સરસ્વતીચંદ્ર ભાગ ૪/વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય

← સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી. સરસ્વતીચંદ્ર ભાગ ૪
વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ. →


પ્રકરણ ૨૪.
વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના
સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.


तद्यथा महापथ आतत उभौ ग्रामौ गच्छतीमं चामुं
चैवमेवैता आदित्यस्य रश्मय उभौ लोकौ गच्छन्तीमं चामुं चामुष्मा-
दादित्यात्प्रतायन्ते ता आसु नाडीषु सृप्ता आभ्यो नाडीभ्यः प्रतायन्ते
तेऽमुष्मिन्नादित्ये सृप्ताः । तद्यत्रैतत्सुप्तः समस्तः सम्प्रसन्नः
स्वप्नं न विजानात्यासु तदा नाडीषु सृप्तो भवति तं न कश्चन
पाप्मा स्पृशति तेजसा हि तदा सम्पन्नो भवति ॥ છાંદોગ્યોપનિષદ્.

વિષ્ણુદાસ બાવા સુન્દરગિરિ ઉપર હોય ત્યારે તેમનું આન્હિક નિશ્ચિત પ્રનાલિકા પ્રમાણે ચાલતું પણ સાધુસંઘ પર્વત ઉપરથી ઉતરી નીચલા દેશમાં અલખ જગવવા જતો તે પ્રસંગે તે તેમનો કાળ જ્ઞાનવાર્ત્તામાં જ જતો. અમુક સ્થાનનો સંકેત કરી ત્યાં વિષ્ણુદાસ બે ચાર સાધુઓ સાથે મધ્યાન્હ ગાળતા અને બીજા સર્વ સાધુઓ ચારે પાસ છુટા છુટા વેરાઈ જતા. સૂર્ય જરા નમે એટલે વિષ્ણુદાસ પણ પાસેના કોઈ ગામમાં કે નગરમાં, મઠમાં કે તીર્થમાં, ઉપદેશ કરવા જતા, અને સંસારી વિદ્વાનો તેમની પાસે આવે તેને બોધ આપતા. સન્ધ્યાકાળે અન્ધકાર પડે ત્યાં સાધુઓ સંકેતસ્થાનમાં મળે, શ્રમ ઉતારે, મળેલી ભિક્ષામાં ફલમૂલ હોય તેનું પ્રાશન કરે અથવા રસોઈ કરી જમે, અને અંતે સુન્દરગિરિ પાછા જાય.

રત્નનગરી અને મનહરપુરી વચ્ચે એક મ્હોટું હિમસર નામનું સરોવર હતું, અને ચંદ્રાવલી સરસ્વતીચંદ્રને મળી પાછી ગઈ તે પળે આ સરોવર સુધી સાધુઓ પ્હોચી ગયા અને તેને તીરે લીંબડા, આંબા, અને પીપળાના વૃક્ષોની ઘટાવાળું સ્થાન હતું ત્યાં સંકેતસ્થાન રાખી સઉ વેરાવા લાગ્યા. વિહારમઠનો અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વૃદ્ધ બ્રહ્મચારી સાધુ જાનકીદાસ, વિહારપુરી, અને બે બીજા સાધુઓ વિષ્ણુદાસ પાસે રહ્યા. આ બે બીજા સાધુઓ મૂળ સંસારી હતા અને વિષ્ણુદાસની પેઠે જ પૂર્વાશ્રમનો ત્યાગ કરી સાધુ થયા હતા. એ બે જણ વીશ બાવીશ વર્ષના હતા, ઈંગ્રેજી જાણતા હતા, અને વિરક્ત લાગતા હતા. તેમાંનો એક સ્વભાવે શાંત અને બુદ્ધિમાં જરા જડ હતો. તેણે પોતાનું નામ શાંતિદાસ પાડ્યું હતું. બીજો સ્વભાવમાં તેમ બુદ્ધિમાં જરી મસ્ત હતો અને તેને એટલી બધી વાતોમાં શંકા થતી કે એણે પોતાનું નામ જાતે જ શંકાપુરી પાડ્યું હતું અને, મશ્કરીમાં શાંતિદાસને શમ્કાભારતી નામ આપી, શંખભારતી ઉચ્ચાર કરતો હતો. શાંતિદાસ તેમાં પણ શાંતિ રાખતો હતો. સુન્દરગિરિનો સંપ્રદાય એવો હતો કે નવા સાધુઓને અલખ જગવવા કે ભિક્ષાર્થે મોકલવો નહી પણ વર્ષાવધિ ગુરના અન્તેવાસી [] થઈ ર્‌હે.

સરોવરના આરા ઉપર દૃષ્ટિ પડે એવે સ્થાને એક આંબાના થડ આગળ મૃગચર્મ પાથરી સર્વેયે વિષ્ણુદાસ માટે બેઠક રાખી. શંકાપુરી અને શાન્તિદાસ સરોવરમાં તરવા પડ્યા. બાકીનું મંડળ ગુરુની આશપાશ બેઠું. સરોવર ભણી દૃષ્ટિ ફેરવી વિષ્ણુદાસ બોલ્યા.

“વિહારપુરી, ત્હારું હૃદય આ સ્થાનના જેવું શાંત અને શીતળ છે – તેનું કારણ ચન્દ્રાવલીમૈયાની અસ્પૃશ્ય ઉચ્ચ શાખાસમૃદ્ધિની જ છાયા છે. નવીનચંદ્રજીનું હૃદય આ સરોવર જેવું છે, શીતળ છે, શાન્ત છે, અમૃતથી ભરેલું છે, અગાધ છે, પણ એના અંતભાગમાં - શાં સત્વ, તિરોહિત છે તે ! સમજાતું નથી.”

વિહારપુરી કંઈ સ્મિત કરી બોલ્યો “ એ સરોવરને માથે વૃક્ષોની છાયા નથી અને સૂર્યના તાપથી તેમાંનો રસ સુકાય છે. વિહારપુરીને માથે છાયા ન હોય તો પણ તાપથી સહસા સુકાય નહીં એવો એનો પૃથ્વી જેવો જડ સ્વભાવ છે."

જ્ઞાનભારતી - ગુરુજી, ચન્દ્રાવલીમૈયાએ ચિકિત્સા કરી તો ઔષધ પણ તેમનું જ દર્શાવેલું કરવું યોગ્ય છે.

જાનકીદાસ૦– તે સર્વે તો રાત્રિયે જણાશે.

વિહાર૦- રાત્રિએ જે નવી સૃષ્ટિ રચવાને સંભવ હોય તો દિવસે તેની યોજના ક૯પી રાખીયે તે ઠીક.

વિષ્ણુ૦– વિહારપુરી !

વિહાર૦- જી મહારાજ !

વિષ્ણુ૦- આજ રાત્રિથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો.


  1. ૧. પાસે ર્‌હેનાર શિષ્ય

જાનકી૦- તેમને તો વિહારમઠ પાસે કંઈ સ્થાન મળે તો ઠીક, કે ચિકિત્સા પુરી થયે એ મઠરૂપ ઔષધ પણ પાસે જડે.

જ્ઞાન૦– ધારેલી ચિકિત્સા અયથાર્થ નીવડશે તો વિરક્ત નવીનચંદ્રજીને જાનકીદાસની યોજનાથી પોતાનો તિરસ્કાર થયો લાગશે.

વિષ્ણુ૦– વિહારપુરી શું ધારે છે?

વિહાર૦– આપની યોજના શાં કારણથી વિચારી છે?

વિષ્ણુ૦– કારણ અને કાર્ય ઉભય મ્હોટાં છે.

વિહાર૦– તેથી જ મ્હારો પ્રશ્ન છે.

વિષ્ણુ૦– તમે ત્રણે સાધુજન યદુશૃંગના સંપ્રદાયના વિચારઆચારમાં પ્રવીણ છો અને ઉદાર છો. આ સંપ્રદાય પ્રમાણે આપણા ત્રણે મઠના મહન્તનું કાર્ય કરવા વધારે અધિકાર કોનો?

“એ જોવાનો અધિકાર તો આપનો: ” જાનકીદાસ બોલ્યો.

“રસ, જ્ઞાન, વૈરાગ્ય, આદિ શિષ્ટ પદાર્થોનો સમુચ્ચય કયાં ઉત્કૃષ્ટ છે તેની પરીક્ષા આપે આપના સામર્થ્યથી કરવાની છે: ” જ્ઞાનભારતીએ કહ્યું.

“એ સર્વ સત્ય છે પણ તે ઉપરાંત આ પણ સત્ય છે કે સંસારનો અનુભવ અને સાધુજનના ઉત્કર્ષ એ ઉભયનાં જાતે અનુભવ અને અવલોકન જેણે કર્યા હોય અને તેમાંનું અલક્ષય નવનીત જેણે ક્‌હાડ્યું હોય તે જ આ મઠોનું સ્થાયિ કલ્યાણ કરી શકે છે અને માટે જ આપ આ મંગલ પદમાં વિરાજમાન છો:” વિહારપુરીએ વિષ્ણુદાસને કહ્યું.

વિષ્ણુ૦- તેવું પાત્ર શોધી ક્‌હાડી તેને આ પદને યોગ્ય કરવા – સિદ્ધ કરવા – આજથી પ્રયત્ન માંડવો એ આ દેહનો ધર્મ છે. આજ સુધી સાધુજનોને સર્વાનુમતે એવું ગણાતું હતું કે વિહારપુરી આ સિદ્ધિને પાત્ર છે. હવે વિહારપુરી જ એમ ગણે છે કે સંસારના અનુભવી, સાધુજનના ઉત્કર્ષમાં સ્વભાવસિદ્ધ, અને અન્ય સર્વ યોગ્યતાઓથી સમૃદ્ધ નવીનચંદ્રજીને જ આપણા મંગલકાર્યમાં સિદ્ધ કરવા ઉચિત છે.

વિહાર૦– તેમાં કાંઈ ભ્રાન્તિ નથી.

જાનકી૦– નવીનચંદ્ર વિહારમઠના અધિકારી હોય તો આ પરમ સિદ્ધિને માટે તેમની યોગ્યતામાં ન્યૂનતા આવે.

જ્ઞાન૦- વિહારમઠના અધિષ્ટાતાનું સ્થાન ભોગવ્યાથી જ વિહારપુરીજી આજ સિદ્ધ થયા છે, અને એવા પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે કે જ્યારે વિહારમઠના અધિષ્ઠાતા અને ત્રણે મઠના મહન્તનો અધિકાર એક જ સમર્થ પુરૂષની પાસે હતેા.

વિષ્ણુ૦– પણ બેમાં વધારે પુણ્યકાર્ય શું ?

જ્ઞાન૦– મહન્તને સ્થાને બેસવાને પ્રસંગે પરિવ્રજિત હોય અને ત્યાર પ્હેલાંના સર્વ અનુભવમાં સિદ્ધ હોય તેનો જ અધિકાર પુણ્ય. તેવો અધિકારી ન મળે તો મધ્યમ પક્ષે મ્હારા જેવાનો અધિકાર.

વિહાર૦- જી મહારાજ, આપનાં સંસિદ્ધ વિચારમાં નવીનચંદ્રજીથી જ સર્વ મઠને કલ્યાણ થઈ શકશે ને મ્હારા વિચારમાં પણ તેમ જ છે તો તેઓ વિહારી હશે કે ત્યાગી હશે તે વિચાર ઉપેક્ષા કરવા જેવો છે, તેમનામાં બુદ્ધિ, રસ અને જ્ઞાન અપૂર્વ છે.

વિષ્ણુ૦– જો તેમ જ છે તે વિચાર દુર્ધટ નથી અને મ્હારા મનનાં કારણ કાર્ય સાંભળો. જયોતિઃશાસ્ત્રને અનેક રીતે વિચારતાં નવીનચન્દ્રને કોઈ મહાન ત્યાગનો યોગ છે અને યદુશૃંગને તેનાથી મહાન્ લાભનો યોગ છે. તેમનો સર્વ સાધુઓને જે જે અનુભવ થાય છે તે જયોતિઃશાસ્ત્રના ઉદ્ગાને પુષ્ટિ આપે છે. પણ વિહારપુરી એ પુરુષના ઉંડા મર્મસ્થાનમાં કંઈક દુઃખ દેખે છે અને દુઃખ હોય તો તે વાસનાજન્ય હોવું જેઈએ. સ્ત્રીવિષયમાં પણ આ પુરુષને અપૂર્વ ત્યાગનો યોગ છે અને જો એમનું દુઃખ તત્સંબંધિની વાસનાથી હોય તો પણ એ વાસના અગ્નિપરના જળ પેઠે સ્વતઃ નષ્ટ થશે, અને ચન્દ્રાવલીમૈયાની સૂચનાના પ્રયોગમાં મને કાંઈ ભીતિ લાગતી નથી. આપણા સાધુજનો, દિવસે એકાન્તમાં પણ અન્ય સાધુજનોના શ્રવણપથથી દૂર રહી તેમના નયનપથમાં રહીને જ, પરિશીલન અને સંવનન કરે છે. પણ ચંદ્રાવલીની સૂચના સત્ય હોય તો આમાં તો તે ઉભય વિધિ સમાપ્ત થઈ ગયા છે અને આપણે માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી ર્‌હે છે કે, દમ્પતી, વિહારમઠનો વાસ સ્વીકારે એમ ક્‌હેવું કે નહી તે તો એ બે જણ મળે ને નિશ્ચય કરે તે ખરો. પણ એ મેળાપ અને નિશ્ચયને માટે પ્રસંગ આપવા વિહારમઠ વિના બીજા સ્થાનની આવશ્યકતા છે.

વિહાર૦- એ વિચાર તો આપે સૂક્ષ્મ અને સત્ય જ કર્યો.

વિષ્ણુ૦- એ બીજું સ્થાન તો ચિરંજીવશૃંગ જ ઉચિત છે. નવીનચંદ્રજીને દેહાન્તરિત અનેક જન્મસિદ્ધિઓ અનેકધા પરિપાક પમાડે છે તે સ્પષ્ટ છે અને એટલી સિદ્ધિથી સિદ્ધ થયલાને ચિરંજીવશૃંગ ઉપર સિદ્ધ પુરુષોનો સમાગમ થવાનો. નવીનચંદ્રજીને એ અપૂર્વ લાભ થાય તો આ ત્રણે મઠનું અપૂર્વ કલ્યાણ કરી શકશે. ચન્દ્રાવલીમૈયા એક કારણથી આ કાર્ય પ્રિય ગણશે; હું બીજા કારણથી પ્રિય ગણીશ.

જ્ઞાન૦- આપે ઉત્તમ વિચાર કર્યો. મધુરીમૈયાના સંસ્કાર પણ ચમત્કારક છે અને સિદ્ધદર્શનકાળે આ દમ્પતીનો સહયાર રસ અને જ્ઞાનનો સૂક્ષ્મ યોગ પામશે.”

શંકાપુરી અને શાંતિદાસ આવી બેઠા હતા તેમાંથી શંકાપુરી બોલી ઉઠ્યો.

“પુરુષની જન્મસિદ્ધિથી સ્ત્રીને પણ જન્મસિદ્ધિ પ્રાપ્ત થતી હશે?”

વિષ્ણુ૦– સર્વ તારામંડળ વચ્ચે ગુરુત્વાકર્ષણનું નાડીચક્ર છે એવું પાશ્રાત્ય શાસ્ત્રમાં છે એમ તમે ક્‌હેતા હતા ?

શંકા– જી હા, હું ઈંગ્રેજી વિધા ભણ્યો છું તેમાં આ વાત સિદ્ધ કરી છે.

વિષ્ણુ૦– યોગશાસ્ત્રમાં, જ્યોતિઃશાસ્ત્રમાં, અને અલક્ષ્યમતનાં લક્ષ્યશાસ્ત્રમાં પણ એવાં જ નાડીચક્ર વર્ણવેલાં છે, અને તે ચક્ર તે શાસ્ત્રના અનુભવી લક્ષ્યદ્રષ્ટાઓને પ્રત્યક્ષ થાય છે, ખગોળશાસ્ત્રના નાડીચક્ર પેઠે જ્યોતિઃશાસ્ત્રનું નાડીચક્ર પણ અલક્ષ્ય અને માત્ર પરીક્ષાસંવેદ્ય છે. મનુષ્યનાં શરીર, બુદ્ધિ, વાસનાઓ, અને ભાગ્ય સૂર્યમંડળના અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રમાં પ્રવર્તે છે. અનેક નક્ષત્રોથી ભરેલી દ્વાદશ રાશિઓના તારામંડળની વચ્ચે ઊર્ણનાભિની જાળ પેઠે સૂક્ષ્મ નાડીચક્ર છે તેમાં સૂર્યમંડળમાંનું ગ્રહમંડળ બંધાઈ સંધાઈ શીવાઈ ગયું છે અને અનન્ત બ્રહ્માણ્ડમાંનાં સર્વ મહત્- અંગને અને અણુઅંગને, જડને અને ચેતનને, કર્મજાળને અને ભાગ્યજાળને, વાસનાજાળને અને ભોગજાળને, આ સર્વ નાડીચક્રોના પ્રવાહોમાં અને પ્રતિપ્રવાહોમાં તરીને અને ડુબીને, પરિપાક પામવો પડે છે. આ નાડીચક્રની નાડીઓમાં પ્રીતિનાં નાડીચક્રોનો અંશરૂપે અંતર્ભાવ છે. સંસારીઓમાં લગ્નાદિકાર્યમાં પુરુષ ધર્મક્રિયામાં પ્રવર્તે અને સ્ત્રી તેને માત્ર પાણિસ્પર્શ કરી સ્થિર ર્‌હે એટલાથી જ એ સ્ત્રીનો ધર્મસહચાર સફલ થઈ શકે છે તે તમે જોયું હશે, શુદ્ધ ધર્મ પ્રીતિથી સંધાયલાં દમ્પતી વચ્ચે આવાં નાડીચક્ર છે, અને સાંકળનો એક છેડો ખેંચ્યે આખી સાંકળ ખેંચાય છે તેમ જન્મસિદ્ધિના નાડીચક્રોરોના બળથી ઉત્કર્ષ પામનાર સ્વામી જોડે પતિવ્રતા પણ આકર્ષાય છે તે બે એક નથે નથાય છે, સમાન પ્રારબ્ધમાં પ્રવર્તે છે, અને સમાન ભાગ્યભોગનું આસ્વાદન કરે છે. સંસારીયોમાં જે સમાગમોત્કર્ષ ધુણાક્ષરન્યાયે જ થાય છે તે અલક્ષ્ય સંપ્રદાયનાં દમ્પતીઓમાં સ્વભાવસિદ્ધ પરિપાક પામે છે. નવીનચંદ્રજીની પાછળ મધુરીમૈયા આવાજ કોઈ નાડીચક્રોના બળથી આકર્ષાઈ આવેલાં છે અને તે જ નાડીચક્ર તેમના અનાગત પ્રારબ્ધનો ઉત્કર્ષ ચિરંજીવશૃંગ ઉપર રચે તો તેને લક્ષ્યવિભૂતિ જ ગણવી.

શંકાપુરી- જે એ ઉત્કર્ષ જાતે જ રચાવાનો હોય તો આપ જેવા વિરક્ત મહાત્માએ આ સ્ત્રીપુરુષને એકઠાં કરવાની ક્ષુદ્ર પ્રવૃત્તિમાં શું કરવા પડવું પડે ? એ કામ તો વિહારમઠના અધિષ્ઠાતાનું છે.

જ્ઞાન૦– શંકાપુરી, તમે શાંતિદાસને માટે જે ઉપનામ આપો છો તેવા તમે પણ શંખભારતી દેખાવ છો. ગુરુજીની અને અલખ સંપ્રદાયની અવજ્ઞા કરનાર જન આપણા મઠમાંથી બહિષ્કાર પામે છે.

શાંતિદાસ- ખરી વાત છે. માબાપ છોકરાંને પરણાવે અને ભેગાં રાખે તેમ ગુરુજી કરે છે તેમાં એમનો દોષ ક્‌હાડવો એ તે કૃતઘ્નતા થાય.

વિહારપુરીથી હસી પડાયું: “ જી મહારાજ, નિમ્નદેશનાં ભ્રષ્ટ સંસારીયોનાં સંસ્કાર આ સાધુઓમાંથી ઘસાઈ જવાની હજી ઘણી વાર છે એટલામાં, એ સંસારનો અનુભવ આપને હતો તેના સાધનથી, આપ આમને તૃપ્ત શાંત કરી શકશો.

જાનકી૦– શાંતિદાસ ઉચિત વચન બોલે છે. તેઓ પણ સંસારી હતા. અને એમનાં સંસારસંસ્કારી વચનથી સંસારસંસ્કારવાળા શંકાપુરીની શંકા શાંત થવી જોઈએ. विषस्य विषमौषधम्.

વિષ્ણુ૦– શંકાપુરીની શંકા સ્થાને થઈ છે. અનેક પ્રવાસીઓ ભિન્ન ભિન્ન માર્ગે થઈને એક જ સ્થાનમાં પ્હોચે અને તેમાંના કોઈકને એવી ભ્રાન્તિ થાય કે જે માર્ગે થઈને હું આવ્યો છું તે માર્ગે આ સર્વે આવ્યા હશે – તો તે ભ્રાન્તિ અસ્થાને નથી. વિહારમઠના અધિષ્ઠાતાના સૂક્ષ્મ ધર્મ જાળવનાર જ્ઞાનભારતી નવીનચંદ્રજીને માટે જે યોગ ઇચ્છે છે તેનું તારતમ્ય સમજી શકવા જેટલો તેમનો પરિચય શંકાપુરીને થયો નથી, ને એની દૃષ્ટિમાંથી સંસારનાં મમતા અને અહંકારથી બનેલા ભેદાભેદ ખસી ગયા નથી. સંસાર સ્ત્રીને શુદ્ધ ગણે છે અને સ્ત્રીપુરુષના યોગમાં શારીરિક પ્રયોગ અને સંતાનવાસના વિના બીજાં ફળ લેખતો નથી. જ્ઞાનભારતી ! હું પણ એ જ સંસારમાં હતો, અને સ્ત્રીપુરુષને અને શિશુશૂદ્રાદિને કેવળ આત્મરૂપ માની લખ સંયોગોમાં અલખ પરમાર્થ જોવા શીખતાં મને પોતાને ઘણો કાળ લાગ્યો હતો, અને શંકાપુરી તે ગિરિરાજ ઉપર નવા જ છે. તેમની અને નવીનચંદ્રજીની દૃષ્ટિઓને સરખાવી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ સમજી લ્યો ! જ્ઞાનભારતી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ એક દિશામાં ઇચ્છે છે; હું બીજી દિશામાં ઈચ્છું છું, એમના ચિત્તમાં એક માર્ગ છે. મ્હારા ચિત્તમાં બીજો માર્ગ છે. મ્હારા માર્ગનું ફળ નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવાથી આવે છે. જ્ઞાનભારતીના માર્ગનું ફળ પણ એ જ આવે છે. મ્હારા હાથમાંનાં રજજુમાં શંકાપુરીને આ ધર્મસાદૃશ્યથી સર્પની ભ્રાંતિ થઈ.

શંકા૦– ભલે તેમ હો. પણ જે જ્યોતિઃશાસ્ત્ર પ્રમાણે આપનો ઉદ્દેશ ગ્રહયોગથી જ ફળે એમ છે તો આપે આટલી પણ પ્રવૃત્તિ શા માટે કરવી ? તેના પ્રારબ્ધમાં હશે તે થશે એમ માની તટસ્થ કેમ ન ર્‌હેવું ?

શાંતિ૦- ગુરુજી, પણ નવીનચંદ્રજીને અને મધુરીને એક સ્થાનમાં રાખવાનું તો આપને પણ સંમત છે – તે પછી આપના અને જ્ઞાનભારતીના માર્ગ જુદા કેમ ?

વિષ્ણુ૦– શંકાપુરી, જ્યોતિઃશાસ્ત્રથી મનુષ્યની ગતિ અને ઈશ્વરેચ્છાના માર્ગ પ્રકાશમાં આવે છે; તેનાથી મનુષ્યના ધર્મ નષ્ટ થતા નથી. નવીનચંદ્રજીનું શરીર જંગલમાંથી અને અંધકારમાંથી ગ્રહોના નાડીચક્રના વેગથી આપણા હાથમાં આવ્યું અને આપણે તેના સમાગમના નિમિત્ત થયા. ફલાદેશે સ્પષ્ટ કર્યું કે એ શરીર આપણું અલખ કાર્યમાં રત્નરૂપ થશે. એ પુરુષના અનુભવથી અને પરિચયથી આપણે તેની અમૂલ્યતા અને તેના શુદ્ધ સિદ્ધ સંસ્કાર પ્રત્યક્ષ કર્યા, અને તેના તેજનો ચમત્કાર દીઠો. કાઈપણ અલખ–સ્ફુલિંગની દીપ્તિને પૂર્ણ સાકાર કરવા અને તેના શુભ સંસ્કારને સૂક્ષ્મ કરવા એટલો તો અલખ-મઠને સામાન્ય ધર્મ છે- કે જેને બળે તમે અને શાંતિદાસ આ સાધુજનોની ક્ષમાના અને આશ્રયના ગ્રાહક થઈ શક્યા છો. તો નવીનચંદ્રજી જેવા તેજસ્વી મનસ્વી સ્ફુલિંગની જ્વાલાઓને જગાડવાને તો આ મઠ જે કરે તે ઓછું છે, એ જ્વાલાઓના જાગવાથી જો આ મઠનું કલ્યાણ જ થતું હોય અને તે જ્વાલાઓની મધ્યે ઉભા રહી સર્વે સાધુજન જ્વાલામાલી જેવા થઈ જતા હોય તો તો તેમ કરવા પ્રયત્ન કરવો એ આપણો અનિવાર્ય ધર્મ છે અને ગ્રહોનો ફલાદેશ એ ધર્મદીપમાં તૈલ પુરે છે, જે ફલાદેશની સિદ્ધિએ આપણને આ રત્ન આપ્યું તે જ ફલાદેશ આપણે શિર આ ધર્મ મુકે છે. શંકા૦– ફલાદેશમાં અને આપણી દૃષ્ટિથી ભાસતા ધર્મમાં વિરોધ આવે ત્યારે શું કરવું ? ફલાદેશ ક્‌હે કે કે કાલ મરવાનું છે અને વ્યવહારદૃષ્ટિ ક્‌હે કે આજ વિવાહ કરવો ત્યારે શું કરવું ?

વિષ્ણુ૦– ધર્મકાર્યની વ્યવસ્થા એવી છે કે અલક્ષ્ય પરમાત્માની લક્ષ્ય દૃષ્ટિ સત્પુરુષના હૃદયમાં સ્ફુરે છે તેને જ પ્રથમ આદર આપવો. એ દૃષ્ટિથી કંઈક ધર્મ આવશ્યક ભાસે છે, કંઈક પદાર્થ અધર્મરૂપજ ભાસે છે, અને અન્ય વસ્તુઓમાં ધર્મ કે અધર્મ કંઈ હોતું નથી. લક્ષ્ય દૃષ્ટિને જે ધર્મ આવશ્યક લાગે તે સર્વથા કાર્ય છે - ફલાદેશ તો શું પણ ગુરુવચનનો પણ તેમાં અનાદર સાધનભૂત હોય તો તે યોગ્ય છે, પ્રલ્હાદે પિતાના વચનનો આ ધર્મકાર્યે અનાદર કર્યો. લક્ષ્ય દૃષ્ટિને અધર્મ લાગે તે એવીજ રીતે સર્વથા ત્યાજ્ય છે. તૃતીય વસ્તુ ગ્રાહ્ય પણ નથી, હેય પણ નથી. એમાં તે મનુષ્ય પોતાના સ્થૂલ સૂક્ષ્મ શરીરોની રસવૃત્તિ પ્રમાણે વર્તવા સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાના અધિકારી ઉપર બલાત્કાર ન કરવો - એ જુલમ ન કરવો પણ એ અધિકારીને – તેના પોતાના લખ–અલખ સંસ્કારોને બળે પરિપાક પામવા દેવો એ અલખ સંપ્રદાયનો એક મુખ્ય સિદ્ધાન્ત છે, એવા વિષયમાં ફલાદેશનો શ્રદ્ધાળુ જન શ્રદ્ધા પ્રમાણે વર્ત્તે તો તો ફલાદેશ અશુદ્ધ નીવડ્યે હાનિ થવાનું ભય અને શુદ્ધ નીવડ્યે લાભ થવાનો સંભવ. એ ભય અને સંભવ તે વ્યવહારના વ્યાપારના અંગભૂત છે; સાધુજનો તેમાં ઉદાસીન છે - કારણ વ્યવહારમાં તેઓ સંકોચ-ધર્મ પાળે છે એટલે શરીર આદિના વ્યવહારમાં તેઓ પ્રાપ્ત સ્થિતિને અનુકૂલ થઈ જાય છે અને અપ્રામથી સંકુચિત રહી તેની વાસના રાખતા નથી. વિહારમઠની વ્યવસ્થા આ જ ધર્મ પ્રમાણે રાખવામાં આવે છે. વિહારમઠમાં સૂક્ષ્મ શરીરનાં “લગ્ન થાય છે અને સ્થૂલના મરણનું ભય રાખવામાં આવતું નથી. જો ભગવાન અલખ મદન દમ્પતીને પરિશીલનાદિથી સિદ્ધ કરી વિવાહિત કરવા પ્રયત્ન કરે તો તેમાં ફલાદેશના કે મરણના ભયથી સાધુજનો કમ્પતા નથી, નવીનચંદ્રજીને ચિરંજીવ શૃંગમાં મોકલવા મને એક કાર્ય માટે કલ્યાણ ધર્મ લાગે છે; જ્ઞાનભારતીને બીજા કાર્ય માટે લાગે છે. નવીનચંદ્રજીના કલ્યાણમાં મધુરીમૈયાના કલ્યાણનું નાડીચક્ર ભળેલું હોય તો અલખ પરમાત્માની તે ઇચ્છાને પેલા કલ્યાણ ધર્મને વહન આપનારી ગણવી તે ઇચ્છાથી પ્રતિકૂળ થવું તે અધર્મ છે.

શંકા૦- આપ પરમાત્માની ઇચ્છાને પ્રબળ ગણો છે કે ગ્રહોના નાડીચક્રના અનિવાર્ય વેગને ? વિષ્ણુ૦– પરમાત્માના વિશ્વરૂપમાં - અલખના લખરૂપમાં - ગ્રહો અંશભૂત છે અને તેમનાં નાડીચક્રોનું મૂળ પરમાત્માની ઇચ્છા સાથે જ સંધાયું છે અને એ નાડીચક્ર ઉપર અને આપણાં સર્વના ઉપર એ પરમ ઇચ્છા ઈશરૂપે - નિયન્તારૂપે-પ્રવર્તે છે, યોગશાસ્ત્રનાં, ગ્રહોનાં અને નક્ષત્રોનાં, અને એવાં અનેક નાડીચક્રો સર્વે લખ સંસારનું અદ્વૈત આપણી દૃષ્ટિમાં પ્રત્યક્ષ કરાવી શકે છે, પણ એ દષ્ટિ આ ચર્મચક્ષુથી ભિન્ન છે.

શંકા૦- પણ ગ્રહોપગ્રહની શુદ્ધ સ્થિતિ આપણા લેાક ક્યાં જાણતાં હતા ? આપણા લોક સૂર્યને ફરતો માનતા, હાલની વિદ્યાથી પૃથ્વી ફરતી મનાય છે, અને ગ્રહો તો ઘણાક નવા શોધાયા છે. એ સર્વના અજ્ઞાનને કાળે બાંધેલાં જાતક–તાજક તો ભ્રાન્તિરૂપ જ હોવાં જોઈએ.

વિષ્ણુ૦– અલખ રહસ્યનું શાસ્ત્ર અલખના જેવું એક અને નિત્ય છે. અલખના લખરૂપનાં શાસ્ત્રપ્રકરણ અનેક અને અનિત્ય છે, કારણ લખજ્ઞાન વ્યક્તિયોની દૃષ્ટિઓનાં મીલનોન્મીલન અને ગ્રહણશક્તિઓના ઉપર આધાર રાખે છે. નક્ષત્રશાસ્ત્ર સ્વરાજ્યનાશ પછી આ દેશમાં કુણ્ઠિત થયું છે તે અન્યત્ર વૃદ્ધિ પામ્યું હશે. એ વૃદ્ધિથી લક્ષણ ફેરવવાં પડે પણ નવા અને જુનાઓ ઉભયના લક્ષિત પદાર્થ લક્ષ્ય કર્યા વિના લક્ષણ ફેરવાતાં નથી, અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રોને સંબંધે નવા શોધ થયા હોય તો આપણો લખમાર્ગ તેને પ્રતિકૂળ નથી. એ શોધનથી આપણાં ગણિત ફરે તે સ્વાભાવિક છે પણ અપૂર્વ અનુભવથી જે નિયમો લક્ષ્યદ્રષ્ટાઓએ શોધી ક્‌હાડ્યા છે તે સ્વપ્નજાળ જેવા છે એવો વાદ કરવો સુલભ છે પણ અનુભવથી સિદ્ધ કરવાની વાતો તો જાતે જ સ્વપ્નજાળ જેવી છે. પૃથ્વી ગોળ છે કે નહીં અને સૂર્ય ફરે છે કે નહીં ઇત્યાદિ પ્રશ્નો આપણું લક્ષ્યદ્રષ્ટાઓને સુઝયા હતા.*[] અને તેમના અનુયાયી પંડિતોની દૃષ્ટિ લક્ષણદર્શનથી તૃપ્ત થઈ કુણ્ઠિત થઈ ન હત તો લક્ષ્યદૃષ્ટિ પરિપાક પામત અને તમારા પ્રશ્નનું સમાધાન થાત. †[] જાતક–તાજકમાં


  1. * A Siddhanta declares that the earth is round and unsupported in space. × × Aryabhatta seems to have reached by independent observations the knowledge of the earth's movement on its axis and to have availed himself of the science of his time in calculating the precession ofthe equinoxes and the length of the orbital times of planets : Astrological Self-Instructor, by B. Suryanarayana Row, B. A. of Bellary.
  2. †The astronomical tables found in the possession of Tiruvallore astronomers, and taken to France in the last century, have now been found to be correct than those given out by the best of the astronomers of the present day. “Fibulous ” cycles of years given by the Hindu astronomers in their almanacks have been receiving greater and greater confirmation from the hands of the geologist and the psychologist, × × × I do not think I have put forth any wild theory which requires to be knocked down at once by young men who treat so lightly our sciences, without the least effort on their part to go into their details. A congress of the Rishis seems to have been held with the object of thoroughly investigating the physical phenomena, and at its head stood Maharshi Matanga with Son bhari for his assistant. They framed more than a hundred thousand Sutras × × In the portion of the work I have seen the Sutras relate to Sondamini or electricity and magnetism. It also gives the composition of the sun, the planets, the earth, etc. -Suryanarayana Row.
ભુલો હશે માટે તેને નિરાધાર ક્‌હેનારે પોતાની ગ્રહસ્થિતિ જાણી વેળોવેળા

પોતાના ઇતિહાસ સાથે સરખાવવી અને તેમ કર્યા પછી એ શાસ્ત્રના સત્યાસત્યનો નિર્ણય કરવો એ જ ન્યાય્ય છે. શંકાપુરી, જાનકીદાસ પાસે તમારી જન્મપત્રિકા કરાવો અને એ શાસ્ત્રનું અધ્યાપન અને તેના અનુભવ કરી પછી આ પ્રશ્ન પુછો.

શંકા૦- નવીનચંદ્રજીનો ફલાદેશ શો છે અને શા ઉપરથી આપે ક્‌હાડ્યો ? તેના જન્માક્ષર તો આપની પાસે હશે નહી.

વિષ્ણુ૦– પ્રશ્નલગ્ન ક્‌હાડી, મ્હારી પોતાની જન્મકુંડલીના સંયોગો સાથે મેળવી, સઉ કર્યું અને તેથી સ્પષ્ટ થયું કે આ પુરુષને યૂપયોગ છે.

શંકા૦- તેનું ફળ શું ?

વિષ્ણુ૦- જાનકીદાસ, આમની જિજ્ઞાસાને તૃપ્ત કરો.

જાનકી૦–

धीरोदारो यज्ञकर्मानुसारो
नानाविद्यासद्विचारो नरो वै ।
यस्योत्पत्तौ जायते यूपयोगो
योगो लक्ष्म्या जायते तस्य नूनम् ॥

તેમાં વળી ગુરુ બીજા સ્થાનમાં હોય તો વિશેષ ફળ એવું છે કે,

सद्रूपविद्यागुणकीर्तियुक्तः
संत्यक्तवैरोऽपि नरो गरीयान् ।
त्यागी सुशीलो द्रविणेन पूर्णो
गीर्वाणवन्द्ये द्रविणोपयाते ॥

વિષ્ણુ૦- આમાં ઘણા ઘણા ગુણોનો આ નરમાં સંયોગ ક્‌હેલો છે અને તે તેમાં હોય તો તેઓ આ મઠનું પરમ કલ્યાણ કરી શકશે. ત્યાગી હોવા છતાં દ્રવ્યથી પૂર્ણતાનો યોગ તો આવા મઠનાં અધિષ્ઠાતાઓમાં જ સંભવે. તેઓ દ્રવ્યવાન હોય - દ્રવ્યનું અધિષ્ઠાન થાય; પણ ભાર મુકવાના સ્થાણ પેઠે દ્રવ્યને માત્ર ભારરૂપે ઝીલે અને સાધુજનોનાં કલ્યાણ કાર્યમાં એ ભારથી મુક્ત થાય અને જાતે ત્યાગી ર્‌હે. આપણા ત્રણે મઠનો નિર્વાહ આ રાજ્યના મહારાજોની કૃપાથી અને લોકની શ્રદ્ધાથી આજ સુધી થયો છે. મહારાજની કૃપાનો આધાર આપણી યોગ્યતા છે – તે યોગ્યતા નષ્ટ થાય તો એ કૃપા ભલે નષ્ટ થાય. પણ એ શ્રદ્ધા હવે લોકમાંથી યુગમાહાત્મ્યને બળે ઘસવાની. લોકના આચાર દિવસે દિવસે અધોગતિ પામતા જાય છે અને તેમની અધેાગત શ્રદ્ધા છે એવી રાખવી હોય તે આપણા સાંપ્રત સંપ્રદાયમાંથી અને આચારમાંથી ભ્રષ્ટ થઈ આપણે ઘેલા લોકના દેશમાં ઘેલા અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ થઈએ તો જ બનશે. સુન્દરગિરિ ઉપરના સાધુજનો આજ સુધી એવા વિનિપાતથી મુક્ત રહ્યા છે તે આ લોકની શ્રદ્ધાના લોભમાં તણાઈ એ વિનિપાતને સમીપ આવવા નહી દે. આપણે એ શ્રદ્ધા વિના અને એ લોકના આશ્રયવિના નિર્વાહ કરવાના માર્ગ જેઈએ. સંસારમાં કેવો યુગ પ્રવર્તે છે, તેનો ઉદ્ધાર કેમ કરવો, છતાં તેના સંસર્ગથી કેમ મુક્ત અને દૂર ર્‌હેવું, સુન્દરગિરિનો ઉત્કર્ષ કેમ રાખવો, અને સાધુજનોનો કીયા દ્રવ્યથી નિર્વાહ કરવો એ સર્વે આવા દ્રવ્યયોગવાળા વિદ્યાવાન્, મતિમાન્, પુરુષ વિના બીજાને સુઝે એમ નથી અને માટે જ હું નવીનચંદ્રજીમાં સાધુઓનો ઉત્કર્ષ જોઉં છું.

શંકા૦- ૫ણ યજ્ઞકર્મનું અનુસરણ કરવાનું અલખમાર્ગમાં નથી, નવીનચંદ્રમાં નથી, અને આ શ્લોકમાં આવ્યું.

વિષ્ણુ૦- ક્યા બચ્ચા ? સબમેં શંકા ? આપણા સંપ્રદાયમાં યજ્ઞકર્મ નથી એમ કોણે કહ્યું ? અલખમાં લક્ષ્યની સ્થિતિ કેવી છે તે જણવતાં આપણા ભાષ્યકાર ક્‌હે છે કે લક્ષ્ય વસ્તુ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે તે યજ્ઞરૂપે જ્વલમાન થાય છે.[] આ સંબંધમાં ઘણીક શ્રુતિઓના આધાર આવી પોતે સમજાવે છે કે

एषु मन्त्रेषु पुरुषः पशुः पुरुषो हविः पुरुष एव च
यज्ञ इति योऽयं यज्ञ उक्तः स एव लक्ष्यरुपो यज्ञः
सर्वत्र प्रज्वलति । सैवेयमिष्टिरस्मत्सिद्धान्ते ।
येयं पशुमारमिष्टिरन्यैः क्रियते सा तु निन्द्याऽस्मिन् युगे ।
कलौ त्वेक एवायं लक्ष्ययज्ञो लक्ष्यधर्मधारकः ॥ []

શંકાપુરી ! અલખના લખયજ્ઞનો કર્મવિધિ અવકાશે જ્ઞાનભારતી પાસેથી કે વિહારપુરી પાસેથી શીખી લેવાનો અધિકાર તને આપું છું. એ યજ્ઞકર્મમાં નવીનચન્દ્ર ઉત્તમ કૃતિ કરશે. એ એકલા દ્રવ્યના જ ત્યાગી થઈ તૃપ્ત નહી થાય. તેમનો ત્યાગ અનેકધા સૂક્ષ્મ થશે - દ્રવ્યનો ત્યાગ, દ્રવ્યનો હોમ, દ્રવ્યનો બલિ – એ સર્વ આ સૂક્ષ્મ ત્યાગના યજ્ઞમાં સાધનભૂત થશે, અને મધુરીમૈયાની સૂક્ષ્મ પ્રીતિના યોગનો યોગી એ પ્રીતિમાંથી સ્થૂલ તો શું પણ અનેકધા સૂક્ષ્મ યજ્ઞવિધિ રચી સૂક્ષ્મ આહુતિઓ આપશે, સૂક્ષ્મ ત્યાગ કરશે, અને એ યજ્ઞની સૂક્ષ્મ અલક્ષ્ય ને લક્ષ્ય ઉભય જ્વાલાઓને યદુશૃંગના સાધુજનો એક દિવસે પ્રત્યક્ષ કરશે એવો મ્હારો સિદ્ધાન્ત છે ને એવી મ્હારી શ્રદ્ધા છે. બચ્ચા શંકાપુરી, જે સંસારને ત્હેં ત્યાગ કર્યો છે તેમાં સર્વ પદાર્થ સ્થૂલ દૃષ્ટિથી જોવાય છે તે સંસ્કારનો અને તે અભ્યાસનો ત્યાગ કરી યદુશૃંગ ઉપરના સર્વ પદાર્થોને અધ્યાત્મ દૃષ્ટિથી જોવાના સૂક્ષ્મ સંસ્કારોને પ્રાપ્ત કર અને તે સંસ્કારોને ત્હારા સૂક્ષ્મ દેહમાં અભ્યસ્ત કર.


શંકા૦- જી મહારાજ, પ્રસ્તુત વિષયમાં આપે મ્હારી શંકાઓનું સમાધાન કર્યું છે તેનું હું મનન કરીશ. આપે સૂચવેલા માર્ગથી હું આપની કૃપાનો અધિકતર પાત્ર થઈશ.

શાંતિ૦– જી મહારાજ, હવે કાંઈ મ્હારી શંકાઓનું પણ સમાધાન કરવાની કૃપા કરશો ?

વિષ્ણુ૦- તમારા અધિકારનો વિષય હશે તો તમારું સમાધાન થશે.

શાંતિ૦– પુરુષ અને સ્ત્રીનો એકત્ર એકાંત સમાગમ થવા દેવો અને પછી તેમનાં સ્થૂલ શરીર દૂર ર્‌હેશે એવી કલ્પના સ્થૂલ શરીરની શક્તિથી વિરુદ્ધ નથી ? તે એકાંતમાં મળે એટલે બીજી વાતો ખોટી અને એક વાત ખરી.

“જુવો, જુવો,ભાઈ શંખભારતીને શંકા થઈ ઉઠ, ભાઈ, ઉઠ, બ્હાર જઈએ ને ત્હારી વિડમ્બનામાંથી ગુરુજીને મુક્ત કરીયે. હું ત્હારું સમાધાન કરીશ.” શંકાપુરીએ કહ્યું.

શાંતિ૦- હવે તું તે શું સમાધાન કરવાનો હતો ? ઘરની સ્ત્રીનો ત્યાગ કરી બિન્દુમતીનું પરિશીલન કરતાં ફાવ્યો નહી તે જ તું કે નહી ?

“ખરેખરો શંખભારતી છે. કુટ માથું ” શંકાપુરી એક પાસે મૌન રાખી બેઠો. જાનકીદાસે હસવા માંડ્યું, જ્ઞાનભારતીને કંઈક ક્રોધ થયો વિહારપુરી ચમક્યો. વિષ્ણુદાસ શાંત રહી સાંભળી રહ્યા ને અંતે બોલ્યા. “શાંતિદાસ, ઉત્તમ ગ્રહદશાને બળે કોઈક મહાત્માઓનો સંયમ એવે કાળે પણ અચળ રહી શકે છે, અધમ ગ્રહદશાને બળે કોઈક દુષ્ટ જનો સ્ત્રીશૂન્ય દેશમાં પણ સ્ત્રીયોને ફસાવે છે અને વિષયને શોધે છે. સંસારીયોનો તમને અનુભવ છે તેમાં મ્હોટો ભાગ મધ્યમ પક્ષનો છે – તેમને સ્ત્રીપુત્રની વાસના હોય છે, તેમનામાં પાશવ કામ સર્વદા જાગૃત હોય છે, અને એ કામ વિના અન્ય કામને તેઓ ઓળખતા નથી, માટે જ ગમે તે સ્ત્રી અને ગમે તે પુરુષનો યોગ રચી – તે યોગને વિવાહનું નામ આપી – તેથી તૃપ્ત થાય છે. જે સૂક્ષ્મ પ્રીતિથી મનુષ્યની સ્થૂલ વાસના સૂક્ષ્મ સંયમને વશ થાય છે તે પ્રીતિનું કે સંયમનું સંસારને ભાન નથી માટે જ ત્યાં સ્ત્રીપુરુષ પરસ્પર વિશ્વાસ કરતાં નથી અને એકબીજાથી ડરતાં ફરે છે. વિહારમઠમાં તો વિવાહિત અને ગૃહસ્થ સાધુઓને અમુક મર્યાદામાં સંયમ પાળવા પડે છે; અને મૂર્ખ સંસારીઓ બહુધા અનિયમને સ્થાને નિયમ પાળે છે, ને નિયમને સ્થાને અનિયમ પાળે છે, ત્યારે કામશાસ્ત્રનું સૂત્ર છે કે शरीरस्थितिहेतुत्वादाहारधर्माणो हि कामा: फलभूताश्च धर्मार्थयोः એ સૂત્રમાં समर्थाश्चालक्ष्यसूक्ष्माववोधने એટલો પાઠ વધારી તેનું રહસ્ય સારી રીતે સમજી લેઈ વિહારમઠનાં દમ્પતીયો એ શાસ્ત્રની મર્યાદામાં વિહરે છે, અને એ દમ્પતીઓ પોતાનાં સ્થૂલ શરીરને પણ વૈદ્યકશાસ્ત્રની અને કામશાસ્ત્રની નિયન્ત્રણાઓને વશ રાખે છે. આથી સ્ત્રીપુરુષનો સંબંધ અંહી અધ્યાત્મ ગણાય છે ને સ્ત્રીનો ઉત્કર્ષ પુરુષથી ન્યૂન ગણાતો નથી. નવીનચંદ્રજી તમારા સંસારમાંથી આવ્યા છે, તે છતાં આ વિષયોમાંના ઉત્કૃષ્ટ ભાગ તેમને હસ્તામલક જેવા છે, તેમને સૂક્ષ્મ પ્રીતિમાં અને સૂક્ષ્મ ત્યાગમાં જન્મસિદ્ધિ છે, તેમના ઉત્તમ ગ્રહ પણ એમને એમાં શક્તિ આપે છે, અને ભ્રષ્ટ સંસાર વિના અન્ય પદાર્થના જ્ઞાનવિનાની તમારી બુદ્ધિ જે સમાગમની કલ્પનાથી કમ્પે છે તે સમાગમકાળે, ઉર્વશી પાસે અર્જુને દર્શાવ્યો એવા સ્વભાવસિદ્ધ સંયમમાં, અચળ ર્‌હેવાની નવીનચંદ્રજીને શક્તિ છે એવું મ્હારું ગણિત છે. યદુશૃંગ ઉપરના સાધુઓ સ્ત્રીપુરુષોને અધ્યાત્મ દૃષ્ટિથી જુવે છે અને તેમના સ્થૂલ વિકારોને અધર્મ્ય વિકાસ આપવા દેવાના માર્ગ બંધ રાખવામાં આવે છે અને ધર્મ્ય પરિણામ પામવામાં અંકુશ રાખવામાં આવતો નથી – માટે જ આ ઘડીએ ચન્દ્રાવલીમૈયા નવીનચન્દ્રજી સાથે અત્યારે સર્વ સાધુજનોને વિદિત રહી એકાંત ગોષ્ઠી કરવા ગયાં હશે તે છતાં તેમની પવિત્રતા ઉપર શંકાપુરીને પણ શંકા થઈ નથી. તમારા સંસારમાં તો એવા બનાવથી, – મધપુડો ઉરાડ્યો હોય ને તેની માખો ગણગણે ને દંશ દે એવી મધમાખેાની દશાને લોક પ્રાપ્ત થાય અને આ બે પવિત્ર સ્ત્રીપુરુષના આત્માને ન ઓળખતાં એ લોક તેમનાં શરીરને જ દેખે અને વિપરીત ભાવનાઓ કરવા બેસે. એ સંસારની ભાવનાઓનો તમે હવે ત્યાગ કરો, અને યદુશૃંગની નવીન વિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરવાનો પ્રથમ પ્રયત્ન કરો. જ્ઞાનભારતી, શાંતિદાસને આ ભાવનાઓ પ્રાપ્ત કરાવવાનું કામ તમારા મઠમાંના કોઈ સાધુને સોંપજો.”

શાન્તિદાસ પ્રસન્ન થયો. એ ને શંકાપુરી રજા લેઈ બ્હાર ગયા. ર્‌હેલા મંડળ સાથે વાર્તા વાધી.

વિષ્ણુ૦– હવે મ્હારે તમને ત્રણને એકાન્ત વાત કરવાની છે; ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે.

ત્રણે જણ સજજ થયા.

વિષ્ણુ૦- કાલથી પાંચ દિવસ મ્હારો દેહ જીવવિનાનો એકલો પડ્યો ર્‌હેશે તેનું રક્ષણ તમો એ, ગુપ્ત મંત્ર રાખી, કરવું.

“જી મહારાજ, આપની આજ્ઞાથી કોઈ પદાર્થમાં વિશેષ નથી તો આ૫ના શરીરસંરક્ષણમાં તો પુછવું જ શું ?” વિહારપુરી બોલ્યો.

“એમાં કાંઈ શંકા જ ન કરવી.” જાનકીદાસ બોલ્યો.

જ્ઞાન૦– સર્વે તેમાં સાવધાન ને સજજ છીએ.

વિષ્ણુ૦- આ શરીર હવે જર્જરિત થયું છે અને નવીનચંદ્રજીને સિદ્ધ કરવામાં મ્હારાથી હવે એક જ ક્રિયા થઈ શકે એમ છે. તેને અનેક ભાષાઓનું જ્ઞાન છે અને અનેક વિદ્યાઓ ને સંસ્કારો તેની બુદ્ધિમાં ભર્યા છે. તેની સ્થૂલ તો શું પણ સૂક્ષ્મ વાસનાઓ પણ આપણને પરોક્ષ છે. એની વાસનાઓ એવી તો સૂક્ષ્મતમ છે કે તેને દગ્ધ થવાનો કાળ બહુ દૂર નથી. એ અસંપ્રજ્ઞાત યોગના અધિકારી છે અને જપાકુસુમ જેવી એની સૂક્ષ્મ વૃત્તિઓનો નિરોધ થશે તો એ પરમ અલક્ષ્ય સ્વરૂપમાં અવસ્થિત થશે. કાલથી પાંચ દિવસમાંની અનુકૂળ રાત્રિયોમાં અનુકૂળ મુહૂર્ત્તોમાં હું તેમના શરીરમાં પ્રવેશ પામવા યત્ન કરીશ અને મ્હારા ચિત્તદ્વારા એમના ચિત્તમાં પ્રવેશ કરી ચિત્તની વૃત્તિઓને દાહ કરવા પ્રયત્ન કરીશ. બાકીનાં કાળમાં હું મ્હારે પોતાને અર્થેજ યોગસ્થ રહીશ. એ રાત્રિયોમાં મ્હારા શરીર બ્હાર નીકળેલા ચિત્તની વિદેહાસિદ્ધિના યોગથી નવીનચંદ્રજીને પણ પ્રકાશાવરણનો યથાપ્રારબ્ધ ક્ષય પ્રાપ્ત થશે. હું જાતે એ દશામાં મૂર્ધજ્યોતિમાં સંયત થઈ સિદ્ધ-દર્શન કરીશ, અને મ્હારા અને નવીનચંદ્રજીના ચિદ્ધાતુ જેટલા સંગત હશે તેટલા પ્રમાણમાં, જે સિદ્ધોને હું જોઈશ તેને એ પણ કંઈ જોશે. જે વિષયોમાં હું આ શરીરે નવીનચંદ્રજીની જિજ્ઞાસાને અને વાસનાને શાંત કરવા શક્ત નથી તેને એ સિદ્ધ પુરુષો શાંત કરશે. બીજું કાંઈ નહી થાય તો એ દર્શનથી ઋતંભરા[] પ્રજ્ઞાનાં બીજ એમના હૃદયમાં પડશે.

વિહાર૦– ઈંગ્રેજી વાસનાને સિદ્ધજન શું કરશે?

વિષ્ણુ૦- યમદ્વારની પેલી પાસ સત્પુરૂષોનાં સૂક્ષ્મ શરીર સાર્વભાષિક સિદ્ધરૂપે જીવે છે અને તેમાં આર્ય-અનાર્યનો ભેદ નથી. જે સિદ્ધરૂપ નવીનચંદ્રજીને અભિમત હશે તે જ એમને પ્રત્યક્ષ થશે, એમના ચિત્તસરોવરમાં નિર્મળી[] નાંખી હોય તેમ આ દર્શનથી તેમાંનાં સર્વ લીલ અને મળ છુટાં પડશે, તેમની સર્વ શંકાઓનું સમાધાન થશે, અને સૂર્યના પ્રકાશથી અન્ધકાર નષ્ટ થાય અને સદ્વસ્તુઓ દૃષ્ટ થાય તેમ નવીનચંદ્રજીના ચિત્તમાં તેમની યોગ્યતા પ્રમાણે થશે.

જ્ઞાન૦– આપની શક્તિ તેમના કરતાં અનેકધા વિશેષ છે; આપ જાતે જીવનમુકત છો અને આવા સાહસ વિના તૃપ્ત, કૃતકૃત્ય, અને મુક્ત છો. જેમ આપે સર્વ વિદ્યાને સંપાદિત જાતે કરી તેમ એ ભલે કરે, પણ આમ હઠદાન કરવાનું કારણ શું ? એ મહાસાહસ આરંભવા જેવું ફળ દેખાતું નથી.

જાનકી૦– નવીનચંદ્રજીને ગ્રહયોગ જ સિદ્ધ છે તો આપનું આ અતિસાહસ નિરર્થક છે.

વિહાર૦– જી મહારાજ, આપને અને એમને ઉભયને મોક્ષવસ્તુ જ્ઞાનસાધ્ય છે તો તે ટુંકો માર્ગ મુકી કેવળ સાધનરૂપ યોગસિદ્ધિના વિકટ માર્ગ અન્ય મિથ્યાપ્રપંઞ્ચ જેવા લાગતા નથી?

વિષ્ણુ૦- જો આટલું કર્તવ્ય હોય તો સાહસ અસાહસનો વિચાર કર્તવ્ય નથી. કેવળ પરમ અલક્ષ્ય તત્વનો વિચાર કરીયે તો, વિહારપુરી, તું જે ક્‌હે છે તે જ સત્ય છે પણ જો એ અલક્ષ્યના લક્ષ્ય સ્વરૂપના ધર્મ વિચારીયે તો જે ન્યાયે કૃષ્ણપરમાત્મા પાણ્ડવોના સાધનભૂત થતા હતા તે જ


  1. ૧. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૧.
  2. ૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૨.
  3. ૧. ઋતંભરા પ્રજ્ઞાનું વર્ણન હવેના પ્રકરણમાં આવશે.
  4. ૨. જળમાંથી કચરો નીચે બેસાડવાને અને તે ઉપર નીતરી રહેલું પાણી નિર્મળ કરવાને માટે નિર્મળી નામનો પદાર્થ પાણીમાં નાંખવાનો કાશીમાં પરિચય છે.
ન્યાયે આ વસ્તુ કર્તવ્ય છે. ઈશરૂપ લક્ષ્યપરમાત્મા અનીશ જીવન ઉપર

કૃપા કરી તેને પોતાના દૃષ્ટિપાતવડે પોતાનું સામ્ય આપે છે[] તે જ કૃપાને સ્થાને ઈશનું સામ્ય પામેલા જીવસ્ફુલિંગ અન્ય જીવપર પ્રીતિ રાખે છે અને પ્રીતિને બળે તેને પોતાનું સામ્ય આપે છે. એક તરુ ઉપર વળગેલા ઈશ અને અનીશની, તેમ અનીશ અને અનીશની, વચ્ચે આવાં નાડીચક્ર છે, સત્પુરુષોની ઊર્ધ્વ ગતિમાં અને અસત્પુરુષોની અધોગતિમાં આ ચક્ર, સાધનભૂત થાય છે. મ્હારી અને નવીનચંદ્રજીની વચ્ચે તેમ તેની અને સાધુજનોની વચ્ચે આવું નાડીચક્ર બંધાઈ ચુકયું છે, અને નવીનચંદ્રજી મ્હારી જોડે એક નાડીથી સંધાઈ ઊર્ધ્વગતિ પામે તો તે મ્હારો લક્ષ્યધર્મ છે. વિહારપુરી, નવીનચંદ્રજી જાગૃત અવસ્થામાં કે સ્વપ્નમાં આ નાડીસંયોગનું આકર્ષણ અનુભવશે અને તેથી ઉતરતે પ્રકારે, મધુરીમૈયા તેમની સાથે સત્ય નાડીબન્ધથી સંગત હશે તો, એ પણ આ આકર્ષણના હેલારા અનુભવશે. અન્ય વિરાગમૂલક સંપ્રદાયમાં લક્ષ્ય ધર્મનો અનાદર કરી અલક્ષ્ય સાધન શ્રેષ્ઠ ગણાય છે; પણ આપણામાં તો લક્ષ્યધર્મનો આદર કરીનેજ અલક્ષ્યાવગાહન થાય છે.”

[]लक्ष्यधर्मान समाद्दत्य लक्ष्यात्मा लक्षते स्वयम्
अल्क्ष्ये चावगाहेत सोऽयमात्मप्रबोधवान् ॥

એ મંત્રનું રહસ્ય તો આવા લક્ષ્યધર્મથી જ સધાય છે. પરસ્પરનું ઉદ્દબોધન કરવું એ આ ધર્મોમાં પરમધર્મ છે તે સાધવાનો વારો આજ મ્હારે શિર છે, કારણ ધારેલું કાર્ય મ્હારા વિના બીજાથી સાધ્ય નથી. બચ્ચા વિહારપુરી, જે સ્વરૂપે લક્ષ્યધર્મ વિહારમઠમાં શિષ્ટ છે અને જેનો ત્યાગ આપણે કરીયે છીયે તે ધર્મપ્રાપ્ત ત્યાગ ત્યાગકામી થઈને નથી કરતા, પણ એ ત્યાગ જાતેજ લક્ષ્યધર્મ થાય છે ત્યારે આપણે તેને સ્વીકારીયે છીએ. તો પછી નવીનચંદ્રજી જેવા સાધુજન પ્રતિ આવો સૂક્ષ્મ લક્ષ્યધર્મ પાળવો એ તો સર્વ સાધુજનોને અલક્ષ્યમાં અવગાહન કરાવવાનો માર્ગ જ ગણવો.


  1. ૧. ત્રીજો ભાગઃ પૃષ્ઠ ૧રપ.
  2. ૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૦૦ અને ૧૧૩-૧૧૪.