સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન

← કારભારી અને કારભાર : દિગ્દર્શન સરસ્વતીચંદ્ર ભાગ ૧
રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન
ગોવર્ધનરામ ત્રિપાઠી
રજા લીધી →


પ્રકરણ ૧૯.
રાત્રિ સંસાર.
જ્વનિકાનું છેદન અને વિશુદ્ધિનું શેાધન.[૧]

"The Crescent Moon, the Star of Love,
Glories of evening, as ye there are seen
With but a span of sky between–
Speak one of you, my doubts remove,
Which is the attendant Page and which the Gueen ?”

- Wordsworth’s Evening Voluntaries.

“ઉદયમાન ચંદ્રકલા ! શ્રૃંગાર-તારા ! સંધ્યા સમયની કીર્તિ - મૂર્તિઓ! આકાશના માત્ર એક તસુનું જ અંતર રાખી પાસેપાસે તમે બે જણીયો પણે આગળ ઉભી રહેલી દેખાવ છો તેમની તેમ રહીને – તમારા બેમાંથી એક જણ બોલો – મ્હારી શંકાનું સમાધાન કરો - તમારા બેમાં પરિચારિકા કોણ અને રાણી કોણ ? ”[૨]

- વર્ડ્ઝવર્થનાં સંધ્યાસમયનાં યદૃચ્છકાવ્ય.[૩]

તિનો દોષ પતિવ્રતાના મનમાં ન વસ્યો અને લીલાપુર જવા તે નીકળ્યો ત્યાંસુધી તે તેની જ સેવામાં રહી. અંતર્નું દુઃખ ભુલવા કરેલો પ્રયત્ન સફળ થયો લાગ્યો. પ્રમાદધન ગયો એટલે તે નીચે ઉતરી અને નણંદની આસપાસ ભરાયેલી કચેરીમાં ભળી. વરઘેલી બની દિવસ સમયે વરની પાસે આમ આટલી વાર બેસી રહી તે વીશે સર્વેયે એની પુષ્કળ મશ્કેરીયો કરી અને સર્વના આનંદમાં વધારો થયો. કોઈને કાંઈ કામ ન હોય તેમ સર્વ જણે આખો દિવસ અલકકિશોરીની આસપાસ કુંડાળું વળી ભમ્યાં કર્યું.


  1. જ્વનિકા=પડદો – શેાધન=સેનાને અગ્નિમાં નાંખી પરખવું.
  2. *શૃંગાર તારા=શૃંગારરસની તારા=શુક્ર- તારા=તારો. પરિચારિકા પરિચર વર્ગમાં ર્‌હેનારી દાસી. સાહેલી.
  3. *ઉડતી ઈચ્છાએ સૂચવેલાં - તરંગે સુઝાડેલાં – પેાતાની મેળે જ રચાઈ ગયલાં–કાવ્ય.

પાછલે પ્હોરે સૌભાગ્યદેવી કથા ક્‌હેવડાવતી હતી અને આજ સાવિત્રીઆખ્યાન ચાલતું હતું. એ કથામાં પણ આજ નિત્યના કરતાં વધારે મંડળ હતું. એ કથામાં અલકકિશોરીને રસ પડતો નહીં. કથા ચાલવા માંડી ત્હોયે એની કચેરી વેરાઈ નહી. કથામાં બેઠેલીયોનાં મન પણ આ કચેરીના ગરબડાટથી વિક્ષેપ પામ્યાં. સૌભાગ્યદેવીએ અલકકિશેારીને કહાવ્યું કે તમે સઉ બીજે ઠેકાણે જઈ બેસો. સર્વને કુમુદસુંદરીવાળી મેડીમાં જવાની ઈચ્છા થઈ પણ એટલામાં તો એ પોતે જ કથામાં જઈ બેઠી, એટલે સઉએ વિચાર ફેરવ્યો અને ટોળું લેઈ અલકકિશોરી ઘરબહાર નીકળી અને સ્ત્રીવર્ગને ભરાવાના એક ઓટલાપર સઉને લઈ મધપુડાની રાણી પેઠે બેઠી અને ગુંજારવ ચોપાસ પ્રસરવા લાગ્યો.

કથા ઉઠી એટલે કુમુદસુંદરી છાનીમાની પોતાની મેડી ભણી જવા લાગી. સાવિત્રીની પવિત્ર કથાથી તે શાંત થઈ, પરંતુ કૃષ્ણકલિકાનું સ્વપ્ન તેના મનમાંથી ખસતું ન હતું અને ઘણું ડાબવાનો પ્રયત્ન કરવા છતાં આંસુ ખળતાં ન હતાં અને કથા-રસથી ઉત્પન્ન થયેલાં આંસુમાં ખપ્યાં. સૌભાગ્યદેવી આજ વહુની મુખમુદ્રા જોઈ રહી હતી. કથાનો અંત આવતાં પોતાની પાસે ઘડી બેઠા વિના એકદમ ઉપર જતી વહુને જોઈ દેવી વ્હેમાઈ અને વહુને પોતાની પાસે બોલાવી. આવી ન આવી કરી - સાસુ પાસે અશ્રુપાત થઈ જશે એ ભીતિથી – વહુ ઉપર ચાલી ગઈ અને વજ્ર જેવું હૃદય કરી મેડીમાં પેંઠી. પેંસી, દ્વાર વાસી, સાંકળ પણ વાસી ટેબલ પાસે બેઠી અને પુસ્તક લીધાં પણ તેમાં મન ગયું નહીં - કંટાળો જ આવ્યો. પલંગભણી, બારીભણી, નવીનચંદ્રની મેડીવાળા દ્વારની સાંકળ ભણી, પોતે મેડી વચ્ચોવચ બેસી રોઈ હતી તે તે સ્થળ ભણી, અને ઉમરા ભણી જોતી જોતી આંખે અંતર્માં વળવા માંડ્યું. સ્મરણશક્તિનાં કમાડ ધક્કેલ્યાં, અંદરથી નીકળેલી કલ્પનાને ઉરાડી, ઈર્ષ્યાને સળગાવી, અને વિમાનના-બુદ્ધિને ભંભેરી; ફટક લાગી હોય, હબકી હોય અને ડાગળી ચસકી હોય, એમ ફાટી આંખે કુમુદસુંદરી ચારે પાસ જોવા લાગી. નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નીકળવા લાગ્યા; ઓઠ સુકાયા, ગાલ બેસી ગયા જેવા થયા, આંખો ઉંડી ગયા જેવી થઈ, ઘડીક કંપતી છાતી પર હાથ મુકી ઉભી રહી, અને અંતે કપાળે હાથ કુટી ખુરશી પર બેઠી અને તેની પીઠ પર માથું નાંખી દીધું. આ ક્રિયાશૂન્ય સ્થિતિમાં કલાક બે કલાક વીતી ગયા એટલે બારણું ખખડ્યું અને ઉઘાડ્યું કે અલકકિશોરી અને વનલીલા અંદર આવ્યાં, સાંઝના પાંચ વાગ્યા અને સર્વ મંડળ વેરાઈ ગયું કે અલકકિશોરી ઘેર આવી અને તેની સાથે વનલીલા પણ આવી. વનલીલાને કુમુદસુંદરીની માનસિક પ્રકૃતિમાં આજે કાંઈ ફેર લાગ્યો હતો. કુષ્ણકલિકા પર માર્ગપર ઘરેણાં ફેંકાયાં એ ચર્ચાથી આ ફેરનો વ્હેમ વધ્યો હતો અને તેથી જ ચિંતાતુર વનલીલા સખી પાસે આવી હતી. બન્ને જણ અંદર દાખલ થયાં. કુમુદસુંદરીનું કોમળ વદનકમળ શોકના તાપથી છેક કરમાઈ ગયું હતું પણ અલકકિશોરીના દેખતાં કાંઈ પુછાયું નહી. કુમુદસુંદરી સાવધાન થઈ અને વાર્ત્તામાં ભળી, પણ શૂન્ય હૃદયમાં આનંદનો લેશ ન હતો અને ફીક્કા હાસ્યને પુ૨વણી ૨જ પણ મળી ન શકી. અંતે સઉ ત્રીજા માળની અગાસી પર ચ્હડયાં અને ઉન્હાળાનો આથમતો દિવસ અગાસીમાંના શાંત પવનથી ૨મ્ય કરવા ધાર્યો.

વનલીલા બોલી, “ભાભી, આજ તો આખો દિવસ તમે ઉપરનાં ઉપર રહ્યાં છો. તમારે અમારા વિના ચાલ્યું પણ અમારે તમારા વિના ન ચા૯યું."

કુમુદસુંદરીને કીકી સુધી આંસુ ઉભરાયાં હતાં. તેને ડાબી રાખવાનો પ્રયત્ન કરતાં ઉત્તર દેવાનો સુઝ્યો નહી. અંતે શેતરંજની રમત ક્‌હાડી. તેમાં પણ જીવ ન પેંઠો. નણંદભોજાઈ રમવા લાગ્યાં અને રોજ જીતતી તે ભાભી દાવ ઉપર દાવ ભુલવા લાગી અને હારી. એટલામાં વનલીલા નીચે મેડીમાં ગઈ હતી તે કુમુદસુંદરીના મેજ પરથી નવું આવેલું બુદ્ધિપ્રકાશ લઈ આવી અને રમતમાં હારેલી કુમુદસુંદરીના હાથમાં મુકી બોલીઃ “ભાભી, આમાં એક ચંદા નામની કવિતા આવી છે તે વાંચવા જેવી છે પણ બરાબ૨ સમજાતી નથી તે સમજાવો.” ચંદ્રને ચંદાનું નામ આપી રચેલી રસિક કવિતા કુમુદસુંદરીએ શાંત કોમળ સ્વરથી ગાવા માંડી અને ઘડીક આનંદને પાછો ખેંચી મેળવતી હોય એમ દેખાવા માંડી. તેનું મુખ હજી અવસન્ન જ હતું પરંતુ "ચંદા"ના પ્રકાશથી શોકતિમિર પાછું હઠતું સ્પષ્ટ દેખાયું. વાંચતાં વાંચતાં કવિતાનો અંતભાગ આવ્યો. પડવા પર બીજ હતી અને આકાશમાં ચંદ્રલેખા હતી તે જોતી કુમુદસુંદરી બોલી :

“અલકબહેન, ચંદા છે તે હવે સાંઝને પોતાની સખી ગણીને કહે છે તે સાંભળો : અત્યારે આ ચંદ્રમા દેખાય છે તેનું જ વર્ણન છે.


[૧]"સલુણિ સંધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તે તણી
“મુજ હોડલામાં બેશિને જાઉં કદી હું બનિ ઠની;–
“પવન મૃદુથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી, “

  1. આ અને બીજા કેટલાક ઉતારામાં મૂળ જોડણી રાખી છે.
“વેર્યા કુસુમ નવરંગ એમાં ઝીણઝીણા મેહથી.
“શાંત એનું નિરખી મુખ મુજ સુખનદી ના થોભતી,
“નારંગિ રંગે સાળુ સુંદર પ્હેરિ સખિ શી શોભતી !
“ચકચકિત સઉ પ્હેલ ચ્હોડ્યો તારલો સખિ ભાલમાં,
“લાડંતિ અડકું એહને કદિ આવિ જઈ બહુ વ્હાલમાં.
“એવિ એવી રમત વિધવિધ સખીસંગ રમંતિ હું,
“પણ ભેટવા આવે મુને એ ત્યાહરે ચમકી બિહું,
“કેમકે સામેથિ પેલી આવિ કાળી રાક્ષસી,
“મુઈ રાત્રિ, એણે દૂર સખિયો કિધી ક્રૂર વચે ધસી.
“ઊડિ ગઈ મુજ સખી, ઝીણી પાંખ નિજ ઝળકાવિને,
“ને મૂજને તો રાક્ષસીએ પકડિ લીધી આવિને,
“રાખિ કરમાં થોડિ વેળા, પછિ મુને તે ગળિ ગઈ,–
“જાણે નહીં-હું અમર છું ને બેઠિ મુજ મંદિર જઈ !”

“કાળી રાક્ષસી” ઉપરથી કૃષ્ણકલિકા સાંભરી આવી અને હબકી હોય એમ કુમુદસુંદરી ઉઠી અને અગાસીની રવેશ આગળ નીચે રસ્તા પર જોવા લાગી – પાછી આવી. સર્વ દેખતાં વિકૃતિ ઢાંકવા પ્રયત્ન કર્યો. એમ કરતાં કરતાં રાત્રિ પડી. અલકકિશોરી અને વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી અને અંધકારથી છવાઈ જતા આકાશ ભણી જોતી જોતી ઉપરની કવિતા વારંવાર ગાઈ રહી. એ ગાનની અસર તેના પોતાના જ મન ઉપર થઈ: “કૃષ્ણકલિકા ! કૃષ્ણકલિકા ! મ્હેં ત્હારું શું બગાડ્યું હતું !” એમ ક૨તી કરતી છાતીયે હાથ મુકી રવેશને અઠીંગી દુઃખમાં ને દુઃખમાં ચોપાનીયું ઉઘાડું ને ઉઘાડું છાતી પર રાખી નિદ્રાવશ થઈ. દુ:ખી અબળા દુઃખી સ્વપ્નો જોવા લાગી અને નિદ્રામાં ને નિદ્રામાં ડુસકાં ભરતી હતી. બુદ્ધિધનને ખબર ન હતી કે મ્હારા મહાભાગ્યના આવાસના (મ્હેલના) શિખર ઉપર આવે મંગલ સમયે જ મ્હારી કુમુદના ઓઠમાંથી શોકસ્વર જવાળામુખીના ધુમાડા પેઠે આકાશમાં – સ્વર્ગમાં – ચ્હડે છે અને ઈશ્વરની આંખમાં ભરાઈ તેને રાતી ચોળ કરે છે ! “ સ્ત્રીને પ્રસન્ન રાખજો ! સત્સ્ત્રી અપ્રસન્ન થઈ – દુભાઈ – ત્યાંથી લક્ષ્મી પાછી ફરવા માંડે છે.” એ મનુવાક્ય – એ આર્યશ્રદ્ધા ખરી પડતી હોય તેમ કુમુદ ડુસકાં ભરતી હતી તે સમયે રાણાના બાગમાં બાંકઉપર સુતેલા બુદ્ધિધનના મસ્તિકમાં ઉચ્ચાર થતો હતો કે “મ્હારે તો આ કારભાર નથી જોઈતો !”

કલાકેક આમ સુઈ રહી એટલામાં પલંગ પર પથારી કરી દાસી અગાશીમાં આવી અને કુમુદસુંદરીને ઉઠાડી નીચે લઈ ગઈ બુદ્ધિધન જેમ જાગી ઉઠતાં કારભાર મુકી દેવાની વાત ભુલી ગયો હતો તેમ કુમુદ પણ જાગી ઉઠતાં કૃષ્ણકલિકાને ભુલી ગઈ. દાસી ગઈ એટલે બારણું વાસ્યું અને ઉંઘવાને બદલે પાછું બુદ્ધિપ્રકાશ હાથમાં લીધું અને ટેબલ પર કાચદીપાશ્રમમાં દીવો પ્રગટી વાંચવા બેઠી. “ ચંદા ” ફરીથી વાંચવા લાગી. ચંદાને મેઘ રમાડે છે અને પજવે છે તે ભાગ વાંચવા લાગી.

“મેઘ પેલો મસ્તિખોરો મૂજને રંજાડવા,
“કંઈ યુક્તિયો વિધવિધ કરે ભંગાણ સુખમાં પાડવા !”

વળી ગાતાં ગાતાં આવ્યું:

“ને એહ અસ્થિર મેહલા શું કદિ ભરાઊં નવ રિસે !”

એ પદ વારંવાર ગાવા લાગી, પોતે અસ્થિર પ્રમાદધનપ૨ રીસાતી નથી એ સ્મરવા લાગી, અને મસ્તિકમાં પ્રમાદધન ભરાયો ! તે હવે પ્રિય લાગવા માંડ્યો. તેના જ વિચાર અંત:કરણમાં ઉભરાવા લાગ્યા, તેની જ છબિ સામેના તકતામાં જોઈ રહી, અને અતિ પ્રેમથી ગાવા લાગી.

“પ્રમાદધન મુજ સ્વામી સાચા !
“એ વણ જુઠ્ઠું સર્વ બીજું !
“પ્રમાદધન મુજ સ્વામી–મ્હારા !
"એ વણ ન્યારું સર્વ બીજું !
“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“એ વણ અપ્રિય સર્વ બીજું !”

એમ કંઈ કંઈ પદ ઉલટાવી રચવા–ગાવા લાગી, સારંગીમાં ઉતારવા લાગી, અંતર આનંદ અનુભવવા લાગી, અને ઘેલી બની હોય એમ એની એ કડીયો – અનુપ્રાસ વિનાની – અલંકાર વિનાની – જપવા લાગી. “પ્ર મા - દ - ધ - ન, પ્રમા-દ-ધ-ન, પ્રમાદધન” એ નામ જ પ્રત્યક્ષરે ભાર મુકી બોલવા લાગી, પતિનું નામ કોઈના દેખતાં બોલતી હોય અને શરમાતી હોય તેમ ઘડીક મનમાં ને મનમાં શરમાઈ; કોઈ દિવસ એ નામ પોતે ન દીધું હોય - ન દેતી હોય, પતિનો સ્પર્શ અચીંત્યો અનુભવતી હોય, એ સ્પર્શની પેઠે જ પતિના નામને સ્પર્શ જીભને – હૃદયને – થતો હોય, તેમ પતિના નામનો એક્કેકો અક્ષર બોલતાં રોમાંચના શીતળ તરંગોમાં ન્હાઈ શીત્કાર બોલાવવા લાગી, ઉત્કંપની લ્હેરોથી ચમકવા લાગી, અને વિચારમાં પડી સફળ - મદનતા અનુભવતી હોય તેમ પળે પળે પોપચાં અર્ધાં મીંચવાં લાગી. વળી જાગી “પ્રમાદધન મુજ સ્વામી” ઇત્યાદિ ગાતી ગાતી ઉઠી, પલંગપર ચ્હડી, એક પગ પલંગ પર અને બીજો બારીના કઠેરા પર મુકી બારીપરથી પ્રમાદધનની છબિ જીવની પેઠે જાળવી ઉતારી, પલંગ પર બેસી ઉતરી, અને ટેબલ આગળ ખુરશી પર બેસી, છબિને, સ્નેહભરી આંખે ન્યાળી રહી, ચુમ્બનની પરંપરા જડ કાચ ઉપર વર્ષાવી અને અંતે છબિને છાતી સરસી ઝાલી ભાગી ન જાય એમ ડાબી ફરી રોમાંચ, ઉત્કંપ, અને નેત્રોન્મીલન અનુભવવા લાગી. જીવતા પતિનો વિયોગ, કિલ્મિષ વિસરાવી, જડ છબિને પણ પતિવ્રતા પાસે ઘણાં વાનાં કરાવવા લાગ્યો. વિદ્યાવિનીત કુમુદસુંદરી પતિના દેાષ ભુલી તેના ગુણને જ સંભારી ગુણમય પ્રમાદધનરૂપ બની ! અંતે એક હાથે છબિ છાતીસરસી રાખી બીજે હાથ લાંબો કરી વળી બોલી.

“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“એ વણ અપ્રિય સર્વ બીજું !”

“સર્વ બીજું” ક્‌હેતાં ક્‌હેતાં લાંબા કરેલા હાથની હથેલી જગતને ધક્કેલી નાંખતી હોય તેમ તેના ભણી ફે૨વી બતાવી અને બે ભમ્મરો વચ્ચે કરચલી પાડી.

ગમે તેવી વસ્તુ મને પોતાની કહી તો પોતાની – ઈશ્વરે જેની કરી તેની જ:–ઋણાનુબંધ (રણારબંધ)નો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાય છે: એ સુખસાધક બુદ્ધિ આર્યોચિત્ત જ સમજે છે. આર્યવૃત્તિના ઉચ્છેદક પાશ્ચાત્ય સંસ્કારોથી ભરાઈ જવા છતાં ઈંગ્રેજી પાઠશાળાના દુધથી ઉછરેલા આર્યબાળક જુના વિચાર અને જુના આચારોથી ભરેલી માતાપિતાની વ્હાલી રૂડીશય્યા ત્યજતાં કંપારી ખાય છે; મ્હોટી વયે પ્હોંચવા પછી અંતમાંથી પણ ગુરુજનને છોડનાર લોકની વિદ્યા વાણીને પણ વિસ્તારી કુટુંબવૃક્ષમાં[૧] ઉત્સાહથી રહે છે; 'ભૂગોળ અને ખગોળ'માં[૨] રમનાર પંડિત 'ચુલા'ના ભડકાના પ્રકાશથી વિશેષ – ૨તાશ પામતા – ખગોળને સળગાવનાર ગોળા જેવા – ગૌર ગાલવાળી અભણ ઉપર પણ મોહ પામે છે અને સ્નેહ દ્રવે છે: એ ઋણાનુબંધનો મહિમા આર્ય બુદ્ધિથી હીન જનને અગમ્ય છે. આર્ય-


  1. ૧. ઇંગ્રેજીમાં કુટુંબ એટલે સ્ત્રીપુરુષ અને બાળકસંતતિ એટલાં જ છે, આપણામાં કુટુંબ એટલે માતાપિતા, સ્ત્રીબાળક તેમ જ તરુણસંતતિ, ભાઈ, બ્હેન, ઇત્યાદિ આખું વૃક્ષ.
  2. ૨. “ભાઇ તે ભૂગોળ ને ખગોળમાં રમે છે !
    “પેલીનું તો ચિત્ત ચૂલા માંહ્ય !
    "દેશી ! ક્‌હોની કેવું આ કજોડું તે કહેવાય:” – રા. રા. નવલરામ કૃત બાળલગ્નબત્રીશી.
દેશને દુઃખસાગરમાં પડતો પડતો ટકાવનાર અને સાધનોમાં એક સાધનરૂપ

આ આર્યબુદ્ધિ આર્ય કુમુદસુંદરીના હૃદયકમળ પર લક્ષ્મીપેઠે સ્ફુરવા લાગી અને અનાર્ય જનથી સમજાય નહી એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ માનસિક ગાન કરવા લાગી.[૧]

તરંગોપર હીંચકા ખાતું મન ગમે તો શીતળ થયું હોય તેથી કે ગમે તો શ્રમિત થયું હોય તેથી એ હીંચકા ઉપર ને ઉપર જ ઢળી ગયું. નિદ્રાદેવી તેને પોતાના ખોળામાં લેવા લાગી અને પોતાની છાતીપરનો છેડો તેના મુખપર ઢાંકવા લાગી.

નિદ્રાવશ થતી કુમુદસુંદરી કાંઈક સાવધાન બની અને સુવાનો વિચાર કરી સુંદર હાથ ઉંચો કરી કમખો ક્‌હાડવા લાગી, કમખો નીકળતાં તેના પેટમાં રહેલી સોનેરી અક્ષરવાળી ચોળાયેલી પત્રિકા સરી પડી અને સ૨તાં સરતાં કોમળ અને સચેતન સહવાસી અવયવ ઉપર ઘસાઈ તેને ચેતના – સૂચના – આપી. પડતાં પડતાં પણ પાટલીના પટ પર ગુંચવાઈ ભરાઈ અને અંતે તરછોડાઈ વછુટી. આખરે પડી તો પણ પગના સુકુમાર અંગુઠા પર પડી. અંગુઠા આગળથી સંદેશો આવ્યો હોય એમ ચિત્ત એકદમ ચમક્યું અને સજજ થયું. પગના બંધુ હાથે પત્રિકા ઉપાડી લીધી અને આંખ આગળ ધરી. આંખે વાંચ્યું :

“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી !
“થઈ રખે જતી અંધ વિયોગથી;
“દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
"ક૨ પ્રભાકરના મનમાનીતા !"

આંખ ચમકી; નિદ્રા છટકી; બુદ્ધિ જાગી; શશી–ચંદ્ર–ક્ષિતિજમાં ઉગ્યો; હૃદયનો નિ:શ્વાસ ઓઠઉપર આવ્યો; “સરસ્વતીચંદ્ર ! સરસ્વતી


  1. જડ પદાર્થો અને શ્વાન આદિ પશુજાતપર પ્રેમ રાખી શકનાર પાશ્ચાત્યલોકમાં વર્તમાન આર્યલેાકના જેવા સ્નેહ કેવળ અપરિચિત નથી – માત્ર ઋણાનુબંધ બુદ્ધિથી ખામીવાળો છે અને તેથી અનેકધા દુખઃકર નીપજે છે. "આ મ્હારું" એ બુદ્ધિથી ઉપજતા પ્રેમનું એક કરુણા-રસિક દૃષ્ટાંત વર્ડઝવર્થના "ઇડિઅટ બેાય” (The Idiot Boy) નામના કાવ્યમાં છે. ખોવાયલા જડપુત્રને જોઈ ઇંગ્રેજ માના મનમાં ઉપજતો પ્રેમ અને આનંદ જોઈ આર્યોને ઘણાક પ્રસંગેા–સંબંધો–સાંભરી આવશે.

    "She kisses o'er and o'er again
    “Him, whom she loves, her Idiot Boy;
    "She's happy here, is happy there,
    "She is unhappy everywhere;
    "Her limbs are all alive with joy.”

ચંદ્ર” કરતી કરતી ઘેલી લુગડાંના કબાટ ભણી દોડી અને બીજી

અવસ્થામાં સંક્રાંત થઈ, તેનું મનોબળ થઈ ચુક્યું ભાસ્યું.

મનુષ્યનું જીવન એ અનેક સૂત્રની એક ૨જ્જુ (દોરી) છે; અનેક આમળાની એક ગાંઠ છે. તે સૂત્રોની – તે આમળાઓની – પોતપોતાની નીરનીરાળી સ્થિતિ- જાતિ છે અને તે એમાં ઘણી વખત પરસ્પર - વિરોધ આવી જાય છે. આ સૂત્ર અને આમળાઓ, તેમની ઘટના, અને તેમના વિરોધ અધિકતર બુદ્ધિથી, અધિકતર વિદ્યાથી, અને અધિકતર રસજ્ઞાનથી વધારે વધારે સૂક્ષ્મ અને વિચિત્ર બને છે અને તેની સંખ્યા પણ વધે છે. પ્રમાદધનમય બનેલું જીવન સરસ્વતીચંદ્રહીન થઈ શક્યું નહી. એક ભવની પતિવ્રતા બીજા ભવના પતિને ભુલી શકી નહી. સત્યને અર્થે દશરથે રામનો ત્યાગ કર્યો, પ્રજાને અર્થ રામે સીતાને ત્યાગ કર્યો, અને તે છતાં દશરથનું જીવન રામમય રહ્યું અને રામ સીતામય રહ્યાઃ તેમ જ પતિવ્રતા કુમુદસુંદરી મૂર્ખ અને દુષિત પતિને મનનો પણ સ્વામી કરી દેવા મથી – પોતાના હૃદય-જાળમાં પતિને વણી દીધો અને પતિમૂર્ત્તિમાં હૃદયને યુકત(યોગી) કર્યું – તે છતાં સરસ્વતીચંદ્રમય મટી નહીં ! સરસ્વતીચંદ્રને હૃદયમાંથી પતિ સ્થાનપરથી ધક્કેલી પાડ્યો અને ત્યાં પ્રમાદધનની સ્થાપના કરી; તો પણ મીંચાયેલી આંખમાં કિરણ રસળે છે, શબ્દ દૂર જવા છતાં કાનમાં ભણકારા વાગે છે, નિંદ્રાયમણ મસ્તિકમાં જાગૃત સંસાર અસંબદ્ધ સ્વપ્નરૂપે ઘુમે છે: તેમ પ્રમાદધનમાં સમાધિસ્થ થયેલા ચિત્તમાં સરસ્વતીચંદ્ર સ્ફુરતો હતો. હૃદયસારંગીને ગાન કરવામાં ઉભય તાર કારણભૂત થયા.

સરસ્વતીચંદ્રના સ્વહસ્તની પત્રિકાના દર્શનથી ઘેલી બનેલી સુંદરી કબાટ ભણી દેાડી, કબાટ જોરથી ઉઘાડ્યું, અને પોતાના સોનેરી ભાતવાળા એક અમ્મરના પડમાંથી એક પત્રોની પોટલી ક્‌હાડી ક્‌બાટ એમનું એમ ર્‌હેવા દેઈ ટેબલ પાસે બેઠી. ટેબલ ઉપર રેશમી રુમાલ બાંધેલી પોટલી છોડી, અને સરસ્વતીચંદ્રના સુન્દર અક્ષરથી લખાયેલા કન્યકાવસ્થામાં સ્વીકારેલા અનેક પત્રો રસમાં લીન થઈ પળે પળે નિઃશ્વાસ મુકતી સુન્દરી વાંચવા લાગી અને પળવાર પૂર્વાવસ્થામાં લીન થઈ વર્તમાન સંસારને ભુલી. સરસ્વતીચંદ્રે પત્ર દ્વારા ચલાવેલી રમણીય ચર્ચાઓ તેને સુવિદ્યાની નીસરણીપર ફરીથી ચ્હડાવતી ભાસી અને અજ્ઞાનમય કુટુંબમાં ફરીથી વિદ્યાભ્યાસ કરતી હોય તેમ બાળાને મનમાં લાગ્યું. સર્વે પત્ર એકવાર વાંચી ર્‌હેતાં છતાં ફરી વાંચવા લાગી. અંતે સરસ્વતીચંદ્રની છબિ હાથમાં આવી – તે હાથમાં આવતાં સ્નિગ્ધાનાં નેત્ર ચમક્યાં અને તેમાં નવું તેજ આવ્યું હોય તેમ તે છબિના એક્કેક અવયવ નીહાળવા લાગી અને સુન્દરતાના ઘુંટડા ભરવા લાગી. છબિ પોતાના સામી ટેબલ પર મુકી તેને એકટશે જેવા લાગી. તેનાં દર્શન કરતી હોય, હૃદયમાં રહેલાનું કાચ જેવા કાગળ પર પ્રતિબિમ્બ પડ્યું હોય અને તેને આશ્ચર્ય પામી તપાસતી હોય; તેની સાથે વાતો કરતી હોય તેને ઠપકો દેતી હોય; તેના ઉપર ક્રોધ કરતી હોય; હજી પોતે તેની જ પત્ની હોય તેમ તેના પર પ્રભુતા દર્શાવતી હોય તેમ કુમુદસુંદરીની દૃષ્ટિ છબિ જોતી જોતી અનેકધા વહી. ત્યાગ કર્યા પછી ઘણે વર્ષે રામને જોતી સીતાનું હૃદય થયું હતું તેવું જ અત્યારે થયેલું આનું હૃદય, ઉપરાઉપરી નખાતા નિઃશ્વાસમાં,[૧] પળે પળે સ્ફુરતી અને ભાગતી ભૃકુટિમાં છબિને તદ્રૂપ માની જીવમાં જીવ આવ્યો જણવતા ઉચ્છ્વાસમાં,[૨] વચ્ચે વચ્ચે મલકાઈ જતા મુખમાં, સરસ્વતીચંદ્રની વર્તમાન અવસ્થા સાંભરી આવતાં ખિન્ન થઈ સંકોચ પામી ઝાકળ જેવા અશ્રુપટલથી ઢંકાઈ જતા નેત્રકમલમાં, અને ક્ષણે ક્ષણે ધડકતા સ્તનપુટ પર મુકાઈ ચંપાઈ જતી હસ્તસથલીમાં[૩] – મૂર્તિમાન્ થતું. “કુમુદસુંદરી !

“છે આશ તજી બનીયું ઉદાસી, રોષભર્યું તજવા થકી,
“ટમટમી રહ્યું આ દીર્ઘકાલવિયોગમાં મળવા મથી,
“સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિય-રુદિતની ઉંડી ઝાળથી,
"આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ–ઉદય થયા થકી.”[૪]

આ એકાંતમાં એકલીનો એકલો સાક્ષી ન્હાનો પણ તેજસ્વી દીવો કુમુદસુંદરીને આમ કહી દેતો હોય – એમ તેનો ક્ષણભર સ્તબ્ધ અને ક્ષણભર કંપતો પ્રકાશ આખા સંસારના અંધકાર વચ્ચે કુમુદસુંદરીને મન મિત્રવચન જેવો થયો. દીવો કુમુદસુંદરીની તમસા બન્યો. દીવાની જયોતનું પ્રતિબિમ્બ સુંદર કીકીમાં પડી રહ્યું. અને અંજાયલી આંખ મીંચાઈ ૨હી કીકી અને પોપચા વચ્ચે સરસ્વતીચંદ્રને તાદૃશ પ્રત્યક્ષ જોવા લાગી. આ અવસ્થામાં પડેલી આંખો ઉપર નિદ્રાએ કોમળ કરપલ્લવ ડાબ્યો અને જાગૃત સ્વપ્નમાંથી સુસ્વપ્નમાં સંક્રાંતિ અદૃશ્ય રીતે થઈ ગઈ. નિદ્રામાં ખુરશી પરથી જરીક ખસી પડતાં અચીંતી જાગી ઉઠી સર્વ વસ્તુ હતી ત્યાં ને ત્યાં ર્‌હેવા દઈ કુમુદસુંદરી પલંગ ઉપર જઈ સુતી.

આજ પલંગ પર પ્રમાદધન ન હતો. એકલી સુતેલી સહવાસી સંસ્કારોને બળે પરિચિત દશાનાં જ સ્વપ્ન જોવા લાગી. માત્ર જાગૃત અવસ્થા કાંઈક ઉલટપાલટ રૂપે સ્ફુરી અને સ્વપ્નનો સહચર સરસ્વતીચંદ્ર થયો.


  1. ૧નીચા શ્વાસ, નીસાસા.
  2. ૨. જીવ પામતું માણસ ઉંચા શ્વાસ લે તે.
  3. ૩. હાથેલી.
  4. રા. મણિલાલના ઉત્તરરામચરિતના ભાષાંતરઉપરથી.
દિશા અને કાળના ભેદ વિપરીત થઈ ગયા, વસ્તુઓના સંબંધ અનનુભૂત

અને વિચિત્ર બની ઝટોઝટ પલટાવા લાગ્યા, આ સર્વ સૃષ્ટિમાં નિદ્રાયમાણ મસ્તિક સત્યનું ભાન ધરવા લાગ્યું, અને નવીન સુખદુઃખો ભોગવતું હૃદય પાપપુણ્યથી મુક્ત રહી સ્વતંત્ર વર્તન કરતું લાગવા માંડ્યું. દ્રશ્ય અને દ્રષ્ટા એક છતાં ભેદ ભાસવા લાગ્યો. કુમુદસુંદરી સર્વત: સરસવતીચંદ્રમય બની. સ્વપ્નની પાછળ સ્વપ્ન ઉભાં રહ્યાં – દોડાદોડ કરી રહ્યાં – પણ સર્વમાં સરસ્વતીચંદ્ર ખરો !

આ અવસ્થામાં કલાકેક વીતી ગયો. બુદ્ધિધન હજી ઘેર આવ્યો હતો અને તેના દ્વાર આગળ ઓટલા પર બેસી સીપાઈયો વાતો કરતા હતા અને અંતે થાકી એક જણ ગાવા લાગ્યો તે સાંભળતા હતા.

“મોરા બીલમા કબુ ઘર આવે–
“આવે રે આવે–
“ઓ મોરા બીલમા કબુ ઘર આવે ?–
“કબુ ઘર આવે–? ”

અંત્ય સ્વર લંબાવી એક સીપાઈ આ ગાતો હતો અને બીજાઓ 'વાહવાહ !' 'સાબાશ !' વગેરે ક્‌હેતા હતા તેના ખડભડાટથી કુમુદસુંદરી જાગી ઉઠી, પથારીમાં જ બેઠી થઈ સરસ્વતીચંદ્રને શોધવા લાગી, ચારે પાસ આંખો ફેરવી જોવા લાગી, “મોરા બીલમા કબુ ઘર આવે' એ શબ્દે વીંધેલા અંતઃકરણમાંથી શોકરુધિર નીકળવા લાગ્યું, અને 'બીલમા– ઓ બીલમા' કરતી કરતી, અર્ધી જાગતી – અર્ધી ઉંઘતી કુમુદસુંદરી હજી સ્વપ્નમય ૨હી વ્હીલે મ્હોંયે મેડી બ્હાર સંભળાય નહી એમ રોવા લાગી, રોવું ખાળી શકાયું નહી, ખાળવાનો પ્રયત્ન કરવાનું જ સાંભર્યું નહી. અને એમ કરતાં કરતાં ખરેખર જાગી તોપણ ઉત્પન્ન થયેલી હૃદયવૃત્તિને સંહારી શકી નહી, પાછી ટેબલ આગળ જઈ બેઠી અને શોકમય – ઉતરી ગયેલે– મ્હોંયે ગાતી ગાતી ઉછળતા – વર્ષતા - હૃદયને કાગળ ઉપર ટપકાવવા લાગી. કાગળ એ ઘણા હૃદયની ધરતી છે. વર્ષાદ જેવી ઘણી વાતો કાગળ પર ટપકાવી લેવાય છે. ધરતીમાં તેમ કાગળમાં ઘણા હૃદયમેઘ સમાઈ શાંત થાય છે.

“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી” ઈત્યાદિ ગણગણતાં એક મ્હોટો 'ફૂલસ્કેપ' કાગળ લીધો અને તે ઉપર આંસુ અને અક્ષર સાથે લાગાં પાડ્યાં:

“શશી ગયો ઉગશે ગણીને ભલે
“ટકતી અંધનિશા; મુજ ચિત્તમાં

“ પ્રલયકાળ રચી શશી આથમ્યો
“ નીરખીને ધિક જીવવું જીવનું ! ”

વળી થોડીવાર લખતી બંધ પડી, ચંદ્રલેખા જેવી હડપચી નીચે રુપેરી વાદળી જેવી હાથેલી મુકી, વિચારમાં પડી, અને સરસ્વતીચંદ્રનો જાપ જપતી, તેનું કૃત્ય વીમાસી, એ જાપ પણ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું ભાન આવતા નિ:શ્વાસ પર નિઃશ્વાસ મુકતી, ફરી લખવા મંડી:

“તજી નાર અનાથ જ એકલડી, પિયુ જાય વિદેશ, પુઠે મુકી આશા;
" જપવા પ્રિય-જાપ સ્વતંત્ર રહે વિધવા ધ્રુજતી જોઈજોઈ નિરાશા;
“ નહીં આશ મુકી પરતંત્ર કરી, પપળાવી નિરાશ મુક્યું ઉર વહેતું.
"જીવમાં જીવ સાહીં મુક્યો પડતો ! રમવું અતિક્રુર પડ્યું ક્યમ સહેતું?”

અાંખમાં ઝળઝળીયાં અાણી બોલી: “અરેરે, સરસ્વતીચંદ્ર, મ્હેં તમારો શો અપરાધ કર્યો હતો ? દમયંતીની પણ નળે મ્હારા કરતાં સારી અવસ્થા રાખી હતી. હાય,–ઓ મ્હારી મા ! ઓ ઈશ્વર ! અંબાવ્ય્ ! અંબાવ્ય્ !” એમ ક્‌હેતી કાગળ પ્‍હલાળતી, કાગળ પર ઉંધું માથું મુકી નિરર્ગળ રોઈ પતિવ્રતાધર્મ પ્રમાણે આ રોવું અયોગ્ય ગણતી ગણતી પણ રોવું ન ખાળી શકી અને ટેબલ પરથી માથું ઉચું કરી લેઈ લેતી લેતી ગણગણી:

“न कील भवतां स्थानं देव्या गृहेऽभिमतं ततस्‌

“तृणमिव वने शून्ये त्यक्ता न चाप्यनुशोचिता ।
“ चिरपरिचितास्ते ते भावा: परिद्रवयन्ति माम्

“ इदमशरणैरद्याप्येवं प्रसीदत रुद्यते ॥[૧]

“ ઓ પવિત્ર ગંભીરતાના શિખર રામચંદ્રજી – તમારેયે અાવું હતું તો મ્હારી અબળા – બાળકી – અજ્ઞાની જંતુની આ અવસ્થા ક્ષમા કરજો ! – મ્હારાથી નથી ર્‍હેવાતું - નથી સ્‌હેવાતું આ જીવવું – ઓ ઈશ્વર !”

આમ ક્‌હે છે એટલામાં ઘરમાં પેંસતા વાતો કરતા નવીનચંદ્ર અને બુદ્ધિધનના સ્વર સંભળાયા. આવી વૃત્તિને સમયે નવીનચંદ્રને સ્વરે મુગ્ધા-


  1. ૧. ઉત્તરરામચરિત માંથી. (રામચંદ્ર અયોધ્યાવાસીયોને કહે છે) “તમારા-મ્હારા ગૃહમાં સીતાદેવી સ્થાન કરે એ તમને ન જ ગમ્યું તો શૂન્ય વનમાં તૃણની પેઠે તેને તજી દીધી ! એટલું જ નહીં પણ એની પાછળે શોક પણ નથી કર્યો. લાંબા પરિચયવાળા આ બધા પદાર્થો હવે મને નીચોવે છે (મ્હારું હૃદય ઓગાળે છે) અને અશરણ બનીને આજ પણ માત્ર અામ રોઈ પડાય છે તેટલું ક્ષમા કરો.
પર કાંઈ નવીન અસર કરી. નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર હો કે ન હો પણ

કુમુદના મનમાં તો ખાતરી થઈ હતી કે એ તો એ જ – બીજું કોઈ નહી. પૂર્વ સંસ્કાર તેના મનમાંથી ખસતા ન હતા. મદનનો તેણે તિરસ્કાર કર્યો હતો પણ સ્નેહ દુર થઈ શકતો ન હતો – અને મદનના ભણીની પણ એટલી જ બ્‍હીહ હતી. “સરસ્વતીચંદ્ર–નવીનચંદ્ર–સરસ્વતીચંદ્ર-અાપણો અાવો સંબંધ તે ઈશ્વરે શું કરવા ઘડ્યો હશે ? – અરેરે ! દુષ્ટ હૃદય ! બાહ્ય સંસારને અનુકૂળ થઈ જતાં તે તને શા ઘા વાગે છે ? હે ભગવાન્‌ ! મ્હારાઉપર તે આ શો કોપ ?” તેનું મુખ ગરીબડું બની ગયું. તેનું અંતઃકરણ ડસડસી રહ્યું. અંતર્થી બ્‍હાર નીકળતું રોજનું બળ અને બ્‍હારથી તેને ખાળી રાખવાનું બળ: જાણે કે એ બે બળની વચ્ચે આવી ગયો હોય તેમ નીચલો ઓઠ બ્‍હાર વળી ફરફડવા, રોવા લાગ્યો અને અવશ હાથ લખવા લાગ્યોઃ

“ પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય !
“ જીવતી પણ જડસમી પ્રિય મૂર્તિ જોઈ નયન અકળાય !
“ પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે !–નહીં બોલું !
“ અપ્રસંગ ભજવતું મર્મસ્થળ ક્યાં ખોલું ? ”

ગાલે હાથ દેઈ લખેલું ગાયું અને અાંખો લ્હોતી ૯હોતી વળી સજજ બની લખવા બેઠી:

“ ધર્મ તણે શરીર જડ તો રહી શકે જડ–સાચે !
“ પણ ચેતન મન કહ્યું ન માને-નહીં ધર્મને ગાંઠે.
“ એક ભવે ભવ બે, નદજુગના જેવા, સંગમ પામે
“ તે વચ્ચે તરતી અબળાનો છુટકો તો જીવ જાતે !”

છેલ્લાં બે પદ ગાતી “ હાય હાય ” કરતી એ કલમ દુર નાંખી; અને ખુરશીની પીઠ ભણી અવળી ફરી, વિશાળ મેડી પર અને સામી બારી બ્‍હારના અંધકારપર દ્રષ્ટિ કરતી, બેઠી.

“પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે ! – નહી બોલું” એ પદ વારંવાર ગાતી ગાતી “ શું એમ જ ? હાય હાય !” એમ કરતી જાય અને રોતી જાય.“ ઓ મ્હારા સરસ્વતીચંદ્ર મ્હારે તમારે બોલવા વ્યવહાર સરખો પણ નહી – હાય ! હાય ! એ તે કેમ ખમાય ?” એમ કરી આવેશમાં ને આવેશમાં ખુરશીના તકીયા પર માથું કુટ્યું. મનની વેદનાનાં શરીરની વેદના જણાઈ નહીઃ ક્ષણવાર ત્યાંને ત્યાં જ માથું રહ્યું અને દુઃખમાં મીંચાયલી જાગૃત અાંખ અાગળ વળી સરસ્વતીચંદ્ર આવી ઉભો. વિદ્યાચતુરને ઘેર બેના પ્રથમ પ્રસંગે જોયેલો ચિતાર બીડાયેલી પાંપણો વચ્ચે તાદૃશ થયો, અને પ્રથમ પત્રમાં લખેલો–

धन्यासि वैदर्भि गुणैरुद्रारैर्यया समाकृष्यत नैषधोऽपि ।
अत:स्तुति:का खलुचन्द्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥

એ શ્લોક ગાતો ગાતો હસતો હસતો શરમાતી નિમીલિત સ્મિત કરતી મુગ્ધાનો હાથ હાથમાં લેતો સરસ્વતીચંદ્ર સ્વપ્ન પેઠે કુમુદસુંદરીએ મીંચેલી અાંખોથી જોયો, અંતમાં પ્રસન્ન પ્રફુલ્લ થવા છતાં ગભરાઈ અને એ સ્વપ્નાનંદમાંથી સટકી ઉદાસવૃત્તિથી અાંખ ઉઘાડતી ઉઘાડતી માથું ઉચું કરતી કરતી ગાવા લાગી:

“ પૂર્ણ પામી વિકાસ મુખ મુજ હાસ કરતું પ્રેમથી,
“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સામો હશી;
“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દ શું
“ ફેંકી તરંગે મુજ ભણી ધીમે ધીમે નાચંત શું !”[૧]

સરસ્વતીચંદ્રને અાવા સિન્ધુનું રૂપ આપતાં રમ્ય વિચારો મસ્તિકમાં તરવરવા લાગ્યા, પૂર્ણિમાની 'ચન્દા' જેવા કુમુદસુંદરીના મુખપર મધ્યરાત્રે એકાંતમાં ચંદ્રિકા જેવું શાંત રમણીય સ્મિત છલકાવા લાગ્યું, અને ઘડીક ઉઘાડી અને ઘડીક મીંચેલી અાંખો રાખી ગાયેલી કવિતા તે વારંવાર ગાવા લાગી અને શોકને સ્થળે આનંદ સ્કુરવા – ઉભરાવા – દશે દિશાએ રેલાવા લાગ્યો !

"આ ઉપમા સર્વ રીતે યોગ્ય છે ! મહાસિન્ધુના જેવું વિશાળ ઉ૨ તે મ્હારા જેવી ગુણહીનની પાસે વધારે વિસ્તાર પામ્યું - અાહા !

“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર અાનંદ શું
“ ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું ?”
“ ફેંકી તરંગો–તરંગો–મુજ ભણી-ભણી–નાચંત શું ?”

બોલતાં બોલતાં મુખ દીન થઈ ગયું: “ખરી વાત. મ્હેં તે એવાં શાં પુણ્ય કર્યા હોય કે એવા મહાત્મા સાથે એથી વધારે સંબંધ ર્‌હે ? એટલું લીંબુ - ઉછાળ રાજય રહ્યું તેટલું ભાગ્ય મ્હારા જેવીને ઓછું ન હતું.” મ્હોંપર શોકના શેરડા પડ્યા, ગૌર ગાલ દુઃખથી વિવર્ણ (ફીક્કા) થઈ બેસી ગયા જેવા થયા, અને હૃદયનો ઉંડો નિ:શ્વાસ મુખમાંથી નીકળી આખી મેડીને – આખા જગતને પાછો શોકમય કરવા બેઠો – પ્રવર્તમાન થયો.


  1. ૧. ચન્દા: અા રમતીયાળ તર્કોથી ઉભરાતી કવિતા આપણા લોકપ્રિયવિદેહ ભોળાનાથભાઈના પુત્ર રા. નરસિંહરાવની કરેલી સ. ૧૮૮૩ ના બુદ્ધિપ્રકાશમાં છપાયેલી.
અાનંદનો ચમકારો પુરો થઈ ર્‌હેતાં પળવાર હસેલી રાત્રિ હતી એવી

અંધારી બની.

એવામાં નવીનચંદ્રે મેડીનું બારણું સપટાવ્યું અને સાંકળ દીધી તેનો ખરખડાટ કુમુદસુંદરીના કાનમાં આવ્યો અને એ ચમકી. માનવીની વૃત્તિ અનુકૂળતા ન હોય ત્યાંથી શોધી ક્‌હાડે છે તે અનુકૂળતા પોતાની મેળે જ દોડી આવે ત્યાં વૃત્તિ વિચારનું કહ્યું કરે એ મહાભાગ્યની પરિસીમા વિના બનતું નથી. ચમકેલા ચિત્તે – કાને – નેત્રપર બળાત્કાર કર્યો અને તે બે મેડી વચ્ચેના દ્વાર ભણી વળ્યું - તો – સાંકળ ન મળે ! કુમુદસુંદરી ! નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર છે એ વિચારે ત્હારું મસ્તિક ભમાવ્યું ? પ્રમાદધન અને કુષ્ણકલિકાવાળા આજના જ બનાવે ત્હારું પતિવ્રત શિથિળ કર્યું ? એકાંત અનુકૂળતા, અને વૃત્તિ ત્રણનો સંગમ થયો ? “મ્હારા જેવી સામાની વૃત્તિ નહી હોય તો ?” આ ભીતિ ઘણાક વિષયાંધને સદ્દગુણસાધક થઈ પડે છે. મુગ્ધા, ત્‍હારામાં એ ભીતિ હતી ? “જો મ્હારા પર હજી પ્રીતિ ન હોય તો સરસ્વતીચંદ્ર ઘરબાર છોડી અત્રે આમ શું કરવા આવે ?” એ વિચારે ત્હારા મનની ભીતિ દૂર ન કરી ? પરવૃત્તિ પોતાની વૃત્તિનો પ્રતિધ્વનિ કરે છે તે મનથી જ એકદમ મન્મથ નિરંકુશ બની તનમનાટ નથી મચાવી મુકતો ? ભૂત અને વર્તમાન પતિને સરખાવતાં ભૂતકાળનો પતિ શું અત્યંત મોહક ન લાગ્યો ? તેની સાથે થયેલા પૂર્વ પ્રસંગે શું હૃદયને મૂર્ચ્છા ન પમાડ્યું ? વાંચનાર, ત્હારા અંત:કરણને – ત્હારા અનુભવને – ક્‌હે કે આ સર્વનો ઉત્તર ખરેખરો આપે. પાંસુલ ! ત્હારો ઢાંક્યો અનુભવ ઉઘાડી દે અને આ અવસ્થાની ખરી કીમ્મત કરવાનું સાધન આપ. વિશુદ્ધ ! ત્‍હારો ક્વચિત ખુણેખોચલે પડેલો પ્રસંગ સ્મરણમાં અાણી અા અવસ્થાની ભયંકરતા - દુસ્ત૨તા - બરોબર સમજાવ, સર્વથા અનિવાર્ય દશાપાશમાં પડેલી અબળા બાળકીપર દયાભરી અમીદ્રષ્ટિથી જો. અને અનિવાર્યને નિવારનાર શક્તિ પાસે માગ કે સદ્દબુદ્ધિનો જય કરે. તું બ્રાહ્મણ હોય તો ગાયત્રી ભણ - બ્રાહ્મણની પ્રાર્થના સદ્દબુદ્ધિ જ ઈચ્છે છે – તેનું સર્વ સંહારિ બ્રહ્મત્વ તેમાં જ સમાપ્ત થાય છે - બ્રાહ્મણને સદ્દબુદ્ધિ વિના બીજું કાંઈ જેઈતું નથી. પવિત્ર ગાયત્રિ ! બ્રાહ્મણપુત્રીને ત્હારા તેજથી છાઈ દે. તું એમ કરશે ? – તે તો સર્વજ્ઞ જાણે. માનવી જેટલી ઈચ્છાઓ રાખે છે એ સર્વ સફળ થવાને જ નિર્માઈ હોય એમ કાંઈ જગત જોતું નથી.

વિશુદ્ધિ સદૈવ ર્‌હેશે ? લક્ષ્મી ચંચલ છે તો વિશુદ્ધિ ચળ પણ નહી હોય ? ઈશ્વર રાખે તેવી ખરી. મૂર્ખ અને ધૂર્ત માનવી ! અભિમાન અને દમ્ભ ઉભયને છોડી દે – એટલો તો સુજ્ઞ અને સાધુ થા ! સામાને શીખામણ દેનાર ! પોતાની જ અંત:પરીક્ષા ક૨.

ગરીબ બીચારી કુમુદ ! તે ઉઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ પાછી આવી. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ખુરશી પર બેઠી. “એ તો જ્ઞાન મને ગમતું નથી.”[૧]–“ગુણહીણ ગોવાળીયા લોક જ્ઞાન નથી પામતા રે” [૨] એવું એવું ગાતી વળી ઉઠી – સાંકળે હાથ અરકાડ્યો – લેઈ લીધો અને પાછી અાવી ખુરશી પર બેઠી અને ટેબલ પર ઉંધું માથું નાંખ્યું. વિચારશક્તિ - વીર્યહીન – નપુંસક બની ગઈ.“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે “સામો હશી – ફેંકી તરંગો મુજ ભણી –” આ પદમાં કલ્પનાપક્ષિ પકડાયું. “આ વિશાળ વક્ષઃસ્થળમાં સમાસ પામવો – અા તરંગ – હસ્ત – ભુજ ફેંકાઈ ને મને સ્હાય ” એ અવસ્થાની અભિલાષરૂપ રમણીયતા ઉંધા પડેલા મસ્તિકને ભોળવવા - લલચાવવા - ફસાવવા – સમાવવા લાગી. વિચારમાં પડી, વિચારનું વિવાસન (દેશનિકાલ) જોઈ ઓઠપર આંગળી મુકી એક પગ ખુરશી પર અને એક નીચે એમ રાખી તે ઉભી.

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે વનલીલાનું સાસરું હતું. વનલીલાને સાસુસસરો હતાં નહીં. અા પ્રસંગે તે અગાશીમાં પવનમાં સુતેલા પતિનું માથું ખોળામાં લેઈ તેને નિદ્રાવશ કરતી કરતી ગાતી હતી તે સ્વર ત્રુટક ત્રુટક ઘડી ઘડી નિઃશબ્દ જગતના વાયુની પાંખ ઉપર બેસી કાન ઉપર આવતા હતા અને કુમુદસુંદરીને ન્હવરાવી દેઈ કંપાવતા હતાઃ

"ઉભા ર્‌હો તો કહું વાતડી, બીહારીલાલ,”
"તમ માટે ગાળી છે મ્હેં જાતડી, બીહારીલાલ,”[૩]

કુમુદસુંદરીનું મ્હોં વ્હીલું થઈ થયું. થોડુંક ન સંભળાયું. “એણે મ્હારે સારું જાત ગાળી – મ્હેં શું કર્યું ?” એ વિચાર થયો. વળી સંભળાર્યું.

“તાલાવેલી લાગી તે મ્હારા તનમાં, બીહારીલાલ,”
“કળ ના પડે રજનિ-દિનમાં, બીહારીલાલ.” [૩]

નિઃશ્વાસ મુકતાં પોતાને લાગેલી તાલાવેલી સમજાઈ - ન સ્‌હેવાઈ- અને મુખ મૂક થઈ ગયું. રંગીલું ગીત વળી વાધ્યું:

“બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે, બીહારીલાલ,
“સલિલમીનતણી રીત રાખી રાચીયે, બીહારીલાલ ! ”[૩]

  1. ૧- પ્રેમાનંદ, સુદામાખ્યાન.
  2. ૨. પ્રેમાનંદ, ભમરપચીશી. “ ગુજરાતમાંઅપ્રસિદ્ધ કાવ્ય” - સન ૧૮૮૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩. અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.
વનલીલાના કોમળ ગાનની અસર શી ક્‌હેવી ?
“ બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે–”

એ બરોબર દયાનમાં બેશી ગયું. ઓઠ ઉપરથી અાંગળી ખસી અને કર્તવ્યનો નિર્ણય કરતો હાથ છુટો થયો અને પડ્યો ! કુમુદસુંદરી ઉપર મદનનું સામ્રાજ્ય થઈ ગયું – તેના મસ્તિકમાં, હૃદયમાં, અને શરીરમાં એની અાણ વર્તાઈ ગઈ. નિઃશંક બની તેણે ખુરશી તજી અને ઉઘાડી સાંકળભણી દ્રષ્ટિ કરી પગ ઉપાડ્યા.

આ પ્રસંગે-પ્રત્યેક પગલું ભરતાં તેણે વાર કરી અને પ્રત્યેક પગલાંની સાથે તેના મન અને શરીરની અવસ્થાઓ પલટાઈ કંઈ કંઈ વિચારે તેને ચમકાવવા લાગ્યા, કંઈ કંઈ અભિલાષો તેનું કાંડું પકડવા લાગ્યા, કંઈ કંઈ અાશાઓએ તેને હડસેલી. કંઈ કંઈ સ્વપ્નોએ તેને ભમાવી, કંઈ કંઈ પ્રકારનો નીશો તેને ચ્‍હડ્યો, કંઈ કંઈ લીલાંપીળાં તેણે જોયાં, અને કંઈ કંઈ સત્વભૂત– તેની દ્રષ્ટિ આગળ નાચવા લાગ્યાં. અબળા બુદ્ધિએ મદનની “મરજાદ” પાળી અને પોતાનાં સર્વ બાલકને જેમનાં તેમ ર્‌હેવા દેઈ ઘુંઘટો તાણી ક્યાંક સંતાઈ ગઈ ભીમવિકારના ત્રાસથી થાકેલું દુર્યોધન જ્ઞાન જડતાના સરોવરને તળીયે ડુબકી મારી ગયું. પૃથ્વીને પગતળે ચાંપી નાંખી આખાં બ્રહ્માણ્ડમાં ઝઝુમતો એકલો હિરણ્યાક્ષ ત્રાડી રહ્યો હતો; સૃષ્ટિમાત્રને નિર્જીવ કરી દેઈ પ્રલયસૂર્ય આખા વિશ્વમાં અગ્નિનો વર્ષાદ વર્ષાવી રહે તેમ પવિત્ર સુંદર કુમુદસુંદરીને ભાનહીન અસ્વતંત્ર કરી નાંખી મનોભવ બળવાન અબલાનો સર્વતઃ નિર્દય પરાભવ કરવા લાગ્યો. અને તે કેવળ જડ જેવી અશરણ - અનાથ - બની ભાસી.

અધુરામાં પુરો વનલીલાનો ઉતાવળ કરતો સ્વર સંભળાયો:

“શ૨દની રાતલડી અજવાળી રે
“ ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે”

છેલ્લું પદ ત્રણ વખત સંભળાયું. પતિને ખભે હાથ મુકી તેની અાંખો સામું જોઈ તેને મેડીમાં ખેંચતી અાંખોના પલકારા કરતી હસતી વનલીલાના હાસ્યમાં ભળી જતા, વધારે વધારે દૂર જતા, ઓછા ઓછા સંભળાતા, ઉતાવળા ઘસડાતા, સ્વર, “ક્‌હાના ત્‍હારી કીકી કામણગાળી રે– ક્હાના ત્‍હારી કીકી કામનગાળી રે – ક્‌હાના, ત્‍હારી કી–”એટલે અાવી. વિરામ પામ્યા. વનલીલાની અવસ્થાની ઈર્ષ્યા કરતી, પોતાના ક્‌હાનાની કીકી સ્મરી તેના કામણને વશ થતી, કુમુદસુંદરી હવે ખરેખરી ચસકી – અને પોતાના હાથમાં પણ ન રહી.

મૂળ અાગળ - ઘણે છેટે – થયેલા પુષ્કળ વર્ષાદના બલથી જમાવ પામી ધસી આવતા પૂરને બળે ઉભરાઈ જઈ – ફેલાઈ જઈ - શાંત અને પ્રસન્ન સરિતા એકદમ મલિન થઈ જઈ અસહ્ય–અનિવાર્ય–વેગથી ખેંચાતી હોય તેમ ધસે; વાયુના ઝપાટાની ઝાપટથી, રમણીય મન્દ લીલા કરતી કુસુમલતા (કુલની વેલી) હલમલી જઈ અચીન્તી કંપવા માંડે તેમ કુમુદસુંદરી પરસ્વાધીન થતાં તેને ચમક થઈ હોય તેમ તેનું આખું શરીર પળે પળે ફુવારાની ઉચ્ચ ધારા પેઠે ચમકવા – ઉછળવા – લાગ્યું. ઈષ્ટજન અને પોતે બેની વચ્ચે થોડું ઘણું દેશકાળનું અંતર હજી સુધી ર્‌હેતું ન ખમાતાં અધીરા બનેલા કપાળ ઉપર કરચલીયો પડી અને ફરકવા લાગી – જાણે કે ત્યાં આગળ મદન મહારાજે ધ્વજા ચ્‍હડાવી દીધી હોય અને આવી પવિત્રતા ઉપર મેળવેલા જયના દર્પથી જગતનો તિરસ્કાર કરી ફરકતી ન હોય ! મસ્તિકમાં નાચતા નિશાચર મદનની આડી અવળી પદ – પંક્તિ પડી હોય, અંતર્ ભરાઈ રહેલા સરસ્વતીચંદ્રની કલ્પનાભૂતના ફાટા પગ બ્‍હાર દેખાઈ આવ્યા હોય, તેમ બેયે વિહ્યળ ભમ્મરો ભાંગી ગઈ અને પોતા પર પડતી પારકી મલિન દ્રષ્ટિને પ્રતાપથી દૂર રાખવાની પવિત્ર શક્તિ જતી રહેતાં જાણે કે નવી અશક્તિ આવી હોય તેમ જાતે જ અપવિત્ર બની શિથિળવિથિળ દેખાવા લાગી. એ ભમ્મરનું જોર નીચું ઉતરી પગમાં થઈને જતું રહ્યું હોય તેમ.

" તાલાવેલી લાગી તે મ્હારા તનમાં, બીહારીલાલ”

એમ વિકળ મ્હોંવતે બોલી જમીન ઉપર પગની પ્‍હાનીવડે અચીન્ત્યો જોરથી ઠબકારો કર્યો અને વિશુદ્ધિને ઠેસ મારી. પોતાની અને ઈષ્ટજનની વચ્ચે ભીંત કે બારી કાંઈ પણ ન હોય તેમ જોતી હોય એવી - અહુણાંને આહુણાં તેને પ્રત્યક્ષ જોવા પ્રયત્ન કરતી ખેંચાતી ખેંચાઈ જતી એક જ કર્મ કરતી - અકર્મ – આતુર અને અધીરી અાંખો ધીમા ચાલનારા શરીરથી પણ પ્‍હેલી દેાડી જઈ ઈષ્ટદર્શન શોધતી શરીરને પાછળ મુકી અંતર્થી નીકળી પડવાનું કરતી હતીઃ– તે જાણે કે – સા મી મેડીમાંના ચંદ્રને બળે અાકર્ષાતા તન-મન સાગરમાંનું મીનયુગ આકર્ષાઈ અગાડીમાંના અગાડીના ધપેલા મોજાને માથે દેખાઈ આવ્યું ન હોય ! – સામી મેડીના પ્રદેશના કીનારા જેવી બારી પર ઉભેલા માછી મદનના હાથમાંની સૂક્ષ્મ અદ્રશ્ય જાળમાં ભરાઈ જઈ પવિત્રતાના સાગરમાં ર્‌હેનારું મીનયુગ અપવિત્ર હવામાં ખેંચાઈ - તરફડીયાં મારી થાકી વૃથા પ્રયાસ છોડી - નિર્જીવ બનવાની તૈયારી પર આવી પવને પ્રેરેલા ભૂત સંસ્કારના તરંગોના જ હેલારાથી માછી ભણી ધકકેલાતું ન હોય ! ઈષ્ટ વસ્તુ જોઈ રહેલી કીકીને બીજું કાંઈ જોવા જ ન દેવું એવો નિર્ણય કર્યો હોય, બાહ્ય સંસારમાં સ્ફુરતા જ્ઞાનનો કિરણ પણ પોતાના ચેતન ભાગની અંતર્ સરવા ન પામે તેવો માર્ગ પકડ્યો હોય, પોતાનાથી ૫ણ આડું અવળું ભુલે ચુકે ફ૨કાઈ ન જવાય એવી સાવચેતી રાખી હોય, અને અંતર્થી ઉછળતું જ્ઞાન ઉભું જ ન થઈ શકે એમ તેને માથે જડ ભારરૂપ થઈ જવા પોતે જ ભારતયત્ન કર્યો હોય તેમ આખી અાંખ દ્રઢ સંકોડાઈ ગઈ - અને “ક્‌હાનાની કામણગાળી કીકી'નું જ પ્રતિબિમ્બ તેમાં અદ્રશ્યરૂપે વ્યાપી રહ્યું. હજી કુમુદસુંદરી ઝીણું ઝીણું ગણગણતી હતી, ખભા મરડતી હતી, લ્હેંકા કરતી હતી, અને, “ક્‌હાના” અને “કીકી ” શબ્દોપર ભાર મુકતી હતી:

“ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે

"ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે
“ક્‌હાના, કીકી ત્‍હારી કામણગાળી રે

“ક્‌હાના, ત્‍હારી કીકી કામણગાળી રે ... ... ..."

“કામણ” શબ્દ પર ભાર મુકતાં મુકતાં તર્જનીવડે તર્જન કર્યું અને નીચલો ઓઠ કરડી દાંત પણ કચડ્યા.

બારી પાસે આવી તેમ તેમ આટલી ક્રિયા પણ બંધ થઈ ગઈ. અાંખો ઉઘાડી છતાં દ્રષ્ટિક્રિયા વિરામ પામી હોય - નીશો ચ્‍હડ્યો હોય – તેમ ભાતભાતનાં લીલાપીળાં દેખાવા માંડ્યાં. તમ્મર ચ્‍હડી હોય તેમ અાખી મેડી નજર આગળ ગોળ ફરવા - તરવા - માંડી અને સામી ભીંત પળવાર હીંચકા ખાતી લાગી, પળવાર સમુદ્રમાં હોય તેમ ઉંચી નીચી થતી ભાસી, અને પળવાર કંપતા દર્પણમાં દેખાતી હોય તેમ ન્હાની મ્હોટી થતી લાગી. “હવે શું રોવું ?” કરી અાંખમાંનું પાણી સુકાઈ ગયું. કાનમાં પ્રથમ તો રાત્રિની ગર્જના જેવો તોરીનો સ્વ૨ ટકટકારો કરી રહ્યો હતો તેને ઠેકાણે 'અનહદ' નાદ સંભળાવા લાગ્યો. નાસિકામાં શ્વાસ રુંધાઈ રહ્યો અને પ્રાણાયામ જાતે ઉત્પન્ન થયો. બોલવું, ગણગણવું, શ્વાસ લેવો, – સર્વ છોડી મ્હોં અધ-ઉઘાડું રહી ગયું અને ઉપર નીચે ન હાલતી ન ચાલતી દાંતની હારો રહી ગઈ – જાણે કે મદનચિતામાં મુકવા સારું શબ જ ગોઠવી મુક્યું હોય અને એ ચિતા પુરેપુરી તૈયાર થવાની વાટ જોવાતી હોય. સેનાધીશના શંખનાદની સૂચના સાંભળવા સ્થિર ઉંચી ડોક કરી વીર સેના ઉભી હોય અને મરણના મુખમાં કુદી પડવાની વાટ જ જોઈ રહી હોય તેમ સુન્દર કંઠ ઉત્કંઠ અને નિશ્ચળ બની ગયો. પાપકૂપમાં પડવા તેના ખોડ ઉપર ઉભી રહી કુવામાં ડોકું કરી પડવા તે તૈયારી કરતી હોય તેમ તેના નાજુક અને નાગજેવા હાથ નાગફણા પેઠે જ ઉપસ્થાન કરી રહ્યા અને ધ્રુજવા લાગ્યા. કોઈ જોર કરી બારણું ઉઘાડવાની આજ્ઞા કરતું હોય અને અનિચ્છાથી તે માનવી પડતી હોય, બારી ઉપર હાથેલી વડે થાપા દેવા હોય – તેમ કંપતી બાળકના જેવી અાંગળીયો પહોળી રાખી બે હાથે બારી ભણી હાથેલીયો. દેખાડી; – પણ આવા કર્મનાં અપરિચિત કાંડાં, એમાં આશ્રય આપતાં હામ જતી રહી હોય તેમ, લુલાં પડી ગયાં; અને હાથેલીયો નિરાધાર હોય એમ, ચતી ર્‌હેવાનો યત્ન કરવા છતાં, લટકવા લાગી. આતુરતાથી ઉંચું થતું, અવશતાથી કંપતું, લજ્જાથી સંકોચાતું, અાશાથી તળે ઉપર થતું, કામાર્ત્તિથી વેગવાહી બનતી નાડીયોમાં વેગથી ધડકતા રુધિરના ઉછળાઓથી ફરકતું, સૂક્ષ્મતર થતા, પટુતર થતા જ્ઞાનતંતુઓની સર્વાંગી અને આવેશભરી સ્ફુરણાથી ઉભી થતી રોમરાજિના મૂળે મૂળ આગળ અને શિખરે શિખર ઉપર ઉદ્દીપ્ત થતું, વારાફરતી ચળકાટ અને વિવર્ણતા ધરતું, ન્હાનુંસરખું પણ અગણિત મહાવિકારોને સમાસ આપતું, જાતે એક પણ અનેકવૃત્તિમય થતું, ચેતન છતાં જડતાને સ્વીકારતું, પવિત્ર છતાં અપવિત્રતા ભણી ઉલટતું, પ્રમાદધનનું હોવા છતાં સરસ્વતીચંદ્રની સત્તા માનતું, અને સ્થિર થવા – ક્રિયામાં સંક્રાંત થવા – દેખાઈ આવતા પણ વૃથા પ્રયત્ન કરતું, અસ્થિર, ક્રિયાહીન, દીન, અને વિહ્વળ અંગ ઉત્તમાંગના આધારભૂત થવાને બદલે જાતે આગાડી ધપતા ઉત્તમાંગને જ અાધારે પાછળ પડી – છુટું ન પડાતાં – નીચે લટકી રહ્યું હોય એવો વિકાર અનુભવતી બાળા નખથી શિખસુધી થરથરવા લાગી, વાંચેલા મદન–જવરના સ્પષ્ટ પ્રયોગનું પાત્ર થતી થતી બળી બળી થવા લાગી, અને મરણ પ્રત્યક્ષ ઉભું હોય તેમ બ્‍હેબાકળી (ભયવ્યાકુળી) અને વ્‍હીલી બની. તેનાં સુંદર પ્રફુલ્લ ગાલસંપુટ મુખમાં ચુસાવા લાગ્યાં. પકવ બિમ્બૌષ્ઠ વિવર્ણ બન્યા અને માઘમાસની ઠંડીને વશ હોય તેમ સંકોચાઈ ત્ર્‍હેંકાઈ ગયા. અાંખો બાડી થઈ અને સુન્દર મુખ કદ્રુપું અને પ્રેતના જેવું ભયંકર થયું. માત્ર આ સર્વ વિકૃતિનું તેને પોતાને દર્શન ન થયું - ભાન ન રહ્યું – જાણે કે આત્મભાન વિનાનું શબ સર્વશઃ ન હોય ! અાત્મભાનની ન્યૂનતા એ જ ઉત્કર્ષની બાધક છે.

કુમુદસુંદરી અામ દ્વાર ઉઘાડવા ગઈ દ્વારથી અાણીપાસની સાંકળ ઉઘાડવી એના હાથમાં હતી. પેલી પાસની સાંકળ કુષ્ણકલિકાએ ઉઘાડી હતી – વાસી ન હતી; અા તેનું સખીકૃત્ય કુમુદસુંદરીના અપભ્રંશને અતિ અનુકૂળ લાગ્યું. કુમુદસુંદરી ! તું સાંકળ કેમ ઉઘાડતી નથી ? દ્વાર આગળ હાથેલી ધરી છતાં કેમ ધકેલતી નથી ? અાની આ દશામાં જુગના જુગ વીત્યા છતાં સ્તબ્ધ – અકર્મ – તું કેમ ઉભી રહી છે ? અામ કેટલીવાર તું ઉભી ર્‌હેશે ? શું તને નિદ્રા નથી આવતી? રાત્રિના બાર વાગી ગયા છે. શું તને કોઈ અટકાવે છે ? દેખાતું તો કોઈ નથી. રસ્તા પરની બારીમાંથી આવતા પવનને લીધે ટેબલ પર કંપતા દીવાએ કુમુદસુંદરીની છાયા ઉઘાડવાની બારી ઉપર જ પાડી હતી. કુમુદસુંદરી સ્તબ્ધ હતી પણ તેની છાયા દીવાની જ્યોતને અનુસરી હાલતી હતી. એ છાયાનું કદ કુમુદસુંદરી કરતાં મ્હોટું હતું. બારી ઉઘાડવા પ્રસારેલી હાથેલીની છાયા સાંકળ અાગળ હતી અને તે પણ કશાની “ના ના” કરતી હોય તેમ હાલતી હતી.

કુમુદસુંદરી શું તું અનાથ છે ? શું ત્હારી વિશુદ્ધિનું આવી ચુક્યું ? શું બ્‍હારનાં ભયથી મુકત થઈ - એકાંત પ્રમાદધનશુન્ય મેડીમાં - સુવા વારો અાવ્યો એટલે ત્‍હારી વિશુદ્ધિ ચળી ? શું ત્હારી વિશુદ્ધિનો અવકાશ પ્રસંગની ન્યૂનતાને લીધે જ આજ સુધી હતો ? અરેરે ! શું ઈશ્વર શુદ્ધિનો સહાયભૂત નથી થઈ પડતો ? શું તે ત્હારા જેવી શુદ્ધ સુન્દર હૃદયવાળી અબળાને મહા નરકમાં પડતી જોઈજ ર્‌હેશે અને તને તારવા હાથ સરખો નહીં ધરે ?

કમાડઉપર પોતાની છાયા પડેલી જોવા મદન–અંધા અશક્ત નીવડી. આલોક અને પરલોકને તિરસ્કાર કરી, લજ્જાને લાત મારી, ભયને હસી ક્‌હાડી, વિશુદ્ધિને મૂર્છા પમાડી, અને હૃદયને સુતું વેચી, સામેનું દ્રાર ઉઘાડવાનું સાહસ કરવા વિષમય નાગ જેવો હાથ ધર્યો ! હાથમાં જીવ આવ્યો તેની સાથે અાંખમાં પણ જીવ આવ્યો:– દેશનું અંતર પળવારમાં કાપી પોતાની પ્રિય પુત્રીને ઉગારવા ગુણસુંદરીનો શુદ્ધ વત્સલ અાત્મા છાયારૂપે રત્નનગરીમાંથી અચીન્ત્યો દોડી આવ્યો હોય તેમ દ્વાર પરની મા જેવડી છાયા પોતાની માતા જેવી લાગી અને ધસેલા હાથને ઝાલતા જેવો છાયાહસ્ત સામો ધાયો. હાથ દ્વારને અડકતાં જ કુમુદસુંદરી ભડકી અને એકદમ હાથ પાછો ખેંચી લઈ ઉભી. મચ્છેન્દ્રે ગોરખને અચીન્ત્યો જોયો તેમ પોતે પણ છાયા ભણી ફાટી ભડકેલી અાંખે જોઈ હીન બની, હાથ જોડી અાંગળીયોમાં અાંગળીયો પરોવી, ઉભી. ભરતી બીજીપાસ વળવા લાગી. નવો જીવ આવ્યો અને દુર્યોધનની ભર-સભામાં અશરણ બનેલી દ્રૌપદીનું રક્ષણ કરવા દ્વારિકાથી કૃષ્ણ આવ્યા ને સર્વને અદ્રશ્ય પણ પોતાને દ્રશ્ય દીનબંધુને અચીન્ત્યા જોતાં પાંચાળીને હર્ષ થયો હતો તેનાથી અનેકધા વિશેષ હર્ષ પામતી અદ્રશ્ય પવિત્ર જનનીમૂર્તિ દેખાતી બાળા માતા જેવી છાયાસામું જોઈ રહી, અને પોતાની લજજા ઢાંકવા આવેલી જનની અાગળ નીચું જોતી અાંખમાંથી અાંસુની ધારા સારવા લાગી. મુખ માત્ર છિન્નભિન્ન સ્તવન કરી રહ્યું : પોતે શું ક્‌હે છે – કોને કહે છે તેનું ભાન ન રહ્યુંઃ યદ્રચ્છાવસ્તુ જીભ પર નાચી રહી :

“બ્‍હેના વિશુદ્ધિ ! બચી તું મરતી–જીવી ! જીવી ! તું રહી ” “ ઓ મ્હારી માવડી ! અહીંયા પણ મ્હારી વિશુદ્ધિ ત્‍હેં સાચવી ? હેં !” પવનમાં અને છાયામાં કોઈ પવિત્ર સત્વ ઉભું લાગ્યું. મુખમાં પવિત્ર કોમળ સરસ્વતી ગાનરૂપે આવી ઉભી. એ હાથ અને મુખ પવનમાં ઉંચા કરી દીનવદને ગાયું:

“ અનાથનકે નાથ ! ઓ ધાયે ! પ્રભુ અનાથકે નાથ ! ( ધ્રુવ )*[૧]
“ શ્રીકૃષ્ણ પ્‍હોડ્યા દ્વારિકામાં, ઝબકીને જાગ્યા નથી શ્રીનાથ !
“ તત્ક્ષણ ઉઠીને ઉભા થયા, પ્રભુ ચૌદ લોકનો નાથ, ધાયે૦ ૧.
“ રુકિમણી લાગ્યાં પુછવા – સ્વામી, કો કારજ છે અાજ ?
“ –પાંચાલી પાંડવતણી ! તમે શેં ન જાણો એ વાત ? ધાયે૦ ૨.
“ આજ મ્હારી દાસીને મહાદુઃખ પડ્યું મ્હારે તત્‌ક્ષણ જાવું રે ત્યાંય !
" ગોવિંદ ક્‌હે-'લાવો ગરુડને, મને પછી પુછજો એ વાત !” ધાયે૦ ૩
“ ગરુડ મુક્યા મારગે, જાણ્યું રખે પડતી રાત !
“ નરસૈયાના રે સ્વામી સંચર્યા રે' દ્રોપદીએ નીરખ્યા શ્રીનાથ ! !
“ ધાયો પ્રભુ અનાથનકો નાથ –
" ધાયો પ્રભુ અનાથનકો નાથ !"
“ ધાયો – ધાયો તું પ્રભુ અનાથનકો નાથ !”

“ હા ! – ધાયો – ધાયો - તું વિના બીજું કોણ અામ મ્હારી વ્હારે ચ્‍હડે ? ઓ મ્હારા પ્રભુ !” છેલી કડીયો, ઉંચું જોઈ હાથ જોડી, બોલતાં બોલતાં, જીભને જોર અાવ્યું, મ્હોં મલકાઈ ગયું, સ્વર કોમળ, મધુર થયો, અાંખો ચળકવા લાગી, પવિત્રતાની પેટીઓ જેવાં સ્તનપુટ ! ઉત્સાહથી ધડકવા લાગ્યા, અને રોમેરોમ ઉભાં થયાં. “દ્રોપદીયે નીરખ્યા શ્રીનાથ” ક્‌હેતાં ક્‌હેતાં હૃદય નવી આશા - નવા ઉમળકા – થી ફુલ્યું અને છાયા ભણી સ્નિગ્ધ ભીની અાંખ જોઈ ૨હી. માતાને બાઝી પડતી હોય તેમ છાયા ભણી હાથ પ્રસાર્યા. ઉપકારનાં અનિવાર્ય અાંસુ બંધ ન રહ્યાં, ખાળ્યાં પણ નહી, અને માતા જેવી છાયાને પગે પુષ્પવૃષ્ટિ પેઠે પડ્યાં. શાંત થતી ઉપકારથી સ્ફુરતી છાતી પર હાથ મુકતી ગાયેલું ફરી ફરી ગાવા લાગી અને બીજે હાથે દ્વારની સાખ પકડી હાંફતી હાંફતી ઉભી ૨હી. કંપતી કાયાને ટેકવનાર મળ્યું. રાક્ષસના હાથમાંથી છોડાવી માતા પુત્રીને છાતીયે ડાબતી હોય તેવી પુત્રીની સ્થિતિ અનુભવમાં આવી. ઈશ્વર કીયે માર્ગે રક્ષણ કરશે તેની કલ્પના કરવા ક્ષુદ્ર માનવી ક્યાંથી પામશે ?

ઉપકારનો ઉભરો શમવા આવતાં તેમાં પશ્ચાત્તાપનો પ્રવાહ ભળ્યો, રોતી-અાંસુના પટથી ઢંકાતી–અાંખ પવિત્ર હૃદયને વશ થઈ અને હૃદય સ્વતંત્ર થવા પામ્યું. થાકેલો પગ જરાક ખસતા સારંગી અથડાઈ અને


  1. * વર્તમાન સ્તવનોમાંથી, 'અનાથનકે' એ ભાષાશબ્દ લાડતી ભક્તિનીસીમાના છે
દ્રષ્ટિ તે ઉપર પડી. સારંગી ભણી દીન લોચન જોઈ રહ્યાં. સારંગીમાં જીવ

આવ્યા જેવું થયું – તેના તાર જાતે કંપતા ભાસ્યા. એ તારના રણકારા– ભણકારા – કાનમાં અાવવા લાગ્યા અને નવીનચંદ્રની પવિત્રતા રક્ષવા ગાયેલી કડીયો, કોઈ અદ્રશ્ય સત્વ ગાતું હોય તેમ, સારંગીના તાર ઉપરથી ઉડી પવનમાં તરવા લાગી – નિર્બળ કાન પર વીંઝાવા લાગી:

“ શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરશિરે... ... ...
“ પડવા માંડેલી પડી પાછી ” ... ... ... ... ... ... ...
* * * * *
“ ભ્રષ્ટ થયું–જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !
" ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !
........વિનિપાત જ નિર્મેલો ” .......

છેલ્લી કડી એ વિચારને જગાડ્યો ને કુમુદસુંદરી છળી હોય તેમ ચમકી “ હાય ! હાય !” એટલા બે જ શબ્દ બોલી બે ડગલાં પાછી હઠી અને સારંગીથી બ્‍હીતી હોય તેમ મ્હોં વિકાસી, બાળક હૃદયને થાબડતી હોય તેમ છાતી પર બે હાથ મુક્યા.

“મ્હેં શું કર્યું – હું શું કરવા જતી હતી ? પવિત્ર સરસ્વતીચંદ્ર, અાવી અપવિત્ર સ્ત્રીથી ત્‍હારી જોડ ન બંધાત – મ્હારા જેવી ભ્રષ્ટાનો ત્યાગ ત્‍હેં કયાં તે કેવળ ઉચિત જ થયું છે ! ”

“ હે ઈશ્વર આવી જ રીતે મને સદૈવ પવિત્ર રાખજે !
" જન્મે જન્મ તું મને સન્મતિ દેજે–
“ નિર્મળ રહે મન-કાયા રે !
“ કોટિક ભવનાં કિલ્મિષ નાસે
" એ માગું ભવ–રાયા રે ! જન્મે૦”

પવિત્રતાના વિચાર કુમુદસુંદરીનાં ચિત્તમાં ઉભરાવા લાગ્યા અને તેની ઉત્કર્ષભરી અસર તેના શરીર પર પણ સ્કુરવા લાગી. તે પાછી ખુરશી- પર બેઠી અને જે પત્રોએ એનાં મનઉપર આટલો મોહ પ્રસાર્યો હતો તેનાં તે પત્રો નિર્મળ ચિત્તથી વાંચી, પૂર્વની નિર્મળ અવસ્થાનાં સ્મારક ગણી, છાતી સરસા ચાંપી, અમ્મરના પડમાં પાછા સાચવી મુકી, કબાટમાં મુક્યા. પાછી હતી ત્યાં ને ત્યાં બેઠી અને રાત્રિ જાય છે તેનો વિચાર કર્યા વિના, ઘડીયાળમાં એક વાગ્યે તે કાન આવ્યો છતાં ન સાંભળી, ઘડીક દિવ્ય વિચારમાં પડી. પોતાના મનઉપર મોહ થયો હતો તેનાં કારણ વિચારી, પોતે કેટલી ભ્રષ્ટતામાંથી કેવા ઈશ્વરપ્રસાદથી જ ઉગારી તે વાત મનમાં રમમાણ કરી. ગુણસુંદરી, સૌભાગ્યદેવી, વનલીલા, અને અલકકિશોરીનાં પવિત્રરૂપ મન આગળ ખડાં કરવા લાગી. “અલકબ્‍હેન કરતાં હું ગઈ” વિચારી અભિમાન છોડ્યું, અને નણંદની ઉન્મત્ત પણ નિર્દોષ મૂર્ખતાથી છવાયેલા વિશુદ્ધિ-૨ત્નોના ભંડાર જેવા તેનાં ભોળા અંતઃકરણ ઉપર પ્રીતિ ઝરવા લાગી. રમતીયાળ, રસીલી પતિવ્રતા વનલીલા જેવી સખી પોતાને મળી તે મહાભાગ્ય ભાસ્યું, અને તેની સંગતિથી પોતે વધારે ઉત્કર્ષ પામી માનવા લાગી. પળવારપરનું તેનું પતિસુખ સંભારી બોલી ઉઠી. “ઓ મ્હારી વનલીલુડી, આ સુખ તને સનાતન છાજજો !” એવો આશીર્વાદ આપ્યો. કપાળે ચાંલ્લો કરેલો અને અંગે સાદાં મંગળભૂષણ પ્‍હેરેલાં એવી પતિવિના જગતમાંની બીજી કાંઈ પણ વાત ન સમજનારી - સમજવા ઈચ્છા પણ ન રાખનારી – સૌભાગ્યદેવી સાસુ વહુની અાંખ અાગળ અાવી ઉભી અને “બાપુ, મ્હારા જેવી જ થજે ” એવો આશીર્વાદ આપતી માથે હાથ મુકતી લાગી અને ભ્રમમાં કુમુદસુંદરીયે ઉચું પણ જોયું. ગુણસુંદરીનો પણ સ્વર સંભળાયો: “બ્‍હેન, હું તો હવે આજ સુધી ત્હારી પાસે શીખામણ દેવા હતી. પણ હવે જોજે હોં ! હવે તો ત્‍હારી મેળે જ સંભાળવાનું છે. ત્‍હારા પિતાના પવિત્ર કુળને કલંક ન લાગે, ત્હારી માની કુખ વગોવાય નહી, આટલું ન્‍હાનું સરખું પણ અાખા મ્હોંનું-શરીરનું–ભૂષણ નાક તે જાય નહી, તું આટલી ડાહી છે તે ધુળમાં જાય નહી, અાટલો પરિશ્રમ કરી તને વિદ્યા આપી છે તે નિરર્થક થાય નહી, પવિત્ર સંસ્કૃત વિદ્યા ખરાબે પડી ગણાય નહી, લોકવ્યવહારનો તિરસ્કાર કરી આપેલી ઈંગ્રેજી વિદ્યા માથે અપવાદ આવે નહી, આલોક અને પરલોક ઉભયમાંથી તું ભ્રષ્ટ થાય નહીં, સાધારણ લોકના જેવી વિકારવશ અનાથ તું ગણાય નહીં, તું આવી સુન્દર છે તે રાક્ષસી જેવી બને નહી, ત્હારું સ્ત્રીતેજ જતું ન રહે, ત્હારા આજ તેજસ્વી અને નિર્મળ કાચ જેવા અંત:કરણ ઉપર જોવું તને જ ન ગમે એવું ન થાયઃ-પુત્રી ! મ્હારી શાણી પુત્રી ! જે કરે તે આ સઉ વિચારી કરજે , હોં ! અમે તો આજ છીયે ને કાલે નથી. કન્યાદાન સાથે અમારા હાથમાંથી તો તું ગયેલી જ છે. પણ ત્‍હારી માનો સ્નેહ સંભારજે – ત્હારી માને ભુલીશ માં; – એકલી પરદેશમાં, પરઘરમાં ઈશ્વરને ખોળે બેઠી બેઠી પણ માંને ભુલીશ નહી; માનું કહ્યું વિસારીશ નહીં. હવે અમારું કહ્યું માનવું - ન માનવું – તે ત્‍હારા હાથમાં છે - તું અને ત્‍હારો ઈશ્વર જ જાણનાર છો. અમારે શું ? – અમે કોણ? - કર્તાહર્તા ઈશ્વર – અમે તો માત્ર વચમાંનાં દલાલ – અા ઘેરથી પેલે ઘેર સોંપીયે છીયે. તું કાંઈ અમારી નથી – તને શીખામણ દેવી શું કરવા પડે ? પણ માનું હૈયું કહ્યું નથી કરતું - અમારાથી ક્‌હેવાઈ જ જવાય છે. કર - ન કર તે તો તું જાણે. પણ હું તો કહું છું. હવે તું મ્હોટી થઈ જો, બ્હેન, જો, બધું ત્હારી મરજી પ્રમાણે કરજે – પણ એક આટલું સરખું માનું કહ્યું માનજે હોં ! જો, સુખદુઃખ બદલાશે, બધું થશે, પણ કર્યું ન કર્યું નહી થાય. માટે બ્‍હેન, જો હું શું કહું છું ? – એટલું માનું કહ્યું સરત રાખજે.” આમ દીનવદને બોલતી બોલતી ગુણસુંદરી ડુસકાં ભરતી દીકરીયે સાંભળી. પોતાને ખભે હાથ મુકી પાછળ ઉભી હોય તેમ લાગ્યું અને માનો હાથ ઝાલવા પોતાનો હાથ ઉંચો કરી પોતાને ખભે મુક્યો અને અચીન્ત્યું પાછું જોયું. પાછું જુવે છે તો " કુમુદ, જો, બેટા, કોઈ નહી હોય ત્યાં પણ ઈશ્વર સાક્ષી છે હોં ! સરત રાખજે હું તો ખોટો બાપ છું, પણ મ્હારો ને ત્‍હારો બેનો ખરો બાપ તો એ છે, હોં. આ જગતમાં તું જે કામ કરે તે એ બાપને પુછીને કરજે – એ તને કદી ખોટી સલાહ નહીં આપે, સદૈવ સહાય થશે, અને એ તને સર્વત્ર જડશે. મને ભુલજે - પણ એને ભુલીશ નહી. એના કોપપ્રસાદ જેવા તેવા નથી – પાછા ફરે તેવા નથી. મ્હેં તને કોઈ વેળા ક્ષમા આપી હશે – પણ ઈશ્વરની તો શિક્ષા થયે જ જાણીશઃ ક્ષમા માગવાનો અવકાશ પણ નહી રહે.” આમ બોલતું વત્સલતાથી કોમળ પણ ઉપદેશદાનને લીધે કઠણ ભાસતી અાંખવાળું પિતાનું મુખ કુમુદસુંદરીયે પોતાની પાછળ હવામાં ઉભેલું દીઠું. તે ચમકી અને ઉભી થઈ ચારે પાસ બ્હાવરી બની જોવા લાગી તો જ્યાં જુવે ત્યાં પવનમાં કોઈનાં મુખ અને કોઈનાં શરીર તરવરે: એક પાસ પિતાનું, અને બીજી પાસ માતાનું મુખ; એક ઠેકાણે વનલીલા ઉભેલી; એક ઠેકાણે અલકકિશોરી અાળસ મરડે; ૨સ્તાપરની બારી આગળ બુદ્ધિધન ઉભેલો; અગાશીની બારી આગળ સાસુ અઠીંગેલી; નવીનચંદ્રવાળી મેડીની બારી આગળ સરસ્વતીચંદ્ર ઉભેલો અને બાડી અાંખે પવિત્રતાની પરીક્ષા કરવા જોઈ રહેલો; અને બધું તો બધું પણ પોતાની જ પાસે ટેબલ પર બાળક કુસુમસુંદરી પણ મ્હોટી બ્હેનની મશ્કેરી કરતી હસતી બેઠેલી લાગી. કુમુદસુંદરી તો આ સર્વ જોઈ ગભરાઈ જ ગઈ કે આ શું ? – આ બધુ શું ? – શું આ બધાંએ આજ મને નાણી જોઈ? આ તે સ્વપ્ન કે સાચું ? એમ વિચારતી, ગભરાતી, ચારપાસ અને ઉપર- નીચે દ્રષ્ટિ ફેરવવા લાગી. ઘેલી બની ગયેલી કુમુદ આમથી તેમ દોડવા લાગી અને બ્‍હાવરી બ્‍હાવરી, ઉપર, નીચે, ભીંતોપર, છતપર, ભોંયપર, પલંગપર, ટેબલ પર, બારીઓ અાગળ, અને પવનમાં આમથી તેમ જોવા લાગી અને ટેબલ પરની કુસુમસુંદરી હળવે હળવે ટોળ કરતી ગાતી સંભળાઈ:

“ બ્‍હેન બ્‍હાવરી, હોં-તું તો બ્‍હાવરી હો !
" હાથનાં કર્યા તે વાગશે હૈયે કે બ્‍હેન મ્હારી બ્‍હાવરી હોં !
બ્‍હાવરી હોં !”

એમ ક્‌હેતી ક્‌હેતી ન્હાની બહેન ઉઠી અને સામે આવી હસતી હસતી હાથેલી વતે ચાળા કરવા અને બ્‍હેનને બનાવવા લાગી. કુમુદસુંદરી થાકી ગઈ અને ખુરશી પર બેસી રોઈ પડી. "ઓ ઈશ્વર, હવે હું આવો વિચાર પણ ફરીથી નહીં કરું ! ” એમ બોલી નિઃશ્વાસ મુકી અમુઝાઈ ટેબલ પર માથું ઉંધું પટક્યું. રોઈ રોઈ અાંખો રાતી કરી દીધી, ટેબલ પરના કાગળ પ્‍હલાળી દીધા અને છાતી કુટી. પશ્ચાત્તાપની – ઈશ્વરશિક્ષાની – સીમા અાવી. ચોળાયલી અાંખ ઉંચી કરતાં સર્વ દેખાવ અગોચર થયેલો લાગ્યો, મેડી નિત્યના જેવી એકાંત દેખાઈ અને તેમાં પોતાને એકલી હતી તેવી જ જોઈ ઈશ્વરે ક્ષમા આપી અંતઃકરણે પરખી - ઈશ્વ૨ ત્રુઠ્યો લાગ્યો. હૃદય ભાર તજી હલકું હલકું થતું અનુભવ્યું.

હજી પ્રાયશ્ચિત્ત પુરું ન થયું. અશ્રુપાત એનું શરીર ઝબકોળતો ન અટક્યો:

“ રોઈ રોઈ રાતી અાંખડી, ખુટ્યું આંસુનું નીર !
“ નયને ધારા એ વહે, વહે છે રુધિર–
" વૈદર્ભી વનમાં વલવલે ! ”[૧]

માનસિક વિશુદ્ધિએ પળવાર પોતાનો ત્યાગ કર્યો તેથી વલવલતી જેવી ઉત્કૃષ્ટ બાળા પ્રાયશ્ચિત્તવનમાં અટવાઈ; સમુદ્રનાં મોજાં એક ઉપર એક એમ અાવ્યયાં જ જાય તેમ રહી રહીને રોવા લાગી; જાગૃત સ્વપ્નમાં માએ કહેલાં વચન અને બાપે આપેલો ઉપદેશ સંભારી સંભારી પોતાના પુત્રીપણામાં ખરેખરી ન્યૂનતા આવી જાણી પોતાને વારંવાર ધિક્કારવા લાગી; તે વચન અને તે ઉપદેશોના અક્ષરે અક્ષરમાં રહેલું ગંભીર સત્ય પ્રત્યક્ષ કરી કંપવા લાગી : પતિથી, પ્રિયથી, માથી, બાપથી, વિશુદ્ધિથી, અને ઈશ્વરથી પણ પોતે વિખુટી પડી એકલી અનાથ બની હોય તેમ ટળવળવા લાગી; અને “એ સર્વે | સ્વજનની સ્વીકારવા યોગ્ય, હવે હું કદી પણ થઈશ ?” એવું મનને સુકાઈ જતે મ્હોંયે મનાવતી પુછવા લાગી. “હું અપરાધી કોઈને મ્હોં શું દેખાડું ?" કરી લજજાવશ બની ધરતીમાં પેંસી જતી હોય તેવા વિકારનો અનુભવ


થયો. “આટલો અપરાધ ક્ષમા કરી હવે મને સ્વીકારો” એમ દીનવદનથી

ક્‌હેતી ભાસી. અંબારૂપ ઈશ્વરને કે પછી પોતાની માને કાલાવાલા કરતી હોય – “તે હવે કોઈપણ સ્થળે દેખાય છે?” એમ કરી સર્વત્ર જોતી હોય – તેમ આંસુભરી લવી:

“અંબા, એ મ્હારી રે,જોજે તું પદ નિજ ભણી;
“કર્યા તે મ્હારા સામું રે – જોઈશ ન તું મુજ ક૨ણી?”

વળી ગદ્‍ગદ કંઠે ગાવા લાગી:

“ત્હેં તો મને દીધી રે આવી માનવી કાયા, માત!
“તે તું ન ત્યજ મુને રે, ત્હારાવણ હું કરું રે વલોપાત-
"વહાલી મ્હારી માવડી ! ૧.
“દશે એ દિશાઓએ રે, મા ! હું જોઉ તે ત્હારો પંથ-
"તું વણ તે દેખાડે રે કોણ કે આમ થાવું સંત?
"સઉ સુનું માવિના ! ” ૨.

"ઓ મા ! ઓ મા !” કરતી કરતી શુદ્ધ પવિત્ર બનતી બનતી કુમુદસુંદરી અશ્રુસ્નાનથી સંસ્કારી થઈ. રોવું છોડી ગંભીર થઈ અને સ્વાધીન દશા પામી.

વસ્તુ, વૃત્તિ, અને શક્તિ એ ત્રિપુટીનો યોગ પ્રવૃત્તિ-નિવૃત્તિનો સાધક છે. સૃષ્ટિના સર્વે પદાર્થો પેઠે એનો પણ સદુપયોગ તેમ જ દુરુપયોગ થાય છે. તે સર્વ ઘટનાનો સૂત્રધાર શું ધારે છે તે તો ક્‌હેવાઈ શકાતું નથી, પણ તેની ઈચ્છાને અધીન ર્‌હેતી કોઈક જાતની સ્વતંત્રતા માનવીમાં છે અને તે સ્વતંત્રતાની પ્રવૃત્તિ ઉપર જ કર્મમાત્રની શુભાશુભતા કલ્પાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ, સત્ અથવા કલ્પિત વસ્તુ ભણી માનવીની વૃત્તિ ખેંચાય છે અથવા જાય છે અને તેમ થવામાં શક્તિ ઓછીવૃત્તિ સાધક અથવા બાધક થાય છે. શક્તિ જડ અથવા ચેતન અંશની હોય છે. જડશક્તિનો ઉપયોગ વૃત્તિને અનુસરનાર જ હોય છે. ચેતનશક્તિ બુદ્ધિને અનુસરી વૃત્તિને અનુકૂળ અથવા પ્રતિકૂળ થાય છે. પૃથગ્જન[૧] તેમ જ કેટલાક બીજા એમ માને છે કે સ્વતંત્રતા એટલે જડ-શક્તિથી નિરંકુશતા. કેટલાક એમ માને છે કે સ્વતંત્રતા એટલે ચેતનશક્તિની નિરંકુશતા. જડશક્તિ પશુઓને અને પશુવૃત્તિના સંસ્કારી માનવી એને વધારે પરિચિત હોય છે અને તેની સંવૃદ્ધિ સુલભ છે. ચેતનશક્તિની સંવૃદ્ધિ દુર્લભ છે અને સદ્‍બુદ્ધિને અનુસરવામાં વપરાતી હોય ત્યારે તે શક્તિ જય પામે તે તો પવિત્ર સુખ અને ઈશ્વરપ્રસાદની પરિસીમા છે.


  1. ૧ સાધારણ માણસો. Vulgar people.
આ જય પામવો તે યુદ્ધના પ્રસંગ શીવાય બનતું નથી. કેટલાક માનવી

આવા યુદ્ધપ્રસંગ વિના પવિત્ર રહેલાં હોય છે – પ્રસંગ ન આવે તે પણ એક મહાભાગ્ય જ છે ! પ્રસંગ આવ્યે શુદ્ધ જય પામે તે તો વિરલ જ, પણ જય પામતા પ્હેલાં શત્રુના ઘા સહેવા પડે અને આગળ ધપતા પ્હેલાં જરી પાછળ પડવું પડે તો તેથી યુદ્ધમાં પડનારનો જય સકલંક નથી થતો. આવા પ્રસંગના અપરિચિત માનવી ! આવા યોદ્ધાની પાછી પડેલી પદપંક્તિ અને સામે મુખે ખમેલા ઘામાંથી વ્હેતું રુધિર જોઈ તે ઉપરથી તે ચોક્કાની નિર્મળતાનો વિચાર ન કરતાં તેણે અજમાવેલા દુ:સહ બળનો વિચાર કરી તે યોદ્ધાને માન આપજે – તેની પૂજા કરજે. માનવીની નિર્મળતાનો અંત નથી – ત્હારી નિર્બળતા કસાઈ ઉઘાડી પડી નથી તે લક્ષમાં રાખી – થોડા ઘણા પણ બળવાન યોદ્ધાને જોઈ જપનું સ્તવન કરજે – અને પ્રસંગ પડ્યે ઈશ્વર તને પણ એવું જ બળ આપે એવી પ્રાર્થના કરજે. નિર્બળતા ઉપર અનુકંપા ઉપજે અને સન્માર્ગે બળની ઉત્પત્તિ જોઈ અનુમોદન થાય એ પણ સૂક્ષ્મ અનુભવ અને ઉદાર કોમળ પવિત્રતા વિના કેવળ દુર્લભ છે.

ક્ષણવાર નિર્બળ નીવડેલી પણ અંતે પવિત્ર રહી શકેલી બાળક કુમુદસુંદરીની સુંદર અને શક્તિમતી પવિત્રતાના મૂલ્ય પરીક્ષક ! ત્હારી ચતુરતા ઘણી સૂક્ષ્મ રાખજે અને તેનો સદુપયોગ કરજે. આત્મપરીક્ષા પ્રથમ કરજે કે પ૨પરીક્ષા શુદ્ધ થાય. પોતાની છાયાથી ચમકનાર અને પોતાની જ કલ્પકશક્તિ પાસેથી ઉપદેશ લેનાર ચેતનશક્તિ બલિષ્ટ અને નિરંકુશ મોહના આવરણને ફાડી નાંખે એ વિશુદ્ધિનું महिमन् ગવાય તેટલું ઓછું છે.

અશ્રુસ્નાનથી શુદ્ધ બની, હૃદયપશ્ચાત્તાપનું તપ કરી, પવિત્ર સત્ત્વોનું સમાધિમાં દર્શન કરી, વિશુદ્ધિમય બનતી બાળાના મુખ ઉપર નવું તેજ આવવા લાગ્યું, તેનું વિશાળ કપાળ આકાશ જેવું વિશાળતર થયું અને રક્તચંદ્રે પૂર્ણિમા અનુભવી. આંખો આનંદાશ્રુથી સ્નિગ્ધ બની વિકસી ચળકાટથી ઉભરાઈ અને ગમ્ભીર મન્દ સ્મિત શાંત નદી જેવી અધરરેખા ઉપર તરંગાયમાન થયું. પાંખો પ્રસારી વિસ્તાર પામી પ્રકુલ્લ બની ઉંચી ચાંચ રાખી બેઠેલું રમણીય રસિક નિરંતર સંયુક્ત સ્તનસંપુટાકાર દ્વિજનું[૧] જોડું સુવૃત્ત હૃદયમાં ગર્ભરૂપે રહેલા કોમળ આનંદને સેવવા લાગ્યું - હૃદયકમળમાં તત્ક્ષણ ઉદયમાન થતા તેજ–ગર્ભની અસર ઉંચે ચ્હડી જતાં તેથી મસ્તિક પણ તર થયું અને વિભ્રમશિખર પામતાં હોય તેમ નયનપુટ પણ અર્ધનિમીલિત થયાં. નખથી શિખ સુધી પવિત્ર તેજ સ્ફુરવા લાગ્યું.


  1. ૧. બે વાર જન્મનાર, પંખી.
મન-આકાશમાં પવિત્રતાનો કોમળ ઉદય થતાં અંધકાર નાશ પામ્યો.

મદન નિશાચર અદૃશ્ય થઈ ગયો. કુમુદસુંદરી ઉઠી અને હવે શું કરવું તે વિચારવા લાગી. સુવાનો વિચાર કર્યો. પણ પલંગ ભણી જતાં જતાં સુઝી આવ્યું: “સરસ્વતીચંદ્રની સાથે મ્હારે હવે સંબંધ નથી એ વાત આજથી સિદ્ધ. ઈશ્વર હવે એ પવિત્ર પુરુષને મ્હારા ભ્રષ્ટ હૃદયમાં આણી અપવિત્ર ન કરીશ – મને મ્હારા યોગ્ય મ્હારા પતિમાં જ રમમાણ રાખજે. એટલો પતિ મને છાજે તો ઘણું છે.”

“પણ સરસ્વતીચંદ્રની એક સેવા કરવાનું મ્હારા હાથમાં છે. મુંબાઈ જઈ ઘેર જઈ પોતાને ઉચિત વ્યવહારમાં પડે – દેશસેવા કરે – એટલું એને હું સમજાવી ન શકું ? એટલું કાર્ય કરવા એની પાસે જવું એ યોગ્ય ખરું ? ના. પણ પિતા અને મિત્રથી સંતાતા ફરતાં ૨ત્ન ઉપર મ્હારી દૃષ્ટિ જાય અને એ રત્નને આમ અંધકારસમુદ્રમાં પડતું હું જોઈ રહું એ પણ ઉચિત ખરું ? –ના.”

“એની પાસે જવામાં વિશુદ્ધિને ભય ખરું ? - હા. મ્હારો યે વિશ્વાસ નહી અને એનો યે વિશ્વાસ નહી.”

"ત્યારે ન જવું."

“પણ ચંદ્રકાંત આવે છે તે પ્હેલાં કંઈક નાસી જશે તો ? પછી કાંઈ ઉપાય ખરો ? – કાંઈપણ ઉપાય હોય તો તે આજની રાતમાં જ છે - પ્રભાત થતાં નથી. મ્હારા વિના બીજા કોઈના હાથમાં એ ઉપાય નથી.”

“નાસશે ? આટલું સાહસ કરનારનો હવે શો ભરોંસો?”

“ વિશુદ્ધિને કાંઈ બ્હીક નથી. સ્ત્રી આગળ પુરુષ નિર્બળ છે – મ્હારામાં મ્હારાપણું હશે તો વિકારનો ભાર નથી કે બેમાંથી એકના પણ મનને એ વશ કરે. અને હવે વશ કરે? –ઈશ્વર મ્હારો સહાયભૂત છે.”

“ભયંકર સાહસ કરવાનું છે - પણ આવશ્યક છે.”

“ના, હવે મ્હારી વિશુદ્ધિ નિર્ભય છે. મ્હારી માતા, આ જ ત્હારો ઉપદેશ – ત્હારી પવિત્રતા - એ મ્હારું અભેદ્ય કવચ છે. હું ત્હારી પુત્રી છું. પતિ ! ત્હમારા કૃત્ય સામું જોવું એ મ્હરું કામ નથી. મ્હારે મ્હારા પોતા ઉપર જવાનું છે. હું કોણ? કોણ માબાપની દીકરી ? આ ક્ષણભંગુર શુદ્ર સંસારમાં વિશુદ્ધિને મુકી બીજું શું લેવાનું છે? પવિત્ર સાસુજી - મહાસતી દેવી !– ત્હમારો આશીર્વાદ ફરે એવો નથી ! ત્યારે મલિન વિચાર જખ મારે છે.” પલંગ પર હાથ મુકી નીચું જોઈ પળવાર વિચારમગ્ન થઈ અંતે ઉંચું જોઈ બે હાથે પલંગ પકડી – સત આવ્યું હોય તેમ ઉશકેરાઈ ગાવા લાગી. ગાતાં ગાતાં દીનતા ધરવા લાગી :

"અંબા ! વ્હેલી આવની તું, અંબા, વ્હેલી આવ રે,–
"મુક હાથ તુજ મુજ મસ્તકપર, અંબા, વ્હેલી આવ;
અંબા, જગજનની ! ૧.
"મદન દૈત્યસમ મલિનસત્વને ‌ક્‌હાડ તું ઉરથી બ્હાર રે,
"પવિત્ર ત્હારું તેજ હૃદયમાં વસાવ આજની ૨ાત; – અંબા૦ ૨
“તૈજસી માયા રચી મસ્તિકમાં નિર્મળ સ્વપ્ન તરાવ રે;
“ચર્મચક્ષુએ પાટા બાંધી, સતનું ઘેન ચ્હડાવ; - અંબા૦ ૩
“શાંત તેજ તુજ, મા, મુજ મુખ પર આજે એવું રાખ રે,
"દશામૂઢ પ્રિય ચંદ્ર ન પામે જોઈ જે મોહ જરાય – અંબા૦ ૪
“પ્રિય ચંદ્રને દશા ગ્રસે તે હુંથી ન જોઈ શકાય રે,
“તેજસ્વીને જોઈ છવાયો કાળજુ ફાટી જાય; –અંબા૦ પ
“ન ગણી ભીતિ, ન ગણી રીતિ, મધ્યરાત્રિએ આમ રે–
“પવિત્ર કાર્ય કરવા ઉર ચલવતું અણઘટતી આ હામ,- અંબા૦ ૬
“સ્નેહની માયાથી લપટાયાં, હોય તીવ્ર સ્મર-બાણ રે,
“બુઠ્ઠા થઈ અમ ઉરે ન પેસે !– એ પરતો દર્શાવ, -અંબા૦ ૭
“સુખદુખમાં ને પતિ પરાયા થતાં તું એકલી એક રે,
“છાતી સરસી ચાંપે તે, મા, જાળવજે મુજ ટેક ? - અંબા૦ ૮
“તુજ ખોળે માથું, મા, રાખે નિજ પુત્રીની લાજ રે;
“પર થયલા પ્રિયને છોડવતાં સાત મુજ ર્‌હો નિષ્કામ !- અંબા૦ ૯
“પિતા ક્‌હો કે ક્‌હો જગદંબા ! મ્હારે મન મુજ માત રે !
"અગ્નિમાં પેસું તેને મા, ક્‌હાડ બહાર વણ આંચ. –અંબા૦ ૧૦

ગાઈ રહી પલંગ એમનો એમ પકડી રાખી, બારીમાંના આકાશ સામું જોઈ જોસથી ફરફડતે ઓઠે બોલી: “ હે અંબા ! પુરુષ ત્હારા હાથમાંનું રમકડું છે. તેને દુઃખમાંથી ઉગારવો તે ત્હારી સત્તાની વાત છે. ત્હારો પ્રતાપ તેને હસાવે છે - રડાવે છે - રમાડે છે. સૂર્ય તો ઉગતાં ઉગે છે પણ અંધકારની સંહારિણી અને સંસારની તારક તો માતા ઉષા છે. અંબા ! સરસ્વતી અને લક્ષ્મી વિધાત્રી અને કાલિકા – એ સર્વ ત્હારાં રૂપ છે !”

“અંબા ! હું ત્હારી પુત્રી છું – ત્હારા પ્રભાવનો અંશ મ્હારામાં સ્ફુરતો મ્હને લાગે છે. સરસ્વતીચંદ્ર ! તમને મહાપાતકમાંથી ઉગારવા એ મ્હારી સત્તામાં છે. મદન તમારી છાતી પર ચ્હડી બેસે તો તેને ભસ્મસાત્ કરવો એ મ્હારું કામ છે.”

“સરસ્વતીચંદ્ર ! તમારા મનમાં મ્હારું કહ્યું વસો ! આપણી પૂર્વપ્રીતિને ઉચિત તમારી સેવા હું બજાવી શકું એમ કરો ! હે શુદ્ધિ-બુદ્ધિ ! મ્હારામાં વસો !”

એટલું બોલી ખુરશી પર બેઠી અને જે કાગળ પર પ્રથમ લખવા માંડ્યું હતું તે જ કાગળની પીઠ પર ભુલથી લખવા માંડ્યું:

"પર થયેલા સ્વજન !"
“ત્હારી સાથે બોલવાનો હવે મને અધિકાર નથી, તો ચિત્ત પોતાનો રસ્તો લેખ-દ્રારા કરે છે. એ ચિત્ત ઉપર ત્હને કાંઈપણ અનુકંપા હોય, એ ચિત્ત ત્હારે સારું બળે છે તેમ એને સારું ત્હારું ચિત્ત રજ પણ બળતું હોય તો મ્હારા ચિત્તથી છેલ્લી વ્હેલી પ્રાર્થના શુણી લે અને તેના ઉત્તરમાં કાંઈ પણ બોલવાને ઠેકાણે પ્રાર્થના સિદ્ધ કર. ઘુવડની દૃષ્ટિ ગઈ તો તે તેનાં કર્મ ! પણ દિવસ જોનાર ! નયન ત્હારે છે તે તો ઉઘાડ !”
“અવનિપરથી નભ ચ્હડયું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં:
“ટુંકું કર્મ ટુંકું ર્‌હેવાને સરજેલું આ ધરતીમાં. ૧.
"નભ વચ્ચોવચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
“સુભગ ઘડિક એ બન્યું : નવાઈ ન એ દશા જો ના જ ટકી. ૨
“પણ ઉંચા નભના સંચારી પક્ષિરાજ, તું આવ્યો આ,
"ધરતી પર ત્યાંથી ઉડ પાછો; પક્ષ-હીનનો દેશ જ આ. ૩
"ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં !
“વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં ! ૪
“ગિરિશિખરે, ઘનમાં, ને નભમાં ઉંચો તું ઉડશે જયારે,
“સૂર્યબિમ્બથી સળગી ઉતરતા કર–અંબાર વિશે જ્યારે. પ
“ સુવર્ણપક્ષની જશે ભભક ભળી, તે સમય તુજ કીર્તિને,
“ જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને. ૬
“ નહી ઉડાયે પોતાથી – પણ પ્રિયનાં વિમાનગતિ જોઈ,
“ રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ ! નીકર રહીંશું રોઈ ૭
"સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંથી શોધી ક્‌હાડે છે. ચર્મચક્ષુ છેતરાય પણ હૃદયની એળખવાની શક્તિ ઓર જ છે. બાહુક દમયંતીથી ઢાંક્યો ન રહ્યો.”
“ક્‌હેનારે ક્‌હેવાનું કહી દીધું. ફળદાતા પોતે જ પરછીય બન્યો – ત્યાં હજી કેટલે દૂર નહી થાય તે તેના વિના બીજું કોણ જાણે ? સ્‌હેનાર સહેશે - હજી કેટલું સહન કરાવવું – તે ત્હારા હાથમાં છે.”
“ લા. કોણ તે કહ્યે ત્હારી પાસેથી શો લાભ છે? ”

કાગળ લખી રહી અને હાથમાં લીધો.

“આ પત્ર હું એમના ખીસામાં મુકીશ - અને જાગતા હશે તો એમના ઉપર નાંખી પાછો આવતી રહીશ, એમની સાથે બોલીશ નહી. એમના સામું જોઈશ નહી. અંબા, મ્હારી સાથે ચાલ.”

આટલું બોલી એકદમ ઉઠી અને જાણ્યે તેવા જ અજાણ્યે લખાયલા સર્વે લેખોનું પાત્ર થયેલા પત્ર - મેઘને ચંદ્રલેખા જેવી બનેલી હાથેલીમાં લટકતી રાખી ખચક્યા વિના ચાલી. જે દ્વાર ઉઘાડવા જતાં આકાશ અને પાતાળ એક થઈ ગયાં હતાં તે દ્વાર પળવારમાં પગલતે હડસેલી ઉઘાડ્યું અને પોતે અંદર આવી ઉભી.

અંદર કોઈ હતું કે ? તે કોણ હતું ? તે શું કરતું હતું ? કુમુદસુંદરીને અા અપ્રસંગે જોઈ તેના મનમાં શું આવ્યું અને તેણે શું કર્યું ?

બુદ્ધિધનની સાથે મોડી રાત્રે ઘેર આવી નવીનચંદ્ર પોતાની મેડીમાં અાવ્યો. આખા દિવસનાં તર્કભર નાટક, બુદ્ધિધનનું પ્રથમ વિકસતું દેખાતું કારભાર-તંત્ર, કાલ શું થવાનું છે તેની કલ્પના, પોતાનું ઘર, કુમુદસુંદરી, પોતાને નીકળવાનો વિચાર, અને તે સંબંધી સર્વે યોજનાઓ આ સર્વે વિષય નવીનચંદ્રના મસ્તિકમાં ઉભરાવા અને વધવા લાગ્યા અને કોમળ નિદ્રા માહીતી માત્ર દૂર ઉભી રહી.

ખાટલા ઉપર તેને ચટપટી થઈ. અધુરામાં પુરું જોડની મેડીમાંથી કુમુદસુંદરીના અવ્યક્ત સ્વરે અને તેમાં વાળતા સૂક્ષ્મ રુદિને દ્વારનું અંતર ન જેવું કર્યું અને ઉભય નવીનચંદ્રના કાન પર દુ:ખઘોષણા પેઠે વીંઝાવા લાગ્યા. નિદ્રા ન જ આવી એટલે તેણે ખાટલાને ત્યાગ કર્યો અને ગાંસડી માંથી એક કાગળ ક્‌હાડ્યો, તેમાં કેટલીક કવિતા પ્રથમની લખેલી હતી અને કેટલીક નવીનચંદ્ર અત્યારે ઉમેરવા બેઠો. તે પણ લખી રહ્યો અને અંતે ખાટલા પાછળ ખુરશી પર દીવો મુકી સુતો સુતો પોતે લખેલું પોતે વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં એકાગ્ર થઈ ગયેલા ચિત્તમાં પેંસવા નિદ્રાને અવકાશ મળ્યો. કાગળ પકડી હાથ છાતી પર પડી રહી ગયા અને નયન સ્વપ્નવશ અંતર્માં વળ્યું.

એટલામાં કુમુદસુંદરીયે દ્વાર ઉઘાડ્યું તેની સાથે નિદ્રા પાછી જતી રહી અને આંખો ચમકીને ઉઘડી.

“આ શું ? - કુમુદસુંદરી !” આ પ્રશ્ન નવીનચંદ્રના મુક્તિકાકાશમાં વ્યાપી ગયો. તે દિઙ્‌મૂઢ થયો: સ્વપ્ન કે જાગૃત ? તે ન સમજાયું; ક૯પનાવશ થયો, કુમુદસુંદરીઉપર કંઈ કંઈ વૃત્તિયોવાળી હોવાનો આરોપ કર્યો, પ્રવૃત્તિનો અાભાર થતાં સ્વવૃત્તિ જાગવા લાગી, વિશુદ્ધિ ડગમગતી– કંપતી–જય પામવા પ્રયાસ કરવા લાગી, મને નિશ્ચય કર્યો કે અાંખો ન ઉઘાડવી, આંખોએ નિશ્ચય કર્યો કે પોપચાં જરાક ઉઘાડાં રાખી પાંપણેમાંથી જોવું કે કુમુદસુંદરી શું કરે છે. કુતૂહલ તલપી રહ્યું, હૃદય અધીરું બની ગયું, અને શરીર સ્તબ્ધ થઈ ગયું.

દ્વાર ઉઘાડી કુમુદસુંદરી અંદર આવી અને દ્રશ્ય પદાર્થ જોવા લાગી. નવીનચંદ્રનાં ખીસામાં પત્ર મુક્યો – તેને મુકતી નવીનચંદ્રે જોઈ. પત્ર મુકી કુમુદસુંદરીયે પાછું જવાનું કર્યું – પણ નવીનચંદ્રની છાતી પરનો પત્ર દીઠો. સ્ત્રૈણ જિજ્ઞાસા હૃદયમાંથી છલંગ મારી મસ્તિકમાં આવી. પાછાં જવાને સટે કુમુદસુંદરી ખાટલાના ઉશીકા ભણી ચાલી અને ધીમે રહીને સુતેલાના હાથમાંથી પત્ર ખેંચવા લાગી. કોણ જાણે નવીનચંદ્રની ઈચ્છાથી કે કોણ જાણે કુમુદસુંદરીની ચતુરતાથી આખો પત્ર સરતો સરતો ફાટ્યા વિના હાથમાં આવ્યો.

કુમુદસુંદરીયે અક્ષર ઓળખ્યા ! સરસ્વતીચંદ્ર ખરે ! એ જાગે છે કે ઉંઘે છે તે જોવા પળવાર એના શરીરપર મુગ્ધ નયન રમમાણ થયું. જે શરી૨પ૨ પોતે અત્યંત ઉલ્લાસથી પિતાને ઘેર છાની છાની જોઈ ર્‌હેતી તે શરીર ખરું – માત્ર કૃશ અને વિવર્ણ થયું હતું – તે તો થાય જ ! છાતી ઉપર પાંસળીયે સ્પષ્ટ દેખાતી હતી, મુખ પર લાલાશા ન હતી, અને લક્ષાધિપતિને બાળક, ઘરબાર તજી, પરદેશમાં, પરગૃહમાં, આમ અનાથ જેવો પોતાને વાસ્તે જ ભમે છે - એ વિચાર બાળાના મનમાં થયો અને સુતેલું ધ્રુજતું શરીર ધ્રુજતી ધ્રુજતી રોતી રોતી જેવા લાગી.

મન્મથ તો કેવળ ભસ્મસાત્ જેવો થયો પણ પ્રિયદુ:ખ જોવાથી થતું દુઃખ દુઃસહ થઈ પડ્યું. કુમુદસુંદરી સરસ્વતીચંદ્રનું શરીર ઉભી ઉભી જોઈ જ રહી ! નિઃશ્વાસ એક પછી એક નીકળવા જ લાગ્યા. આંખો આંસુથી છલકાઈ ગઈ; પાંપણોમાંથી ગાલ ઉપર, ઓઠઉપર, ત્યાંથી ખભાઉપર અને છાતી ઉપર વસ્ત્ર પ્હલાળતી આંસુની ધાર ટપક ટપક થઈ રહી; . છાતી તોડી અંતનો ધબકાર સ્તનામાં મૂર્તિમાન થયાં; અને અંતર્ના ડુસકાં મુખમાં ચ્હડી આવ્યાં. વગર બોલ્યે આખું શરીર “હાય હાય” કરી રહ્યું. પાંચ મિનિટ, દશ મિનિટ, તે આમની આમ ઉભી જ ૨હી; આંખો ન ઉઘાડવાના નિશ્ચય કરનારે ન જ ઉઘાડી.

અંતે રોતી રોતી કુમુદસુંદરી ખાટલા પાછળ ગઈ અને પત્ર વાંચવા લાગી. સરસ્વતીચંદ્રનું સર્વ હૃદય તેમાં દુ:ખમય અક્ષરરૂપે ચમકતું હતું- શાહી તાજી જ હતી ! દુઃખથી વાંકી વળી ગઈ હોય તેમ વાંકી વળી પત્ર વાંચવા લાગીઃ ગઝલો ગાવા લાગીઃ

“ દીધાં છોડી પિતા માતા, તજી વ્હાલી ગુણી દારા,
“ ગણ્યો ના મર્મ ભેદાતાઃ લીંધો સંન્યાસ એ, ભ્રાતા ! ૧.
“ પિતાકાજે તજી વ્હાલી, ન માની વાત મ્હેં ત્હારી !
“ ગણ્યા ના ગાઢ નિઃશ્વાસ; લીધો સંન્યાસ એ, ભ્રાત !– ૨.
“ થયો દારુણ મનમાન્યો, વિફળ થઈ સ્નેહની સાનો,
“ હવે સુકુમાર ઉર ફાટી જતું જેવું રહ્યું બાકી. ૩
“ રુવે તે દેવી રોવા રે ! અધિકારી ન લ્હોવાને
“ પ્રિયાનાં અાંસુ હું, ભાઈ – ન એ ર્‌હેવાય જોવાઈ ! ૪
“ અહો ઉદાર વ્હાલી રે ! ટકાવી દેહ રાખી રે;
“ ન ભુલાતું તું ભુલી દે ! વિધિનું ધાર્યું વેઠી લે ! ૫
“ અહા ઉદાર વ્હાલી રે ! સતુ તું શુદ્ધ શાણી રે !
“ ન જોડાતું તું જોડી દે ! છુટેલાને તું છોડી દે ! ૬
“ અહો ઉદા૨ વ્હાલી રે ! સતી તું શુંદ્ધ શાણી રે !
“ છુટે ના તે નીભાવી લે ! પડ્યું પાનું સુધારી લે ! ૭
“ અહા ઉદાર વ્હાલી રે ! દીંઠું તે સ્વપ્ન માની રે,
“ ન ભુલાતું તું ભુલી દે ! દીસે તેને નીભાવી લે ! ૮
“ અહો ઉદાર વ્હાલી રે ! ન નિવારાયું ભાવિ રે,
“ ન ભુલાતુ તું ભુલી જા ! વિધિનું પાયું તે પી જા. ૯
“ અયિ ઉદાર ઓ વ્હાલી ! સખા ! વ્હાલા ! ખરા ભાઈ!
“ અમીની આંખ મીંચો ને ! જનારાને જવા દ્યો ને ! ૧૦.
“ ગણી સંબંધને ત્રુટ્યો, ગણી સંબંધને જુઠો,
“ કૃતઘ્નિને વિસારો ને ! જનારાને જવા દો ને ! ૧૧.
“ હતી લક્ષ્મી ! હતા તાત ! હતી વ્હાલી ! હતો ભ્રાત !
“ નહી ! – ત્યારે - નહી કાંઈ ન લેવું સાથ કંઈ સાહી. ૧૨
“ અહો ! તું ભાઈ વ્હાલા રે ! ભુલી સંસ્કાર મ્હારા રે,
“ બીચારો દેશ અા અાર્ય ! – કરે તે કાજ કંઈ કાર્ય. ૧૩
“ અહો તું ભાઈ ભાઈ રે તું–રૂપી છે કમાઈ રે,
“ બીચારા દેશને, તેને ગુમાવે શોધી શેં મુંને ! ૧૪
“ મુકી૪ દે શોધવો મુને ! મુકી દે શોચવો મુંને !
" પ્રિયાની આ દશા દેખું – નથી સંસારમાં ર્‌હેવું. ૧૫
“ હવે પાછો નહી આવું ! મુક્યું પાછું નહી સ્હાઉં !
“ રહ્યું તે યે તજી દેવું – શું છે સંસારમાં લેવું ? ૧૬
“ અહો તું જીવ મ્હારા રે ! દીધો શો દંશ દારાને ?
“ ગણી ના પ્રાણપ્યારી ત્હેં ! ઠગી ત્હેં મુગ્ધ વ્હાલીને ! ૧૭
“ અહો તું જીવ મ્હારા રે ! દીધો શો દંશ દારાને ?
“ થશે શું પ્રાણપ્યારીને ? હણી, મુગ્ધા કુમારી ત્હેં. ૧૮
“ હવે, એ ક્રૂર, ઉર, ફાટ ! અહોરાત્રિ વહો ધાર,
“ અભાગી નેત્ર મ્હારાની ! ઘટે નીરાંત તે શાની ? ૧૯
“ અહો એ જીવ મ્હારા રે ! દઈ આ દંશ દારાને,
“ ઘટે ના વાસ સંસારે - ઘટે સંન્યાસ તો ત્હારે. ૨૦
" અહો ઓ જીવ મ્હારા રે ! દઈ અા દંશ દારાને,
" ઘટે ના ભોગ–સંસાર, ઘટે ના શાંત સંન્યાસ. ૨૧.
" શરીરે ભસ્મથી છાયો, ઉરે અત્યંત સંતાપ્યો,
" ઉંડો જ્વાળામુખી જેવો, –હવે સંન્યાસ આવી તેવો ! ૨૨
“ તજી ત્હેં ત્યાં પડી છુટી, સરિતા અબ્ધિમાં સુતી !
“ ગિરિ ! એ સાંકળી તુંને નહીં તોડી કદી તુટે. ૨૩
“ જડાઈ ભૂમિમાં સ્થિર, ઉંચે આકાશ *ઉદ્ગ્રીવ[૧],
“ થઈ મ્હારે રહ્યું જોવું, દીનનું અબ્ધિમાં રોવું. ૨૪
“ હવે સ્વચ્છન્દચારી હું ! ચદ્રચ્છાવેશધારી હું !
“ પતંગો ઉડતી જેવી – હવે મ્હારી ગતિ તેવી. ૨૫
" ઉડે પક્ષિગણો જેમ, હવે મ્હારે જવું તેમ;
“ સમુદ્ર મોજું ર્‌હે તેવું મ્હારે ય છે ર્‌હેવું. ૨૬
" નહી ઉંચે - નહી નીચે મળે અાધાર, ઘન હીંચે,
" નિરાધાર - નિરાકા૨:– હવે મ્હારીય એ ચાલ. ૨૭
" સ્ફુરે પોતે, ન દેખાય, કુમુદની ગન્ધ ગ્રહી વાય,
“ અરણ્યે એકલો વાયુ ! જીવન એ ભાવિ છે મ્હારું. ૨૮
“ જાહાંગીરી ફકીરી એ ! લલાટે છે લખાવી મ્હેં !–
“ પ્રજા એ હું– 'નૃપાળ' એ હું ! ઉરે, ઓ એકલી, તું-તું ! ૨૯

કવિતા વંચાઈ કાગળપર ઠેકાણે ઠેકાણે લખનારનાં આંસુ પડવાથી ઘણાક અક્ષરો ચ્હેરાયા હતા અને ઘણેક ઠેકાણે આંસુના ડાઘ ભીના અને તાજા હતા. જેમ જેમ વધારે વધારે વાંચતી ગઈ તેમ તેમ કુમુદસુંદરીના મર્મ કચડાવા - ચીરાવા – લાગ્યા, દુઃખનો પાર રહ્યો નહી, અાંસુનો અવધિ દેખાયો નહી,

અંતે શોકનું શિખર આવ્યું. કવિતા પુરેપુરી વંચાઈ રહ્યા પછી પળવાર વિચારમાં પડી, હૈયાસુની બની, કુમુદસુંદરી ત્રિદેાષ થયો હોય, તેમ બકવા લાગી.

“ નિરાધાર - નિરાકાર – અરણ્યે એકલો એ તો !”
“ હવે પાછો નહીં આવું ! ઉંડો જવાળામુખી જેવો !”
“ ગણ્યા ના મર્મ ભેદાતા ! ન ભુલાતું ન ભુલાય !”
“ ઉરે–ઓ એકલી ! –તું તું! અરણ્યે એકલો એ તો”–
“ નિરાધાર -નિરાકાર ! સઉ હું દુષ્ટને કાજ !” .

  1. * ઉંચી ડોકવાળો.
" ભુલાતું – ન ભુલાય !–નિરાધાર-નિરાકાર !"
" નહીં તોડી કદી તુટે !”

એમ ગરીબડું મુખ કરી રોતી રોતી - પોતે ક્યાં છે તે ભુલી જઈ – છિન્નભિન્ન ગાતી કુમુદસુંદરીની આંખમાં તમ્મ૨ આવી, વીજળી શીરપર પડતાં નાજુક વેલી બળી જઈ અચીંતી પડી જાય તેમ મૂર્ચ્છા પામી કુમુદસુંદરી ધરતી પર ઢળી પડી, કાગળ હાથમાંથી આઘો પડી ગયો, તેનું લોહી ફટકી ગયું, અને આંખો ન ઉઘાડવાનો નિશ્ચય પડતો મુકી સરસ્વતીચંદ્ર સફાળો ઉઠ્યો ! – ઉભો થયો ! અણીને સમયે દ્રઢ પ્રતિજ્ઞાઓ જાતે જ સરી જાય છે. ભર સેના વચ્ચે ભક્તને અર્થ શ્રીકૃષ્ણ રથચક્ર લેઈ ઉભા થયા ! સ્નેહસમુદ્ર વિવેકતીરની મર્યાદા નિત્ય જાળવે છે પણ અકળાય છે ત્યારે પ્રતિજ્ઞા – પર્વતને પણ પી જાય છે એવી ઈશ્વરની અકલ માયા છે.

મુંબાઈ જવાનો ઉપદેશ કરવા આવેલીને ઉત્તર મળી ચુક્યો. કવિતાના અક્ષરે અક્ષરે હૃદય ચીરાતું ગયું, પોતાના ઉપર સરસ્વતીચંદ્રની નિર્મળ અને અનિવાર્ય પ્રીતિ, એ પ્રીતિ છતાં ગુરુકાર્યને અર્થ કરેલો ત્યાગ અને ત્યાગ કર્યો છતાં ન ખસતો હૃદયસંબંધ, સંબંધ છતાં કરેલો પવિત્ર અને સ્નેહભર ઉપદેશ, કુમુદસુંદરીને આવો ઉપદેશ કરવા છતાં સરસ્વતીચંદ્રને પોતાનો ભીમ સંન્યાસ, “એ સંન્યાસ મ્હારા જ પરની પ્રીતિને લીધે અપ્રતિહત છે” એ બુદ્ધિ, હવે એનું શું પરિણામ થશે તે વીશે અમંગળ શંકાઓ, અને એવા અનેક તર્કવિતર્કથી ઉભરાતું હૃદય શોકનો ભાર સહી ન શક્યું અને મૂર્ચ્છિત થયું. ખાટલામાંથી ઉઠી નીચે ઉભેલા સરસ્વતીચંદ્રના પગ આગળ મૂર્ચ્છાવશ પડેલી અબળા તેનું અંત:કરણ ચીરવા લાગી. દક્ષયજ્ઞમાં મૂર્ચ્છિત થયેલી ઉમાને જોઈ પળવાર અનુકંપાવશ શિવની પેઠે સરસ્વતીચંદ્ર મુર્ચ્છાની મૂર્તિ ઉપર દ્રષ્ટિ કરી જોઈ રહ્યો. એક પળમાં અનેક વિચારો સમાસ પામતા વહ્યા.

આજ સુધી વિશ અને વિકાર ગુપ્ત રાખ્યા હતા તે આજ ઉઘાડ થઈ ગયા તેની સાથે મુખાકૃતિ પણ પ્રકૃતિસ્થ વિકારને વશ દેખાઈ. પોતાના ઘરમાં જ પોતે હોય અને પોતાની સ્ત્રીની જ અવસ્થા જોતે હોય એવો દેખાવ મુખ ઉપર સહસા આવી ગયો. જે વિદ્વત્તા અસરંગીપણાનાં પડમાં સંતાડી રાખી હતી તે કવિતાની ચાળણીમાંથી આજ ટ૫કી ગઈ. જે શોકસીમા પરદેશીપણાના ધુમસમાં અદ્રશ્ય રાખી હતી તેના ઉપર અભિજ્ઞાનસૂર્ય ચળકાટ મારવા લાગ્યો. પરગૃહમાં આ દશા ઉઘાડી પડે – કોઈ દ્વાર ઉઘાડે – તો શી અવસ્થા થાય તેનો વિચાર કરવા અવસર ન હતો. ઘટિકાયંત્રને કુંચી આપતાં અત્યંત સંકોચાતી કમાન અચીંતી કડાકો કરી છુટે તેમ પોતાના મેડીમાં અાવેલીના મનમાં પત્રદ્વારા દુઃખતી કુંચી ફેરવતો ફેરવતો સરસ્વતીચંદ્ર અાખા દિવસ અને રાત્રિનાં વિવિધ દુ:ખો ખમી થાકેલી નિઃશ્વસ્ત બની દુ:ખ-દુ:સહ થતાં મૂર્ચ્છિત થઈ પડેલીને જોઈ ચમક્યો અને શું કરવું તે તેને સુઝયું નહીં. વિચાર અને વિકાર પોતે કરેલી હાનિથી ઓશીઆળા બની નાશી ગયા. ખાટલાના પાયા આગળ નિર્માલ્ય કુસુમમાળા પેઠે પડી રહેલી કુમુદસુંદરીના મુખ આગળ બેઠો. લોકવ્યવહારની નીતિ ભુલી જઈ તેની મસ્તકકળી ખોળામાં લેઈ આસનાવાસના કેવી રીતે કરવી તે વિચારવા લાગ્યો; – વિચારતાં વિચારતાં પોતે વ્યાવહારિક નીતિથી વિરુદ્ધ ચાલે છે તે ભાન આવ્યું, પરંતુ તે નીતિને આ વેળા આપ્રાસંગિક ગણી, અવગણું. અવગણી તે છતાં ગણી પણ ખરી. આશ્વાસક હાથ મૂર્ચ્છિત મુખ ઉપર ફરવા ગયો પણ અટક્યો અને માત્ર જડ કેશાભારને ટેકવી રહ્યો. હવે શું કરવું તે ન સુઝહ્યું. શું બોલવું – મૃર્ચ્છા કેમ વાળવી તેને ઉત્તર બુદ્ધિએ ન આપ્યો. પોતાની મેડીમાં કોઈ ને બોલાવવું પણ શી રીતે ? સર્વથા સર્વે ઉપાય પરવશ રહ્યા.

અંતે પ્રસંગે આપેલી બુદ્ધિને બળે મૂર્ચ્છિત કાનમાં નિ:સ્વર શબ્દ ક્‌હેવા લાગ્યોઃ “કુમુદસુંદરી ! કુમુદસુંદરી ! ઉઠો ! ઉઠો ! આમ શું કરો છો ? આપણી બેની વિનાકારણ ફજેતી થશે ! – અસત્ય આરોપ આવશે. સાચી વાત કોઈ માનશે નહી !” ઘણા ગુંચવારામાં પડી આનું આ સરસ્વતીચંદ્ર વારંવાર ક્‌હેવા લાગ્યો, પણ કુમુદસુંદરી જાગી નહી.

રાત્રિ જતી હતી તેમ તેમ ઘરમાં વહેલાં ઉઠનારાંને ઉઠવાને સમય પાસે આવતો હતો. મૂર્છા જોઇ સ્નેહશોકમાં પહેલા હૃદયમાં ભય પણ પેઠું અને સૂક્ષ્મ વિષયોનું ભાન જતું રહ્યું. સરસ્વતીચંદ્રે ઉતાવળ કરવા માંડી અને કુમુદસુંદરીનું મુખ તથા હાથ ઝાલી ધીમે ધીમે ઢંઢોળવા મંડ્યો.

કુમુદસુંદરી ભૂમિ ઉપર બેભાન પડી હતી અને શું થાય છે તે જોવા કે જાણવાં અશક્ત હતી. શીયાળામાં અત્યંત શૈત્ય પડવાથી પ્રાણ તજી ન્હાની ચકલી ભૂમિ પર પડી હોય અને ત્હાડથી સંકોચાયેલાં છતાં પણ તેનાં વીખરાયલાં નાજુક પીછાં ખરી પડવા જેવાં લાગતાં હોય તેમ ન્હાની સરખી બાળક જેવી દેખાતી કુમુદ પડી હતી અને તેનું વસ્ત્ર શરી૨પ૨ લપેટાયું છતાં અસ્વસ્થ થયું હતું. મલમલનો ઝીણો સુતી વખતે પ્હેરવાનો સાળું નિમ્નોન્નત અવયવોને અત્યંત સહવાસી પિશુન-કર્મ કરતો હતો અને સરસ્વતીચંદ્રનાં લોચનને પ્રિય થવા મથતો હતો. ભૂ-નભના સંયોગ આગળ ઉગતા ચંદ્રને ઢાંકી ઉભેલી અને તેના તેજથી ચળકતી ન્હાની રૂપેરી વાદળીની પેઠે ખાટલાની ઈસ નીચે ભૂમિ પર પડેલી અને પ્રકાશ આરતી ગૌર દેહલતિકા પુરુષના ભય-ત્રસ્ત લોચનને ભય ભુલાવી રમણીય સાનો કરવા લાગી. મુખમલ જેવાં કોમળ અને સુંવાળાં : મિષ્ટમાંસલ અવયવ ચંપાતાં ચંપાતાં જગાડનાર હસ્તને પળવાર મોહનિદ્રામાં લીન કરી સ્પર્શેન્દ્રિય દ્વારા જાગતા મસ્તિકમાં પહોંચવા યત્ન કરવા લાગ્યાં. પરંતુ કુસુમકલિકા પેઠે બીડાયેલાં પોપચાં ઉપર સ્ફુરતી અત્યંત અમગળ શંકાને બળે વિકાર પોતાના ઉદયને અપ્રાસંગિક ગણી જરીક જાગી નિદ્રાવશ થયો. કરુણ રસ ચક્રવર્તી થયો અને સર્વ સંસ્કારોની પાસે સામંતકર્મ કરાવવા લાગ્યો.

આખરે મહાપ્રયાસે પ્રયાસના બળથી કે પછી સ્પર્શચમત્કારથી કુમુદસુંદરી જાગી અને સરસ્વતીચંદ્રના ખોળામાં પોતાનું માથું જોઈ એકદમ ખડી થઈ આઘી બેઠી; ઈશ્વર જાણે કયા કારણથી સરસ્વતીચંદ્રના હાથે આઘી ખસતીનો હાથ અચીંત્યો ઝાલ્યો અને તેવો જ પાછો પડતો મુક્યો. કુમુદસુંદરી તેના સામું જોઈ રહી. આ મૂક નાટક કાંઈકવાર રહ્યું - અંતે સરસ્વતીચંદ્ર ઉઠી ખાટલામાં બેઠો. તે જ પળે કુમુદસુંદરી પણ ઉઠી અને સરસ્વતીચંદ્રે લખેલી ગઝલોવાળે પત્ર લેઈ છેટે ઉભી. ન બોલવાનો નિશ્ચય ચળ્યો. જયવંત વિશુદ્ધિ ઉભય ચિત્તમાં શાંતિનો વર્ષાદ વર્ષાવવા લાગી. ભયથી બંધાયેલી કૃત્રિમ પ્રતિજ્ઞાએ ભય જતાં મેળે તુટી. કુમુદસુંદરીને બોલવાની હિમ્મત આવી. ઘરથી આઘે રાત્રે કામ કરવા રોકાયલી મજુર સ્ત્રીઓ છે છોબન્ધ ટીપતી ટીપતી રાગ લખાવતી ગાતી હતી અને નિયમસર ટીપતા ધબકારા વડે તાલ દેતી હતી.

“ અખંડ ર્‌હો મ્હારી અખંડ ર્‌હો આ અખંડ માઝમ રાત !
“ પીયુ વિના મ્હારો કેમે કર્યો પેલો દિવસડો નવ જાય !–અખંડ ૦"

સરસ્વતીચંદ્રના સામી પોતે ઉભી તે જ પળે આ સ્વર સાંભળી કુમુદસુંદરીનાં રોમેરોમ ઉમાં થયાં ! 'માઝમ રાત' શબ્દ હૃદયમાં વીંઝાયા ! વળી પાસે ર્‌હેનાર રાત જાગનાર કોઈ પુંશ્ચલીના ઘરમાંથી સ્વર આવતો હતોઃ

“ રંગ માણે, મ્હારા રાજ, પધારો, હીંદુ ભાણ રે ! રંગ ૦
” સુરજ ! થાને પૂજશું રે ભરમોતીયારા થાર;
“ ઘડી એક મોડો ઉગજો મ્હારો સાહેબો ખેલે શીકાર રે ! રંગ૦
“ અસ્વારી પ્રતિ નાથની રે ઘોડારાં ઘમસાર !
“ કોઈ વારે હીરા મોતી;– હું વારું મ્હારા પ્રાણ રે ! રંગ૦"

ભયંકર ગીત સાંભળી, લાલચથી ફોસલાયલી રોમરાજિ પર કોપાયમાન થઈ હજી પણ પોતાનામાં નિર્બળતાની છાયા દેખી ખિન્ન બની, સરસ્વતીચંદ્ર પરના પોતાના સ્નેહપર એ છાયાનો આરોપ મુકી, એ સ્નેહ અને તજ્જન્ય શોક ઉભયને લીધે વિશુદ્ધિના રાજ્યતંત્રમાં ભેદ પડ્યો ગણી, ઉભયનો ત્યાગ કરવો એ ધર્મ છે એવું ભાન આણી, મૂર્ચ્છા પામનારી બળવાન્ બાળા એકદમ સચેત થઈ અને સરસ્વતીચંદ્રને જે ક્‌હેવું હોય તે એકદમ બેધડક બની ટુંકામાં કહી દેવું એ નિશ્ચય કર્યો. રેતીમાં પડેલી રેખા વાયુથી ઘસાઈ જાય તેમ મૂર્ચ્છાનો આવેશ, વિશુદ્ધિ જાળવવાના વેગવાન પ્રયત્ન અાગળ, અદ્રશ્ય બની ગયો.

સરસ્વતીચંદ્ર આ પ્રસંગે ખાટલામાં નીચું જોઈ બેઠો બેઠો પળવાર ઉંડા વિચારમાં ડુબી ગયો. “લક્ષ્મીથી અને સાંસારિક પ્રતિષ્ઠાથી હું મેળે ભ્રષ્ટ થયો તેમ જ આ પળે વિશુદ્ધિના ઉત્કર્ષથી પણ હું ભ્રષ્ટ થયો – આટલો સરખો મ્હારે વાસ્તે કુમુદસુંદરીના મનમાં સારો અભિપ્રાય હશે તે પણ પડતો મુકવાનું મ્હેં કારણ આપ્યું ” – એમ વિચારી મનમાં પોતાના ઉપર ખીજવાયો, અને બારણે ઇંદ્રસભાનું નાટક જોઇ પાછા આવતા નાટકનાં ગીતો ત્રુટક ગાતા લોકનાં ગીતની પાતક અસરથી ત્રાસ પામી કંટાળ્યો. ખીજવાઈ, કંટાળી, ઈચ્છવા લાગ્યો કે “હું આ સુવર્ણપુરમાં ન જ અાવ્યો હત તો ઉચિત થાત ! અત્યારે ને અત્યારે મને પવન-પાવડી જેવું કાંઈ મળે અને હું ઉડી જાઉં !” આંખ ઉંચી થતાં કુમુદસુંદરીને જોઈ દયાર્દ્ર થયો અને પોતાને અપરાધી માની, શકુંતલાને ઓળખી ક્‌હાડી તેને પગે પડતા ક્ષમાર્થી દુષ્યંતના બોલેલા શાબ્દ સ્મરી તેજ વૃત્તિ અનુભવવા લાગ્યો અને सुतनु हृदयात्प्रत्यदेशव्यलीकमपैतु એ શબ્દ મનમાં બોલી પાછું નીચું જોયું.“

એટલામાં પવનમાંથી સ્વર આવતા હોય, આકાશવાણી થતી હોય, પૃથ્વીનાં પડમાંથી નાદ ઉપડતો હોયઃ એમ કુમુદસુંદરીનાં મુખમાંથી શબ્દ નીકળવા લાગ્યા અને તેની તીવ્ર અને કઠણ આંખ જ જોઈ ર્‌હેતો સરસવતીચંદ્ર આ શબ્દ ક્યાંથી આવે છે તે જાણી શકતો – જોઈ શકતો – ન હતો. શાયદ માત્ર તેના કાન સાથે અથડાતાં જ પ્રત્યક્ષ થતા અને મર્મને ભેદતાં જ સમજાતા. કોઈ મંદિરમાં સ્થાપેલી મૂર્તિ બોલી ઉઠતી હોય; રુપાની ઘંટડીયો અચીંતી વાગવા માંડતી હોય; કોમળતા, સુંદરતા, મધુરતા, પવિત્રતા, અને ગંભીરતા – એ સર્વ એકરૂપ બની મૂર્તિમતી થઈ ઉપદેશ કરવા આવી હોયઃ તેમ કુમુદસુંદરી અપૂર્વ તેજ ધારી બોલવા લાગી.

“તમારી સાથે બોલવાને મ્હારો અધિકાર તમે જ નષ્ટ કર્યો છે તે છતાં કોણ જાણે શાથી હું આજ બોલું છું - પણ તે છેલવ્હેલું જ બોલું છું.”

“મ્હારી ભૂત, વર્તમાન અથવા ભવિષ્ય અવસ્થા જાણવાનો અધિકાર તમે જ તજી દીધો છે – તમને એમ જ ગમ્યું - તમારી ઈચ્છા. એ અવસ્થા હવે તમને જણવવી એ સર્વથા અનુચિત છે. એટલું જ કહું છું કે ભુલ્યે ચુક્યે બીજી કોઈ ભાગ્યહીનની એ અવસ્થા ન કરશો !”

“મ્હારે તમને ક્‌હેવાનું તે તમારા ખીસામાંના પત્રમાં છે – એટલું પણ તમે મ્હારું હિત કરશો - એટલું પણ સાંભળશો - એવો મને વિશ્વાસ નથી. વિશ્વાસ શી રીતે રાખું ? હું રાખું કે ન રાખું તેની તમારે પરવા પણ શી ? હાસ્તો – ખરી વાત. મ્હેં મૂર્ખીએ એ પત્ર લખાઈ ગયો : લખ્યા વિના ના ર્‌હેવાયું. ”

“સરસવતીચંદ્ર ! કૃપા કરી, દયા આણી, મુંબાઈ જાવ. શું ભણલાઓ સર્વ તમારા જેવા હશે ? શું ક્રૂરતા વિદ્યાની અંગભૂત જ હશે ? મુંબાઈ જાવ કે મ્હારા પિતાને મળો.. પણ આમ ક્રૂર ન થશો !”

“પતંગ પેઠે ર્‌હો – કે સમુદ્રના મોજા પેઠે ર્‌હો – કે વાયુ પેઠે ર્‌હો ! એ સર્વ નિર્દયતા રચતાં તમને કોઈ રોકે એમ નથી ! જીવતી છતાં ચિતા વચ્ચે બેઠેલી, તેને કાંઈ નાસવાનું છે ? તમે છુટ્યા પણ મ્હારાથી કંઈ છુટાયું ? – બળીશું, ઝળીશું, રોઈશું, કે મરીશું – વજ્ર જેવું આ કાળજું ફાટશે તે સહીશું – થશે તે થવા દેઈશું – તેમાં તમારે શું ? તમારે તમારી સ્વતંત્રતા અખંડ ર્‌હો – એટલે થયું.”

“ઉત્તર મ્હારે નથી જોઈતો ! – કહું છું તે વિચારજો એટલે ઘણું ! ઈશ્વર તમને સદ્‍બુદ્ધિ આપો !”

આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, આંખમાં વ્હેતું આંસુનું પૂર ખાળવા વૃથા પ્રયત્ન કરતી, અંતે રોઈ પડતી, “મને દુઃખમાં છાતી સરસી તમે કાંઈ હવે ચાંપી શકવા જેવું રાખ્યું છે?” એવું ભાન આપતી ઠપકો દેતી હોય તેમ ઉતાવળે છેલ્લો ક્રોધકટાક્ષ નાંખતી, દુ:ખમય બાળા અચીંતી પોતાની મેડી ભણી દેાડી, પાછું પણ જેયા વિના પુઠ પાછળ દ્વાર વાસી દીધાં, પાછું જોયું ન જોયું કરી સાંકળ વાસી, અને પલંગ પર પડી રોઈ ઉભરો ક્‌હાડ્યો અને શાંત કર્યો. શાંત થતાં ટેબલ પર આવી સરસ્વતીચંદ્રની ગઝલો બે વાર વાંચી, બે વાર વંચાતાં મ્હોંયે ચ્હડી, મ્હોંયે ચ્હડતાં તે ગઝલોવાળો પત્ર નિરર્થક થયો, નિરર્થક થતાં તે પાસે રાખવો એ વિશુદ્ધિમાં ન્યૂનતા રાખવા જેવું લાગ્યું, એ ન્યૂનતા મટાડવા પત્ર ફાડી નાંખ્યો, એ ફાડતાં ફાડતાં વિચાર થયો કે સરસ્વતીચંદ્રના હાથનો એક પણ પત્ર હવે મ્હારી પાસે શું કરવા જોઈએ, એ વિચાર થતાં તેના સર્વ પત્ર ક્‌હાડી તેનો નાશ કરવાનો નિશ્ચય કર્યો, નિશ્વય થતાં હૃદય ફાટતું – ચીરાતું – લાગ્યું, હૃદય ચીરાતાં તેને સાંધતી હોય તેમ સર્વ કાગળો હૃદય સરસા ફરી ફરી ચાંપ્યા-ચુમ્બ્યા અને અશ્રુપાતથી ન્હવરાવ્યા, અને ન્હવરાવી ન્હવરાવી પ્રિયજનનું શબ હોય તેમ તેમને ખડકયા – અને દીવાવડે અગ્નિદાહ દીધો ! ! ! એ અગ્નિદાહ દેવાતાં હાથમાં ન રહેલા અંતઃકરણે ઠુઠવો મુક્યો, બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી તેને શોકમન્દ બનેલા હાથે કાચની એક સુંદર શીશીમાં સંભાળથી રજેરજ ભરી, શીશી પર કાગળ ચ્હોડી, તેપર “મર્મદારક ભસ્મ' એવું નામ લખ્યું, શીશી પણ છાતીસરસી ચાંપી - ચુમ્બી - ટેબલપર નિત્ય દૃષ્ટિચે પડે એવે સ્થાને મુકી, અને પળવાર આંસુ ને સુકવી શીશી ભણી જોઈ ૨હી. અંતે વિચારમાં પડી; ધીમે ધીમે પાછી ફરી; મહાપ્રયાસે પલંગ પર ચ્હડી; પળવાર ત્યાં બેસી રહી; પછી ઢળી પડી સુતી; અને ખેદમાં ને ખેદમાં રાત્રિના ત્રણ વાગતાં, સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, હૃદયનો ભાર હલકો કરી, ત્યાગનો ને ત્યાગનો જ વિચાર કરતી કરતી, અકલ્પ્ય આત્યમપ્રયાસથી વિશુદ્ધ બનવા જતાં ઈશ્વર કૃપાયે મહાજય પામેલી, ભાગ્યશાળી પવિત્ર ઉત્કૃષ્ટ સતી કુમુદસુંદરી તપને અંતે આનન્દસમાધિ પેઠે જાતે આવેલી અસ્વપ્ન નિદ્રાને વશ થઈ.