સરસ્વતીચંદ્ર ભાગ ૪/કોઈને કાંઈ સુઝતું નથી.
← ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર. | સરસ્વતીચંદ્ર ભાગ ૪ કોઈને કાંઈ સુઝતું નથી. ગોવર્ધનરામ ત્રિપાઠી |
કંઈક નિર્ણય અને નિશ્ચય. → |
- क: श्रद्धास्यति भूतार्थं लोकस्तु तुलयिष्यति॥
- મૃચ્છકટિક ઉપરથી.
- क: श्रद्धास्यति भूतार्थं लोकस्तु तुलयिष्यति॥
બે મિત્રો પાછા ઉપર ચ્હડ્યા. ચ્હડતાં ચ્હડતાં સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો.
“ચંદ્રકાંત, મ્હારું અને મ્હારા નામનું પ્રકટીકરણ કરવાની મ્હારા સાધુજને તને ના કહી હતી?"
ચંદ્ર૦– કહીતી.
સર૦— ત્યારે?
ચંદ્ર૦— તમે જાણતા હશો કે તમારું શરીર, તમારી વિદ્યા અને બુદ્ધિ અને તમારાં પરાક્રમ ગુપ્ત રહી શકે એવાં છે.
સર૦– મને એમાં કાંઈ શંકા નથી.
ચંદ્ર૦- ક્ષમા કરો. મુંબાઈ રહીને મ્હેં આપને શોધી ક્હાડ્યા ને રત્નનગરીની પોલીસે આપના કેવા કેવા પત્તા મેળવ્યા છે તે જાણશો ત્યારે હબકશો.
સર૦– મને શોધી ક્હાડ્યો પણ કુમુદસુંદરી તો ગુપ્ત જ છે કની ?
ચંદ્ર૦– મ્હારાથી તે ગુપ્ત ન હતાં. બીજાંની વાત બીજાં જાણે. આટલું બોલતાં તેઓ છેક ઉપલા દાદરને ઉપલે પગથીએ આવ્યા. ઓટલા ઉપર કુમુદ બેઠી હતી. એ ઓટલે થોડે છેટે બે મિત્રો બેઠા.
ચંદ્ર૦- કુમુદ – અથવા તમારું નામ ગુપ્ત રાખી બીજે નામે બોલાવવાની ટેવ પાડીશ કે કોઈ સાંભળે ત્હોય વાંધો નહી. મધુરીમૈયા, અમે નીચે ગયા હતા ત્યાંના સમાચાર આ વાંચીને જાણો.
સરસ્વતીચંદ્ર ઉપર આવેલું આજ્ઞાપત્ર કુમુદને આપ્યું, પોતાના ઉપર આવેલું સરસ્વતીચંદ્રને આપ્યું, અને પોતે પોતાના ઉપર આવેલા પત્રો ઉઘાડવા વાંચવા લાગ્યો – કંઈક ભાગ મનમાં વાંચવા લાગ્યો ને કંઈક મ્હોટેથી વાંચવા લાગ્યો.
સર૦– કુમુદસુંદરી, તમારું અહીયાં હોવું ચન્દ્રકાંતને વિદિત હતું.
કુમુદ૦– કંઈક નવાઈની વાત. પણ મ્હારે પ્રગટ ર્હેવું કે નહી ને મ્હેં કે આપે શું કરવું તે વિચારનો ભાર આપણે માથેથી આપણે ક્હાડી નાંખ્યો છે. આપના સુજ્ઞ મિત્રને હવે જે ગમે તે ઠરાવે. આપના ચિત્તની, મ્હારા ચિત્તની, આપણાં સ્વપ્નની, અને આપણા જાગૃતની, સર્વ વાતો એમણે જાણી, વાંચી, અને હવે જે એમને યોગ્ય લાગે તે કરે. આપણી હોડીમાં હવે સુકાનપર ચન્દ્રકાંતભાઈ બેસશે ને એ કરશે તે પ્રમાણે આપણે સ્હડ ચ્હડાવીશું ને હલેસાં હલાવીશું.
સર૦– સ્વસ્થતાનો માર્ગ એ જ છે. ચન્દ્રકાંત, આ વ્યવસ્થા મ્હેં શોધી ક્હાડી નથી.
ચન્દ્ર૦- એ તો હું જાણતો જ હતો. આપ કાંઈ શેાધી ક્હાડો તેમાં કાંઈ નવી જ છાશ વલોવવાની નીકળે ને તેમાં શ્રમ વિના ફળ ન મળે. મધુરીમૈયાની બુદ્ધિ વિના તેમાંથી માખણ નીકળવાનું નહી – એમની ચતુરાઈએ એવું માખણ ક્હાડ્યું કે તમે વલોણું બંધ કરી નીરાંતે બેઠાં ને ચંદ્રકાન્તને માથે ચિન્તાનું ચક્ર બેઠું. હવે તો ચન્દ્રકાન્તને चक्रं भ्रमति मस्तके ! આમ માર્ગ દેખાડું તો આમ ગુંચવારો ને એમ દેખાડું તો એમ ગુંચવારો.
કુમુદ૦– આપ મિત્ર છો, વ્યવહારજ્ઞ છો, વિદ્વાન છો, અને અમારાં ને અમારાં હિતચિન્તક માતાપિતાદિક સર્વનાં ચિત્ત જાણો છો ને સર્વના વિશ્વાસના પાત્ર થઈ ચુક્યા છો. આપના જેવા વૈદ્યને આ કાર્ય ન સોંપીએ તો બીજા કોને સોંપીએ ?
ચન્દ્ર૦– હાસ્તો. લ્યો ત્યારે પ્રથમ આ સાંભળો તમારા પિતાના પત્રમાંનો લેખ. “કુમુદને માટે એની મા શું ઇચ્છે છે તે તમે જાણો છો. વડીલ શું ઈચ્છે છે તે તમે જાણે છો સરસ્વતીચંદ્ર અને કુમુદ પોતે શું ઇચ્છે છે તે તમે હવે જાણી ગયા હશો. મ્હારી પોતાની ઇચ્છા અથવા વૃત્તિ કુમુદની પોતાની કંઈ પણ પવિત્ર ઇચ્છાને પાર પાડવામાં તત્પર થવાની છે – તે વિના હું કાંઈ બીજું ઇચ્છતો નથી. કુમુદને સરસ્વતીચંદ્રે જે હાનિ પ્હોચાડી ને જે અન્યાય કર્યો છે તેનો બદલો વાળવા તેમની ઇચ્છા હોય તો કુમુદનું પ્રસિદ્ધ પાણિગ્રહણ કરવું, એને હવે સર્વથા સુખી કરવી અને આપણા લોક બોલે અથવા વેઠાવે તે સાંભળવું અને વેઠવું – એ જ માર્ગ એમની વિદ્યાને અને ન્યાયબુદ્ધિને યોગ્ય છે. જો આ માર્ગ તેઓ લેવાને તત્પર હશે તો હું અને કુમુદની માતા આ વ્યવહારથી થવાનાં સર્વ સુખદુ:ખમાં તેમની સાથે જ રહીશું અને મ્હારી સમૃદ્ધિમાત્ર મને કુમુદ–કુસુમના કરતાં વધારે પ્રિય નથી. કુસુમને કુમારાં ર્હેવાનો તીવ્ર અભિલાષ છે તે તમે જાણો છો અને મ્હારી સર્વ સમૃદ્ધિ એ બે પુત્રીઓના ધર્મ અભિલાષ પુરવામાં સાધનરૂપ કરવા હું સર્વ રીતે અને આ પળે શક્તિમાન્ અને તૈયાર છું.
કુસુમને લઈ તેની માતા અને કાકી કાલ સુન્દરગિરિ ઉપર આવશે. વડીલ પણ તેમની જોડે આવશે. મિસ ફ્લોરા પણ આવશે. સર્વને માટે તંબુઓ મોકલી દીધા છે.
ધર્મભવનની આજ્ઞા થઈ છે તેથી વિષ્ણુદાસજી પાસે સરસ્વતીચંદ્રનું અને તમારું તેમ અન્ય જનોનું સાક્ષ્ય[૧] લેવામાં આવશે અને તમારા જેવું જ આજ્ઞાપત્ર મ્હારા ઉપર છે એટલે હું પણ તે પ્રસંગે આવીશ. બુદ્ધિધનભાઈને પણ એ પ્રસંગે સાક્ષ્ય આપવા આવવા વિજ્ઞપ્તિપત્ર લખેલું છે.
સરસ્વતીચંદ્રને પ્રકટ થયા વિના છુટકો નથી. કુમુદનું નામ અતિગુપ્ત છે તે એની ઇચ્છા હશે તો જ પ્રકટ થાય ને તે ઇચ્છા જાણ્યા વિના પ્રકટ ન થાય એવી વ્યવસ્થા કરી છે.
બાકીના સમાચાર બીજા પત્રોમાંથી મળશે.
સરસ્વતીચંદ્રને અને કુમુદને આ પત્ર વંચાવજો. સરસ્વતીચંદ્ર પોતે કાંઈ ખોટું કર્યું છે એમ જાતે સમજતા હોય તો તેનું પાપ ધોઈ નાંખવાનો એક જ માર્ગ ઉપર લખ્યો છે; ને કુમુદના પિતાને ઈશ્વરે આપેલો અધિકાર છે તે વાપરી હું તેમની પાસે મ્હારી કુમુદને માટે એટલો ન્યાય માગું છું કે તેમણે કુમુદને એની ઈચ્છા પ્રમાણે ધર્મથી શીઘ્ર ન્યાય આપવો.”
- ↑ ૧ જુબાની.
કરવા હું સજ્જ છું. એમના પિતાની સંમતિના અભાવને લીધે જે કાંઈ બાધ હતો તે આમ નીકળી જાય છે તો પછી હું તો કુમુદસુન્દરી પાસે પ્રતિજ્ઞા કરી ચુક્યો જ છું.
કુમુદ૦– ચંદ્રકાંતભાઈ, મ્હારા મનની તૃપ્તિની વાત જવા દેજો અને એમને પ્રાયશ્ચિત્તરૂપે મ્હારો સમાગમ આપવાની તો કલ્પના પણ જવા દેજો. એ વિના બાકીનાં અમારાં મનોરાજ્ય તમે જોઈ લીધાં છે ને તેની સિદ્ધિમાં અમારો ધર્મસહચાર કેવે રૂપે વધારેમાં વધારે કામ લાગશે, સ્ત્રીના પુરુષપ્રતિ અનેક ધર્મ છે તેમાંથી કીયાનો ત્યાગ અને કીયાનો સ્વીકાર એમના ધારેલા મહાયજ્ઞને સફળ કરી શકશે અને એમને એમની સર્વાવસ્થામાં સૌમનસ્ય આપશે અને એમને કૃતકૃત્ય કરશે, એમની કીર્તિ અને અમારું બેનું કલ્યાણ કરવામાં કીયો માર્ગ ધર્મ્ય છે, અને ટુંકામાં આપના પરમ મિત્રની સાથે કેવા પ્રકારથી મ્હારી મૈત્રી રચાય તો એમનું સુખ, એમનું સ્વાસ્થ્ય, એમની કીર્તિ, એમનું સદ્ભાગ્ય, અને સત્પરાક્રમ સંપૂર્ણતાથી રચાય એટલું જ વિચારજો. મ્હારું શું થાય છે, મ્હારી કીર્તિ થશે કે અપકીર્તિ, મ્હારાં અતિપ્રિય અને મ્હારે માટે આટલું કરવા તત્પર થયેલાં માતાપિતાને હું વ્હાલી થઈશ કે અળખામણી, એ અથવા એવો કાંઈ પણ મ્હારા સુખનો કે દુ:ખનો વિચાર કરશો નહી. અમારી તકરારમાં તમે પંચ, તમે કન્યાદાનના અધિકારી, તમે વરના પિતા, તમે બેના મિત્ર, તમે અમારા વિવાહનો હોમ, અને તમે અમારા અગ્નિસ્વરૂપ ! તે એવે રૂપે તમે મને શુદ્ધ અને સંસ્કારિણી કરી આ મ્હારે માટે ત્યાગી થયેલા શરીરીનો જન્મ જે રીતે સફળ થાય તેટલું કરજો. પછી હું સર્વાવસ્થામાં સુખ અને સંતોષ જ જોઈશ. એમનો જન્મ સફળ થાય તે વિના બીજા ભોગની મને તૃષ્ણા નથી, બીજો વૈભવ મને ગમતો નથી, ને બીજાં ભાગ્યની ન્યૂનતાથી કુમુદને લેશમાત્ર પણ દુઃખ થનાર નથી તે સત્ય સમજજો. આટલું મ્હારું ઇષ્ટ કરશો તો અપકીર્તિ, અધર્મ, અને દુ:ખ – એ સર્વનું મને રજ પણ ભય નથી. ચન્દ્રકાન્તભાઈ, મ્હારા પિતા, માતા, અને સહોદર થઈ, મ્હારા વકીલ થઈ, આટલું કામ કરજો અને તમારામાં એમનો તેમ મ્હારો સંપૂર્ણ વિશ્વાસ સમજજો.
આટલું બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવ્યાં. ચંદ્રકાંત પણ કંઈક ગળગળો થયો અને બોલ્યો. “કુમુદસુન્દરી, જેનો જન્મ સફળ કરવાને તમે આટલાં તરસ્યાં છો તેના જ જન્મને સફળ જોવાથી ચંદ્રકાંત પણ પોતાનો જન્મ સફળ થયો માનશે. માટે તમે રજ પણ ચિન્તા ન કરશો. આ વિનાના બીજા પત્ર વાંચી વિચાર કરવાનો અવકાશ શોધીશું.”
બીજો એક પત્ર લીધો – તે ઉપર ચન્દ્રકાતનું શિરનામું ને કુસુમના અક્ષર ! પરબીડીયું ફોડ્યું તે માંહ્ય બીજું પરબીડીયું હતું તે ઉપર લખ્યું હતું કે-“ ચંદ્રકાંતભાઈ, કુમુદબ્હેન જ્યાં હોય ત્યાં જઈ એને હાથો હાથ આપજો. જડે નહી તો જડે ત્યાં સુધી સાચવી રાખજો. ન જ જડે તો પાછો લાવજો. આણી પાસ ન આવો તો ફાડી નાંખજો.
- લા. કુસુમ ”
ચંદ્રકાન્તે પત્ર કુમુદને આપ્યો ને એણે તે મનમાં વાંચ્યો.
“પ્રિય કુમુદબ્હેન,
હું ધારું છું કે તમારા સ્વહસ્તમાં આ પત્ર પ્હોંચશે. આ ભણીના બધા સમાચાર ચન્દ્રકાન્તભાઈ તમને ક્હેશે, પરંતુ તે પણ તમને બધું ક્હે કે ન ક્હે ને ક્હેવા ઇચ્છે તો પણ બધું જાણતા ન હોય માટે હું જ લખું છું.
“તમારે વીશે સર્વ કુટુમ્બનો જીવ ઉંચો થયો હતો તેમાં હવે આશા આવી છે. પણ પ્રમાદધનભાઈના સમાચાર પછી આ સંસારને મન તમારા ડુબ્યાના સમાચાર કરતાં જીવ્યાના સમાચાર વધારે વ્હાલા લાગતા નથી તે હું બે આંખે જોઉં છું ને કાને સાંભળું છું. તેમાં વળી તમારો અને સરસ્વતીચંદ્રનો સુન્દરગિરિ ઉપર યોગ થયો સાંભળી સઉ આનન્દને સટે ખેદ પામે છે ને બીજું તો હું લખતી નથી.
પ્રમાદધનભાઈ આયુષ્યમાન હતા ત્યારે તેમના ભણીનાં તમારા દુઃખને લીધે ગુણીયલ દુ:ખી હતાં, સરસ્વતીચંદ્રને ગુણીયલ સુખી જોવા ઇચ્છે છે પણ તમારાથી તે સુખી થાય એ એમના હૃદયને ગમતી વાત નથી. પણ પિતાજીનું મન પ્રસન્ન રાખવાને માટે પિતાજી જે ક્હેશે તેમાં ગુણીયલ ભળશે.
તમારું ને સરસ્વતીચંદ્રનું તો હવે પુનર્લગ્ન થાય ને તેથી તમે બે જ્ઞાતિબ્હાર થશો ને આપણાં માતાપિતાને માથે અપયશ આવશે એટલે પછી તેમનાથી નીચેથી ઉંચું નહી જોવાય. જો પિતાજી તમારો તે પછી સ્વીકાર કરે તો તેમને જ્ઞાતિબહાર ર્હેવું પડે અને પ્રધાનપદ પરથી પણ ખસવું પડે, જરાશંકરમામાને આ વાત રજ ગમતી નથી, પણ પોતે નિવૃત્ત છે એટલે હા કે ના ક્હેવાના નથી ને નાતમાં તો આમ ને તેમે પણ જતા નથી. દાદાજીથી તમારું દુઃખ વેઠાતું નથી પણ આ સર્વ હરકતો એમને ગમતી નથી; તેથી તેમણે એવો રસ્તો ક્હાડ્યો છે કે તમે તમારું નામ અને કુટુંબનું નામ છાનું રાખી સરસ્વતીચંદ્ર જોડે સુન્દરગિરિ ઉપર આયુષ્ય ગાળો એટલે પિતાજીને બીજી રીતે હરકત ન પડે ને તમે સુખી થાવ. કાકી તો એવું જ ક્હે છે કે એમના જેવાં તમારાથી શામાટે ન ર્હેવાય? તમે જો પુનર્લગ્ન કરશો તો કાકી તમારું મ્હોં જોવાનાં નથી ને ગુણીયલ પણ માત્ર પિતાજીને લીધે જોશે. સરસ્વતીચંદ્રના બાપ ગાંડા થયા છે ને તમને બેને ઝંખે છે. પિતાજી તે બધી હરકત વેઠીને પણ તમારું સુખ જોવાને ઇચ્છે છે ને તેમના મનની વાત ચન્દ્રકાંતને આજ લખી હશે કે લખશે. તમારા સસરા સંન્યસ્ત લેવાના ક્હેવાય છે.
આ સર્વ તમને કોઈ ક્હે નહી માટે મ્હેં લખ્યું છે. મને પુછો તો આ બધી દુગ્ધામાં હવે પડશો નહી. છુટ્યાં છો તે બંધાશો નહી. મ્હારે પોતાને પણ બંધાવું નથી. ગમે તે થાય પણ લગ્નના ફાંદામાં પડવું નથી, આજ સુધી પિતાજી એમ ક્હેતા હતા કે કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણાવીશ – હવે ઈશ્વરકૃપાથી તે વાત ગઈ છે. મને કૌમારવ્રત પાળવા દેવાની પિતાજીએ હવે સ્પષ્ટ હા કહી છે. મ્હારા મનમાં એમ છે કે મ્હારે યે ન પરણવું ને તમારે યે ન પરણવું ને આપણે બે બ્હેનો ઠીક પડશે ત્યાં સુધી ગુણીયલ પાસે રહીશું, ઠીક પડશે ત્યારે ચન્દ્રાવલી પાસે રહીશું, ને ઠીક પડશે ત્યારે મોહનીમૈયાના મઠમાં રહીશું, નવા અભ્યાસ કરીશું, ને સંસારના મ્હોટા ખાડામાંથી ઉગરી ખરા કલ્યાણને માર્ગે રહીશું.
તમે સરસ્વતીચંદ્ર સાથે યોગ પામો તેમાં મને તો લાભ છે, કારણ તમે તેમની સાથે જોડાવ તો એવું પણ થાય કે મ્હારે માટે યોગ્ય વર નથી માટે મને કુમારી રાખવાની પિતાજી હા ક્હેતા હશે; ને તમે વિધવાવ્રત પાળશો તો વખત છે પાછું મ્હારે માથે ચક્ર બેસે ને સઉ મને ક્હેશે કે આ વર છે ને તું પરણ. પણ મ્હેં તો નિશ્ચય કર્યો છે કે પિતાજીએ એક વાર હા કહી છે તેમાંથી ફરવા નહી દઉં ને તમે ને હું બે સરખાં હઈએ તો મરજી પડે ત્યાં રહીયે ને બેને ગમે.
અમે સઉ એક બે દિવસમાં ત્યાં આવીશું. તમને હજી છતાં કરવાં નથી માટે તમને એકાંત રાખવાને માટે ગુણીયલ મેાહની અને ચન્દ્રાવલી ઉપર છાનો સંદેશો મોકલ્યો છે. ફ્લોરા પણ આવવાનાં છે; કારણ સમજાતું નથી, પણ મને, તમને સમજાવવાને માટે એમને મોકલવાનું ઠર્યું હોય એવું કાને આવ્યું છે. પણ એ એવું સુજ્ઞ માણસ છે કે તેમના ભણીની કંઈ ચિંતા રાખવા જેવું નથી.
તમને આ વાત કોઈ ક્હેવાનું નહી ને ત્યાં બધાં વચ્ચે આપણે વાત કરવાનો જોઈએ તેવે પ્રસંગ મળે કે ન મળે માટે આટલું આ પત્રમાં લખ્યું છે, સરસ્વતીચંદ્ર પણ સુજ્ઞ છે; કુમારાં ર્હેવાનો મ્હારો મૂળ વિચાર એમની વાતોથી થયો છે ને હવે એ મ્હારા મત્સ્યેંદ્ર-ગુરુ ભુલી જશે તો હું ગોરખ થઈને ગાઈશ કે.
- દેખ મછેંદર, ગોરખ આયા
કુમુદબ્હેન ! બાકીનું તમારા દુઃખથી હું શીખાઈ છું ને મ્હારા સુખથી તમે શીખજો – કે પછી બેમાંથી એક પણ ડગીયે નહી ને ડગવા દેઈએ નહી !
બાકીની વાતો મળીયે ત્યારે આખા જન્મારો છે.
- લા. કુમુદની કુસુમ તે
- બીજા કોઈની નહી.”
પત્ર વાંચતાં વાંચતાં કુમુદ કંઈ હસતી હતી, કંઈ ખિન્ન થતી હતી, અને બીજા પણ અતર્ક્ય વિચારો એના હૃદયમાં આવતાં હશે એવું તેના કપાળની કરચલીયોથી, ભ્રમરના ભંગથી, આંખોનાં પોપચાંના પલકારાથી, અને ગાલપર ફરતા અસ્પષ્ટ રંગોથી, જોનારને સમજાય એમ હતું, અને તે જુવે એવી વસ્તી એની પાસે પ્રત્યક્ષ હતી. વાંચીને એ પત્ર એણે ચંદ્રકાંતને આપ્યો ને આપતી આપતી બોલી.
"ચંદ્રકાંતભાઈ, આપ જે વિચાર કરો તેમાં આમાંથી પણ કંઈ કંઈ વિચારવાનું જડશે તે શોધી ક્હાડજો.”
બે મિત્રોએ પત્ર વાંચ્યો. સરસ્વતીચંદ્ર ગમ્ભીર થઈ બોલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો. ચંદ્રકાંતે પોતાના ઉપરના બીજા પત્રો ઉપર આંખ ફેરવવા માંડી ને અકેકે પત્ર વાંચી વાંચી મુકતો ગયો તેમ તેમ સાર ક્હેતો ગયો.
“ઉદ્ધતલાલ, તરંગશંકર, વીરરાવ, લક્ષ્મીનંદનશેઠ, હરિદાસ, બુલ્વરસાહેબ, અને બીજાઓ પણ સરસ્વતીચંદ્રને ઓળખી જુબાની આપવા આવવાના છે. – સરસ્વતીચંદ્ર, તમારે માટે તો મ્હોટો મેળો ભરાશે ! મુંબાઈ છોડી સાધુ ન થયા હત તો આ વેળા કયાં આવવાની હતી ? બહુ જ ભાગ્ય તેમનાં ને આપણાં કે આ શંભુમેળાનો સંઘ આપણી પાછળ આવી જાત્રાએ આવશે."
સરસ્વતીચંદ્ર ગમ્ભીર રહ્યો ને માત્ર એટલું જ પુછ્યું કે “ગંગાભાભીનો પત્ર નથી ?”
ચંદ્ર૦– છે, પણ સંતાડવાનો છે.
સર૦- કુમુદસુન્દરીને તે વંચાવો.
કુમુદ– ગંગાભાભી–
ચંદ્ર૦– અમારા ઘરનાં એ ઘરવાળાં – જેમની સાથે ઉભાં ર્હેતાં તમે શરમાશો.
કુમુદ૦– વાંચવા દેવામાં હરકત છે?
ચંદ્ર૦- છે તે બધીયે છે ને નથી તે કાંઈ નથી – આપું ? – લ્યો ત્યારે ! – થાય તે ખરું ! – નીકર હું જ વાંચું છું – સાંભળો.
“હું મરવા પડી હતી એટલું જ નહી પણ તમારાં સગાં ને વ્હાલાંએ ધૂર્તલાલ સાથે મ્હારો ઘાટ ઘડવો ધાર્યો હતો, તે જાણતા છતાં તમે ન આવ્યા તે બહુ જ સારું થયું. કારણ હું મોઈ હત ને સરસ્વતીચંદ્ર જડ્યા હત તો છોકરાં ભુખે ન મરત, પણ જીવું છું ને નહી જડે તો તમે ઘરનાંની શરમ તોડી મને કે છેકરાંને કંઈ કેડી બતાવવાના નથી. માટે તેમને શોધવાનું પડતું મુકયું નહી ને આવ્યા નહી તે જ સારું થયું.”
“તમારો કાગળ આવ્યા પછી મને ને છોકરાંને ઉદ્ધતલાલ પોતાને ઘેર લઈ ગયા છે; તેથી તેમની ને તમારાંની વચ્ચે રમઝટ ચાલી, પણ ઉદ્ધતલાલ કોઈનાથી જાય એવું રત્ન નથી. ને હવે તો હું પણ સાજી થઈ છું. સરસ્વતીચંદ્ર જડ્યા ક્હેવાયા સાંભળી સાજી થઈ. ખરેખર જડ્યા હશે તો ઉદ્ધતલાલ ત્યાં આવશે ને હું પણ સાથે આવીશ."
“એવું પણ સંભળાય છે કે કુમુદસુંદરી જીવતાં નીકળ્યાં છે. પણ હવે તો તે વૃથા. નાતરીયા નાત હત તો જુદી વાત હતી, તમે સુધારાવાળા નાતરાં કરાવો તો ના ક્હેવાય નહી – પણ, એ નાતના ઘોળમાં પડવાની ને છૈયાં છોકરાં પરણાવવાની એમ બે વાતો સાથે બને એવી નથી. ઉદ્ધતલાલ ક્હે છે કે આપણે નાતરીયા નાતનો, વીલાયત જઈ આવનારાને, નાતબ્હાર ર્હેલા લોકનો, ને એવા એવાઓનો સઉનો શમ્ભુમળો કરી નવી મ્હોટી નાત કરીશું ને તેમાં નાતબ્હાર મુકવાનો ચાલ ક્હાડી નાંખી એ નાતમાં આવે તેને માટે સઉને સદર પરવાનગીનો પાસ આપી બારણાં ઉઘાડાં મુકીશું એટલે આપણી નાત વધ્યાં જ જશે ને જુની નાતોમાં ઘરડાં ઘરડાં ર્હેશે ને નવીમાં નવાં નવાં જુવાનીયાં આવશે. મને તો આ બધી વાત મશ્કેરીની લાગે છે, પણ તમારું ઠેકાણું નહીં માટે જાણવું છું કે આવું તો કંઈ ઠીક નહી. એ તે પછી છોકરવાદી નાત થાય ને ગાયગધેડાં ભેગાં થાય એ કંઈ મને ગમે નહી. મને તો લાગે છે કે એવું થાય તો ભાયડાઓ એ નવી નાતમાં જાય પણ કંઈ કંઈ બાયડીઓને તો તેમનાથી જુદાં પડી જુનામાં ર્હેવાનું ગમશે. એવી વર્ણસંકર નાત થાય તે તો કંઈ સારું નહીં. માટે એવો કળજુગ ભુલ્યે ચુક્યે બેસાડશો નહી.”
કાગળ ખીસામાં મુકતો મુકતો પાછો ક્હાડી કુમુદસુંદરીને એક ઠેકાણે કાગળમાં આંગળી મુકી બોલ્યો: “આટલું તમે વાંચી જુવો – ને મનમાં રાખજો – સરસ્વતીચંદ્રને યોગ્ય વેળાએ જણાવીશું.”
કુમુદે તે મનમાં વાંચ્યું.
“ગુમાનબાના દીકરા ધનભાઈ ગુજરી ગયા છે. લક્ષ્મીનંદન ગાંડા થયા છે પણ ગુમાનબા તેમની નોકરી કરે છે ને એ પણ હવે જાણે છે કે સરસ્વતીચંદ્ર વિના એમનું કોઈ બીજું થાય એમ નથી. ધૂર્તલાલ ઉપર ફોજદારી ચાલે છે ને મ્હોટા મ્હોટા લોકને એમાં રસ પડે છે, ડાક્તર ક્હે છે કે સરસ્વતીચંદ્ર જડશે તો લક્ષ્મીનંદન ડાહ્યા થશે માટે એમને ત્યાં લાવવા ધાર્યો છે. સરસ્વતીચંદ્ર જડે તો ધનભાઈનું સ્નાન કરાવજો ને આ બીજા બધા સમાચાર ક્હેજો. શેઠની, જોડે ગુમાનબા પણ ઘણું કરી આવશે ને લખશો તો હું પણ આવીશ ને સરસ્વતીચંદ્રને ઘેર આણવા જરા ધમકાવવા હશે તો તે આવડશે. બાકી અંગ્રેજી ભણેલાને સમજાવવાનું તો નહી આવડે. એ તે પત્થર પલાળવાનું કામ.”
કુમુદે પત્ર પાછો આપ્યો ને કંઈક ઉંડા વિચારમાં પડી ગઈ અંતે તેમાંથી જાગીને બોલી.
“ચંદ્રકાંતભાઈ, પુત્રો વાંચવાના થઈ રહ્યા. તમારે વિચારવાની સર્વ વસ્તુ મળી ગઈ. ચંદ્રાવલી બ્હેન રાત્રે આવશે ને પ્રાત:કાળે ગુરુજી સમાધિમાંથી જાગશે ને તમારે ત્યાં જવું થશે ને મ્હારે ચંદ્રાવલી બ્હેન જોડે જવું પડશે. કાલ ગુણીયલ પણ બધાંને લેઈને આવશે, અને હવે એકાંત વિચાર કરવાનો ને વિચાર કરવા બેસવાનો આવો કાળ થોડાક પ્હેરનો રહ્યો છે તે વિચારમાં ગાળી નાંખીશું તો સિદ્ધાંત ઉપર આવવાનો ને તમારો નિર્ણય જાણવાનો અવકાશ પછી મળવો દુર્લભ. બીજાને અમારો બેનો સ્વપ્ન અને જાગૃત સંસાર ક્હેવો કઠણ છે ને તેમનાથી સમજાવો મનાવો અશકય છે.”
ચંદ્રકાંત કંઈક વિચાર કરી બોલ્યો, “ તો સાંભળો. વિચારનો જે સાપ તમે મ્હારે માથે નાંખ્યો તે ઉછળી મ્હારે તમારે માથે નાંખવાનું થાય એમ છે. તમારા યોગ અને ચિરંજીવોનાં ઇંદ્રજાળને હું માત્ર માનસિક શાસ્ત્ર – Psychology – નો ચમત્કાર માનું છું પણ તેમાં ઘણે અને ઉંડે બોધ જેટલો ભરેલો છે એટલો જ તમારાં હૃદયના રસનો સમાગમ પણ તેમાં ફુવારાની ઉંચી ધારાઓ પેઠે ઉડી રહેલો છે. આ સુંદર પવિત્ર સ્વપ્નનાં ચિત્ર-પ્રત્યક્ષ કરી તમને વિવાહના સમાગમમાંથી પળવાર પણ દૂર રાખવાને ચંદ્રકાંતનું હૃદય કહ્યું કરે એમ નથી. તમારા ભવ્ય અને લોકકલ્યાણેચ્છક અભિલાષો સિદ્ધ થાય તો આ દેશમાં નવી રમણીય અને સુખકારક સૃષ્ટિ ઉભી થવાની, તેમાં વિલમ્બ પડે છે તેથી પણ હું અધીરો, થઈ જાઉં છું પણ આપણા હાલના આર્ય સંસારમાં એ સર્વ સુંદરતાનું તેજ, તમારા “ પુનર્લગ્ન” ક્હેવાતા તમારા નવા લગ્નની છાયાથી, કાળું પડી જશે, તમે શૂદ્ર હો તેમ લોક તમારા સંસર્ગથી દૂર ર્હેશે, અને તમારી અપકીર્તિને લીધે, પૃથ્વી ઉપર વૃષ્ટિ કરવા નીકળેલાં વાદળાંની ધારાઓ ખારા : સમુદ્રમાં પડી જાય ને પૃથ્વીને બિન્દુ પણ ન અડકે તે રીતે, તમે વરસાવવા ધારેલા કલ્યાણમેઘ લોકને ઉપયોગી ન થતાં નકામે સ્થાને ગળી જશે અથવા જાતે વેરાઈ જશે.
“જો તમારું લગ્ન નથી થતું તો તમારાં સુન્દર પવિત્ર સ્વપ્ન નિષ્ફળ જશે, તમે વેઠેલું તપ નિષ્ફળ થશે, તમારા રસોત્કર્ષની વીજળીના ચમકારાને સ્થાને અમાસની રાત્રિ જેવું થઈ જશે, અને સ્ત્રીસૃષ્ટિદ્વારા આર્ય લોકને તમે કરવા ધારેલાં કલ્યાણ કરવામાં અવિવાહિત સરસ્વતીચંદ્ર સાધનહીન ર્હેશે. અને જે તમારો વિવાહ થશે તો સાધનવાળા થયેલા સરસ્વતીચંદ્રનાં સાધનમાત્ર લાકડાની તરવાર જેવાં થઈ જશે.
“સ્થૂલ પ્રીતિને દૂર રાખી, તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રાખી, શરીરના સંબંધ માત્રનો ત્યાગ કરી મનોમનની મિત્રતાથી જ, આ લોકકલ્યાણમાં પ્રવૃત્ત થવા ઇચ્છતાં હો તો તે પણ તમારી વૃથા કલ્પના જ સમજવી. આપણા લોક કોઈપણ સ્ત્રી અને પુરુષને સાથે ઉભેલાં દેખે એટલે સ્થૂલ સમાગમ જ માને છે. તેમની તુલામાં બીજાં કાટલાં નથી. સેંકડો વર્ષના સંસ્કારોથી અને અભ્યાસથી યુરોપનાં સ્ત્રીપુરુષો એકાંતમાં પણ મન મારીને સાથે વસવાની કળાને પામ્યા છે અને તેવી કળા આ સાધુજનોમાં અથવા તમે ક્હો છે તેવા પ્રાચીન આર્ય સંસારમાં એક કાળે હશે; પણ આજ તો આ દેશકાળમાં તે અભ્યાસનું સ્વપ્ન પણ નષ્ટ થયું છે. ત્યાં એવો બળિષ્ટ અભ્યાસ થોડા કાળમાં કેવી રીતે ઉગવાનો કે સમજાવાનો ? માટે તમે વરણવિધાનથી વિવાહિત થાવ તેથી જેમ લોકનું કલ્યાણ કરવામાં તમારી તાકેલી બન્ધુકોના બાર ખાલી જવાના, તેવી જ રીતે વિવાહ વિના કેવળ સૂક્ષ્મ સમાગમ રાખી કરવા ધારેલા બાર પણ ખાલી જ જવાના, અને તમારે બેને સ્થૂલ શરીરનું નિષ્ફળ બ્રહ્મચર્ય-તપ તપવું પડશે તે વધારામાં.
“આ ત્રણે માર્ગથી તમારા અભિલાષ અસાધ્ય છે, એ અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ તો એક જ છે કે ગુણસુન્દરીના અને સુન્દરગૌરીના અભિલાષને તૃપ્ત કરવા, સરસ્વતીચંદ્ર ને કુસુમસુન્દરીનો સ્થૂલસૂક્ષ્મ વિવાહ થાય અને કુમુદસુન્દરી પરિવ્રાજિકાવ્રત પાળી તેમને સહાય્ય આપશે તો લોકમાં પ્રશંસા થશે અને લોકકલ્યાણના અભિલાષમાં સરસ્વતીચંદ્રને એકને સટે બે સહાયિનીઓ મળશે. તેમાં વિઘ્ન ત્રણ. કુસુમસુંદરીને કુમારાં ર્હેવું છે, કુમુદસુન્દરી સાથે અદ્વૈત પામેલું સરસ્વતીચંદ્રનું હૃદય નવા અદ્વૈતને શોધવા જુના અદ્વૈતનો ત્યાગ નહી કરી શકે, અને જુના અદ્વૈતનો ત્યાગ કરવા નવા અદ્વૈતને શોધી કે સાધી નહી શકે. બાકી એકનો ત્યાગ ને બીજાની સાધનાને સટે કોઈના ત્યાગ વિના નવા અદ્વૈતની જ યોજના કરવી હત તો કુમુદસુન્દરીના પોતાના સ્વીકારની વેળાએ અને મુંબાઈથી રત્નનગરી આવતી વેળાએ તેમનું સંવનન પણ નહોતું થયું ને પરિશીલન પણ ન્હોતું થયું. બે મનુષ્યોના સ્વાર્થ સંધાય ને સમાગમ રચાય ત્યારે થોડો ઘણો સ્નેહ, થોડા ઘણો અભેદ, અને થોડું ઘણું અદ્વૈત એટલાં વાનાં કીયાં આર્યો નથી પામી શકતાં ? મ્હારી ગંગાનો પત્ર તમે હવણાં જ વાંચ્યો ને અમારું કંઈક અદ્વૈત છે તે કુસુમસુંદરી જેવી શિક્ષિત રસિક મેધાવિની સાથે સરસ્વતીચંદ્રનું અદ્વૈત થવા પામે અને મ્હાર ને ગંગાના કરતાં તે અનેકધા વધારે કલ્યાણકર થઈ શકે એમાં શો સંદેહ છે ? પણ જે વાતમાં નથી પ્રવૃત્તિ વરને ને નથી કન્યાને, અને વધારામાં જે વાત સાધવાને માટે તમારે આવો અપ્રતિમ યોગ તોડવો પડે – એ વાત કરવા કરતાં તો તમારાં ધારેલાં લોકકલ્યાણ બધાંએ અગ્નિમાં પડે તે સહી શકાશે."
“તમારામાં તમે ધારેલા લોકકલ્યાણની જ વાસના તીવ્ર હોય, ને તમારો સમાગમ તેને માટે રાખવો પણ ખરો ને તે રાખવાથી કલ્યાણ કાર્યમાં વિઘ્નરૂપ ન થાય એ બે વાનાં સાથે લાગાં કરવાં હોય, તો મને એક જ માર્ગ સુઝે છે કે –સરસ્વતીચંદ્ર કુસુમસુંદરી સાથે દેખીતું લગ્ન કરવું, ને પછીથી કુસુમસુન્દરીને ચંદ્રાવલી પેઠે સ્વતંત્ર રાખવાં, અને એ બે આટલાં પરસ્પર ભેગાં ર્હે એવે કાળે તમે બે હાલ રાખો છે તેવી સૂક્ષ્મ પ્રીતિ ભલે કાયમ રાખો ને સૂક્ષ્મ કે સ્થૂલ એક પણ પ્રીતિ વગરનાં સ્વતંત્ર કુસુમસુંદરી ભલે પોતાની સ્વતંત્રતા જાળવે. આપણા લોકની દૃષ્ટિની વિષનો પ્રતીકાર, લોકનું કલ્યાણ, તમારો સૂક્ષ્મ સમાગમ, વિધાચતુરની અને ગુણસુન્દરીની સ્વસ્થતા, અને મ્હારા જેવાને જોવાનું અને તમારું તપ જેઈ બળવાનું કે હસવાનું : એ સર્વ કાર્ય સાથેલાગાં થવાનો એક આટલો માર્ગ છે – તે તમને પ્રિય હોય તો.”
સર૦– લોકના કલ્યાણને માટે પણ તેમની વઞ્ચના કરવી તે અધર્મ છે. પોપટ અને મેના જેવાં પક્ષીનું કલ્યાણ ઇચ્છી તેમનું કલ્યાણ કરવાને માટે પણ તેમની સ્વતંત્રતા બંધ કરવા હું ઇચ્છતો નથી. તો મ્હારે કુસુમસુંદરીને સપ્તપદીની પ્રતિજ્ઞાઓમાં પૂરી પછી તે તોડવામાં સહાયભૂત થવું અને જાતે પણ મિથ્યા પ્રતિજ્ઞાઓ લેવી એ મહાન્ અધર્મ કરવા કરાવવા હું ઇચ્છતો નથી. કલ્યાણકારક દાનશક્તિરૂપ કર્ણને પણ પિતામહે ક્હેલું હતું કે ધર્મલોપથી ત્હારો જન્મ થયો છે માટે ત્હારો પરિપાક aaવો દૂષિત થયો છે; – એ વ્યાસવાકય મને સત્ય લાગ્યું છે. ધર્મ પ્રથમ અને કલ્યાણની વાસના પણ પછી - ચંદ્રકાંત, Duty first, and then only our most cherished dreams. To act otherwise is to place the cart before the horse. To believe otherwise is to be under a self-delusion and pernicious fallacy. I have learnt this invaluable lesson in this sacred lodge and have taught it to this dear partner of my dear dreams, and I never promised or proposed to follow an invitation from Chandrakanta or any mortal or immortal being to allow any further dissolution of this partnership of mine, whatever name or form you be pleased to give to that dissolution.
ચંદ્ર૦– I only proposed the adoption of a ceremonial fiction analogous to the thousand and one legal and religious fictions which our people have so often adopted to effect their reforms.
સ૨૦- The holy people of this place detest such fictions, and I think their ethics is the purest and highest on this as on several other points.
ચન્દ્ર૦– You have floored me. I have nothing to add. – કુમુદસુન્દરી, જેના હૃદયમાં તમે આમ વસો છો તેના હૃદયમાં સાથીયા પુરવાનું કામ તમારું. એ કળા મને ન આવડી.
સર૦– ચંદ્રકાંત, તને પ્રશ્ન પુછ્યો છે કે અમારે બે જણે કેવી રીતે વ્યવહાર રાખવો તેટલાનો તું ઉત્તર દે, તટસ્થ થઈને દે કે મિત્ર થઈને દે.
ચન્દ્ર૦- કુમુદસુન્દરી, પુરૂષોની બુદ્ધિ આમાં નહી ચાલે. હવે તો તમારે જ માથે સઉ આવ્યું.
કુમુદ વિચારમાં પડી હતી. તેણે સાંભળ્યું નહી.
ચન્દ્ર૦– કુમુદસુન્દરી, આ યોગમાંથી જાગો ને નવો યોગ સાધો. અમે પુરૂષોની બુદ્ધિ ચાલતી નથી માટે તમારે એકલાંયે હવે વિચાર કરવાનું બાકી રહ્યું એટલે ક્હેશો તેમ મ્હાતો મિત્ર કરશે.
કુમુદ૦- આપનો ઉપકાર માનું છું, જાણવાનું સર્વ જાણ્યું. હું વિચાર કરીશ – પણ – સરસ્વતીચંદ્ર, આપ બંધાવ છો કે જે નિર્ણય હું કરીશ તે તમે સ્વીકારશો ?
સર૦– મ્હારા ને તમારા યોગ સંબંધમાં જે નિર્ણય કરશો તે હું પાળીશ.
કુમુદ૦- તમારા વચનમાં આટલી મર્યાદા કેમ મુકો છે ?
સર૦– એ આપણી પ્રીતિની મર્યાદા છે. એ મર્યાદાની બ્હારના સર્વ વિષયમાં મ્હારા તમારા બેનાં હૃદયનાં સંયુક્ત સંગીતથી જે સ્વર નીકળે તે ખરા.
કુમુદ૦- આપણાં સંગીત જુદાં નથી.
સર૦- સંગીત એક છે પણ કણ્ઠ બે છે.
કુમુદ૦- ભલે એમ હો. હું તમારા હૃદયમાં હઈશ તે કણ્ઠમાં પણ આવીશ. ચન્દ્રકાન્તભાઈ, મ્હેં સર્વ વિચાર કરવાનો માર્ગ શોધી ક્હાડ્યો છે, આ કન્થા ધારી તો ધર્મ પણ કન્થાનો જ ધારીશ. હું મ્હારા કુટુમ્બમાં નહી ભળી શકું, પણ તેનાથી ગુપ્ત પણ નહી રહું. દમ્પતીના હૃદયમન્ત્ર વિના કંઈ પણ અન્ય વાત સાધુજનો ગુપ્ત રાખતાં નથી તે ગુણીયલથી ગુપ્ત નહી રહું. ને એ કાલ આવશે ત્યારે તેમને મળીશ, તેમને શાન્ત કરીશ, અને હું અને મ્હારી કુસુમ મળી કાંઈક યોગ્ય માર્ગ ક્હાડીશું તેમ ચન્દ્રાવલીબ્હેન રાત્રે આવવાનાં છે તેમને પણ અમારા મન્ત્રમાં ભેળવીશું.
સરસ્વતીચંદ્ર જોઈ રહ્યો.
કુમુદ૦– જેની સાથે આવા આટલા અદ્વૈતથી મ્હારું હૃદય એક થયું છે તેને શંકા ઉપજાવવા જેવું હજી સુધી તો મ્હેં કાંઈ કર્યું કે કહ્યું નથી.
સર૦- હું જાણું છું કે તમે સાધુજન છો, અને चित्ते वाचि क्रियायां च साधूनामेकख्षता [૧]. એ સાધુજનનું લક્ષણ પામવા આપણે પ્રયત્ન કરીયે છીયે. પણ લોકના સંસારમાં અનેક અનર્થસ્થાન હોય છે. માટે કહ્યું છે કે- घनाम्बुना राजपथे हि पिच्छिले क्कचिद्रुधैरष्यपथेन गम्यते [૨] તમે જે સ્થાનમાં જવાનાં છો તેમાં તમારું ક્ષેમ છે, પણ આપણા યોગ કે વિયોગને માટે જે કાંઈ યોજના થશે તેથી તમે ગમે તો હૃદયમાં મુઝાશો, ગમે તે લાજશો, અને ગમે તો બીજાંનાં હૃદયનું અનુવર્ત્તન કરવા તમારા પોતાના હૃદયનો ભોગ આપશો. તમારા હૃદયની કે તમારી વાણીની કે ક્રિયાની એ અવસ્થા થશે તો તેમાંથી તમને મુક્ત કરવા મ્હારી વૃત્તિ જેટલી મ્હારી શક્તિ હશે કે કેમ તે હું શી રીતે કહી શકું ? પણ પાર્વતીને શિવજીએ કહ્યું હતું કે विमानना सुश्रु कुतः पित्तुर्गृहे [૩] તે છતાં પૂર્વાવતારમાં તેને પિતાના ગૃહમાં વિમાનના થઈ હતી ને તેણે દેહ ત્યાગ કર્યો હતો તેમ તમારે કરવાનો અવસર ન આવે એટલું લક્ષ્યમાં રાખજો, તમારું કુટુંબ, તમારાં મન, વાણી, અને ક્રિયાને પ્રતિકૂળ નહીં હોય ત્યાં સુધી હું સ્વસ્થ રહીશ. મ્હારા ઉપર ને બીજાં ઉપર આ આજ્ઞાપત્ર તમે જેયાં ને જાણ્યાં – તેનું મને લેશ પણ ભય નથી, ને સુજ્ઞ પુત્રીવત્સલ માતાપિતા ભણીથી તમને પણ ભય નહીં થાય. પણ સંસારની રૂઢિઓ અન્યથા છે ને તેમાંથી તમારી સ્વાધીનતાને કંઈ ભય પ્રાપ્ત થશે કે સંસાર તમારા સ્થૂલ કે સૂક્ષ્મ શરીરને કોઈ પણ રીતે પ્રહાર કરશે તે મ્હારાથી જોઈ નહીં ર્હેવાય.
કુમુદ કંઈક સ્મિત કરી બોલીઃ “એની ચિન્તા ન કરશો. સાધુજનોએ રાંક કુમુદને નવી શક્તિ આપી છે ને એની સાધુતા આપના અદ્વૈતથી પરિપુષ્ટ થઈ છે – તો હવે શા માટે ઉંચો જીવ રાખે છે ? "