સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૧

← પ્રકરણ ૫. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૧
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૨. →


દ્વિતીય ખણ્ડ.

સાઠીનૂં વાઙ્ગમય

પ્રકરણ ૧.

પાછલા ખંડમાં ઈ. સ. ૧૮૪૮ થી તે ૧૯૦૮ સુધીની સાઠીની પૂર્વે સાહિત્યની સ્થિતિ કેવી હતી તે કહી ગયા. તે કાળમાં કેળવણીનો ક્રમ કેવો હતો તે પણ અમે કહ્યું; તેમજ તે કાળના આરંભમાં લોકોના મનની રૂચિ સાહિત્ય તરફ કેવી અને કેઈ દિશામાં વળી હતી તેનું પણ યથોચિત વર્ણન આપ્યું. વળી એ ચળવળમાં કીયા કીયા ગૃહસ્થો સામિલ હતા તે વિષે પણ ટુંકી નોંધ લીધી. હવે અમે અમારા પ્રસ્તુત વિષયપર આવીશું. પારસી ગુજરાતીનો ઉદ્‌ભવ, અભ્યુદય અને વર્ત્તમાન સ્થિતિનું સહજ ચિત્ર આપવાનો યત્ન કરીશું. પાદરી લોકોએ પોતાનો ધર્મ ફેલાવવા અને સામાન્ય રીતે જનમંડળને સુધારવાને શું શું કર્યું અને તે અંગે ગુજરાતી સાહિત્યમાં તેમણે શો ફાળો આપ્યો તે પણ ઘણું ટૂંકાણમાં કહીશું. જૈન સાહિત્યની ટુંકી નોંધ લઇશું. છેવટે સાહિત્યનાજ એક અંગ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, અને માસિક વગેરે પત્રો, તેમજ સાહિત્યની પુરી પુષ્ટિ કરનાર મુદ્રાયંત્ર–છાપખાનાની પણ સહેજ હકીકત કહીશું.

આ સાઠીમાં ચોતરફનાં જૂદાં જૂદાં બળોને લીધે સાહિત્યનો ઉદ્‌ભવ અને અભ્યુદય થયો તે વરણવીશું; તે અંગે એ અરસામાં પ્રગટ થએલાં પુસ્તકો વિષે ટૂંકાણમાં કહીશું. અમને ભય લાગે છે કે એમ કરતાં અમે એ પુસ્તકો પ્રગટ થયાનો કાળક્રમ જાળવી શકીશું નહિ. એટલે અમારા આ લઘુ ગ્રંથની ગોઠવણ કાળ પ્રમાણે નહિ થાય, પુસ્તકોના વિષયવાર ભાગ પાડી નાંખીને દરેક વિષયને અનુસરીને તેમાં લખાયલાં માત્ર જાણવા લાયક પુસ્તકોના ગુણદોષની ટૂંકી નોંધ પણ લઈશું. અમે કહી ગયા છઈએ કે એક કાળ એવો હતો કે જ્યારે ગુજરાતી ગ્રંથો બિલકુલ નહોતા. ત્યારબાદ પ્રથમ શાળોપયોગી પુસ્તકો પ્રગટ થયાં. પ્રારંભ શાળોપયોગી પુસ્તકોથી થએલો હોવાથી અમે પણ એ જાતનાં પુસ્તકોની નોંધ પ્રથમ લઇશું. બેશક તેમ કરતાં છેક સાઠીના અન્તસમયનાં પણ તે જાતનાં પુસ્તકોને માટે વિવેચન કરવું પડશેજ.

શાળોપયોગી પુસ્તકો પ્રગટ થયા પછી સાંખુ રાખેલી જમીનમાં રોપેલાં બીની પેઠે એકદમ ફણગા ફુટી નીકળી સ્વ. એ. કે. ફોર્બ્સ અને બીજા ગૃહસ્થોના પરિશ્રમને બહોળો ફાલ આવ્યો. એક કાળ એવો હતો કે જે વખતે બીજી ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોના અનુવાદ–ભાષાન્તરો–કરવાનો વા ચાલ્યો હતો એવી સૂચના અમે કરી ગયા છઈએ. હવે આ સાઠીમાં પ્રગટ થએલાં પુસ્તકોનો સમગ્ર હુંડો લેતાં પણ એ પવન હજુએ ચાલે છે એમ અમારે કહેવું પડે છે.

આ સાઠીમાં આપણી માતૃભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય. ૧ ગુજરાતીના જૂના ગ્રંથો આ કાળમાં છપાયા હોય એ, ૨ ભાષાન્તરો અને ૩ નવા લખાએલા મૂળ ગ્રંથો. આમ કરવાથી દરેક જાતના ગ્રંથો કેટલા કેટલા વધ્યા તેમજ નવા મૂળ ગ્રંથો થઈને ભાષાની સમૃદ્ધિ કેટલી વધી તે સહજ જાણી શકાય. અમે બનતાં સુધી આ ગોઠવણ ખાસ ધ્યાનમાં રાખીશું.