સાધુ તે જનનો સંગ
મીરાંબાઈ



સાધુ તે જનનો સંગ


સાધુ તે જનનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે.
મોટા પુરુષનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે !
મોટા પુરુષના દર્શન કરતાં,
ચડે છે ચોગમો રંગ ... બાઈ.
અડસઠ તીરથ સંતોને ચરણે,
કોટિ કાશી ને કોટિ ગંગ,
દુરજન લોકોનો સંગ ન કરીયે,
પાડે ભજનમાં ભંગ ... બાઈ.
નિંદાના કરનાર નરકે રે જાશે,
ભોગવશે થઈ ભોરિંગ,
મીરાં કહે બાઈ, સંત ચરણરજ,
ઊડીને લાગ્યો મારે અંગ ... બાઈ.