્વેને ભયંકર કૃત્રિમતા લાગવા માંડી. છાતી ક્હાડી જમણો હાથ લાંબો કરી રાણાએ કારભારીનો હાથ પકડ્યો અને બોલ્યોઃ
“મ્હારા અનુભવી રાજભક્ત કામદાર, આજ તમારી મદદની ખરેખરી અગત્ય છે. તમને ખબર છે કે–” (બુદ્ધિધન ભણી નજર કરી) “ અમારાં જુના સ્નેહીયોપર વિશ્વાસ રાખવાનો વખત રહ્યો નથી. ત્યારે, તમે આમ મન્દ રહેશો તો અમારે કોને શોધવા જવું ? જુવો, આ તરકટનો ભાવાર્થ શોધો, બોલાવો દુષ્ટરાયને.” કામદારનો હાથ ઝાલી રાખી તેની આંખ ભણી શકરાબાજના જેવી – ગરુડના જેવી – તીણી દૃષ્ટિથી ૨જપુત જોઈ રહ્યો.
“આહા ! વિશ્વાસુ કારભારીયોનો ખપ આવે પ્રસંગે જ પડે છે - તેમની કીમ્મત આવે સમયે જ જણાય છે !” મુછ આમળતો રાજા બોલ્યો.
રાણાનો અક્કેકો બોલ કારભારીને અંતર્માંથી ઉભો ને ઉભો બાળી મુકવા લાગ્યો; અક્કેકો અક્ષર તેને અકકેકા, પળે પળે દેવાતા, વિષદંષ જેવા, ચાટકા દેવા લાગ્યો; તેને આભ અને ધરા એક થયાં લાગ્યાં; પોતાના સર્વે મંડળમાં પોતાનું કોણ તે તેને ન સુઝ્યું. આખરે તેનું પોતાનું માણસ નીકળી આવ્યું. નરભેરામ પાછો આવ્યો હતો અને કેટલીક વાર થયાં કરવતરાયના કાનમાં કાંઈ લાંબી વાત કહ્યાં કરતો હતો. એ વાત થઈ રહી અને નરભેરામે ન્યાયાધીશનો કાન મુક્ત કર્યો એટલે કરવતરાયની દૃષ્ટિ શઠરાયપર પડી અને ભાઈની વિષદ અવસ્થા દેખી ભાઈ વહારે ધાયો.
ક૨વતરાયની પ્રપંચશક્તિ શઠરાયના જેવી ન હતી. તે દેખાવમાં પ્રતાપી ઓછો પણ કદાવર વધારે હતો. શઠરાયને કપાળે કરચલીઓ વળી હતી, તેને ધોળાં આવ્યાં હતાં, અને ઉતરતી અવસ્થા શરીર પર બેઠી હતી. કરવતરાય હજી દેખાવે જુવાન અને મજબુત હતો. તેની મુછોના થોભીયા ફક્કડ અને કાળાં ભમ્મર હોવા છતાં કંઈ કંઈ ધોળાશ આવી હતી તેના પર કલફ મજબુત લગાડ્યો હતો. તેની હીમ્મત શઠરાયના કરતાં ઘણી વધારે હતી અને મ્હોટા ભાઈના કરતાં મન ઓછું તાર્કિક હોવાથી દુ:ખ સહેવાની શક્તિ વધારે ધરતું હતું. એની આંખમાં શરમનો લેશ પણ ન હતો, હૃદય દયા અને ઉપકારને ઓળખતું ન હતું. બુદ્ધિ સત્ય અને ન્યાયે ચાલવાનું કારણ સમજતી ન હતી. આવું છતાં તેનું મન કુટુંબવત્સલ વધારે હતું અને ભાઈની અવસ્થા જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું; બધા સમજ્યા એટલું તો સમજ્યો પણ ભાઈને થયા હતા તેનાથી અધર્મ પણ વિચાર પોતાને થયા ન હતા એટલે “શું થનાર છે ?” એ વિચારથી મન મજબુત રહ્યું, અને ભાઈને પડખે આવી ઉભો. અને ભાઈના સામું જોઈ પછી રાણાના સામું જોઈ બોલ્યો:
“પ્રતાપી મહારાણા, આ રાજદ્રોહ તરકટ થોડીવારમાં આપણી પોલીસ શોધી ક્હાડશે અને અપરાધીયો કઠણ સજા ભોગવશે. આપના ચરણના પ્રતાપથી આ સર્વ પરિણામ પળવારમાં થયું સમજો, સુવર્ણપુરના મહારાણાના શત્રુ નાશ પામશે જ.”
“નિસંશય એમ થવાનું જ !” ભાઈને જોઈ કારભારીને બોલવાની શક્તિ આવી.
“ત્યારે બોલાવો દુષ્ટરાયને ! બુદ્ધિધન, લક્ષમાં રાખજો જે કારભારી ક્હે છે તે રાણાના શત્રુ નાશ પામશે !” ડોકું ધુણાવી રાણો કારભારી સાથે હસ્યો.
સ્મિત કરી અમાત્ય બોલ્યો, “રાણાજી, આપ તો નાશ પામશે કહો છો પણ હું તો એમ જ જાણું છું કે તેઓ નષ્ટ થયા જ.”
“દુષ્ટરાય ક્યાં ? – બુદ્ધિધન સરત રાખજો – રાજાઓની આગળ બોલેલા બોલ કરેલાં કામના કરતાં વધારે ભારે થઈ પડે છે.”
"નિઃસંશય !" સર્વ આ વાતોથી વિસ્મયમાં પડતા હતા. ક૨વતરાય મનમાં જય પામતો હતો – તે એવું સમજીને કે રાણો હવે રાજબાનું પ્રકરણ ક્હાડશે. શઠરાય એથી ઉલટું જ સમજ્યો; તેના પગ થરથરવા લાગ્યા, બુદ્ધિધન સામું કઠણ દૃષ્ટિથી – ઉંડા વૈરભાવથી - જોઈ રહ્યો. રાણા અને અમાત્યનો ક્રૂર સંવાદ તેણે અટકાવ્યો.
“મહારાણા, હવે વાતો કરતાં કામની વધારે જરુર છે. આ બાબતનું મૂળ શોધી ક્હાડવું જોઈએ. હમે બે ભાઈઓ અને સર્વ અમલદારોએ તરત નીકળવું જોઈએ. બુદ્ધિધન, આપણી સાથે ચાલો. આ કાર્યની તપાસ કરવી જોઈએ– તેમાં તમારી પણ જરુર પડશે જ –” કંઈક સારો વિચાર સુઝી આવવાથી કારભારી ટટાર થઈ બો૯યો. કંઈ પણ બ્હાને રાણાના પંઝામાંથી તરત છુટી જઈ – એને જ કલાવતી અને નરભેરામના પંઝામાં ર્હેવા દેઈ સઉ વાત હાથથી ગઈ માલમ પડે તો ગમે તો રાણાને જ આ દુનિયામાંથી વીદાય કરવો અથવા તેમ ન બને તો પોતે કુટુંબ અને દ્રવ્ય લેઈ સુવર્ણપુરમાંથી પોબારા ગણવા એ કલ્પના તેના મગજમાં તરી આવી. અમાત્યને પણ રાણા પાસે ર્હેવા દેવો નહીં એવું પણ ધાર્યું. આ છેલ્લો ધુમાડાનો બાચકો ભર્યો તેનો તેને લાભ મળે ! એ થવા ન દેવા જેટલી અકકલ ૨ાણામાં હતી જ.
"ના રે ના, કામદાર, હાલ તમને છુટા ન મુકાય. આજના બનાવથી હું અસ્વસ્થ થયો છું અને મ્હારા મનનું સમાધાન કરવા તમે અંહી જ રહો.”
કારભારીનો છેલ્લો પાસો ધાર્યો ન પડ્યો. તે નિરાશ થયો.
“દુષ્ટરાયને બોલાવો, કામદાર. આ બાબતમાં તમે કેમ સાંભળતા નથી ?”
શઠરાયે ઉત્તર ઘડી ક્હાડ્યો તે પ્હેલાં ક૨વતરાય બોલી ઉઠ્યો: “રાણાજી, આ નરભેરામ અહુણાં જ ઘેરથી આવ્યા તેમણે સમાચાર આણ્યા છે કે એ હાલ આવી શકે એવી તેના શરીરની અવસ્થા નથી.”
“હે ! શું થયું છે એમને ? અહુણાં તો દરબારમાં હતા. શું તમારા ઘરમાં પણ દગો ફટકો થયો છે કંઈ?”
“હાજી, કાંઈ એમ જ છે.” શઠરાય અને સર્વ ચમક્યા.
“શું હા ? શું થયું છે ? શું થયું છે ? નરભેરામ ?”
“જી મ્હારી જીભ ઉપડે એમ નથી; ક્ષમા કરો.”
“શું ? મ્હારી આજ્ઞા તમે નહી પાળો ?”
“જી, ક્હેનાર આ આવે.” ઘાયલ થયલો મેરુલો હાથ ઉપર લોહીવાળો પાટો બાંધી શ્વાસભર્યો દોડતો દોડતો આવ્યો, અને બુમ પાડતાં પાડતાં રાણાના પગ આગળ પડતું મુક્યું.
"જુલમ જુલમ, મહારાણા, આપના રાજ્યમાં જુલમ – મ્હારી વ્હારે કોઈ ધાવ રે – બાપજી !” કહી પોક મુકી. સીપાઈઓ તેની આસપાસ ભરાઈ તેને ઉઠાડવા લાગ્યા. દુષ્ટરાયની કૃપાના પાત્રની સીપાઈઓ આસનાવાસના કરવા લાગ્યા.
એટલામાં ખાડામાં પણ કાંઈ ગરબડાટ થયો, તેના ભણી સઉનું લક્ષ ગયું, અને થોડીવારમાં રઘી, નીચદાસ, અને ખોડાને સુરંગના મૂળ આગળથી હાંકતો હાંકતો સમરસેન પોતાના મંડળ સાથે આવ્યો.
સઉનાં લક્ષ્ય બહુપાસ ખેંચાયાં. ક૨વતરાયે પણ ભાગ્યનો ઓટ દીઠો. નરભેરામે કાનમાં કરેલી વાતથી તેનું અંત:કરણ નબળું પડ્યું હતું પણ પ્રસંગ સાચવવા તમાચો મારી ગાલ રાતો રાખવા પ્રયત્ન કરી જાણેલી વાત ઢાંકી રાણાસાથે દમભેર વાત કરી હતી. મેરુલાને જોઈ ઘરની બાબત ભય લાગ્યું, સમરસેનનો સાથ જોઈ બીજી પાસથી ભયદર્શન થયું.
દુષ્ટરાય એકલો ઘેર દેાડ્યો અને પ્હોંચ્યો તો ઓટલે સીપાઈઓ તડાકા મારતા હતા. તેમને વટાવી અંદર જાય છે તો બારણું બંધ. મેડીયે ચ્હડી ચોકમાં જોતાં તેની આંખ ફાટી. ચોકમાં રમનારાંયે મીયાંબીબીનો વેશ ક્હાડ્યો હતો. મેરુલો મીયાં બનેલો, રુપાળી અને ખલકનંદા બીબીયો બનેલી અને ભવાઈ ચાલી રહેલી. અગાશીમાં ખડખડાટ સાંભળી ખલકનંદા ચમકી અને સંતાઈ ગઈ. તરવાર લેઈ દુષ્ટરાય બીજે દાદરે થઈ ચોકમાં ગયો, અને આંખની શરમ વિના બીજી સર્વે મર્યાદાથી ભ્રષ્ટ થયલાંની આટલી રહેલી મર્યાદા પણ મુકાવી. દુષ્ટરાયને મત્સર ચ્હડયો અને મેરુલાપર તરવાર ખેંચી. મેરુલાને હાથે તરવાર વાગી, વાગતા સુધી શરમ રાખી, પણ વાગી એટલે શરમ તોડી ચાકર ધણીની સાથે દ્વન્દ્વયુદ્ધમાં પડ્યો અને દુષ્ટરાયની તરવાર ખેંચી લીધી. નિરાશ થયેલા દુષ્ટરાયે બુમ પાડી, ચોકનાં બારણાં ઉઘાડી દીધાં. સીપાઈયો અંદર આવ્યા, પણ તે આવતાં પહેલાં દુષ્ટરાયપર ઘા કરી પાછલે બારણેથી મેરુલો નાઠો. નાસતાં નાસતાં પોતે તરવાર સાથે પકડાય નહી માટે તરવાર રુપાળીના ભણી ફેંકી, “ઉગારજે કે મારજે” કરી, મંત્ર મુક્યો. તરવાર એક ખુણામાં પડી. દુષ્ટરાયને ઘા કારમો થયો અને જાતે નબળો હોવાથી જમીન પર પડ્યો. રૂપાળીચે બાજંદાવેડા કરવા માંડ્યા અને મ્હોં વાળવા તથા કુટવા લાગી. દુષ્ટરાયમાં બોલવાની તાકાત ન હતી. સીપાઈઓયે રૂપાળીને પકડવા વિચાર કર્યો પણ ઠીક ન લાગ્યું. આખરે બધાં બારણાં આંતરી બેઠાં, અને “બાઈ, કારભારી આવશે એટલે તમારા આ કામના સમાચાર ક્હીશું – તમને જવા નહી દઈએ” એમ રુપાળીને કહ્યું. રુપાળી તેમને ધમકાવી મેડીયે ગઈ; પુરુષનો વેશ લેઈ છાપરે ચ્હડી, દુષ્ટરાયની તરવાર લેઈ જોડના ઘરમાં ઉતરી, તે ઘરવાળાં ચમક્યાં અને પાછળ આવ્યાં, તેમને વટાવી તેમને ઉઘાડે બારણેથી રસ્તામાં નાઠી, એક એ ગલીયો બદલાઈ એટલે લોકનાં ટોળામાં ભળી જઈ નીરાંતે ચાલી – મેરુલાને ઘેર ગઈ. મેરુલાનો ભાઈ ઘરમાં હતો તેની પાસે વાતો કરવા મંડી, અને બારણાં અડકાવી, તેને સમાચાર ક્હી, મેરુલાની શોધ કરવા મોકલ્યો.
ભાઈના ઉપર વીતેલું તોફાન પરસાળના એક જાળીયામાંથી છાનુંમાનું જોઈ ખલકનંદા અજાણી બની ઢોંગ કરી પરસાળની મેડી પરના હીંચકા પર આંખો મીંચી સુતી.
દુષ્ટરાય શું કરે છે ને શી ગંમત થાય છે તે જેવાના રસથી તેમ જ તે જાણવું અમાત્યના કામને ઉપયોગી હોવાથી, દરબારમાંથી બ્હાર નીકળવાનું મળતાં શઠરાયે સોંપેલું કામ મુકી તેના જ ઘરભણી નરભેરામ ચાલ્યો. રસ્તામાં મેરુલો દેાડ તેં સંતાતો મળ્યો તેને પકડી ઉભો રાખ્યો અને સમાચાર જાણી લેઈ શીખામણ દીધી કે 'તું દરબારમાં અહુણાં જ જા અને દુષ્ટરાયના સામી તું જ ફરીયાદ કર – તેનો તારો અસ્ત થવા બેઠો છે માટે તું કહીશ તે મનાશે. સંતાઈ (પેંસી)શ તો ગુન્હેગાર ઠરી મરીશ.' કેવી રીતે દરબારમાં વાત કરવી તે પણ શીખવી. મેરુલો ક્હે. 'મ્હારે ઘેર જઈ પછી દરબારમાં જઈશ. મરવા પડેલા દુષ્ટરાય વિના મને કોઈએ દીઠો નથી, ને દેખનાર મ્હારી વાત નહી કરે–પણ મ્હારા ભાઈને સાવધાન કરી આવું.' રસ્તામાં ભાઈ મળ્યો. એ ભાઈ ઘેર ગયા. રુપાળીને મળ્યા – તેને મેરુલાએ ભાઈની સાથે બે ત્રણ ગાઉ છેટે બીજા રાજ્યના ગામડા ભણી રવાને કરીપોતે દરબારમાં આવ્યો. નરભેરામ ત્યાંથી જેલ ભણી જાય છે તો રામભાઉ અને તર્કપ્રસાદ પોતાનાથી પ્હેલા જઈ પહોંચેલા, કારણ તેઓ ઘોડાગાડીમાં નીકળ્યાં હતા. વાણીયો જેલમાં તેમને મળ્યો અને સર્વ સમાચારનું રામભાઉએ ટીપ્પણ કર્યું. નરભેરામ તે સર્વ જાણી, ઉતાવળે પગે દરબારમાં પાછો ફર્યો અને શઠરાય રાણા સાથે વાતોમાં હોવાથી ક૨વતરાયને સઉ સમાચાર કહ્યા તેમ જ એવું પણ કહ્યું મને રસ્તામાં ઘાયલ થયલો મેરુલો મળ્યો અને તે દુષ્ટરાયના સામી ફરીયાદ કરવા આવનાર છે. મેરુલો શાથી ઘાયલ થયો તે કારણ પણ કહી બતાવ્યું – કુટુંબની લાજ ગઈ જાણી કરવતરાયને ક્લેશ થયો. દરબારમાં એ વાત ક્હી નહી બતાવાય એ નક્કી. તેમાં ઉલટો ચોર કોટવાળને દંડે – મેરુલો ઉલટો ફરીયાદ કરવા આવ્યો જોઈ શું ક્હેવું તે સુઝયું નહી. દુષ્ટરાય પોતે ઘાયલ થયાની વાત નરભેરામે કરી નહી.
મેરુલાને ઘાયલ સ્થિતિમાં જેઈ સઉ ચમક્યા અને ફરીયાદનું કારણ પુછયું. શઠરાય કારણ જાણતો ન હતો – તે એને પોતાનો ગણી જમીન પરથી ઉઠાડવા ગયો.
"કામદારસાહેબ, મ્હારો બચાવ હવે આપ કરી શકો તેમ નથી. મ્હોટાભાઈની જ સામી મ્હારે ફરીયાદ છે.”
શઠરાય ચમક્યો અને આઘો ખસ્યો.
“રાણાજી, મ્હેં કામદારનું લુણ ખાધું છે. તેમના ઘર સામે ફરીયાદી કરવી એ મને ઘટતું નથી. પણ હવે ન ચાલ્યે કરવી પડે છે. ફોજદારસાહેબની કાંઈક રાજદરબારી છાની વાત મ્હેં જાણી તે એમના જાણવામાં અાવ્યું અને મ્હારા પેટમાં છાની ર્હેશે નહીં જાણી મ્હારી આ દશા કરી છે. જો હું નાઠો ન હત તો મને પુરો કરત. મને હવે ઘરમાં જતાં પણ બ્હીક લાગે છે માટે અહીં આવ્યો છું.”
"એવી શી વાત હતી ?” રાણાએ પુછ્યું.
“અરે, બાપજી, તે વળી આપને કહેવાય ? હોય એ તો. ખટલા છે. પણ, માબાપ, મને મ્હોટાભાઈએ ધાર્યો એટલા હલકા પેટનો હું નથી. મ્હારે માગવાનું એટલું છે કે ગમે તો મ્હારી ફરીયાદનો નીવેડો આવે ત્યાંસુધી કે ગમે તો હું મ્હારે ગામ જવા નીકળવા પરવારું ત્યાંસુધી અાપનાં વિશ્વાસુ માણસોની ચોકી આપો કે પોલીસના સીપાઈઓ મને સતાવે નહી. મ્હારે બીજુ કાંઈ નથી જોઈતું. હું ગરીબ માણસ છું.”
“પણ એ છાની વાત શી ? તું જુઠ્ઠો કે સાચો તે શું જણાય ? કેવો હરામખોર – પુછ્યું તેનો જવાબ નહી !” .
“અરે રાણાજી - ૯યો ત્યારે કહું પણ–પણ એકલા આપને કહું.” કરી શઠરાય ભણી બ્હીકની નજર કરી.
“તું શું જુઠ્ઠું બકે છે તે જાણવાનો એમને પણ - હક છે. બોલ અને ખોટું બોલ્યો તો મરવાનો.”
“તો રાણાજી – આ તો ઉલટી બલા થઈ — માફ કરજો કામદારસાહેબ – ન ચા૯યે કહી દેઉં છું. રાણાજી, આપની વાડીમાં પાછળ તળાવ છે ત્યાંથી બાસાહેબના ઓરડા સુધી કાંઈક ભોંયરામાં રસ્તો કરવાની વાત કામદારે કરી હશે તે મને ખબર પડી – અરે કામદારસાહેબ, હું ધ્રુજવું છું – મ્હારા - પર ગુસ્સો ન કરશો – અરે જમાલ અંહી ઉભો છે કે-લ્યો રાણાજી – એ જ માલ બધી વાત જાણે છે – એને પુછજો – માબાપ, હવે મને જવા દ્યો – મને વધારે ન પુછશો – સઉ જમાલ ક્હેશે.”
“હરામખોર ! – લેઈ જાઓ એને વિજયસેન !”
“મહારાણા, પણ ફરીયાદી કરવા આવીયે ત્યારે સજા થાય એવો આપનો ધારો હોય તો મ્હેં ભુલ કરી – હવે નહી ફરીયાદી કરું ! આપ લોકને પાળનાર છો. મને ઘેર જવા દ્યો – આપના કેદખાના કરતાં મ્હારું ઘર સારું છે. પોલીસનાં માણસ મને કનડશે તો જે થશે તે ખરું પણ મ્હેં એવો ગુન્હો નથી કર્યો કે મને કેદ કરો.”
હીમ્મતવાન બોલકણા મેરુલાને જોઈ ૨ાણો વિસ્મય પામ્યો. “જા જા, ઘેર જા. વિજયસેન, એને ઘેર જવા દે અને એની ફરીયાદની તપાસ કરવાનું તને સોંપું છું.”
મેરુલેો સલામ કરી ગયો.
“જોયું, કામદાર, શા લુચ્ચાં માણસો હોય છે ? ઘરમાં – રાજયમાં – માણસો રાખવાં તે વિશ્વાસુ ને બુનીયાત હોવાં જોઈએ – નીકર આવું થાય. મ્હારા વિશ્વાસુ અમલદારો સામે આવું તહોમત મુકતાં એની જીભ ન કપાઈ ! ધણીનું ઘર ફોડતાં એનું કાળજું કેમ ચાલ્યું ? આશ્ચર્ય છે કે તમારા જેવાનું લુણ ખાઈ તેનો ગુણ એનામાં ન આવ્યો:” કરી રાણો ભમ્મર ચ્હડાવી ગંભીર બની કારભારી સામું જોઈ રહ્યો.
એટલામાં રામભાઉ અને તર્કપ્રસાદ પાછા આવ્યા. શઠરાયે જોયું કે રામભાઉને લાંચ આપવાનો અવસર હવે ગયો હતો. વાણીયો કેદખાનામાં રામભાઉને મળ્યો હતો અને સર્વ હકીકત કહી હતી. વાણીયાની બાબતમાં સાહેબની એકલાની જ આંખમાં ધુળ નાંખવાની હતી તો લાંચ આપવી એ સ્હેલી વાત હતી. અને એમ જાણીને જ એની કલ્પના કરવામાં અાવી હતી. પણ હવે તો એ બનાવનો લાભ લેવા રાણો જ તત્પર થશે એ શઠરાય સમજયો. નિ:શ્વાસ મુકી તેણે મનમાં વિચાર કર્યો: “આભ ફાટયું ત્યાં થીંગડા નકામાં. રામભાઉ ગયો ત્યારે જુદી અવસ્થા દેખાતી હતી – હું કારભારી હતો. હવે એ અવસ્થા બદલાઈ - શઠરાય ! પઈસા ખરચ્યે છુટકો થાય એ વખત ગયો.” રામભાઉ વાણીયા બાબત શઠરાયને અને કરવતરાયને માથે તહોમત મુકી બોલ્યો:
“રાણાજી, સાહેબને આપની બાબત ઘણો ઉંચો અભિપ્રાય છે. પણ આવા કારભારીયોથી આપને હાનિ પ્હોંચશે. ખરી વાત છે કે એ કારભારી જુના છે – પણ એ જુના રોગ છે. આપના રાજ્યના જુલમ વીશે કેટલી બુમ છે તે સાહેબ સારી પેઠે જાણે છે. પણ સુધારાની આશા રાખી આજ સુધી કાંઈ બોલ્યા નહી. એ આશા ખોટી નીકળી. જો એમ જ એમના મનમાં હત કે સુધારો થઈ શકનાર જ નથી તો સાહેબ જુદા ઉપાય લેત. પણ એમ નથી. સાહેબના મનમાં ખાતરી છે કે કારભારીયો આપના સુધી પોકાર આવવા દેતા નથી અને આપ જાણો તો એવા જુલમ થવા દો એમ નથી. આપના રાજ્યમાં સારાં માણસ નથી જ એમ સાહેબના મનમાં હત તો સાહેબ કોઈ બ્હારના માણસની ભલામણ કરત. પણ એમને સારી માહીતી છે કે આપના રાજ્યમાં પ્રવીણ, પ્રમાણિક, અને પ્રજાનું હિત ઈચ્છે એવાં માણસ નથી એમ નથી. આજ કારભારીના બળથી એમનું ચાલતું નથી પણ સાહેબ ધારે છે કે રાજ્યની ખરી સ્થિતિ આપ જાણશો ત્યારે તેમનું બળ ચાલશે અને પ્રજા સુખી થશે. આથી વધારે વાત મ્હોંયે કરવા મને હુકમ નથી. સાહેબ પાસે અને સરકારમાં આપના રાજ્ય સામી કેટલી અને કેવી રીતની ફરીયાદ થઈ છે તે જણાવવા આ સર્વ અરજીયોના કાગળ સાહેબ મોકલે છે તે હું આપની પાસે યોગ્ય તપાસ સારું રજુ કરું છું. આ ઈંગ્રેજી વર્તમાનપત્રો સાહેબે મોકલ્યાં છે તેમાં આપના રાજ્યનાં સારાં નરસાં માણસોનું વર્ણન છે. તેની તુલના સાહેબ આપને સોંપે છે. સાહેબ જાતે ઘણું ખરું વર્તમાનપત્રો પર વિશ્વાસ રાખતા નથી, પણ આ બાબતમાં એ પત્રોનો અને એમનો અભિપ્રાય એક છે એટલે સવિસ્તર હકીકત જણાવવા એ પત્રો જ મોકલ્યાં છે તે કોઈ પ્રમાણિક ઈંગ્રેજી ભણેલા માણસ પાસે વંચાવી સમજી લેશો. હાં, બીજી વાત સાહેબ તરફથી એ ક્હેવાની છે કે આપ સમજો છો કે જમાનાની પાછળ ન પડી જવું એ આજ જરૂરનું છે અને એ વાત આપને ધ્યાનમાં લેવાની છે. જમાનો કેવો છે તે જાણવા ઈંગ્રેજી વિદ્યા જાણનારા અને તેવા ન મળે તો ઈંગ્રેજી રાજ્યની નીતિ રીતિ જાણનાર માણસો હળવે હળવે આપે મેળવવા યોગ્ય છે. એ ઉપરાંત જે ક્હેવાનું છે તે કાગળ સાહેબે પોતે આપેલો છે તે ઉપરથી સમજશો. મ્હારે સાહેબ તરફથી હવે કાંઈ ક્હેવાનું બાકી નથી. પણ મ્હારે જાતે આપને કાંઈક વિનંતિ કરવાની છે તે છાની વાત નથી એટલે આ મંડળ વચ્ચે કહું તો અયોગ્ય નહી ગણો. હું પણ આપના રાજ્યનું સારું ઇચ્છું છું. અને હું તો શીખામણ દેવા લાયક નથી પણ મ્હારી શીખામણ આપને સાંભળવા લાયક હોય તે ક્હેવાની રજા માગું છું કે રસલસાહેબ જેવા સારા સાહેબ ૨જવાડામાં ક્વચિત જ આવતા હશે, અને તેમને દરેક અક્ષર સોનાના મુલનો માનજો. સાહેબને આપના અમાત્ય સારી રીતે ઓળખે છે અને હું કહું છું તે કેટલા પ્રમાણમાં ખરું છે તે વાત મ્હારા કરતાં વધારે છટાથી, વધારે શક્તિથી, અને વધારે અનુભવથી આપના એ વિશ્વાસુ અમાત્ય કહી શકશે. એ સાહેબે એજંસીમાં નોકરી કરી છે, આપના હાથનીચે પણ નોકરી કરી છે, સાહેબ એમને સારી રીતે ઓળખે છે, અને એમના ઉપર આપનો વિશ્વાસ છે તે એજંટસાહેબ યોગ્ય માને છે. એવાં માણસો છે ત્યાંસુધી આપનું અને આપના રાજ્યનું કલ્યાણ છે એમ સાહેબ માને છે અને સાહેબની શીખામણ પ્રમાણે વર્તવાથી કેટલો લાભ છે તે અમાત્ય સાહેબ ક્હી શકશે. તે સર્વે સાંભળવું, ન સાંભળવું એ આપની મુખત્યારીની વાત છે. અને એ મુખત્યારીને અંગે સારાં નરસાં પરિણામનું જોખમ અાપને જ વ્હોરવાનું છે. અમે તો માત્ર બોલવાના અધિકારી. રાજ્યની લગામ આપના હાથમાં છે અને પરિણામની લગામ ઈશ્વરના હાથમાં છે. સદ્બુદ્ધિવાળાને ઈશ્વરની લગામ કદી ખુંચતી નથી. મ્હારે હવે કાંઈ કહેવાનું બાકી રહેતું નથી. કામદારસાહેબ, મ્હા૨ાઉપર ખોટું લગાડશે નહી. હું તો ચીઠ્ઠીનો ચાકર છું.”
ભાષણ પુરું થઈ રહ્યું. સર્વ મંડળ ચિત્રપેઠે સ્તબ્ધ થઈ ગયું હતું તેવું જ પળવાર રહ્યું, અને પોતાના સીપાઈના હાથમાં નેતરની પેટી હતી તેમાંથી ન્યુસપેપરો અને અ૨જીયોના કાગળના થોકડા રામભાઉ રાણાની સાથે ઉભેલા બુદ્ધિધનને આપતો ગયો તેમ તેમ સર્વ અમલદારો એકબીજાના મ્હોં સામું જોવા લાગ્યા, એકબીજાના કાનમાં પ્રશ્નોત્તર કરવા લાગ્યા, અને પોતાના અને પારકાઓના લાભાલાભના વિચાર મનમાં ક૨વા લાગ્યા. આખરે સાહેબના કાગળવાળું એક જરા મ્હોટું ચતુષ્કોણ પરબીડીયું ૨ામભાઉએ આપ્યું તે ફોડી રાણાએ વાંચ્યું અને કાંઈક વિચારમાં પડી ઉત્તર આપ્યો:-
“રામચંદ્રરાવ, સાહેબ મ્હારા હિતેચ્છુ છે તે ક્હેવું પડે એમ નથી. આ કાગળમાં જે મમતા એ બતાવે છે તે ઘણી છે. સાહેબની શીખામણ વ્યાજબી છે અને તેનું ખરાપણું સમજાય એવા બનાવો આજ જ મ્હારા ૨ાજ્યમાં બન્યા છે તેથી મ્હારી આંખ ઉઘડી છે. હું દીલગીર છું કે મ્હારા વિશ્વાસનું દાન અપાત્રે થયું નીવડ્યું. તમે ઉતારે જાઓ અને જમો. કલાક બે કલાકમાં હું ઉત્તર મોકલીશ.” રામભાઉ સલામ કરી ગયો.
શઠરાય નીચું જોઈ રહ્યો હતો. બુદ્ધિધન રાણાનો હુકમ સાંભળવા તેના સામું જોઈ રહ્યો હતો. બીજા સર્વ અમલદારો રાણાના મ્હોંમાંથી શા અક્ષર નીકળે છે તેની વાટ જોતા હતા. કપાળે, આંખોપર, અને આખરે મુછો પર હાથ ફેરવી રાણે બોલ્યો:
“બુદ્ધિધન, મ્હારું મગજ આજ ગુંચવાઈ ગયું છે. કામદાર, હું બહુ દીલગીર છું. આ કાગળો અને છાપાં જોવાઈ રહે, તેમાં લખેલી બાબતોની તપાસ થાય, મ્હારા મ્હેલમાં જે ખટપટ જણાઈ છે તેનો સાર હાથ લાગે ત્યાં સુધી તમારું નસીબ મ્હારા હાથમાં નથી. પણ હવે મ્હારે ભરમ ફોડવો જોઈએ. તમે અને તમારું મંડળ અતિ દુષ્ટ છે - એમાં કાંઈ સંશય નથી. બુદ્ધિધનનો વિનાશ કરવા મ્હાવાયે જે કાગળો મને આપ્યા છે તે ખોટા છે, તે કોણે લખ્યા છે, અને તે પ્રપંચનું મૂળ તમે છો એ હું સારી રીતે જાણું છું અને તેને વાસ્તે તમને શિક્ષા થવી જોઈશું. હું બહુ જ દીલગીર છું - મને તમારા ઉપર ઘણો જ ક્રોધ ચ્હડે છે. અરે રે, માણસ માણસમાં શું ફેર હોય છે ? ક્યાં બુદ્ધિધન અને ક્યાં તમે ? શું મ્હેં તમારું ઓછું સારું કર્યું છે ? શું મ્હેં તમને કોઈ વાતમાં ન્યૂનતા રાખી છે ? તમારા ઉપર વિશ્વાસ કેટલો રાખેલો ? તેનું ફળ આવું ન ઘટે !” એમ કહી માથું મંદ કંપાવ્યું.
“બસ, હવે મને દયા નથી. બુદ્ધિધન, દયા રાખવાની, નરમાશ રાખવાની, વેર ભુલી જવાની, અપકારને સટે ઉપકાર કરવાની, અને એવી હજારો શીખામણો તમે દીધેલી તે મ્હારો ક્ષત્રિયનો સ્વભાવ ભુલી – વશ કરી – આજ સુધી મ્હેં માની. પણ હવે તે થનાર નથી. અરે રે ! જે માણસને બચાવવા તમે આટલો શ્રમ લીધો તે જ માણસ અતિ-નીચ રીતે તમારો નાશ કરવા પ્રપંચ રચે એ કેવી વાત ! એ તો સારું છે કે ઈશ્વર મને સારી બુદ્ધિ આપે છે. નીકર તમારું શું થાત ? અરે, એટલાથી જ આ રાક્ષસને સંતોષ નથી વળ્યો, પણ કમઅક્કલે મ્હારા મ્હેલમાં – મને પોતાને – બસ, એ વાત હું નથી ક્હેતો. કોણ એવો આંધળો છે જે તે આ સર્વ જોઈ શકતો નથી ? અમલદારો, જે ડાહ્યા હો તો દેખો છે તે ઉપરથી શીખામણ લેજો. તમારો રાણો બીજા રાણાઓ જેવો આંધળો નથી. પણ એ પોતાની આંખે દેખે છે. ભલા બીચારા રસલસાહેબ ! એ જાણે છે કે શઠરાયે રાણાની આંખમાં ધુળ નાંખી છે, પણ જાણતા નથી કે સઉ જાણતાં છતાં રાણાએ ગમ ખાધી છે. મ્હારી ગરીબડી પ્રજા ઉપર વીતતો જુલમ મને અંધારામાં નથી ગયો, પણ એ તો આ બુદ્ધિધન હોય નહી અને શઠરાય આજ સુધી કારભાર કરે નહી. પણ હવે તો બસ ! પાપનો ઘડો ભરાયો અને મેળે જ ફુટ્યો. હવે બુદ્ધિધન, હું તમારું કહ્યું નહી માનું.”
“ વિજયસેન ! વિજયસેન ! કામદાર અને એના ભાઈ અા કરવતને કાચી જેલમાં ત્હારા કબજામાં રાખ. પેલા નીચ દુષ્ટરાયને પણ પકડી અાણ અને ત્રણે જણને જુદા જુદા રાખ. ખબડદાર, જો કોઈ પણ છુટવા – અથવા કોઈની સાથે વાત કરવા –પામ્યા તો ! ત્હારું પોતાનું માથું જેખમમાં નાંખવું હોય તો તેમ થવા દેજે. એ બેના ઘર પર તાળાં લગાવ અને સખત જાપતો કર.”
બુદ્ધિધન અચિંત્યો રાણાને પગે પડ્યો અને હાથ જોડી બોલી ઉઠ્યોઃ “દીનાનાથ ! એક વિનંતિ છે–”
“અરે ઉઠો, આ નાટક વળી શું ક્હાડ્યું ? ઉભા ઉભા માગો ને કરો જોઈએ તેટલી વિનંતીઓ, કોણ ના ક્હે છે ? ”– એમ કહી રાણાએ અમાત્યનો હાથ ઉંચો ખેંચવા માંડ્યો.
“ના, રાણાજી, ના; વિનંતિ સાંભળો અને સ્વીકારો; પછી ઉઠીશ. મ્હારા જાતભાઈ – અાઘેના પણ મ્હારા સગા - આ ગૃહસ્થોનો જેલમાં - ધર્મ સચવાય નહી એવે ઠેકાણે મોકલવા ન ઘટે. એમના જેવાં આપને થવું નથી ઘટતું !”
“બહુ સારું. બહુ સારું. એમ કરો - વિજયસેન, જા એમને બીજે કોઈ ઠેકાણે પણ જાસાબંધ રાખજે અને એમને ખાવા પીવાનો ! બંદોબસ્ત બરોબર કરજે. કેમ, હવે કાંઈ જોઈએ બીજું – એમને જલેબી ઘેબર ખાવાનો બંદોબસ્ત કરીચે ક્હો તો !"
“ના, રાણાજી, એટલી કૃપા હાલ બસ. પછીની વાત પછી.”
રાણો : “વિજયસેન, પેલી રાંડ દુષ્ટ કલાવતીને પકડો અને ઘસડીને એને તો નક્કી જેલમાં લઈ જાઓ. એનાં ભારે કસબી વસ્ત્ર ધુળમાં ઘસડાય, એનાં ઘરેણાં વેરણછેરણ થઈ રસ્તામાં પડે અને ભીખારા રંક લોકને જડે – એવું એવું જોવાને મ્હારી મરજી થઈ છે. વિજયસેન, નીચમાં નીચ – કાળામાં કાળો – કદ્રૂપામાં કદ્રૂપો અને ગંદામાં ગંદા કોઈ ગોલો અથવા ઢેડો – એ રાંડને આખે શરીરે, મ્હોં પર, અને વાળમાં ધુળ ભરો, રાખ ભરો, અને કાજળ ચોપડે એ હું જોઈશ. અને આ બીજા જે જે લુચ્ચાઓ છે તેમને પણ કબજામાં રાખવા. બધાની તપાસ અને બધાનો ઈનસાફ થશે.” “જયમલ !” – જયમલ પાસે આવતાં રાણાએ કાનમાં કહ્યું;– “એક ઘણું વસમું કામ તને સોંપુ છું, રાણીનું મ્હોં જોવા હું ઈચ્છતો નથી. તેને આપણા જુના મ્હેલમાં લઈ જવી અને ત્યાં જ રાખવી.”
"બુદ્ધિધન, તમે ચાલો મ્હારી સાથે. આ સર્વ ગુંચવારામાંથી છુટવા સારુ બાંધછોડ કરવાને હવે મ્હારે તમે જ રહ્યા.”
“અમલદારો, આજ મ્હારો જન્મદિવસ છે તે તમને ખબર છે. એ દિવસનો આરંભ અાજ ખુશાલીમાં ન ગયો, પણ–હરકત નહી. આજના કામથી મ્હારી જુલમમાંથી છુટેલી પ્રજા આ બનાવોથી આનંદ પામશે અને તે મ્હારે મન ઉત્સવ જ છે. વળી પાંચ વાગ્યાનો દરબાર રીતસર ભરાશે અને તે વખત હું તમને પૂર્ણ ઉત્સવનું કારણ આપીશ. એ ઘાટ કેમ ઉતારવો તે હું અને અમાત્ય અત્યારે એકાંતમાં જઈ વિચારીયે છીયે.”
“શઠરાય, આપણે હવે જુદાં થવું પડે છે. હું દીલગીર છું પણ મ્હારો દોષ ક્હાડી ઈશ્વરના વધારે અપરાધી ન બનશો. સારું પ્રારબ્ધ સંચિત કરવાનો અવકાશ ઈશ્વરના રાજ્યમાં સદૈવ છે.”
રાણો અમાત્યને આંગળીયે લઈ ચાલ્યો અને સઉને અદ્રશ્ય થયો. પોતે અદ્રશ્ય થતાં થતાં બુદ્ધિધને પ્રમાદધન અને નવીનચંદ્રને ઘેર જવા સાન કરી.
રાણાના તત્ત્વત: સત્ય અક્ષરને મનમાં પણ ઉત્તર દેવાની શક્તિ શઠરાયે અનુભવી નહી. તેના શરીર પર એનાં એ વસ્ત્ર હતાં, તેનાં અવયવો પણ એનાં એ હતાં, તે પોતે પણ એનો એ હતો. તે પણ સુવર્ણપુરના રાજય મ્હેલમાં મધ્યાહ્ન સૂર્યની પેઠે ઉગ્રરૂપે આવ્યો હતો તે ત્યાંથી નીકળતી વખતે અસ્તકાન્તિ ધ૨વા લાગ્યો. સર્વની અવલોકન વૃત્તિ ઉપર નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો તે પદભ્રષ્ટ થયો. તો પણ હોલાતી વાટને મ્હોંયે ર્હેતા મોગરા પેઠે તેના મુખ ઉપર ગુમાન દેખાતું હતું. એટલું કે સમયને અનુચિત, નિષ્ફલ, નિષ્પ્રકાશ અને નપુંસક હોવાને લીધે એ ગુમાન પર કોઈએ દ્રષ્ટિ ન કરી. આ અસ્તમાન કારભારી ઉપર સઉ ઉદાસીન વૃત્તિથી જોવા લાગ્યા. જે રાજમ્હેલમાં આવી, રાજાઓ, અમલદારો, અને પ્રજા ઉપર તેણે ઘણાંક વર્ષ સુધી અધિકારને અમર માની નિષ્કંટક સત્તા ચલાવી હતી તેની રજા લઈ - તેમાં ફરી ન આવવા સરજેલો – તે શુન્ય ગોઝારો થયો હોય તેવી વૃત્તિ અનુભવતો, તેને પોતાને વાસ્તે લાયંકર અરણ્ય જેવો લેખતો, નીચી દ્રષ્ટિ ઘડી ઘડી પાછી ફેરવતો શઠરાય તેમાંથી નીકળ્યો - નીકળીને એકવાર ઉભો રહી પાછો ફરો નિ:શ્વાસ મુકી ઉંચું જોઈ મ્હેલને નીચેથી શિખર સુધી ન્યાળી ૨હ્યો– અને આખરે અહીં ઉપરથી અને મનમાં રહ્યું હોય તો ત્યાંથી પણ ગુમાન ઉતરી ગયું, અને એ ગુમાન મ્હેલના અંગનું હોવાને લીધે શઠરાયની જગા લેનારની સેવા કરવા તે લેનારને શોધતું શઠરાયને રાજઉદ્યાનના દ્વાર આગળથી વળાવી પાછું વળ્યું. શઠરાયની આંખમાં આંસુનું એક બિંદુ આવ્યું. વિજયસેને સોંપેલા નવા પરિવારનાં વધારે ત્વરાવાળાં પગલાં જોડે પોતાને દોડવું પડતું હોય એવા શ્રમવિકારના અનુભવમાં આંસુનું એ એક બિંદુ પણ અદ્રશ્ય થયું. સીપાઈએ પોતાના વેગને અનુસરે તેને ઠેકાણે પોતાને સીપાઈઓના વેગને અનુસરવું પડ્યું. આ પરિવાર - વિપરીતતા અનુભવતો વિપરીત દશાનો વિદ્યાર્થી, કારભાર પરિવર્તની વાતો કરતા કરતા લોકની કદીક નજરે પડતાં, તેમની અંગુલિદર્શનનું–ક્ષણિક દયાનું–અને આખરે સંતોષનું પાત્ર થતો થતો, ભાઈ શીવાય બીજા કોઈ સમોવડીયાના સાથ વિનાનો, લોકસંઘમાં પરિવારની મદદથી માર્ગ મેળવતો, રાજઉદ્યાનના દરવાજામાં ઉભેલાઓની વૃષ્ટિને અગોચર થયો. જનતાના વિચારમાંથી પણ તેને ખસેડનાર મળ્યું. તેની બાબતના – પ્રાત:કાળના દરબારના - વિચારો સાંઝે ભરાવાના દરબારના તર્કવિતર્ક આગળ જરી જરી અદ્રશ્ય થવા લાગ્યા.
મ્હેલમાં પેંસતી વખત કલબલાટ મચાવી મુકનાર મંડળ, રાણો અદ્રશ્ય થતાં અંદરથી મધ્યરાત્રિના જેવી શાંતિ મ્હેલમાં ઉત્પન્ન કરી, નીકળ્યું. એક શબ્દ પણ કોઈના મુખમાંથી નીકળતો ન હતો. રામાયણ કે મહાભારત વાંચી ઉઠ્યા હોય અને વિચારલીન થયા હોય તેમ સર્વ ભાસવા લાગ્યા. આખા મંડળના મુખ ઉપર ગંભીરતાની ગંભીર છાપ પડી. મડદું બાળી, રાખ કરી, રોવું કરવું છેડી દઈ સ્મશાનમાંથી પાછા ફરનાર મંડળની પેઠે સર્વે નીકળ્યા અને જમીન પર પડતા અનેક પગના ઘસારા શીવાય કાનમાં બીજો સ્વર જતો ન હતો. એમ શઠરાયની પાછળ અાવ્યા હતા તે એના વિનાના એકલા પાછા ગયા.
સઉની પાછળ નવીનચંદ્ર અને પ્રમાદધન બે ત્રણ સીપાઈઓ સાથે નીકળ્યા. બંને જણનું ભય જતું ર્હેવાથી નિર્ભય થયા હતા અને તેથી તેમના મુખ ઉપર પણ શાંતિ હતી, તેમની સાથે આવેલું મંડળ પણ જુદું પડી ઘેર ચા૯યું.
મ્હેલમાંથી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતોઃ
"બળ–અબળ ! તમને રચનાર 'સમય' જ છે - બીજું કોઈ નથી ! માનવી ! ત્હારું અભિમાન નકામું છે. શઠરાય, ત્હારી હીકમત હારી નથી, પણ ત્હારો સમય હાર્યો છે.”
ચાલતાં ચાલતાં બાગનો દરવાજો આવ્યો એટલામાં પાછળથી દોડતો દોડતો સમરસેન આવી પહોંચ્યો.
“પ્રમાદભાઈ ભાઈસાહેબ બોલાવે છે આપને. નવીનચંદ્રભાઈ. આપ ઘેર વ્હેલા પધારો અને ભાઈસાહેબ અને પ્રમાદભાઈ પણ થોડી વારમાં ઘેર આવશે. અરે, રામસેન, જા નવીનચંદ્રભાઈ સાથે.”
આ આામ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથાપર પંખીયો ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઈ કંઈ વિચાર તરવરવા લાગ્યા.