સરસ્વતીચંદ્ર ભાગ ૩
પ્રસ્તાવના.
ગોવર્ધનરામ ત્રિપાઠી
નિવાપાંજલિ. →


પ્રસ્તાવના.
——>o<——

મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે.

સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ૦ સૌ૦ સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો.

આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે.

સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી , એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું નથી. આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચારઆચાર, અને આપણા આધિ-ઉપાધિઃ એ સર્વનાં વર્તમાન ચિત્ર વચ્ચે ઉભાં રહીને, આપણી ભાવી પ્રજાનું એ જ વિષયોના રંગોથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે. કલ્પિત ચિત્ર પ્રમાણે જ ભવિષ્ય બંધાશે એવો સિદ્ધાંત મનુષ્યથી બંધાય એમ નથી. એ ચિત્ર તો માત્ર, વ્યાપારી ભવિષ્ય લાભહાનિની વ્યર્થાવ્યર્થ કલ્પના કરે તેવી જ કલ્પના છે, ચિત્રની એક છાયામાંથી બીજી છાયામાં થતી સંક્રાન્તિ ક્રમે ક્રમે પરખી ક્‌હાડવી અને તેની શુદ્ધિ-અશુદ્ધિની કલ્પના કરવી એ વિદ્વાન વાચકોનું કર્તવ્ય છે. આ ચિત્રલેખનો ઉપક્રમ તો એ છે કે સર્વ છાયાઓના સંક્રમ નશ્વર ગણી તેમની મેળવણી કરી નાંખવી, સર્વ છાયાઓનું સહચરિત પ્રતિબિમ્બ એક આદર્શમાં પાડવું, અને સંક્રમને અંતે ત્રિવિક્રમપેઠે અવતરનાર અને વિક્રમ પામનાર ભાવી યુગની જન્મકુંડળી જેવી છાયા આલેખવી.

આ કાર્યમાં, ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદ્દેશ એક એવો છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડુબતાં અને તરતાં આર્ય - આર્યા - ગણનાં હૃદયોને કોઈક જાતનું દેશકાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું. એ ઉચ્ચગ્રાહ કોઈ ભૂમિકાઓમાં થાય એમ છે ? કુટુંબજાળોની ગાંઠોમાં ગુંચવાયલા ગંઠાઈ ગયેલા ઘેરઘેર અનુભવાતા પણ પરસ્પરથી ગુપ્ત ગૃહસંસારમાં, મનસ્તાપથી એકાંતમાં પીડાતાં ન્હાની મ્હોટી વ્યક્તિયોના મિત્રશુન્ય હૃદયોમાં, આત્મસત્વના અને લોકહિતના ઉચ્ચાભિલાષી પણ સાધનહીન જનોના – સમુદ્રતરંગના જેવા – ઉછાળાઓમાં, અંતર્વ્યાધિથી પીડાતાં દેશીરાજ્યોમાં, વિકસતા અંતર્ગર્ભને સંકોચાવતાં – પણ નવીન પ્રાણનું આધાન કરાવવા સમર્થ – ઈંગ્રેજી સત્તારૂપ પક્ષિણીના ભાર નીચે સેવાતા સુવર્ણ–અંડમાં હિરણ્યગર્ભપેઠે બંધાતા (દેશી રાજાઓ, પ્રધાનો, વ્યાપારીઓ, કૃષી–આદિ કલાના પ્રવીણ વર્ગો, દેશવત્સલ વિદ્વાનો આદિ અવયવવાળા) ગર્ભદેહને – સૂક્ષ્મ આત્મસ્વરૂપના બળથી થતા વિકાસકાળે - થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી એ જ ગર્ભને થતા સંકોચની વેળાએ થતા અવસાદોમાં, તેમ જ એ વિકાસ અને સંકોચની પરસ્પર સંઘટ્ટક મન્થનક્રિયાઓને કાળે થતી પ્રસવવેદનામાં, આર્યાવર્ત્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ તથા યુરોપની નવીન અને રાજસી વિદ્યાઓના વિસંવાદી સંગ્રહ-પ્રદર્શનમાં, અને આ દેશના અનુભવને અનુકૂળ થતાં કાળક્રમે રૂઢ થયલા – રૂઢિરૂપ થયલા વ્યવસ્થારક્ષક લેાકાચાર અને પરદેશી સંસ્કારોથી ઉદય પામતા અને નવા યુગના ચમકારાથી ચમકાવનાર સ્વતંત્રતા વિકાસક પાશ્ચાત્ય આચાર: એ ઉભય આચારના વેગના - ગંગાયમુનાના જળના જેવા – નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં:- એ સર્વ ભૂમિકાઓમાં વર્તમાન સંક્રાન્તિકાળની તીવ્ર અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કષ્ટમયી દુ:સ્થિતિ સુદૃશ્ય છે. તેવી જ રીતે એ સર્વ ભૂમિકાઓમાં, આ આવા કાળનાં કષ્ટોના ભ્રામર વચ્ચે, વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન અને ક્ષણમાં મોહિત ચિન્તાઓની ભીંડાભીંડના ડબાણ વચ્ચે, સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટિગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાન ચિત્ર અને એ કિરણોનું ભાવિ ચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે.

સંક્રાતિકાળના આ ખગ્રાસે મોહમાં અને શોકમાં પાડેલાં જુનાં અને નવાં, તરુણ અને વૃદ્ધ, અશિક્ષિત અને શિક્ષિત, અજ્ઞ અને પ્રજ્ઞ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ, સર્વ ચિત્તોમાં મોક્ષકાળનાં આ ઉદયમાન કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્ત – એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેંદ્રસ્થ ઉદ્દેશ છે. ચોથા ભાગમાં આલેખવા યોજેલા સરસ્વતીના મનોરાજ્યની પૂર્ણાહુતિ સાથે બે ઉદ્દેશોનો ઉદ્દેશ અંશતઃ પણ સિદ્ધ થાવ એવી આ લેખકની એષણા છે. किं बहुना ? मन एव मनुश्याणां कारणं बन्धमोक्षयो: એ શાસ્ત્રવચનનો અનુભવ જ સુખસાધક છે અને પ્રિય વાચકવર્ગની સર્વ શક્તિઓનાં અને વાસનાઓનાં પાત્ર તેમનાં મન જ છે, તો એ પાત્રોમાં એ ભુખ સિદ્ધ થાવ, અને इष्टं धर्मेण योजयेत એ આજ્ઞાને અનુસરી અને સર્વ વાચકોને ઉદ્દેશી લખેલી આ કથા છે તે કથારૂપનિમિત્તથી, ઈષ્ટ વાચકજન સુખધર્મથી યુક્ત થાવ, અને એ ઈષ્ટ, એ પાત્ર, અને એ ધર્મ, એ ત્રણનો શુભ યોગ પરિણામ પામતાં,

सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यंतु ।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥

મુમ્બાપુરી, વિક્રમાર્ક ૧૯૫૪.

ગેા. મા. ત્રિ.