સરસ્વતીચંદ્ર ભાગ ૪/ગુફાના પુલની બીજી પાસ.

← ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ગુફાના પુલની બીજી પાસ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ. →


પ્રકરણ ૨૭.
ગુફાના પુલની બીજી પાસ.

સૌમનસ્ય ગુફાની પાછળની ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુન્દરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની, આદિ દશેક શરીરે બળવાળી સાધ્વીઓએ અનેક ગુફાઓ દેખાડી અંતે પુલની પાછળની ગુફામાં એને આણી. ચૈત્ર શુદમાં આ ગુફાની પાછળના એક વૃક્ષમાં અનેક પક્ષીયો ભરાતાં અને તેમાં કોયલો પણ ઘણી આવતી. હજી વસન્ત ઋતુ ગણાતી હતી અને આજની રાત્રિ આ સુન્દર સ્થાને ગાળીશું એવો સંકેત તેમણે કુમુદ સાથે પ્રથમથી જ કર્યો હતેા.

આ ગુફાનું નામ વસન્તગૃહ હતું અને તેનું બંધારણ સૌમનસ્યગુહાના જેવું જ હતું. માત્ર એનું સ્થાન જરી નીચાણમાં હતું અને તેને લીધે આખી ગુફા જોડની ગુફાઓથી નીચી લાગતી.

સાધ્વીઓએ એ રાત્રિચર્યાને માટે ફલાહાર અને શયનવસ્ત્રો રાખેલાં હતાં તે સર્વ નીચલે માળે રાખી ઉપલે માળે આવ્યાં અને એક ઓટલા ઉપર બેસી બ્હારનું સૃષ્ટિસૌંદર્ય જોવા લાગ્યાં. કુમુદ તેમાં ભાગ લેતી હતી. અંતે વાર્તાવિનોદ પણ બંધ રહ્યા અને સર્વ માત્ર જોવામાં લીન થયાં. કેટલીકવાર આ મૈાન રહ્યું. અંતે સાયંકાળ થયો અને એક જણીએ, દીવાસળી વતે, એક કોડીયામાં વાટ મુકી સળગાવી. સળગાવતી સળગાવતી તે બોલી.

“મધુરીમૈયા, ગુરુજીએ નવીનચંદ્રજીને જે શૃંગ ઉપર પંચરાત્રિવાસ આપવા કલ્પેલા છે તે આ જ ! આની જોડેની ગુફામાં જ તે હશે અને નહી હોય તો આવશે. અમે આખી રાત્રિ નીચલે માળે ગાળીશું અને તને આ સ્થાનમાં જ આખી રાત્રિ રાખીશું. આ ત્હારી પાછળ ત્હારા શરીરને યોગ્ય મૃદુ શય્યા છે અને આહારફળ અને જળ છે, અને દીપ છે. અમે તને આ સ્થાને ત્હારા ભાગ્યને આશ્રયે એકલી મુકી નીચે ચાલ્યાં જઈશું.”

કુમુદ ભડકી. “ શું બોલો છો ? તમે મને છેતરી ! આ ભયંકર સ્થાનમાં હું એકલી કેમ રાત્રિ ગાળવાની હતી ? હું તમારી સાથે નીચે જ, આવીશ.” “મૈયા, સાધુજનને આ સ્થાનમાં ભય નથી. તેમાં તને ભય લાગશે તો તેમાંથી તારનાર હૃદય પાસેથી જ જડી આવશે.” પ્રીતિમાનિની બોલી.

“મધુરી, આપણ સ્ત્રીના હૃદયતંત્રનો સ્વભાવ આવે પ્રસંગે જ વિપરીતકલ્પક અને વિપરીતકારી થાય છે. તને અમે છેતરી નથી.” ભક્તિમૈયા બેલી.

કુમુદ૦– ત્યારે મને વગર સૂચવ્યે નિમિત્ત ક્‌હાડી અહીં કેમ આણી ?

ભક્તિ૦– ચન્દ્રાવલીમૈયાએ ત્હારી ચિકિત્સા અને ત્હારું ઔષધ યોજ્યું છે તે તું જાણે છે, મોહનીમૈયાએ ત્હારા અભિસરણનો માર્ગ આ ઐાષધના સાધનમાટે સૂચવેલો તે પણ તું જાણે છે. ચન્દ્રાવલીમૈયાએ ત્હારું દૂતીકર્મ કર્યું અને વિહારપુરીજીના સાહાય્યથી આ સ્થાનમાં નવીનચન્દ્રજીને જે સિદ્ધિ માટે મોકલવા ગુરૂજીની આજ્ઞા મેળવી છે તે ત્હેં ગુરુજીને સ્વમુખે જ સાંભળ્યું. ક્‌હે વારુ, હવે તે તને બીજી કેઈ સૂચના કરવાની બાકી રહી કે ત્હારી વંચના કર્યાનો આરોપ સાધુજનોને શિર મુકે છે ?

કુમુદ૦- મ્હારી સંમતિ વિના કંઈ પણ કરવાનું નથી એમ મને ચન્દ્રાવલીમૈયાએ સ્પષ્ટ કહ્યું હતું.

ભક્તિ૦– અને હજી સુધી અમે સર્વ તને એ જ કહીયે છીયે.

કુમુદ૦– તે અહીં આણવામાં મ્હારી સંમતિ કેમ ન લીધી ?

ભકિત૦– મધુરીમૈયા, ચન્દ્રાવલી અને મોહની જેવી નિપુણ વિદુષીઓ ત્હારા જેવી મુગ્ધાએાના હૃદયના મંત્ર વધારે સમજે છે ને ત્હારા મુખની સંમતિ શોધતાં નથી પણ ત્હારા હૃદયની સંમતિને બહુ સૂક્ષ્મમાં કળાથી જાણી શકે છે.

વામની– મધુરી, શું તું એ મહાશયાઓને શિર ત્હારા હૃદયથી આરોપ મુકે છે ? તો જો ચન્દ્રાવલીમૈયા અને વિહારપુરીજીએ ત્હારું સંયુક્ત દૂતકર્મ કર્યું તેથી તું અજાણી રહી નથી. અમે ત્હારું સખીકૃત્ય કરીયે છીએ તે પણ ગાજી વગાડીને કરીયે છીયે, અમારાં જેવાંથી, આરંભી ગુરુજી જેવાએ જે જે સૂચનાઓ ત્હારા દેખતાં કરેલી તે ભક્તિમૈયાએ તને કહી બતાવી. એ સર્વ જાણીને, જેવી રીતે માજીના મંદિરમાંથી તું યદુશૃંગ ઉપર ચ્હડી આવી તેમ યદુશૃંગ ઉપરથી આ શૃંગ ઉપર ચ્હડી આવી. આથી તે વધારે શું સંમતિને માથે શીંગડાં ઉગતાં હશે ? કુમુદસુંદરી વિચારમાં પડી, બોલ્યા વિના નીચું જોઈ રહી. પ્રીતિમાનિનીએ તેને વાંસે હાથ ફેરવવા માંડ્યો.

"બેટા મધુરી, તું કોઈ રીતે ગભરાઈશ નહીં. ત્હારી ઇચ્છા પાછાં જવાની હશે તો પ્રાત:કાળે અવશ્ય જઈશું, પણ દુષ્ટ સંસારે અનેક વંચનાઓનાં જાળ રચી ત્હારા હૃદયમાં અમુઝણ ભરી દીધી છે ને આ મહાત્મા જોડે આટલા આટલા માસ સુધી તને વાત સરખી કરવા પણ દીધી નથી – એક ઘડી હૃદય ઉઘાડવાનો અવસર આપ્યો નથી – તેની સાથે બે ઘડી આજની રાત તું બોલી લે, ત્હારે ક્‌હેવાનું છે તે કહી લે, ને તેને ક્‌હેવાનું હોય તે સાંભળી લે ! આથી બીજું કાંઈ પણ કરવાનું અમે તેને ક્‌હેતા નથી. ત્હારી સક્ષમ પ્રીતિનું ફળ તું આટલાથી મેળવીશ અને પછી પ્રાતઃકાળે તું કહીશ તો ચંદ્રાવલીમૈયા તને માજી પાસે લઈ જશે.”

કુમુદ બોલ્યા વિના નીચું જોઈ રહી અને એનું સ્મરણ આ વાક્યમાંનું સત્ય સ્વીકારતું હોય તેમ બુદ્ધિધનના મન્દિરમાં પોતે ગાયેલી કડીયો અત્યારે હૃદય હૃદયમાં જ ગાવા લાગ્યું.

“પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય !
“છાતી પણ જડસમી પ્રિયમૂર્તિ જોઈ નયન અકળાય !
“પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે, નહીં બોલું !
“અપ્રસંગ ભજવતું ચીરાતું મર્મસ્થળ કયાં ખોલું [૧]  ?”

બુદ્ધિમૈયા નામની સાધ્વી સઉની પાછળ બેઠી હતી તે બોલી.

“મધુરીમૈયા ! જે પંચમહાયજ્ઞનો ઉપદેશ નવીનચંદ્રજીને મળ્યો છે તે જ ત્હારા શ્રવણ પુટમાં મધુધારા પેઠે ટપકેલો છે, એ મહાત્મા સાથે મહાયજ્ઞામાં સહચારિણી થવાનો અને અદ્વૈત પામવાનો લાભ શું તને નથી થતો ? એ યજ્ઞામાં એ મહાત્માની વેદી આન્તરાગ્નિથી તપ્ત અને દીપ્ત બને અને તેનું સૂક્ષમ શરીર સંભૂત થઈ હોમાય ત્યારે તે વેદીનું અને પશુનું શું હારે આપ્યાયન નથી કરવું?”

કુમુદ૦– એ અધિકાર આપવાના અધિકારીએ જયાં સુધી મને એ અધિકાર આપ્યો નથી ત્યાં સુધી સર્વે વાત વૃથા છે, મ્હારે એ અધિકાર શોધવો નથી.


  1. ૧. પ્રથમ ભાગ પૃષ્ઠ ૩૧ર.

પ્રીતિ૦– એ સત્ય છે, એટલા માટે જ અમે તને અંહી એકલી મુકીને જઈશું, ત્હારી ઇચ્છા હોય અને તું અમારી સાથે સંદેશો મોકલીશ તો અમે તે લઈ જઈશું ને ઉત્તર આણીશું. તેમ ન કરવું હોય તો અંહી બેઠી બેઠી તું જે કંઈ ઉચ્ચારીશ કે ગાઈશ તે જોડની ગુફામાં બેઠા બેઠા નવીનચંદ્રજી જરુર સાંભળશે. તેમને ત્હારું અભિજ્ઞાન થશે તો અદ્વૈતબળે કે પ્રીતિબળે, રસબળે કે દયાબળે, સાધુજનોની યોજનાને બળે કે ગ્રહદશાને બળે, પણ સર્વથા શ્રી લક્ષ્યરૂપ ઈશ્વરની ઇચ્છાને બળે આ મહાત્મા ત્હારા હૃદયને શીતળ ને શાંત કરવા આવશે. તે ન આવે તો – માનિની ! – તું એમની પાસે જઈશ નહી અને પ્રાતઃકાળે તું કહીશ ત્યાં જઈશું. ત્યાં સુધી મનઃપૂત કરી જે વસ્તુ સુઝે તે આદરજે.

સર્વ ઉઠ્યાં અને કુમુદને એકલી મુકી નીચે ચાલ્યાં ગયાં. કુમુદે તેમની પાછળ ઉઠવા પ્રયત્ન કર્યો, પણ તેનું શરીર પૃથ્વી સાથે ચ્હોટ્યું હોય એમ થયું ને એની ઇચ્છાને વશ થયું નહી. ચારે પાસે રાત્રિ અને ચન્દ્રિકા એકઠાં નીતરતાં હતાં, અને ઉઠવા ઇચ્છનારીને પૃથ્વી સાથે ડાબી દેતાં હતાં. અંતે તે ઉઠી પણ એના ચરણ દાદર પાસે ન જતાં પુલ ભણીની બારી ભણી વળ્યા, બારી બ્હાર દૃષ્ટિ જતાં પાછી વળી, અને દૃષ્ટિ કરનારી ઓટલા ઉપર બેઠી અને છાતીએ હાથ મુકી ત્યાં બેસી જ રહી.

એના હૃદયમાં શું હતું તે એ પોતે જ સમજતી ન હતી. એ વિચારને વશ છે કે વિકારને વશ છે તે એના શરીર ઉપરથી જણાય એમ ન હતું. પણ બિન્દુમતીએ એને એકલી મુક્યા પછી એણે કવિતા જોડી ક્‌હાડી હતી. તેમાં અર્ધી કવિતા તરંગશંકરની જોડેલી હતી. ઇંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથના “ હર્મિટ્ ” નામના લઘુકાવ્યનું તરંગ-શંકરે રૂપાન્તર [૧] કર્યું હતું. તેની એક પ્રતિલિપિ [૨] રત્નનગરીમાં સરસ્વતીચન્દ્રે કુમુદને આપી હતી. તેમાંથી અર્ધો ભાગ રાખી બાકીના અર્ધા ભાગની કવિતા કુમુદે પોતે જોડી ઉમેરી હતી. આ કવિતા સરસ્વતીચંદ્ર સાંભળે એમ અત્યારે ગાવા ઉપર એનું ચિત્ત વળ્યું, વળેલું ચિત્ત પાછું ફર્યું. ન ગાવાને નિશ્ચય થયો.

“એક વાર અગ્નિનો અનુભવ કર્યો – બીજી વાર એ અગ્નિમાં પડવાની કાંઈ આવશ્યકતા નથી.”

“હવે એ કાંઈ મુંબાઈ જાય એમ નથી. આવા વિરક્ત પદનો


  1. ૧. દેશકાળને અનુકૂળ રૂપવાળું ભાષાંતર, Adaptation.
  2. ૨. નકલ
સ્વીકાર કરી હવે કંઈ એ તેનો ત્યાગ કરવાના હતા ? અંહી જ સુખી થશે.

મ્હારા વિના તે સુખી છે અને એમના વિના હું – સુખી તો નથી - પણ સંતુષ્ટ રહીશ અને માજીના ચરણમાં હૃદયનો યોગ કરીશ.”

થોડી વાર તે બેઠી, વળી ઉઠી, ગુફાની ત્રણે ઉઘાડી પાસે દૃષ્ટિ કરવા લાગી, ચંદ્ર દીઠો ને ચમકી, પુલની બારી ભણી વળી, ત્યાં ઉભી રહી, પુલની પેલી પાસની છાયા દીઠી, વળી ચમકી, વળી પાછી વળી, અને વચ્ચોવચ એક પત્થર ઉપર બેઠી.

ઓઠે આંગળ મુકી – “પ્રસંગ ગયો મળવાનો નથી. ઈશ્વરે જ જ્યારે ધકેલી ધકેલી અહીં સુધી મોકલી છે ત્યારે હું તેની ઇચ્છાને વશ થઈ પ્રસંગનો લાભ લેઈશ. જો મ્હારું જ મન પવિત્ર છે તો સરસ્વતીચંદ્રને તેનાથી શું ભય હતું અને મને પણ શું ભય હતું ? પણ એટલું તો ખરું કે મ્હારા મનના ગુંચવારાની ગાંઠો તેમનાથીજ ઉકલશે અને – સુખ તો આ અવતારમાં નથી - પણ – ધર્મ અને શાંતિનો માર્ગ તેઓ મને બતાવી શકશે !”

“પણ મ્હારે માટે તેમને હલકો વિચાર આવશે. મ્હારે માટે તેમણે શું ધાર્યું હશે અને હવે શું ધારશે ? ઈશ્વર જાણે.”

“માજી, મને જીવાડી છે તો જીવનનો વિધિ દેખાડો.”

“એ તો એ જ.”

થોડી વાર તે બેસી રહી – અને અંતે – હીંમત આણી મુખ ઉઘડી ગયું અને ગાવા લાગ્યું.