← દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે. સરસ્વતીચંદ્ર ભાગ ૪
નવરાત્રિ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સરસ્વતીચંદ્રની અશ્રુધારા. →


પ્રકરણ ૫.
નવરાત્રિ.
किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥

મધુरी આકૃતિને જે અડકે તે તેના શૃંગારરૂપ થઈ જાય છે

કાલિદાસ
विश्रम्य विश्रम्य तटद्रुमाणाम्
छायासु तन्वी विचचार काचित
स्तनोत्तरीयेण करोद्धृतेन
निवारयन्ती शशिनो मयूखान् ॥
શૃંગારશતક - ભર્તૃહરિ

નવીનરૂપ ભાષાંતર – “કોઈ એક સુંદરી, નદીના તટ ઉપર ઝાડે ઝાડે તેની છાયામાં વીસામો લેતી લેતી ચાલતી જાય છે, અને દૂર આકાશમાં ચંદ્રનાં કિરણ પોતાનાં હૃદયભણી આવે છે તે હૃદયમાં પેંસતાં અટકી શકે એવું હોય તેમ, પોતે પ્હેરેલા સૂક્ષ્મ વસ્ત્રનો જે છેડો એ કિરણ અને એ પોતાની છાતી વચ્ચે છૂટો હતો તે છેડાને હાથવડે ઉંચો કરી કરી, ચંદ્રનાં એ કિરણને છાતી આગળથી દૂર કરવા પ્રયત્ન કરતી જાય છે!”

દુલારી મધુરી મ્હારી દુલારી ! - દેખ દેખ યહ મૈયાકા ખેલ”– એવું બોલતી બોલતી બેટની બાવી ઝુંપડી બહાર આવી અને ચૈત્રમાસને સાયંકાળે સમુદ્રના સામું જોતી માતાના ઓટલા ઉપર બેઠેલી બાળાને પાછળથી બાઝી પડી અને નીચી વળી ચુમ્બન કરી એની સુન્દર આંખો સામું જોઈ રહી.

"ચંદ્રાવલી બ્હેન? હું માજીનું ઘણું ધ્યાન ધરું છું, પણ હૃદયનો પુરુષ હૃદયમાંથી ખસતો નથી.” ન્હાના કરપલ્લવવડે આંખનાં આંસુ લ્હોતી લ્હોતી બાળા બોલી અને સમુદ્ર સામું જોઈ રહી.

“બેમાંથી કયો પુરુષ ખસતો નથી?” જોડે બેસી ચંદ્રાવલી પુછવા લાગી.

“જે પુરુષની સાથે સંસ્કારથી હું ચોરીમાં જોડાઈ હતી તે પુરુષ તો મ્હારા મરણ–ભાનથી સુખી થશે. એટલો મને માજીના ધામમાં આવવાથી જંપ છે. પણ જે મહાત્મા મને પોતાના સંસારમાંથી છુટી કરી પોતાના હૃદયમાંથી છોડતો નથી તેને મ્હારું કૃપણ હૃદય પણ છોડી શકતું નથી. અરેરે! મ્હારે જ માટે એણે લક્ષ્મીનો ત્યાગ કર્યો, પિતાજીનો ત્યાગ કર્યો અને મ્હારો પણ ત્યાગ કર્યો. હવે તો માજીનું તેજ મ્હારા હૃદયના આ અંધકારને નષ્ટ કરે તો હું રાંક પુરી જંપુ." બોલનારીના હ્રદયમાંથી ઊંડો નિઃશ્વાસ મુખની વાટે નીકળ્યો.

પ્રિય વાચનાર, આ બોલનારીને ત્હેં ઓળખી હશે. બાવી ચંદ્રાવલીના પ્રયાસથી ડુબેલી કુમુદસુંદરીનું શરીર હાથ આવ્યું હતું, એના ઉપચારથી એ જીવી હતી, અને ચારેક દિવસ થયાં એના મનનું સમાધાન કરવાને પણ એજ બાવીની પ્રીતિ મથતી હતી. કુમુદનાં સંસારસંસ્કારી ભીનાં વસ્ત્ર નદીમાં નાંખી દેઈ માતાની પ્રસાદીની આછી હીરાગળ ચુંદડી એને પ્હેરાવી હતી તે પશ્ચિમ સમુદ્રની લ્હેરથી ફરફર ઉડતી હતી અને દુઃખી બાળકીની સુંદર નાજુક શરીરવલ્લરી એવા સંર્ગથી પણ વધારે સુંદર પ્રિય લાગતી હતી. એની સર્વ વાતો ચંદ્રાવલીએ સાંભળી લીધી હતી. માત્ર પ્રમાદધન અને સરસ્વતીચંદ્રનાં નામથી તેમ પોતાના અને માતાપિતા અને શ્વશુરકુટુંબના નામથી કુમુદે એને અજાણી રાખી હતી અને તેને માટે ચંદ્રાવલીની ક્ષમા માગી લીધી હતી. સટે ચંદ્રાવલીએ - એનું નામ મધુરી પાડ્યું હતું, દયા અને વ્હાલ આણી ચંદ્રાવલી એ કુમુદને શાંત કરવા માંડી.

“મધુરીમૈયા ! આ બેટમાં આવતા પ્હેલાંનું પાણી આ સ્વર્ગનું દ્વાર સમજ, અને એ દ્વારમાંથી આ માજીના ધામમાં તું આવી ત્યાંથી મૃત્યુલોકનો ત્હેં ત્યાગ કર્યો એમજ તું સમજ. જેવો એક પુરુષ ત્હારા હૃદયમાંથી ખસ્યો તેવો જ બીજો પણ ખસશે એટલી માજીના ઉપર શ્રદ્ધા રાખ.

કુમુદના મુખ ઉપર સંધ્યાકાળની છાયા પડતી હતી તેવીજ એના હૃદયની પણ છાયા પડતી હતી. કાંઈ ઉતર દીધા વિના, પાછળ ઉગતા ચંદ્રની કૌમુદી, આગળ સમુદ્ર ઉપર, ચાદર પેઠે પથરાતી હતી તેટલુંજ એ જોઈ રહી.

ચંદા૦- “બ્હેન મધુરી ! આ જોઈ ચંદ્રની પ્રભા ? પાછળ આ ચંદ્ર તો જો !”

“શું ચંદ્ર મ્હારી પાછળ છે ?” ભડકીને કુમુદે પાછળ જોયું, અને ચમકી જાગી પાછી આગળ દૃષ્ટિ કરતી ભ્રમર ચ્હડાવી ગાવા લાગી.

"किमसुमिर्ग्लपितैर्जङ मंन्त्रसे
"मयि निमज्जतु नीमसुतामनः।
"ममं किल श्रुतिमाह तदर्थिकाम्
"नलपरामपरो विबुधः स्मरः॥[]

બોલતાં બોલતાં એના મુખ ઉપર લજ્જાનો રંગ ચ્હડ્યો. શાંત પડી પાછી બોલી: “ચંદ્રાવલી બ્હેન ! નળનું મન ઉછાળવાની શક્તિને માટે દમયંતીની દેવતાઓએ સ્તુતિ કરી હતી તેવી જ પોતાનું મન ઉછાળવાની શક્તિને માટે આ પુરુષે મ્હારી સ્તુતિ કરી હતી. આવું છતાં એણે મને મ્હારા હિતને માટે છોડી. ક્‌હો વારુ એ તે સંસારી કે જોગી ? હું પણ હવે એના હૃદયની પવિત્રતાને અનુસરી, એના વિચારને છોડી, માજીના ચરણ-સ્પર્શમાં ચિત્ત પરોવીશ.”

ચંદ્રા૦–“ધન્ય, બેટા ! ધન્ય છે. માજીના ચરણ આ મ્હડીમાં છે તેટલા જ ન સમજીશ. એ ચરણ આખા વિશ્વને રોકે છે અને માજીની દીકરીયોના હૃદયમાં સમાય છે માજીની જે મૂર્તિ આપણે સેવીયે છીયે તેતો તેમના યોગને માટે, પણ માજીના સ્વરૂપનું જ્ઞાન જોઈયે તો તેમને અન્ય સ્વરૂપે સમજવાનાં છે. જ્યાં જ્યાં સ્ત્રીલિંગથી નામ છે અને શક્તિ કાર્યથી આકાર છે તે તે સર્વ સ્થાને માજીના સાકાર સ્વરૂપનું જ્ઞાન પામી જા. જ્યાં જ્યાં એ નામરૂપની કારણશક્તિ છે ત્યાં ત્યાં માજીના નિરાકાર સ્વરૂપને જોઈ લે. માજીની મૂર્તિના એકાગ્ર યોગથી તું સંસારને ભુલી જઈશ. એના નિરાકાર સ્વરૂપને પામી તું એના પદને પામીશ, અને ત્હારા હૃદયમાં શક્તિ આરૂઢ થશે. તે પછી સંસારમાં જ્યાં જ્યાં ત્હારી દૃષ્ટિ પડશે ત્યાં એના સાકાર સ્વરૂપનો અનુભવ તું કરીશ અને સર્વત્ર મહાલક્ષ્મીનાં દર્શન કરીશ.”

આ ઉપદેશ સાંભળતાં સાંભળતાં ફરી કુમુદસુંદરી સમુદ્ર ભણી જોઈ રહી અને ઉત્તર દેવાનું ભુલી ગઈ. ચંદ્રાવલી તેને બીજો વિનોદ આપવા લાગી.

“બેટા, હાલ માજીનાં નવરાત્રિ ચાલે છે અને થોડીક વાર પછી સુરગ્રામની સ્ત્રીયો ગરબાનાં દર્શન કરવા આવશે. આપણે ગરબો પ્રકટી મુકેલો છે તેની પાસે બેસી સઉ માજીનો ગરબો ગાઈશું, અને તેમાં એના શુદ્ધ સ્વરૂપને પ્રતીત કરીશું.”


  1. नैषघ

“ચંદ્રાવલી બ્હેન, હું તે પ્રસંગે જરુર અંદર આવીશ. ત્યા સુધીમાં બ્હાર આ સમુદ્રનાં મોજાંમાં નાચતી ચંદનીથી અને તેમાં થઈને આવતા પવનથી મ્હારું મન જરી શાંત કરી લેઈશ. એ ગરબે આવનારાં પાસે હું ઉપદ્રવરૂપ થાઉં નહી. ઓ બ્હેન, હું તમને બહુજ કનડું છું–ખરી ?” દયામણે મુખે કુમુદ પાછું જોઈ બોલી.

“માજીના ધામમાં આવી દીકરીઓ પોતાની વરાળ ક્‌હાડે એ તેમનો અધિકાર છે. વારું, બેટા મધુરી, પણ તું કાંઈ ગાઈ લાગીશ?"

“ શા વાસ્તે ન ગાઉં ? પણ મને તો મ્હારા હૃદયની કથાના ઢાળ ગાતાં આવડશે અને એમાં તો પુરુષની વાત આવે તે માને કુંડું ન પડે?"

નાક નીચે બે આંગળીયો ધરી, થોડી વારે તેને કુમુદના સામી ધરી ચંદ્રાવલી ક્‌હેવા લાગી: “ બ્હેન, આ બેમાંથી એક આંગળી ધાર જોઈએ !”

ધીરે રહી કુમુદે એક આંગળી ઝાલી.

“ચાલ બ્હેન, માજીની આજ્ઞા આવી. ત્હારે ગાવું હોય તે ગાજે"

“ત્યારે તમે જાવ હું અંહીં બેઠી બેઠી ગોખી મુકીશ.”

ચંદ્રાવલી મ્હડીમાં ગઈ અને કુમુદ એકલી પડી. મ્હડીમાં સ્ત્રીઓ એકઠી થતી હતી અને તેમના પરસ્પર મિશ્ર સ્વર બહાર આવતા હતા. સમુદ્રનાં ચ્હડતાં અને કીનારા સાથે અથડાતાં મોજાંનાં ઘડીયે ઘડીયે થતા પછાડાની ગર્જના એ સ્વરોને પોતાનામાં મેળવી દેતા હતા. કુમુદના કાન આગળ આ તોફાન થતું હતું અને ચિત્તને શાંત કરવા પ્રયત્ન કરતું હતું. સંસારની વિચિત્ર ગર્જનાઓમાંથી છુટી શાંત સ્થળે આવેલીના કાનમાં આ મોજાંઓના ઉછાળા અને ગર્જનાઓ અવ્યક્ત પણ પ્રિય અક્ષરનો સેક કરતાં હતાં અને તેમના અભિષેકથી આ ત્હાડકે એના હ્રદયાગ્નિના અંગારાને કજળાવી નાંખ્યા અને તે અંગારાને સ્થાને સુક્ષ્મ ઉષ્ણ ભષ્મ રહી. જડ સૃષ્ટિના તોફાને મનુષ્ય સૃષ્ટિના ઉદ્વેગને શાંત કર્યા.

થોડીક વારે કુમુદ કંઈક ટટ્ટાર થઈ અને મસ્તક ઉંચું કરી આસપાસ દૃષ્ટિ ફેરવવા લાગી. પાણી ઉપર ચંદની ફરી વળતી હતી અને રુપેરી સંધાતાં મોજાંમાં એનો પ્રકાશ અંદર સરી જતો હતો, ભાગતો હતો, સંધાતો હતો, અને વાંકોચુકો થતો હતો. છતાં ચંદની એવી ને એવી કોમળ સુંદર લાગતી હતી. ઉંચી થતી અાંખ એ દશાને જોવાં લાગતાં કુમુદને પ્રીતિચંદ્રિકા જેવી, સુન્દરતાની મૂર્તિ જેવી, અને કોમળતાના આત્મા જેવી, પોતાની સાસુ સાંભરી આવી.

“અરેરે ! મ્હારા જેવી કૃતઘ્ન કોઈ નથી. સમુદ્રનાં મોજાં જેવા સુખદુ:ખમાં ત્રુટતા સંધાતા કાળજાને આ ચંદ્રિકા જેવું જ સુંદર કોમળ રાખનાર મ્હારાં પૂજય સાસુજી તો જગતમાં એક જ જન્મ્યાં છે. એમની પ્રીતિનો બદલો વાળવાનો તો રહ્યો, પણ આ મ્હારા કૃત્યથી એમના હૃદયને કેટલો શોક થયો હશે ? એમના કોમળ સ્વભાવ ઉપર કેવો ઘા પડ્યો હશે ? એમની વત્સળતાને કેટલું ઓછું આવ્યું હશે ? એમને જીવવું કેવું અળખામણું થઈ પડ્યું હશે ? એમનો દિવસ કેમ જતો હશે ? એમને રાત્રે કેવા ઉજાગરા પડતા હશે ? ઈશ્વરે એમના જેવા સુપાત્રમાં મુકેલા સૌભાગ્યકુંકુમમાં હું દુષ્ટાએ દુર્ભાગ્યનો કોયલો નાંખ્યો ! એમના જેવાં ઉદાર અને મ્હોટા હૃદયનાં સાધુજનને મ્હારા જેવી કાળી નાગણે દંશ દીધો ! એમનાં જેવાં જગદમ્બાનો મ્હેં પાપણીએ તિરસ્કાર કર્યો ! ઓ ગુણીયલ ! તું મ્હારી મા છે પણ મ્હારાં દેવી તો ત્હારા સ્વપ્નમાં પણ ન આવે એટલી મને ગણે છે અને ઢાંકે છે એમનું કર્યું ત્હારાથી કદી થવાનું નથી. મ્હેં એમનો એવો અપરાધ કર્યો છે કે – ગુણીયલ, ત્હારે મ્હારું મ્હોં પણ ન જોવું જોઈએ. પણ આવા સહસ્ત્ર અપરાધોને અંતે હું જે મ્હારી રાંક દેવી પાસે જાઉં તો એમના જીવમાં જીવ આવે ને મને છાતી સરસી ડાબે ! અરે, એમણે પેટના દીકરાને કે દીકરીને ગણ્યાં નથી એટલી મને ગણી છે, ઓ પરમેશ્વરી ! હું ત્હારે ખોળે પડી છું તે મને કંઈ એવો માર્ગ દેખાડ કે હું રંકને હાથે લાગેલું એ દેવી-રત્ન પોતાનું તેજ ન ખુવે. મને માર્ગ સુઝતો નથી. મને શું સુઝ્યું ? મને તે બ્હારવટીયે નદીમાં ખેંચી લીધી કે હું જાતે પડી ? હું જાતે જાણી જોઈને પડી કે વિચારમાં ને વિચારમાં પડી ગઈ? વિચારમાં પડીને પડી કે રેતી સરીને પગ સરી ગયો ? મને કાંઈ સાંભરતું નથી, સુઝતું નથી, સમજાતું નથી, અને મ્હારાથી કંઈ કલ્પાતું પણ નથી.”

ઘડી વાર નીચું જોઈ રહી વળી ઉંચું જોયું ને પવનની લ્હેરો જોરથી સમુદ્રપર અથડાતી સાંભળી, ને કુમુદ બોલી ઉઠી. “અલકબ્હેન ! અલકબ્હેન ! આમ શું કરો છો ! તમે મ્હારે માટે કેટલું કલ્પાંત કરી મુક્યું હશે તે આ જોઉંછું ને જાણી જાઉંછું. પણ તમે તમારા ભાઈની સાથે મ્હારી બાબતમાં લ્હડશો નહી હો ! હું જાણું છું - કે - લ્હડ્યા વિના તમારાથી ર્‌હેવાવાનું નથી, પણ હવે એમને બીચારાને સુખે જંપીને બેસવા દેજો. મ્હેં એમના સુખનો માર્ગ મોકળો કરવાને જ આ કરેલું છે.”

“ને કરંતો મન્દ ઘુંઘાટ ભર આનન્દશું,
“ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું ?”

“કુસુમમાળાની આ કડી મ્હેં સમજાવી ત્હારે અલકબ્હેને એમજ કર્યું હતું – ને એટલામાં પિતાજીએ બારીમાં ડોકીયું કર્યું કે બ્હેન શરમાઈ ગયાં હતાં.”

“અહો પૂજ્ય પિતાજી ! ઉજાગરા કરી કરી, શિરસટ્ટાનાં જોખમ વ્હોરી વ્હોરી, તમે કીનારે આવ્યા ત્યાં મ્હેં તમને ડુબાડ્યા જેવું જ કર્યું ! તમારું મહાન્ ઘર મુકી હું અહીંયાં આવી ને તમારા પવિત્ર યશને લાન્છન લગાડ્યું ! મ્હેં અભાગણીએ તમને લાજ લગાડી ! તમને ડુબાડ્યા !”

તે નીચું જોઈ રહી. થોડી વારમાં એનું મન પાછું ચસક્યું ને બીજે સ્થાને દોડ્યું.

“સરસ્વતીચંદ્ર ! શું તમે ડુબશો જ ! શું તમે હતા તે સ્થાને નહી જ ! જાવ ! શું તમારા દુર્ભાગ્યની હું સાધન જ થઈ? ”

“કોઈને નામે કોઈ તરે છે, કોઈ ડુબે ને ડુબાડે !
“હું ચાણ્ડાલિની ડુબું ડુબાડું ! જ્યાં જઉં ત્યાં હાડે હાડે !
"લક્ષણવતીનાં ચરણ અડકતાં નવપલ્લવ કોઈ વેલી થતી,”*[]
“હું જ અમંગળ શ્વાસ લઉં ત્યાં લીલી વેલીયો બળી જતી !
“શાને જન્મ દીધો મુજને? પત્થર હું નહીં પેટ પડી !
"મરણ શરણ પણ ન લખ્યું લલાટે ! પનેતોં હું તુજ લોહ તણી!”


અત્યારે અર્ધચંદ્ર મધ્યાકાશમાં આવ્યો હતો. ઘોળી ઘોળી વાદળીયો ક્વચિત તેની આશપાસ તો ક્વચિત તેના ઉપર થઈને ચાલી


  1. * લક્ષણવતીનાં પાદપ્રહારાદિથી અશોક વગેરે સપુષ્પ થાય છે એવી જુના કવિઓની કલ્પના છે.
જતી હતી અને તે પ્રસંગે વાદળીયો વચ્ચે થઈને ચંદ્ર સામે ધસતો

દેખાતો હતો. માત્ર તેના અને તારાઓના અને તેમના અંતરથી જણાતું હતું કે આ દેખાવમાં ખરો વેગ તો વાદળીયોનો છે – ચંદ્રનો નથી.

આણી પાસ આકાશમાં ચંદ્રની આ સ્થિતિ હતી તે કાળે એના પ્રકાશથી સમુદ્રપર આઘે એક વ્હાણ ઉંચું નીચું થતું દેખાતું હતું. એ ચંદ્ર અને એ વ્હાણ ઉપર વારાફરતી દૃષ્ટિ ફેરવતી બાળા ઉભી થઈ આકાશમાં ચંદ્રને વાદળીયો ડુબાડે છે અને સમુદ્રમાં વ્હાણને વાદળીયો જેવાં મોજાં ડુબાડે છે, શું તેમને આ સદ્ભાગ્ય છે અને મને નથી ? આમને આમ સમુદ્રમાં હું ચાલી જાઉં તો મને કોણ અટકાવનાર છે ?”

બ્હીતે બ્હીતે કુમુદે આગળ પાછળ દૃષ્ટિ ફેરવી. એની આંખમાં ચંદ્રનું પ્રતિબિમ્બ ચળકતું હતું અને સાગરનું પ્રતિબિમ્બ સમાયું હતું. એ આંખમાં બીજી કોઈ ચીજ પેસી શકી નહીં, એણે શૂન્ય ફીકું હાસ્ય કરવા માંડ્યું.

“હં હં હં હં ! હવે હું એકાંતમાં છું શેલી જેવા રસિક કવિને સમુદ્રમાં સુવાનો અભિલાષ હતો તે ઈશ્વરે પુરો પાડ્યો – સરસ્વતીચંદ્રે જ તે વાત મને કહી હતી. હું રાંક અબળા હોડી ક્યાંથી લાવું ? પણ વિશ્વંભર છે તે મ્હારા સામું પણ જુવે છે.”

એ જરાક આગળ ચાલી અને પગની પ્હાનીએ પાણી અડક્યું.

“હા ! જરાક આગળ ચાલીશ કે પાણી ઢીંચણ સુધી આવશે. જરીક આગળ જઈશ કે કેડ સુધી આવશે, જરીક આગળ ખભે – ને પછી - માથા ઉપર પાણી ફરી વળશે ને દુ:ખી કુમુદ હતી ન હતી થઈ જશે ! બીચારી ચંદ્રાવળીના થોડાક ભિક્ષાન્નમાં ભાગ પડાવવાનું મ્હારે માથે બાકી હતું તે પાપ લીધું. હવે સર્વ પાપ અને સર્વ દુ:ખમાંથી મુક્ત થવાનો વારો આવ્યો. માજીના મંદિરમાં આવી ને માજી માર્ગ દેખાડે છે. આણી પાસથી તણાઈ ત્યારે બેટ સાથે અથડાઈ પણ હવે આ સમુદ્ર ભણી તો બેટ નથી જ. દિવસે તણાઈ તો બધાંયે દીઠી ને ઉગારી; પણ આ અન્ધકારમાં તો કોઈ જુવે એમ નથી જ !”

કુમુદસુન્દરી હવે પાણીની કીનારી આગળ પગ પલાળી ઉભી, કચ્છ માર્યો, કેડે ચુંદડીની ગાંઠ વાળી, અને માતાના મન્દિર ભણી પાછું મુખ કરી પાછી વળી, અને આકાશ ભણી જોતી હાથ જોડી નમ્ર સ્વરે બોલવા લાગી.

“ઈશ્વર અને ઈશ્વરીને નામે જેને જગત જાણે છે તે ઓ માજી! આ સંસારમાં તમે મને જન્મ આપ્યો, મને ક્ષણવાર મહાત્માનો આસંગ કરાવ્યો, અને અંતે તમે મ્હારા મનમાં એવી શ્રદ્ધા ઉત્પન્ન કરી છે કે તેમની તો શું પણ કોઈની કૃપાને હું પાત્ર નથી અને આ તમારી પવિત્ર સૃષ્ટિમાં રહેવાને હું રંક અનાથ બાળામાં યોગ્યતા પણ નથી અને શક્તિ પણ નથી. તો, માજી, હવે હું તમારાં નિરાકાર ચરણારવિન્દને પામવાનો પ્રયત્ન કરુંછું તેમાં નિરાશ ન કરસો. જાતે દેહ છોડવો એ લોકમાં પાપ ગણાય છે; એનું ફળ કષ્ટ ગણાય છે. પણ, મ્હારા જેવીને આ સંસારમાં ર્‌હેવું જેટલું કષ્ટ ભરેલું છે એવું કષ્ટ કોઈ પણ નરકમાં નહી હોય – અને – માજી, સંસાર અને તમારા મન્દિર વચ્ચે યમરાજનું ધામ છે તો ગમે તેવું પણ એ ધામ તમારા મન્દિરની પાસે છે એટલો તમારી પાસે આ સંસાર નથી. માજી, નથી ! નરકમાં પડ્યા પછી માણસને કપાળે વધારે પાપ કરવાનું લખેલું નથી. ત્યાંથી તે શિક્ષા પુરી થતાં તમારી પાસે જ આવવાનું, માટે માજી ! હું એ દુ:ખ ખમીશ અને તમારી પાસે આવીશ. માજી! મને એટલું ધૈર્ય આપો – એટલી મ્હારી છાતી ચલાવો.”

“માજી, હું દુ:ખી છું, અધમ છું, પાપી છું, મ્હારો કોઈને ખપ નથી, હું તમારી પાસે આવવા આતુર છું – મ્હારે આ સંસારમાંથી છુટકારો જોઈએ છીયે. માજી, સહસ્ત્રવાર ક્ષમા માગું છું, સહસ્ત્રધા આશ્રય માગું છું, અને હવે મ્હારાં દુઃખનો અંત આવ્યો સમજું છું.”

દક્ષિણ દિશા ભણી ફરી અને ઉભી. આઘેની ઉંચી ભેખડો અને તે ઉપરનાં ઝાડો અન્ધકારના પર્વત અને તેનાં શિખર જેવાં જણાતાં હતાં. યમરાજની એ દિશાને નમસ્કાર કરતી કરતી બોલી.

“પાસે છે જ પ્રકાશ, આધે છે અન્ધકાર,
“જીવન આ, એ પડદો મરણનેા! પાસે ૦
“પાસે છે સંસાર, આઘે એ યમરાજ,
“દુખ છે સંસાર, સુખ યમગૃહે ! પાસે૦
“ક્રુર છે આ સંસાર, દયાળુ યમરાજ,
“અશરણશરણ યમ ! નમો નમો ! પાસે૦
“યમ ! છો ધર્મરાજ, તમથી હું છું સનાથ,
“ધર્મરાજ, મને લ્યો ઉપાડીને ! પાસે૦ ” ઉત્તર દિશા ભણી ફરી; રત્નનગરી એણી પાસ જ હતી, એ નગરીને

અને માતાપિતાને સંભારતી રોવા લાગી અને ઓઠે આંગળી અરકાડી બેાલવા લાગી.–

“ઉત્તરમાં છે તમ વાસ, વ્હાલાં માત ને તાત !
“છેલા કરું છું પ્રણામ – છેલા કરું છું પ્રણામ !
“વ્હાલાં માતાપિતાને નમું !
“મ્હારા વ્હાલા ઓ તાત ! મ્હારા વ્હાલા ઓ તાત !
“છેલા કરું છું પ્રણામ ! છેલા કરું છું પ્રણામ !
“ધર્મધીર છો ! કુમુદને ભુલજો !
“મ્હારી વ્હાલી ઓ માત ! મ્હારી વ્હાલી ઓ માત !
હૈયું ફાટશે, ઓ માત ! હૈયું ફાટશે ઓ માત !
“ત્હારું સંભારી રાંક કુમુદને !
“માડી ! કરજે તું માફ! માડી ! ત્યજજે સંતાપ ।
“મ્હારો દુખીયારો બાપ, કુંળા હૈયાનો બાપ !
“મને ભુલી એને ધેર્ય આપજો !
“એકલી અ.. જાણી આજ, ભુલી ભટકતી આજ,
“મુકી માતાને તાત રોતાં હૈયા રે ફાટ !
“કુમુદ થાય છે જળશાયિની !
"મ્હારા વ્હાલા ઓ તાત ! મ્હારી વ્હાલી ઓ માત !
"આંસુ જશે ચોધાર, રોશે હૈયા રે ફાટ,
“મોઈ દીકરી ! બીજી વાર નહી મરે !
“માડી કરજે તું માફ ! માડી ! ત્યજજે સંતાપ !
“મ્હારો દુખીયારો બાપ ! કુંળા હૈયાનો બાપ !
“ભુલી દીકરી ભુલાઈ ના જશે !”

આટલું બોલતાં બોલતાં, રોતી, કકળતી, આંસુથી ન્હાતી, શરીરે શીત આવ્યાથી ધ્રુજતી, કુમુદ કીનારાના છાછર પાણીમાં પડી ગઈ અને પાણી ઉપર કેમળ કાયા અથડાયાથી સમુદ્રની છાલક ઉંચી ઉડી અને એ જડ જળનિધિને પણ દયા આવી હોય અને તેનાં આંસુ ચારે પાસ છંટાયાં હોય એમ થયું.

કુમુદ જાગી હોય તેમ પાણી વચ્ચે પાછી ઉભી થઈ અને, આંસુ લ્હોઇ, દશે દિશાએ દૃષ્ટિ કરતી કરતી ચાલી. આગળ પગલાં ઉપાડવા માંડ્યાં, બે હાથ છાતીએ મુક્યા, અને વળી જરીક ઉભી રહી, ઓઠ કરડી, બોલી:

“હવે, માજી મને સહાય થયાં અને યમરાજે મ્હારો હાથ ઝાલ્યો ! હવે મ્હારી છાતી ચાલવા લાગી ! હવે મ્હારો છુટકારો નક્કી થયો !

“ચળકે ચંદ્રનું સઘળે તેજ,
“ગાજે સાગર ચારે મેર !
“વચ્ચે એકલી ઉભી હું નાર !
“જડે નહી સુખ-સરજનહાર.
“બની ઘેલી દેખી સંસાર,
“ત્યજવા એને હું થઈ તયાર;
“પીયુ જોઈ વિરહિણી રાચે જેમ,
“નીરખું મરણુ ઉમંગે તેમ.
“ચ્હડું ઉમંગની લ્હેરે આજ.
" સજજ થયે મુજ સુખને સાજ.
“છોડું તાત ને છોડું માત,
"ગુણીયલ મ્હારી ! કરજે માફ.
“તુજ પેટે ધરીને અવતાર,
“કુખ લજવી ત્હારી મ્હેં, માત.
“જમ ! આ જગત થકી છોડાવ !
“ભાર જીવવાનો ઉતરાવ !
“આ સંસારથી ઘસડી જાવ–
“પછી ગમે ત્યાં જમ લઈ જાવ !*[]
“લ્હાવો લેવો, ત્યજી સંસાર,
“તો શો સ્વર્ગનરકમાં ભાર ?”

  1. *Mad from life's history,
    Glad to death's mystery
    Swift to be harl'd
    Anywhere ! anywhere,
    Out of the world !
    Hood's Bridge of Sighs.
“પ્રિય સરસ્વતીચંદ્ર ! મરણમાં તમારા હેમ્લેટ્ જેવી બ્હીક મને

લાગતી નથી !

“જીવ્યું જોઈ ગાંડી થઈ હું તો,
“મરણપર મોહી પડી છું હો ! જીવ્યું૦
“જીવ્યું મુકી જાવું જડે કંઈ તો
“નરકમાં યે સુખ વિશેષ જ હો ! જીવ્યું૦
“અમુઝણ છોડી, છુટાય જ, તો,
“મરણ પછી પથ ગમે તે હો ! જીવ્યું૦
“આંખ મીંચી જાવું ગમે ત્યાં હો !
"બાપુ જમ ! ઘસડ ગમે ત્યાં જો !'

તેનો સ્વર બંધ થઈ ગયો. ધીરે ધીમે પણ સ્થિર પગલે હવે તે આગળ ચાલવા લાગી. તેની દૃષ્ટિ સામે જ જોઈ રહી હતી; આગળ, પાછળ, ઉંચું કે નીચું, જોતી તે બંધ રહી. તેના પગને સામેથી મોજાનાં ધસારા અટકાવી ન શક્યા, તેમ પાછાં વળતાં પાણીના હેલારાથી તે ધક્‌કેલાઈ પણ નહી. એની ગતિ હવે એની પોતાની જ હતી અને તેની સ્વતંત્રતાને વધારવા ઘટાડવા જગત અશક્ત નીવડ્યું. એની આંખમાં આગ્રહનો આવેશ તેજ ધરી ચ્હડ્યો અને દાંતની હારોએ કોમળ પાંદડાં જેવા બે ઓઠને કરડી કબજે રાખી લીધા. નવી જન્મેલી હાથણીની પેઠે નાજુક કુમ્ભ, સ્થળ આગળ કરી એની છાતી એના કોમળ પગને ખેંચવા લાગી. શરીર અને મનને બળવાન સાંકળથી બાંધી બાળા આમ આગળ ચાલવા લાગી અને એની સત્તા અપ્રતિહત થતી લાગી ત્યારે માત્ર એના આંસુએ એની આજ્ઞા પાળવા ના પાડી, અને એ આજ્ઞાને બળે પડેલાં આંસું સુકાવા પામતાં તે પ્હેલાં એ આજ્ઞાનો તિરસ્કાર કરી નવાં આંસુ આગળ ધસી આવતાં હતાં, અને આંસુના પ્રત્યેક બિન્દુમાં સરસ્વતીચંદ્રની છબી જોતી જોતી એ ચાલી.

પાછળના ચંદ્રના તેજથી કુમુદસુંદરીની છાયા સમુદ્ર ઉપર આગળ પથરાઈ હતી. આગળ છાયા અને પાછળ બાળા એમ બે જણ વધવા લાગ્યાં તેમ તેમ શરીર પાણીમાં સંતાતું હતું, બ્હારથી ઘટતું હતું, અને છાયા ચળકતાં મોજાંમાં ન્હાની મ્હોટી થતી કુદતી હતી.

કેડ સુધી કુમુદસુંદરી ડુબી. તેની કોમળ છાતીને પાણીની છાલકો વાગવા લાગી, અને વાગવા લાગી તેની સાથે જ તેના કાનમાં નવીન સ્વર આવવા લાગ્યો. અનાહત નાદ તો તે ન હતો, કારણ આ સ્વર બ્હારથી આવતો હતો. મનુષ્યનો સ્વર તે ન હતો, કારણ કોઈ મનુષ્યનો સ્વર સાગરના ધુઘવાટ આગળ સંભળાય એમ ન હતું. પળમાં એ સ્વર આકાશમાંથી ચંદ્રની ચાંદની પેઠે સરી પડતો હતો; પળમાં તારાઓમાંથી ખરતો હતા; પળમાં છેટેના અંધકારમાંથી આવતો હતો; પળમાં પવનની લ્હેર ઉપર નાચતો હતો; પળમાં પાછળથી આવતો હતો; પળમાં સમુદ્રનાં આઘેનાં ઉંડાં અગાધ પાણીની અંદરથી રસાતળને ફોડીને બહાર આવતો હતો; અને પળમાં સમુદ્રની ગંભીર ઉંડી ગર્જનાને ભેદીને આઘે ઉંડાણમાં કોઈ ગાનારનું ગાન સંભળાતું હોય એમ એ સ્વર આવવા લાગ્યો. એ સ્વરનું એ ગાન, એ સ્વરરૂપ એ ગાન, પળમાં કુમુદના કાનમાં પેસવા લાગ્યું; પળમાં પાણી નીચે થઈને, એનાં પગમાં થઈને, એના શરીરમાં ચમકવા લાગ્યું; પળમાં એના શોકમ્લાન પયોધરમાં ઉભરાવા લાગ્યું; પળમાં એના હૃદયમાં ધબકારા કરવા લાગ્યું; પળમાં કણ્ઠમાં ચ્હડ–ઉતર કરવા લાગ્યું; પળમાં એના ઓઠને અને નાસિકાને સ્ફુરાવવા લાગ્યું; એની અાંખની કીકીયો, કપાળ, અને મસ્તક ત્રણે સ્થાને વીંઝાવા લાગ્યું. એ ગાનને વશ થઈ એ ગાન સાંભળવાની ધુનમાં ને ધુનમાં, એ આગળ ચાલી, અને સતારના સર્વે તારમાં રણકારા થઈ ર્‌હે તેમ અંતર્બાહ્ય સર્વ સંસારમાં આ ગાનના ચમકારા થવા લાગ્યા.

“ ધીમી ધીમી ચાલી તું તો કરવા ત્હારું કામ !
“ માજીની ઈચ્છા એવી છે કે પાછી હવે તું આવ ! ધીમીo.
“ દીકરી, ત્હારા દીલને દીધો દાનવે દુષ્ટ જ ડ્હા‍મ,
“ શીતળ શાંતિ લેવા માજીની પાસ હવે તું આવ ! ધીમીo
“ શીતળ પાણી સાયરનું છે આગળ ઉંડું અગાધ,
“ પણ તુજ મનનો તાપ શમાવે એ તો ઈશ્વરી માત ! ધીમીo
“ શરીર સુવાડવા સાયર નીચે થઈ છે તું આજ તયાર,
“ પરલોકવાસી તારા હસે છે સાંભળી તુજ વિચાર ધીમીo
“ ચમકે તારા સાંભળી ત્હારા રાંક મધુરા બોલ,
“ રાત રુવે તને રોતી જોતી; મનના પડદા ખોલ ! ધીમીo
“ ચંદ્ર ઉભો છે એકલો ઉંચે દેવા કુમુદને કરાર;
“બેટા, બ્હીને છે શાને તું ? ત્હારે માજીનો સથવાર ધીમીo
“ સાગરમાંથી પાછી નીકળ, માજીની પાસે આવ;
“જખ મારે છે જગત, જનેતાની જોતી અમીભરી અાંખ. ધીમીo
“અાંસું ત્હારાં લ્હોઈ લે, બેટા, ડુસકાં હૈયાનાં શમાવ;
“કુંકુમ ત્હારે લખ્યું જ લલાટે, માનો માથે છે હાથ. ધીમીo
“ઓઠ કરડતી તું, આંખે આંસુની છાલક ચાલી ન માય;
"માજીનું હૈયું પણ, તુજ દુખ આ દેખી, ભરાઈ જાય, ધીમીo
“ત્હારા દુખનો આરો હવે તો આ પાસે દેખાય,
“માજી ચાંપે હૈયે તને, હવે, બેટા, તું પાછી આવ ! ધીમીo
“સાયર આવો આભસરીખો ઘોર ગાજે દિનરાત,
“ક્યાં એ ને ક્યાં કોમળ કળી સમી, દીકરી, ત્હારી જાત ? ધીમીo
“ સાયરને ત્યજી, માજીને મોંઘે ખેાળે તું, બેટા, બેશ;
“ખોટી રે કાયા, ખોટી માયા, માજી જ માજી હમેશ. ધીમીo ”

ગાનનો આરંભ થયો ત્યાં કુમુદનો પગ જરીક અટકી પાછો ચાલવા લાગ્યો. ગાન વાધ્યું તેમ તેમ એ ચમકવા લાગી, અને ગાન પુરું થયું ત્યાં એના પગે આગળ ચાલવા સ્પષ્ટ ના કહી. આવે રાત્રિને સમયે સમુદ્ર ઉપર એકાંતમાં એ ગાન કોણ કરેછે તે સમજાયું નહી. ગાન કોણ કરે છે એ પ્રશ્નનું નિરાકરણ થતા પહેલાં તે ગાનની અસર એના હૃદયમાં વ્યાપી ગઈ અને સર્વ વિચારને અસ્ત કરી નાંખ્યા. કલમના ખેતરની રખવાળ યુવાન કણબણનો લલકાર સાંભળી ચમકેલી હરિણી ગાન સાંભળવાની લ્હેમાં ડાંગર ખાવાનું ભુલી જાય*[]તેમ અત્યારનું ગાન સાંભળી ચમકેલી કુમુદ પોતે આરંભેલો અર્થ પળવાર ભુલી અને હરિણીના જેવી આંખેથી ચારે પાસ દૃષ્ટિને ચપળ કરી ફેરવી એક ટશે સ્થિર કરવા લાગી. પળવાર ભુલાયલા વ્યવસાયનો સ્મરણમાં ફરી ચમકાર થતાં એ આગળ પગ ઉપાડવાનું કરે છે અને ઉંડાં પાણીમાં ધસવા ચંચળ થાય છે ત્યાં એની પાછળ પાણીમાં કંઈક પછડાયું અને તેની સાથે ચંદ્રાવલીનો હાથ કુમુદના શરીરની ચારે પાસ વીંટાઈ વળ્યા, અને એ માયાળુ સાધુજનનો કોમળ સ્વર કુમુદના કાનમાં સ્થિર ગતિથી આવ્યો.


  1. *विगतशस्यजिधत्समघट्ट्यत्
    कलमगोपवधूर्न म्रूंगव्रजम् ।
    श्रुततदीरितकोमलगीतक-
    ध्वनिमिषे ऽनिमिषेक्षणग्रत: ॥ માધ.
“મધુરી મધુરી ! ત્હારો આટલો જ વિશ્વાસ ? બેટા, જો તું પાછી

ન ફરે તો તને માજીની આણ છે.”

બીજી બે ચાર સ્ત્રીયો એની આશપાસ ફરી વળી. કુમુદ પાછી ફરી, અને ચંદ્રાવલીને બાઝી પડી, એની છાતીમાં મ્હોં માથું સંતાડી દેઈ, મોકળું મુકી મ્હોટે સ્વરે રોઈ પડી ને રોતી રોતી બોલી: “ હું શું કરું ને ક્યાં જઉં રે, મ્હારી મા? ચંદ્રાવલી બ્હેન, તમે મ્હારી માતાના કરતાં વધારે હેત રાખો છો પણ મને કાંઈ સુઝતું નથી – ને મ્હારાથી નથી ર્‌હેવાતું રે મ્હારી મા?” કુમુદે ફરી ઠુઠવો મુક્યો, અને ચંદ્રમંડળ ભણી એ સ્વર ચ્હડયો.

એનું આશ્વાસન કરતાં સઉ એને લેઈ માતાના ઓટલા ઉપર ચ્હડયાં, એનાં ભીનાં વસ્ત્ર બદલાવ્યાં, અને માતાની સેવા પડતી મુકી દીકરીને શાંતિ આપવા ઉપચાર કરવા લાગ્યાં. કુમુદસુંદરી કોઈને મ્હોં દેખાડતાં શરમાઈ અને માત્ર ચંદ્રાવલીની સોડમાં ભરાઈ, એના ખોળામાં મ્હોં સંતાડી, પાસે બેસી રહી. એના હૃદયના ધબકારાથી અને અટકવાની અશકિતને લીધે ઘડી ઘડી ઉથલો મારતાં ડુસકાંથી, એ જીવતી છે અને જાગતી છે એમ સિદ્ધ થતું હતું. એ જગાએ સઉ આસપાસ ફરી વળી બેઠાં અને એના મનને કળ વળે અને બીજી વાતોમાં એનું ધ્યાન જાય એમ ધીરે ધીરે સઉ કંઈ કંઈ વાતો ક્‌હાડવા લાગ્યાં. સ્ત્રીયોની સંખ્યા પણ આઠદશની થઈ ગઈ ચંદ્ર પણ મધ્યાકાશમાં આવી ગયો.

સર્વની વાતો ચાલી છતાં કુમુદનું મન તેમાં ગયું નહી. અંતે એક બાવી બોલી.

“ચંદ્રાવલી મૈયા, આપણા ગુરુજીને વ્હાં તો નવીન અતિથિ આવ્યા છે, અને ગુરુજીનો તેમના ઉપર બડો પક્ષપાત છે.”

કુમુદ કંઈક સાંભળવા લાગી.

"ભક્તિ મૈયા, તે કોણ છે અને જુના શિષ્યો મુકી તેમના ઉપર કહાંસે પક્ષપાત થઈ ગયો ?” ચંદ્રાવલીએ પુછયું, ઉત્તર સાંભળવામાં કુમુદનું હૃદય ભળ્યું.

ભક્તિo –“ એ અતિથિનું નામ નવીનચંદ્રજી છે.”

કુમુદસુંદરીના શરીરમાં વીજળીનો ચમકારો થયો. તે સફાળી બેઠી થઈ અને છાતીએ હાથ મુકી સાંભળવા લાગી. ભક્તિમૈયા વધી.

“ગુરૂજીને એ પુરુષનો ત્રિભેટાના અરણ્યમાંથી લાભ થયો અને એ લાભના નક્ષત્રયોગ ઉપરથી પક્ષપાત થયો તે તેની બુદ્ધિ અને વિદ્વત્તા ઉપરથી વધ્યો. ”

કુમુદસુંદરીને જાગૃત થયલી જોઈ, ચંદ્રાવલી બોલી. “મને લાગે છે કે હવે આપણે માજીની સેવાનો આરંભ કરીયે, મધુરીમૈયા, માજીની એક મૂર્તિ વિશ્વરૂપ સાકાર છે; બીજી સાકાર મૂર્તિ એ આકારમાં સમાયલી તે, પ્રતિષ્ઠાથી, પ્રતિમામાં આવાહન પામેલી છે. અમ જોગી કુળની પ્રજાનો વિસ્તાર મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ બાવાના કાળથી નાથકુળને નામે ઓળખાય છે. એ બે મહાયોગીયોના શિષ્યોએ આપણા જેવાં સામાન્ય મનુષ્યોને માટે પટયેાગનો ઉપદેશ કરેલ છે. તે એવી રીતે કે શ્વેતગોળ પટ સામે બાંધવો અને યોગીએ બ્હાર ફરતી ઇન્દ્રિયોમાં આવાહન પામેલી અંત:કરણની વૃત્તિઓને એ ઉજ્વળ પટમાં યુક્ત કરવી, અને એ વૃત્તિઓના આકર્ષક પદાર્થમાત્રની એ પટમાં જ પ્રતિષ્ઠા કરવી, એટલે વૃત્તિયો તેમાં જ યુક્ત ર્‌હેવાની એટલો યોગ અભ્યસ્ત થાય એટલે એ પટને સર્વ પાસથી કાપવો અને ફરી તેમાં એ ને એ જ પદાર્થોની પ્રતિષ્ઠા કરી ફરી યોગ આરંભવો. એ પ્રમાણે એ પટનો છેક ન્હાનો અંશ ર્‌હે ત્યાં સુધી યોગ કરવો. અંતે પટનો નાશ કરી નિરાકારમાં યોગ કરવો. સામાન્ય પ્રજાને આટલા યોગમાં પણ કઠિનતા પડી, ત્યારે ઈન્દ્રિયમય આકારને પ્રત્યક્ષ રાખી ઈન્દ્રિયોના વિષયોની તેમાં પ્રતિષ્ઠા કરવા માંડી અને એ પ્રતિમાના સત્વસ્થાને દેવચરિત્રની પ્રતિષ્ઠા કરી દીધી. બેટા મધુરી ! નાથકુળના યોગ પછી આમ પ્રતિમાયોગ સાધુજનોએ સાધનહીન મનુષ્યોને માટે દર્શાવ્યો. નિરાકાર પુરુષના યોગને માટે શાલિગ્રામ, શિવબાણ, આદિ ગોળ એટલે નિરાકાર જેવા પટના યોગ જેવા યોગ દર્શાવ્યા કે શિવજીના સ્વભાવવાળા શિવજીનો યોગ સાધે અને વિષ્ણુના સ્વભાવવાળા તેમનો યોગ સાધે. એ પણ જેને દુઃસાધ્ય થાય તેને માટે પંચાયતન દેવના આકારના યોગ દર્શાવ્યા. આપણ સ્ત્રીયોની બુદ્ધિયોને માટે, ગોળ અને પૌરુષ પ્રતિમાઓનો યોગ અનુચિત ગણી, માજીની સુન્દર સ્ત્રીપ્રતિમાનો યોગ દર્શાવ્યો છે. સર્વે સુંદર પદાર્થો, સર્વે પ્રિયજન, અને ત્હારા મનનો માનીતો પુરુષ: એ સર્વની માજીના રૂપમાં પ્રતિષ્ઠા કરી લે અને એ યોગથી આ સંસારસાગરને તરી જા. પટયોગના છેલા કડકાનો યોગ થાય તેમજ માજીના ચરણકમલનો યોગ થાય ત્યાં ભક્તિયોગ સધાયો ગણવો, અને માજીના હૃદયકમલમાં સર્વ પ્રિય પદાર્થોની પ્રતિષ્ઠા થઈ જાય ત્યાં નિરાકારનો ભક્તિયોગ હાથ લાગ્યો ગણવો. મધુરી, માછના યોગનું આ સુન્દર રહસ્ય તને દર્શાવ્યું. એ યોગની સાધનાથી તું સંસારસાગરને તરી જવાની. ત્હારા હૃદયનો પુરુષ આ યોગથી તું પ્રત્યક્ષ દેખીશ અને માજીના ભક્તિયોગથી સર્વ યોગને પામીશ. માજીની દીકરીયોને આ યોગમાં, નથી પદ્માસનનું કામ, અને નથી દેશકાળનું કામ. પરણેલા પુરુષોને ત્યજી ગોપિકાઓ શ્રીકૃષ્ણ પાછળ દોડી હતી તે જ રહસ્ય સમજીને ત્હારી ઈન્દ્રિયોએ પરણેલા “બોટેલા” પદાર્થો જ્યાં હોય ત્યાં ર્‌હેવા દે, અને તેમને ત્યજી તેમની પ્રતિષ્ઠા માજીમાં કરી માજી પાછળ ત્હારી ઇન્દ્રિયોને દોડાવ, અને એ યોગથી ભક્તિસાધના કર- જો. મીરાંજી કેવી ભક્તિ કરતાં હતાં ?"

“વાટ જુવે મીરાં રાંકડી, ઉભી ઉભી વાટ જુવે મીરાં રાંકડી !”

“અથવા શ્રીકૃષ્ણની વાંસળીનો અવતાર પોતાના હૃદયમાં થતાં ગોપિકાઓ ઉભી હોય તો ઉભી ઉભી અને બેઠી હોય તે બેઠી બેઠી, રાત્રે કે દિવસે, ઘરમાં કે વૃન્દાવનમાં, સાસરે કે પીયર, સર્વાવસ્થામાં શ્રીકૃષ્ણનો યોગ પામતી હતી, શ્રીકૃષ્ણ અને લક્ષ્મીજી જુદાં નથી. શિવજી અને પાર્વતી જુદાં નથી. એ ગાપિકાઓ શ્રીકૃષ્ણનો યોગ પામતી હતી તેમ માજીમાં તું ત્હારા માતાપિતાનો, પ્રિય પુરષનો, શ્રીકૃષ્ણનો, અને સર્વ કોઈ સુન્દર વસ્તુનો યોગ પામી જા. ત્હારે હવે કુવો હવાડો કરવાનો કે નદી દરીયામાં પડવાનું ગયું. હવે ત્હારો કુવો, ત્હારો હવાડો, ત્હારી નદી, ત્હારો દરીયો, ત્હારે જીવવું હોય તો ત્હારું આયુષ્ય અને મરવું હોય તો ત્હારું મરણ – સર્વ વસ્તુ- હવે તું માજીમાં સમાઈ ગઈ ગણી લે અને તેની માજીમાં પ્રતિષ્ઠા કરી લે. તું જ્યાં જાય,જે કામ કરતી હોય,જે વિચાર કરતી હોય, જે વસ્તુ શોધતી હોય, તે સર્વ સ્થાન, તે સર્વની પ્રતિષ્ઠા માજીમાં કરી લે, અને અસાર સંસારને તરીજા.”

આ યોગવાર્તા કરતાં કરતાં ચંદ્રાવલીને માતાનું સત ચ્હડ્યુ હોય, ને માતાનું એનામાંજ આવાહન થયું હોય, તેમ એના મુખ ઉપર તેજ આવી ગયું, એની વાતોમાં તીવ્રતા આવી, અને એના અક્ષરમાં સત્વ આવ્યું. એના અક્ષર નીકળી રહ્યા ત્યાં સુધીમાં સર્વ એનામાં લીન હતાં અને સર્વને એટલો યોગ થયો. અંતે કુમુદ નરમ પડી બોલી.

“ચંદ્રાવલીબ્હેન, તમે સત્ય કહો છો. સમુદ્રમાંથી હું પાછી આવી તે માજીની બેાલાવી જ આવી છું. હું અન્ય સ્થાને મરણ શોધવાનું ત્યજી માજીના ચરણમાંજ શેાધીશ. ” ભક્તિમૈયા બોલી ઉઠીઃ “ એમ છે ત્યારે ચાલો તમે જ આરંભ કરો,

“ અને તમારા હદયની વાસના બ્હાર નીકળી માજીના ચરણને પામે એવી ગરબી તમે જ ગાવ અને માજીને અર્પો.”

“ હા ! હા ! “ સઉ બોલી ઉઠયાં.

કુમુદસુંદરી સાંભળી રહી, થોડી વાર નિરુત્તર રહી, એના ઉત્તરની વાટ જોઈ સઉ એના સામાં જોઈ રહ્યાં, અને કુમુદસુંદરીએ આંખો મીંચી, અને પછી નિદ્રામાંથી બોલતી હોય તેમ ઝીણો સ્વર ક્‌હાડી, આંખો ઉઘાડી, માતાના ચરણ એક ટશે જોઈ રહી, હાથ જોડી, ગાવા લાગી, ગાતાં ગાતાં રોવા લાગી, રોતાં રોતાં ગાવા લાગી, અને એના આંસુના પ્રવાહ પાછળ એનો સ્વર નીકળે છે કે સ્વરના પ્રવાહ પાછળ આસું નીકળે છે તે કળાઈ શકાય એમ ન હતું. સર્વ સ્ત્રીઓ બેઠી બેઠી એની ગરબી ઝીલવા લાગી, અને સાથે એના શોકને, એનાં આંસુને અને એના રોવાને પણ, ઝીલવા લાગી !

“ માજી ! મને કોઈ જોગી મળ્યો ને વાત કરીને વાહી !
“ ભોગી ભ્રમર હું, તું મુજ કમલિની એમ કરીને સાહી. માજીo”

સરસ્વતીચંદ્ર પિતાને ઘેર એકાંતમાં મળ્યો હતો તે કાળ સ્મરણમાં ખડો થયો, એની અને પોતાની વિશ્રમ્ભકથાઓ સાંભરી, અને પાછળનો પત્રવ્યવહાર મસ્તકમાં તરી આવ્યો. તેની સાથે અકળાઈ ને ગાવા લાગી.

“ દિવસ બધો કોમળ ગુંજારવ મુજ સરવર પર કીધો;
“ હૃદય ઉઘાડ્યું મ્હેં મૂર્ખીએ, વાસ ધુતારે લીધો ! માજીo ”

સરસ્વતીચંદ્રે કરેલા ગૃહત્યાગનો પ્રસંગ અને તે પ્રસંગે પોતાના ઉપર સોનેરી અક્ષરે લખેલો – આજ સુધી છાતી સરસો રાખેલો શ્લોક – દૃષ્ટિસમક્ષ ઉભો, ને ગરબી વાધી.

“ રાત પડી ત્યાં રૂપ પ્રકાશ્યું ! જોગી કહે “ હું ન ભોગી !
“ પંક વીશે તું જન્મી અભાગણી ! નહીં આપણ સંજોગી ! માજીo.
“ રાત વીશે તું રહીંશ બીડાયલી ! પાંખ ન મ્હારી બીડાતી
“ રહે સંતોષિણી ! રંક અભાગણી ! પાંખડી તુંજ મીંચાતી”! માજીo
“ માજી ! મને એ જોગી આટલું કહી ગયો કંઈ ચાલી;
“ હું સંતોષી દુખીયારીને ભુરકી એણે નાંખી, માજીo
“ માજી ! મને એ સ્વપ્ને આવે, લત ભુંડી બહુ લાગી,
“ ન મુકે પલ્લો૧.[], પ્હેરે ભલ્લો૨.[], શરમ વિનાનો ત્યાગી. માજીo

  1. ૧.પલ્લો = પલ્લવ =પાલવ.
  2. ૨.ભલ્લો પ્હેરવો= નફટ થવું.
“ એ સંસાર વિસારે મુકવા મ્હેં માયા બધી છોડી,
“ પડી નદીમાં, પડી જળનિધિમાં, પણ રતિ કર્મની થોડી; માજીo
“ બેડો[]સઉનો ડુબ્યો ક્યાંક જઈ ન ડુબી નકામી હું તો,
“ મરણનું સુખ પણ ન લખ્યું કપાળે ન્યાય માજીનો શું જો? માજીo
“ માજી, મ્હોટાં છો, શું કહીયે ? અકળ કળા જ તમારી !
“ રોતી કકળતી મુજ જેવીને શાને લીધી ઉગારી ? માજીo
“ કહ્યું મુજ ન કરે કાળજું; માજી, જીવવું શાને કાજે ?
“ રાંક દીકરી એક મરણ જ માગેઃ જમ કયમ કહે છે ના જે? માજીo”

છેલ્લા શબ્દોના ઉદ્ગાર ક્‌હાડતી ક્‌હાડતી બાળા માતા સામા હાથ જોડી રોતી હતી અને એને શબ્દે શબ્દે કંઠની ગદ્રદતા બોલવામાં અંતરાય નાંખતી હતી. ગાઈ રહી ત્યાં થોડી વાર હાથ જોડી, રોતી રોતી, અવાચક જેવી થઈ નીચું જોઈ રહી, અને અંતે હૃદયને માર્ગ આપી મોકળું મુકી રોઈ પડી, અને આંખમાથી ટપકતાં આંસુની માળા પૃથ્વી ઉપર સરી પડતી હતી તે આંસુનાં ટપકાંઓ વચ્ચેની જગામાં થઈને એના ભાગ્યા ત્રુટ્યા બોલ માતા ભણી જવા લાગ્યા અને રોવું પણ એ બોલના સથવારામાં જવા લાગ્યું.

“ ઓ માજી ! તમે આ સંસાર કર્યો તેમાંથી છુટી થવાને મ્હેં એક મરવું માગ્યું, પણ બબ્બે પુરુષોને જેનો ખપ ન નીકળ્યો અને તેમણે જેને બારણે બોલાવીને ક્‌હાડી મુકી તેને તમારા જમ સંગ્રહે એટલું ભાગ્ય પણ મ્હારા કપાળમાં ન જ નીવડ્યું !

“ માજી, જેનો હાથ જમે પણ ન ઝાલ્યો તેના હદયના ઉભરા તમારી પાસે નીકળી જાય છે તે ક્ષમા કરજો ! જયારે જગતમાં અને જગતબ્હાર મ્હારું કોઈ થતું નથી ત્યારે તમે મજ રંક અનાથને આશ્રય આપો છો. તો સર્વથા એ જ સત્ય છે કે સંસાર જુઠો છે ને ઈશ્વરી જગદંબા જ સાચાં છે અને જગતમાં ફરતાં તેમજ જગતમાંથી નીકળતાં હે ઈશ્વરી, ત્હારા જ ચરણમાં રંક સ્ત્રીયોનો સંસાર સમાપ્ત થાય છે,અને આમ અનાથ અબળા દુખીયારી જાતને તમારું જ જોર છે. હે જગદમ્બા ! સુસવાટા નાંખતાં પવન જેવાનાં તોફાનથી મહાન વૃક્ષોના પાંદડાં ખરી પડે છે અને ડાળો ભાગી પડે છે તેવે કાળે ખુણે ખોચલે પડેલી સંકોચ પામતી


  1. બેડો = વ્હાણ.
ન્હાની ન્હાની વેલીઓની લીલી કોમળ કુંપળોના આધાર – નખે

તોડતાં ત્રુટે એવા – અખંડિત રહે તેમ મજ જેવી ત્હારી રંક પુત્રી આવા પ્રદેશમાં આવા પ્રસંગો વચ્ચે અખંડિત રહે અને આવી માયાળુ બ્હેનો પાસે ઉભરા ક્‌હાડી શાંત થવા પામે, ત્યારે, હે જગતજનની ! એ ત્હારા જ પ્રતાપની અને ત્હારી જ કૃપાની સંજ્ઞાને આમ પ્રત્યક્ષ જોતાં છતાં મ્હારું મન ત્હારા ચરણમાં વિરામ ન પડે તો મ્હારા જેવી કૃતઘ્ન કોણ, વારું ? જનની ! માતા ! યોગને આશ્રયે હું ત્હારા આટલાં બે ચાર તસુનાં જડ પગલાંમાં મ્હારા સંસારસર્વસ્વનું આવાહન કરું અથવા ત્હારા નિરાકાર નિરંજન સર્વગામી અંતર્વ્યાપી જ્યોતિમાં મ્હારા મનને લય પમાડું તો તે ઉભય ક્રિયાઓનું ફળ એક જ થાય છે અને તે ફળ પામી, સંસારને ભુલી, હું ત્હારા પદને પામવાનો અનુભવ કરું છું - અત્યારે કરું છું તેમજ સર્વદા કરાવજે. માજી ! મ્હારે એટલું જ જોઈએ છીએ કે અત્યારની સ્થિતિ શમશાનવૈરાગ્યના જેવી થઈ પ્રસંગ ઉતરતાં ઉતરી જાય નહી, વીજળીના ચમકારા પેઠે આ ક્ષણે ઝબુકી બીજી ક્ષણે બંધ થાય અને મને સંસારના સર્વવ્યાપી અંધકારમાં પાછી ઝબકોળે એવું થાય નહીં, ઝાંઝવાંના જળ પેઠે દોડાવી દોડાવી આખરે તરસીને તરસી રાખે નહી, સ્વપ્નના સુખપેઠે ઉઘાડી અાંખો વાળી જાગૃત ક્‌હેવાતી અવસ્થાની પેઠે પાછી આવેલી અવસ્થા આ સુખને ખોટું ક્‌હે અને પોતાની ભયંકર સ્થિતિની પ્રતીતિ કરાવે એવું થાય નહી – એટલું વરદાન તમારી પાસે માગું છું !”

આટલું બોલતાં બોલતામાં કુમુદનાં આંસુ બંધ થઈ ગયાં હતાં અને ગાલ ઉપર માત્ર તેના શેરડા દીવાને પ્રકાશે ચળકતા હતા. એનો સ્વર ધીર અને સ્થિર થઈ ગયો અને એના હૃદયમાં નવું બળ આવ્યું. એનામાં નવા પ્રાણ આવ્યા અને અનાથ રંક અબળાને સ્થાને સનાથ થઈ નવું સત્વ ધારણ કરવા લાગી. એનાં નેત્રમાં, મુખમાં, અને કપાળમાં નવું તેજ આવ્યું, અને તે સર્વ જોતાં ચતુર ચંદ્રાવલીએ પ્રસંગનો લાભ લેઈ પોતાનું કાર્ય આરંભ્યું.

“બેટા મધુરી, ત્હેં માજીના પ્રતાપનો ચમત્કાર અનુભવ્યો, માજીની આ પ્રતિમાના યોગનો અંશ ત્હેં સાધ્યો. હવે માજીના સાકાર મહત્સ્વરૂપનું અને નિરાકાર વ્યંગ્ય સત્વનું સત્કીર્તન કરીયે તે સાંભળ અને ત્હારા હૃદયમાં ઉતાર.”

હાથ જોડી, અાંગળાંમાં આંગળાં પરોવી, માતા સામી બેસી, ચંન્દ્રાવળી ધીરે સ્વરે ગાવા લાગી; બેઠી બેઠી બીજી સ્ત્રીયો ધીમે ધીમે એક લયથી ઝીલવા અને વચ્ચે વચ્ચે હળવી તાળીયો પાડવા લાગી. []::“ માજી! સાકાર ને નિરાકાર છો !

“ બધા ત્રિભુવનમાં એમ વ્યાપ્ત છો. માજી૦
“ સંધ્યા સાવિત્રી છો, સઉની આઈ છો,
“ ગૌરી ધાત્રી પરમભદ્રદાયી છો. માજી૦
“ માજી ! ચંદ્રરૂપે શાન્ત જ્યોતિ છો,
“ દેવી નૈૠતી છો, રાજલક્ષ્મી છો. માજી૦
“ માજી ! વૈષ્ણવી માયા તમે જ છો,
“ બ્રહ્માણ્ડ-પ્રતિષ્ઠા તમે જ છો. માજી૦
“ સર્વ ભૂતની ચેતના દેવી છો,
“ સર્વભૂતની બુદ્ધિ દેવી છો. માજી૦
“ સર્વ ભૂતમાં ક્ષુધા થઈ વસો !
“ સર્વ ભૂતમાં છાયા થઈ રહો ! માજી૦
“ સર્વ ભૂતમાં શક્તિ થઈ ઉભાં !
“ સચરાચર તૃષ્ણા થઈ ઉભાં ! માજી૦
“ જાતિ, ક્ષાન્તિ, લજજા, ને શાન્તિ, જે,
“ શ્રદ્ધા, વૃત્તિ, લક્ષ્મી, ને કાન્તિ જે, માજી૦
“ સ્મૃતિ, ભ્રાન્તિ, દયા, તૃપ્તિ, તુષ્ટિ, જે,
“ ઇન્દ્રિયોની વળી અધિષ્ઠાત્રી જે, માજી૦
“ ચિતિ-રૂપે મહત્-અણુવ્યાપી તે !
“ આઈ! ઈશ્વરી ! પરમેશ્વરી તું તે ! માજી૦
“ પ્રકટ્યાં સર્વ દેવોનાં શરીરથી
“ મહાલક્ષ્મી ત્રિગુણ ભવ્ય દેહથી ! માજી૦
“ દેવી પુરુષરૂપે દેવ થઈ ગઈ,
“ જાણે તે જ જુવે માજીની ગતિ ! માજી૦
નેતિ નેતિ કરી તમને કો શોધી લે,
“ માને ચરણે વારી કોઈ મોહી ર્‌હે ! માજી૦
“ કર્મ, ભક્તિ, યોગ, ધ્યાન, જ્ઞાનથી,
" શાંતિ દ્યો છો સહસ્ત્ર એવા હાથથી ! માજી૦
“ સર્વ સત્ત્વમયી એવી આઈ તું !

  1. **ચણ્ડીશતક ઉપરથી રાગ-“ સનખનપુર સાચી માં બહુચરા !
“ નિરાકાર અને સાકાર તું ! માજી૦
“ સ્વધા, સ્વાહા, વળી વષટ્‍કાર, તું !
“ સુધા, નિત્ય, અક્ષર, સર્વાધાર, તું. માજી૦
“ માત્ર માત્રા પ્રકટ અર્ધ ત્હારી છે!
“ શેષ શોધી શોધી વાણી હારી છે ! માજી૦
“ વાણી હારે ને મન પણ હારતું !
“ છે નિરંજન ને નિરાકાર તું ! માજી૦
" માના કીર્તનમાં સુધાશુક્તિ છે !
" માની ભક્તિમાં સાયુજ્યમુક્તિ છે ! માજી૦
“ ચણ્ડીપાઠ ભણે ચન્દ્રાવળી !
“ માને ચરણ પડે એ લળી લળી ! માજી૦”

આ પ્રમાણે ગીત પછી ગીત અને કીર્તન પછી કીર્તન ગાતાં સર્વજણે રાત્રિના પ્રથમ બે પ્રહર ગાળ્યા અને તેને અંતે, માતાના ચરણમાં યથાશક્તિ યથામતિ આત્મ-ચિત્તમાં રહેલા પદાર્થોનો યોગ સાધી, મન્દિર બ્હાર અને ભરતીના પાણી વચ્ચેના ઓટલા ઉપર સર્વ સ્ત્રીઓ ભૂમિની શય્યા કરી અને ચંદ્રિકાને હોડી લેઈ સુઈ ગઈ. સમુદ્રનાં મોજાનો મૃદંગનાદ તેમની વૃત્તિઓને શાંત કરવા લાગ્યો, અને તેના જળકણને સાથે લઈ ઉડતી પવનલહરી તેમનાં શરીરમાં જડતા ભરી નિદ્રાદેવીનો વિજયશંખ ફુંકવા લાગી.

સર્વનાં નેત્ર મીંચાયાં ન મીંચાયાં થયાં ત્યાં કુમુદે પોતાનાં નેત્ર કંઈક ઉઘાડ્યાં અને આકાશમાંના ચન્દ્ર-બિમ્બમાં હૃદયના ચંદ્રની પ્રતિષ્ઠા કરી. એ યોગમાં થોડીવાર લીન રહી, તેમાંથી જાગતાં ભક્તિમૈયાનો નવીનચંદ્ર સાંભર્યો. તે જ કાળે ચંદ્રાવલીએ પાસું ફેરવ્યું અને અાંખો ઉઘાડી. મધુરીની આંખો ઉપર ચંદ્રાવળીની અાંખો પડી.

“મધુરી, તું હજી જાગે છે ? ”

“ચંદ્રાવલી બ્હેન, મ્હારામાં એવી વાસના ઉત્પન્ન થઈ છે કે કાલ પ્રાતઃકાળે હું ભક્તિમૈયા સાથે યદુશૃંગનાં દર્શન કરવા જાઉં.”

વાતો સાંભળતાં ભક્તિમૈયા જાગી. “ ચંદ્રાવલીમૈયા, મધુરીને મ્હારી સાથે મોકલો. ”

ચંદ્રાo- “પણ મૈયા, એના ન્હાના કોમળ ચરણ એ. ગિરિરાજ ઉપર ચ્હડી શકશે ? એ શ્રાન્ત થશે અને એને વિશ્રાન્તિ આપવા તમારે વિશ્રાન્તિ પામવી પડશે.”

કુમુદ૦– “માજી મને એટલું બળ નહી આપી ર્‌હે ?”

ભકિત૦ – “આપશે જ. અને આ નાજુક ચરણ થાકી જશે તે ત્હારી ન્હાની સરખી સુંદર કાયાને અમે અમારા હાથમાં ઉપાડી લેઈશું – ન્હાની પુષ્પકળીને માળણ ઉપાડી લે તેમ. દુલારી માધુરી ! અમારાં કદ્રૂપાં શરીર ત્હારા જેવીનો આમ યોગ પામી સુંદર દેખાશે. સુન્દરતાનો યોગ સર્વને સુન્દર કરે છે! ચંન્દ્રાવલીમૈયા ! આ સૂચના અવશ્ય સ્વીકારો.”

ચંદ્રા૦ – “એ સર્વ તમારી પ્રીતિને યોગ્ય જ છે; પણ મૈયા, દુલારીને મ્હારી પાસેથી છુટી કરતાં મ્હારી છાતી ચાલતી નથી. એના હૃદયઉપરથી દુઃખનો ભાર હજી ઉતર્યો નથી અને સમુદ્રમાંથી એને માજીયેજ ઉગારી લીધી તે તમે આજ જ જોયું છે. તમારી જોડે આવી એ એકલી પડશે અને માજીયે શાન્ત કરેલા એના કાળજામાં જમની જેગણીઓ જાગશે એવું મને ભય ર્‌હે છે. માટે હાલ તો એને ર્‌હેવા જ દ્યો.”

કુમુદ૦- “ચંદ્રાવલી બ્હેન, જે માજીયે આજ જ એ જોગણીયોને હાંકી ક્‌હાડી છે તે જ માજી એવી જ કૃપા ફરી કરશે. મને મ્હારા હૃદયને કંઈક વિશ્વાસ આવવા લાગ્યો છે.”

ભક્તિ૦– “મૈયા, અમે એને સાચવી લઈશું. યદુશૃંગની સુન્દરતામાં મહાલક્ષ્મીનો જ વાસ છે અને માજીની એ સુન્દરતા મધુરીને નવે જીવ આપશે. એને વ્હીલી મુકતાં અમારે જ આવી મધુર દીકરીનો વીજોગ વેઠવો પડશે. અમે એને પળવાર પણ વ્હીલી નહી મુકીયે.”

ચંદ્રા.– “ભલે ત્યારે પણ જોજો ! મ્હારા જીવનો જીવ તમારા હાથમાં ર્‌હેશે.”

સર્વે નિદ્રાવસ્થ થયાં. ઇષ્ટપ્રસંગની પ્રાપ્તિથી કુમુદ પણ નિદ્રામાં પડી. ચંદ્રના શીતળ સુન્દર કિરણ એના શરીર ઉપર સ્વચ્છન્દ ગુપ્ત વિહાર કરવા લાગ્યા, અને એના હૃદય ઉપરના યુગ્મ અવયવની વચ્ચેના અંતરાલ ભાગમાં સંચાર પામી, રામકૂપનાં છિદ્રોમાં પડી, એના હૃદયના અંતર્ભાગમાં સરી જઈ, નવીન સૃષ્ટિ રચવા લાગ્યા. કુમુદને સ્વપ્નોદય થયો. પોતે માજીના ઓટલા ઉપર બેઠી છે, સમુદ્રમાં છેટે તોફાન જાગ્યું છે, ત્યાં મેાજાં બબ્બે માથાં ઉછળી રહ્યાં છે, પવનના ઝપાટા આવે છે, ને સમુદ્રની ગર્જના સામી એ પવન ગર્જના કરે છે, આકાશ પણ ક્રૂર અને ભયંકર દેખાય છે, અને તે સર્વની વચ્ચે એક ન્હાનો “બેડો”- દ્રવ્ય ભરેલો બતેલો - જરી જરી દેખાય છે, મોજું ઉંચું ચ્હડતાં બેડો ઘડીમાં તેની ટોચ ઉપર દેખાય છે અને ઘડીમાં તેની પાછળ અદૃશ્ય થયો લાગે છે, મોજું નીચે પડી જાય છે - પાણીમાં ખાડે પડે છે, ત્યાં બેડો ઉપરથી નીચે એકદમ પડી જાય છે અને –“ ઓ ડુબ્યો ” “ઓ ભાગ્યો-” થાય છે, પવનના જોરથી તેના સડ ફાટી જાય છે અને સડનો દંડ ભાગી જાય છે, અને સર્વને સ્વપ્નમાં સમુદ્રતીર ઉપર એકલી બેઠેલી આતુર સુન્દરી જુવે છે, બેડામાં તેને જીવ છે - તેના પ્રાણ છે – તેનું સર્વસ્વ છે, બેડો ઉગરે અને કીનારે આવે તો એ સુન્દરીના જીવમાં જીવ આવે અને બેડો ડુબે તે સુન્દરીનો જીવ જાય એમ છે ! એક પાસ સમુદ્રમાં બેડો ઉછળે છે ત્યારે બીજી પાસ આમ સુન્દરીના દેહમાં તેનું હૃદય ઉછળે છે – આ બે ત્રાજવાંની દાંડી ઝાલી આકાશમાંનો દૃષ્ટિદાતા ચન્દ્ર વિધાતા પેઠે ઉભો છે ! દીન હૃદયની રંક કુમુદને આ મહાસ્વપ્નોદય અત્યારે થતો હતો, અને સ્વપ્નમાં તે લવતી હતી – ગાતી હતી - તે પાસે સુતેલી સ્ત્રીયો, જાગી ઉઠી, જિજ્ઞાસાથી, આતુરતાથી, સ્નેહથી, અને શોકથી, સાંભળતી હતી.

“બેડો, બાઈ, બુડતો ત્હારો રે ! અંબે ! આઈ ! પાર ઉતારો રે!
“ભર દરીયામાં તોફાન લાગ્યું, પવન ઝપાટે વાય,
“બેઠી કીનારે હું જોતી એકલડી, બેડો ન ક્યાંય જણાય ! બેડો૦
“સામે પારથી નીકળ્યો એ છે, ભરીને રત્નભંડાર;
“કંઈક વેપારી વાટ જુવે છે, ક્યારે આવે એ આ પાર ? બેડો૦
“સડ મ્હેં જોયા હવણાંજ; જાણ્યું, આવે આ ઘડીમાંહ્ય;
“ જોતા જોતામાં, આશ ધરાવી, પાછો ગયો કેઈ પાસ ! બેડો
“કંઈ કંઈ જનનો માલ છે એમાં, કાળજાં કંઈક કપાય !
“માજી ! તમારા બેડીયા*[] એમાં હારી હારી અકળાય ! બેડો૦
“માજી ! તમારી બાધા રાખું, ભરીશ હું કુંકુમથાળ,
“બેડલીઓ હેમ ક્ષેમ આવે તો ! નીકર થશે મુજ કાળ. બેડો૦”

  1. * ખલાસીઓ