સરસ્વતીચંદ્ર ભાગ ૪/કુસુમની કોટડી.

← સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય. સરસ્વતીચંદ્ર ભાગ ૪
કુસુમની કોટડી.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર. →


પ્રકરણ ૧૦.
કુસુમની કોટડી.


માતાપિતાની વિશ્રમ્ભકથા કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મ્હોટો ધક્‌કો લાગ્યો.

પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં, અને સુન્દર-ઉદ્યાનમાં એક બારી પડતી હતી ત્યાં કઠેરે ટેકો દેઈ ઉદ્યાનના લાંબા વિસ્તાર ઉપર દૃષ્ટિ નાંખતી ઉભી. કાને પડેલા શબ્દોએ એને દિઙ્મૂઢ બનાવી દીધી અને તે શબ્દોએ ઉત્પન્ન કરેલી કલ્પનાએ એનાં આંસુને ગાલ ઉપર જ સુકવી દીધાં અને તેના ડાધ બારીમાં આવતા તડકાએ ચળકાવવા માંડ્યા. એની રોષભરી આંખોની રતાશ લીલા ઝાડોની ઘટા ઉપર પડતાં નરમ પડી અને ઝાડ ઉપર પડતા તડકાના પ્રતિવમનને બળે એના મનની કલ્પના પણ શ્રાન્ત થઈ અને શ્રાંતિને બળે શાન્ત થઈ ગઈ. આ સર્વ સ્થિતિ પામતાં તેના વિચાર બીજી દિશામાં વળ્યા.

“પિતાજી અને ગુણીયલ – બેમાંથી કોઈનો વાંક ક્‌હાડવા જેવું નથી - તેઓ મ્હારા સ્વાર્થનો જ વિચાર કરી મ્હારે માટે જ આટલો ક્‌લેશ પામે છે. મ્હારા મનની સ્થિતિ તેમને વિદિત હોય તે તેમનો ક્‌લેશ પણ દૂર થાય અને મ્હારું ધાર્યું પણ મને મળે !”

“આ ઝાડની ઘટાથી અને આ તડકાથી મ્હારો ક્‌લેશ દૂર થયો. ફ્‌લોરા ક્‌હેતાં હતાં કે દેખીતી સૃષ્ટિદ્વારા પણ ઈશ્વર પ્રકટ થાય છે અને મનુષ્યને સુખ અને આનંદ આપે છે તે આ જ ? મીરાંબાઈ ગાઇ ગયાં છે કે–

“મીરાં ભક્તિ કરે રે પ્રકટકી,
“ ઓ નાથ ! તુમ જાનત હો સબ ઘટકી ! ”

“એ પ્રકટે ઈશ્વર તે આજ હશે ! પ્રતિમામાં અને આ ઝાડોમાં ને તડકામાં પણ ઈશ્વર પ્રકટ થાય છે અને એ પ્રકટ ઈશ્વરનો મને આજ સાક્ષાત્કાર થયો ! ઓ પ્રકટ પ્રભુ ! મીરાંબાઈ વાઘના પંઝામાં પડેલાં બચ્યાં તે મને તો ત્હારે તે પ્હેલાં બચાવવાની છે ! તે શું તું મને નહી બચાવે ? હું પણ કહું છું કે

“કુસુમ ભક્તિ કરે રે પ્રકટકી,
“ઓ નાથ ! તુમ જાનત હો ઈસ ધટકી !”

થોડી વાર એમની એમ ઉભી. અંતે એક ખુરસી પર બેઠી ને ખોળામાં હાથ નાંખી વિચાર કરવા લાગી.

“બુદ્ધિધનની પિતા સ્પષ્ટ ના ક્‌હે છે અને ગુણીયલ હા ક્‌હે છે, મેં જાણ્યું કે સરસ્વતીચંદ્ર જડવાના નથી એટલે નીરાંત થઈ, ત્યારે આ નવું કયાં જાગ્યું ? મ્હારે એકનું યે કામ નથી ને બીજાનું એ નથી. ઈશ્વર કરે ને આ વાતમાં ગુણીયલ હારે ને સરસ્વતીચંદ્ર જડે નહી તો મ્હારું ધાર્યું થાય માટે હું પણ હાલ તે એમ જ કરું કે બુદ્ધિધનની ચોખી ના કહું એટલે ગુણીયલ હારશે ને પિતા ફાવશે.”

“પિતા આ વાતમાં ફાવ્યા એટલે અંતે હું ફાવવાની !”

દ્વાર ઉઘાડ્યું અને માતાપિતાને ગયેલાં દીઠાં. તેમના ખંડમાં કુસુમ ગઈ. ટેબલ પર પત્ર હતા તે લીધા – “પિતા ઉપર મ્હારા સંબંધનાં કાગળ આવે તે વાંચવામાં ચોરી ખરી ? બ્હેન સરસ્વતીચંદ્રના પત્ર પિતા ઉપરના હોય ત્હોયે છાનીમાની વાંચતી.”

નરભેરામનો પત્ર વિદ્યાચતુર ઉપર હતો તેમાં બુદ્ધિધનને માટે કુસુમનું માગણું, અત્યંત આર્જવ અને યાચના ભરેલું કર્યું હતું. બુદ્ધિધનની હવે લગ્ન માટે ઈચ્છા નથી પણ મહારાણા સમેત સર્વેનો વિચાર દૃઢ છે એમ પણ લખેલું હતું. કુસુમને આશા પડી. બુદ્ધિધનનો પત્ર વાંચવા લાગી."

“પ્રિય વિદ્યાચતુરજી,

“મ્હારા ગૃહસંસારનાં બે રત્ન ખોવાયાં, પત્થર ડુબ્યો અને તેના ભારથી ચંપાઈ તેની તળે રત્ન પણ ડુબ્યાં. મ્હારી પુત્રી તથા મ્હારો સહાયક મિત્ર નરભેરામ તેમના પ્રેમને લીધે મને ફરી સંસારમાં પડેલો જોવા ઇચ્છે છે અને મ્હારી ઈચ્છાવિરુદ્ધ તેમણે લખેલા પત્ર આપે વાંચ્યા હશે. તેમના હાથ રોકવાની મ્હારી શક્તિ નહી, માટે જ એ થયું છે. પણ એમની કોઈની ઇચ્છા સફળ થવાની નથી એટલું આપ મ્હારું સિદ્ધાન્તવચન સમજજો.”

“મ્હારા ઘરમાંથી કુમુદસુંદરી ગયાં ત્યાંથી મ્હારું સર્વસ્વ ગયું. મ્હારો દુષ્ટ પુત્ર ગયો તે તેણે કરેલા અપરાધને યોગ્ય જ થયેલું છે. મને તેને માટે તિલમાત્ર પણ શોક નથી – ઉલટો પુત્રજન્મથી બીજાંઓને આનન્દ થાય એટલો એ પુત્રના મૃત્યુથી મને આનંદ થયો છે. મ્હારું ઘર અને મ્હારો સંસાર એના મૃત્યુથી નિષ્કલંક જ થયો છે.”

“કુમુદસુંદરીની સાસુ વહુના શોકથી ગઈ ! તમારો ગુણસુંદરી ઉપર સ્નેહ છે તે ઉપરથી મ્હારે મ્હારી ધર્મપત્ની ઉપરનો સ્નેહ જાણી લેજો. એણે મ્હારો વિપત્તિકાળ દીઠેલો ને મ્હારો સંપત્તિકાળ પણ દીઠો. સર્વ દશામાં એ મ્હારી ભાગીયણ હતી, અને એવી સ્ત્રીનો હું સ્વામી હતો. એટલાથી મ્હારા હૃદયમાં અભિમાન આવે છે. મ્હારાં પુણ્યનો સંચય આટલા ભોગથી ક્ષીણ થયો હશે એટલે એ ગઈ. હવે વિશેષ સંસાર ભેાગની મને વાસના નથી. નવા ભોગ કે નવો અવતાર ઉભય હવે મને અનિષ્ટ છે.”

“મ્હારું વૈરાગ્ય શ્મશાનવૈરાગ્ય નથી. હું રંક વિધવાનો પુત્ર હતો ને સુવર્ણપુરના મહારાણાનો પ્રધાન થયો. કુમુદસુંદરી સાક્ષાત લક્ષ્મીજીનો કે સરસ્વતીનો અવતાર હતાં. તેમના નિવાસથી મ્હારું ગરીબ ઘર પવિત્ર થઈ ગયું. એની સાસુ જેવી પતિવ્રતાના યોગથી મ્હારો આત્મા પવિત્ર થઈ ગયો. જે ઈશ્વરે એ મહાન્ સંયોગો વચ્ચે મને મુકવાની કૃપા કરી હતી તે જ ઈશ્વરે હવે મને એ સંયોગથી મુક્ત કર્યો છે તે તેણે કાંઈ કારણથી જ કરેલું હશે. મ્હારા મહારાણાની કૃપા મ્હારાથી છુટતી નથી. તેમનાં રાજ્યકાર્યમાં કેટલાક મ્હોટા પ્રસંગો હજી બાકી છે તે પુરા કરી હું એમની પાસેથી એવું માગવાનો છું કે મ્હારે માથેથી ભાર ઉતારી નરભેરામને માથે મુકવો અને મને આત્મકલ્યાણને માટે કાશીવાસ કરવા દેવો. આ યુગમાં સંન્યસ્ત યોગ્ય લાગતું નથી અને જ્ઞાનની પ્રાપ્તિને અંતે જે સંન્યસ્ત થવું જેઈએ તે જ્ઞાન પ્રાપ્ત થતા પ્હેલાં લેવા મને અધિકાર પણ નથી. કાશીનિવાસથી અનેક મહાત્માઓના પ્રસંગ પડશે અને તે શોધવાનો લોભ મને થયલો છે તે છોડી હું સંસારમાં પડીશ એવું નરભેરામ માને છે. પણ તે પામર છે અને મ્હારા મનની અભિલાષ સમજી શકતો નથી માટે જ એ પ્રયત્ન કરે છે.”

“દેવી એક બાળક પુત્ર મુકી ગઈ છે, જો તે જીવશે તે તેની બ્હેનને હાથે ઉછરશે. નહીં જીવે તો મને શોક નથી. મ્હોટો કરેલો પુત્ર દુષ્ટ થયો અને મુવો, તો વીજળી પેઠે ક્ષણવાર ચમકતો બાળક સુપુત્ર નીવડશે એ જાણવું કઠણ છે. એની માતા કૃતકૃત્ય થઈ ગઈ. એ સ્વર્ગમાં ગઈ. એનો આત્મા સ્વધામ પહોંચ્યો ને હજી અમર છે. એનો શોક કરવો તે મિથ્યા મોહ છે. મને એ મોહ કે શોકમાંનું કાંઈ નથી.”

“વ્યવહારદૃષ્ટિએ જોતાં પણ ઉતરતે વયે લગ્ન કરવાની વૃત્તિ મૂર્ખતા ભરેલી જ લાગે છે, પ્રધાનપદ સુધીના અનુભવની પ્રાપ્તિથી જે માણસ ઘડાય તેને તે આ વાત હસ્તામલક જેવી સુદૃશ્ય હોવી જોઈએ. નરભેરામની સૂચના યોગ્ય છે એવું જો હું માનું તો તેટલાથી એટલું સિદ્ધ થયું ગણવું કે મ્હારી બુદ્ધિ પ્રધાનપદને યોગ્ય નથી એટલું જ નહી પણ ક્ષુદ્ર છે. કારણ સામાન્ય બુદ્ધિવાળાને પણ આવા મહાન પદના અનુભવથી જે બોધ મળવો જોઈએ તે બોધ મને મળ્યો ન હોય તે મ્હારામાં બોધ લેવાની સામાન્ય વિવેકશક્તિ પણ નથી એમ જ માનવાનો પ્રસંગ આવે. કેવળ પુત્રવાસના પામર જીવને માટે છે. ઉતરતી વયના અને પ્રધાનપદે ચ્હડેલા બુદ્ધિમાન પ્રાણીને માટે નથી.”

“ન્યાયમાર્ગે જોતાં પેાતાના સ્વાર્થને માટે પારકી કન્યાનો ભવ બાળવો અને વૈધવ્યના માર્ગમાં મુકવી એ મહાપાપ લાગે છે. એ પાપ કન્યાના વૃદ્ધ થતા વરને તેમ બાપને ઉભયને માથે છે.”

“અનેક માર્ગે આ વાતનો વિવેક મ્હેં કરી જોયો છે. એક કલ્પના સરખી પણ આ ઉપાધિ સ્વીકારવામાં દોષ શીવાય અન્ય ફળ જોતી નથી. નરભેરામ મ્હારા ઉપરની પ્રીતિને લીધે જ ભુલે છે.”

“ચિ. કુસુમસુન્દરીને કોઈ વિદ્વાન્ નીતિમાન્, રૂપવાન્, શ્રીમાન્, યુવાન્ સ્વામી મળે એવો મ્હારા અંતઃકરણનો આશીર્વાદ છે અને મ્હારો પોતાનો આપેલો આશીર્વાદ હું જાતે નિષ્ફળ નહી કરું. કુમુદસુંદરીની ન્હાની બ્હેન તો મ્હારે પુત્રીરૂપ જ છે.”

બુદ્ધિધનનો આ પત્ર વાંચી રહી તેની સાથે કુસુમનું શેર લોહી ચ્હડ્યું. તેની નિરાશા નષ્ટ થઈ અને આંખમાં તેજ આવ્યું. ઉતાવળથી પોતાના ખંડમાં આવી અને છાતીએ હાથ ભીંડી એકલી એકલી બોલવા લાગી.

“હા…શ ! હવે જગત જખ મારે છે. કુસુમની પ્રાર્થના પ્રભુએ સાંભળી. બુદ્ધિધનભાઈ ! તમારું ઘણું જ કલ્યાણ થજો ! તમારા પત્રથી જ મને ઉપદેશ મળે છે. તમારા જેવા અનુભવી પુરુષોને જે વાત આટલી ઉમરે સત્ય લાગે છે તે મને આજથી લાગે છે. સ્વામીજીની કથામાં પણ મ્હારો જ બોલ ખરો પડે છે. ફ્‌લોરા બ્હેન પણ મ્હારી જ ગાડીમાં છે. સરસ્વતીચંદ્રને પણ મ્હારી જ પેઠે છે – એ તો મ્હારા પ્રથમ ગુરુ. હવે માત્ર ગુણીયલ અને કાકીને જીતવાં રહ્યાં. સરસ્વતીચંદ્ર નહી જડે એટલે પિતાજીની ચિન્તા નથી.”

“કાકી શા શા વાંધા ક્‌હાડે છે ? પ્રથમ ક્‌હે છે કે વાસના રોકવી કઠણ છે. પછી ક્‌હે છે કે શાસ્ત્રકારો પરણવાની મર્યાદા બાંધી ગયા છે. ત્રીજું સ્ત્રીની એક ભુલ પ્રકટ થઈ જાય, અને ચોથી વાત એ કે કુમારી સ્ત્રીને ર્‌હેવાનું ઘર ન મળે, ખાવાના પઈસા ન મળે, લોક ચાળા કરે, ને સ્ત્રીજાતને માયા ને કાયા બેનાં ભય."

“જો બાવી થઈએ તે આ બધા વાંધા દૂર થાય. મફત ખાવાનું મળે, પુરુષનો સંગ નહી એટલે સ્ત્રીને લાલચ નહી, અને અનેક સ્ત્રીઓ વચ્ચે ર્‌હેવાનું એટલે પુરુષવર્ગને બ્હાર રાખી વગર ભયે રહેવાનો કીલ્લો ! બાવીઓ ર્‌હે છે તે પણ શાસ્ત્રની મર્યાદામાં જ હશે કની ?"

“આ ઘરમાંથી નીકળવું પડે એ પ્હેલું દુ:ખ – ને બાવીઓની પેઠે જાડાં લુગડાં પ્હેરવાં પડે અને જારબાજરો ખાવો પડે એ બીજું દુ:ખ.”

“પ્હેલા દુઃખનું તો કંઈ નહી. કાલથી જાડાં લુગડાં ને જારબાજરીની ટેવ પાડીશું. વાડીમાં માળણને ઘેર લુગડાં, જાર, ને બાજરી છે.”

“નાત જાત બગડવાની બ્હીક નથી – ક્યાં હાથે રાંધતાં આવડતું નથી જે વટાળ થશે ?."

“એ ટેવ પાડવા જઈશું તે કાકી ને ગુણીયલ પુછાપુછી કરશે.”

“કહીશું કે વર ગમે તેવો મળે ને ગરીબ ઘરનો હોય તો જાડે લુગડે ને જારબાજરીએ પણ - નીભાવ કરવો પડે કની ? સારો વર મળશે નહી ને મ્હારું ચાલશે નહી ને મુશ્કે મારી ગમે તેને પરણાવશે તો ભાગ્ય પ્રમાણે વર્તવું પણ પડશે.”

“ત્યારે એ તો એ જ ! એક પન્થ ને દો કાજ ! વળી સ્વામી સારો હોય તે પણ પ્રથમ મીઠો હોય ને પછી કડવો થાય એ તો ફ્‌લોરાના દેશમાં પણ છે ને આપણામાં પણ છે. તેવું થાય તો શું કરીયે? માટે એ જ માર્ગ કે આપણે ટેવ પાડવી.”

“સંસ્કૃત ભાષા અને અનુભવની ભાષા બે વાનાં સ્ત્રીયોને સરખાં ! ” કંઈક નવા વિચારમાંથી જાગી હોય તેમ બોલી.

“સંસ્કૃતમાં શૃંગાર હોય તો છોકરીઓને કોઈ સમજાવે નહી – પરણ્યા પછી સ્વામી સમજાવે ત્યારે.” "વૈરાગ્યની વાતમાં પણ સંસારની વાતો – તે અનુભવ વગર સમજાય નહી."

"શૃંગારમાં યે અનુભવ ને વૈરાગ્યમાં યે અનુભવ. સંસ્કૃતનો શૃંગાર સમજાય નહી ને પારકાંનો અનુભવ સમજાય નહી. અનુભવનાં વાક્ય સાંભળીયે ને સમજાય નહી તે જાણે તુમડીમાંના કાકરા ખખડયા ! અનુભવ વગર એ કાકરાની વાત પણ ન સમજાય."

"રમણ પરણે એટલે રમણ મટે ને સ્વામી થાય – એ ઈંગ્રેજનો અનુભવ ફ્‌લોરાએ સમજાવ્યો, એ સમજાયો ત્યારે આપણા લોકનો શ્લોક પણ સમજાયો !"

[૧]पुराऽभूदस्माकं प्रथममविभिन्ना तनुरियम्
ततो नु त्वं प्रेयान् वयमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरम्
हतानां प्राणानां कुलिशंकठिनानां फलमिदम् ।।

"આનો અક્ષરે અક્ષર જાણતી હતી, પણ સ્ત્રીપુરુષનું એક શરીર મટ્યું અને પ્રેયાન્ ને પ્રિયા એમ બે થયાં, તે પછી તેનાં પણ સ્વામી અને કલત્ર થયાં ! આ જાદુની વાત આપણા લોક ભુલી ગયા છે તે ફ્‌લોરાએ ઈંગ્રેજોનો અનુભવ કહ્યો ત્યારે હું સમજી."

"ગરજ સરી એટલે વૈદ વેરી! આપણામાં પણ ગાય છે કે—

"પ્હેલાં તે બાઈજી એમ ક્‌હેતાં જે - વહુ! તું મ્હારી સાકર રે;
હવે તે બાઈજી એમ શું બોલો - “વહુ, તું મ્હારી ચાકર રે?”

જ્યારે સર્વ સંસારનો જ માર્ગ આવો છે ત્યારે સરસ્વતીચંદ્ર પ્હેલેથી ચેત્યા ! મ્હારે પણ એક જ માર્ગ !

આ ગુણીયલ અમસ્તાં દુઃખ પામે છે. એ એક પાસનુંજ જુવે છે ! એ કોણ જાણે શું હશે ! પણ કંઈ નહી. ધારેલે રસ્તે - જાર, બાજરી, ને જાડાં લુગડાંની ટેવ પાડવી ને જંગલમાં કે ગરીબ ઘરમાં ચાકર વગરની હઉ તેમ કામ કરવાની ટેવ પાડવી. એ ટેવ સઉને એક કારણથી ગમશે, મને બીજા કારણથી ગમશે"


  1. પ્રથમ કાળમાં આપણા બેનાં શરીર મળી આ એક શરીર હતું. ત્યાર પછી તમે પ્રિય થયા અને હું માત્ર બીચારી આશાભંગ ભરી તમારી પ્રિયતમા જ થઈ ગઈ. અને હવે આજના કાળમાં તમે મ્હારા નાથ છો અને હું માત્ર તમારી સ્ત્રી જ છું. હવે બીજુ શું? આ હતપ્રાણ વજ્રજેવા કઠણ થઈ દેહને છોડતા નથી તેનું આ ફળ ચાખવાનું જેટલું બાકી છે તેટલું ચાખું છું. (પ્રાચીન)

"હિમાચલ અને મેનકાએ ઘણીયે એક વાત ધારી, પણ પાર્વતીનો વિચાર સિદ્ધ થયો અને સર્વેયે સંમતિ આપી."

[૧]इति ध्रुवेच्छामनुशासती सुताम्
शशांक मेना न नियन्तुमुद्यमात् ।
क ईप्सितार्थस्थिरनिश्चयं मन:
पयश्च निम्नाभिमुखं प्रतीपयेत् ।।

મ્હારાં ગુણીયલ મેના જેવાં છે, હું પાર્વતીની પેઠે તપ ઈચ્છું - મ્હારું ધારેલું કામ મ્હોટાઓ શુભ ગણે છે ! તો પાર્વતીની પેઠે હું પણ ફાવીશ જ ! માટે એ તો એ જ ! નવી ટેવનો આરંભ કરવો !"

કુસુમની કોઠડીનું દ્વાર ખખડ્યું અને તેના વધારે વિચાર અને ઉદ્‌ગાર બંધ પડ્યા.


  1. શંભુ-વર પ્રાપ્ત કરવા તપ આદરવાને જવાની આમ અચલ ઇચ્છા દર્શાવી દેનાર પુત્રીને તેના ધારેલા ઉદ્યમમાંથી મેનકા અટકાવી શકી નહી. ઈષ્ટાર્થને માટે સ્થિર નિશ્ચયવાળા મનને અને નીચા પ્રદેશમાં સરવા માંડેલા પાણીને પાછું અવળી દિશામાં વાળવાને કોની શક્તિ છે? – કુમાર સમ્ભવ.