સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય.

← નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ. સરસ્વતીચંદ્ર ભાગ ૩
મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણિરાજનો શોક અને પિતૃદર્શન. →


પ્રકરણ ૧૩.

મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય.

દિવસ ગયો. રાત્રિ આવી, જરાક અંધકાર થયો ત્યાં મેનારાણી હાંફતી હાંફતી રાજા પાસે આવી અને રાજાએ ઉંચું જોયું. રાણીએ નવા સમાચાર કહ્યા.

એજંટ મારફત મુળુએ પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને મુળુ કંઈ કંઈ કુભાંડ રચશે એવો સામંતે સિદ્ધાંત કર્યો. મલ્લરાજનું છત્ર મણિરાજનું આયુષ્ય એને કંપતું લાગ્યું. મલ્લરાજને એજંટના પ્રશ્નથી થયેલો ક્ષોભ સામંતના રાજભક્ત હૃદયને હલમલાવવા લાગ્યો અને ધર્મિષ્ટ બન્ધુવત્સલ રાજાનું દુઃખ રાજબંધુથી વેઠાયું નહી- જોઈ શકાયું નહી. પોતાના દુષ્ટ પુત્રના મૃત્યુ શીવાય બીજો કોઈ માર્ગ સામંતને સુઝ્યો નહી. રાજાને દુ:ખમુક્ત કરવામાં રાજાની આજ્ઞાની જરુર ન લાગી. પરરાજ્યમાં પુત્રનું ખુન કરતાં સ્વરાજ્યના ધર્મનું બન્ધન ન લાગ્યું, પરરાજ્યમાં દુષ્ટ પુત્રનું ખુન કરી એ રાજ્યનો રાજા એ ખુનની શિક્ષા કરે તો તે સ્વરાજ્યને અર્થે યુદ્ધમાં ખપમાં આવવા જેવું કીર્તિકર લાગ્યું. રાત્રિના આઠ વાગતાં ચાર પાંચ માણસ લેઈ શસ્ત્ર સજી સામંત ખાચરના રાજ્ય ભણી ચાલ્યો. મુળુની માતાને આ સર્વ કાર્યની વાસના આવી, અને પુત્રમૃત્યુના તર્કથી કંપતી માતા સાહસ કરી મેનારાણી પાસે ગઈ, સમાચાર કહ્યા અને રોઈ પડી, મેનાએ સર્વ સમાચાર રાજાને કહ્યા. રાજા અંધકારમાં નીકળ્યો, અને રત્નનગરીથી બે ચાર ગાઉ આગળ સામંતને પકડી પાડ્યો. સામંત રાજાને દેખી ખીજવાયો, રાજા પાસે ચાલ્યું નહીં, ફરી રાજાની સંમતિ વિના આવું અકાર્ય આરંભવું નહીં એવી પ્રતિજ્ઞા રાજાની પાસે કરવી પડી, ઘેર પાછો આવ્યો, પણ પોતાની સ્ત્રીનું મુખ જોવું તે દિવસથી ત્યજી દીધું.

એમ કરતાં કરતાં દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ ચાલ્યાં, સામંતના માણસ ખાચરની રાજધાનીમાં જઈ મુળુના સમાચાર લાવતાં. મલ્લરાજે રાજ્યનો ભાર ધીમે ધીમે સામંત અને જરાશંકરને માથે નાંખ્યો, અને મણિરાજને પોતાના સહવાસમાં વધારે વધારે રાખ્યો. વિદ્યાચતુરને ક્રમે ક્રમે કામ પછી કામ આપ્યું, અને જરાશંકરનું પદ એના હાથમાં રાખી એનું કામ વિદ્યાચતુરને સોંપ્યું. સ્વરાજ્યમાં તથા પરરાજ્યમાં વિદ્યાચતુરની પ્રતિષ્ઠા જામી એટલે એને પ્રધાનપદ સોપ્યું, અને મણિરાજને પોતાનું કામ સોપ્યું. નવા પ્રધાન અને યુવરાજના હાથમાં રાજ્યતંત્રનો રથ રાખી રાજા અને જુનો પ્રધાન માત્ર એ રથ ઉપર દૃષ્ટિ રાખતા અને પોતાના આયુષ્યને સાયંકાળે પરલોક જીતવામાં કેમ વિજયી થવું એ વિષય વિચારવામાં સર્વ કાળ ગાળતા. આ નવા વિષયમાં પણ બ્રાહ્મણ રાજાનું પ્રધાનપદ સાચવતો. આ મહાન વિજયને સિદ્ધ કરવામાં શાસ્ત્રના દીપ પગલે પગલે વાપરવામાં આવતા, અને રાજ્યપ્રસંગોમાં તેમ બીજા પણ ન્હાના મ્હોટા પ્રસંગોમાં પડેલા અનેક અનુભવોના વનમાં આ દીવાઓનો પ્રકાશ પડતાં નવા જ શોધ થતા એ દીવા ધરનારા શાસ્ત્રીએ અને સંન્યાસીઓ રાજા તથા પ્રધાનના અત્યંત સહવાસી થતા ગયા તેમ તેમ ઉભય વર્ગનું પરસ્પર-બહુમાન વધતું ગયું. જે જગત રાજ્યના અંતને નરક ક્‌હેછે તે જ જગત આ રાજા પ્રધાનના રાજ્યને અંતે નવું સ્વર્ગ ઉભું થયેલું જોવા લાગ્યું, યુવરાજ અને તેના પ્રધાનને પણ આ નવા સાગરના કીનારા પાસે ઘડી ઘડી આવવું થતું અને એ સાગરની શીતળ લ્હેરોના લોભનું બીજ તેમના હૃદયમાં રોપાયું.

જ્યારે વૃદ્ધ રાજા અને વૃદ્ધ જરાશંકરનો સંસાર આવાં અવસાન પ્રત્યક્ષ કરવા લાગ્યો ત્યારે વૃદ્ધ સામંત બીજા જ સ્વપ્ન જોતો હતો. યુવરાજ અને નવા પ્રધાનની દેખરેખ તેને સોંપવામાં આવી હતી, અને તેમની અને રાજ્યની કુશળતાનો શત્રુ મુળુ આયુષ્યમાન છે અને તે શત્રુનો ઉચ્છેદ કરવો આવશ્યક છે એ બે સિદ્ધાંત મુળુના પિતા સામંતને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાની ચિન્તાઓથી ભરવા લાગ્યા, અને એ ઉચ્છેદનાં સાધન શોધવામાં એના મગજને ભમાવી મુકવા લાગ્યા. આજ સુધી એ ઉચ્છેદને વાસ્તે એણે જેટલાં સાધન શોધ્યાં હતાં તેમાં મલ્લરાજ આડે આવ્યો હતો, અને હવે શું કરવું કે મલ્લરાજ આડે ન આવે એ વિચાર મલ્લરાજના બન્ધુરત્ન છોડી શક્યો નહીં, રાજાના અભિપ્રાય ફેરવવા તે અનેક રીતે પ્રયત્ન કરવા લાગ્યો, પણ રાજા એને હમેશ હસી ક્‌હાડતો અથવા બીજી વાતોમાં નાંખી આ વાત ઉડાવતો, અને સામંત મનમાં ખીજવાતો. આખરે એણે રાજાને પડતો મુકી રાજ્યને નિષ્કંટક કરવાનો વિચાર કર્યો.

ખાચરના રાજ્યમાં ગયા પછી પણ મુળુના હૃદયનો અગ્નિ શાંત થયો નહી. મણિરાજ ક્યાં ક્યાં શીકાર કરવા જાય છે તેની એ નિરંતર તપાસ રાખતો, અને હારવટીયાઓ સાથે સુભદ્રાની પાસેના જંગલોમાં કોઈ કોઈ વખત વેશ બદલી આવતો. સુવર્ણપુરના સુરસિંહ વગેરે બ્હારવટીયાઓમાં પણ ઘડી ઘડી ભળતો, અને શીકારીને શીકાર સારુ આથડવામાં આનંદ મળે છે તેમ બ્હારવટીયાઓ સાથે આથડવામાં, તેમનાં સુખદુ:ખમાં ભાગ લેવામાં, અને ભુખ, તરસ તથા ત્હાડ તડકો અને થાક વેઠવામાં, એને અતિશય આનંદ મળતો. રાણા ખાચરનો અટકચાળો સ્વભાવ એને આ કામમાં ઉત્તેજન આપતો. આ સર્વ વાતોની સામંત પાકી ખબર રાખતો અને મલ્લરાજને જણાવતો. આવી રીતની હકીકત છતાં મુળુનો નાશ કરવામાં વૃદ્ધ રાજા કેમ સંમતિ નથી આપતો એ વિચારતાં સામંત દુઃખી થતો. અંતે એણે નિશ્ચય કર્યો કે મુળુને એના પોતાના ખોદેલા ખાડામાં પાડવો, તે રત્નનગરીની હદમાં વધારે વધારે ટકવાને છાતી ચલવે એવું કરવું, એવી રીતે એ નિર્ભય હોય ત્યારે એને પકડવો, પકડતાં મરાય તો મારવો, અને જીવતો પકડાય તો એના શિક્ષાપત્રને આધારે જીવે ત્યાંસુધી કેદ રાખવો અને એની ખટપટના દાંત તોડી નાંખવા.

આ સર્વ પ્રયત્ન સિદ્ધ કરતાં ઘણો વિલંબ થયો. ખાચર મુળુને સાવધાન રાખતો અને મુળુ બાપનો વિશ્વાસ કરતો નહીં. પણ બાપે બ્હારવટીયા પકડવામાં દેખીતી શિથિલતા કરવા માંડી તેમ તેમ દીકરાની છાતી વધારે વધારે ચાલવા માંડી. એનું નામ બ્હારવટામાં પ્રસિદ્ધ થતાં એને મળતો પગાર બંધ કરવા સામંતે સૂચના કરી તે રાજાએ રદ કરી અને ઉલટું હાસ્ય કરી એમ ઉત્તર દીધો કે બ્હારવટામાં એ છોકરો યુદ્ધકળા શીખશે અને શૂર થશે અને એના સામી ચ્હડાઈ કરાઈ પકડાય તો એને પકડવો, પણ એનો પગાર એકદમ બંધ કરવો. રાજાએ અંતે એવી આજ્ઞા કરી કે મુળુને મણિરાજના રાજત્વને તિરસ્કાર છે તે ખોટો હોય તો તે ખોટાપણું સિદ્ધ કરવા મણિરાજે બહારવટીયા સામે ચહડવું અને બળ તથા કળા હોય તો મુળુને પકડવો. સામંતને આ સૂચના ગમી નહી પણ પાળવી પડી, અને યુવરાજને કુશળ રાખવા તેની જોડે પોતે પણ ચ્હડવા લાગ્યો. મણિરાજને જાતે ઘાત કરવાનો પ્રસંગ સમીપ જોઈ મુળુ,પણ આ સમાચારથી ખુશ થયો. આથી એક પાસ એ બેધડક રત્નનગરીની પ્રજાને લુંટવા લાગ્યો અને બીજી પાસ બ્હારવટીયાઓને મલ્લરાજ વશ કરી શકે એમ નથી એવી બુમો બીજા માણસો દ્વારા એજંસીમાં મોકલવા લાગ્યો. એજંસીમાંથી તે વીશે અનેક પ્રશ્નો અને સૂચનાઓ રત્નગરી જવા લાગ્યાં અને એ રાજ્યના તંત્રીઓના ગુચવારાઓને વધારવા લાગ્યાં. ત્રિભેટા આગળ આણી પાસ નહી તો આણી પાસ ન્હાસી જતાં બ્હારવટીયાઓને સુલભ પડતું, જડસિંહ અને શઠરાયનું સુવર્ણપુર રત્નનગરી જોડે સંપે એમ ન હતું અને એક પાસથી બ્હારવટીયાઓને પકડવાની તાકીદ કરનાર ફાક્‌સ સાહેબ ઈંગ્રેજી હદમાં પગ મુકે ને શસ્ત્ર વાપરે તો તેમના ઉપર ફોજદારી ચલવે એમ ભય લાગતું. !

એવામાં મલ્લરાજની શરીરપ્રકૃતિ બગડવા માંડી અને એના આયુષ્યનો અંત સમીપ આવતો લાગ્યો. એક વખત ખાચરના રાજ્યમાં જઈ મુળુને પોતે જાતે ઠાર મારવાની યોજના સામંતે ફરી વ્યાધિગ્રસ્ત રાજા પાસે મુકી, એ ખુનને વાસ્તે પોતે ખાચરના રાજ્યમાં ફાંસી ચ્હડવા તત્પરતા બતાવી, અને રત્નનગરીનાં સર્વ કંટક એ દ્વારે નષ્ટ કરવાના માર્ગની યોગ્યતા સર્વ રૂપે પ્રકટ કરી પણ “–ના- એ કામ કદી કરવું નહી–” એવા શપથ રાજાએ સામંત પાસે ઉલટા લેવડાવ્યા અને આંસુ ભરી આંખે સામંતે આજ્ઞાવશ થઈ આ શપથ લીધા.

સામંતે બીજી રચના રચી. પોતાની પુત્રી ખાચરને આપી ખાચરને પોતાના પક્ષમાં લઈ લેવો અને ખાચર મુળુને સોંપી દે એટલે રત્નનગરીમાં કેદ કરવો એવી ધારણાથી સામંતે ખાચરના દરબારમાં પ્રયત્ન આરંભ્યો અને એના હજુરીઓ અને દરબારીઓમાં દ્રવ્ય વેરવા માંડ્યું. ખાચરે આ સંબંધ સ્વીકાર્યો, પણ લગ્ન થયા પછી મુળુ વીશેની સરત તોડી. મુળુની બ્હેને પિતાની આજ્ઞા કરતાં માતાની પ્રીતિ અને ઇચ્છા શ્રેષ્ટ ગણ્યાં. સામંત છેતરાયો અને વ્યાધિગ્રસ્ત રાજા સર્વ વાત સાંભળી અત્યંત હસ્યો.

સામંત હાર્યો નહી. મુળુને આશ્રય આપનાર બ્હારવટીઆ અને ખાચરનાં માણસોને એણે પુષ્કળ દ્રવ્ય ખરચી ફોડ્યાં અને તેટલે સુધી એ ફાવ્યો. એ સર્વ લોક મુળુને ફસાવવા તત્પર થયા અને મુળુએ તે વાત જાણી નહી, પણ મુળુની પોતાની સજ્‌જતા અને સાવધાનતા એ સર્વના પ્રપંચ કરતાં બળવાન હતી.

આણીપાસથી સામંત અને મણિરાજના પ્રયત્ન રાત્રિદિવસ જાગૃત ર્‌હેવા લાગ્યા. એક દિવસ એ બે જણ મનહરપુરીના ત્રિભેટા પાસેના વડનીચે હતા એટલામાં પાસે જ મુળુ હોવાના સમાચાર મળ્યા. મુળુની પાસેનાં માણસોમાંનો મ્હોટો ભાગ સામંતનો સાધેલો હતો. સામન્ત, મણિરાજ, અને તેમનાં માણસોએ મુળુ અને તેનાં માણસો ભણી ઘોડા દોડાવ્યા. મણિરાજ આ મંડળમાં છે જાણી મુળુ સામે આવ્યો. પણ ઘોડાની દોડાદોડને નિમિત્તે એની જોડેનાં સામંતનાં સાધેલાં માણસ એને પડતો મુકી બીજી દિશામાં ચાલ્યાં અને એની સાથેનાં બાકીનાં માણસ, એક પાસ એ ફુટેલાં માણસને જતાં જોઈ અને બીજી પાસ મુળુને દોડતો જોઈ દ્વૈધીભાવ પામ્યાં અને તેમના ઘોડા આ દ્વૈધીભાવમાં નરમ પડતાં તેમની અને મુળુની વચ્ચે છેટું પડી ગયું. એ ટોળામાં મુળુ હશે એવું ધારી વૃદ્ધ આંખોનો છેતર્યો સામંત છેતરાયો અને પોતાના સર્વ માણસો લઈ એ ટોળાની સામે દોડ્યો. મુળુથી અને ફુટેલાં માણસોથી છુટું પડેલું ટોળું સામંતને ધસારો જેઈ હીંમત હાર્યું અને ન્હાસવા લાગ્યું. તેમની પાસે આવવા છતાં તેમની પુઠ હોવાથી તેમાં મુળુ છે નહી એ સામંત કહી શક્યો નહી અને એમની પુઠ મુકી નહી.

પોતાનાં સર્વ માણસોથી આગળ વધેલો મુળુ છુટો પડ્યો અને તેને દૂરથી મણિરાજની તીક્ષ્ણ યુવાન આંખે શોધી ક્‌હાડ્યો અને પોતાનો ઘોડો તેની પાછળ દોડાવ્યો. પોતાનાં માણસોથી પોતાને છુટો પડેલો સમજી અને મણિરાજની પાછળ બીજા માણસ હશે એમ ધારી મુળુએ જંગલના એક વિકટ રસ્તાપર પોતાનો ઘોડો દોડાવ્યો અને મણિરાજે પણ એકલાં પડી તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. બે ચાર ગાઉ સુધી આ પ્રમાણે દોડતાં મુળુ એક નાળા આગળ આવ્યો અને એનો ઘોડો તે નાળા ઉપર કુદી બીજી પાસ ગયો અને મણિરાજનો ઘોડો પણ બીજે ઠેકાણેથી નાળું કુદી પડ્યો અને મુળુની પાછળ દોડવા લાગ્યો. નાળાની બીજી પાસ સુન્દરગિરિનો એક ભાગ હતો અને તેના કાંઠા ઉપર એક ઉંચો ખડક હતો તે ઉપર આવી મુળુ પોતાનો ઘોડો ફેરવી પાછું જોતો ઉભો અને દૃષ્ટિ આગળ કોઈને ન જોતાં કાન માંડવા લાગ્યો તો માત્ર એક ઘોડાનાં પગલાં સંભળાયાં. આ પગલાં કેણી પાસથી આવે છે એની એને સમજણ પડતાં પ્હેલાં મણિરાજનો ઘોડો ફાળ ભરી મુળુવાળા ખડકની પાછળના બીજા ખડક ઉપર આવી ઉભો અને તેની સાથે જ મણિરાજે બન્દુક ફોડી. તેની ગોળી મુળુના જીન પાછળ ઘોડાના માંસલ ભાગમાં એવા તો જોરથી વાગી અને અંદર ડુબી કે ઘોડાની છાતી સુધી ગઈ. આ ગોળીના પ્રહારની સાથે ઘવાયલો ઘોડો સ્વારસુદ્ધાંત ખડકની પેલી પાસ ગરબડી પડ્યો, અને નાળાના પાણીમાં ઝબકોળાયો. ઘોડો પછડાયો તેની સાથે સ્વાર ઉછળી ઉથલી નાળાની બીજી પાસની ભેખડોમાં પડ્યો. અને પેંગડાં એના પગમાં રહ્યાં અને પેંગડાના બંધ ત્રુટી ગયા. એની કેડેથી અને હાથમાંથી હથીયારો છુટાં થઈ કેટલાંક નાળાનાં પાણીમાં પડી અદૃશ્ય થયાં અને કેટલાંક ઘોડાનાં મડદા તળે ચંપાયાં, અને એની પાસે દેખીતું હથીયાર એક પણ ન રહ્યું.

મણિરાજ પોતાના ખડક ઉપરથી મુળુની આ દશા જોતો વિચાર કરતો ઘોડા ઉપર બેસી રહ્યો. મુળુ જ્યાં પડ્યો હતો ત્યાંથી થોડીવારે કળ વળતાં ઉઠ્યો અને ચારે પાસ દૃષ્ટિ ફેરવી પોતાની, ઘોડાની, પોતાનાં શસ્ત્રોની, અને ચારે પાસના સ્થળની અવસ્થા તપાસવા લાગ્યો; એમ કરતાં કરતાં એણે ઉચું જોયું અને આઘેના ખડક ઉપર મણિરાજને ઘોડેસ્વાર થઈ પોતાને જોતો દીઠો.

મુળુ શસ્ત્ર વિનાનો મણિરાજના ભણી ચાલવા લાગ્યો અને સ્વર સંભળાય એટલું છેટું ર્‌હેતાં બુમ મારી: “મણિરાજ, તમારી પાસે સર્વ શસ્ત્ર સજ્‌જ છે, અને મ્હારાં શસ્ત્ર વેરાઈ ગયાં છે; શસ્ત્રવાળા સાથે હું શસ્ત્ર વિના લ્હડવા તૈયાર છું, પણ ધર્મયુદ્ધ કરવા ઈચ્છતા હો તો શસ્ત્રો દૂર નાંખી ઘોડેથી ઉતરી પાળા થઈ સામા આવો.”

મણિરાજે ઉત્તર દીધોઃ “મૂળરાજ, ન્હસાય નહી એવે સ્થાને તમે છો અને તમારે જીવવું કે મરવું એ મ્હારા શસ્ત્રની સત્તાની વાત છે ત્યાં સુધી અશસ્ત્ર રહી પરાક્રમીની પેઠે લ્હડવાની ઈચ્છા બતાવો છો તે નકામી છે, કારણ લ્હડવું કે ન લ્હડવું એ તમારી ઈચ્છાની વાત નથી. હું ઘોડેથી ઉતરી શસ્ત્ર વિના તમારી સાથે લ્હડવા તયાર છું પણ તમારા શબ્દ ઉપર એવો વિશ્વાસ નથી કે ઘોડાને ન્હસાડી મુકું અને શસ્ત્ર નાંખી દેઉં. જો તમે ઉપર આવી કુસ્તી કરશો તો મ્હારા ઘોડા ઉપરથી ઉતરીશ, શસ્ત્રો વાપરીશ નહી અને તમારી સાથે મલ્લયુદ્ધ કરીશ, જો તમે ઉપર નહી આવો તો મહારાજની આજ્ઞા છે કે તમને મારવા કે પકડવા અને ઘોડો લઈ નીચે આવી તેમ આજ્ઞા પાળવા પ્રયત્ન કરીશ. સારું તે તમારું.”

મુળુ ખડક ઉપર ચ્હડયો, મણિરાજ ઘોડા ઉપરથી ઉતર્યો, અને ખડકની મ્હોટી સપાટી ઉપર એનું મલ્લયુદ્ધ અર્ધી ઘડી ચાલ્યું તે એવી રીતે કે ન કોઈ જીતે ને ન કોઈ હારે. અંતે મુળુ પૃથ્વીપર ચતોપાટ પડ્યો અને એની છાતી પર મણિરાજ ચ્હડી બેઠો અને પુછવા લાગ્યોઃ “મૂળરાજ, ગમે તો મ્હારા કેદી બની મ્હારી સાથે આવવા શબ્દના બન્ધનથી બંધાવ ને તે ન ગમે તો તમને બીજો બંધ બાંધવા યત્ન કરતાં શસ્ત્ર વાપરી તમારો પ્રાણ લેવા કાળ આવે તો આપણું અશસ્ત્ર મલ્લયુદ્ધ પુરું થયું છે.”

આ વાક્ય પુરું થયું એટલામાં કપટશીલ મુળુએ એક હાથ છુટો કરી વસ્ત્ર નીચે સંતાડી રાખેલી કટાર મ્યાનમાંથી ખેંચવા માંડી. મણિરાજની સજ્‌જ આંખ ચેતી ગઈ અને પોતાના વાક્યનાં ઉત્તરની વાટ જોયા વિના, પોતાની તરવાર નાગી કરી. અતુલ બલ કરી છુટા કરેલા હાથ વડે મુળુ મણિરાજના એક પાસામાં કટાર ખોસી દેવાનો પ્રયત્ન કરે છે અને કટાર અને મણિરાજની કેડ વચે એક તસુનું અંતર ર્‌હે છે એટલામાં મણિરાજની તરવારે મુળુને છુટો હાથ તેના શરીરથી જુદો કરી દીધો, તે હાથ અને કટાર ઉછળી ખડકની એક બાજુએ ગડગડી પડ્યાં અને કપાયલાં હાથનાં મૂળમાંથી રુધિરની નદીઓના પ્રવાહ વેગથી નીકળવા લાગ્યા. આ મ્હોટા ઘાના દુઃખને ન ગણકારતાં મુળુએ પોતાનું આખું શરીર અર્ધો હાથ ઉચું ઉછાળ્યું, તે ઉછાળાથી ઉછળતા મણિરાજને પોતાના બે પગ ઉંચા અફાળી આકાશમાં ઉરાડ્યો, અને મણિરાજની તરવાર આઘી પડે એટલે તે અખંડ રહેલે હાથે ઝડપી લેવા કલ્પના કરી. આ કલ્પના પુરી થઈ જાય તે પ્હેલાં મલ્લયુદ્ધનો પ્રવીણ પણ આકાશમાં ઉછળેલો મણિરાજ એવી ચતુરતાથી પૃથ્વી પર પાછો પડ્યો કે એના બે હાથ પૃથ્વી પર મુકાયા, તે હાથ ઉપર એનું શરીર તોળાઈ ઝીલાયું અને તેના અધર લટકેલા બે પગે પૃથ્વી પાસે આવતાં મુળુના શરીરને એવા તો બળથી લત્તાપ્રહાર કર્યો કે મુળુનું શરીર ગડબડતું ગડબડતું ખડકની કોર ઉપર જઈ જોરથી નદીમાં પડ્યું, એ શરીરની પાછળ લોહીની પ્હોળી રેખાએ ખડકને રંગ્યો, મુળુ નદીમાં બેભાન થઈ પડ્યો, અને એના શરીરની આસપાસ પાણી છાછર હતું ત્યાં ચારેપાસ લોહી ફરી વળ્યું અને લોહીના ખાબોચીયા જેવું લાગવા માંડ્યું.

આણી પાસ આ બનાવ બન્યો એટલામાં સામંત મુળુની સાથનાં માણસોની પાછળ પડ્યો હતો તેણે પોતાની ભુલ કેટલીક વારે શોધી ક્‌હાડી અને મુળુ મણિરાજની શોધ કરવા એ માણસોને પડતાં મુકી બીજી દિશા લીધી.

સામંતની આ ટોળીમાં કેટલાંક માણસ એક દિશામાં ગયાં, અને થોડાંક બીજી દિશામાં સામંતની સાથે ગયાં. તેમાંથી જે ટોળીમાં સામંત ન હતો તે ટોળી, મણિરાજ અને મુળુનું મલ્લયુદ્ધ ચાલતું હતું તે વખતે, નાળાની બીજી પાસ આવી પ્‍હોંચી અને યુદ્ધની સાક્ષીભૂત થઈ. કોઈ પણ રીતે મદદ કરવાની શક્તિ ન હોવાથી મણિરાજનું શરીર ઉછળ્યું તે અતિશય ચિંતાથી આ ડોળીવાળા જોઈ રહ્યા અને રાજકુમારના પરાક્રમને અંતે શત્રુનું શરીર નદીમાં પડ્યું એટલે એમણે પકડી લીધું અને મુળુ જીવતો કેદ થયો. તે જ પળે મણિરાજ સજ્‌જ થઈ ઘોડો દોરતો દેારતો ખડક , ઉપરથી ઉતરી તે સ્થાને આવ્યો. મુળુની સ્થિતિ જોઈ એની આંખમાં આંસુ આવ્યાં તે રુમાલ વડે લોહી નાંખ્યાં, અને ઘવાયલા બન્ધુના શરીરની આસનાવાસના કરવા આજ્ઞા આપી.

સામંત, મણિરાજ, અને સર્વ માણસ મનહરપુરીમાં એકઠાં થયાં. મણિરાજનું પરાક્રમ ચારેપાસ ગવાયું અને સામંતનું હૃદય હર્ષથી ફુલવા લાગ્યું. મ્‍હારું પોતાનું તરતનું કર્તવ્ય પુરું થયું છે માટે હું હાલ થોડા દિવસ સુન્દરગિરિ ઉપર અને સુભદ્રાની ભેખડોમાં મૃગયા માટે જાઉ છું એમ કહી યુવાન મણિરાજ એ દિશામાં ગયો અને બાકીના મંડળને તથા બન્ધીવાન મુળુને લેઈ સામંત રત્નનગરી ભણી ગયો.

મૃગયાધિકારી મંડળ લેઈ નીકળી પડેલો મણિરાજ પાંચ છ દિવસ પર્વતની તળેટીમાં, શિખરોમાં અને ખીણોમાં, જંગલનાં ઝાડોમાં અને સુભદ્રાના તીર ઉપરથી રેતીમાં ને ભેખડોમાં, રમણીય પ્રદેશો જોતો જોતો, ભવ્ય દેખાવોથી કલ્પનાને ભરતો ભરતો, સવારથી સાંજ સુધી ક્વચિત ઘોડે ચ્‍હડી અને ક્વચિત પગે પાળો ફરી ફરી શરીરને કસરત આપતો આપતો અને પરસેવાથી ન્‍હાતો ન્‍હાતો, મૃગયાભિલાષ પુરો કરતો હતો તેવામાં એક દિવસ ખરે બપોરે કંઈક થાકી એક ઝાડ નીચે છાયામાં ઘોડાને અઠીંગી ઉભો ઉભો સામા પર્વતની ટોચ આગળ દૃષ્ટિ કરે છે તો એક મહાન ગરુડપક્ષી બે પગ વચ્ચે કંઈક ન્‍હાનું પ્રાણી પકડી ઉડતું દેખાયું. તરત બન્ધુકનો ભડાકો સંભળાયો, તેની પાછળ ધુમાડાનો ગોટ દેખાયા, અને ગોળીથી વીંધાયલું પક્ષી પશુને પડતું મુકી પર્વતની ટોચ ઉપર ઘાયલ થઈ પડ્યું. રાજઅરણ્યમાં મલ્લરાજ અને યુવરાજની રજા શીવાય કોઈને મૃગયા કરવા રજા ન હતી તે છતાં આ કોની ગોળી હશે અને ગમે તો કોઈએ તે વગર રજાએ ફોડી હશે અને ગમે તો કોઈ રાજવંશી અથવા ઈંગ્રેજ મહારાજની રજા લેઈ આવ્યો હશે એમ કલ્પી તે ગોળી જે દિશામાંથી નીકળી હતી તેણી પાસ કુમારે ઘોડો દોડાવ્યો. કેટલાક છેટા સુધી ઘોડો દોડ્યો એટલે સુભદ્રા આવી. નદીના તીર આગળ એક રમણીય સ્થળે વચ્ચે જરાક ઉંચો કાંઠો હતો અને આસપાસ દશબાર ઝાડો હતાં. આ ઝાડોમાંનાં કેટલાંકની શાખાઓ નદીના પાણી ઉપર લટકી નદીમાં ઝબકોળાતી હતી અને પવનથી હાલતી હતી ત્યારે શીકરબિન્દુનો વર્ષાદ વર્ષાવતી હતી. આ ઝાડની ઘટામાં છાયા પણ ઘાડી હતી અને શાખાઓમાંથી સરતા પવન અને ખરતી શીકરવૃષ્ટિથી આ પ્રદેશની શીતળતા અત્યંત વધી હતી અને આ ગ્રીષ્મકાળમાં સુખ અને શાંતિ આપે એવી હતી. આ ઘટામાં જતાં માણસનાં પગલાં પડેલાં દેખાયાં. તે પગલાંની દિશામાં મણિરાજ ચાલ્યો. ઘટા છેક પાસે આવી ત્યાં ઘોડો ચાલે એમ ન હતું એટલે મણિરાજ ઘોડો દોરતો દેારતો પગે ચાલવા લાગ્યો. કોઈ શીકારી શૂર પુરુષ આ સ્થળે હોય તો તેણે જોડા પ્‍હેરેલા હોવા જોઈએ – પણ પગલાં તો ઉઘાડા પગનાં હતાં એટલું જ નહી, પણ જેટલાં પગલાં જોયાં એટલાં બધાં ન્હાનાં ન્‍હાનાં- છોકરાઓના અથવા સ્ત્રીઓના પગનાં-પગલાં હતાં. મણિરાજનું કૌતુક ઘણું આકર્ષાયું. આ સ્થળે સ્ત્રીઓ ક્યાંથી હોય? છોકરા હોય તો ઉઘાડે પગે ક્યાંથી હોય? ઘણોક વિચાર કરી ઘોડાને એક ઝાડે બાંધી, પોતે ઝાડોમાં પેસેછે તો ત્રણ ચાર યુવતિઓ દીઠી. તેમાં એક અગ્રેસર સર્વથી શ્રેષ્ઠ મુગ્ધા પંદર સોળ વર્ષની હતી અને બાકીની સ્ત્રીએ એનાથી મ્‍હોટી સખીકૃત્ય અથવા દાસીકૃત્ય કરતી લાગી.

“રત્ની, મને થાક લાગ્યો છે – ચાલો, આપણે સઉ નદીમાં પગ બોળી બેસીયેઃ ” મુગ્ધ યુવતિ બોલી.

“કમળાબા, પાણીમાં મગર હશે તો ?”

“હશે તો જોઈ લેઈશું. ચાલો તો ખરાં – વારુ, પેલાં ફુલ સાથે લેજે: ” કમળા બોલી.

સર્વ યુવતિઓ નદીમાં પગ બોળી બેઠી. મણિરાજને આ લીલા જોવાનું મન થયું. તેને યુવાવસ્થાનો પવન વાયો હતો પણ તેનું મન દૃઢ હતું અને અત્યાર સુધી મન્મથના વિકારને તેણે ઉગવા દીધો ન હતો. પરંતુ સ્ત્રીઓ સાથે સંભાષણ કરવું ન પડે અને આ સ્થળે આ સ્ત્રીઓ કોણ હશે એ જણાય એટલા કારણથી ઉઘડેલી જિજ્ઞાસામાં સ્ત્રીઓની વિશ્રમ્ભકથાએ અાજ કાંઈક અપૂર્વ કૌતુક રેડ્યું. “રંક અને સુંદર હરિણોનું ટોળું વાઘના વિચારવિના જંગલમાં ખેલે છે તેવી રીતે આ સ્ત્રીઓ અંહી રમે છે - તેમના આનંદમાં વિઘ્ન પાડવું એ દોષ છે:” આમ વિચારતો વિચારતો મણિરાજ ઝાડોમાં ચાલ્યો અને નદીમાં સઉથી આગળ ધપેલા કાંઠાના ખુણા ઉપર એક ઝાડ હતું તેની ઓથે પોતે ભરાયો અને સ્ત્રીઓનાં મુખ દેખાય એમ જોનાર પુરુષ રાજ્યનો અધિકારી નથી – ઈત્યાદિ વિચાર થતાં સ્થાન બદલ્યું અને સ્ત્રીઓની પુઠ દેખાય એમ ઉભો, અને મનમાં લવ્યો:

“ मम हि सदसि गौरवप्रियस्य ।
“ कुलजनदर्शनकातरं हि चक्षुः ॥”

એટલામાં સ્ત્રીઓનો સ્વર કાને આવ્યો.

કમલાના બે હાથ બે પાસની સાહેલીઓને ખભે હતા અને એના પગ વારાફરતી ઉંચા થઈ નદીનું પાણી ઉછાળતા હતા અને તે ઉછળતાં પાણી અને પગ ઉપર એની દૃષ્ટિ હતી.

“૨ત્ની, આ મ્‍હારા પગ અત્યારે તને કેવા લાગે છે?”

“તમારા પગ કમળના દાંડા જેવા, પગનાં તળીયાં કમળના ફુલના ગોટા જેવાં, અને આંગળીઓ પાંદડાં જેવી.”

“ને, વારુ, આ પાણી ?” – પાણી ઉછળવાની ક્રિયા એવી ને એવી ચાલતી રાખી, તે ઉપર દૃષ્ટિ પણ એમની એમ રાખી, કમળા બોલી.

“પવનથી કે પાણીના જોરથી કમળ ઉચુંનીચું થાય અને પાંદડા ઉપરનું ઝાકળ ને પાણી ઉછળે તેવું આ પાણી.”

બીજી એક સહી બોલી: “કમળાબા, આ પાણી ઉછાળતાં ઉછાળતાં ગાવ જોઈએ. ”

એમની એમ દૃષ્ટિ રાખી કમળા બોલીઃ “શું ગાઉ ?”

બીજી સહી બોલીઃ “પેલું ગુલાબ ને કેવડાનું તમારું જોડેલું.”

થોડીક વારે કમળાએ એમની એમ દૃષ્ટિ રાખી ગાવા માંડ્યુંઃ

“મને પીયુ ન ગમે જુઈ જાઈ સમો,
“મને પીયુ ગમતો ગુલાબ સમો ! -મને ૦
“મને કમળ સુવાળું ના જ ગમે,
“મને કેતકકંટકધાર ગમે !-મને૦
"સખી જા જઈ એવું તું મોતને ક્‌હે,
“સખીં, જા જઈ એવું તું તાતને ક્‌હે !-મને૦
“શુણો, માતા, તાત, ટેક મુજ એવડો જો,
“મ્‍હારે જોઈએ ગુલાબ અને કેવડો જો. શુણો૦
“સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો,
“એને સારો સારો કરીને સઉ અડે જો. શુણો૦
“કાંટાવાળો તે કંથ મ્‍હારે જોઈએ જો,
“રુડો રંગ ને સુવાસ એમાં સ્‍હોઈએ જો. શુણો૦
“લેવા જાય તેને ભચ્ચ કાંટા વાગશે જો,
“માળણ મ્‍હારા જેવી ચતુર ઝાલશે જો. શુણો૦
“સુગન્ધ રંગ રંગ ભોગવું હું એકલી જો,
“બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો ! શુણો૦
“એવો કંથ તે ગુલાબ ક્‌હો કે કેવડો જો,
“સુરજવંશે કમળાને કાજે એ ઘડ્યો જો !” શુણો૦

“ત્યારે તમે એ ફુલ તોડી લ્યોને ” એક સહી બોલી.

“મ્‍હારા મનમાં બીજો એક એવો બુટ્ટો છે કે હું પણ એક ફુલ છું તે મ્‍હારી પાસે આવી મને તોડવાની જેનામાં આવડ હોય તેને હું પરણું.”

“તે તમે કેવું ફુલ છો ? ને તમને તોડવામાં શું કઠણ છે ?”

“ હું ચંદ્રવંશનું રાત્રિવિકાસી કમળ–પોરણું–છું. મ્‍હારો વિકાસ એકાંત રાત્રે – તે રાત્રે મને શોધી ક્‌હાડે ને મ્‍હારા પાણીમાં આવી મ્હારો વાસ લે, મ્‍હારી શોભા જુવે ને મને ત્યાંથી તોડે તેના હાથમાં હું જાઉં.”

આમ બોલે છે એટલામાં ઝાડ પાછળ સંતાયલો મણિરાજ વાઘની પેઠે ફાળ મારી ઝાડમાંથી કુદ્યો ને કમળા બેઠી હતી તેની પાછળ એક કુદકે પડ્યો, અને એક હાથ પાણીમાં કમળાના પગ તળે અને બીજો હાથ એના વાંસા પાછળ – એમ બે હાથ રાખી, પ્રથમ એના પગ અને પછી આખું શરીર – એમ બે હાથમાં કમળાને ઉંચકી લઈ પોતાના હૃદય પાસે ઝાલી તેડી રાખી દેાડ્યો, એની પાછળ સઉ સહીયો દોડી, અને પ્રથમ નદીતીરે તે બેઠાંતાં ત્યાં એક મગર આવી પાણીમાં ઉભો દેખાયો.

હાથમાંની કમળાને છુટી મુકી મણિરાજ બોલ્યોઃ “પાણીમાં તમારા પગ ઉંચા નીચા થતા હતા તેના ચળકાટથી અને તમારા ગાનથી આકર્ષાઈ આ મગર તમારા પગ ભણી આવતો હતો તે ઉપર મ્‍હારી દૃષ્ટિ પડી એટલે તે તમને પકડે તે પ્હેલાં તમારું રક્ષણ કરવાને તમને મ્‍હેં ઉચકી લીધાં છે તે ક્ષમા કરજો.”

કમળા પાસે ઉભી ઉભી નીચું જોઈ રહી અને જે હાથે પોતાને બચાવી હતી તે હાથના આકાર સામું જોવા લાગી, તેના ગૌર ગાલ ઉપર શેરડા પડી રહ્યા, અને તે બોલી શકી નહી.

તેની સહી રત્ની બોલીઃ “અમે આપનો ઉપકાર માનીએ છીએ; આપનું નામ, ઠામ, જાત અને કુળ જાણી અમને ઉગારનારને ઓળખી લેવા ઈચ્છીએ છીએ.”

“મ્‍હારું નામ મણિરાજ – આ રાજ્યના મહારાજા શ્રી મલ્લરાજનો હું પુત્ર છું, પરસ્ત્રીઓનાં નામ પુછવાં તે મ્‍હારો ધર્મ નથી પણ આ ભયંકર અરણ્યમાંથી બ્હાર જવા ઈચ્છા હોય તો તમને રસ્તો દેખાડવા અને રક્ષણ કરવા ભોમીયો થવા હું તૈયાર છું.”

“કુમાર, અમારે ભોમીયાની જરુર નથી, કારણ અમારાં કમળાબ્‍હેન ઘોડે ચ્‍હડે છે ને શસ્ત્ર સજે છે અને એમના પિતા મહારાણા શ્રી ખાચર થોડેક છેટે આપના રાજ્યના અતિથિ થઈ રાત્રે વાસો કરી રહ્યા છે તેમની પાસે જવાનો ટુંકો માર્ગ આપના કરતાં અમને વધારે માલમ છે માટે આપ મહારાણાને મળવા પધારો અને અમે આપનાં ભોમીયાં થઈશું.”

“કમળાકુમારીએ આ જંગલમાં શસ્ત્રનો કંઈક ઉપયોગ કર્યો છે ?” મણિરાજે કૌતુકથી પુછયું.

“એક ઘેટાને બચાવવા તેને લેઈ જનાર ગરુડ પક્ષી ઉપર બન્ધુક તાકી હતી. ”

“ત્યારે એમણે અમારા પિતાના શાસનનો ભંગ કર્યો, માટે એમને તરત કેદ કરવાં પડશે.” અાંખો ચોળતો ચોળતો મણિરાજ બોલ્યો. સર્વ સ્ત્રીઓ કંઈક ચમકી સાંભળી રહી. એટલામાં લજ્જા છોડી કમળા બોલીઃ “તે આપના રાજ્યમાં એવો કાયદો છે કે અમને બબ્બે વખત કેદ કરો ?”

“ના, એક જ વખત. ”

“તે એક વખત તો કેદ કરેલી અહુણાં મને છોડી. ”

“હા. એ વાત તો ખરી. ત્યારે હવે કેદ નહી કરીએ – પણ તમે જ અપરાધી છે તેની ખાતરી શી રીતે થાય? સ્ત્રીજાતિ આ કાળમાં બન્ધુક ઉપાડતી સાંભળી નથી.”

“એ વાત ખરી. હું બન્ધુક ફોડી બતાવું; પણ મ્હારી જ સાથે આપ પણ ફોડી બતાવો તો હું ફોડું.”

આ વાત ચાલે છે એટલામાં સર્વે સહીઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જતી રહી. બે જણ એકાંતમાં ઉભાં.

ખાચરને સામંતની પુત્રી શીવાય એક બીજી એનાથી મ્હોટી વયની રાણી હતી અને કમળાકુમારી તેની પુત્રી હતી. ખાચર, સામંત, મુળુ, અને મલ્લરાજ સર્વને સંપ થવાનું સાધન ઈચ્છી સામંતની પુત્રીએ કમળા અને મણિરાજનાં લગ્નની વાત વધારી હતી. યુવાન કમળાના કાનમાં રાતદિવસ મણિરાજની સ્તુતિનું અમૃત રેડ્યાં કર્યું હતું, અને મલ્લરાજના વંશમાં શોકયના કાંટા વાગવા અશક્ય છે એ લાભ સઉનાં નેત્ર આગળ ધર્યો હતો. કમળા જાતે શૂર ને શુદ્ધ ક્ષત્રિયાણી હતી, ખાચરે લડાવેલી હતી, અને એના મનમાં મણિરાજનો આકાર રાત દિવસ રમ્યાં કરતો હતો. પણ શત્રુના ઘરમાં કન્યા આપવા જવું એ ખાચરને વિષ પીવા જેવું લાગતું. આ સર્વનું પરિણામ એ થયું કે મણિરાજને કમળા દેવાની ખાચર ના પાડતો અને બીજા વરની કમળા ના પાડતી, અને કમળાકુમારી અત્યાર સુધી કુમારી રહી હતી. હાલ મુળુ કેદ થયાના સમાચાર સાંભળી એની બ્હેને ખાચરનું માન મુકાવી એને રત્નગરીના રાજ્યમાં આણ્યો હતો. ખાચરને આ રાજયનાં સર્વ માણસો ઉપર અસલથી તિરસ્કાર અને દ્વેષ અત્યંત હતો તેને સ્થળે વય અને અનુભવ વધતાં મલ્લરાજના ઉદાત્ત ગુણો તે સમજવા લાગ્યો હતો અને એ વૃદ્ધ અને અનુભવી રાજાના અવસાન સમયે તેની પાસેથી રાજનીતિ અને અનુભવ જાણી લેવાં એવો તેને ઉત્સાહ થયો હતો. આથી એણે પોતાની ન્હાની રાણીની સૂચના સ્વીકારી હતી અને એ રાણી સાથે રત્નનગરી જતાં જતાં રાત્રિ ગાળવાને વનમાં ઉતારો રાખ્યો હતો. કમળાને તેની પોતાની ઈચ્છાથી સાથે લીધી હતી. એટલામાં એ કન્યાને અને મણિરાજને મળવાનો આ પ્રસંગ આવ્યો.

પોતાને અજાણી સ્ત્રી સાથે હોવાનો પ્રસંગ મણિરાજને આયુષ્યમાં પ્રથમ આજ જ આવ્યો અને તે પ્રસંગના સહભૂત વિકાર તેના હૃદયમાં ભરાયા છતાં પોતાના રાજ્યના શત્રુની કન્યા સાથે હોવાને પ્રસંગે સાવધાન ર્‌હેવાનો અને અવિશ્વાસ રાખવાનો વિચાર એને થયો. પણ થોડીક જ વાર ઉપર પોતાને ન જાણતી ન દેખતી કમળાએ વિશ્રમ્ભકથા સાથે કરેલા ગાનમાં પોતાને માટે દેખાડેલો અનુરાગ સ્મરણમાં આવતાં અવિશ્વાસ ખસી ગયો. પોતાના શૌર્યના ભાને વિશ્વાસ અને અવિશ્વાસનો વિવેક નકામો લગાડ્યો. બન્ધુક ઉપર એક હાથ મુકી તેના ઉપર પોતાનું પ્રચણ્ડ શરીર અઠીંગેલું રાખી કમળા ઉપર પળવાર દૃષ્ટિ નાંખતો અને પળવાર ખેંચી લેતો મણિરાજ કમળાની સામે ઉભો અને પુછવા લાગ્યોઃ

“આ તમારી સહીઓ ક્યાં ગઈ? ”

“મને કેદ કરી લેવાનો આપને અવકાશ આપવા જતી રહી.”

“મ્હેં તો કેદ કરવાનું હાસ્ય જ કર્યું હતું. બાકી હું પરસ્ત્રી સાથે એકાંતમાં ર્‌હેતો નથી. તમારે મ્હારું કામ ન હોય તો મને રજા આપો.”

કમળા પાસેના ઝાડને અઠીંગી તે ઉપર માથું નાંખી દેઈ ડુસકાં ભરવા લાગી અને બોલીઃ “રાજકુમાર, હું પરસ્ત્રી નથી. હું અત્યાર સુધી કોઈની સ્ત્રી થઈ નથી અને સૂર્યવંશી મણિરાજને મુકી બીજાની સ્ત્રી થનાર નથી. આપ ક્‌હો છે કે આપનું કામ ન હોય તો રજા આપો. પણ આપનું કામ તો મ્હારું આયુષ્ય ખુટે ત્યાં સુધી છે. જેને પાસે બોલાવવાના તેને દૂર જવા રજા શી રીતે આપું ? ”

મણિરાજને દયા આવી.

“કમળાકુમારી, તમે કુમારિકા છો તો તમારે તમારાં માતાપિતા મોકલે ત્યાં જવું એ તમારો ધર્મ છે.”

કમળાએ ઉંડો નિ:શ્વાસ મુક્યો.

“મણિરાજ, રુકિમણી શ્રીકૃષ્ણને પોતાના મનથી વર્યાં હતાં તેમ હું મણિરાજને વરી ચુકી છું, અને મને શ્રીકૃષ્ણની પેઠે વરવા મણિરાજ - આપ - સમર્થ છો.” અાંસુથી ઉભરાતું અને ન્હાતું, આશાથી ચળકતું, અને આતુરતાથી ખેંચાતું સુન્દર મુખકમળ મણિરાજના ભણી ઉઘાડું થઈ ફર્યું; અને આંખો સામી આંખો થઈ દૃઢતા મુકી દયાર્દ્ર પુરુષનેત્રે સ્ત્રીનેત્રની અનુકંપા કરી.

“કમળાકુમારી, તમારા પિતા અમને શત્રુતુલ્ય ગણે છે. તમે મ્હારામાં ગુલાબ અને કેવડાના ગુણદોષ જોતાં હો તો તમે ચતુર માણસ છો તે એ ફુલની પેઠે મને તોડો. મ્હારે એક એવો નિયમ છે કે હું કોઈની પાસે કાંઈ માગતો નથી. તે તમારા પિતા પાસે કન્યા કેમ માગું?” “કુમાર, તમારા બાગમાં આવવા દેશો ત્યારે મ્હારા ગુલાબને તોડીશ. પણ મ્હારા સરોવરમાં આવી તમારું કમળ તમે પ્રથમ તોડો. મણિરાજ, શ્રીકૃષ્ણની કળાથી મને વરોઃ” આમ બોલતી બેલતી કમળા પાસે આવી અને રોતી રોતી મણિરાજના ખભા ઉપર માથું મુકી દીધું.

મણિરાજે આઘા ખસવાનું કર્યું પણ તેમ કરે તો બાળા પડી જાય એવું હતું. તેના હૃદયમાં દયાને સ્થળે ખપતી વસ્તુના શરીરસ્પર્શથી રોમોદ્રમ થયો. પ્રિયજનનો હાથ હાથમાં લઈ રસચતુરાએ મન્મથનો ધ્વનિ મણિરાજના શરીરમાં પ્રવર્તાવ્યો અને પરખ્યો.

એને બે ખભે હાથ મુકી, એને જરા દૂર ખસેડી, ધર્મ અને રસના પરસ્પરવિરુદ્ધ પ્રવાહ વચ્ચે ઉભેલો મણિરાજ બોલ્યો:

“કમળા, શિષ્ટોના આચારનું હવે અતિક્રમણ થાય છે – આપણો વિવાહ હજી થયો નથી, રાજા થવાને સરજેલા પુરુષોએ ધર્મનું પાલન – કરવાનું - તે જાતે ધર્મ તોડે તો મહાન્ અનાચાર થઈ જાય - માટે – મણિરાજ આ વાક્ય પુરું ન કરી રહ્યો એટલામાં, "માટે દૂર જા" એટલું અધુરું વાક્ય બોલી દે એટલામાં, કમળા દૂર જવાને ઠેકાણે ગાઢ અને સર્વાંગી કંઠાશ્લેષ દેઈમણિરાજને વળગી પડી અને એના વિશાળ વક્ષઃસ્થળમાં માથું સમાવી દેઈ" એમ અદ્રશ્ય થયલા મુખવડે, બોલવા લાગી:

“આપ મ્હારા પતિ ન હતા ત્યાં સુધી દૂર જવાનું કહ્યું હત તો જુદી વાત. ઓ મ્હારા પ્રિય પતિ! જેવો મ્હારા તેવો જ આપણા અંગમાં ભગવાન અનંગનો સરખો અને સંપૂર્ણ અવતાર થયો છે; અને એ અનંગને આપણો અગ્નિ કહો કે આપણો ગોર કહો કે મને કન્યાદાનમાં આપનાર મ્હારો પિતા ક્‌હો – એણે આપણું આ લગ્ન સિદ્ધ કર્યું – એ ગાન્ધર્વવિવાહ થયો. સ્વામીનાથ! હવે હું મ્હારા પિતાની મટી આપની થઈ! હવે મને રુકિમણી ગણી લેઈ જાઓ કે ઓખાની પેઠે પરણેલી ગણી મ્હારું રક્ષણ કરો !”

આ અક્ષરે અક્ષર સાથે મણિરાજ સ્તબ્ધ થઈ ગયો. એના અંતઃકરણમાં અનેક વિચાર થઈ ગયા. પિતાની સંમતિ વિના આ સર્વ થાય છે એમ લાગ્યું ત્યારે આ સ્ત્રીને ધક્કો મારવાનો વિચાર થયો. ઘણીક કન્યાનાં ક્હેણ આવેલાં ત્યારે મહારાજે સ્પષ્ટ ઉત્તર આપેલો કે “અમારા કુલાચાર પ્રમાણે પુત્રો સમજણા થઈ જાતે પરણે છે; પુત્ર મ્હોટો થાય ત્યારે તેને પુછજે.” આ ઉત્તર સાંભરતાં પિતાની સંમતિનો વાંધો ન લાગ્યો. અાજ આને કોણે અંહી અાણી અને આ કાકતાલીય શું બન્યું એ વિચાર થતાં આમાં કાંઈક ઈશ્વરની જ કર્તવ્યતા લાગી. શત્રુના ઘરની કન્યાનું મન હરવામાં પરાક્રમ લાગ્યું. બે શત્રુઓ આ લગ્નથી સંધાય તો અનેકધા રાજ્યકાર્ય થાય એ વિચારથી આ સંબંધ પ્રશસ્ત લાગ્યો, એ વિચારતુલામાં સર્વ યોગ્યતા લાગતાં માત્ર વિકારતુલા બાકી રહી ને એનું ચિત્ત હલાવવા લાગી. શુદ્ધ રજપુતાણી - એનું શૌર્ય અને એની બન્ધુકનો સફળ પ્રહાર! મણિરાજના ક્ષત્રિરસને એ પ્રહાર કરનારી ઉપર ઉમળકો આવ્યો. પોતાની છાતી આગળ ડબાયલું મુખ ઉચું કરી એક પળ-બે પળ–જોઈ લીધું, ફરી જોયું, ફરી જોયું અને વગર સમજ્યે, વગર વિચાર્યે વગર ધાર્યે અને વગર જાણ્યે પોતાના હાથથી એ મુખ અને માથું પોતાની ધકડતી છાતી સાથે ડબાવાઈ ગયું. એ સ્ત્રીનું કદ સ્ત્રીઓના પ્રમાણમાં મ્હોટું હતું, તેનું શરીર પાતળું નહી ને બહુ જાડું નહી પણ બેવડા કોઠાનું, માંસલ અને ઉંચું હતું: મણિરાજને એ શરીર ગમી ગયું અને નાજુક શરીરની સ્ત્રીઓની સંતતિ ક્ષાત્ર પ્રતાપ ધરતી નથી માટે આવું શરીર જ મ્હારે જોઈએ એવો વિચાર થતાં સ્નેહનો પક્ષપાત સંપૂર્ણ થયો. પતિના શરીરમાં આ મન્મથાવતારની સફલતા સમજી સ્ત્રી એની ઈચ્છાની વિરોધક થઈ નહી; અને એક ભુજમાં એનું આખું શરીર ભરી છાતી આગળથી દૂર કરી પોતાની એક બાજુએ એને મણિરાજે રાખી ત્યારે એ ક્રિયાને કમળા અનુકૂળ થઈ ગઈ. અંતે એને વાંસે હાથ મુકી મણિરાજ બોલ્યો: “કમળારાણી, અત્યારે તમારા પિતા પાસે જાવ – રત્નનગરી ગયા પછી સઉ વાતની વ્યવસ્થા તમારી ઈચ્છા પ્રમાણે થશે.”

બીજા એકાદ દિવસમાં સર્વ મંડળ રત્નનગરી પહોંચ્યું. ત્યાં મુળુનું શું કરવું એ વીશે સર્વ વિચારમાં પડ્યાં હતાં અને યુવરાજની વાટ જોવાતી હતી. મુળુના શિક્ષાપત્રમાં મલ્લરાજના શબ્દ લખાયા હતા, તે સ્પષ્ટ હતા. તે પ્રમાણે મુળુને હવે જીવનપર્યંત કેદ રાખવો જ જોઈએ ઈત્યાદિ સ્પષ્ટ હતું અને હવે વિચારવાનું શું હતું તે સામંતને સુઝ્યું નહિ. માત્ર શિક્ષાપત્ર પ્રમાણે કેદ કરો એવું રાજવચન જોઈતું હતું તે ઉચ્ચારવા મલ્લરાજે ના પાડી અને કહ્યું કે હવે હું નિવૃત્તિપક્ષમાં સ્થિતિ પામ્યો છું તે મુકી પ્રવૃત્તિને મ્હારી પાસે આવવા દેનાર નથી અને હવે તે સર્વ ભાર યુવરાજને માથે નાંખ્યો છે તેને જે કરવું હોય તે કરે. ટુંકામાં મલ્લરાજે રાજ્યમાં રહી રાજ્યભાર પુત્રને માથે નાંખી પોતે માત્ર સર્વનો સાક્ષી જ રહ્યો હતો અને જરાશંકર સાથે જ્ઞાન અને ધર્મની ચર્ચા કર્યા કરતો હતો.

ખાચર મલ્લરાજને મળ્યો અને વૃદ્ધ ભીષ્મપિતામહ જેવા પાસેથી રાજનીતિના અને અનુભવના ઉપદેશ માગી લેવા લાગ્યો. એવામાં મણિરાજ રત્નનગરી આવ્યો.

મલ્લરાજને ખાચર વધારે વધારે પૂજ્ય માનવા લાગ્યો. મણિરાજ અને મુળુના મલ્લયુદ્ધના સમાચાર એણે મુળુને મુખેથી જ સાંભળી લીધો હતો. ધર્મયુદ્ધ, કપટયુદ્ધ, ઉદાત્ત શૌર્ય, શરીરબળ, મલ્લકળા પોતાના હાથમાં સર્વ વાતનું સૂત્ર હોવા છતાં આપેલી ક્ષમા, ઇત્યાદિ ગુણોનો આવિર્ભાવ મણિરાજે જેમાં સ્પષ્ટ કર્યો હતો એવું મુળુ સાથેનું યુદ્ધ અને મુળુનો પરાભવ – એ સર્વથી મુળુ નરમ થઈ ગયો હતો અને જે મણિરાજને તેની બાલ્યાવસ્થામાં નિર્માલ્ય અને રાજ્ય કરવા અયોગ્ય માનતો હતો તેને આજ પોતાના કરતાં વધારે બલવાન, પ્રવીણ અને રાજ્ય કરવાને યોગ્ય માનવા લાગ્યો. એણે પોતાના હાથ આજ નીચા કરી દીધા અને જે રાજ્યનું બળ પોતે વધારવું જોઈતું હતું તે રાજ્યના સામી આટલી આટલી ખટપટ કરી માટે પોતાને મૂર્ખ અને પાપી ગણી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એની સર્વ વાત સાંભળી ખાચર પુષ્કળ હસ્યો, અને મણિરાજ વીશે પોતાનો અભિપ્રાય વધારે સારો થયો ખરો; પણ હારેલા, ઘવાયલા, કેદ થયેલા મુળુએ એને આકાશ ચ્હડાવ્યો તે માત્ર મુળુના મનની અશક્તિ ગણી મુળુની મશ્કરી કરવા લાગ્યો. મણિરાજની ગોળી પ્રથમ જ મુળુને વાગવાને ઠેકાણે એના ઘોડાને વાગી એટલાથી એણે નિશ્ચય કર્યો કે મણિરાજમાં અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ કાંઈ પણ નથી, એવો માણસ ગાદી પર બેસે એ તો રાજ્યનું હીનભાગ્ય એ વચન ખાચરે મુળુને સ્પષ્ટ કહ્યું.

મણિરાજ રત્નનગરી આવ્યા પછી સામંતે એની પાસે મુળુની વાત ક્‌હાડી અને પિતાના શિક્ષાપત્ર પ્રમાણે મુળુને આયુષ્ય સુધી કેદ રાખવાની આજ્ઞા માગી. મણિરાજે વિચાર કરવા વખત લીધો અને મુળુની મા અને બ્હેનને બોલાવ્યાં.

રત્નનગરીમાં કેદ ર્‌હેવું અને ખાચરના રાજ્યમાં સ્વતંત્ર ર્‌હેવું બેમાંથી કીયું મુળુને ગમે છે અને તેને ક્યાં રાખવો તમને ગમે છે એવું આ બે જણીઓને મણિરાજે પુછયું. મુળુની સાથે તેમણે વાત કરી જોઈ અને ઉત્તર મળ્યો કે, “ મણિરાજને મ્‍હારાભણીથી ક્‌હેજો કે આજ સુધી મ્‍હારા વિચાર એક જાતના હતા અને હવે તે બદલાયા છે. તમારું બળ, તમારી કળા, તમારી ઉદારતા, અને તમારી બુદ્ધિ: એ સર્વનો અનુભવ તમે મને કરાવ્યો તેથી મ્‍હારા મનનો ગર્વ અને મત્સર કેવળ અસ્ત થઈ ગયો છે, અને જે રાજ્યની મ્‍હારે સેવા કરવી જોઈએ તે રાજ્યનો દ્રોહ કરવા જે મહાન પ્રયાસ કરી તમારા શત્રુઓને બળવાન કર્યા છે તે દોષથી અને પાપથી હું હવે મુક્ત થઈ શકું એમ નથી. યુવરાજ, ખાચર તમારો કટ્ટો શત્રુ છે તેથી તે આજ સુધી મ્હારો પરમ મિત્ર હતો. તે જ કારણથી હવે મને એનું મુખ ગમતું નથી અને આપના રાજ્યના કેદખાનામાં દિવસ ક્‌હાડવાથી મ્‍હારું પાપ ધોવાશે એમ હું માનું છું તેમ દુનીયાને આ કાળું મ્હોડું બતાવવું તે કરતાં કેદખાનું સારું છે. પણ બીજી પાસથી એમ વિચાર કરું છું કે જે લોકને મ્‍હેં આપના શત્રુ કર્યા છે તેમને ગમે તો આપના મિત્ર કરવા અને ગમે તો તેમનું વધેલું બળ નષ્ટ કરવું એટલી રાજ્યસેવા મ્‍હારાથી બની શકે એમ છે તે હું ખાચરના રાજ્યમાં હઈશ તો બનશે. માટે મને ખાચરના રાજ્યમાં રાખવો સારો કે કેદખાનામાં રાખવો સારો તેનો વિચાર આપ જાતે કરી ઠીક લાગે તે કરજો. મ્‍હારી અરજ એટલી છે કે મને આપના રાજ્યમાં છુટો ર્‌હેવા રજા ન આપશો, કારણ પ્રથમ તો એ મહાન ઉપકારભાર મ્‍હારાથી ઝીલાય એમ નથી, એને બીજું જરાશંકર અને વિદ્યાચતુર એ બે બ્રાહ્મણો આપને પ્રિય છે તેનો હું શત્રુ મટવાનો નથી ને છુટો હઈશ તો કોઈ દિવસ બ્રહ્મહત્યા કરી બેસીશ.”

મુળુ પોતાની ઈચ્છા બતાવતો નથી તો તમે બતાવો એવું પુછતાં એની માતા અને બ્‍હેને માગી લીધું કે મુળુને ખાચરના રાજ્યમાં છુટો ર્‌હેવા દ્યો. મુળુ હવે કોઈ જાતની રાજ્યવિરુદ્ધ ખટપટ કે બીજો અપરાધ નહી કરે એટલી એના ભણીની ખાતરી તમે તમારા વચનથી કરો અને તે પ્રમાણે તેની વર્તણુક તમે માથે લ્યો તો હું મુળુભાને ખાચરના રાજ્યમાં છુટા મુકું એવું મણિરાજે કહ્યું. સ્ત્રીઓએ પોતે ખાતરીનું વચન આપ્યું. અને વિચાર કરી મણિરાજ બોલ્યોઃ “તમે કાકી અને તમે મ્‍હારાં બ્હેન, તમારી ઈચ્છા મ્‍હારે પુરી કરવી જોઈએ. સામંતરાજ ક્‌હે છે કે ખાચર અને મુળુભાનાં વચન લેવાં જોઈએ. પણ મુળુભાને ક્‌હજો કે તમે તે વચનના કરતાં વધારે ખાતરી આપી છે, અને અમારા શત્રુ તે તમારા શત્રુ ગણ્યા તો ખાચર રાણા પણ તમારા શત્રુ થયા ને તમારા શત્રુની તમારે સારુ ખાતરી માગવી એ તો તમને ન છોડવા હોય તો કરીયે. માટે કાકી, બ્‍હેન, અને ભાઈ એ ત્રણેનાં વચન કરતાં ક્ષત્રિયો ક્ષત્રિયોની વધારે બાંહ્યગીરી શી લેવાના હતા? એવી એવી બાંહ્યગીરીઓ ત્રુટશે ત્યારે રજપુતોની રજપુતાઈમાં જેટલું બાકી રહ્યું હશે તેટલું પરખાશે. માટે હું તમારી ઈચ્છા સ્વીકારું છું, અને મુળુભાને ક્‌હેજો કે આશા રાખનાર છેતરાય છે પણ મણિરાજ તમારા તરફથી કંઈ આશા રાખતો નથી ને છેતરાતો નથી અને હવે મ્‍હેં મ્‍હારાપણું બતાવ્યું તો તમે તમારાપણું બતાવવાનું તે કેવી રીતે બતાવો છો તે જોઈશું. ”

આ પ્રમાણે મુળુનું ભાગ્ય બાંધી મણિરાજ પોતાની માતા મેનારાણીને મ્‍હેલ ગયો. ત્યાં કમળાકુમારી રાણીને મળવા આવી હતી અને એની અાંખ મણિરાજને શોધતી હતી. મણિરાજે બે જણને એકઠાં જોઈ માતાને દૂર બોલાવી પોતાને કમળા સાથે પડેલો પ્રસંગ ટુંકામાં જણાવી દીધો. રાણી કંઈક વિચારમાં પડતાં મણિરાજે કહ્યું: “ માતાજી, આમાં કાંઈ વિચાર કરવાનું રહ્યું નથી. કારણ હું વચન આપી વરી ચુક્યો છું અને પિતાજીએ આ વાત મ્‍હારી ઇચ્છાઉપર રાખી હતી. માટે આપ હવે એ કન્યાને આપના મ્‍હેલમાં સંભાળી રાખજો અને એમને ક્‌હેજો કે તમારા પતિની એવી આજ્ઞા છે કે બીજી આજ્ઞા થતા સુધી તમારા પિતાને ઘેર તમારે જવું નહી - તમારા પિતા આજ્ઞા કરે તો પણ જવું નહીં.”

મેનારાણી આશ્ચર્યમાં પડી: “કુમાર, કન્યા લાવો તો ભલે લાવો, પણ આ તો કન્યાનું હરણ કર્યું ક્‌હેવાય અને હવે ઈંગ્રેજ સરકાર આપણે માથે રહ્યો.”

મણિરાજ – “માતાજી, એ તો કન્યાની ઈચ્છા ન હોય ને આપણે તેનું હરણ કરીયે તો જુદી વાત, પણ આ તો કન્યા વળગી પડીને કહે છે કે તમે મ્‍હારા પતિ છો અને મ્‍હારા પિતાના શત્રુ છો માટે તમે મ્‍હારું હરણ કરો એટલે પિતાની આજ્ઞા તોડી નહીં ક્‌હેવાય, કન્યાઓનું હરણ કરવું એ એમના તમારા ચંદ્રવંશનો ધારો કૃષ્ણાવતારમાંથી પડ્યો છે.”

મેનારાણી – “પણ તમારો શત્રુ ફરીયાદી કરશે ને ઈંગ્રેજ હેરાન કરશે તે ? – તમારા પ્રધાનને તો પુછો – ”

મણિરાજ - “માતાજી, સરકાર કન્યાની જુબાની લેશે તેમાં કન્યા તરફથી વાંધો નહી પડે. આપણે કન્યાને મદદ કરવી છે. જુવો તો ખરાં કે ખાચર શું કરે છે તે. પ્રધાનને અને બધાંને પુછીશું.”

અંતે કમળા સાંઝ સુધી પિતાને ઉતારે ગઈ નહી ત્યારે એને ખાચરને ત્યાંથી તેડાં ઉપર તેડાં આવ્યાં. તેના ઉત્તરમાં એણે માત્ર એક જ બોલ કહ્યો કે: “પિતાજીને કહો કે મ્‍હારા સમાચાર ન્હાની મા ક્‌હેશે - હું તો જેને વરી ચુકી છું તેને વરી – તેનું ઘર મુકી હું શી રીતે બ્‍હાર આવું? – મ્‍હારા સ્વામી તરફથી તમારે ત્યાં આવવા મનાઈ નથી – પણ મને ઠીક લાગશે ત્યારે હું આવીશ –” ઇત્યાદિ ઇત્યાદિ.

આ સમાચારથી ખાચર પ્રથમ તો ખુબ ખીજાયો. બધી વાત સાંભળી જાતે મલ્લરાજને મળી ફરીયાદ કરી. મલ્લરાજે ધૈર્યથી સર્વ વાત સાંભળી અંતે ખડખડ હશી પડ્યો.

“રાણાજી, આમાં આપની પુત્રીની પણ સંમતિ દેખાય છે.”

ખાચર – “મહારાજ, એમ હશે – ત્હોયે શું – આ તો બે જણે મળી મને છેતર્યો !”

મલ્લરાજ - “આપને બાળકોએ છેતર્યા ! અરરરરર ! રાણાજી, આ વાત કોઈને ક્‌હેશો નહી !”

ખાચર – “આપને આપના પુત્રનો દોષ વસતો નથી ! – પણ મ્‍હારે ઉપાય કરવો પડશે !”

મલ્લરાજ - “રાણાજી, શાંતિ અને સત્વગુણ ધરો તો કહું.”

ખાચર – “ચાલો, ધરું છું.”

મલ્લરાજ – “તો કહો. બાળકોએ કામ કર્યું, તમને છેતર્યા તો મને પણ આજ સુધી મણિરાજે પુછયું નથી. એ બધું થયું પણ તેમણે યોગ્ય જોડું બાંધ્યું છે કે અયોગ્ય?”

ખાચર – “અયોગ્ય.”

મલ્લરાજ – “શી રીતે?”

ખાચર – “પ્રથમ તો મણિરાજને અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ નથી ને મ્‍હારી પુત્રીને છે.”

મલ્લરાજ – “બીજું ?”

ખાચર – “મણિરાજ-ભોળા છે, એને કપટ વિદ્યાની કુશળતા નથી.”

મલ્લરાજ – “ત્રીજું ?” ખાચર – “ત્રીજું કાંઈ નથી. બીજી બધી રીતે એ યોગ્ય છે.”

આ પ્રસંગે આ બે રાજાઓ મલ્લરાજના એક મ્‍હોટા બાગને છેડે બેઠા હતા અને ત્યાં એક સરોવરની કોર અને પાળ હતી. સરોવરને સામે છેડે મણિરાજનો બાગ હતો, મલ્લરાજે પુત્રના બાગ ભણી આંગળી કરી કહ્યુંઃ “રાણા, આ સામેનો બાગ મણિરાજનો છે, ત્યાં એ અત્યારે હશે. આપણે વેશ બદલી ત્યાં જઈએ અને એ બે વાનાંમાં એની પરીક્ષા કરીએ તેમાં તમે હારો તો પછી ?”

ખાચર – “પછી મ્‍હારે આ બધું કબુલ. ”

બે રાજાઓ શસ્ત્ર અસ્ત્ર સજી કાબુલીઓનો વેશ લેઈ મણિરાજના બાગ ભણી ગયા. બાગનો દરવાજો વાસેલો હતો અને ત્યાં બેઠેલામાંથી એક દરવાને કાબુલીઓને અંદર જવા ના કહી. તેમણે આજીજી કરી કહ્યું કે, “અમારે બાગ જોવો છે ને મણિરાજને મળવું છે – તમે અમારે સારુ ગમે તો પરવાનગી લઈ આવો.” દરવાન કહે, “અંદર યુવરાજ અને રાણી બે જણ ગયાં છે એટલે તમને નહી જવા દઉં ને રજા માગવા પણ હું નહીં જાઉ.” તળાવ અને બાગના ખુણા સુધી બાગનો કીલ્લો હતો તે ખુણા આગળ બે જણ ગયા. એ ખુણા આગળથી અર્ધી વ્‍હેંત જમીન, પાણી અને બાગની વાડ વચ્ચે હતી, તે ઉપર પગ મુકી બે જણ વાડની લગોલગ ચાલ્યા. થોરીઆ, કાંકળો, અને બીજા કાંટાની અભેદ્ય જબરી વાડ આગળ ઉપાય ન હતો. પણ વાડની લગોલગ ઠેઠ જવાય એવું હતું. તે વાડમાં નજર કરતા કરતા બે જણ ચાલે છે અને દેખાતું તો કાંઈ નથી પણ કાને સ્વર આવ્યો, આ સ્વર વરકન્યાનો હતો અને બેના પિતાઓ કાન માંડી ઉભા રહ્યા. સ્વર વાધ્યો.

“યુવરાજ, મને બધો બાગ દેખાડ્યો પણ એક વાત આપે કરવાની બાકી રહી છે.”

"શી ?"

“આપણામાં રાક્ષસવિવાહ કહેવાય છે તે એવો કે પુરુષ સ્ત્રીને કેદ કરી પરણે; તે પ્રમાણે આપે મને મ્હારા પિતા પાસે જતી અટકાવી એવો રાક્ષસવિવાહ આપના કુળમાં યોગ્ય છે?”

મણિરાજ હસ્યો. “પ્રથમ કન્યાની ઈચ્છાથી ગાન્ધર્વવિવાહ થઈ ગયો અને કન્યાએ બાપની અસંમતિ જણવી એટલે ગાન્ધર્વવિવાહને અંતે શત્રુ, શ્વશુરના ઘરમાંથી એ વરેલી કન્યાને ઉપાડી લેઈ રાક્ષસવિવાહ કરવો એ તો યોગ્ય જ છે. કમળારાણી, શત્રુઓ સાથે રાક્ષસ થવું એ અમારો કુળાચાર છે.”

“ત્યારે તે કાળે આપણે બે જણે સાથે લાગી બન્ધુક ફોડવી એવી મ્‍હારી અરજ સ્વીકારવા કહ્યું હતું તે હજી સુધી આપે સ્વીકારી નથી.”

વધારે કાંઈ વાતચીત થોડી વાર સુધી થઈ નહી. એટલામાં એક પક્ષી સરોવરમાંથી મત્સ્ય લેઈ ઉચું ઉડ્યું. તે પચાસ હાથને આશરે ઉંચું ઉડ્યું હશે એટલામાં બાગમાંથી બન્ધુકની બે ગોળીઓ ભડાકા સાથે એ દિશામાં ગઈ તેમાંથી એક ગોળીએ એ પક્ષીને વીંધ્યું અને તેના ઉપર થઈને બીજી ગોળી અમસ્તી ચાલી ગઈ '

કમળા ખડખડ હસતી સંભળાઈ, “પુરુષોનું ભાગ્ય જ મ્‍હોટું. યુવરાજ, હું કદી આમ ગોળી ચુકી નથી તે આજ ચુકી, અને તમારી બરોબર લાગી.”

“એમ નથી. જો મ્‍હારી ગોળી વાગી ન હત તો તમારી ગોળી બરોબર વાગત. તમારી ગોળી જતાં જેટલી વાર ઘણુંખરું લાગતી હશે તેટલી વાર નજરમાં રાખી તમે ગોળી મારી તે પક્ષી પ્‍હોંચતા પ્‍હેલા મ્‍હેં મ્‍હારી ગોળી પ્‍હેલી વાગે એમ તાકી અને વ્‍હેલી વાગી. ”

“એ વાત તો ખરી – મને એટલી લક્ષ્યસિદ્ધિ નથી.”

“આ પાસેની વાડો નીચે કોઈ માણસો છે. દરવાનોની ગફલતથી આવ્યા હશે.”

“હા–એવું કાંઈ છે ખરું. ”

ખાચર ચમક્યો અને સજજ થયો.

“હશે જે હશે તે, આપણે શું?” કમળાનો સ્વર બોલ્યો,

"એમ ન થાય, એમને ચોરી કરતાં આવડી તો આપણને ચોકીદાર થતાં નહી આવડે? ”

“મને કેદ કરી અને કપટવિદ્યાના ગુરુ મહારાણા ખાચરને છેતરી એમનું ઘર ફોડનારને શું નહી આવડે?”

મલ્લરાજનું હસવું રહ્યું નહી અને બોલાઈ જવાયું: “ રાણા, મ્‍હારા પુત્રને ભોળો ક્‌હેનાર તમે, ને તમારા કરતાં એને વધારે કપટી કહેનારી તમારી પુત્રી – તે તમને બેને એળખે છે - તેને મ્હોંયે તમારો ન્યાય.” નાક આગળ આંગળી મુકી રોષે ભરાયેલા રાણાએ મલ્લરાજનો હાથ ખેંચી સ્થાન બદલ્યું.

મણિરાજને આ કપટની વધારે શંકા થઈ. માળીની પાસે વાંસી મંગાવી એણે બે પાસથી કાંકળો અને કાંટા ધક્કેલી નાંખ્યા અને કાબુલીઓથી ન જવાય આમ ને ન જવાય આમ એમ ત્રણ પાસ કાંકળો અને કાંટાઓ અને ચોથી પાસ પાણી, તેની વચ્ચે બે જણને કેદ કર્યા, તો પણ કાંઈ હાલ્યું ચાલ્યું નહી ત્યારે વાડો વચ્ચે લાંબી વાંસી ઘોંચી તેમને ધકકા મારવા માંડ્યાં. છેવટે ખાચરે વાંસી ઝાલી રાખી અને કશામાં ભરાઈ રહી હોય એમ પાછી ખસવા ન દીધી. મણિરાજે તે પાછી ખેંચવા માંડી, બેના બળની સરતમાં મણિરાજ ફાવ્યો, ખાચરનાં આંગળાં કાંઈક કાપી લોહીવાળી વાંસી મણિરાજના હાથમાં આવી. લોહી જોઈ એણે માણસ છે એવી ખાતરી કરી, અને પોતાનાં માણસોમાંથી થોડાક સશસ્ત્ર માણસોને તળાવની બાજુથી તરતા તરતા જઈ તેમને પકડી લાવવા આજ્ઞા કરી. પાણીમાં તેમને આવતા જોઈ બે જણાઓએ પાણીમાં ઝંપલાવ્યું, સામેની બાજુના મલ્લરાજના બાગમાં ગયા, વસ્ત્ર પહેરી બેઠા, અને તેમની પાછળ જનારાએ એ બાગમાં જઈ ન્હાસનારાઓને શોધી ક્‌હાડતાં નિષ્ફળ થઈ પાછા આવ્યા.

મણિરાજ પિતાના બાગમાં ગયો. ફરતાં ફરતાં એક ખુણે કાબુલી વસ્ત્ર દીઠાં અને એળખ્યા. પિતા અને શ્વશુર પાસે ગયો. અને રાણાની આંગળીઓની અવસ્થા જોતાં સર્વ ઇતિહાસ કળી ગયો. પાછો ફરી સામંતને સઉ હકીકત કહી તેને તથા કેટલાંક માણસને સાથે લેઈ આવ્યો અને પિતાને ક્‌હેવા લાગ્યો.

“મહારાજ, આજ મ્હારા બાગમાં બે ચોર ભરાયા હતા તેમાંથી એક તો સર્વના ધણી છે પણ બીજા ચોરને પકડવામાં કાંઈ વાંધો નથી, માટે તે ચોરને આપ અમારા હવાલામાં કરો એવી અરજ છે”

“એ ચોરની કોઈ નીશાની છે?” મલ્લરાજે પુછયું.

સામંત બોલ્યો: “અનિરુદ્ધના તો દાદાએ બાણના હાથ કાપ્યા હતા પણ આપણા અનિરુદ્ધે તો જાતે બાણની આંગળીઓ કાપી દીધી છે, બાકી આ બાણને હજાર હાથ તો નથી. શું કરીયે ? મહારાજ ! અનિરુદ્ધના પિતા જ બાણની સાથે ફરે ત્યારે અનિરુદ્ધે જાતે પરાક્રમ કરવું પડે.” આ વાર્તાનો અંત એવી રીતે આવ્યો કે ખાચર સમઝ્યો, શરમાયો, કમળાવતી પોતાના કાંટાવાળાં ગુલાબ અને કેતકની માળણ બની, અને એના પિતાએ દુરાગ્રહ મુક્યો.

મલ્લરાજ આજ સર્વ રીતે ભાગ્યશાળી ગણાયો. પુત્ર પરાક્રમી નીવડ્યો. રાજ્યનો અંત:શત્રુ મુળુ શાંત થયો, બાહ્ય શત્રુ ખાચર મિત્ર થયો અને વ્હેવાઈ થયો. શત્રુની પુત્રી સાથે યુવરાજનું લગ્ન થયું અને વેરમાં વ્હાલ થયું. અધુરામાં પુરું ફાક્‌સ સાહેબને ઠેકાણે તેના હાથ નીચેના લીલાપુરવાળા સદ્‍ગુણી બસ્કિન્ સાહેબની બદલી પણ આવામાં જ થઈ અને તેમને અને બ્રેવ સાહેબને જુની મિત્રતા હતી એટલે આ પાસની પણ ચિન્તા મટી ગઈ. યુવરાજ, વિદ્યાચતુર અને સામંત મળી સર્વ રાજ્ય સારી રીતે ચલાવવા લાગ્યા. મલ્લરાજે પોતાનો આવાસ નગરમાંથી બદલી બાગમાં કર્યો અને વૃદ્ધ રાજા અને જરાશંકર સર્વ એષણાઓ ત્યજી એકાંતમાં ધર્મવિચારમાં કાળક્ષેપ કરવા લાગ્યા. એમ કરતાં એક દિવસ પ્રાતઃકાળે રાજાએ અંતકાળ પાસે લાગતાં સર્વે કુટુંબ બાગમાં બોલાવ્યું.

પોતાની વાનપ્રસ્થ અવસ્થા ગણી મલ્લરાજે એક મ્હોટું વાંસનું ઝુંપડું બંધાવ્યું હતું અને જમીન ઉપર માત્ર લીંપણ હતું. તેમાં પલંગને ઠેકાણે એક સુતળીના ખાટલામાં સાદડી નાંખી તે ઉપર રત્નનગરીનો મહારાજ સુતો હતો. એને શરીરે માત્ર એક ધોતીયું અને એક ઢીલું પહેરણ હતું, અશક્તિ હોવા છતાં તેણે પ્રાતઃકાળમાં સ્નાન કરેલું હતું. અસલના પ્રચંડ શરીરને સ્થળે પાતળું હાડપિંજર ખાટલામાં મડદા પેઠે ચતું પડેલું હતું અને હાથનાં તરવાર જેવાં હાડકાં ખભાથી ઢીંચણ સુધી લાંબાં પડેલાં હતાં. તેના પ્રતાપી કપાળ ઉપર ભસ્મ લગાવ્યું હતું અને એના શ્વેત કેશને શિખા બાંધી દીધી હતી. એની મ્હોટી મુછો અને થોભીયા ધોળા કરમાયલા જેવા થઈ ગયા હતા. રાજાની અાંખનું તેજ અને વાણી છેક છેલે સુધી રહ્યાં. તેના ખાટલાની એક પાસ મેનારાણી પૃથ્વી ઉપર મડદા જેવી બેઠી હતી. આંખમાં ન ખળી ર્‌હેતી આંસુની ધારાએ ઘડી ઘડી લ્હોતી હતી અને રડવું ખાળી રાખતી હતી. બીજી પાસ વૈદ્ય નાડી ઝાલી બેઠો હતો અને ઘડી ઘડી ઔષધ લેવા ઉઠતો હતો. મણિરાજ રાજ્યકાર્ય કરતાં દિવસમાં પાંચ સાત વાર પિતા પાસે આવતો અને રાત્રિયે એની પાસે પૃથ્વી ઉપર સુતો, તે આવી પિતાની એક બાજુએ ઉભો અને પિતાના મુખ સામું જોઈ રહ્યો. એવામાં સામંત, જરાશંકર અને વિદ્યાચતુર આવ્યા.

રાજાએ સામંતને પોતાની પાસે આવવા સાન કરી અને સામંતે કાન ધર્યો એટલે વૃદ્ધ રાજા ધીમે ધીમે બોલ્યો: “ભાઈ મ્હારી રાજ્યનીતિ તું જાણે છે. મણિરાજની સંભાળ રાખજે અને મુળુ ત્હારું ઠેકાણું સાચવે એમ કરજે. હું હવે જવાનો-વિદ્યાચતુરને મોકલ.”

સામંતની આંખમાં આંસુ ઉભરાઈ ગયાં અને રંક સ્વરે બોલ્યોઃ “મહારાજ, કોઈ જાતની ચિંતા કરશો નહી. રાજ્ય, પ્રધાન અને પ્રજા સર્વની અને મણિરાજની કોઈની ફીકર કરશો નહીં. વિદ્યાચતુર, મહારાજ બોલાવે.”

વિદ્યાચતુર રાજા પાસે જાય છે એટલામાં સામંત મનમાં બોલ્યોઃ “અરેરે, કેવા મહાત્મા ! દુષ્ટ મુળુ ઉપર અંતકાળે પણ કૃપા ! મહારાજ, અંતકાળ સુધી આપ કૃપાને મુકવાના નથી ને મુળુ દુષ્ટતાને મુકવાનો નથી ! મહાત્માનો ઈશ્વરને ખપ છે ને આ દુષ્ટ મરતો મરતો જીવે છે ! એ દુષ્ટ હજી શું કામ નહી કરે? હરિ ! હરિ ! એને મ્હેં ક્યાં જન્મ આપ્યો?” સામંત ગભરાઈ ગયો ને રોતો ગયો.

વિદ્યાચતુરે કાન ધર્યો અને મલ્લરાજે કાનમાં કહ્યું: “વિદ્યાચતુર, “તમને સોંપેલી વાડીનું એક પણ ઝાડ કરમાય નહીં – જો જો - તમને ઝાડની પેઠે ઉછેરેલા છે – ભુલશો નહીં - મરતી વખત વધારે શું કહું? - હું કરમાઈ જાઉં છું – ઈંગ્રેજનો સમો છે - મ્હેં એમને સ્વીકાર્યા છે - મને કંઈ સુઝતું નથી.”

વિદ્યાચતુર ધીમેથી બોલ્યોઃ “મહારાજ, આ શરીર અને બુદ્ધિ આપનાં છે – આપનો આત્મા અમર ર્‌હેશે અને આપની પાછળ અને આપની જોડે સત્કર્મ જ છે.”

મણિરાજને સાન કરતાં એ પાસે આવ્યો.

મલ્લરાજ બોલ્યોઃ “મણિરાજ, રાજ્યના શત્રુઓની ખટપટમાં રાજય નિષ્કંટક કરવામાં – પ્રજાનો વિચાર મ્હારાથી નથી થયો, હું તમને નિષ્કંટક રાજ્ય સોંપી જાઉ છું – પણ તમે હવે આ રંક પ્રજાના કલ્યાણનો વિચાર કરજો – હોં. પ્રજા રંક છે – બોલતી નથી – પણ મ્હેં એને સારું કંઈ થયું નથી – તમે ભુલશો નહી – પ્રજા... મણિરાજ, અન્ન પાન અને શરીર ત્યજી પ્રજાને જાળવજે. પ્રજા તમને ભાળવું છું... પ્રજા... ... બીચારી પ્રજા... પ્રજા... ” મલ્લરાજની પોતાના આંખમાં આંસુ આવ્યાં. “અરેરે – જરાશંકર, આટલાં વર્ષ સુધી આપણાથી પ્રજાનું કંઈ કલ્યાણ થયું નથી.” મલ્લરાજનામાં અશક્તિ વધી, એની આંખો મીંચાઈ, પોપચાં નીચે આંસુ ચાલ્યાં, અને કંઈક વાર બોલતો બંધ થયો. સર્વની આશા ત્રુટવા માંડી અને ચારે પાસ આંસુની વૃષ્ટિ વર્ષવા લાગી.

એટલામાં મીંચેલી આંખે રાજા બોલતો શુણાયોઃ “મેના–મેના –” રાજાનો હાથ મેના ભણી જવા યત્ન કરતો લાગ્યો. મેના ઉઠી, રાજાનો હાથ ઝાલ્યો, અને રોતી રોતી બોલી: “ મહારાજ ! મહારાજ–” રાજાએ આંખ કંઈક ઉઘાડી, મેના સામું જોયું, “મ્હેં તને વિના અપરાધે એક રાત્રે શિક્ષા કરી હતી–”

મેનાનું રોવું રહ્યું નહીં, ત્હોયે ખાળી રાખી બોલી: “ના, મહારાજ, મ્હારો જ દોષ હતો અને આપે યોગ્ય જ કર્યું હતું.”

“હવે કુમાર નહી – રાજા – હોં – એની આજ્ઞા પાળજે.” મલ્લરાજ ઉચું જેઈ ક્‌હેવા લાગ્યો.

“અવશ્ય, મહારાજ ! જેમ માતાજી આપની સાથે વર્તતાં એ જ રીતે વર્તીશ. કુમાર રાજા, અને હું એની પ્રજા.”

“- ને - કમળા – એ હવે ત્હારાથી મ્હોટે સ્થાને - તું - તું” વચન માગતો હોય એમ રાજાનો હાથ લાંબો થયો. એ હાથમાં વચન આપવા હાથ મુકી રાણી કંઈક સ્થિર સ્વરે બોલી: “મહારાજ, મ્હારા નાથ છો, આપને વચન આપું છું કે મ્હારે હવે રાજ્યસાથે સંબંધ નથી. મહારાજ, न स्त्री स्वातन्त्र्यमर्हति. ન્હાનપણે જેમ પિતાની આજ્ઞા પાળતી, આજ સુધી આપની પાળતી, માતાજી આપની આજ્ઞા પાળતાં, તેમ આપની પાછળનાં રાજારાણીની આજ્ઞા પાળવી એ મ્હારો ધર્મ છે અને એ રાજા મ્હારો પુત્ર છે અને રાણી મ્હારી વહુ છે એટલામાં જ મુજ અનાથની સનાથતા છે.”

બોલતી બોલતી રાણી પડી ગઈ મણિરાજે તેને ઝીલી, રાજાની આંખો મીંચાઈ હતી તેણે આ દીઠું નહીં, રાણી પુત્રના હાથમાંથી ઉઠી બેઠી. ને રાજા આંખો મીંચી બોલ્યોઃ “બધાને કહી દીધું - બધાંને કહી દીધું - કંઈ રહી જતું તો નથી – જરાશંકર – રઘુનું વાનપ્રસ્થ-” સૂર્યવંશના કુળાચાર શોધનાર રાજાને રઘુનો આ પ્રસંગ અસલથી પ્રિય હતો. જરાશંકર તે જાણતો હતો અને રાજાની પાસે જઈ ધીમે ધીમે બોલવા લાગ્યોઃ–

*अथ वीक्ष्य रघुः प्रतिष्ठितं
प्रकृतिश्वात्मजमात्मवत्तया ।
विषयेषु विआशधर्मसु
त्रिदिवस्थेष्वपि निःस्पृहोऽभवत ॥ १ ॥
गुणवत्सुतरोपिश्रितियः
परिणामे हि दिलीपवंशजाः ।
पदवीं तरुवल्कवाससां
प्रयताः संयमिनां प्रपेदिरे ॥ २ ॥
तमरण्यसमाश्रयोन्मुखं
शिरसा वेष्टनशोभिना सुतः ।
पितरं प्रणिपत्य पादयो-
रपरित्यागमयाचतात्मनः ॥ ३ ॥
रघुरश्रुमुखस्य तस्य तत्
कृतवानीप्सितमात्मजप्रियः ।
न तु सर्प इव त्वचं पुनः
प्रतिपेद व्यपवर्जितां श्रियम् ॥ ४ ॥[]

  1. * ૧. પોતાના પુત્ર અજે નિર્વિકાર મનથી અમાત્યઅાદિ રાજ્યનાપ્રકૃતિપુરુષોમાં મૂળ નાંખેલાં જેઈને નાશવાળા સ્વર્ગસ્થ વિષયોમાં પણસ્પૃહા ધરવી રધુરાજાએ છોડી.
    ૨. દિલીપના વંશના રાજાઓ પરિણામે ગુણવાન પુત્રને રાજ્યસંપત્તિ સોંપીને ઝાડની છાલનાં વસ્ત્ર પ્હેરનાર સંન્યાસીએાના માર્ગનો સ્વીકાર કરે છે.
    ૩. પિતાને વનવાસ લેવા તત્પર થયેલા જોઈ મુગુટથી શોભતા એવામસ્તક વડે તેમના ચરણમાં નમસ્કાર કરી પુત્રે તેમની પાસેથી પોતાનો અપરિત્યાગ માગી લીધો.
    ૪. પુત્રમાં પ્રેમવાળા રધુએ આંસુ ભરેલા મુખવાળા એ પુત્રની આયાચના સ્વીકારી; પરંતુ એક વાર તજેલી કાંચળીને સર્પ લેતો નથી તેમ પોતે તજી દીધેલી રાજલક્ષ્મીનો ફરી રધુએ સ્વીકાર કર્યો નહીં.
स किलाश्रममन्त्यमाश्रितो
निवसन्नावसथे पुराद़्यहिः ।
समुपास्यत पुत्रभोग्यया
स्त्रुषयेवाविकृतेन्द्रियः श्रिया ॥ ५ ॥[]
प्रशमस्थितपूर्वपार्थिवं
कुलमभ्युद्यत नूतनेश्वरम् ।
नभसा निभृतेन्दुना तुला-
मुदितार्केण समारुरोह तत ॥ ६ ॥[]
यतिपार्थिवलिङ्गधारिणौ
दद्दशाते रघुराघवौ जनैः ।
अपवर्गमहोदयार्थयो-
र्भुवमंशाविव धर्मयोर्गतौ ॥ ७ ॥[]
अजिताधिगमाय मन्त्रिभिर्
युयुजे नीतिविशारदैरजः ।
अनपायिपदोषलब्धये
रघुराप्तैः समियाय योगिभिः॥८॥[]
नृपतिः प्रकृतीरवेक्षितुं
व्यवहारासनमाददे युवा ।[]

  1. ૫. અંત્ય આશ્રમનો (સંન્યાસનો) આશ્રમ કરી એ રાજા નગરથી બ્હાર સ્થાન કરી રહ્યો; અને તે પછી રાજલક્ષ્મી, પુત્રવધૂના જેવી કેવળ પુત્રભેાગ્યા રહીને, અવિકારી ઇન્દ્રિયોને ધરનાર આ ત્યાગી રાજાની પાસે અાવી તેનું ઉપાસન કરતી.
  2. ૬. જેનો જુનો રાજા અત્યંત શાંતિની અવસ્થામાં સ્થિર થઈ થયો છે અને નવો રાજા રાજ્યમાં ઉદય પામ્યો છે એવું આ કુળ એક પાસ અસ્ત થવા આવેલા ચંદ્રને અને બીજી પાસ ઉદય પામતા સૂર્યને ધરનાર આકાશની સાથે તેાળાયું.
  3. ૭. ધર્મના બે અંશ,– એક મોક્ષરૂપ અને બીજો મહોદયના ફળરૂપ; એ બે અંશ પૃથ્વી ઉપર આવી ઉતર્યા હોય તેવા યતિલિંગ ધરનાર પિતા અને રાજલિંગ ધરનાર પુત્ર, રઘુ અને રાઘવ, એ બે જણ લોકની દૃષ્ટિમાં લાગ્યા.
  4. ૮. અજરાજા અજિતપદના લાભ સારુ નીતિમાં કુશલ એવા મંત્રીએા સાથે મળ્યો; અને રધુ અવિનશ્વર મેાક્ષપદની પ્રાપ્તિ સારુ આપ્ત યોગીઓ સાથે મળ્યા.
  5. ૯. યુવાવસ્થાવાળા અજરાજાએ પ્રજાને જોઈ લેવા - તેમને પરિચય કરવા
परिचेतुमुपांशु धारणां
कुशपूतं प्रषयास्तु विष्टरम् ॥ ९ ॥[]
अनयत्प्रभुशक्तिसंपदा
वशमेको नृपतीननन्तरान ।
अपरः प्रणिधानयोग्यया
मरुतः पञ्च शरीरगोचरान् ॥१०॥[]
अकरोदचिरेश्वरः क्षितौ
द्विपदारम्भफलानि भस्मसात् ।
अपरो दहने स्वकर्मणां
ववृते ज्ञानमयेन चह्निना ॥ ११ ॥ []
पणवन्धुमुखान् गुणानजः
पड्डपायुङ्क्त समीक्ष्य तत्फलम् ।
रघुरप्यजयहणत्ररयं
प्रकृतिस्थः समलोष्ठकाञ्चनः॥१२॥[]
न नवः प्रभुराफलोदयात्
स्थिरकर्मा विरराम कर्मणः ।
न च योगविधेर्नवेतरः
स्थिरधीरापरमात्मदर्शनात ॥ १३ ॥ []
इति शत्रुषु चेन्द्रियेषु च
प्रतिषिद्धप्रसरेषु जाग्रतौ ।
प्रसितावुदयापवर्गयो-
रुभयीं सिद्धिमुभाववापतुः ॥ १४ ॥[]
अथ काश्चिदजव्यपेक्षया
गमयित्वा समदर्शनः समाः ।
तमसः परमापदव्ययं
पुरुषं योगसमाधिना रघुः ॥ १५ ॥[]

શ્લોક પુરા થઈ ર્‌હેવા આવ્યા તેમ મહારાજના મુખ ઉપર પ્રથમ શાંતિ અને ક્રમે ક્રમે આનંદ સ્ફુરવા લાગ્યો. છેલો શ્લોક થઈ ર્‌હેતાં એણે પાસું ફેરવવા યત્ન કર્યો, સર્વ મંડળે અશક્તને સાહાયય આપી પાસું ફેરવાવ્યું, ફેરવી ર્‌હેતાં એના મુખમાંથી શબ્દ નીકળ્યાઃ “ શિવ ! શિવ ! શિવ ! શિવ ! – शिवोहम्-शिव” એટલું બોલતાં બોલતાં વાણી બન્ધ થઈ અને હાથ જરાશંકરને ખભે પડ્યો. થોડી વારમાં દેહ નિર્જીવ થઈ ગયો.

થોડી ઘડીમાં એ ઝુંપડી અને એ રાજ્ય એ મહારાજાના શરીર વિનાનાં શૂન્ય થઈ ગયાં, મેના અને મણિરાજ શીવાય સર્વમાંથી થોડા દિવસમાં એની પાછળનો શોક ન્યૂન થઈ ગયો અને થોડા માસમાં એનું સ્મરણ પણ લોકમાંથી ગયું અને, માત્ર અતિકષ્ટ વેઠી એ મહારાજે જે સંયમ અને લોકહિતની રાજનીતિ સાધી હતી અને


  1. સારુ ધર્માસન સ્વીકાર્યું; અને વૃદ્ધ અવસ્થાવાળા રધુએ ચિત્તની એકાગ્રતાનો પરિચય કરવા સારુ વિજન દેશમાં પવિત્ર દર્ભાસન સ્વીકાર્યું.
  2. ૧૦. અજરાજાએ પોતાના સમીપવર્તિ રાજાએાને પ્રભુશક્તિરૂપ સંપત્તિથી વશ કર્યા, અને રધુએ પણ સમાધિયોગ્ય સંપત્તિથી શરીરની અંદર રહેલા પાંચ પ્રાણને વશ કર્યા.
  3. ૧૧. નવીન રાજાએ પૃથ્વીમાં શત્રુઓનાં અારંભોનાં ફળોને ભસ્મ કર્યા અને વૃદ્ધ રાજા જ્ઞાનમય અગ્નિથી પોતાનાં કર્મને બાળી દેવા પ્રવૃત્ત થયા.
  4. ૧૨. સંધિ-વિગ્રહ-યાન-આસન-દ્વેધીભાવ-આશ્રય એ છ ગુણના ફલનો વિચાર કરી, અજરાજ તેમને હાથમાં લેવા લાગ્યો; અને લોખંડમાં તથા સોનામાં જેની સમદૃષ્ટિ છે એવા રધુએ પણ પ્રકૃતિમાં રહેલા ત્રણ ગુણને હાથ કરી - વશ કરી - જીતી લીધા.
  5. ૧૩. સ્થિર જેની ક્રિયા છે એવા નવીન રાજાએ પોતાની ક્રિયાના ફલના ઉદયનું દર્શન થતા સુધી ક્રિયાનો ત્યાગ કર્યો નહી. અને સ્થિરબુદ્ધિવાળા જુના રાજાએ પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન થતા સુધી યોગવિધિનો ત્યાગ કર્યો નહી.
  6. ૧૪. એ પ્રકાર શત્રુઓની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતો અને તત્પર અજરાજા ઉદયની સિદ્ધિને પ્રાપ્ત થયો. અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતા અને તત્પર રઘુરાજ મોક્ષની સિદ્ધિને પ્રાપ્ત થયો. આમ પિતાપુત્ર ઉભયને જોઈતી ઉભય સિદ્ધિઓ મળી.
  7. ૧૫. સર્વ ભૂતોમાં જેની સમદૃષ્ટિ છે એવો રધુ, પોતાના પુત્રની આકાંક્ષાથી કેટલાંક વર્ષો વ્યતીત કરી, અવિદ્યારૂપ અંધકાર જેને પ્હોંચી શકતું નથી એવા પદરૂપ અને અવિનાશી પુરુષ પરમાત્માને યોગસમાધી વડે પ્રાપ્ત થયો.
    રઘુવંશ સર્ગ ૮,

    જીવરામશાસ્ત્રી.

જેનાં ફળ એના મરણકાળે દૃષ્ટિમર્યાદામાં આવ્યાં હતાં, તે રાજનીતિ, તે ફળ, અને તે ફળનાં બીજમાંથી ઉગી નીકળતા નવા વૃક્ષઃ એ સર્વે નવો દેખાવ આ પુણ્યશાલી પ્રતાપી સંયમી મહારાજાની પાછળ એના રાજ્યમાં એના સ્મરણાર્થ રચાયલા અનેક પવિત્ર તુળસી ક્યારાઓ અને શિવાલયો પેઠે ઉભો થયો.